ભારતમાં માત્ર રાજકીય નહીં, આર્થિક, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે કામ કરી રહેલાં સ્થાપિત હિતોને કારણે દેશને પ્રચંડ નુકસાન થઈ રહ્યું છે

આપણે ગયા વખતના બ્લોગમાં સવાલ ઉઠાવ્યો હતો કે શું ભારતમાંથી સ્થાપિત હિતોની બનેલી આઇએએસ સિસ્ટમને નાબૂદ કરવાનો સમય પાકી ગયો છે? ખરી રીતે તો, એ સવાલ મનમાં આવ્યા બાદ બીજો એક મુદ્દો પણ ધ્યાનમાં આવ્યો. ભારતમાં માત્ર આઇએએસ સિસ્ટમ જ નહીં, અનેક ક્ષેત્રોમાં સ્થાપિત હિતો કામ કરી રહ્યાં છે અને એ બધાંને કાબૂમાં રાખ્યા વગર દેશનું હિત સાધવાનું મુશ્કેલ છે.

દરેક વ્યક્તિ પોતાનું હિત જુએ એ મનુષ્ય સહજ છે, પરંતુ અમુક વર્ગ સાંઠગાંઠ કરીને મોટા પાયે સ્થાપિત હિતો ઊભાં કરે અને બીજાઓનાં હિતોને નુકસાન કરે ત્યારે સ્થિતિ બગડે છે. ભારતમાં માત્ર રાજકીય નહીં, આર્થિક, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ સ્થાપિત હિતો કામ કરી રહ્યાં છે. પરિણામે, દેશને પ્રચંડ નુકસાન થઈ રહ્યું છે. આ બધાં સ્થાપિત હિતો દેશના વિકાસના માર્ગમાં તોતિંગ અવરોધ બનીને ઊભાં રહ્યાં હોવાથી ઘણી જહેમત બાદ પણ દેશ ધારી પ્રગતિ કરી શક્યો નથી.

અમુક સ્થાપિત હિતો ઉડીને આંખે વળગે એવાં હોય છે, જ્યારે અમુક લાકડાની અંદર ઘર કરી ગયેલી ઉધઈ જેવાં હોય છે, જે દેખાતાં નથી, પરંતુ આખા દેશને અંદરથી કોતરી ખાય છે. અનેક ફિલ્મોમાં આપણે તેનું ચિત્રીકરણ જોઈ ચૂક્યા છીએ. ઘણી વખત ફિલ્મમાં જોઈએ ત્યારે આશ્ચર્ય થાય કે શું ખરેખર આવું બનતું હશે, પરંતુ હકીકત એ છે કે ફિલ્મો સમાજનો આયનો છે. જો કે, વાસ્તવિકતા એ પણ છે કે ફિલ્મોમાં એવાં ઘણાં કૃત્યો દર્શાવાતાં નથી જે વાસ્તવમાં સ્થાપિત હિતો આચરતાં હોય છે!

આપણે રાજકીય સ્થાપિત હિતોથી જ વાતની શરૂઆત કરીએ. અત્યારે દેશભરમાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયાની સ્થિતિ છે, પરંતુ હરામ બરાબર છે જો કોઈ રાજકારણીએ રાજકારણને બાજુએ રાખીને રોગચાળાની સામે લડવાની વાત કરી હોય. ભારત માટે કહેવાતું આવ્યું છે કે એમ આપણે અંદરોઅંદર ભલે ઝઘડતા હોઈએ, બહારનો કોઈ દુશ્મન આવે તો આપણે સૌ એક થઈ જઈએ છીએ, પરંતુ કોરોના વખતે આખી દુનિયાએ જોઈ લીધું છે કે કોઈ એક થયું નથી. પરિણામ, એ આવ્યું કે લોકડાઉનનું શરૂઆતનું યોગ્ય પગલું ભરવા છતાં અને દરદીઓની સંખ્યાને નિયંત્રિત રાખવાનું શક્ય હોવા છતાં દેશ આજે નવા દરદીઓની સંખ્યા અને મોતની સંખ્યાની દૃષ્ટિએ દુનિયામાં પ્રથમ ક્રમાંકે પહોંચી ગયું છે. તેનું કારણ દેશમાં રહેલાં રાજકીય સ્થાપિત હિતો છે.

જો કોઈ એમ ખાંડ ખાતું હોય કે એમનાં પગલાંને કારણે દેશમાં મોતનો આંકડો નિયંત્રિત રાખી શકાયો છે, તો એ ભૂલે છે, કારણ કે હજી રોગચાળો દેશમાંથી દૂર થયો નથી. લોકો બચ્યા હોય તો તેની પાછળ બીસીજી (ટીબી માટેની રસી) રસીકરણથી માંડીને બીજી અનેક બાબતો છે. એમાં ડૉક્ટરો, નર્સો, પોલીસો, વોર્ડ બોય અને તબીબી સેવા તથા પોલીસ સેવાના નિઃસ્વાર્થ લોકોએ કરેલી સેવાનો સમાવેશ થાય છે. એ ઉપરાંત અનેક સેવાભાવી લોકોએ કરેલી નિઃસ્વાર્થ સેવા પણ રોગચાળાને નિયંત્રિત રાખવા માટે જવાબદાર છે. આ બીમારીને વધુ નિર્દયી બનતી રોકવામાં દયાવાન અને કરુણાવાન એવા સંખ્યાબંધ લોકોનો અને તત્ત્વોનો ફાળો છે, પરંતુ રાજકારણી નામનું કોઈ તત્ત્વ તેમાં કામે આવ્યું હોય એવું લાગતું નથી.

રાજકારણને જરાપણ શ્રેય આપવાનું મન થતું નથી, તેનું કારણ પોતાનો કોઈ પૂર્વગ્રહ નહીં, પરંતુ નક્કર વાસ્તવિકતા છે. ભારતની લોકશાહીને જે ઉદ્દેશ્ય સાથે ઘડવામાં આવી છે એ લોકશાહી પદ્ધતિનો યોગ્ય અમલ થયો હોત તો આજે લોકડાઉનનું સમયસરનું પગલું સમયસરનું પરિણામ પણ બતાવી શક્યું હોત. કોઈએ ભરેલા પગલાને શ્રેય આપવું નહીં એવી ભારતીય રાજકારણીઓની વૃત્તિને લીધે જ રોગચાળો વિકરાળ બન્યો છે. કોઈના પગલાને મહત્ત્વ આપવાને બદલે તેના પગ ખેંચવાનું ભારતનું રાજકારણ એ સૌથી મોટું સ્થાપિત હિત છે. કોરોના જેવો વૈશ્વિક રોગચાળો એક બાજુ માથું ઉંચકી રહ્યો હોય ત્યારે બધા રાજકીય પક્ષોએ રાજકારણને બાજુએ રાખીને આ બીમારી સામે લડવાને પ્રાથમિકતા આપવી જોઈએ, પરંતુ વાસ્તવમાં એવું બન્યું નહીં. રોગચાળાના શરૂઆતના તબક્કામાં જ શ્રમિકોને પોતાના વતનમાં પાછા જતાં રોકવા માટે કે તેમને સંભાળપૂર્વક મોકલવા માટે કોઈ રાજકીય પક્ષે જવાબદારી લીધી નહીં. પરિણામ એ આવ્યું કે મનુષ્યો પશુઓ કરતાં પણ બદતર સ્થિતિમાં વતન તરફ જવા નીકળી પડ્યા અને રસ્તામાં અત્યંત દુઃખી થયા.

દેશનાં સ્થાપિત હિતોને પોતાના સિવાય બીજું કંઈ દેખાતું જ નહીં હોવાથી તેઓ પોતાની રોટલી શેકવા જેટલો જ ઉપયોગ આ રોગચાળાની બાબતે કરી રહ્યાં છે.

આ વિચારને આપણે આગામી કડીમાં હજી આગળ વધારશું.

………………………………………………..

ભારતમાંથી સ્થાપિત હિતોની બનેલી આઇએએસ સિસ્ટમને નાબૂદ કરવાનો સમય પાકી ગયો છે?

ભારતના આઇએએસ અધિકારો વિશે એમના જ સમુદાયના સંજીવ સભલોકે કરેલા ઘટસ્ફોટ (ખુદ એક આઇએએસ અધિકારી કહે છે કે ભારતમાં ચૂંટાયેલા રાજકારણીઓ તો અમલદારશાહીની કઠપૂતળીઓ માત્ર છે)ની વાતને આજે આગળ વધારીએ. 

સભલોક પોતાના બ્લોગ (https://timesofindia.indiatimes.com/blogs/seeing-the-invisible/our-pm-and-cms-are-puppets-of-the-ias/)માં કહે છે કે આઇએએસ વ્યવસ્થામાં પર્સોનેલ (કર્મચારીગણ) મંત્રાલયમાંના એસ્ટાબ્લિશમેન્ટ ઑફિસર (ઈઓ) ઉક્ત કઠપૂતળીના સૂત્રધાર હોય છે. મોટાભાગના લોકોને આ અધિકારી વિશે માહિતી જ નથી. દેખીતી વાત છે કે કઠપૂતળીના સૂત્રધાર હોવાના નાતે ઈઓ હંમેશાં પડદા પાછળ રહીને પોતાનું કામ કર્યે રાખે છે. તેમનું કામ અમલદારોને મળેલી સત્તાને હંમેશની જેમ ટકાવી રાખવાનું છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કંટાળી ન જાય ત્યાં સુધી તેઓ સ્થિતિને પોતાના કાબૂમાં રાખે છે અને ગરબડ-ગોટાળા કરે છે.

સરકાર કોઈ પણ મોટી નિમણૂક કરવા માગતી હોય, આ ઈઓ લગભગ બધી જ નિમણૂકોમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે એ હોદ્દા માટેની વ્યક્તિઓના વધારે વિકલ્પો રહેવા જ દેતા નથી. આથી અમુક વખત પરાણે ઈઓએ નક્કી કરેલા અધિકારીની જ નિમણૂક કરવી પડતી હોય છે. આઇએએસના સમગ્ર સામ્રાજ્યનું રક્ષણ કરવામાં કેબિનેટ સેક્રેટરી પણ ઘણી મોટી ભૂમિકા ભજવતા હોય છે, કારણ કે તેઓ સીધા કેબિનેટ સાથે સંકળાયેલા હોય છે. ખરી લોકશાહીમાં કોઈ અમલદારને રાજકીય તખ્તા પર મહત્ત્વનો હોદ્દો આપવાનો હોય જ નહીં. ઑસ્ટ્રેલિયામાં કેબિનેટ સેક્રેટરીનું પદ ચૂંટાયેલા સંસદસભ્યને મળે છે, પણ ભારતમાં કેબિનેટ સેક્રેટરી આઇએએસ અધિકારી હોય છે અને સૌથી વધુ વગદાર હોય છે.

ઈઓ અને કેબિનેટ સેક્રેટરીની વગ એટલી બધી હોય છે કે પ્રધાનો અને મુખ્ય પ્રધાનોએ પોતાના નિર્ણયોને સમર્થન મળે એ માટે એમની પાસે પોતાના માણસને મોકલીને વિનંતી કરવી પડે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં ખરી સત્તા કોની પાસે છે. આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણી વખતે વચનોની લહાણી તો કરી દે છે, પરંતુ એ પૂરાં કરવાં જેટલી સત્તા તેમની પાસે હોતી નથી. પરિણામે, અતિશય વગદાર અને કોઈને જવાબદાર ન હોય એવા આઇએએસ અધિકારીઓને કારણે આપણી લોકશાહીનું ગળું ઘોંટાઈ રહ્યું છે.

