પી. ચિદમ્બરમ, કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેક વિરુદ્ધ વારંવાર ગંભીર આક્ષેપો થવા છતાં તેઓ હજી કેમ ચૂપ બેઠા છે?

ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ (એફટીઆઇએલ – નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ લિમિટેડ)ના સ્થાપક જિજ્ઞેશ શાહને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે અને એ ષડ્યંત્રમાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ, નાણાં ખાતાના ભૂતપૂર્વ સચિવ કે. પી. કૃષ્ણન અને ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ ચેરમેન રમેશ અભિષેક સામેલ હોવાની શંકા છે એવું જણાવતું પુસ્તક 2016માં પ્રગટ થયું હતું. ખ્યાતનામ પત્રકાર-લેખક શાંતનુ ગુહા રેએ ‘ટાર્ગેટ’ નામે એ પુસ્તક લખ્યું હતું. અંગ્રેજી અને દેશની નવ અગ્રણી ભાષામાં અનુવાદ થયા બાદ એ પુસ્તક એમેઝોન પર અને ક્રોસવર્ડ પર એ દરેક ભાષામાં સતત બેસ્ટ સેલર બની રહ્યું હતું.

આપણો આજનો મુદ્દો એ છે કે પી. ચિદમ્બરમ સહિત ઉક્ત ત્રણે વ્યક્તિઓને જિજ્ઞેશ શાહે એક નહીં, પણ બે વખત મુક્ત ચર્ચા માટે આહ્વાન આપેલું છે, છતાં તેમાંથી કોઈએ એના વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. એટલું જ નહીં, છેલ્લે એફટીઆઇએલના ચેરમેન વેંકટ ચારીએ પત્રકાર પરિષદમા જાહેર કર્યું કે આ ત્રણે વ્યક્તિઓ વિરુદ્ધ કંપનીએ નુકસાન ભરપાઈનો 10 હજાર કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. ઉપરાંત, વ્યક્તિગત સ્વરૂપે પણ ત્રણેયની સામે સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચાર બદલ સીબીઆઇમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.

જ્યારે જિજ્ઞેશ શાહે પત્રકાર પરિષદમાં ત્રણેયને ઓપન ડિબેટ માટે પડકાર ફેંક્યો અને એફટીઆઇએલે તેમની વિરુદ્ધ નુકસાન ભરપાઈનો દાવો માંડ્યાનું જાહેર કર્યું ત્યારે શાહે એક જ વાત દોહરાવી હતી કે તેમને ન્યાયતંત્ર પર પૂરેપૂરો વિશ્વાસ છે. ‘સત્યમેવ જયતે’ થશે એવું તેઓ દૃઢપણે માને છે. હાલમાં સર્વોચ્ચ અદાલતે એનએસઈએલ અને એફટીઆઇએલનું મર્જર કરવાના સરકારના આદેશને રદ કર્યો ત્યારે શાહની ન્યાયતંત્ર પરની શ્રદ્ધા ફરી એક વાર સિદ્ધ થઈ. કંપનીએ પત્રકારોને આપેલી પહેલી પ્રતિક્રિયામાં માત્ર એટલે જ કહ્યું હતું – સત્યમેવ જયતે.

નોંધનીય રીતે એ જ દિવસે સેબીએ એનએસઈ વિરુદ્ધના ઍલ્ગરિધમિક ટ્રેડિંગને લગતા કેસમાં એક્સચેન્જને 675 કરોડ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો. સાથે સાથે ઍલ્ગરિધમિક ટ્રેડિંગ માટે એનએસઈના ડેટાનો દુરુપયોગ કરવા બદલ ઇન્ફોટેક ફાઈનાન્શિયલ સર્વિસીસ, તેના બે કંપનીના ડિરેક્ટર્સ અને અજય શાહ વિરુદ્ધ કાનૂની પગલાં લેવાનું એક્સચેન્જને કહ્યું હતું.

