દેશમાં કાયદાનો અમલ કડક બનાવીને વિનાવિલંબે ન્યાય તોળવાની જરૂર

(ડાબેથી કે. પી. કૃષ્ણન, પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક)

પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણનની ત્રિપુટીને મુંબઈ વડી અદાલતે એનએસઈએલ કેસ સંબંધેના એક ખટલામાં મોકલ્યા સમન્સ

પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણન. આ ત્રણ નામથી વિચારક્રાંતિના વાચકો અજાણ નથી. પી. ચિદમ્બરમથી તો આ દેશનો કોઈ નાગરિક પણ અજાણ નથી, પરંતુ ઘણા વાચકો એ વાતથી અજાણ છે કે ઉક્ત ત્રણે વ્યક્તિઓની સામે ગંભીર આરોપ લાગેલા છે. તેમણે એક કંપની સમૂહની વિરુદ્ધ કિન્નાખોરી રાખીને-બદઈરાદાપૂર્ણ કાર્યવાહી કરીને ફક્ત એ સમૂહને નહીં, દેશને નુકસાન કર્યું હોવાનો એક મોટો આરોપ તેમની વિરુદ્ધ છે. તેમણે 50,000થી 60,000 કરોડ રૂપિયા મૂલ્યનું એક મેક ઇન ઇન્ડિયા સાહસ બની શક્યું હોત એ કૉર્પોરેટ ગ્રુપની સામે ષડ્યંત્ર રચીને એ ગ્રુપના શેરધારકોથી લઈને દેશના યુવાધનને ભયંકર નુકસાન કર્યું એવો પણ આરોપ તેમની સામે છે. જો કે, હવે કાયદો તેમના સુધી પહોંચી રહ્યો છે. તેમણે પોતાનાં કૃત્યો વિશે ન્યાયાલય સમક્ષ જવાબ આપવો પડશે.

મુંબઈ વડી અદાલતે આ ત્રણે વ્યક્તિઓને હાજર થવા માટે સમન્સ મોકલ્યા છે. પોતાની સામે બદઈરાદાપૂર્વકનાં પગલાંને કારણે પોતાના શેરધારકોને 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો 63 મૂન્સ ટેક્નૉલૉજીસે કર્યો છે. આ દાવાની સાથે તેણે ઉક્ત ત્રણે વગદાર માણસોની પાસેથી આ નુકસાની મેળવવા માટે ખટલો માંડ્યો છે. વડી અદાલતે એ જ કેસ સંબંધે સમન્સ મોકલીને 15 ઑક્ટોબર, 2019ના રોજ તેમને અદાલતમાં બોલાવ્યા છે.

આ કેસમાં પરિણામ શું આવશે એ તો સમય જ કહી બતાવશે, પરંતુ એક વાત સ્પષ્ટ થાય છે કે કાયદાએ પોતાની સર્વોપરિતા દાખવી આપી છે. કાયદાની પકડમાંથી કોઈ પણ આરોપી બચી શકે નહીં એ વાતની પ્રતીતિ આ વગદાર ત્રિપુટીને મળેલા સમન્સ દર્શાવે છે. અદાલતે આરોપીઓને વ્યક્તિગત રીતે અથવા પોતાના વકીલ મારફતે અથવા વકાલતનામા અને લેખિત નિવેદન દ્વારા હાજર થવાનું ફરમાન કર્યું છે. જો તેઓ એમ નહીં કરે તો અદાલત તેમની સામે જે આદેશ બહાર પાડશે તેના માટે તેઓ જવાબદાર રહેશે.

કંપનીએ અરજીમાં કહ્યું છે કે તેની પેટા કંપની નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)માં સર્જાયેલી પૅમેન્ટ કટોકટીની પાછળ ષડ્યંત્ર રહેલું છે. આ કટોકટીનાં નાણાંમાંથી એક પાઈ પણ મુખ્ય કંપની, પેટા કંપની કે તેના સ્થાપકોએ લીધી નહીં હોવા છતાં સમગ્ર ગ્રુપની સામે કિન્નાખોરી રાખીને પગલાં ભરવામાં આવ્યાં.

નોંધનીય છે કે એનએસઈએલની પૅમેન્ટ કટોકટી જુલાઈ 2013માં સર્જાઈ હતી.

63 મૂન્સે ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કૃષ્ણનની વિરુદ્ધ સીબીઆઇમાં ફોજદારી ફરિયાદ પણ નોંધાવી છે.

કંપનીના ચૅરમૅન વેંકટ ચારીએ ગત ફેબ્રુઆરીમાં દિલ્હીમાં પત્રકાર પરિષદ ભરીને કહ્યું હતું કે કંપની 10,000 કરોડની નુકસાનીનો દાવો માંડશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ઉક્ત ત્રિપુટીએ એનએસઈએલની પૅમેન્ટ કટોકટીને વકરાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેને લીધે કંપનીના શેરધારકોને ભરપૂર નુકસાન થવા ઉપરાંત રોજગારીનો પણ નાશ થયો અને અર્થતંત્રને આવક થતી અટકી ગઈ. જો એનએસઈએલની સામે ષડ્યંત્ર રચાયું ન હોત તો એફટીઆઇએલ ગ્રુપનું મૂલ્ય અત્યારે 50,000થી 60,000 કરોડ રૂપિયાનું હોત.

આ જ પત્રકાર પરિષદમાં ગ્રુપના સ્થાપક જિજ્ઞેશ શાહે કહ્યું હતું કે આ ત્રણેએ ભેગા આવવું હોય તો ભેગા અને એકલા આવવું હોય તો એકલા, હું તેમની સાથે એનએસઈએલ કટોકટી સંબંધે જાહેર ચર્ચા કરવા તૈયાર છું. પૅમેન્ટ કટોકટી વાસ્તવમાં એક ષડ્યંત્ર હતી. અમુક છુટાછવાયા મુદ્દાઓને ભેગા કરીને કટોકટીને કૌભાંડ તરીકે ચીતરવામાં આવી.

એનએસઈએલ પૅમેન્ટ કટોકટીમાં તર્કના આધારે કાર્યવાહી થઈ હોય એવું દેખાતું નથી. સરકારે નીમેલી સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ (એસએફઆઇઓ)ના અહેવાલમાં આ કેસમાં બ્રોકરો, ડિફોલ્ટરો અને ટ્રેડરોની ભૂમિકા વિશે અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હોવા છતાં તેમની વિરુદ્ધ નક્કર કાર્યવાહી થઈ હોવાનું જણાતું નથી. રમેશ અભિષેક એ કટોકટી વખતે ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ચૅરમૅન હતા. તેમને બ્રોકરો અને ટ્રેડરોની ભૂમિકા વિશે ખબર હોવા છતાં તેમણે પક્ષપાતી ધોરણ અપનાવીને માત્ર એનએસઈએલ તથા પૅરન્ટ કંપની 63 મૂન્સ ટેક્નૉલૉજીસ વિરુદ્ધ કાર્યવાહી કરી.

ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કૃષ્ણન એ ત્રણે જણાએ એફટીઆઇએલને કારણે ઊભી થયેલી સ્પર્ધાથી એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)ને બચાવી લેવા માટે તથા તેનાં હિતસંબંધોને સાચવી લેવા માટે કિન્નાખોરી રાખી હોવાનો આક્ષેપ હોવાથી હવે સીબીઆઇ આ બાબતે શું તપાસ કરે છે અને શું અહેવાલ આપે છે તેના પર પણ અત્યારે નાણાકીય ક્ષેત્રના લોકોની નજર છે.

આ કેસમાં ઘણી મોટી સંખ્યામાં લોકો રસ લે એ સ્વાભાવિક છે, કારણ કે નાણાકીય ક્ષેત્રની અત્યાર સુધીની અનેક કટોકટીઓથી એ અલગ તરી આવે છે. તેમાં પાડાના વાંકે પખાલીને ડામ આપવાની નીતિ અપનાવવામાં આવી હોવાનું કહેવાતું આવ્યું છે. એક ખાનગી કંપનીનાં હિતોને સાચવવા માટે સરકારી તંત્રની ત્રણ વગદાર વ્યક્તિઓએ સામ-દામ-દંડ-ભેદ અપનાવીને દેશની વેપાર સાહસિકતાની કેડ ભાંગી નાખવાનો ભદ્દો પ્રયાસ કર્યો હોય એવો આ કેસ છે.

આ જ ચિદમ્બરમ છે, જેમની સામે આઇએનએક્સ મીડિયા કેસમાં પણ આરોપો ઘડાયા છે અને તેનો ખટલો દિલ્હીની અદાલતમાં ચાલી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે તેમને ધરપકડ સામે સતત 26 વખત રક્ષણ મળ્યું છે. તેમના દીકરા કાર્તિ સામે પણ એ જ કેસમાં આરોપો મુકાય છે અને તેમને પણ ધરપકડ સામે 26 વખત રક્ષણ મળ્યું છે.

63 મૂન્સ અને આઇએનએક્સ મીડિયા બન્ને કેસ પરથી જોઈ શકાય છે કે સરકારી તંત્રનો દુરુપયોગ કર્યાનો ચિદમ્બરમ વિરુદ્ધ આક્ષેપ છે. જનતાની સેવા કરવાનું નામ લઈને રાજકારણમાં આવેલા અને સનદી અધિકારી બનેલા લોકો અંગત સ્વાર્થ માટે સમગ્ર સરકારી તંત્રનો ઉપયોગ કરવા લાગે એ અત્યંત ગંભીર બાબત છે. ન્યાય આપવામાં વિલંબ થાય એ ન્યાય નકારવા જેવી બાબત કાનૂની પુસ્તકમાં લખેલી છે. એટલું જ નહીં, ન્યાયમાં વિલંબ થવાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે અને પ્રામાણિક માણસો નિરાશાની ગર્તમાં ધકેલાય છે. આ એક કૉર્પોરેટ ગ્રુપ કે એક મીડિયા કેસનો નહીં, પણ દેશને થઈ રહેલા પ્રચંડ નુકસાનનો મુદ્દો છે. આથી, કાયદાનો અમલ કડક બને અને વહેલામાં વહેલી તકે ન્યાય તોળાય એવી અપેક્ષા ચોક્કસ રાખી શકાય.

——————–

કેવડું મોટું આઘાતજનક આશ્ચર્ય! ઓરિજિનલ સ્ટાર્ટ અપ અને મેક ઇન ઇન્ડિયા સ્ટોરીને ખતમ કરનાર માણસ છે સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપનારી સરકારી યોજનાનો આજનો ઇનચાર્જ

તસવીર સૌજન્ય: http://www.Depositphotos.com

આપણે હાલ રમેશ અભિષેકની વાત કરી રહ્યા છીએ. તેમના વિશે પીગુરુસ ડોટ કોમ વેબસાઇટ પર અનેક આઘાતજનક માહિતીઓ પ્રકાશિત થઈ રહી છે એવા સમયે બીજો એક મુદ્દો ધ્યાનમાં આવે છે. મેક ઇન ઇન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ અને સ્ટાર્ટ અપ ઇન્ડિયાનો આદર્શ બને એવી ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ (એફટીઆઇએલ) અને તેનાં નવ એક્સચેન્જ સાહસોને નુકસાન કરવામાં કંઈ બાકી નહીં રાખનાર માણસ આજે સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન આપવા માટેના ખાતાનો અખત્યાર સંભાળે છે એ વર્તમાન ભારતનું ઘણું મોટું આઘાતજનક આશ્ચર્ય છે. ચાલો, હકીકતમાં શું થયું અને શું થઈ રહ્યું છે તેના વિશે વધુ વાત કરીએ.