પોતાના સહકાર્યકરો વિશે ઘસાતું બોલવાનું સહેલું હોતું નથી. ઘણા લોકો એમ કરવાનું ટાળે છે, પરંતુ સંજીવ સભલોક કહે છે કે આઇએએસ અધિકારીઓ ભારતને વિશ્વમાં અગ્રક્રમે લઈ જવા અસમર્થ છે. કોઈ આઇએએસ અધિકારી ઑસ્ટ્રેલિયાની સરકારમાંના મધ્યમ હરોળના વહીવટદારોની ક્ષમતાની તોલે આવવાની વાત બાજુએ રહી, એમની નિકટ આવવાની લાયકાત પણ ધરાવતા નથી. જો ભારતના વહીવટી આગેવાનો જ આટલા નબળા હોય તો ભારત કેવી રીતે સફળ થઈ શકે?

એસ્ટાબ્લિશમેન્ટ ઑફિસર (ઈઓ)ની કામગીરી બ્રિટિશ કાળમાં ભલે કારગત નીવડી હોય, આધુનિક લોકશાહીમાં એ જરાપણ ચાલે નહીં.

ભારતની અતિશય શક્તિશાળી અમલદારશાહી ઑસ્ટ્રેલિયાની પદ્ધતિ કરતાં તદ્દન વિપરીત છે. ઑસ્ટ્રેલિયામાં મુખ્ય પ્રધાનનો અધિકાર સર્વોપરી હોય છે. તેઓ પોતે જ સેક્રેટરીઓની નિમણૂક કરે છે અને એ સેક્રેટરી પોતાની નીચેના પદ ભરે છે. કોઈ વામણો અમલદાર કોઈ પણ રાજ્યના મુખ્ય પ્રધાનને એમ ન કહી શકે કે એમણે ‘પસંદગી કરેલા’ અધિકારીઓમાંથી જ કોઈકની પસંદગી કરવી પડશે. જો નિમાયેલા સેક્રેટરી પોતાની જવાબદારી બરોબર નિભાવે નહીં તો કોઈ પણ નોટિસ આપ્યા વગર એમની છુટ્ટી કરી દેવાય છે.

ભારતમાં સમ ખાવા પૂરતી સારી બાબત એ છે કે અહીંના વડા પ્રધાન આઇએએસ સિવાયની વ્યક્તિની પણ નિમણૂક કરી શકે છે. કેટલાક લોકોએ વડા પ્રધાનના બંધારણીય અધિકારની સામે સવાલ ઉઠાવ્યા છે, પરંતુ સંજીવ સભલોકના મતે બંધારણ મર્યાદિત પ્રમાણમાં આવી સત્તા આપે છે. તેઓ એમ પણ કહે છે કે રાજ્યોમાં સરકાર આઇએએસ સિવાયના કોઈ અધિકારીની નિમણૂક કરી શકતી નથી. રાજ્યોના તમામ મહત્ત્વના હોદ્દાઓ પર આઇએએસ કેડર રુલ્સ મારફતે આઇએએસની નિમણૂક કરવી પડે છે. આમ, રાજ્યોના મુખ્ય પ્રધાનોને વડા પ્રધાન જેટલી સત્તા મળતી નથી. તેનું પરિણામ એ આવે છે કે આઇએએસ અધિકારીઓ એસ્ટાબ્લિશમેન્ટ ઑફિસર પાસે જઈને બીજા કોઈ રાજ્યમાં કે કેન્દ્ર સરકારમાં કે વિદેશમાં પોતાની નિમણૂક કરાવી શકે છે. આ કામ એસ્ટાબ્લિશમેન્ટ ઑફિસર અને કેબિનેટ સેક્રેટરી સાથેના તેના સંબંધ પર આધાર રાખે છે. આથી જ આઇએએસ ‘ક્લબ’ (ક્લબ તો સોફિસ્ટિકેટેડ શબ્દ છે, સામાન્ય ભાષામાં લોકો આવી ક્લબ માટે ચંડાળચોકડી શબ્દ વાપરતા હોય છે) બધા કરતાં વિશિષ્ટ અને એકમેકને સહકાર આપનારી બની ગઈ છે.

સંજીવ સભલોક કહે છે કે આવી બિનલોકતાંત્રિક સિસ્ટમનો અંત લાવવાનો સમય પાકી ગયો છે. બે વર્ષની અંદર ભાજપની સરકારને બંધારણમાં ફેરફાર કરવાની તક મળશે. તેમણે સૌથી પહેલાં આઇએએસની સિસ્ટમ કાઢી નાખવી જરૂરી છે.

અત્યાર સુધી આપણે ઉદાહરણ સહિત જોઈ ગયા છીએ કે આઇએએસ અધિકારીઓ રીતસરની પોતાની મનમાની કરતા હોય છે. તેનું એક કારણ એ છે કે આ દેશમાં બધાને પોતપોતાનાં સ્થાપિત હિતોનું રક્ષણ કરવા-કરાવવાની ટેવ પડી ગઈ છે. આ સ્થાપિત હિતોએ કેવી રીતે દેશની ઘોર ખોદી છે તેના વિશે વધુ વાતો આવતા વખતે કરશું.

———————————-

ખુદ એક આઇએએસ અધિકારી કહે છે કે ભારતમાં ચૂંટાયેલા રાજકારણીઓ તો અમલદારશાહીની કઠપૂતળીઓ માત્ર છે

સંજીવ સભલોક

ભારતમાં રાજકારણીઓ કરતાં આઇએએસ ઑફિસરોનું વધારે ચાલે છે એવું તમે અત્યાર સુધી અનેક વાર સામાન્ય માણસોના મોંઢે સાંભળ્યું હશે, પણ આજે આપણે જોઈશું કે આ પદ પર રહી ચૂકેલી વ્યક્તિ પોતે એ વાત કરી રહી છે.

સંજીવ સભલોક નામના 1982ના બૅચના આઇએએસ ઑફિસરે ગયા વર્ષની પહેલી જૂને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના બ્લોગ (https://timesofindia.indiatimes.com/blogs/seeing-the-invisible/our-pm-and-cms-are-puppets-of-the-ias/)માં લખ્યું હતું કે ભારતમાં ચૂંટાયેલા રાજકારણીઓ તો અમલદારશાહીની કઠપૂતળીઓ માત્ર છે. તેમણે એટલે સુધી કહ્યું છે કે આ અમલદારો માત્ર ચૂંટાયેલા મુખ્ય પ્રધાનો જ નહીં, વડા પ્રધાન કરતાં પણ વધુ સમર્થ છે. વિશાળ જનમત સાથે સતત બીજી વખત ચૂંટાઈ આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની પ્રતિષ્ઠા અને નામને અનુરૂપ કામ હજી સુધી કેવી રીતે કરી શક્યા નથી એવો સવાલ જો અડધી રાતેય કોઈના મનમાં આવ્યો હોત તો તેમણે હવે પછીનું લખાણ ધ્યાનપૂર્વક વાંચી જવું.

સંજીવ સભલોકે કહેલી વાતો આપણને વિચારતાં કરી મૂકનારી હોવાથી જ આપણે ‘વિચારક્રાંતિ’માં તેમના બ્લોગના અંશ સાભાર પ્રસ્તુત કરી રહ્યા છીએ.

સભલોક કહે છે, અમલદારશાહીની આટલી બધી વગ અને શક્તિ લોકશાહીના ઉદારમતવાદી રાજકારણના સિદ્ધાંતથી વિપરીત જાય છે. લોકશાહીમાં વહીવટીતંત્ર પર ન્યાયતંત્ર અને સંસદનો કડપ અને પકડ રહેવાં જોઈએ (તેનો અર્થ એવો કે વહીવટીતંત્ર છકી જાય અને અમર્યાદ સત્તા ભોગવે એવી પરિસ્થિતિ ઊભી થવી જોઈએ નહીં). જેમણે રાજકીય શાસ્ત્ર (પોલિટિકલ સાયન્સ)ના સિદ્ધાંતો રચ્ચા છે એમણે કયારેય એવું ધાર્યું નહીં હોય કે ચૂંટાયા વગરનું સરકારીતંત્ર (અર્થાત્ અમલદારશાહી) સ્વતંત્ર સત્તા ભોગવીને સંપૂર્ણ વહીવટીતંત્ર (જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સરકાર પણ આવી જાય)ને નિયંત્રણમાં રાખશે.

ભારતમાં બ્રિટિશકાળમાં અમલદારશાહીએ જેટલી સત્તા ભોગવી હશે તેના કરતાં વધુ સત્તા સ્વતંત્ર ભારતમાં અમલદારશાહીને મળી છે. તેની પાછળનું કારણ ભાગલા વખતની અને બંધારણ ઘડતી વખતની ઉતાવળ છે. સરદાર પટેલે બંધારણીય સભામાં ભારપૂર્વક કહ્યું હતું કે બ્રિટિશ કાળ જેવી જ અમલદારશાહી ભારતમાં રહેવા દેવી. એ વખતે વૈકલ્પિક વ્યવસ્થા બાબતે વિચાર કરવાનો સમય જ મળ્યો ન હતો.

ભારત સિવાયની બધી જ લોકશાહીમાં કાર્યપાલિકા (એક્ઝિક્યુટિવ)ને સરકારી નોકરોને કામે રાખવાની અને કાઢી નાખવાની લગભગ અમર્યાદ સત્તા આપવામાં આવી છે. ફક્ત ભારતમાં એવું નથી. આપણા દેશના બંધારણના અનુચ્છેદ 311 હેઠળ કાર્યપાલિકાના અધિકારોને ઘટાડી દેવાયા છે. તેઓ એટલે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સરકારી નોકરોને કાઢવાની લગભગ નહીંવત્ સત્તા ધરાવે છે. પરિણામે, છેલ્લાં 70 વર્ષોમાં દેશના વડા પ્રધાન પણ ભ્રષ્ટ આઇએએસ અધિકારીઓને કાઢી શક્યા નથી. કોઈ વડા પ્રધાન એવું કરવા ધારે તોપણ એમની આખી મુદત એ જ એકમાત્ર કેસમાં પૂરી થઈ જાય એવી પરિસ્થિતિ છે. મોદી સરકારે કેટલાક આઇએએસ ઑફિસરોને પરાણે નિવૃત્ત કરાવ્યા છે, છતાં અપ્રામાણિક અધિકારીઓથી હજી સુધી મુક્તિ મળી શકી નથી. આમ, આપણી અમલદારશાહી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પણ ઉપરવટ જઈને બેઠેલી છે. તેને લીધે આ સાર્વભૌમ દેશમાં જનતા નહીં, પણ આઇએએસ અધિકારીઓ સાર્વભૌમત્વ ભોગવે છે.

