FTIL વિરુદ્ધના ષડ્યંત્રના ભાગરૂપે 2004 અને 2007માં કઈ ઘટનાઓ બની હતી?

આંત્રપ્રેન્યોર જિજ્ઞેશ શાહે ટૂંકા સમયમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રથમ સન્નારી હિલેરી ક્લિન્ટ સાથે જિજ્ઞેશ શાહ (સૌજન્યઃ ઝીબિઝ ડોટ કોમ)

(ગત કડીમાં આપણે જોયું કે આંત્રપ્રેન્યોર જિજ્ઞેશ શાહનાં વેપાર સાહસો જ્યારે સ્થાપિત હિતોની સામે સ્પર્ધા ઊભી કરવા લાગ્યાં ત્યારે તેમને કૉર્પોરેટ્સ, મોટા બ્રોકરો અને વગદાર અમલદારોએ શક્તિશાળી રાજકારણીઓની મદદથી ષડ્યંત્ર રચીને FTILને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું. હવે આગળ….)

FTIL વિરુદ્ધના ષડ્યંત્રની શરૂઆત MCX પર 2007માં આવક વેરા ખાતાના દરોડા દ્વારા થઈ. તેમાં કંઈ મળ્યું નહીં ત્યારે FTILને સ્ટૉક એક્સચેન્જના બિઝનેસમાં આવતાં અટકાવવા માટેના પ્રયાસ શરૂ થયા.

કરવેરા ખાતાના દરોડા બાદ સેબીએ સ્ટૉક એક્સચેન્જનાં બધાં સેગમેન્ટમાં કામ કરવા માટે FTIL પર અવ્યવહારુ શરતો લાદવાનું શરૂ કર્યું. છેવટે કંપનીએ પોતાના એક્સચેન્જ – MCX-SXમાં ઈક્વિટી સેગમેન્ટ શરૂ કરવા માટે સર્વોચ્ચ અદાલત સુધી લડવું પડ્યું અને અદાલતે લાઇસન્સ આપવાનું કહ્યું ત્યારે 9 ફેબ્રુઆરી, 2013ના રોજ ઈક્વિટી ટ્રેડિંગ માટેનું લાઇસન્સ મળ્યું. જો કે, ત્યાર સુધીમાં ઘણો વિલંબ થઈ જવાને લીધે એક્સચેન્જે કામકાજ વધારવાની મોટી તક ઝડપવામાં નુકસાન સહન કરવું પડ્યું. નિયમનકારી અવરોધોને લીધે FTIL ગ્રુપની અન્ય કંપનીઓને પણ નુકસાન થયું. બહેરિનમાં શરૂ કરાયેલા એક્સચેન્જમાં વોલ્યુમ ઘટવા લાગ્યું.

નોંધનીય છે કે 2013ની સાલમાં જ FTILની પેટા કંપની NSELમાં પૅમેન્ટ કટોકટી સર્જાઈ. તેની પહેલાં ષડ્યંત્ર કઈ રીતે અમલમાં મુકાયું તેની વાતો આઇઆઇએમ ઇન્દોરની જર્નલમાં ગણપતિ શર્માએ કરી છે.

2004: FTILનું એમસીએક્સ એનએસઈના નૅશનલ કોમોડિટી ઍન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જની આગળ જવા લાગ્યું ત્યારે તેનો વિકાસ જોઈને ભડકેલાં સ્થાપિત હિતોએ નક્કી કર્યું કે કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટને ઈક્વિટી માર્કેટની નિયમનકાર સંસ્થા સેબી હેઠળ લાવવું, જેથી એમસીએક્સનો વિકાસ અટકાવી શકાય. સરકારે કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગને સેબી હેઠળ લાવવાની જે હિલચાલ કરી એનાથી નાણાં મંત્રાલયને આ સેગમેન્ટ પર સીધું નિયંત્રણ રાખવાની સત્તા મળી જાય. જર્નલમાં કહેવાયું છે કે કોમોડિટીઝ અને ઈક્વિટીઝ બન્ને અલગ અલગ માર્કેટ સેગમેન્ટ હોવાથી તેમના નિયમનની આવશ્યકતાઓ પણ અલગ અલગ હોય છે. દા.ત. વીમા ક્ષેત્ર માટે IRDAI છે તથા તમામ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓ સેબી હેઠળ આવે છે. અમેરિકામાં પણ કોમોડિટી અને ઈક્વિટી માર્કેટ માટે બે અલગ અલગ નિયમનકારી સંસ્થાઓ છે, જેમનાં નામ છે – સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન તથા કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશન.