રમેશ અભિષેક એક સમયે ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ચૅરમૅન હતા. એફટીઆઇએલ ગ્રુપના એક્સચેન્જ – નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)નું નિયમન એફએમસી કરતું હતું, પરંતુ નિયમનકાર તરીકે પોતાની જવાબદારી સ્વીકારવામાં રમેશ અભિષેકે હંમેશાં ગલ્લાંતલ્લાં કર્યાં હતાં. પછી જ્યારે એ એક્સચેન્જમાં ડિફોલ્ટરો લોકોનાં નાણાં લઈને હાથ ઊંચા કરી ગયા ત્યારે તેમણે ડિફોલ્ટરોની પાછળ પડવાને બદલે એફટીઆઇએલ ગ્રુપને નુકસાન થાય એ રીતે તેની સાથે એનએસઈએલનું મર્જર કરવાની ભલામણ કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયને કરી અને તેનો સ્વીકાર પણ થયો. આ જ અમલદારે એફટીઆઇએલનાં જે બીજાં વેપારી સાહસો હતાં અને જેમને એનએસઈએલ સાથે કોઈ જ સંબંધ ન હતો, એવાં સાહસોમાંથી પણ એફટીઆઇએલને હિસ્સો વેચી દેવાની ફરજ પડે એ રીતે ગ્રુપને નૉટ ફિટ ઍન્ડ પ્રૉપર જાહેર કર્યું. પરિણામ એ આવ્યું કે પાડાના વાંકે પખાલીને ડામ મળે એવી સ્થિતિ સર્જાઈ અને દેશના વિકાસમાં ઘણી મોટી ભૂમિકા ભજવી શકે એવી મેક ઇન ઇન્ડિયાની સફળ સ્ટોરીને પારાવાર નુકસાન થયું. હવે ભારત સરકાર એવી સ્ટોરી સર્જવા ઝઝૂમી રહી છે, પરંતુ તેને પણ સફળ થવા દેવાતી નથી (જુઓઃ https://www.pgurus.com/how-ramesh-abhishek-failed-to-deliver-on-one-of-gois-best-initiatives-startup-india/).

આ જ રમેશ અભિષેકની સામે એનએસઈએલના ડિફોલ્ટરોએ પોતાની નાણાકીય જવાબદારી સ્વીકારીને તમામ 5,600 કરોડ રૂપિયા પાછા આપી દેવાની બાંયધરી આપી હતી. નવાઈની વાત એ છે કે હવે રમેશ અભિષેક એ બેઠકની મિનટ્સ ઑફ મીટિંગ ગાયબ થઈ ગઈ હોવાનું કહે છે. એફટીઆઇએલના સ્થાપક જિજ્ઞેશ શાહે એ વખતે એટલે કે ઑગસ્ટ 2013માં કહ્યું હતું કે બધા સાથે મળીને એનએસઈએલની 5,600 કરોડ રૂપિયાની પૅમેન્ટ કટોકટીનો હલ લાવી શકે છે. આમ છતાં કટોકટીના ઉકેલ માટે બધા સાથે આવે તેને બદલે બધા લોકો જાણે એફટીઆઇએલની સામે આવી ગયા. તેને કારણે ડિફોલ્ટરોને બખ્ખાં થઈ ગયાં. મુંબઈ પોલીસે તપાસ કરી ત્યારે અને ઑડિટરોએ ફોરેન્સિક ઑડિટ કર્યાં ત્યારે તમામ 5,600 કરોડ રૂપિયાનો રેલો ડિફોલ્ટરો સુધી પહોંચતો દેખાયો. આથી જ તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી. એફટીઆઇએલે પણ પોતાની પ્રતિબદ્ધતાને અનુલક્ષીને ડિફોલ્ટરો સામે ખટલા ચલાવીને તેમની એટલી સંપત્તિ જપ્ત કરાવી કે એમાંથી લેણદારોના બધા જ પૈસા ચૂકવી શકાય. આજે એ ડિક્રી અદાલતો પાસેથી મળી ગઈ હોવા છતાં તેનો અમલ થયો નથી એ પણ આશ્ચર્યની વાત છે.

દરમિયાન, રમેશ અભિષેકે જે મર્જર કરાવવું હતું તેની સામે એફટીઆઇએલે છેક સર્વોચ્ચ અદાલત સુધી લડત ચલાવી અને આખરે સત્યનો વિજય થયો હોય એમ અદાલતે મર્જરનો સરકારી આદેશ રદ ઠેરવ્યો. અદાલતે સમગ્ર કેસની હકીકત જાણ્યા બાદ કહ્યું પણ ખરું કે અમુક ગણ્યાંગાંઠ્યા લોકોના હિતને જનહિત કહી શકાય નહીં. આથી, જનહિતના નામે બહાર પડાયેલો મર્જરનો આદેશ પણ માન્ય રાખી શકાય નહીં. એક રીતે જોવા જઈએ તો સર્વોપરી અદાલતનો આદેશ રમેશ અભિષેકની વિરુદ્ધ બોલાયેલો સ્પષ્ટ ચુકાદો કહી શકાય. આ એક આદેશને જોઈને સરકારે સમજી જવું જોઈતું હતું કે આ અમલદારે ભરેલું પગલું કેટલું ખોટું ઠર્યું છે અને તેને લીધે એક મેક ઇન ઇન્ડિયા સ્ટોરી ખતમ થઈ ગઈ છે તથા સ્ટાર્ટ અપનું જ્વલંત ઉદાહરણ નષ્ટ થઈ ગયું છે. આવું હોવા છતાં રમેશ અભિષેકને ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના સચિવના હોદ્દા પર ચાલુ રખાયા છે.

ભારત સરકારે 16 જાન્યુઆરી 2016ના રોજ સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના શરૂ કરી. તેનો ઉદ્દેશ્ય સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન અને પીઠબળ આપવાનો છે. તેના દ્વારા રોજગારસર્જન કરવાનો પણ છે. રમેશ અભિષેકે એફટીઆઇએલની સામે કાવતરું રચ્યું હોવાનો આક્ષેપ છે. ‘ધ ટાર્ગેટ’ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને નાણાં ખાતાના તત્કાલીન સનદી અધિકારી કે. પી. કૃષ્ણનની સાથે મળીને તેમણે એફટીઆઇએલ ગ્રુપની સામેના ષડ્યંત્રને અંજામ આપ્યો. જેની સામે ષડ્યંત્ર અમલમાં મુકાયું એ એફટીઆઇએલ ગ્રુપે 10 લાખ રોજગારનું સર્જન કર્યું હતું અને તેની પ્રગતિનો ગ્રાફ હજી ઉંચો જઈ શકે એમ હતું. રોજગારસર્જનના આ સાહસને રમેશ અભિષેકે સામે ચાલીને બંધ કરાવ્યું. આ માણસ સ્ટાર્ટ અપ ઇન્ડિયાને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે એ એક મોટો પ્રશ્ન છે.

પીગુરુસ ડોટ કોમ કહે છે કે રમેશ અભિષેકે સ્ટાર્ટ અપ ઇન્ડિયાને અપાયેલા ભંડોળ વિશે કરેલા દાવા શંકાસ્પદ છે. તેમણે બધાં સ્ટાર્ટ અપ્સને ટેકો આપવાને બદલે પોતાની દીકરી વનીસા અગરવાલની કન્સલ્ટન્સી કંપનીને ટેકો આપ્યો છે.

રમેશ અભિષેક એફએમસીમાં હતા ત્યારે વનીસા સેબીમાં કન્સલ્ટન્ટ હતી અને હવે તેઓ ડીપીઆઇઆઇટીમાં છે ત્યારે વનીસાની કંપની સ્ટાર્ટ અપ્સને કન્સલ્ટન્સી સર્વિસીસ પૂરી પાડે છે. સીબીઆઇએ આ બાબતે તપાસ કરવી જોઈએ એવું પીગુરુસ ડોટ કોમનું કહેવું છે.

લોકપાલે તાજેતરમાં રમેશ અભિષેક વિરુદ્ધની કેન્દ્રીય દક્ષતા પંચની તપાસ વિશે સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે. એ અહેવાલ લોકપાલને સોંપવામાં આવે અને તેમાંથી શું બહાર આવે છે એ તો સમય કહેશે, પરંતુ આ સનદી અધિકારીએ ઓરિજિનલ સ્ટાર્ટ અપને અને ઓરિજિનલ મેક ઇન ઇન્ડિયા સ્ટોરીને ખતમ કરી નાખી એ ખરું છે અને હજી પણ સરકાર તેમની સામે કોઈ પગલું ભરી રહી નથી એ મોટું આઘાતજનક આશ્ચર્ય છે.


સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહનના નામે બખડજંતર

ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશન સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન આપ્યાના ઘણા મોટા દાવા કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. પીગુરુસ ડોટ કોમ પર આ હકીકતને ઉજાગર કરવામાં આવી છે. વેબસાઇટ જણાવે છે કે સ્ટાર્ટ અપ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર 28 જૂન, 2019ના રોજ સુધીમાં 20,113 સ્ટાર્ટ અપ્સને માન્યતા આપવામાં આવી હતી અને સિડબીના ભંડોળમાંથી 218ને ફંડ આપવામાં આવ્યું હતું. આમ સિડબી મારફતે ભંડોળ મેળવનારાં સ્ટાર્ટ અપ્સની સંખ્યા ફક્ત 1.08 ટકા છે. ઉક્ત તારીખ સુધીમાં કરવેરાનું એક્ઝેમ્પશન મેળવનાર સ્ટાર્ટ અપ્સની સંખ્યા 94 છે, જે માન્યતા મેળવનારાં સ્ટાર્ટ અપ્સના ફક્ત 0.46 ટકા છે. આટલી ઓછી ટકાવારીને કઈ રીતે સફળતા ગણાવી શકાય એ મોટો સવાલ છે.

28 જૂન, 2019ના રોજ સુધીનું સ્ટાર્ટ અપ ઇન્ડિયાનું નબળું સ્કોરબોર્ડ

માન્યતા મેળવનારાં સ્ટાર્ટ અપ્સ 20,113
સિડબીના ફંડ ઑફ ફંડ્સમાંથી નાણાં મેળવનારાં સ્ટાર્ટ અપ્સ 218
નાણાં મેળવનારાં સ્ટાર્ટ અપ્સનું પ્રમાણ 1.08 ટકા
ટૅક્સ એક્ઝેમ્પશન મેળવનારાં સ્ટાર્ટ અપ્સની સંખ્યા 94
ટૅક્સ એક્ઝેમ્પશન મેળવનારાં સ્ટાર્ટ અપ્સની ટકાવારી 0.46 ટકા

આથી જ ઘણું મોડું થાય તેની પહેલાં રમેશ અભિષેકની પાસેથી ખુલાસો માગવાની જરૂર ઊભી થઈ છે. સોશિયલ મીડિયામાં અનેક સ્ટાર્ટ અપ્સના લોકોએ ફરિયાદો કરી છે કે તેમને એન્જલ ટૅક્સની સમસ્યા સતાવી રહી છે. સ્ટાર્ટ અપ્સની યોજના ફક્ત વાતો કરવા પૂરતી હોવાનું એક જણે કહ્યું છે, જ્યારે અન્ય એક જણે સ્ટાર્ટ અપ્સને થતી સતામણીનો મુદ્દો ઉખેળ્યો છે. એકે રમેશ અભિષેક સામે ટ્વીટર પર સવાલ ઉઠાવ્યા તો તેમને બ્લોક કરી દેવાયા. આમ, ખરા અર્થમાં સ્ટાર્ટ અપ્સને હજી યોગ્ય સ્ટાર્ટિંગ મળ્યું નથી એવું જણાય છે.