ભારતના રાજકારણીઓ કરતાં નાગરિકોને આઇએએસ અધિકારીઓ પર વધુ વિશ્વાસ હોવાની નિરર્થક દલીલ કરીને આ અમલદારોએ સત્તા ભોગવ્યે રાખી છે. આ અમલદારશાહીમાં જે પ્રામાણિક આઇએએસ અધિકારીઓ છે તેઓ પણ ઈચ્છે છે કે અત્યારની વ્યવસ્થા યથાવત્ રહે. જો કે, તેની પાછળનું તેમનું કારણ જુદું છે. તેઓ આમ કહે છે કારણ કે તેઓ ભ્રષ્ટ રાજકારણીઓ કાબૂમાં રહે એવું ઈચ્છે છે. વાસ્તવમાં ભ્રષ્ટ રાજકારણીઓને કાબૂમાં રાખવા માટે આ ઉપયોગ નથી. તેના માટે બીજો ઉપાય કરવો પડે.

***

વાંચકોને થશે કે એક વર્ષ પહેલાંના બ્લોગનો અત્યારે શું સંદર્ભ છે. હવે પછીનું લખાણ જ્યારે એ સંદર્ભને સમજાવશે ત્યારે તમને થશે કે ”લાવો, આમાં વધુ શું છે એ પણ જણાવો!”

ગયા વખતે આપણે વાંચ્યું કે ”આખરે સરકારે પણ કહેવું પડ્યું કે સેબીના ચૅરમૅન પદ માટે રમેશ અભિષેકના નામની વિચારણા નહીં કરાય.” રમેશ અભિષેક નિવૃત્ત આઇએએસ ઑફિસર હોવા છતાં તેમને સેબીના ચૅરમૅન બનાવવામાં આવે એવું શક્ય હતું. ટી. પલપંડી નામની વ્યક્તિએ રિટ અરજી કરવી પડે, અદાલતે એ બાબતે સુનાવણી કરવી પડી અને સરકારે અદાલતમાં આવીને ખાતરી આપવી પડી ત્યારે રમેશ અભિષેક સેબીના ચૅરમૅન બને નહીં એવી શક્યતા ઊભી થઈ.

એફએમસીના ચૅરમૅન તરીકે તેમણે ડાટ વાળ્યો હતો એવો આક્ષેપ છે, ડીપીઆઇઆઇટી (ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ)ના સેક્રેટરી તરીકે પણ તેમની કામગીરી વિવાદાસ્પદ રહી હતી અને ઓપિનિયન પોસ્ટ નામના સામયિકે ભ્રષ્ટાચારના ત્રિદેવમાંની એક વ્યક્તિ તરીકે તેમનો ઉલ્લેખ કર્યો હતો. આપણે એ બધી બાબતો આપણા બ્લોગમાં રજૂ કરી ચૂક્યા છીએ (1 – અહો આશ્ચર્યમ્! રમેશ અભિષેકના કાનૂની બચાવ માટે જનતાના પૈસાની બરબાદી કરવાના નિર્ણય વિશે વડા પ્રધાનનું કાર્યાલય અંધારામાં?; 2 – સરકારી હોદ્દાનો દુરુપયોગ કર્યો રમેશ અભિષેકે અને તેમના કાનૂની ખટલાનો ખર્ચ ભોગવવાનો આવશે સામાન્ય જનતાએ!!!; 3 – કેવડું મોટું આઘાતજનક આશ્ચર્ય! ઓરિજિનલ સ્ટાર્ટ અપ અને મેક ઇન ઇન્ડિયા સ્ટોરીને ખતમ કરનાર માણસ છે સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપનારી સરકારી યોજનાનો આજનો ઇનચાર્જ). પી. ચિદમ્બરમે એનએસઈના લાભ માટે 63 મૂન્સ ટેક્નૉલૉજીસની સામે ષડ્યંત્ર રચ્યું એવા આક્ષેપ બાબતે પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. તેમની સાથે સાથે રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણન સામે 63 મૂન્સે 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો માંડ્યો હોવાનું આપણે જાણીએ છીએ. અમલદારશાહી ચૂંટાયેલા જનપ્રતિનિધિને કામ કરવા નહીં દે, પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિને તેનાં ષડ્યંત્રોમાં મદદરૂપ થઈ શકે એવું આના પરથી ફલિત થાય છે.

રમેશ અભિષેકને પોતાની સામેનો કેસ લડવા માટે સરકારી નાણાં મળે અને એ બાબતે વડા પ્રધાનનું કાર્યાલય અંધારામાં હોય એવું જ્યારે જાણ્યું ત્યારે જ વિચાર આવ્યો હતો કે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી કાર્યરત હોવા છતાં આવું કેમ શક્ય છે. સંજીવ સભલોકના બ્લોગના લખાણે આપણા એ સવાલનો જવાબ આપી દીધો. આ બ્લોગ વિશે વધુ વાતો આગામી કડીમાં કરશું.

—————————

આખરે સરકારે પણ કહેવું પડ્યું કે સેબીના ચૅરમૅન પદ માટે રમેશ અભિષેકના નામની વિચારણા નહીં કરાય

રમેશ અભિષેક

ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ભૂતપૂર્વ વડા રમેશ અભિષેકનું નામ સેબીના ચેરમેન પદ માટે ગણતરીમાં લેવામાં નહીં આવે એવી બાંયધરી સરકારે વડી અદાલતમાં આપવી પડે એ ઘણી મોટી વાત છે. રમેશ અભિષેકની સામે સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે અને છતાં નિયમનકાર જેવી ગૌરવપૂર્ણ અને નખશિખ પ્રામાણિકતા માગી લે એવી ભૂમિકા માટે તેમનું નામ ગમે ત્યારે આવી જાત અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની લાગવગથી એ પદ એમને મળી પણ ગયું હોત, પરંતુ સચ્ચાઈનો આખરે વિજય થાય છે.

સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડ્યું કે સેબીના ચેરમેન પદ માટે રમેશ અભિષેકના નામની વિચારણા નહીં થાય.

1982ના બૅચના બિહાર કેડરના આઇએએસ અધિકારી રમેશ અભિષેકના નામની વિચારણા થવા સામે વિરોધ કરતી રિટ અરજી સંબંધે સરકારે મદ્રાસ વડી અદાલતમાં બાંયધરી આપવી પડી.

ટી. પલપંડી નામની વ્યક્તિએ બંધારણની કલમ 226નો હવાલો આપીને અરજીમાં કહ્યું હતું કે સેબીના ચૅરમૅન તરીકે પ્રામાણિક, ગરિમાપૂર્ણ અને રોકાણકારોનાં હિતોનું રક્ષણ કરનારી નિષ્ઠાવાન વ્યક્તિની નિમણૂક થાય એવી તકેદારી લેવાનો આદેશ સરકારને આપવામાં આવે. અરજદારે રમેશ અભિષેકના નામની વિચારણા ન થાય એવી માગણી પણ કરી હતી.

આપણે હાલમાં જ કહ્યું હતું કે રમેશ અભિષેક સામેના ગંભીર આરોપો વિશે ખુદ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને ઔપચારિક રીતે પત્ર લખીને નાણાં મંત્રાલયને જણાવ્યું હતું. આવું હોવા છતાં સિક્યોરિટીઝ માર્કેટના નિયમનકાર જેવી મોટી અને જવાબદારીભરી તથા પ્રામાણિકતાની ડગલે ને પગલે જરૂર પડે એવી સંસ્થાના ચૅરમૅન તરીકે રમેશ અભિષેકના નામની વિચારણા થઈ હોત તો હાલની સરકારની આબરૂના પણ ધજાગરા ઊડી ગયા હોત.

આપણો અગાઉનો બ્લોગ વાંચીને કેટલાક લોકોએ કહ્યું હતું કે રમેશ અભિષેકે તો સેબીના ચેરમેન બનવા માટે અરજી જ કરી નથી. જો કે, હકીકત એવી છે કે જે લોકો એફટીઆઇએલ જેવી એક કંપનીની સામે ષડ્યંત્ર રચીને તેની વર્ષોની મહેનત પણ પાણી ફેરવવાનું કાવતરું ઘડ્યાનો આરોપ ધરાવતા હોય એ લોકો બીજું ઘણું કરી શકે છે. મોદી સરકારને છઠ્ઠું વર્ષ બેસી ગયું છતાં હજી સુધી પી. ચિદમ્બરમના મળતિયાઓનો વાળ વાંકો કરવાની કોઈની હિમ્મત નથી થઈ ત્યારે ઓચિંતા જ રમેશ અભિષેકને સેબીના ચેરમેનના હોદ્દા પર બેસાડી દેવામાં આવે એવું શક્ય હતું. આવું કહેવા પાછળ કારણ પણ છે. ચૅરમૅનના પદ માટે અરજી કરવા સંબંધે જે જાહેરખબર બહાર પાડવામાં આવી હતી તેમાં એક કલમ એવી હતી કે સેબીના અધ્યક્ષની નિમણૂક ફાઇનાન્શિયલ સેક્ટર રેગ્યુલેટરી એપોઇન્ટમેન્ટ્સ સર્ચ કમિટીની ભલામણના આધારે કરવામાં આવશે. આ કમિટીને અધિકાર રહેશે કે જેણે અરજી કરી નહીં હોય એવી વ્યક્તિની પણ લાયકાતના આધારે નિમણૂકની ભલામણ કરી શકશે.

અગાઉ, જે સમયે સેબીમાં સી. બી. ભાવેને ચૅરમૅન બનાવવામાં આવ્યા ત્યારે તેમણે પણ અરજી કરી ન હતી. એ વખતે તેમનું નામ છેલ્લી ઘડી સુધી ક્યાંય ન હતું. આ બાબતે જાણકારોનું કહેવું છે કે ભાવેની સામે એનએસડીએલ આઇપીઓ કૌભાંડ સંબંધે તપાસ ચાલી રહી હતી તેથી જો તેમણે અરજી કરી હોત તો કોઈએ એ અરજી સામે અદાલતમાં પડકાર ફેંક્યો હોત અને નિમણૂક થતાં રહી ગઈ હોત. આથી તેમણે અરજી કરી નહીં.

એનએસડીએલમાં કૌભાંડ થયું એ વખતે ભાવે તેના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર હતા. એનએસડીએલ કૌભાંડમાં તપાસ ચાલી રહી હોય એવા સમયે નિયમનકાર તરીકે એ જ વ્યક્તિને સેબીનું સર્વોચ્ચ પદ આપવામાં આવ્યું એ આશ્ચર્યની વાત હતી.

જાણકારો કહે છે કે પી. ચિદમ્બરમ ગૅંગની આ જ મોડસ ઓપરેન્ડી છે. ભાવેનું નામ છેલ્લી ઘડી સુધી ક્યાંય ન હતું અને છેલ્લે કમિટીએ પોતાને મળેલા અધિકારનો ઉપયોગ કરીને તેમને સેબીના અધ્યક્ષ બનાવી દીધા. એ વખતે કૉંગ્રેસની સરકાર હતી તેથી પી. ચિદમ્બરમને રોકનાર કોઈ ન હતું.

