ભારતીય નિયમનકારોનું વલણઃ જમવામાં જગલો અને કૂટવામાં ભગલો

આપણે એનએસઈએલ કેસની ચર્ચા કરતાં કરતાં ન્યાયપ્રક્રિયાની વિસંગતિ તરફ આગળ વધી ગયા છીએ. જમવામાં જગલો અને કૂટવામાં ભગલો જેવું વલણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એનએસઈએલમાં પૅમેન્ટ કટોકટી બહાર આવી એનાં ચાર વર્ષની અંદર લોકોનાં નાણાં પાછાં અપાવવા માટે કંઈ થયું નથી, પરંતુ એનએસઈએલની પ્રમોટર  કંપનીને સંપૂર્ણપણે એક્સચેન્જ બિઝનેસમાંથી બહાર ખદેડી દેવાઈ, જ્યારે એનએસઈનું ઍલ્ગોરિધમ (કૉ-લૉકેશન) કૌભાંડ બહાર આવ્યાને ચાર વર્ષ થયાં હોવા છતાં તેમાં જાણે કંઈ બન્યું જ ન હોય એવું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે.

નોંધપાત્ર બાબત એ છે કે ઍલ્ગોરિધમ કૌભાંડમાં એનએસઈએલ કરતાં દસ ગણી વધુ રકમ સંકળાયેલી છે. ઉપરાંત, એનએસઈએલમાં જેમણે સોદાઓ કર્યા તેમનાં નાણાંના સ્રોત આજે પણ શંકાસ્પદ છે, જ્યારે ઍલ્ગોરિધમ કૌભાંડને કારણે શેરબજારના નાના રોકાણકારોની જિંદગીની મૂડીનો સવાલ છે. નવાઈની વાત એ છે કે એનએસઈએલની પ્રમોટર કંપની એફટીઆઇએલે જેની સ્થાપના કરી હતી એવા મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)માં પણ પ્રમોટરે નીકળી જવું પડ્યું ત્યાર બદ ઍલ્ગોરિધમ કૌભાંડને લગતું કામકાજ થયું હોવાનું તાજેતરમાં બહાર આવ્યું છે.

એકાઉન્ટન્સી ફર્મ ટી. આર. ચઢ્ઢા ઍન્ડ કંપનીએ આ વર્ષે ફોરેન્સિક ઑડિટ કર્યું હતું. એનએસઈના કૌભાંડમાં જે મોટાં માથાં સંડોવાયેલાં હતાં એમનાં જ નામ એમસીએક્સના કેસમાં બહાર આવ્યાં છે. એમસીએક્સે પોતાનો ડેટા સંશોધનના નામે પૂરો પાડ્યો, પરંતુ તેની પાછળનું કારણ ઍલ્ગોરિધમિક ટ્રેડિંગનું જ હોવાનું મનાય છે. વળી, જે વ્હીસલ બ્લોઅરે એનએસઈના કેસમાં ભાંડો ફોડ્યો હતો તેણે જ એમસીએક્સની અંદર રંધાઈ રહેલી ખિચડીની જાણ કરી હતી.

એનએસઈના કેસમાં ભૂતપૂર્વ પી. ચિદમ્બરમના માનીતા અજય શાહનાં પત્ની સુસાન થોમસની ભૂમિકા વિશે તપાસ થઈ છે. આ જ સુસાન, જેઓ ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટલ રિસર્ચમાં સંશોધક છે, તેમના માટે એમસીએક્સે જૂન 2016માં ડેટા શેરિંગ શરૂ કર્યું. તેમની સૂચના અનુસાર નવી દિલ્હીસ્થિત ઍલ્ગો સોફ્ટવેર ડેવલપર ચિરાગ આનંદને ડેટા આપવામાં આવ્યો. આ સંશોધન કોમોડિટીઝ ટ્રેડિંગ ટૅક્સની અસરનો અભ્યાસ કરવા માટે છે એવું કહેવામાં આવ્યું હતું, પરંતુ ઑડિટના અહેવાલમાં કહેવાયું છે કે અભ્યાસનું તો ફક્ત નામ હતું, ખરો ઉદ્દેશ્ય તો ઍલ્ગો ટ્રેડિંગ સ્ટ્રેટેજીનું નિર્માણ કરવા માટે ડેટાનો ઉપયોગ કરવાનો હતો.

એમસીએક્સ અને ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટલ રિસર્ચે કરેલો કરાર પણ કાનૂની ચર્ચાવિચારણા વગર કરાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ કરાર સુસાન થોમસ માટે હતો અને તેમના જ કહેવાથી ચિરાગ આનંદને ડેટા આપવામાં આવ્યો હતો. આનંદ પણ અજય શાહની નૅશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક ફાઇનાન્સીસ ઍન્ડ પોલિસી સાથે સંકળાયેલા હતા.

નોંધવા જેવી વાત એ છે કે એમસીએક્સે એનએસઈના એનસીડેક્સ સામે સ્પર્ધા ઊભી કરી ત્યારે ચિદમ્બરમના ખાસ મનાતા કે. પી. કૃષ્ણને એનસીડેક્સમાં એનએસઈનો હિસ્સો વધારવા માટે એલઆઇસી અને નાબાર્ડના હિસ્સાનું વેચાણ એનએસઈને કરવું એવી ભલામણ કરી હતી. પ્રમોટર એફટીઆઇએલે એમસીએક્સમાંથી હિસ્સો વેચી દેવો પડ્યો ત્યારે જાણે બધાને મોકળું મેદાન મળી ગયું હોય એમ તેમાં પણ ઍલ્ગોરિધમનું દૂષણ ઉમેરી દેવાનો પ્રયાસ થયો, જે ચઢ્ઢા ઍન્ડ કંપનીના ઑડિટના અહેવાલ પરથી જોઈ શકાય છે.

સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબી હવે શેરબજારની સાથે સાથે કોમોડિટીઝ બજારનું પણ નિયમન કરે છે. એનએસઈનું ઍલ્ગો કૌભાંડ બહાર આવ્યા પછી પણ એમસીએક્સમાં એ જ પ્રકરણ દોહરાવવાનો પ્રયાસ થયો એ કેટલાંક વગદાર તત્ત્વોનું જોર દર્શાવે છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય.

સફેદપોશ ગુનેગારો તરીકે ઓળખાતા લોકો સંશોધન સંસ્થાના નામે પોતાના સ્વાર્થ સાધતા હોય એનું આ ઉદાહરણ કહી શકાય.

આ બધી બાબતોને અનુલક્ષીને પીગુરુસ ડોટ કોમ વેબસાઇટ પરના લેખમાં કહેવામાં આવ્યું છે કે આ બન્ને કેસમાં ફોજદારી તપાસ કરાવવાની જરૂર છે, કારણ કે તેમાં જાહેર નાણાંની ઉચાપતનો સવાલ સંકળાયેલો છે.

ઉક્ત સંપૂર્ણ લેખ નીચે આપેલી લિંક પરના લેખોના આધારે તૈયાર કરાયો છેઃ

https://www.pgurus.com/indias-algo-trading-scandal-a-tale-of-two-exchanges-and-one-somnolent-regulator-sebi/

https://www.thehindubusinessline.com/markets/commodities/forensic-auditors-indicate-igidr-used-data-shared-by-mcx-to-develop-an-algo-trading-strategy/article269354

https://www.thehindubusinessline.com/todays-paper/tp-markets/article26937939.ece

————————–