———–

લોકપાલની નજર હેઠળ આવેલા રમેશ અભિષેકનો ડબ્બા કંપનીઓ સાથે પણ સંબંધ

તસવીર સૌજન્યઃ http://www.examveda.com

ભારતમાં નવી સરકારની બીજી મુદત ચાલુ થઈ ગઈ હોવા છતાં હજી જૂની ઘરેડ ચાલે છે. સરકારી બાબુઓના ભ્રષ્ટાચાર સામે આવવા લાગ્યા હોવા છતાં તેમનો વાળ પણ વાંકો થતો નથી એ આશ્ચર્યની વાત છે. હાલમાં આપણે જેના વિશે વાત કરી રહ્યા છીએ એ રમેશ અભિષેક હવે લોકપાલની નજરે ચડ્યા છે. તેમની સામે રીતસરની ફરિયાદ થઈ છે અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની પાસે અહેવાલ મગાવવામાં આવ્યો છે. આ અધિકારી એક દાયકા કરતાં પણ વધુ સમયથી ડબ્બા કંપનીઓ સાથે સંકળાયો હોવાનું હાલમાં એક અહેવાલ પરથી ફલિત થાય છે. નવસર્જનને પ્રોત્સાહન આપવાની જેની પાસેથી અપેક્ષા રખાતી હોય એ માણસ બનાવટી કંપનીઓ સાથે સંકળાયો હોય એ બાબત ખરેખર આઘાતજનક છે. અને એનાથીય વધુ આઘાત આપનારી બાબત એ છે કે તેને કોઈ ઉની આંચ આવી નથી.

સરકારી બાબુઓ સમગ્ર દેશમાં સૌથી વધુ સત્તા ધરાવે છે એ તો સાંભળ્યું હતું, પરંતુ ખોટું કામ કરવા છતાં તેઓ બચી જાય એ બાબત વિશ્વ સામે ભારતની નાલેશી કરનારી છે.

આ રમેશ અભિષેક સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને ડામવા માટે કાર્યરત સંસ્થા લોકપાલની નજરે કેવી રીતે ચડ્યા એ પણ જાણવા જેવું છે. તેમની સામે 63 મૂન્સ ટેક્નૉલૉજીસે ફરિયાદ કરી એ તો એક કારણ છે જ, પણ તેમના વિશે બહાર આવેલાં બીજાં કેટલાંક તથ્યો પણ કારણભૂત છે

ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના આ સચિવે દેશની પ્રગતિના સ્થાને પોતાની ‘પ્રગતિ’ કરી હોવાનું હાલમાં પ્રકાશમાં આવ્યું છે (https://www.pgurus.com/ramesh-abhishek-creates-his-own-make-in-india-via-kolkata/#_ftn1). ગયા ડિસેમ્બરમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબારમાં પ્રગટ થયેલા એક સમાચાર (https://timesofindia.indiatimes.com/business/india-business/over-1-lakh-shell-companies-deregistered-this-fiscal-government/articleshow/67285309.cms) મુજબ વર્ષ 2017-18 દરમિયાન 1 લાખ કરતાં વધુ ડબ્બા કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હતું. રમેશ અભિષેકનો ડબ્બા કંપનીઓ સાથેનો જે સંબંધ બહાર આવ્યો છે તેને જોતાં ચોક્કસપણે કહી શકાય કે કેન્દ્રીય દક્ષતા પંચે સરકારી અમલદારો બાબતે તપાસ શરૂ કરવી જોઈએ.

રમેશ અભિષેકનો ડબ્બા કંપનીઓના દૂષણમાં કેટલા અંદર સુધી ખૂંચી ગયા છે એ જોઈને કહી શકાય કે સમગ્ર સરકારી તંત્રમાં ઊંડે સુધી સડો પેસી ગયો છે.

ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ રમેશ અભિષેકની સાથે સંકળાયેલી આવી એક ડબ્બા કંપની છે જગદંબા આયર્ન ઍન્ડ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ (JISPL). આ કંપની ફક્ત કાગળ પર છે. તેણે ક્યારેય નફો નોંધાવ્યો નથી અને કરવેરો ભર્યો નથી, પણ તેના નામે વિશાળ રિઝર્વ બોલે છે. આ નામ સાથે ઘણું સામ્ય ધરાવતી બીજી એક કંપની છે જગદંબા સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (JSIPL). નવાઈની વાત તો એ છે કે JSIPL કંપની JISPLમાં શેરધારક છે. હવે જાણવા જેવી વાત એ છે કે JISPLમાં લગભગ 97 ટકા હિસ્સો રમેશ અભિષેકના સંબંધીઓ અથવા તેમની બીજી કંપની એટલે કે JSIPLનો છે.  

જાણવા મળ્યું છે કે કોલકાતાની ખોખા કંપનીઓએ 2008, 2009 અને 2014માં ઉંચા પ્રીમિયમે JSIPLમાં શેર ખરીદ્યા. 31 માર્ચ, 2009ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ખોખા કંપનીઓને પ્રતિ શેર 3,000 રૂપિયાના પ્રીમિયમે વધુ શેરની ફાળવણી કરવામાં આવી હતી. JSIPLને ખોખા કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા મળ્યા, જેનું રોકાણ JISPLમાં કરવામાં આવ્યું હતું. આ રોકાણ 2008, 2009 અને 2014માં કરાયું હતું. તેમનાં નાણાં JSIPLમાં ટ્રાન્સફર થયા બાદ ખોખા કંપનીઓ તેમાંથી હટી ગઈ. ટેક્નિકલ ભાષામાં તેને ‘પ્રીમિયમ સ્ટ્રિપિંગ’ કહેવાય છે. આ રીતે JSIPL અને JISPL વચ્ચે નાણાં ફરી ગયાં અને એક ચક્ર પૂરું થઈ ગયું. નાણાંની આ હેરાફેરી માટે કેટલીક કોલકાતા ખોખા કંપનીઓનો ઉપયોગ કરીને તેમને હટાવી દેવાઈ. આમ, નકામી કંપનીઓના શેર ઉંચા ભાવે ખરીદાયા અને રમેશ અભિષેકે ઉક્ત બન્ને કંપનીઓ એટલે કે JSIPL અને JISPLમાં  અનુક્રમે 9.67 કરોડ અને 9.18 કરોડ મળીને કુલ 18.85 કરોડ રૂપિયા ઊભા કર્યા. આ બધું કેવી રીતે કરવામાં આવ્યું તેની વિગતો કંપનીના ઑડિટરે 2008, 2009 અને 2014માં નોંધાવેલા ઑડિટર્સ રિપોર્ટ (https://www.scribd.com/document/418508931/CA-Report-of-JISPL#from_embed) પરથી જાણી શકાય છે.

અત્યાર સુધીમાં આપણે જાણી ગયા છીએ કે પ્રચલિત નામ ભલે રમેશ અભિષેક હોય, તેઓ મૂળ અગરવાલ સમાજના છે અને તેમની મૂળ અટક અગરવાલ છે. ઉપર જે કંપનીઓની વાત કરી તેના અન્ય મુખ્ય શેરધારકોનાં નામ પરથી પણ કનેક્શન ખબર પડે છે. JISPLમાં વિજયશંકર અગરવાલા, મનીષકુમાર અગરવાલ, મંજુદેવી અગરવાલા અને JSIPL એ શેરધારકો હતા. બન્ને કંપનીઓ વચ્ચે નાણાં ફરી ગયા પછી JSIPLમાં વિજયશંકર અગરવાલા, મનીષકુમાર અગરવાલ, સુશીલાદેવી, JISPL તથા અન્યો શેરધારક હતા.

JSIPLમાં રોકાણ કરનારી કોલકાતા ખોખા કંપનીઓમાં વર્ષ 2008માં બદ્રીનાથ કૉમર્સ પ્રા. લિ, ભગવતી મર્ચન્ટ્સ પ્રા. લિ, બાલગોપાલ ડીલર્સ પ્રા. લિ. અને ગણપતિ સ્ટૉક પ્રા. લિનો સમાવેશ થતો હતો. 2009માં વધુ ઉંચા પ્રીમિયમે શેર ફાળવાયા અને શેરધારકો આ પ્રમાણે હતાઃ પરમપિતા ડીલકોમ પ્રા. લિ, બદ્રીનાથ કૉમર્સ પ્રા. લિ, ભગવતી મર્ચન્ટ્સ પ્રા. લિ, અંજનીપુત્ર વિનિમય પ્રા. લિ, વૈભવ વિનિમય પ્રા. લિ, ગણગૌર પ્રોપર્ટીઝ પ્રા. લિ, વિંધ્યવાસિની વિનકોમ પ્રા. લિ. અને અર્ચ ટ્રેડર્સ પ્રા. લિ. આમાંથી અમુક કંપનીઓને રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ અત્યાર સુધીમાં ડબ્બા કંપની તરીકે યાદીમાંથી રદબાતલ કરી ચૂકી છે.

આ બધા ગોરખધંધા એટલી ચાલાકીથી ચાલતા હોય છે કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનો અભ્યાસ કરી ચૂકેલી વ્યક્તિ જ તેને સમજી શકે. જો કે, સામાન્ય માણસ તેમાંથી એટલું ચોક્કસપણે જાણી શકે છે કે બનાવટી કંપનીઓ રચીને ગરબડ કરવામાં આવી છે.

——————–

‘અબ ઊંટ આયા પહાડ કે નીચે’: લોકપાલે રમેશ અભિષેક વિરુદ્ધની તપાસનો અહેવાલ માગ્યો

તસવીર સૌજન્યઃ http://www.businessworld.in

આજે આપણે જે સમાચારની વાત કરવાના છીએ તેને વાંચીને ‘અબ ઊંટ આયા પહાડ કે નીચે’ કહેવત યાદ આવી જાય છે. સરકારમાં મહત્ત્વના હોદ્દાઓ લેવાના, પણ કોઈ જવાબદારી નહીં. ઉલટાનું, શંકાસ્પદ વ્યવહારોમાં સંડોવણી હોય એવા અનેક દાખલા જોવા મળે. વાત છે સનદી અમલદાર રમેશ અભિષેકની, જેના વિશે આપણે હાલ ઘણા મુદ્દા છેડ્યા છે.

આપણા મુદ્દાઓને સમર્થન આપનારી મહત્ત્વપૂર્ણ ઘટનામાં, લોકપાલે ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના વર્તમાન સચિવ રમેશ અભિષેક વિરુદ્ધ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી – કેન્દ્રીય દક્ષતા પંચ) દ્વારા ચાલી રહેલી તપાસનો સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે. સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ પિનાકીચંદ્ર ઘોષના વડપણ હેઠળની લોકપાલની આઠ સભ્યોની બેન્ચે પંદર દિવસની અંદર રિપોર્ટ આપવાનું સીવીસીને કહ્યું છે.

આ મહિનાના પ્રારંભિક દિવસોમાં અપાયેલા આ આદેશમાં કહેવાયું છે, ”એક સરકારી અમલદાર વિરુદ્ધ આક્ષેપો થયા છે અને સીવીસીના કાર્યાલયના સચિવને પણ તેની જાણ કરાઈ છે. આથી સચિવ આ ફરિયાદ સંબંધે પખવાડિયાની અંદર અહેવાલ સુપરત કરે.” આ આદેશની નોંધ અગ્રણી બિઝનેસ અખબાર બિઝનેસલાઇને લીધી છે.