આ વખતે નિમણૂકનો સમય આવ્યો છે ત્યારે ચિદમ્બરમની સામે પણ તપાસ ચાલી રહી છે અને રમેશ અભિષેકની વિરુદ્ધ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને તપાસ કરવાનું કહ્યું છે. મોદી સરકારમાં આ વખતે અદાલતો, લોકપાલ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને સીબીઆઇ એ બધી સંસ્થાઓ સતર્ક હોવાથી સેબીના ચૅરમૅન જેવા મહત્ત્વના પદ માટે એક આરોપીની પસંદગી થતાં રહી ગઈ છે. જો કે, માહિતગાર સૂત્રો કહે છે કે રમેશ અભિષેક નહીં તો એમનો ભાઈ બીજો, એ ન્યાયે પી. ચિદમ્બરમની ગૅંગના કોઈ માણસની નિમણૂક ન થાય તો જ સારું, કારણ કે એનએસઈના કૉ-લૉકેશન કેસમાં ફક્ત દેખાડા માટે નાનું અમથું પગલું ભરવામાં આવ્યું અને કેસ રફેદફે થઈ ગયો. જો ભ્રષ્ટાચાર, ગેરરીતિ, ષડ્યંત્રો, વગેરે જેવા આરોપો ધરાવતી વ્યક્તિને આ પદ ન મળે તો જ તેની ગરિમા ટકી રહી એમ છે.

————————-

સેબીના ચૅરમૅન પદ માટેના દાવેદાર રમેશ અભિષેક વિરુદ્ધ ગંભીર આરોપો હોવાનું ખુદ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને ઔપચારિક રીતે પત્ર લખીને નાણાં મંત્રાલયને જણાવ્યું

અદ્દલ હિન્દી ફિલ્મની સ્ટોરી ચાલી રહી હોય એમ, વરરાજાને લગ્નના મંડપમાં લાવવાની તૈયારીઓ વચ્ચે એવા સમાચાર આવે છે કે એ પાત્ર સામે ગંભીર પ્રકારના આરોપો છે. અહીં વાત થાય છે રમેશ અભિષેકની, જેમને સેબીના ચૅરમૅન બનાવવાની વાતો ચાલી રહી છે.

15મી જુલાઈએ સેબીના ચૅરમૅનના હોદ્દા માટે ઇન્ટરવ્યૂ થવાના છે. તેના ઉમેદવારોમાં રમેશ અભિષેકનું નામ છે. 

એક અહેવાલ મુજબ કેન્દ્રીય દક્ષતા પંચે એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશને (સીવીસી) તેમની સામે થયેલા ભ્રષ્ટાચારના આરોપોને ગંભીર ગણાવ્યા છે.

નોંધનીય છે કે હાલમાં પ્રકાશિત થયેલા કેટલાક અહેવાલો મુજબ 15મી જુલાઈએ સેબીના ચૅરમૅન પદ માટે પસંદગી થવાની છે. એ હોદ્દા માટેનાં સંભવિત દાવેદારોમાં રમેશ અભિષેકનું પણ નામ છે.

રમેશ અભિષેક 1982ના બેચના આઇએએસ ઓફિસર છે. તેઓ વર્ષ 2012થી 2015 સુધી ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના અધ્યક્ષ હતા. સીવીસીને તેમની વિરુદ્ધ અનેક ફરિયાદો મળી હતી.

પીગુરુસ ડોટ કોમ નામની જાણીતી વેબસાઇટ પર પ્રકાશિત શ્રી ઐયરના અહેવાલ મુજબ સીવીસીએ નાણાં મંત્રાલયને ગત વર્ષની નવમી જુલાઈએ લખેલા પત્રમાં કહ્યું હતું કે રમેશ અભિષેકની સામેના આક્ષેપો ગંભીર, ચોક્કસ સ્વરૂપના અને ચકાસી શકાય એવા છે. આથી સીવીસીએ રમેશ અભિષેક વિરુદ્ધ સીવીસી એક્ટ 2003ની કલમો – 8(1)(ડી) તથા 8(1)(એચ) હેઠળ તપાસ કરવાનો નાણાં મંત્રાલના આર્થિક બાબતોના ખાતાને આદેશ આપ્યો હતો.

રમેશ અભિષેકની વિરુદ્ધના આરોપો બાબતે મદ્રાસ વડી અદાલત સમક્ષ પણ એક કેસ ચાલી રહ્યો છે.

રમેશ અભિષેક

રમેશ અભિષેકે એફએમસીના ચૅરમૅન પદે રહીને પોતાના કામમાં પ્રામાણિકતા રાખી ન હતી એવા આક્ષેપો થયા છે ત્યારે તેમનું નામ સેબીના ચૅરમૅનના હોદ્દા માટે ચર્ચાય એ ગંભીર બાબત હોવાનું શ્રી ઐયરે કહ્યું છે.

દરમિયાન, અન્ય એક અહેવાલ જણાવે છે કે અગ્રણી ટેક્નોલોજી કંપની 63 મૂન્સ ટેક્નોલોજીસે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમ તથા બે નિવૃત્ત અમલદારો – રમેશ અભિષેક તથા કે. પી. કૃષ્ણન વિરુદ્ધની સીબીઆઇ તપાસને ઝડપી બનાવવા માટે મુંબઈ વડી અદાલતમાં અરજી કરી છે.

આ ત્રણે વ્યક્તિઓએ પોતપોતાની સરકારી સત્તાનો દુરુપયોગ કરીને કંપનીની વિરુદ્ધ ષડ્યંત્ર રચ્યું હતું તથા તેને નુકસાન પહોંચાડ્યું હતું એવો તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે.

કંપનીએ આ મામલે યોગ્ય નિર્દેશો આપવા માટે મુંબઈ વડી અદાલતમાં ગત ચોથી જુલાઈએ ફોજદારી રિટ અરજી કરી હતી.

અદાલતે મામલાને તાકીદે હાથ ધરવાની આવશ્યકતાને અનુલક્ષીને 10મી જુલાઈએ કહ્યું હતું કે 63 મૂન્સ ટેક્નોલોજીસ પ્રતિવાદીઓને ફોજદારી રિટ અરજીની નકલ મોકલાવી શકે છે. અદાલતે હવે પછીની સુનાવણી શુક્રવાર 17મી જુલાઈએ રાખી છે.

નોંધનીય છે કે 63 મૂન્સે પી. ચિદમ્બરમ, ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ રમેશ અભિષેક અને નાણાં મંત્રાલયમાંના ભૂતપૂર્વ સેક્રેટરી કે. પી. કૃષ્ણન વિરુદ્ધ સીબીઆઇમાં ગયા વર્ષની 15મી ફેબ્રુઆરીએ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે આ ત્રણે વ્યક્તિઓએ જાણીજોઈને બદઈરાદાપૂર્વક કંપની વિરુદ્ધ દ્વેષપૂર્ણ પગલાં ભર્યાં, જેને કારણે કંપનીને પારાવાર નુકસાન થયું હતું. કંપનીએ ત્રણે જણ સામે ભ્રષ્ટાચાર અટકાયત ધારો, 1988 અને ભારતીય દંડ સંહિતા હેઠળ કામ ચલાવવાની અરજી કરી છે.

રમેશ અભિષેક એફએમસીના ચૅરમૅન હતા ત્યારે તેમણે એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ના કેસમાં બ્રોકરોની તરફેણ કરી હોવાનો આક્ષેપ છે. બ્રોકરોએ એ કેસમાં અનેક ગેરરીતિઓ આચરી હોવા છતાં તેમણે બ્રોકરો વિરુદ્ધ કોઈ પગલું ભર્યું ન હતું, એવું કહેવાયું છે.

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાના તત્કાલીન વડા રાજવર્ધન સિંહાએ રમેશ અભિષેકને મોકલેલા અહેવાલમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે બ્રોકરોએ ક્લાયન્ટ કોડ મોડિફિકેશન, કેવાયસી લેન્ડિંગ, વગેરે પ્રકારે અનેક ગેરરીતિઓ કરી હતી. બ્રોકરો વિરુદ્ધ કડક પગલાં લેવાની ભલામણ પણ સિંહાએ કરી હતી, પરંતુ રમેશ અભિષેકે એ અહેવાલ દબાવીને રાખ્યો હોવાનો આક્ષેપ છે.

કેન્દ્ર સરકારે રચેલી સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ પણ પોતાના અહેવાલમાં કહી ચૂકી છે કે બ્રોકરોએ અનેક ગેરરીતિઓ કરી હતી, જેના વિશે સિંહાએ રમેશ અભિષેકને જાણ કરી હતી.

(પીગુરુસનો લેખ વાંચવા અહીં ક્લિક કરોઃ https://www.pgurus.com/cvc-says-corruption-charges-against-ramesh-abhishek-are-serious-and-verifiable/)

——————–

ડૉ. સુબ્રમણ્યન સ્વામીની વધુ એક સ્ફોટક ટ્વીટઃ પી. ચિદમ્બરમના ખાંધિયાઓને હજી મોદી સરકારમાં ઉંચા હોદ્દા મળી રહ્યા છે!?

પત્રકારત્વ ભણાવતી વખતે આ લખનારે એક વખત વિદ્યાર્થીઓને કહ્યું હતું કે શાસક પક્ષ વિશે કોઈ પણ માહિતી કઢાવવી હોય તો વિપક્ષની પાસે જવું. વિપક્ષો હંમેશાં પત્રકાર માટે સૂત્રો એટલે કે માહિતી પૂરી પાડનારા બની રહે છે. હાલની ડૉ. સુબ્રમણ્યન સ્વામીની એક ટ્વીટ પરથી 20 વર્ષ જૂની આ વાત યાદ આવી ગઈ.

ડૉ. સ્વામી આખાબોલા માણસ છે અને શાસક પક્ષમાં હોય તોપણ વિપક્ષ જેવા જ રહે છે. તેઓ કોઈની સાડાબારી રાખતા નથી. એમની બીજી ખાસિયત એ પણ છે કે કોઈ પૂછે કે ન પૂછે, તેઓ સાચી વાત જાહેર માધ્યમો દ્વારા કહી દેતા હોય છે. ડૉ. સ્વામી ભાજપની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય પણ છે, પરંતુ હાલની જ વાત જુઓ ને! તેમણે 8મી જુલાઈએ ટ્વીટ કરીને લખ્યું કે પી. ચિદમ્બરમના જે ખાંધિયાઓએ નાણાકીય વ્યવસ્થાને બગાડી નાખી તેમને મોદી સરકારમાં પણ ઉંચા હોદ્દાઓ મળી રહ્યા છે.

ભાજપના નેતા હોવા છતાં તેઓ મોદી સરકારની સચ્ચાઈને બહાર લાવ્યા વગર રહી શક્યા નથી. તેમણે જે કંઈ લખ્યું છે તે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે. તેમણે કહ્યા મુજબ પી. ચિદમ્બરમને સ્ટૉક એક્સચેન્જના કામકાજમાં મદદ કરનારા (રમેશ) અભિષેકને સેબીના ચૅરમૅન બનાવવામાં આવે એવી શક્યતા છે. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ) સાથેની ચિદમ્બરમની સાંઠગાંઠ સંબંધે ડૉ. સ્વામી બોલી રહ્યા હોય એ સ્વાભાવિક છે.

નોંધનીય છે કે આ જ એનએસઈના માથે કૉ-લૉકેશન કૌભાંડનું કલંક લાગેલું છે અને સેબીએ તેની સામે કોઈ આકરી કાર્યવાહી કરી નથી. જો ચિદમ્બરમની ગૅંગનો જ માણસ સેબીનો ચૅરમૅન બની જાય તો ‘મોસાળમાં જમણ અને મા પીરસનારી’ જેવો ઘાટ ઘડાયો એમ કહેવાય.