2004 પછી ક્રમવાર આવતી ઘટના હોવાને લીધે આપણે 2007માં એમસીએક્સ પર પડાયેલી આવક વેરાની ધાડની વાત પર પાછા આવીએ. જો કે, એ જ વર્ષમાં બનેલી બીજી ઘટના ષડ્યંત્રની શંકાને વધુ દૃઢ બનાવે છે. એ વખતના નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના ખાતાના સંયુક્ત સચિવે વાંધાજનક નોટ બનાવી. તેમાં તેમણે લખ્યું કે એમસીએક્સની સાથેની સ્પર્ધામાં પાછળ રહેલા એનએસઈના એક્સચેન્જનો માર્કેટ શેર વધે એ માટે પ્રયાસ કરવાની જરૂર છે. તેમણે એવું સૂચન કર્યું કે એનસીડેક્સમાં એલઆઇસી અને નાબાર્ડ જે હિસ્સો ધરાવે છે એ એનએસઈને વેચી દેવો, જેથી એનએસઈ એફટીઆઇએલના એમસીએક્સની સાથે સ્પર્ધા કરી શકે. ખાનગી કંપનીઓની શેરહોલ્ડિંગ પેટર્નમાં ફેરફાર કરવામાં એક સરકારી અધિકારી આટલો બધો રસ લે અને પોતાને કોમોડિટી ક્ષેત્ર સાથે કોઈ નિસ્બત નહીં હોવા છતાં પત્ર લખીને તત્કાલીન નાણાપ્રધાનને સૂચન કરે એના પરથી શું ફલિત થાય છે? આ સંયુક્ત સચિવ હતા કે. પી. કૃષ્ણન અને તેમણે જે નોટ લખી હતી તેની તારીખ હતી 19 ડિસેમ્બર, 2007.

ત્યાર પછી 2008માં જે બન્યું તેની વાત આગામી કડીમાં….

(કટ્ટર સ્પર્ધાના યુગમાં નવોદિત આંત્રપ્રેન્યોરને સાચી પ્રેરણા, વાસ્તવિકતાની જાણકારી, અન્યાય સામે લડવાની હિંમત મળે એ ઉદ્દેશ્યથી આ વિષયમાં આપણે ઊંડા ઊતરી રહ્યા છીએ).

—————–

હવે શરૂ થશે કાયદાકીય ઠીશૂમ….ઠીશૂમ!

ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ્ વિરુદ્ધ “63 મૂન્સ ટેક્નોલૉજિસ”એ માંડ્યો છે રૂપિયા 10 હજાર કરોડની નુકસાનનો દાવો…શા માટે?

જયેશ ચિતલિયા (દિલ્હી)

એનએસઈએલ (નૅશનલ સ્પૉટ એક્સચેન્જ લિમિટેડ)ના પ્રકરણને પાંચ વરસ પૂરાં થયા બાદ હવે છેલ્લા અમુક દિવસોથી એમાં નવા ઘટસ્ફોટ થવાના શરૂ થઈ ગયા છે.

અત્યાર સુધી એનએસઈએલની રૂપિયા 5600 કરોડની બધી જ આર્થિક ગરબડ માટે માત્ર ને માત્ર ફાઇનાન્શિયલ ટેક્નોલૉજિસ લિમિટેડ (એફટીઆઇએલ) એટલે કે જિજ્ઞેશ શાહ જવાબદાર છે એવું બહાર દર્શાવવામાં આવતું હતું, પરંતુ સત્ય કંઈક બીજું જ છે. સરકારી એજન્સી સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ (એસએફઆઇઓ)ના તાજા રિપોર્ટ મુજબ આ પ્રકરણમાં જવાબદાર છે ડિફોલ્ટર, બ્રોકરો, બ્રોરોઅર્સ-ડિફોલ્ટર ટ્રેડર્સ, નિયમન તંત્ર અને તે સમયની સરકાર ને એક્સચેન્જના ચોક્કસ અધિકારીઓ….

અત્યાર સુધી માત્ર એફટી ગ્રુપના સ્થાપક જિજ્ઞેશ શાહ અને એના ગ્રુપ સામે જ કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યાં હતાં અને બાકીની જવાબદાર હસ્તીઓ સામે નજીવી અને છૂટીછવાઈ કાર્યવાહી થતી હતી. હવે એસએફઆઇઓએ પેલી તમામ જવાબદાર વ્યક્તિઓ પ્રત્યે આંગળી ચીંધી છે.

દેશની સામે પ્રગટ થઈ રહેલા સત્યની વિગતો માટે જુઓ….. (સૌજન્યઃ ચિત્રલેખા ગુજરાતી સામયિક)