(https://www.thehindubusinessline.com/markets/stock-markets/nsel-issue-lokpal-seeks-vigilance-panel-report-within-a-fortnight/article28523601.ece)

અહીં જણાવવું રહ્યું કે સરકારી અમલદારો વિરુદ્ધની ભ્રષ્ટાચારની ફરિયાદો બાબતે તપાસ કરવા માટે લોકપાલ ઍન્ડ લોકાયુક્ત ઍક્ટ, 2013 હેઠળ લોકપાલ સંસ્થાની રચના કરવામાં આવી છે.

રમેશ અભિષેક વિરુદ્ધ મુંબઈસ્થિત 63 મૂન્સ ટેક્નૉલૉજીસ લિમિટેડે સીવીસીને ફરિયાદ કરી છે. કંપનીએ આરોપ મૂક્યો છે કે અભિષેક ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના અધ્યક્ષ હતા એ સમયે કંપનીના એક સમયના એક્સચેન્જ એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)માં સર્જાયેલી પૅમેન્ટ કટોકટી સંબંધે 4 ઑગસ્ટ, 2013ના રોજ બેઠક મળી હતી. એ બેઠકમાં દેણદાર બોરોઅર ડિફોલ્ટર્સ હાજર હતા અને અભિષેકની ઉપસ્થિતિમાં તેમણે પોતાની નાણાં ચૂકવવાની જવાબદારીનો સ્વીકાર કર્યો હતો. એ બેઠકની મિનટ્સ ઑફ મીટિંગ ગુમ થઈ ગઈ હોવાનું કમિશને સીરિયસ ફોર્ડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ (એસએફઆઇઓ)ને જણાવ્યું છે.

કંપનીએ એવો પણ આરોપ મૂક્યો છે કે અભિષેકે કંપનીની સાથે તેના બંધ પડેલા એક્સચેન્જ એનએસઈએલનું મર્જર કરવા માટે સરકારને ગેરમાર્ગે દોરી હતી.

આપણે અગાઉ કહી ગયા છીએ કે અભિષેકે એનએસઈએલ કેસમાં બ્રોકરો વિરુદ્ધ મુંબઈ પોલીસે આપેલા અગત્યના અહેવાલને દબાવી રાખ્યો હતો. એ વખતે તેઓ એફએમસીના અધ્યક્ષ હતા. 2014માં પોલીસે આપેલો એ અહેવાલ 2018માં સેબીની જાણમાં આવ્યો અને તેના આધારે બ્રોકરો વિરુદ્ધ કાર્યવાહી થઈ. સેબીને જેના વિશે તપાસ કરવા જેવું લાગ્યું એ અગત્યનો અહેવાલ રમેશ અભિષેકે કેમ દબાવી દીધો એવો સવાલ જનસામાન્યને થાય એ સ્વાભાવિક છે.

અત્યારે રમેશ અભિષેક વિશે આટલા ગંભીર આક્ષેપો થયા હોવા છતાં તેમના તરફથી કોઈ જવાબ મળી રહ્યો નથી. બિઝનેસલાઇને લોકપાલના પગલા વિશે પૃચ્છા કરી તેનો પણ કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. પોલીસનો અહેવાલ છુપાડીને રાખનાર સરકારી અમલદાર હવે મોં છુપાવી રહ્યા છે કે કેમ એવો લોકોને પ્રશ્ન થાય તોપણ નવાઈ નહીં.

———————–

દીકરી સ્ટાર્ટ અપ્સને માર્ગદર્શન આપે અને પિતા રમેશ અભિષેક સ્ટાર્ટ અપ્સને ભંડોળ આપેઃ ‘મોસાળમાં જમણ અને મા પીરસનારી’નો ઘાટ

સ્ટાર્ટ અપના નામે સગાવાદને પ્રોત્સાહન

સરકારી યોજનાઓ લોકો માટે હોય છે કે પછી એ યોજનાઓ ઘડનારા સરકારી અમલદારો માટે? આવો સવાલ તમને ક્યારેય થયો છે? થયો જ હશે, અને ન થયો હોય તો હવે પછીનું લખાણ વાંચીને ચોક્કસ થશે.

પાંચમી જુલાઈએ નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટમાં સ્ટાર્ટ અપ્સ માટે કેટલીક આવકાર્ય જોગવાઈઓ કરવામાં આવી, પરંતુ શું તેમને ખબર છે કે ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના જે દાવાઓને કારણે તેમને દેખાતું ગુલાબી ચિત્ર ખરેખર કંઈક જુદું જ છે?

ડિપાર્ટમેન્ટના આંકડાઓ દર્શાવે છે કે તેણે 2016થી અત્યાર સુધીમાં 19,857 સ્ટાર્ટ અપ્સને માન્યતા આપી છે, પરંતુ વાસ્તવિકતા આટલી સરળ નથી. ડિપાર્ટમેન્ટના સચિવ રમેશ અભિષેકે 19,000થી વધુનો આંકડો આપ્યો છે, પરંતુ તેમાંથી ખરેખર કેટલાને ભંડોળ મળ્યું છે અથવા તો કરવેરાનાં એક્ઝેમ્પશન મળ્યાં છે એનો આંકડો જાણીને એમ થશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ મહત્ત્વપૂર્ણ પ્રૉજેક્ટનું મહત્ત્વ સચિવે ઘટાડી દીધું છે.

ગત ત્રણ વર્ષોમાં આ ડિપાર્ટમેન્ટે 200 કરતાં પણ ઓછાં સ્ટાર્ટ અપ્સને નાણાં આપ્યાં છે. જેટલાંને માન્યતા આપવામાં આવી છે તેના એક ટકા જેટલાં જ સ્ટાર્ટ અપ્સને નાણાં આપવામાં આવ્યાં છે. એમાંય પાછું કરવેરાનાં એક્ઝેમ્પશન મેળવનારાં સ્ટાર્ટ અપ્સની સંખ્યા તો 100 કરતાં પણ ઓછી છે. આ બધું શું દર્શાવે છે?

જો વીસેક હજાર સ્ટાર્ટ અપ્સને માન્યતા આપવામાં આવી હોય તો ભંડોળ અને કરવેરાનાં એક્ઝેમ્પશન મેળવનારાં સ્ટાર્ટ અપ્સની સંખ્યા આટલી ઓછી કેમ? એ સવાલનો જવાબ ડિપાર્ટમેન્ટે આપવાની જરૂર છે. આ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ સ્ટાર્ટ અપ્સ માટેનું ભંડોળ સિડબી મારફતે 40 અલગ અલગ વેન્ચર કૅપિટલ ફંડને આપવામાં આવે છે અને એ ફંડ સ્ટાર્ટ અપ્સને ભંડોળ પહોંચાડે છે. આમ, અત્યાર સુધીની સરકારી પ્રથાની જેમ આડતિયાઓને વચ્ચે લાવવામાં આવ્યા છે. સિડબીનું 2,000 કરોડ રૂપિયાનું ભંડોળ આ આડતિયાઓ મારફતે આશરે 200 સ્ટાર્ટ અપ્સને આપવામાં આવ્યું છે. તેનો અર્થ એવો થયો કે દરેક સ્ટાર્ટ અપને લગભગ 10 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. વેન્ચર કૅપિટલ ફંડોએ વચેટિયા તરીકેની સેવા આપીને કેટલું કમિશન રળ્યું એના વિશે કોઈ કહી શકશે ખરું?

રમેશ અભિષેકે ઉક્ત ડિપાર્ટમેન્ટના સચિવ તરીકે લીધેલા નિર્ણયો વિશે શંકા જવાનું કારણ એ છે કે તેમણે હિતોનો ટકરાવ થતો હોવા છતાં પોતાની દીકરીના સ્ટાર્ટ અપને સલાહકાર સંસ્થા તરીકે આગળ ધર્યું છે. આપણે અગાઉના બ્લોગમાં જોયું એમ, વનીસા અગરવાલ વકીલ છે અને તેમનું સ્ટાર્ટ અપ – થિંકિંગ લીગલ વેન્ચર કૅપિટલ ફંડને, એન્જલ ઇન્વેસ્ટર નેટવર્કને તથા સ્ટાર્ટ અપ્સને માર્ગદર્શન આપે છે. સ્ટાર્ટ અપ્સને ભંડોળ આપવા માટેની સર્વોચ્ચ સત્તા જેમના હાથમાં હોય એવી વ્યક્તિની દીકરી ભંડોળના લાભાર્થીઓને સલાહ આપે એ હિતોના ટકરાવનું સ્પષ્ટ ઉદાહરણ છે.

થિંકિંગ લીગલ વિશે કંપનીની વેબસાઇટ પર અપાયેલી માહિતી પરથી એ ટકરાવ વધુ સ્પષ્ટ થાય છે.

વેબસાઇટ પર કહેવાયું છેઃ ”કંપની (થિંકિંગ લીગલ) અનેક સ્ટાર્ટ અપ્સ અને એન્જલ ઇન્વેસ્ટરોની સાથે કામ કરે છે. અમે સ્ટાર્ટ અપ્સને તેમનો બિઝનેસ સ્થાપવા વિશે તથા તેનું માળખું કેવું હોવું જોઈએ, નિયમનકારી અનુપાલન કેવી રીતે કરવું, ટ્રેડમાર્ક અને પેટન્ટનું રજિસ્ટ્રેશન, ઈસોપ્સની વ્યવસ્થાના માળખા વિશે તથા અધિકારીઓને આપવાના વેતન વિશે સલાહ આપીએ છીએ. અમે સહ-સ્થાપકો, સલાહકારો, કર્મચારીઓ, વેન્ડરો, ડિસ્ટ્રિબ્યુટરો, ગ્રાહકો અને રોકાણકારો સાથેના કોન્ટ્રેક્ટના મુસદ્દા ઘડવામાં સહાય કરીએ છીએ. અમે સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરનારા એન્જલ ઇન્વેસ્ટરો અને એન્જલ ફંડો વતી તકેદારીનાં પગલાં લઈએ છીએ અને શેરધારકોના કરાર તથા શેરના ભરણાના કરાર વિશે વાટાઘાટો કરવામાં મદદ કરીએ છીએ.” (સ્રોતઃ http://thinkinglegal.in/about)

થિંકિંગ લીગલ જેના વિશે માર્ગદર્શન આપે છે એ બધાં કાર્યોને આખરી મંજૂરી આપવાનું કામ રમેશ અભિષેકનું ડિપાર્ટમેન્ટ કરે છે. દેખીતી વાત છે કે ‘મોસાળમાં જમણ અને મા પીરસનારી’ જેવો આ ઘાટ છે.

હાલમાં સરકારી તંત્રમાં હજી મોટો હોદ્દો મેળવવાની કોશિશ કરી રહેલા રમેશ અભિષેકે કેવી રીતે સ્ટાર્ટ અપ્સ માટેની યોજનામાં દીકરીને લાભ કરાવ્યો એના વિશે વધુ માહિતી અપેક્ષિત છે.