બીજી નોંધપાત્ર બાબત છે કે રમેશ અભિષેક એક સમયે ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના અધ્યક્ષ હતા, પરંતુ તેમણે એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)માં સર્જાયેલી પૅમેન્ટ ક્રાઇસિસને હલ કરવા માટેનાં પગલાં ભરવાને બદલે પી. ચિદમ્બરમના કહેવાથી અને કે. પી. કૃષ્ણનની સાથે મળીને એનએસઈએલની ક્રાઇસિસને વધુ બગાડવાનું કામ કર્યાનો આરોપ છે. અદાલતના આદેશમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે. રમેશ અભિષેક આ કટોકટીને આસાનીથી હલ કરી શક્યા હોત છતાં તેમણે એ કર્યું નહીં, કારણ કે તેઓ એનએસઈએલની પૅરન્ટ કંપની એફટીઆઇએલ (ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ)ની સામે કિન્નાખોરી રાખીને કામ કરી રહ્યા હતા. આ બાબતનો ઉલ્લેખ પીઢ પત્રકાર શાંતનુ ગુહા રેના પુસ્તક – ‘ધ ટાર્ગેટ’માં થયેલો છે. આવી દ્વેષપૂર્ણ વ્યવહાર કરનાર વ્યક્તિને ફરી એક વખત સેબી જેવી સંસ્થાના વડા કેવી રીતે બનાવી શકાય એ મોટો પ્રશ્ન છે.  

ચિદમ્બરમના એનએસઈ સાથેના સંબંધને એક વિદેશી સામયિકે પણ ખૂલ્લો પાડ્યો હોવાનું આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ.

જે કૉંગ્રેસી માણસ આર્થિક કૌભાંડો સંબંધે જેલમાં રહી આવ્યો છે અને હજી જેના નામે ઘણા કેસ બોલી રહ્યા છે એ માણસના ખાંધિયાઓ જો ભાજપની સરકાર હોવા છતાં ઉંચા હોદ્દાઓ સહેલાઈથી મેળવી શકતા હોય તો ડૉ. સ્વામીની વાત બાબતે આંખ આડા કાન કરી શકાય નહીં.

અહીં એક વિગત ટાંકવી આવશ્યક છે. એફટીઆઇએલે (હાલની 63 મૂન્સ ટેક્નૉલૉજીસ) પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણન વિરુદ્ધ 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો માંડ્યો છે. આ બ્લોગના વાંચકો તો સારી રીતે જાણે જ છે કે આ ખટલા સંબંધે રમેશ અભિષેકના બચાવનો કેસ લડવા માટે ભાજપની સરકાર પૈસા આપવા તૈયાર થઈ હતી. દેખીતી વાત છે કે સરકાર આ ખર્ચ કરવા તૈયાર થઈ હોય તો વડા પ્રધાનના કાર્યાલયને તેની જાણ હોય. વડા પ્રધાનના કાર્યાલયની વાત ડૉ. સ્વામીની ટ્વીટમાં પણ આવે છે. તેમણે લખ્યું છે કે વડા પ્રધાનના કાર્યાલયના એક અધિકારી રમેશ અભિષેકની સંભવિત નિમણૂકમાં સહાયક તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે. આ અધિકારી કેબિનેટની નિમણૂક સમિતિ ઘડે છે અને એના નિર્ણયો વડા પ્રધાન પાસે મંજૂર કરાવે છે.

આપણે એનએસઈ સામે ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડે ઊભી કરેલી સ્પર્ધા, એ સ્પર્ધાને કચડી નાખવા માટે પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણને રચેલું કારસ્તાન, એનએસઈનો સતત થઈ રહેલો બચાવ, અભિષેકની અનેક બેનામી સંપત્તિઓનું છૂપું ષડ્યંત્ર, દેશવિરોધી પ્રવૃત્તિઓ સુધી પ્રસરેલી પી. ચિદમ્બરમની જાળ, વગેરે અનેક બાબતો અત્યાર સુધીના બ્લોગ્સમાં વર્ણવી ચૂક્યા છીએ. હવે એ કડીમાં ડૉ. સ્વામીની ટ્વીટ નવું પાસું ઉમેરે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હજી પી. ચિદમ્બરમે ફેલાવેલી જાળમાં છીડું પાડી શક્યા નથી એ પણ ઉક્ત ટ્વીટ પરથી પુરવાર થાય છે. આ ટ્વીટ સંબંધે આવેલા જવાબમાં એક વ્યક્તિએ ચોખ્ખું લખ્યું છે કે પી. ચિદમ્બરમથી લઈને અરુણ જેટલી અને અરુણ જેટલીથી લઈને નિર્મલા સીતારામન, ફક્ત નામ બદલાયાં છે; તેમની પાછળ રહેલા સનદી અધિકારીઓ એના એ જ રહે છે. વડા પ્રધાનો પણ બદલાય છે, પણ આ અધિકારીઓ, જેઓ સિસ્ટમ પર વર્ચસ્ ધરાવે છે, એમનું જ હંમેશાં ચાલતું આવ્યું છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે છ વર્ષ થયા બાદ પણ મોદી સરકાર અમલદારશાહી, ન્યાયતંત્ર અને ભાજપમાંના કૉંગ્રેસતરફી માણસોને શોધી શકી નથી.  

આવા સંજોગોમાં એક ગુજરાતી વ્યક્તિએ લખેલી ટ્વીટ તરફ ચોક્કસ ધ્યાન જાય છે. તેઓ કહે છે, મોદી સરકાર તમામ સ્તરેથી ચોખ્ખી થઈ જાય તો સારું, અન્યથા વડા પ્રધાનની આકરી મહેનત તથા તેમની પ્રામાણિક છાપને નુકસાન થવાની શક્યતા છે.

(રમેશ અભિષેકની કેટલીક સચ્ચાઈઓ દર્શાવતો આ વિડિયો પણ ઘણો જાણીતો છેઃ https://youtu.be/7PMz2vbdxB0)

———————————–

કોરોનાના રોગચાળાની પરિસ્થિતિમાં સરકારોએ અને નાગરિકોએ ગાંધીજીના આદર્શોનું પાલન કરીને સમાજને બહેતર બનાવવો જોઈએ

ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચારને મહત્ત્વ આપતા રામચંદ્ર પાંડા

(ઓરિસાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર શ્રી રામચંદ્ર પાંડાના ઇન્ટરવ્યૂ પર આધારિત લેખનો ભાગ -2)

શ્રી રામચંદ્ર પાંડા

ભારતમાં હજી 1 કરોડ લોકો ઢોરઉછેર અને મત્સ્યોદ્યોગમાં રોજગાર પામી શકે છે. ફૂડ પ્રોસેસિંગ, વસ્ત્ર નિર્માણ, કાર્પેટ મેકિંગ, માટીકામ, ચામડું પકવવું, ઝાડુ અને દોરડા બનાવવા, સુથારકામ, ટોપલી બનાવવી, વગેરે જેવાં કામો દ્વારા કુટિર ઉદ્યોગને દેશમાં ફરીથી સક્રિય કરી શકાય છે. ઓરિસા વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર રામચંદ્ર પાંડાએ આ મત વ્યક્ત કર્યો છે.

તેઓ કહે છે કે વાંસની મદદથી ખુરશીઓ, ઘરવપરાશની બીજી અનેક વસ્તુઓ તથા હસ્તકળાની વસ્તુઓનું નિર્માણ શક્ય બને છે. વાંસનાં પાન બકરીથી માંડીને હાથી સુધીનાં અનેક પ્રાણીઓ માટે ખોરાક બને છે. હાથીઓ ખોરાકની શોધમાં મનુષ્યોની વસાહતોમાં પહોંચે છે ત્યારે સમસ્યા સર્જાય છે. આથી વનોમાં વાંસ ઉગાડીને હાથીઓ માટે ત્યાં જ ખોરાકની વ્યવસ્થા કરી દેવી જોઈએ. જંગલ ઉપરાંત તળેટીઓમાં અને નદીકિનારે પણ વાંસ ઉગાડવા જોઈએ જેથી પશુઆહાર અને કુટિર ઉદ્યોગ બન્નેનું કામ થઈ જાય.

પાંડા કહે છે કે દરેક ગામમાં એક ટીંબો હોવો જોઈએ, જેમાં ફળનાં 500 ઝાડનો ઉછેર કરી શકાય. જગ્યા અને જળના આધારે એ ઉપવન ઉગાડવું જોઈએ. તેનાથી દરેક ગામમાં પર્યાવરણનું રક્ષણ થઈ શકશે. જો દરેક ગામ ઘઉં, ચોખા, દૂધ, શાકભાજી એ બધી વસ્તુઓની બાબતે આત્મનિર્ભર બની જશે તો ગામોમાંથી શહેરોમાં થતી હિજરતને રોકી શકાશે. ગાંધીજી આ જ રીતે દરેક ગામને આત્મનિર્ભર બનાવવા માગતા હતા.

તેમણે ગ્રામ સ્વરાજનો વિચાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે દરેક ગામમાં ખોરાક અને વસ્ત્રોનું સ્થાનિક સ્તરે જ ઉત્પાદન થવું જોઈએ. એ ઉપરાંત ગામમાં પોતાનું પશુધન અને નાના-મોટા લોકો માટે મનોરંજન અને ખેલકૂદની જગ્યા હોવી જોઈએ. દરેક ગામમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા ઉપરાંત શાળા અને જાહેર સભાખંડ હોવો જોઈએ.

રામચંદ્ર પાંડા કહે છે કે કોરોનાના રોગચાળાની પરિસ્થિતિમાં સરકારોએ અને નાગરિકોએ ગાંધીજીના આદર્શોનું પાલન કરીને સમાજને બહેતર બનાવવો જોઈએ.

કૃષિ ક્ષેત્રે આજની તારીખે કયાં પરિબળો નડતરરૂપ બને છે એ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ખેડૂતોને બિયારણ, પાણી અને વીજળીની ખાસ જરૂર હોય છે.

ઓરિસામાં નદીઓના જોડાણના પ્રોજેક્ટ માટે હંમેશાં સક્રિય રહેલા આ ભૂતપૂર્વ વિધાનસભ્ય કહે છે કે નદીના પટના વિસ્તારોમાં જો ખેડૂતોને નિઃશુલ્ક વીજળી આપવામાં આવે તો ખેડાણ વધારી શકાય છે. ભારતમાં નદીની સંસ્કૃતિ છે, પરંતુ મોટાભાગની નદીઓ સૂકી હોય છે અથવા ચારથી પાંચ મહિના સુધી ઘણું ઓછું પાણી હોય છે. તેનું કારણ પર્યાવરણને થયેલું નુકસાન છે. આવી સ્થિતિમાં જળસંચયનું કામ થવું જોઈએ. ઉપરથી નીચે વહેતા નદીના પ્રવાહ પર થોડી ઉંચાઈના ચેક ડેમ અને નાળાં બનાવી શકાય, જેથી સિંચાઈ માટે અને ગ્રામજનો તથા ઢોરો માટે પાણી મળી રહે. અમુક લોકોનું કહેવું છે કે વાય. એસ. રેડ્ડી સંયુક્ત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા એ સમયે એમણે ચેક ડેમ બનાવવા માટે સારી મહેનત લીધી હતી, જેને લીધે એમની લોકપ્રિયતા વધી હતી.

