
એનએસઈના કૉ-લૉકેશન કેસમાં આપણી ધારણા સાચી પડી છે. (જુઓઃ https://vicharkranti2019.wordpress.com/2019/05/17/હવે-એનએસઈ-પણ-સૅટમાં-સેબીન/).
સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલે (સેટ) એનએસઈને સેબીના આદેશમાં રાહત આપી છે. તેણે કૉ-લોકેશન કેસમાં આશરે 1,100 કરોડ રૂપિયાની રકમ ભરપાઈ કરવા માટેના સેબીના 30મી એપ્રિલના આદેશની સામે સ્ટે આપ્યો છે. અત્યારે ફક્ત 625 કરોડ રૂપિયા સેબીમાં જમા કરવાના રહેશે, જેના વિશે આખરી ચુકાદામાં નિર્ણય લેવામાં આવશે.
એકંદરે, કૉ-લૉકેશન કેસમાં સેબીએ જેની સામે કાર્યવાહી કરી હતી એ તમામ લોકોને સેટ તરફથી રાહત મળી ગઈ છે. અધૂરામાં પૂરું, એમસીએક્સમાં થયેલા આવા જ પ્રકારના કથિત કૌભાંડ સંબંધે હજી સુધી કોઈ કાર્યવાહીનાં એંધાણ નથી. અત્યાર સુધી આપણે એમસીએક્સના આ કેસમાં બહાર આવેલી માહિતીની ચર્ચા કરી ગયા છીએ. હવે તેમાં કેટલીક નવી બાબતો ઉમેરાઈ છે અને નવા પ્રશ્નો ઊભા થયા છે.
સેબી અને એમસીએક્સ (મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ)ના કહેવાથી જ ટી. આર. ચઢ્ઢા ઍન્ડ કંપનીએ ઑડિટ કર્યું હતું અને તેમાં તેમણે ડેટા શૅરિંગ બાબતે શંકા જાગે એવા મુદ્દાઓ રજૂ કર્યા છે.
1) ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચ (આઇજીઆઇડીઆર) એમસીએક્સના ડેટાના ઉપયોગ બાબતે ત્રણ ડિલિવરેબલ્સ આપવાની હતી, અર્થાત્ ડેટાનો ઉપયોગ કેવી રીતે થયો તેની જાણ કરવાની હતી, પરંતુ એમ કરવામાં આવ્યું નહીં. એ ઇન્સ્ટિટ્યુટ વતી સુસાન થોમસે સહી કરી હતી.
2) એમસીએક્સ પાસેથી જૂનો ડેટા મળ્યો હોત તો પણ ચાલે એવા પ્રકારનું સંશોધન હતું, પરંતુ એમસીએક્સે રોજિંદા ધોરણે તાજો ડેટા આપ્યો.
ઇન્સ્ટિટ્યુટ કોમોડિટી બજાર પર કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટૅક્સની અસરનો અભ્યાસ કરવાની હતી અને તેના માટે જૂનો ડેટા પણ પૂરતો હતો. વળી, અનેક બાબતોમાં એમસીએક્સે ડેટા આપવાની જરૂર ન હતી. એમસીએક્સ ધારાધોરણો મુજબ જે ડેટા જાહેર કરે છે તેનો સીધેસીધો ઉપયોગ કરી શકાયો હોત. ઈકોનોમિક ટાઇમ્સ અને હિન્દુ બિઝનેસ લાઇન અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલો મુજબ એમસીએક્સે ટિક બાય ટિક અને રિયલ ટાઇમ ડેટા આપ્યો હતો.
એમસીએક્સ, એનએસઈ, ડેટા શેરિંગ, અજય શાહ, સુસાન થોમસ એ બધાના છેડા વિશે આપણે અગાઉ વાત કરી. તેમાં ઉમેરવાની એક કડી આ રહીઃ એમસીએક્સમાંથી ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસને પરાણે સ્ટેક વેચાવડાવી દીધા બાદ તેમાં મૃગાંક પરાંજપે મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બન્યા. તેઓ અજય શાહ અને સુસાન થોમસને આઇઆઇટી પવઈમાં વિદ્યાર્થી અવસ્થાથી ઓળખતા હતા. પરાંજપેની નિમણૂક 9 મે, 2016ના રોજ થઈ. તેના એક મહિના બાદ 9મી જૂનના રોજ સુસાને પરાંજપેને ઈ-મેઇલ લખીને ઇન્સ્ટિટ્યુટ સાથે કરાર કરવાનું કહ્યું. એ ઈ-મેઇલ સુસાનના અંગત ઈ-મેઇલ અકાઉંટમાંથી પરાંજપેના અંગત ઈ-મેઇલ પર મોકલાયો હતો. ત્યાર બાદ 29મી ઑગસ્ટે એક અને પહેલી સપ્ટેમ્બરે બીજો, એમ બે અલગ અલગ કરાર એમસીએક્સ અને ઇન્સ્ટિટ્યુટ વચ્ચે થયા.
દરમિયાન, એનએસઈના ડેટાનો ઇન્સ્ટિટ્યુટે દુરુપયોગ કર્યો હોવાને લગતા અનેક અહેવાલો પ્રસાર માધ્યમોમાં આવ્યા હોવા છતાં એમસીએક્સે ઇન્સ્ટિટ્યુટ સાથે કરાર કર્યો.
સામે આવેલી બીજી નોંધનીય બાબત છે કે એમસીએક્સ જેને ડેટા પૂરો પાડતું હતું એ ચિરાગ આનંદ ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચના કર્મચારી ન હતા. અજય શાહ જેની સાથે સંબંધ ધરાવતા આવ્યા છે એ નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક ફાઇનાન્સ ઍન્ડ પોલિસીમાં ચિરાગ આનંદ કાર્યરત હતા. ચઢ્ઢા ઍન્ડ કંપનીના ઑડિટના અહેવાલ મુજબ ડૉ. સુસાન થોમસ અને તેની ટીમ વચ્ચેનો પત્રાચાર અંગત ઈ-મેઇલ પર જ થતો હતો. એ ટીમના સભ્યો ઇન્સ્ટિટ્યુટના કર્મચારીઓ ન હતા.
આ અહેવાલમાં અનેક ગંભીર બાબતો બહાર આવી હોવા છતાં હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ઉલટાનું, જેમાં કાર્યવાહી થતી હોવાનું દેખાયું એ એનએસઈ કૉ-લૉકેશન કેસમાં પણ શકમંદોને સૅટ તરફથી રાહત મળી ગઈ છે.
એમસીએક્સનું ડેટા શૅરિંગ પ્રકરણ વગદાર માણસો શું નું શું કરી શકે એનાં ઉદાહરણોમાંનું એક ઉદાહરણ બની શકે છે.
સંદર્ભઃ https://www.pgurus.com/illegal-sharing-of-confidential-trade-data-by-mcx-to-susan-thomas-wife-of-ajay-shah/
https://www.thehindubusinessline.com/todays-paper/article26937926.ece
————————–