(સંદર્ભઃ https://www.pgurus.com/dpiit-currency-printing-start-up-for-ramesh-abhishek-family/)

——————————————-

દેશમાં સરકારી બૅન્કોનો ઉપયોગ રાજકારણીઓએ પોતાના સ્વાર્થ સાધવા માટે જ કર્યો છે

તસવીર સૌજન્યઃ https://www.cfo-india.in

ભારત મનુષ્યબળ અને કુદરતી સ્રોતોની દૃષ્ટિએ સમૃદ્ધ ગણાય છે, પરંતુ એ સમૃદ્ધિ ક્યાંય નજરે ચડતી નથી. દર વર્ષે બજેટમાં ખાધ રહે છે અને વિદેશી રોકાણને આકર્ષવા માટે પગલાં ભરવામાં આવે છે. એક વર્ગનું કહેવું છે કે દેશમાં કાળાં નાણાંનું સર્જન થાય નહીં અને જનતાની બચતનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો વિદેશી નાણાં પર આધાર રાખવાની જરૂર નથી. દેશની કૉર્પોરેટ્સને હંમેશાં નાણાંની જરૂર પડે છે, પરંતુ તેનો ખર્ચ વધારે હોય છે. મૂડીબજાર પણ વિકસતું નથી. તેનું કારણ એ છે કે લોકોને હજી તેના પર વિશ્વાસ બેસતો નથી. બીજી બાજુ, અનેક પોન્ઝી સ્કીમ્સમાં લોકોનાં નાણાં ડૂબી જાય છે. નાણાં લઈને બેસી ગયેલા ડિફોલ્ટરોનો વાળ વાંકો થતો નથી અને તેને લીધે ખોટું કામ કરનારાઓને બળ મળે છે.

મૂડીબજારની અનેક ગેરરીતિઓમાં બ્રોકર વર્ગની પણ સંડોવણી નજરે ચડી છે. આવું જ એક કૌભાંડ હતું આઇપીઓ કૌભાંડ. આવાં ને આવાં અનેક કૌભાંડો થવા છતાં નિયમનકારી સંસ્થા સેબી સતત ઊંઘતી ઝડપાઈ છે. હાલમાં બે ઘટનાઓમાં તો સિક્યૉરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલે સેબીને દંડિત કરવાનો વારો આવ્યો હતો. સેબીએ બે અલગ અલગ કિસ્સાઓમાં અયોગ્ય રીતે કાર્યવાહી કરી હતી. તેની બેદરકારી એટલી ગંભીર સ્વરૂપની હતી કે ટ્રિબ્યુનલે તેને દંડ કરવો પડ્યો હતો.

વર્તમાન યુગમાં ડેટાને બીજું સોનું અને ક્રૂડની ઉપમા આપવામાં આવી રહી છે અને એ કિંમતી વસ્તુની ચોરી થઈ હોવા છતાં એ ગુનાનો સોનું-ક્રૂડની ચોરી જેટલી ગંભીર પણ ગણવામાં આવતી નથી. એનએસઈ અને એમસીએક્સ એ બન્ને એક્સચેન્જોના લાઇવ ડેટા સંશોધનના નામે થર્ડ પાર્ટીને આપીને ઍલ્ગરિધમિક ટ્રેડિંગ સોફ્ટવેર વિકસાવાયું. એમાં પણ કેટલાક ગણ્યાગાંઠ્યા બ્રોકરોને બખ્ખાં થઈ ગયાં અને નુકસાન ખરા રોકાણકારોને થયું. અમેરિકા, સિંગાપોર અને બ્રિટન જેવા દેશોમાં આવા ગુના બદલ આકરી સજા કરવામાં આવે છે. હાલમાં જ બ્રિટિશ ઍરવેઝને ડેટાની ચોરી થવા બદલ 183 મિલ્યન પાઉન્ડનો વિક્રમી દંડ કરવામાં આવ્યો હતો. આ કેસમાં એમ જોવા જઈએ તો કંપનીનો કોઈ દોષ ન હતો, કારણ કે હેકરોએ તેની વેબસાઇટ પર હુમલો કરીને ડેટા ચોરી કરી લીધો હતો. પૂરતી સલામતી વ્યવસ્થા નહીં કરવાને કારણે બ્રિટિશ ઍરવેઝે આવડો મોટો દંડ ચૂકવવાનો વારો આવ્યો, જ્યારે ભારતમાં તો એનએસઈ અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)માંથી સામે ચાલીને ડેટા આપવામાં આવ્યો. એ બન્ને કેસમાં ગેરરીતિ થઈ હોવાનું દેખાઈ રહ્યું હોવા છતાં સેબીએ મામૂલી દંડ કર્યો, જેને પછીથી સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલે અટકાવી દીધો છે. સેબીએ કૉ-લૉકેશન કેસને ગુનાકીય ગણવાને બદલે ફક્ત કામકાજની ખામી ગણાવ્યો તેને લીધે તેનો કેસ નબળો રહ્યો અને ટ્રિબ્યુનલે તેના અમલની સામે આરોપીઓને રાહત આપી છે.

એમસીએક્સના કેસમાં પણ ડેટા બાબતે થયેલી ગેરરીતિ પર ઑડિટર ટી. આર. ચઢ્ઢાએ પ્રકાશ પાડ્યો હોવા છતાં તેમાં કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. ઉલટાનું, આવ ભાવ હરખા આપણે બેઉ સરખાની જેમ એનએસઈ અને એમસીએક્સનું મર્જર કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આ કામમાં પી. ચિદમ્બરમના મળતિયા સનદી અમલદારો સક્રિય હોવાનું કહેવાય છે. વ્હીસલબ્લોઅરની ફરિયાદમાં રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણનનાં નામ લેવાયાં છે.

આવી સ્થિતિમાં પી. ચિદમ્બરમની સાંઠગાંઠ ધરાવતા લોકોની બાબતે સીબીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો જ સત્ય બહાર આવી શકે છે. એ સત્ય બહાર લાવીને કાનૂનને તેનું કામ કરવા દેવાશે તો રોકાણકારોને મૂડીબજારમાં વધુ વિશ્વાસ બેસશે. વિદેશી રોકાણકારો પણ તેનાથી પ્રભાવિત થઈને રોકાણ કરવા પ્રેરાશે.

દેશમાં સરકારી બૅન્કોનો ઉપયોગ રાજકારણીઓએ પોતાના સ્વાર્થ સાધવા માટે જ કર્યો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પી. ચિદમ્બરમ કેન્દ્રીય નાણાપ્રધાન હતા એ સમયગાળામાં આ બૅન્કોની લોન એસેટ્સ ગણતરીને રોકાણકારોને પાણીના ભાવે આપી દેવાઈ હોવાનો આક્ષેપ થયો છે. એ લોન સસ્તા ભાવે લીધા બાદ તગડી કમાણી કરીને બીજાઓને વેચી દેવાઈ હતી. એ લોન એસેટ્સના વેચાણ બાબતે હજી સુધી કોઈ ફોરેન્સિક ઑડિટ કરવામાં આવ્યું નથી. આ બૅન્કોના અધિકારીઓ પર દબાણ લાવીને મોટી મોટી લોનો મંજૂર કરાવાઈ અને પછી જેમણે ડિફોલ્ટ કર્યો તેમને લોનનું રિસ્ટ્રક્ચરિંગ કરી આપવામાં આવ્યું અને પરિસ્થિતિ વણસી ગઈ. પરિણામે, નોન પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ)ની અત્યંત ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. આ જ રીતે સતત ખેડૂતોની લોન માફ કરાવીને વગદાર લોકોને જ તેનો લાભ પહોંચાડવામાં આવ્યો હોવાનું જાણકારો કહે છે. તેને કારણે બૅન્કો માટે આમદની અઠન્ની ઔર ખર્ચા રૂપૈયા જેવી હાલત થઈ ગઈ.

મોદી સરકાર દેશમાં ગેરરીતિઓને અટકાવીને તથા દોષિતોની સાન ઠેકાણે લાવીને ક્યારે રોકાણકારોને આશ્વસ્ત કરી શકશે એ સવાલ ઊભો છે. આશા રાખીએ કે જલદી જ તેનો ઉત્તર મળશે.

————-

આઇએનએક્સ મીડિયા કેસઃ ઇન્દ્રાણી મુખર્જી તાજના સાક્ષી બનતાં પી. સી. અને કાર્તિનાં અનેક ભોપાળાં બહાર આવી શકે છે

સમગ્ર જગતમાં નાણાકીય સ્થિતિ નબળી બની અને અર્થતંત્રો નબળાં પડ્યાં ત્યારે ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપે વૃદ્ધિ કરી રહેલું અર્થતંત્ર બન્યું હતું. આમ છતાં દેશની નાણાકીય સિસ્ટમમાં થયેલાં અનેક કૌભાંડોને લીધે આજની તારીખે દેશના અર્થતંત્રની મજબૂતી અને સ્થિરતા સામે સવાલો ઊભા થયા છે. આ પરિસ્થિતિમાં અત્યારે દેશના નાગરિકોનો નાણાકીય સિસ્ટમમાંથી વિશ્વાસ ઊઠી રહ્યો છે. એ વિશ્વાસને ફરી સ્થાપિત કરવાની જરૂર ઊભી થઈ છે તેને અનુલક્ષીને આપણે આજથી તેની ચર્ચા શરૂ કરી છે.

વર્તમાન સમયની ભારતની સૌથી મોટી સમસ્યા નાણાકીય ક્ષેત્રની છે અને તેનો હલ લાવવા માટે દેશવાસીઓએ નરેન્દ્ર મોદી સરકાર પાસેથી આશા રાખી છે. સરકાર જાણે છે કે જનતાએ પોતાને કનડતી સમસ્યાઓના હલ લાવવા માટે જ ભરીભરીને મત આપ્યા છે અને તેથી જ તે એ પણ જાણે છે કે કોઇક રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવો અત્યંત આવશ્યક છે.

હાલમાં પ્રગટ થયેલા એક સમાચારે લોકોની આ આશાને બળ આપ્યું છે. આઇએનએક્સ મીડિયા કેસમાં વિશેષ અદાલતે ઇન્દ્રાણી મુખર્જીને તાજના સાક્ષી બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને સંડોવતા આ કેસમાં મુખર્જી તાજના સાક્ષી બની જતાં હવે અનેક ભાંડા ફૂટવાની શક્યતા નિર્માણ થઈ છે.

બીજી બાજુ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) પણ નાણાકીય ક્ષેત્રની અનેક સમસ્યાનું મૂળ ગણાતા પી. ચિદમ્બરમના નેટવર્કમાંના ચાર અમલદારો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવાની મંજૂરી માગી રહ્યું છે. આ બન્ને ઘટનાઓ નિર્દેશ કરી રહી છે કે નાણાકીય કૌભાંડોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા લોકો પર આગામી દિવસોમાં તવાઈ આવવાની છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પહેલી મુદત દરમિયાન કહ્યું હતું કે “દિલ્હીમાં લાગવગ અને ઓળખાણોનો લાભ લઈને કૌભાંડો આચરનારાઓ હવે સુખેથી સૂઈ નહીં શકે.”  એ વિધાનને અનુલક્ષીને ઉક્ત બન્ને ઘટનાઓ અર્થસૂચક બને છે.

જાણકારો તો કહે છે કે કાર્તિ ચિદમ્બરમ માટે આઇએનએક્સ મીડિયામાં સંકળાયેલી 10 લાખ ડૉલરની રકમ ઘણી નાની કહેવાય. જો કે, જ્યાં સુધી કાયદાનો સવાલ છે ત્યાં સુધી 1,000 ડૉલર અને 10 લાખ ડૉલર વચ્ચે કોઈ ફરક હોતો નથી. આમ છતાં, નાણાં મંત્રાલયમાં બેઠેલા વગદાર અમલદારોએ સીબીઆઇની વિનંતીને હજી સુધી ગાંઠી નથી. તેનું એક કારણ આપણે વાત કર્યા પ્રમાણે એ છે કે જો એકની સંડોવણી બહાર આવશે તો બીજા પણ અનેક તેમાં તણાઈ જશે અને તેની સાથે સાથે તેમના રાજકારણી મિત્રોનાં ભોપાળાં પણ બહાર આવશે. આવી સ્થિતિમાં મોદી સરકારે કડક હાથ કામ લેવું જરૂરી બન્યું છે.