દેશના રાજકારણીઓએ દરેક ગામને સંપૂર્ણ સ્વરાજ અને આત્મનિર્ભર બનાવવાના ગાંધીજીના વિચારનો અમલ કર્યો નહીં એ એક મોટી ખામી રહી ગઈ. હવે જળસંચય અને વનીકરણને પ્રાથમિકતા આપવી જોઈએ, એમ તેમણે કહ્યું છે.

એક સૂચન કરતાં રામચંદ્ર પાંડાએ કહ્યું છે કે ખેડૂતોને વીજળી મફત આપવામાં આવે તો 500 કરોડ રૂપિયાની સરકારી આવક જતી રહે, પરંતુ કૃષિના હિતમાં એ નિર્ણય લેવાવો જોઈએ. આ રકમ વ્યર્થ નહીં જાય. તેનાથી ખેતી માટેની કાયમી માળખાકીય સુવિધા ઊભી થશે.

આપણે યોજનાઓ ઘડવામાં હોંશિયાર છીએ, પરંતુ તેનો અમલ કરવામાં નબળા છીએ, એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે આજે પણ આપણે ખાદ્યતેલની આયાત કરવી પડી રહી છે. આપણે વિશાળ દરિયાઈ પટા પર મગફળી, તલ, સરસવ, સૂર્યમુખી અને પામ ફ્રૂટનું ઉત્પાદન બમણું કરવા સમર્થ છીએ. આ રીતે આપણે ખાદ્યતેલની બાબતે આત્મનિર્ભર બની શકીએ છીએ. એક સમયે દરેક ગામમાં ઘાણીઓ હતી. આપણે તેમનું રક્ષણ કરી શક્યા નહીં, કારણ કે કુટિર ઉદ્યોગનું જ આપણે રક્ષણ કર્યું નથી.

જાહેર ક્ષેત્રની વાત કરતાં તેમણે કહ્યું હતું કે તેના 60થી 70 ટકા કોલ્ડ સ્ટોરેજ નકામાં થઈ ગયાં છે. તેને કારણે આપણાં ફળ-શાકભાજીનો 20 ટકા બગાડ થાય છે. સરકારે દરેક બ્લોકમાં કૂલિંગ ચેમ્બરની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી સ્થાનિક સ્તરે કૃષિપેદાશોની સાચવણી થઈ શકે. એ ચેમ્બરોનો વહીવટ સ્વયં સહાય જૂથોને સોંપવામાં આવવો જોઈએ.

————————————————

દરેક ખેતરને પૂરતું પાણી મળવા લાગે તો આશરે પાંચ કરોડ શ્રમિકોને કૃષિ ક્ષેત્રે રોજગાર મળી શકે છે

(ઓરિસાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર શ્રી રામચંદ્ર પાંડાના ઇન્ટરવ્યૂ પર આધારિત લેખનો ભાગ -1)

શ્રી રામચંદ્ર પાંડા
સૌજન્ય :ધ ટ્રિબ્યુન

ભારતમાં પાંચ દાયકા પૂર્વે પૂરતો અને સમયસરનો વરસાદ પડતો અને ખેડૂતો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર સમયસર વાવણી કરતા, પરંતુ આજની તારીખે ચોમાસું વરસાદનો ચોક્કસ સમયગાળો રહ્યો નથી. આવા સમયે વૈશ્વિક બેન્કના અહેવાલ મુજબ ભારતમાં માત્ર 35 ટકા ખેતીની જમીન પર સિંચાઈ થાય છે. ખેડૂતોને પાણી ઉપરાંત વીજળી, ખાતર, મજૂરોને લગતી સમસ્યાઓ સતાવે છે. જો સરકાર દરેક ખેતરને પૂરતું પાણી મળી રહે એવી વ્યવસ્થા કરી શકે તો દેશમાં 500 લાખ હેક્ટર જમીનને રવી વાવેતર હેઠળ લાવી શકાય છે.

પાંડાએ એક મુલાકાતમાં જણાવ્યા મુજબ હાલમાં કોરોનાને કારણે શહેરોમાંથી હિજરત કરીને આવેલા શ્રમિકોને સંબંધિત રાજ્ય ખેતીમાં રોજગાર અપાવી શકે છે. જો દરેક ખેતરને પૂરતું પાણી મળવા લાગે તો આશરે પાંચ કરોડ શ્રમિકોને કૃષિ ક્ષેત્રે રોજગાર મળી શકે છે. ફળ અને શાકભાજી માટે વિદેશમાં ઘણી માગ છે. ભારતીય રાજ્યો હોર્ટિકલ્ચરને તથા આદિવાસી વિસ્તારોની બીજી વન્ય પેદાશોને પ્રાથમિકતાના ધોરણે પ્રોત્સાહન આપે તો દેશ-વિદેશમાં તેની ઘણી માગ ઊભી થઈ શકે છે. આ વાતનું એક ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે ભારતમાં કાજુ અને કેરીના બાગ ઘણા મોટા પ્રમાણમાં છે, પરંતુ તેનું કોમર્શિયલ ધોરણે ઉત્પાદન અને માર્કેટિંગ થતું નથી. ફળ અને શાકભાજીને તાજાં રાખવા માટેનાં કૂલિંગ ચેમ્બરની વ્યવસ્થા ભારતમાં નહીં હોવાને લીધે આપણે વિદેશમાં સારી માગ ધરાવતી આ વસ્તુઓની નિકાસ વધારી શકતા નથી. જો સરકાર હોર્ટિકલ્ચર (બાગાયતી ખેતી)ને પ્રોત્સાહન આપશે અને તેના માટે યોગ્ય યોજનાઓ ઘડશે તો ઘણી મોટી સંખ્યામાં લોકોને તેમાં રોજગાર મળી શકે છે. ગ્રેડિંગ, પેકેજિંગ જેવી ફૂડ પ્રોસેસિંગની પ્રવૃત્તિઓ દ્વારા રોજગારનું સર્જન થઈ શકે છે. આ પ્રોસેસિંગ, પેકેજિંગ, વગેરે કામો ગામોમાં સ્વયં સહાય જૂથો (સેલ્ફ હેલ્પ ગ્રુપ) મારફતે અથવા ખાનગી-સરકારી ક્ષેત્રના સહયોગ (પ્રાઇવેટ-પબ્લિક પાર્ટનરશિપ)થી થઈ શકે છે. તેને પગલે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકોનું સર્જન થશે.

ઉપરોક્ત મત ઓરિસા વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર રામચંદ્ર પાંડાએ વ્યક્ત કર્યો છે.

એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું છે કે ભારતમાં આજની તારીખે પણ કૃષિ ક્ષેત્ર આશરે 60 ટકા લોકોને રોજગાર પૂરા પાડે છે. હાલમાં કોરોના રોગચાળાને કારણે શહેરોમાંથી પાછા વતન ભણી ગયેલા લોકોને પણ આ ક્ષેત્ર રોજગાર આપીને રોજગારની ટકાવારી 60થી વધારીને 70ની કરી શકાય છે. જો કે, તેના માટે કેટલાંક પગલાં ભરવાની આવશ્યકતા છે.

રામચંદ્ર પાંડા કહે છે કે દેશની આઝાદીનાં 73 વર્ષ બાદ પણ 65 ટકા ખેડાણલાયક જમીન પર માત્ર બે પાક લેવામાં આવે છે. આપણે વધુ પાક લેવા બાબતે વિચારવું જોઈએ.

આ ભૂતપૂર્વ વિધાનસભ્ય ખેડૂતોના પ્રશ્નો માટે સતત જાગરૂક રહે છે. તેઓ કહે છે કે ખેતીમાં વીજળી, ખાતર, મજૂરીનો ખર્ચ ઘણો વધી રહ્યો હોવાથી ખેડૂતોને તકલીફ પડી રહી છે. ખેડૂતો ડાંગર અને ઘઉંનો પાક તો લઈ જ રહ્યા છે, હવે ડેરી ઉદ્યોગ, મત્સ્યોદ્યોગ, વન આધારિત ઉદ્યોગ વિકસાવવાની જરૂર છે.

આશ્ચર્યની વાત એ છે કે ભારત ડેરી ક્ષેત્રે વિશ્વભરમાં અવ્વલ છે, પરંતુ દૂધ ઉત્પાદનની વૈશ્વિક સરેરાશ (275 ગ્રામ) કરતાં અડધા સ્તરે પણ પહોંચી શક્યું નથી. જો અડધી ક્ષમતા સાથે પણ દેશ પ્રથમ ક્રમાંકે હોય તો પૂરેપૂરી ક્ષમતા સાથે તેની શક્તિ કેટલી મોટી કહેવાય!

રામચંદ્ર પાંડાએ જણાવ્યા મુજબ સરકારે કોન્ટ્રેક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે તેનાથી વધારાની 10 ટકા ખેડાણલાયક જમીન પર ખેતી થવા લાગી શકે છે. અત્યાર સુધી ખેડૂતો કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરવા માટે અચકાતા હતા, પરંતુ હવે સરકારે જમીનના અધિકારોનું રક્ષણ કરવાની ખાતરી આપી દીધી હોવાથી ખેડૂતો અને જમીનધારકો કોન્ટ્રેક્ટ ફાર્મિંગ માટે આગળ આવી શકે છે. તેને પગલે દેશમાં રોજગાર સર્જન થવાની સાથે સાથે ઉત્પાદન વધશે અને ખેતીનો વધુ સારી રીતે વિકાસ થઈ શકશે.

————————————-

કોરોનાથી નહીં ડરવાનાં આ રહ્યાં કારણો!

લેખકઃ જયેશ ચિતલિયા (કોરોનામાંથી સાજા થયેલા જાણીતા આર્થિક પત્રકાર)

કોરોનાના વિષયમાં થયેલા અનુભવોના આધારે જાહેર હિતમાં કેટલીક સીધી અને સ્પષ્ટ વાતો. 

કોરોનાથી ડરો નહીં એવી વાતો કે પ્રચાર બહુ થયા, પરંતુ આ હકીકતને બરાબર સમજવી જરૂરી છે. માત્ર વાતોથી કંઈ થતું નથી. આ હકીકત એ જ વ્યક્તિ સમજાવી શકે કે કહી શકે, જે આ અનુભવમાંથી પસાર થઈ હોય. કોરોના રોગ જેટલો ગંભીર નથી તેનાથી વધુ તેનો ડર, તેના વિશેની ભ્રમણા કે માન્યતા ગંભીર છે, જેણે લોકોમાં ભયંકર હદે હાઉ ઊભો કર્યો છે. આનું કારણ ઇન્ફેક્શન (ચેપ)નો ભય છે તેમ જ આ જેને થાય છે ત્યારે તેની સારવાર દરમ્યાન કેટલીક જરાય ન ગમે તેવી બાબતોમાંથી પસાર થવું પડે છે. દર્દીની નજીક જવાય નહીં, પરિવારજનો, સ્વજનો-પ્રિયજનો પણ તેની પાસે જઈ શકે નહીં. કોરોનાની આ જ સૌથી કડવી અને કરુણ બાબત છે. બાકી, કોરોના સરળ અને સાદી માંદગી છે, જે માત્ર ચોક્કસ દિવસોમાં વિદાય પણ લઈ લે છે. જો કે, આ વાઈરસ પ્રત્યે બેફિકર કે બેદરકાર થઈ જવું જોઈએ નહીં. દરેકે પોતાનું અને બીજાનું પણ પ્રોટેક્શન થાય એનું ધ્યાન રાખવું જોઈએ.