સુનિતા થોમસ અને કૃષ્ણા ડગલી ઇન્ફોટેકના બે ડિરેક્ટર્સ છે જ્યારે અજય શાહ સુનિતા થોમસના પતિ છે. અજય શાહે ઇન્ફોટેક અને તેના બે ડિરેક્ટર્સની સાથે મળીને એક યોજના ઘડી હતી, જેને LIX પ્રોજેક્ટ એવું નામ આપવામાં આવ્યું હતું. તેમણે LIX વિકસાવવાના નામે એક્સચેન્જ પાસેથી ડેટા ટ્રાન્સમિશન સર્વિસ મેળવી, જેનો દુરુપયોગ તેમણે સિક્યૉરિટીઝ માર્કેટમાં વેચી શકાય એવી ઍલ્ગરિધમિક ટ્રેડિંગ પ્રૉડક્ટ્સ વિકસાવવા માટે કર્યો. આ પ્રૉડક્ટ્સ નાણાં કમાવાનું એક સાધન હતી, એમ સેબીના આદેશમાં કહેવામાં આવ્યું હતું.

આપણે અગાઉ આ બ્લોગમાં લખી ગયા છીએ કે અજય શાહ પી. ચિદમ્બરમના માનીતા છે. કે. પી. કૃષ્ણન પણ તેમાં કેવી રીતે સંડોવાયેલા હોઈ શકે તેની વાત પણ આપણે એ બ્લોગમાં કરી હતી (https://vicharkranti2019.wordpress.com/2019/04/26/ભારતીય-નિયમનકારોનું-વલણઃ/). હવે પાછા સર્વોચ્ચ અદાલતે રદ કરેલા મર્જરની વાત પર આવીએ. પોતે નિયમનકાર નથી એવું ગાણું ગાયે રાખનાર ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ચેરમેન રમેશ અભિષેકે મર્જર માટેની ભલામણ કરી હતી, જેને કંપનીસંબંધી બાબતોના ખાતાએ સ્વીકારીને મર્જરનો આદેશ બહાર પાડ્યો હતો.

આમ, પી. ચિદમ્બરમ, કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેકની ત્રિપુટી સામે વારંવાર આંગળી ચિંધાઈ છે અને તેમને ખુલ્લી ચર્ચા કરવા માટેનો પડકાર પણ ફેંકવામાં આવ્યો છે. આમ છતાં, તેમના તરફથી કોઈ ચૂં કે ચાં થયું નથી. આ બાબત ખરેખર રહસ્યમય છે અને જ્યાં સુધી ત્રિપુટી જાહેર ચર્ચા કરવા માટે તૈયાર નહીં થાય અથવા તો કોઈ અદાલતમાં તેમની વિરુદ્ધ પુરાવા જાહેર નહીં થાય કે પછી તેમની સંડોવણી જાહેર નહીં થાય ત્યાં સુધી એ રહસ્ય અકબંધ રહેશે. તેઓ બીજાં કેટલાંય રહસ્યો છુપાવીને બેઠા હશે એ તો રામ જ જાણે!

———————————

હરીફો અને રાજકારણીઓનાં સ્થાપિત હિતોને લીધે જ્યારે ‘મેક ઇન ઇન્ડિયા સ્ટોરી’નો ભોગ લેવાયો અને થયું રાષ્ટ્રને નુકસાન…

દ્વેષ હંમેશાં નુકસાન કરે છે. આ નુકસાન જ્યારે રાષ્ટ્રીય સ્તરે થાય ત્યારે બોલ્યા વગર રહેવાય નહીં. હાલમાં ઇન્દોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મૅનેજમેન્ટ (IIM Indore)ની જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં આ વાતનું એક ઉદાહરણ આપવામાં આવ્યું છે.

ઉત્તમ ‘મેક ઇન ઇન્ડિયા સ્ટોરી’ને સ્થાપિત હિતોએ કેવી રીતે નુકસાન પહોંચાડ્યું એ શીર્ષક હેઠળ આ સંશોધન પ્રકાશિત થયું છે.

આપણા આ બ્લોગમાં જેનો અગાઉ ઉલ્લેખ થઈ ગયો છે એવી નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)ની પૅમેન્ટ કટોકટીને કારણે હંમેશાં ચર્ચામાં રહેતા આંત્રપ્રેન્યોર જિજ્ઞેશ શાહ આ સંશોધનના કેન્દ્રમાં છે.