પી. ચિદમ્બરમના નેટવર્કનો ભાગ ગણાતા ચાર અધિકારીઓની સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે હજી વિલંબ થશે તો કેન્દ્રીય દક્ષતા પંચ (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન – સીવીસી) અને ગૃહ મંત્રાલય એ બાબતને ગંભીરતાથી લેશે અને આખરે એ મંજૂરી લેવામાં આવશે, કારણ કે વડા પ્રધાને આપેલા વચનનું મૂલ્ય દિવસે ને દિવસે ઘસાઈ રહ્યું છે.

કહેવાય છે કે પી. ચિદમ્બરમની સાથે સંકળાયેલા અમલદારોએ ઘણા આર્થિક તથા અન્ય લાભ મેળવ્યા છે. નાણાકીય સિસ્ટમમાં ક્યાંય પણ ગોટાળા થાય ત્યારે તેને કૌભાંડ ગણવાને બદલે કામકાજની ખામી ગણાવવામાં આવે છે, પછી એ હર્ષદ મહેતાનું કૌભાંડ હોય કે પછી એનએસઈનું કૉ-લૉકેશન કૌભાંડ હોય. સેબીએ હાલમાં કૉ-લૉકેશન કેસમાં પણ કૌભાંડ નહીં, પણ કામકાજની ખામી રહી ગઈ હોવાનું કહ્યું છે.

સ્ટૉક એક્સચેન્જનો લાઇવ ડેટા અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાય છે અને એ કોઈને આપી દેવાય નહીં, છતાં એનએસઈએ રિસર્ચના નામે એ ડેટા થર્ડ પાર્ટીને આપ્યો, જેણે ઍલ્ગરિધમિક ટ્રેડિંગ માટે સોફ્ટવેર વિકસાવીને ગણ્યાગાંઠ્યા બ્રોકરોને લાભ કરાવ્યો. અમુક લોકોના સ્વાર્થને લીધે મોટાભાગના રોકાણકારોને તથા બજારની વિશ્વસનીયતાને નુકસાન કરાવવામાં આવ્યું તેને લગતી વિગતો વ્હીસલબ્લોઅરે સેબીને મોકલાવી હોવા છતાં એ સમયના સેબીના વડા યુ. કે. સિંહાએ તેને સુધારી લેવા માટે કોઈ પગલું ભર્યું નહીં. છેલ્લે સેબીએ હાલમાં જે કાર્યવાહી કરી તેની સામે સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલે વચગાળાની રાહત આપી દીધી અને હવે એ કેસ વિશે ક્યાંય વાત પણ થઈ રહી નથી.

પી. ચિદમ્બરમ વર્ષો સુધી વગદાર સ્થિતિમાં રહ્યા છે. તેમનો ઉલ્લેખ આવ્યા બાદ વાત જલદી પૂરી થતી નથી. આથી જ આપણે આ વિષયમાં આવતા વખતે આગળ વધીશું.

———————

કૉર્પોરેટ કૌભાંડનાં કારનામાં સામે સરકાર અને નિયમન સંસ્થાની નબળાઈઃ બહોત નાઈન્સાફી હૈ!

જેમણે ‘મેક ઈન ઈન્ડિયા’નું  સફળ સર્જન દસ વરસ પહેલાં જ કરી નાખ્યું હતું, તેમને કરાયેલો અન્યાય આજે પણ સવાલ બનીને ઊભો છે!

તસવીર સૌજન્યઃ https://www.moneycontrol.com

યહ ક્યા હો રહા હૈ? દેશમાં ફાઇનાન્શિયલ સેક્ટરમાં એક પછી એક ગરબડ-ગોટાળા બહાર આવી રહ્યા છે. કૉર્પોરેટસ જાયન્ટ હોય કે બૅન્કો હોય અથવા નોન-બૅન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ હોય, છેલ્લા કેટલાક સમયથી બધે જ જાણે ગરબડ ચાલતી હોય એ રીતનો માહોલ જોવા મળે છે. ક્યાંક કોઈ વ્યક્તિ, ક્યાંક  મૅનેજમેન્ટ પોતે, ક્યાંક અધિકારીઓ, ક્યાંક ઓડિટર્સ સાથેની મિલિભગતનાં કારસ્તાન જોવાયાં છે. ચાલો, પહેલાં કેટલાંક નામાંકિત નામોની અને તેમનાં કારનામાની  ઝલક જોઈ લઈએઃ

આઈસીઆઈસીઆઈ બૅન્ક, આઈએલઍન્ડએફએસ, ઝી-એસ્સેલગ્રુપ, એસ્સાર-રુઈયા ગ્રુપ, અનિલ અંબાણી ગ્રુપ, મેહુલ ચોક્સી, નીરવ મોદી, વિજય માલ્યા, મનપસંદ બિવરેજીસ, ડીએચએફએલ (દીવાન હાઉસિંગ ઍન્ડ ફાઇનાન્સ લિ.), ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, વગેરે. આમાં કેટલાંક મ્યુચ્યુઅલ ફંડનાં નામ પણ આંશિક અપરાધી તરીકે આવી શકે, જેમણે આવાં સાહસોમાં ખોટાં રોકાણ કર્યાં, આવી કંપનીઓને તેના શેર સામે ધિરાણ આપ્યાં અને વિશાળ રોકાણકાર વર્ગનાં નાણાં મુસીબતમાં મૂક્યા છે. હાલમાં આ યાદીમાં કાર્વી વેલ્થ મૅનેજમેન્ટ પ્રાઇવેટ કંપનીનું નામ ઉમેરાયું છે, જેના ઉચ્ચ અધિકારીઓ સામે રોકાણકારો સાથે છેતરપિંડીના આરોપસર પોલીસ ફરિયાદ ફાઇલ થઈ છે. 

આ બધા અપરાધીઓનું શું?

વધુ ભૂતકાળમાં જવાની જરૂર નથી, છેલ્લા થોડા વખતના જ કિસ્સાઓ જોઈએ. આઇસીઆઇસીઆઇ બૅન્ક-ચંદા કોચર અને વિડિયોકોન-ધૂત (બૅન્કનાં નાણાં સાથે ગેરરીતિ-પક્ષપાત – ફેવર), પંજાબ નૅશનલ બૅન્ક અને નીરવ મોદી-મેહુલ ચોક્સી (બૅન્કનાં નાણાં પરત કરવામાં છેતરપિંડી અને ડિફોલ્ટ કરીને દેશની બહાર નાસી જવું), એ પહેલાં વિજય માલ્યાએ કંપની ડુબાડી, બૅન્કોના વિલફુલ ડિફોલ્ટર બન્યા, જેમને હવે ભારત લાવવાની કવાયત ચાલુ છે.   ગુજરાતની કંપની મનપસંદ બિવરેજીસ, જેના પ્રમોટરની હાલમાં જીએસટી કૌભાંડ કર્યુ હોવાના આરોપસર ધરપકડ થઇ હતી. આ શેરના ભાવ પણ કડડભૂસ થયા હતા. જેટ એરવેઝને ડુબાડનાર ગોયલ સાહેબ, (જે દેશ છોડી જવાના ચક્કરમાં હતા, પરંતુ ઍરપોર્ટ પર રોકી દેવાયા), અનિલ  અંબાણીની કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી સતત સંઘર્ષ કરી રહી છે, તેઓ દેવાના ડુંગર હેઠળ ચગદાઈ ગયેલી સ્થિતિમાં છે. તેમની કંપનીઓના શેરના ભાવ ક્યાં છે એ કહેવાની જરૂર છે? રિલાયન્સ પાવરથી માંડીને આરકોમ સુધીના શેરધારકોને ગયેલી કરોડોની ખોટનું શું? જો કે તાજેતરમાં અનિલ અંબાણીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તેમણે અત્યાર સુધીમાં 35,000 કરોડનું દેવું ચૂકવી દીધું છે અને તેમની કંપનીઓ અફવાઓનો વધુ ભોગ બની છે. બીજા ગોયલ સાહેબ ઝી-એસ્સેલ ગ્રુપવાળા. તેમનાં સાહસોમાં પણ અત્યારે તો રોકાણકારોના ભાગે મહદ્ અંશે નાહી નાખવાનું આવ્યું છે યા મૂડીધોવાણ સહન કરવાનું આવ્યું છે. જેટ માટે તો આખરે નાદારી કોર્ટમાં જવાની નોબત આવી છે.

વ્હીસલબ્લોઅરની ભૂમિકા

આ પછી લેટેસ્ટમાં બહાર આવ્યો દીવાન હાઉસિંગ ઍન્ડ ફાઇનાન્સ લિ.નો કિસ્સો, જેની પણ ચર્ચા જોરમાં રહી છે. આ ઉપરાંત ઇન્ડિયાબુલ્સ સામે 98,000 કરોડની જંગી રકમ આડે પાટે ચડાવી દેવાનો આરોપ છે. આ બધાં પોતાના બચાવમાં કંઈક ને કંઈક ખુલાસા જરૂર કરે છે, કરવા પણ પડે. પરંતુ સત્યનું શું? હકીકત તો સૌની સામે છે. આ કંપનીઓનાં કારનામાંને કારણે દેશને, શેરધારકોને, રોકાણકારોને, બૅન્કોને અને મ્યુચ્યુઅલ ફંડ્સને નુકસાન થયું હોવાનો ઇનકાર કોઈ કરી શકે એમ નથી. આ બધાંમાં ક્યાંક તેમના ઓડિટર્સ પણ જવાબદાર કહી શકાય. આમાંથી અમુક કિસ્સામાં તો વ્હીસલબ્લોઅરે સ્કેમ બહાર પાડયું હતું. આ હકીકતને ધ્યાનમાં રાખીને તો સેબીએ તાજેતરમાં વ્હીસલબ્લોઅર માટે એક કરોડ રૂપિયા સુધીના જંગી ઈનામની જાહેરાત પણ કરી છે. એનાં ચોક્કસ ધોરણો ઘડ્યાં છે. તેમની સલામતી માટે ગુપ્તતાની જોગવાઈ પણ કરી છે.  

એનએસઈ કો-લોકેશનનાં કદ અને કરામત

આ બધા વચ્ચે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના મહાકાય કૉ-લૉકેશન સ્કેમને કઈ રીતે ભૂલી શકાય? તેમાં 50થી 60 હજાર કરોડની રકમ સંડોવાઈ હોવાનો આક્ષેપ છે. એક્સચેન્જના અધિકારીઓની કથિત મિલિભગતથી કે પછી બેદરકારી-બેજવાબદારીથી આ સ્કેમ થયું હતું, જેમાં અમુક ગણ્યાગાંઠયા લોકો લાભ લઈ ગયા અને તેમને કારણે લાખો રોકાણકારો અને સેંકડો બ્રોકરો નુકસાનીમાં રહ્યા. સેબીએ આ કેસમાં બહુ દબાણ બાદ ઍક્શન લેવી પડી, પરંતુ કરુણતા એ છે કે સેબીએ આ ઍક્શન દેખાડવા પૂરતી લીધી હોવાનું વધુ લાગે છે. આમાં તો ભૂતપૂર્વ નાણાપ્રધાન (પી. ચિદમ્બરમ)નું નામ પણ સંડોવાયેલું છે. તેમ છતાં, કે પછી તેથી જ, ભાઈઓને જલસા છે. આ કેસમાં એક્સચેન્જને 1000 કરોડની ઉપરની તો પેનલ્ટી થઈ છે. આમાં પણ ઘટસ્ફોટ કરાવનાર વ્હીસલબ્લોઅર છે અને એક્સચેન્જ તથા તેના અધિકારીઓ સામે ઍક્શન લેવા માટે સેબી પર દબાણ લાવનાર જાહેર હિતના અરજદાર છે. હાલ તો આ કેસમાં એક જાહેર હિતની અરજીને કારણે સીબીઆઈ પણ તપાસ કરી રહ્યું છે.