સારવાર દરમ્યાનની એકલતા

દર્દીને સારવાર દરમ્યાન સંપૂર્ણપણે એકલો પાડી દેવામાં આવે છે, તેની પાસે ડૉક્ટર કે નર્સ પણ જાય તો ચોક્કસ ડ્રેસ કિટ જેવાં પ્રોટેકશન પહેરીને જ જઈ શકે. જે દર્દીને ખૂબ જ તીવ્ર અસર થઈ હોય એ કેસમાં જ તેને હૉસ્પિટલમાં દાખલ કરવો જરૂરી બને છે, અન્યથા તેને આઇસોલેશન સેન્ટરમાં રાખીને પણ સારવાર થઈ શકે છે. આ બંને જગ્યાએ દર્દીને સારવારની આવશ્યકતા પડે છે, પરંતુ હૉસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીની સ્થિતિ વધુ કથળી હોય તો તેને ઓક્સિજન આપવો પડે છે, વેન્ટીલેટર પર મૂકવો પડે છે, અન્ય સારવાર કરવી પડે છે. જેવી જેની એક્યુટનેસ અથવા સેચ્યુરેશન. આમાં ફેફસાં પર અસર થતી હોવાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. બાકી, આ રોગ એક તાવ, ફ્લુ કે શરદી-ખાંસી જેવો સરળ છે, રોગ અત્યંત વિકટ સંજોગોમાં જ જીવલેણ બને છે.

નોંધનીય છે કે 80થી 90 વરસની વયના લોકો પણ સાજા થઈને પાછાં ફર્યા છે.

બીએમસી અને મિત્રો-સ્વજનોની મહત્ત્વની ભૂમિકા

અહીં એ નોંધવું જરૂરી છે કે બીએમસી (પાલિકા)ના તબીબી સેવા સાથે સંકળાયેલા ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ કેટલાય અભાવ અને ગેરવ્યવસ્થા વચ્ચે મહત્ત્વની કામગીરી બજાવી રહ્યા છે. એટલું જ નહીં, સફાઈ કામદારો પણ સારી કામગીરી કરી સમાજને ખરા સમયે ખરી સેવા આપી રહ્યા છે.

તમે જ્યાં રહેતા હો એ સોસાયટીના સભ્યોનો સહયોગ પણ તમારી રિકવરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અલબત્ત, પરિવારજનોના સ્નેહ અને સાથનું પણ અદકેરું મૂલ્ય રહે છે. અને હા, મિત્રોની બાબતમાં હું ધનવાન પહેલેથી રહ્યો છું. આ વખતે વધુ સંપત્તિવાન બની ગયો, કારણ કે સોશ્યલ ડિસ્ટન્સિંગ વચ્ચે ઈમોશનલ નીઅરનેસ (ભાવનાત્મક નિકટતા) સાથે સતત મજબૂત બની ઊભા રહ્યા. એટલું જ નહીં, તેમની લાગણીનું મૂલ્ય કઈ રીતે આંકી શકું?

મારી સોસાયટીના સભ્યોની લાગણી-સ્નેહ પણ સતત ટેકો બની રહ્યા. આ બધાં પરિબળો પણ કોરોનાના ઉપચારના ભાગરૂપ ચોક્કસ ગણી શકાય. આ બધાંને વંદન કરવાનું બને છે.

ભય અને તેનો પ્રચાર વધુ ગંભીર

અહીં મને એ કહેવું જરૂરી લાગે છે કે આ રોગ કરતાં તેનો ભય વધુ ગંભીર બનીને ફેલાયો છે. તેના વધુપડતા પ્રચારે વાતનું વતેસર કર્યુ છે. સોશ્યલ મીડિયાએ સારી-નરસી બંને ભૂમિકા ભજવી છે, જેમાં કઠણાઈ એ છે કે લોકો નકારાત્મક બાબત વધુ પકડે છે, ફેલાવે છે. બીજી બાજુ, સાચી બાબત સામે સવાલ અને શંકા ઊઠાવાય છે.

તો, એટલું કહેવાનું કે ડરો નહીં અને બીજાને ડરાવો પણ નહીં. સાંભળેલી વાતોના આધારે કંઈ ન કહો, માત્ર તમારા અનુભવના આધારે જ કહો. તેમાં પણ જજમેન્ટ સ્વરૂપે અથવા આમ જ થાય એવા દાવાથી વાત ન કરો. કેમ કે દરેક કેસમાં અનુભવમાં ફરક હોઈ શકે છે.

કોરોના પોઝિટિવ થયા તો પેનિકમાં ન આવો

અંગત અનુભવને આધારે કહેવું છે કે તમે કોરોના પોઝિટિવ થઈ જાવ તો  એકદમથી ટેન્શનમાં આવવું નહીં. પેનિક થવું નહી, પોઝિટિવ આવ્યા છો તો તેના પ્રત્યે વધુ પોઝિટિવ રહો. પહેલી વાત તો એ કે માત્ર દર્દીની ગંભીરતાના આધારે તેને ડૉક્ટરની સલાહ સાથે હૉસ્પિટલાઈઝ કરવો પડે છે, અન્યથા તેનો ઉપચાર હોમ ક્વોરન્ટાઇન સ્વરૂપે ઘેર બેઠાં કરાવી શકાય છે, જેમાં તમે 14 દિવસ ઘરમાં જ રહી ઉપચાર કરાવી શકો છો. જેની પાસે રહેવાની સગવડ પર્યાપ્ત ન હોય, ઘર નાનું હોય અને તેમાં વધુ સભ્યો હોય તો હૉસ્પિટલમાં કે આઇસોલેશન સેન્ટરમાં જવું પડે તો વાત જુદી છે. ડૉક્ટરો બહુ સરળતાથી તમને ઘરમાં જ સારવાર આપી શકે છે. તમારી સાથે રોજ ફોન પર વાતચીત કરીને માર્ગદર્શન આપી શકે છે. મારાં પત્ની સ્વાતિની આ રીતની સારવાર બોરીવલી મેડિકલ બ્રધરહૂડના તબીબોએ દરરોજ સારી રીતે વાજબી દરે માર્ગદર્શન આપીને કરી હતી. તમે પ્રત્યક્ષ ડૉક્ટર સામે હો એ રીતે વિડિયો કોલ દ્વારા તપાસ અને સલાહ આપવામાં આવે છે. આ કોર્સ માત્ર પાંચ દિવસનો હોય છે. આમાં દવા પણ મર્યાદિત હોય છે. આ રીતે સારવાર આપનારા ડૉક્ટરો પણ દરદીનું મનોબળ વધારવાનું કામ કરતા હોય છે.

ઘરગથ્થુ ઉપચાર પણ મહત્ત્વનો

અનુભવના આધારે કહેવાનું કે તમારા પોતાના ઘરગથ્થુ ઉપચાર તરીકે દિવસમાં બેથી ત્રણ વાર સ્ટીમ લેવી જોઈએ, જેને આપણે નાસ લેવાનું કહી શકીએ. લીંબુ-પાણી પીવું જોઈએ, હળદરવાળું ગરમ પાણી પીવું જોઈએ, સૂંઠની ગોળી ચુસતાં રહેવું જોઈએ, દિવસમાં બે વાર મીઠું નાખેલા ગરમ પાણીના કોગળા કરવા જોઈએ, રાતે સૂતાં પહેલાં હળદરવાળું દૂધ પીવું જોઈએ.

આ સાથે ડૉક્ટરની સલાહ મુજબ વિટામિનની ગોળી કે અન્ય દવા લેતાં રહેવું જોઈએ. પ્રાણાયામ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવી, તમારું ઓક્સિજન લેવલ  દિવસમાં ચારથી પાંચ વાર ચેક કરતાં રહેવું. આના માટે એક આંગળી જેટલું મશીન પલ્સઓક્સિમીટર આવે છે, જે વસાવી લેવું પડે. તમારું ઓક્સિજન લેવલ 95થી 100ની વચ્ચે રહેતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, જો 94થી વધુ નીચે ચાલ્યું જાય તો તેને ચેતવણી સમજવી, પણ પેનિક થવાનું નહીં. તમે તરત ડૉક્ટરનો સંપર્ક કરીને ઓક્સિજનની સુવિધા અને જરૂરી સારવાર મેળવી શકો છો. સંભવતઃ એ માટે હૉસ્પિટલમાં જવું પણ પડે, હવે તો ઘરે પણ આ સુવિધા મળે છે.

કોરોના દર્દીની સૌથી મોટી કરુણતા

અહીં 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં કે આઇસોલેશનમાં કે હૉસ્પિટલમાં દર્દીને રાખવાનું કારણ એ છે કે આટલા દિવસ જ કોરોનાના વાઈરસ દર્દીના શરીરમાં રહે છે. એ પછી પણ કોઈ કેસમાં રહે તો ય અમુક દિવસ બાદ એ ચેપી નથી બનતા, અર્થાત્ નોન-ઈન્ફેકશનવાળા થઈ જાય છે.  ત્યાર બાદ દર્દીએ પોતે કે તેના ચેપ લાગવાનો ભય ધરાવતા લોકોએ પણ ગભરાવાની જરૂર રહેતી નથી. મારાં બા અને મારી પત્નીનાં બાને બંનેને પોઝિટિવ રિપોર્ટ આવતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાનું થયું હતું, પરંતુ એનું કારણ કોરોના કરતાં તેમની ઉંમરને લીધે ઊભી થતી શારીરિક સમસ્યા વધુ હતું. એ બંને જણાએ (ઉંમર અનુક્રમે 89 અને 76 વર્ષ) હૉસ્પિટલમાં એકલા રહેવું પડ્યું તેની પીડા પૂર્ણ પરિવારને હતી, કેમ કે પરિવારના કે અન્ય કોઈને તેમને મળવા અપાતું નહીં. તેઓ સાવ જ એકલાં એક રૂમમાં રહેતાં હતાં. આ ઉંમરે આવી એકલતા વધુ પીડા આપે છે. હું અને મારી પત્ની સ્વાતિ બંને પોઝિટિવ હોમ ક્વોરન્ટાઈન હતાં. જો કે આ બંને સીનિયર સિટિઝન પાછાં ઘરે પણ આવી ગયાં છે.

લોકોની બદલાતી દૃષ્ટિનું દર્દ

કોરોના દર્દીનું બીજું સૌથી મોટું દુઃખ કે રંજ તેના પ્રત્યેની સમાજની, આસપાસના લોકોની બદલાઈ જતી દૃષ્ટિ અને અભિગમ છે. જાણે કોરોના થયો તો એ માણસે મોટો અપરાધ કે પાપ કર્યા હોય! તેના પ્રત્યે કરુણાભાવ રાખવાને બદલે તેને જુદી નજરથી જોવાનું શરૂ કરાય છે. લોકો ત્યારે એ ભૂલી જાય છે કે આ રોગ કોઈને પણ, ક્યારે પણ થઈ શકે છે. આ વાઈરસ એક્ઝેક્ટલી ક્યાંથી અને કઈ રીતે આવે છે એની સ્પષ્ટ સમજ હજી કોઈને થઈ હોય એવું જણાતું નથી, માત્ર લોકો ધારણા બાંધે છે, જેમાં ગેરસમજ પણ ફેલાય છે. ઘણાને તો આ વાઈરસ આવ્યા હશે, તેણે ટેસ્ટ પણ નહીં કરાવી હોય અને કોઈપણ અસર વિના વાઈરસ ચાલ્યા પણ ગયા હશે. જેની જેવી ઇમ્યુનિટી સિસ્ટમ. અત્યારે પણ અનેક લોકો આ વાઇરસ લઈને ફરતા હશે. બની શકે કે તેમને એનાથી કંઈ ન થાય, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. તેમની અસર તેમની નજીકના લોકોને થઈ શકે; થાય જ એ જરૂરી નથી.