વ્હાઈટકોલર ક્રાઈમ

દુઃખદ વાત એ છે કે આવાં સ્કેમ બુદ્ધિશાળી વર્ગ (વ્હાઈટ કોલર) અર્થાત્ ઈન્ટેલેક્ચ્યુઅલ લોકો દ્વારા થાય છે અને તેથી વધુ ટેક્નિકલ સ્વરૂપનાં હોય છે, પરિણામે, સામાન્ય માણસોમાં તેની ખાસ ચર્ચા થતી નથી. મિડિયા પણ તેમાં ક્યાંક દબાણને લીધે આંખમિંચામણાં કરે છે. સરકારને આવી મોટી સંસ્થાનું નામ ખરાબ થાય તો દેશના નામનું શું થશે? એવી ચિંતા હોય છે. જો કે, સરકાર એ નથી સમજતી કે આવાં સ્કેમ વિદેશીઓથી છૂપાં રહી શકતાં નથી. ઉલ્ટાનું, યોગ્ય ઍક્શન નહીં લેવાથી દેશની નિયમનકારી સંસ્થાઓનું નામ ખરાબ થાય છે.

સરકાર અને નિયમન સંસ્થાની ઍક્શન સામે સવાલ

ખૈર, જો આ જ ન્યાય અને મૂલ્યો કે નીતિ હોય તો, સવાલ એ ઊઠે છે કે નૅશનલ સ્પોટ એક્સચેન્જના કિસ્સામાં એ સમયની સરકારે – નિયમનકારી સંસ્થાએ આટલી આકરી ઍક્શન કેમ લીધી? એ પણ ખરા અપરાધીઓને બદલે માત્ર એ એક્સચેન્જના એવા સ્થાપક સામે, જેણે દેશમાં અન્ય વધુ ચાર એક્સચેન્જ સ્થાપ્યાં હતાં અને તેમને નવી ઉંચાઈ અપાવી હતી. તેમણે ચાર એક્સચેન્જ વિદેશોમાં પણ સ્થાપીને સફળ બનાવ્યાં હતાં. તેમની સફળતાને લીધે દેશનું નામ રોશન થયું હતું.

જિજ્ઞેશ શાહના નામના આ સાહસિકે અનેક સાહસોને સફળ બનાવ્યાં, છતાં શા માટે તેમની પાસેથી  એ લઈ લેવામાં આવ્યાં? એ પણ કોર્ટમાં ચુકાદા આવે તે પહેલાં? આને એ સમયના નિયમનકારની સક્રિયતા કહીએ કે બદઈરાદો? કારણ કે આ નિયમનકાર-ફોરવર્ડ માર્કેટ કમિશનના એ સમયના  ચૅરમૅન રમેશ અભિષેક તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમના સાથી હતા. જિજ્ઞેશ શાહ જેને સ્પર્ધામાં હંફાવી અને હરાવી રહ્યા હતા તેવા એનએસઈની રક્ષા કરવા માટે જિજ્ઞેશ શાહનાં સાહસોને બંધ કરાવી દેવાનો કે તેમની પાસેથી લઈ લેવાનો કારસો રચાયો હતો એવી સર્વત્ર ચર્ચા છે. આ ચર્ચા આજે છ વરસ થવા આવ્યાં છે ત્યારે પણ ચાલી રહી છે. એક્સચેન્જ બિઝનેસમાંથી જિજ્ઞેશ શાહની વિદાય બાદ એક્સચેન્જીસની પ્રગતિ કેવી છે એ કહેવાની જરૂર છે ખરી? એ બધાં એક્સચેન્જ વિકાસ માટે ફાંફાં મારી રહ્યાં છે.

એનએસઈ અને એનએસઈએલ

ઉપરના કેસોમાં રોકાણકારોને અને સરકારને (બૅન્કોને) ગયેલા નુકસાનની રકમનો આંકડો માંડવામાં આવે તો એ એનએસઈએલના રૂ।. 5,600 કરોડના આંકડા કરતાં અનેકગણો મોટો થાય. આ 5,600 કરોડ જિજ્ઞેશ શાહ કે તેમની કંપની પાસે ગયા નથી, ડિફોલ્ટર્સ ઓહિયા કરીને બેઠા છે. એનએસઈ કૉ-લૉકેશન અને એનએસઈએલ ક્રાઈસિસની તુલના કરવામાં આવે તો ક્યાં એનએસઈના 50,000-60,000 કરોડ અને એનએસઈએલના 5,600 કરોડ. એનએસઈએલના ડિફોલ્ટર્સ પાસેથી નાણાંની રિકવરી થઈ શકે છે.

કૉર્પોરેટ્સ કૌભાંડોના આંકડાની માંડણી કરીએ તો ક્યાં પહોંચે? તેમ છતાં નિયમન સંસ્થા વાતો માત્ર કૉર્પોરેટ ગવર્નન્સની કરે અને કૉર્પોરેટ અપરાધીઓ સામે ઍક્શન લેવાની આવે ત્યાં ઢીલું પડી જાય. કારણ કે તેમાં મોટાં માથાં છે, મોટા હાથ છે.

સત્યની લડાઈ ચાલુ છે

આમાં એનએસઈએલ-એફટી સિવાયની તમામ કંપનીઓએ અને તેમના પ્રમોટર્સે ઈરાદાપૂર્વક ગરબડ કરી હોવાનું કહી શકાય એમ છે, અદાલતે-કાનૂને તેમને વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યા છે. આ કેસો નાદારીમાં પણ ગયા છે. આમાંથી કેટલાં નાણાંની રિકવરી થશે એ પણ નક્કી નથી. જ્યારે આની સામે એનએસઈએલના કેસમાં આજે પણ નાણાંની રિકવરી સંભવ છે. અમુક એસેટ્સના લિલામ દ્વારા રિકવરી કરવા માટેની ડિક્રી પણ આવી ગઈ છે. લિલામ માટે અદાલતના આદેશની રાહ જોવાઈ રહી છે. ઉપરાંત, આ કેસમાં હકીકતમાં રોકાણકારો નામના હતા. તેઓ ખરેખર તો ટ્રેડર્સ હતા. તેમ છતાં તે એક્સચેન્જની પૅમેન્ટ ક્રાઈસિસ માટે ઍક્શન મેક ઈન ઈન્ડિયાના સફળ સર્જક સમાન સ્થાપક-પ્રમોટરની સામે જ લેવાઈ છે. આને ન્યાય કઈ રીતે કહેવાય? આમાં વિશ્વાસ ક્યાંથી બેસે? અલબત્ત, આ સાહસિક આજે પણ ન્યાય અને સત્ય માટે લડત ચલાવી રહ્યા છે અને આ સત્યને આધારે તાજેતરમાં જ તેમણે સુપ્રીમ કોર્ટમાંથી એક જ્વલંત વિજય પ્રાપ્ત કર્યો છે અને તેને તેમણે સત્યમેવ જયતે કહ્યો છે. આ લડાઈ હજી ચાલુ છે, કેમ કે તેમાં સત્ય છે અને અન્ય સાહસિકો માટે બહુ બધી પ્રેરણા છે.

————————–

શું એનએસઈએલ કેસમાં રખાયેલી બેદરકારી અને શંકાસ્પદ બદઈરાદો રમેશ અભિષેકને ભારે પડશે?

આખરે રમેશ અભિષેક વિરુદ્ધ કેન્દ્રીય દક્ષતા પંચ (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન – સીવીસી)ની તપાસ શરૂ થઈ ગઈ છે. ત્રણ સપ્તાહ પછી પંચ મદ્રાસ વડી અદાલતમાં તેનો અહેવાલ પણ રજૂ કરશે.

ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ભૂતપૂર્વ ચૅરમૅન અને હાલના ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડના સેક્રેટરી પદે કાર્યરત રમેશ અભિષેક વિરુદ્ધ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ લિમિટેડે મદ્રાસ વડી અદાલતમાં રિટ અરજી કરી છે. આ સનદી અધિકારીએ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ (જૂનું નામ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ – એફટીઆઇએલ)માં તેની પેટા કંપની નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)નું મર્જર કરવા માટે કરેલી ભલામણ અઘટિત અને બદઈરાદાપૂર્વકની હતી એવું એ અરજીમાં કહીને તેના વિશે સીવીસી દ્વારા તપાસ થવી જોઈએ એવી દાદ માગવામાં આવી છે.

લાઇવમિન્ટ અને ગુજરાતી વ્યાપારમાં પ્રગટ મુજબ મદ્રાસ વડી અદાલતે કેન્દ્રીય દક્ષતા પંચ પાસેથી ત્રણ સપ્તાહની અંદર સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે.

મર્જરની ભલામણ કરવા માટે એ સમયની નિયમનકાર સંસ્થા એફએમસીને કોઈ કારણ ન હતું એવું 63 મૂન્સે કેન્દ્રીય દક્ષતા પંચમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે.

યાદ રહે, રમેશ અભિષેકની ભલામણના આધારે કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે મર્જરનો આદેશ બહાર પાડ્યો હતો, જેને ગત 30મી એપ્રિલે સર્વોચ્ચ અદાલતે રદ જાહેર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે મર્જરના આદેશને જનહિત સાથે કોઈ લેવાદેવા નથી. તેણે તો એટલે સુધી કહ્યું હતું કે ખાનગી ટ્રેડરોના હિતને જનહિતનો પ્રશ્ન કહી શકાય નહીં.

પંચને કરાયેલી ફરિયાદમાં 63 મૂન્સે કહ્યું છે કે રમેશ અભિષેકે મર્જર કરાવવા સંબંધે સરકારને ગેરમાર્ગે દોરી હતી.

એનએસઈએલ કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ તપાસ કરી છે. એ એક્સચેન્જની પૅમેન્ટ કટોકટીમાં બ્રોકરો પણ સંડોવાયેલા હતા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ એવું જણાવતો અહેવાલ ઈઓડબ્લ્યુના તત્કાલીન વડા રાજવર્ધન સિંહાએ એફએમસીને મોકલ્યો હતો, પરંતુ રમેશ અભિષેકે તેના સંબંધે કોઈ કાર્યવાહી નહીં કર્યાનો તેમની વિરુદ્ધ આક્ષેપ છે. વર્ષ 2014માં એ અહેવાલ રમેશ અભિષેકને સુપરત થયો હતો, પરંતુ તેમણે એ દબાવી રાખ્યો હતો એવો આરોપ છે. સેબીએ જ્યારે એનએસઈએલ કેસમાં અદાલતમાં એફિડેવિટ રજૂ કરી ત્યારે એ અહેવાલ પ્રકાશમાં આવ્યો હતો. પોતે અહેવાલ કેમ જાહેર કર્યો નહીં અને કેમ પગલાં લીધાં નહીં એ વિશે રમેશ અભિષેકે કોઈ ખુલાસો કર્યો નથી.