સબક અને સ્વસ્થતા આપી

કોરોનાનો સામનો માણસ પોતાની સકારાત્મકતાથી પણ સહેલાઈથી કરી શકે છે. જો તેના પ્રત્યે નેગેટિવ થયા કે પેનિકમાં આવી ગયા તો મૂંઝવણ અને ભય વધશે.

બાય ધ વે, કોરોનાએ આપણને સ્વસ્થતાની બાબતમાં ઘણી શીખ આપી છે, જેને કોરોનાની વિદાય બાદ પણ સાચવી રાખવાની જરૂર રહેશે. શરીરની તંદુરસ્તી માટે આ બાબત આવશ્યક છે અને રહેશે. એક પોઝિટિવ અભિગમ એવો પણ રાખી શકાય કે કોરોના સજા કરવા આવ્યો નથી, કોરોના આપણને સબક સાથે શુદ્ધ અને સ્વસ્થ બનાવવા આવ્યો છે. કોરોનાનો અનુભવ લીધા બાદ આ કહ્યું છે.

મારી બધી જ વાત બરાબર છે એવો કોઈ દાવો કરતો નથી, માત્ર મારો અનુભવ તમારી સાથે વહેંચ્યો છે. તમને જેટલું ઠીક લાગે તે અપનાવો, બાકીનું છોડી દો યા ભૂલી જાવ….

————————— 

કોરોનાએ આપેલી નવી દૃષ્ટિનો ઉપયોગ કરીને હવે રાસાયણિક ખાતરોથી ધરતીને બચાવી શરીરને રોગમુક્ત કરો

ગાય આધારિત ખેતી અને જૈવિક ખેતીને અપનાવીને ધરતી અને માનવજીવનને બચાવવાની મહામૂલી જવાબદારી હવે કોરોના સંકટ પછી ખેડૂતોએ નિભાવવી પડશે

લેખકઃ મયૂર મહેતા (કોમોડિટી ક્ષેત્રના નિષ્ણાત અને કોમોડિટી વર્લ્ડ અખબારના તંત્રી)

દુનિયામાં આધુનિકીકરણ થયું તે જ રીતે ખેતીનું પણ ઝડપી આધુનિકીકરણ થવા લાગતાં ખેડૂત આપણાં શાસ્ત્રોમાં દર્શાવેલા રસ્તાઓથી દૂર જઇને વધુ ઉત્પાદન મેળવવા આંધળુકિયું કરવા લાગ્યો. આવા આંધળુકિયાને કારણે આજની ખેતી ઝેર બની ગઇ છે. રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓને કારણે ખેડૂત રાત-દિવસ મહેનત કરીને જે પાક ઉગાડે છે તેનાથી આપણા બધાનું શરીર હવે દિવસે ને દિવસે અનેક રોગોનું ઘર બની ગયું છે. કૅન્સર, હૃદયરોગ, લિવરના રોગ, કિડનીના રોગનું પ્રમાણ રાત-દિવસ વધી રહ્યું છે. તેના માટે ખેતીમાં વપરાતાં બેફામ રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓ જવાબદાર છે.

અત્યારે જંતુનાશક દવાઓ બનાવતી કંપનીઓ એકબીજાથી હરિફાઇમાં આગળ આવવા નીતનવાં ઝેરી કેમિકલો વાપરીને ખેડૂતોને લલચાવીને પધરાવે છે, પણ આ જંતુનાશક દવાઓના ડોઝ એટલી હદે ઝેરી હોય છે કે તેનો ઉપયોગ કરવાથી આપણી જમીનનું હીર ચુસાઇ જાય છે અને આ દવાઓના છંટકાવ બાદ જે ખેતપેદાશો ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ કરવાથી હું અને તમે ન ધારેલા રોગના શિકાર બની રહ્યા છીએ.

ખેડૂતો જગતના તાત છે ત્યારે મારા જગતાત, બે હાથ જોડીને વિનંતી છે કે આવાં ખતરનાક અને જિંદગી ઝેર કરી નાખે તેવાં રાસાયણિક ખાતરો અને કાતિલ ઝેર ફૂંકતી જંતુનાશક દવાઓથી આપણી ધરતી માને બચાવવાનો સમય આવી ચૂક્યો છે. આપણી ધરતીની ફળદ્રુપતા ઝેરી દવાઓના વધુપડતા ઉપયોગથી ખતમ થઇ રહી છે. ધરતી અને આપણું શરીર હવે કુદરતે આપેલી શક્તિને ગુમાવી રહ્યાં છે.  

જંતુનાશક દવાઓના વધુપડતા ઉપયોગથી શું નુકશાન થાય તે ઉદાહરણ સાથે સમજીએઃ તમને માથું દુખે છે ડૉક્ટરે એક ગોળી લેવાનું કહેવા છતાં તમે બે ગોળી લઈ લો અને આવું અનેક વખત થાય ત્યારે થોડા સમય પછી તમે બે ગોળી લેશો તો પણ તમારું માથું નહીં ઉતરે. એવા વખતે તમારે ત્રણ ગોળી લેવી પડશે. માથાના દુ:ખાવાની વધારેપડતી ગોળી લેવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને એક તબક્કે ગમે તેટલી ગોળી લો પણ તમને માથાનો દુ:ખાવો મટતો નથી. આવું જ ધરતી માતાનું છે. વૈજ્ઞાનિકો જ્યારે તમને કોઇપણ દવા માત્ર એક જ થેલી કે એક જ ગ્લાસ છોડ પર છાંટવાનું કહે પણ દવા વેચનારી કંપનીને તો ધંધો કરવો હોય એટલે તે ખેડૂતને એક ને બદલે બે થેલી કે બે ગ્લાસ છાંટવાનું કહે અને વગર વિચાર્યે આપણે દવાની કંપનીના માણસ કહે તેમ કરીએ ત્યારે આપણે ‘ધરતી માતા’ને ઘણું મોટું નુકશાન પહોંચાડીએ છીએ. આ બાબતે હવે ખેડૂતોએ ગંભીરતાથી વિચારવું પડશે.

આપણે પૂર્વજો કહી ગયા છીએ એ છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટનો ઉપયોગ કરીશું તો ધરતીનું સત્ત્વ ટકી રહેશે. ઉભા પાકને વિવિધ રોગ અને જિવાતથી બચાવવા ઝેરી જંતુનાશક દવાઓને બદલે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ, વગેરેનો ઉપયોગ કરીએ કે જેથી આપણે જે પકવીએ છીએ તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ એમ ને એમ રહે.

કૃષિ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે રાસાયણિક ખાતરથી જે ઉગાડ્યું હોય તેની સરખામણીમાં સજીવ કે જૈવિક ખેતીથી જે ઉગાડ્યું હોય તેમાં 63 ટકા વધુ કેલ્શિયમ, 73 ટકા વધુ લોહતત્ત્વ, 91 ટકા વધુ ફોસ્ફરસ, 125 ટકા વધુ પોટેશિયમ અને 60 ટકા વધુ જસત મળે છે. આ તમામ ખનિજતત્વો મારા-તમારા શરીરને અનેક રોગો સામે લડવાની આંતરિક શક્તિ આપે છે.

કોરોનાના કાળમાં આપણે સાંભળીએ છીએ કે કોઇને કોરોના દવા વગર માત્ર શરીરની અંદર રહેલી રોગપ્રતિકારક શક્તિથી દૂર થઇ જાય છે. કુદરતે મને-તમને બધાને કુદરતી રોગપ્રતિકારક શક્તિ આપી છે. આપણા જ શરીરમાં રહેલી આ રોગપ્રતિકારક શક્તિ ગમે તેવા રોગ સામે લડવા સક્ષમ છે પણ આજકાલનાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓમાં પકવેલી ખેતપેદાશો આપણા શરીરમાં જઇને મારી-તમારી રોગપ્રતિકારક શક્તિને બુઠ્ઠી બનાવી દે છે, જેને કારણે આપણે જીવલેણ રોગો સામે રક્ષણ મેળવી શકતા નથી.

રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો વધુપડતો ઉપયોગ કરવાથી થયેલા ફેરફારો આપણને સામે જ દેખાઇ રહ્યા છે. કપાસમાં ગુલાબી ઇયળ, રાક્ષસી ઇયળોનો ત્રાસ પહેલાં આટલો નહોતો, જેટલો આજે જોવા મળી રહ્યો છે. દર વર્ષે ખેતપેદાશોમાં રોગ અને જિવાતનું પ્રમાણ છાશવારે વધતું જોવા મળે છે આ દૂષણ માત્ર ને માત્ર વધુ રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓના વધુપડતા ઉપયોગને કારણે માથું ઉંચકી રહ્યું છે.

ભારતમાં ઝેરી જંતુનાશક દવાઓનો વધુપડતો ઉપયોગ થવાને પગલે જીરાની વૈશ્વિક માર્કેટમાં ટચુકડાં તુર્કી-સીરિયા ભારતને હંફાવી રહ્યાં છે
ભારતમાં જીરાનું સૌથી વધુ ઉત્પાદન વિશ્વમાં વર્ષોથી સૌથી વધુ પ્રમાણમાં થઇ રહ્યું છે. જીરાની વૈશ્વિક માર્કેટમાં ભારતની મોનોપોલી છે. ભારત દર વર્ષે સાડા ત્રણથી ચાર લાખ ટન જીરાનું ઉત્પાદન કરે છે, જ્યારે તુર્કી માત્ર 12-15 હજાર ટન અને સિરિયા 25-30 હજાર ટન જીરાનું ઉત્પાદન કરે છે.
ભારતના જીરું ઉગાડતા ખેડૂતો વધુપડતાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતાં હોઇ યુરોપિયન દેશો, જપાન અને કેટલાક પ્રગતિશીલ ખેડૂતો ભારતીય જીરાનું નામ સાંભળીને જ મોઢું મચકોડે છે. તેની સામે તુર્કી અને સીરિયાના ખેડૂતો રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરતાં હોઇ તેમનું જીરું ભારતના જીરા કરતાં દોઢા ભાવે પણ વેચાય છે.
અહીં સરખામણી કરો, ભારતનું જીરાનું ઉત્પાદન કેટલું અને તેની સામે તુર્કી-સીરિયાના જીરાનું ઉત્પાદન કેટલું? આ બંને દેશો જીરાની વૈશ્વિક માર્કેટમાં ભારતને વર્ષોથી હંફાવી રહ્યાં છે. આવું જ સફેદ અને કાળા તલની માર્કેટમાં છે. યુરોપિયન દેશો અને જપાને ભારતના તલને ખરીદવાનું વર્ષોથી બંધ કરી દીધું છે. આમ, આપણે વધુપડતાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી આપણી ખેતપેદાશોની બજારને પણ નુકશાન પહોંચાડી રહ્યા છીએ અને તેને કારણે ખેડૂતોને નિકાસબજારમાં ખેતપેદાશોના સારા ભાવ મળતા નથી.

 ———————–