આ સરકારી અમલદાર વિશે આપણે હાલમાં વાત કરી. જેમાં સત્વરે નિવેડો આવી શકતો હતો એ એનએસઈએલ કેસને તેમણે જ વધારે વકરાવ્યો અને 63 મૂન્સ ટેક્નૉલૉજીસ (તત્કાલીન એફટીઆઇએલ)ને નુકસાન થાય એ રીતે તેનો ઉપયોગ કર્યો. એ બદઈરાદાપૂર્વકની ચાલ હતી એમ કહીને 63 મૂન્સ ટેક્નૉલૉજીસે તેમની વિરુદ્ધ નુકસાનીનો 10,000 કરોડ રૂપિયાનો ખટલો પણ માંડ્યો છે.

રમેશ અભિષેકે કેસને હલ કરવાને બદલે ગૂંચવ્યો તેને પગલે એફટીઆઇએલની પાસે પરાણે બધાં એક્સચેન્જોમાંથી હિસ્સો વેચાવી કઢાયો અને દેશની ઓરિજિનલ મેક ઇન ઇન્ડિયા સ્ટોરીને ભરી ન શકાય એટલું નુકસાન થયું એવું જાહેરમાં ચર્ચાય છે.

રમેશ અભિષેકના ચૅરમૅન પદ હેઠળ જ એફએમસીએ એનએસઈએલ કેસની કટોકટી બાદ બ્રોકરો, ડિફોલ્ટરો અને ટ્રેડરો સાથે બેઠક યોજી હતી. એ બેઠકમાં ડિફોલ્ટરોએ પોતાની 5,600 કરોડ ચૂકવવાની જવાબદારી સ્વીકારી લીધી હતી. રમેશ અભિષેકે પોતે તેની જાહેરાત પણ કરી હતી. જો કે, સરકારે નીમેલી સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે (એસએઆઇઓ) જ્યારે એ બેઠકની મિનટ્સ માગી ત્યારે તેને કહેવામાં આવ્યું કે એ ફાઇલ ગુમ થઈ ગઈ છે.

નિયમનકાર કટોકટીને હલ કરવાને બદલે વધારે ગૂંચવી નાખે, જેની જવાબદારી છે એવા લોકોની કબૂલાતને લગતી ફાઇલ ખોઈ નાખે, પોલીસે આપેલો અહેવાલ જાહેર કરે નહીં એ બધી બાબતો રમેશ અભિષેકની વિરુદ્ધ ગઈ હોય એવું લાગે છે. આથી જ મદ્રાસ વડી અદાલતે 63 મૂન્સ ટેક્નૉલૉજીસની ફરિયાદને ગંભીરતાથી લઈને સીવીસીને તપાસ કરવાનું કહીને ત્રણ સપ્તાહ બાદ સ્ટેટસ રિપોર્ટ પણ માગ્યો છે. રમેશ અભિષેક હજી પણ સરકારી અમલદાર તરીકે મહત્ત્વનો હોદ્દો ધરાવે છે તેથી કેબિનેટ સેક્રેટરીએ પણ તેમની સામેની ફરિયાદ સબબ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

—————————————–

શું સમગ્ર દેશનું નાણાકીય તંત્ર અને અમલદારો આ વ્યક્તિના તાબા હેઠળ છે?

તસવીર સૌજન્યઃ http://www.deccanherald.com

છેલ્લા થોડા સમયથી આપણે આ બ્લોગમાં નાણાકીય ક્ષેત્રના જે મુદ્દાઓ છેડ્યા છે તેમાં એક વ્યક્તિનું નામ હંમેશાં કેન્દ્રમાં આવી જાય છે. હાલ તેઓ કેન્દ્ર સરકારમાં નથી, પરંતુ સમગ્ર નાણાકીય તંત્રમાં તેમની આણ પ્રવર્તતી હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે. સાથે જ અમલદારશાહીની વાત આવે તેમાં પણ તેઓ કોઈક રીતે કેન્દ્રમાં આવી જાય છે. આના પરથી એવો સવાલ ઉઠી શકે કે શું સમગ્ર દેશનું નાણાકીય તંત્ર અને અમલદારો આ વ્યક્તિના તાબા હેઠળ છે?

તસવીર સૌજન્યઃ http://www.firstpost.com

આ માણસને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ સામે 26 વખત અદાલતે રક્ષણ આપ્યું છે અને આ દેશના નાણાકીય ક્ષેત્રનું સૌથી મોટું કૌભાંડ ગણી શકાય એવા એનએસઈ કૉ-લૉકેશન કેસની સાથે તેમના છેડા કેવી રીતે અડે છે એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. હાલમાં ફર્સ્ટપોસ્ટ વેબસાઇટ પરનો એક અહેવાલ https://www.firstpost.com/india/cvc-seeks-sanction-to-prosecute-ex-niti-aayog-ceo-former-msme-secretary-serving-ias-officer-in-inx-media-case-6851181.html) ફરી એક વખત લોકોને વિચારતાં કરી મૂકે એવો છે.

જી હા, અત્યાર સુધી જેમણે આ બ્લોગ સતત વાંચ્યો છે તેમને ખબર પડી ગઈ હશે કે અહીં વાત થઈ રહી છે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની. ઉક્ત અહેવાલ મુજબ કેન્દ્રીય દક્ષતા પંચે (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન – સીવીસી) નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના ડિપાર્ટમેન્ટને એવા ત્રણ સનદી અધિકારીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માટે મંજૂરી આપવાનું કહ્યું છે, જેઓ આઇએનએક્સ મીડિયાના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું મનાય છે.

નોંધવું ઘટે કે આ જ કેસમાં પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિને દિલ્હીની અદાલતે 26 વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ થવા સામે રક્ષણ આપ્યું છે. સીવીસીએ નીતિ આયોગના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સિંધુશ્રી ખુલ્લર, સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ અનુપ કે. પૂજારી તથા હિમાચલ પ્રદેશના હાલના વડા સચિવ પ્રબોધ સક્સેનાની સામે કામ ચલાવવા મંજૂરી માગી છે. તેણે વિનંતીપત્ર 13મી મેએ મોકલ્યો હતો. ખુલ્લર અને પૂજારી બન્ને નિવૃત્ત થઈ ગયા છે, જ્યારે સક્સેના હજી સરકારીતંત્રમાં છે.

રેકર્ડ પરથી જાણવા મળે છે કે ખુલ્લર 11 એપ્રિલ, 2004થી 11 સપ્ટેમ્બર 2008 સુધી આર્થિક બાબતોના ખાતામાં અતિરિક્ત સચિવ હતા, પૂજારી 29 સપ્ટેમ્બર 2006થી 30 સપ્ટેમ્બર 2010 સુધી સંયુક્ત સચિવ હતા અને સક્સેના 2 એપ્રિલ, 2008થી 13 જુલાઈ, 2010 સુધી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટરના હોદ્દા પર હતા.

ફર્સ્ટપોસ્ટ કહે છે કે સીવીસીએ જે સમયગાળામાં આઇએનએક્સ મીડિયાનો ભ્રષ્ટાચાર થયો એ ગાળામાં આર્થિક બાબતોના ખાતામાં અંડર સેક્રેટરી તરીકે કામ કરી ગયેલા રવીન્દ્ર પ્રસાદની સામે પણ કાનૂની કાર્યવાહી કરવા માટે મંજૂરી માગી છે.

ઉક્ત વેબસાઇટ પરના અહેવાલ મુજબ ઉપરોક્ત ચાર અધિકારીઓએ આઇએનએક્સ મીડિયાને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી) દ્વારા અપાયેલી મંજૂરીમાં જે ભૂમિકા ભજવી હતી તે બાબતે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) તપાસ કરી રહી છે.

એફઆઇપીબી આર્થિક બાબતોના ખાતા હેઠળ કામ કરે છે. તેણે 18 મે, 2007ના રોજ મળેલી તેની બોર્ડ ઑફ ડિરેક્ટર્સની મીટિંગમાં આઇએનએક્સ મીડિયા પ્રા. લિ.ની દરખાસ્ત વિશે વિચારણા કરી હતી. આ કંપનીમાં 4.6 કરોડ રૂપિયાના રોકાણ માટેની દરખાસ્ત હતી અને તેના માટે મંજૂરી અપાઈ હતી, પરંતુ મંજૂરીનું ઉલ્લંઘન કરીને આઇએનએક્સ ન્યૂઝ પ્રા. લિ.માં 26 ટકાનું રોકાણ લવાયું હતું. ખરી રીતે તેના માટે નવેસરથી મંજૂરી લેવાની જરૂર હતી, પરંતુ એમ કરાયું નહીં.

આવક વેરા ખાતાએ આ બાબતે ફેબ્રુઆરી 2008માં એફઆઇપીબી પાસે ખુલાસો માગ્યો અને આઇએનએક્સ મીડિયાને નોટિસ મોકલી. સીબીઆઇનો આરોપ છે કે આઇએનએક્સ મીડિયાએ પોતાના બચાવ માટે કાર્તિ ચિદમ્બરમની મદદ માગી હતી. એ આખા પ્રકરણમાં પી. ચિદમ્બરમે નાણાપ્રધાન તરીકે સાથ આપ્યો હતો. સીબીઆઇના કેસ મુજબ એફઆઇપીબીના અમલદારો પાસે લાગવગનો લાભ અપાવવા બદલ કાર્તિ ચિદમ્બરમને કટકી પણ આપવામાં આવી હતી. નોંધનીય છે કે સીબીઆઇએ ભલે પી. ચિદમ્બરમનું નામ એફઆઇઆરમાં લખ્યું ન હોય, સરકારે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી દીધી છે.

આર્થિક બાબતોના ખાતાના સનદી અધિકારીઓ આ રીતે ખુલ્લેઆમ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું ઉક્ત અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે. આ જ ખાતાના અધિકારી કે. પી. કૃષ્ણને વેપાર સાહસિક જિજ્ઞેશ શાહના એફટીઆઇએલ ગ્રુપને ખતમ કરી દેવામાં પોતાનાથી થાય એટલા પ્રયત્ન કર્યા હોવાનું ધ ટાર્ગેટ પુસ્તકમાં લખાયેલું છે. તેમની સાથે સંકળાયેલા રમેશ અભિષેક વિશે હાલમાં જ આપણે વાત કરી ગયા છીએ. કૃષ્ણન, અભિષેક અને પી. ચિદમ્બરમની સામે જિજ્ઞેશ શાહ સ્થાપિત કંપની 63 મૂન્સ ટેક્નૉલૉજીસે 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો માંડેલો છે. શાહે તેમને એનએસઈએલ પ્રકરણ સંબંધે જાહેર ચર્ચા કરવા માટેનો પડકાર પણ ફેંક્યો છે, પરંતુ બે વખત જાહેરમાં કરાયેલા અને અખબારોમાં પ્રગટ થયેલા આહ્વાનનો ત્રણેમાંથી કોઈએ જવાબ આપ્યો નથી.

આ બધું ઓછું હોય એમ, ફર્સ્ટપોસ્ટમાં આવેલા ઉક્ત અહેવાલ જેવી બીજી અનેક કડીઓ પી. ચિદમ્બરમ સામે આંગળી ચિંધે છે અને છતાં તેમને ધરપકડ સામે રક્ષણ મળ્યે રાખે છે.

ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સ ધરાવતી નરેન્દ્ર મોદીની સરકાર સતત બીજી વાર ચૂંટાઈ આવી હોવા છતાં ચિદમ્બરમ પિતા-પુત્રનો વાળ વાંકો થયો નથી. આથી ફરીફરીને સવાલ એ જ ઊભો થાય છે કે શું સમગ્ર દેશનું નાણાકીય તંત્ર અને અમલદારો આ વ્યક્તિના તાબા હેઠળ છે?

————————————-