IIM Indoreના બિઝનેસ ડેવલપમેન્ટ મૅનેજર ગણપતિ શર્મા કહે છે કે ભારતીય બજારોમાં ઉદ્યમની ભાવનાને ઉજાગર કરવાનો પ્રયાસ કરનાર જિજ્ઞેશ શાહે રાજકારણીઓ, અમલદારો, તકવાદી મૂડીવાદીઓ અને હરીફોના ષડ્યંત્રનો ભોગ બનવું પડ્યું, એટલું જ નહીં, તેને કારણે દેશને મોટું નુકસાન થયું, કારણ કે આંત્રપ્રેન્યોર-ઇનોવેટર શાહે ભારતને પૂર્વના દેશોનું મેનહટ્ટન બનાવવાની કામના રાખી હતી અને ભારત વધુ ઉંચાઈઓ સર કરે તેની પહેલાં દીર્ઘદૃષ્ટા જિજ્ઞેશ શાહને નીચે પાડી દેવામાં આવ્યા.

પહેલાં ઓનલાઇન ટ્રેડિંગ માટે વપરાતા સોફ્ટવેરની રચના કરનાર જિજ્ઞેશ શાહ સ્થાપિત કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ (FTIL, જેનું નવું નામ મૂન્સ ટેક્નૉલૉજીસ છે) એ વખતે TIBCO, IBM અને TCS જેવી કંપનીઓની સાથે સ્પર્ધા કરી અને તેમાં સફળતા મેળવી. તેમની કંપનીએ રચેલું ઓડિન નામનું સોફ્ટવેર બજારમાં અગ્રણી બની ગયું.

નખશિખ ઉદ્યમી – આંત્રપ્રેન્યોર હોવાના નાતે શાહને લાગ્યું કે માત્ર એક પ્રૉડક્ટની લાઇસન્સ ફી પર નભવું કોઈ કંપનીને પાલવે નહીં. આથી તેમણે ICICI બૅન્ક, NSE અને CRISIL દ્વારા પ્રમોટ કરાયેલા કોમોડિટી એક્સચેન્જ – NCDEXની સાથે સ્પર્ધા કરનારા એક્સચેન્જ (MCX)ની સ્થાપના કરવા લાઇસન્સ મેળવવા અરજી કરી. એ લાઇસન્સ પણ મળ્યું.

શાહનો ઉદ્યમ અટક્યો નહીં અને તેમની 10 વર્ષના ગાળામાં ભારત, દુબઈ, મોરિશિયસ, સિંગાપોર, બોત્સવાનામાં વૈશ્વિક કક્ષાનાં એકંદરે 10 એક્સચેન્જો સ્થાપ્યાં. આ ઉપરાંત એક્સચેન્જ પરિતંત્રને ઉપયોગી થાય એવાં વેપાર સાહસો પણ સ્થાપ્યાં, જેમાં નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશન, એટમ ટેક્નૉલૉજીનો સમાવેશ થાય છે.

આ બધાં સાહસો રચાયાં તેની સાથે સાથે શાહની FTILએ ઊભી કરેલી સ્પર્ધાનો સામનો કરવામાં મુશ્કેલી અનુભવનારા લોકોને ચિંતા થવા લાગી. આથી, ઉક્ત સંશોધનમાં કહેવાયા મુજબ કૉર્પોરેટ્સ, મોટા બ્રોકરો અને વગદાર અમલદારોએ શક્તિશાળી રાજકારણીઓની મદદથી ષડ્યંત્ર રચીને FTILને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું.

તો શું હતું એ ષડ્યંત્ર? પછી શું થયું તેની વાતો આગામી કડીમાં…..

(કટ્ટર સ્પર્ધાના યુગમાં નવોદિત આંત્રપ્રેન્યોરને સાચી પ્રેરણા, વાસ્તવિકતાની જાણકારી, અન્યાય સામે લડવાની હિંમત મળે એ ઉદ્દેશ્યથી આ વિષયમાં આપણે ઊંડા ઊતરી રહ્યા છીએ).

—————–

NSEL કેસઃ ગુનાઓ સ્પષ્ટ હોવા છતાં બચી ગયેલા ડિફોલ્ટરો

ભારતમાં બળાત્કાર અને નાણાકીય કૌભાંડોના કિસ્સાઓ વચ્ચે શું સામ્ય છે? બન્ને પ્રકારના કિસ્સાઓમાં આરોપીઓને સજા થવામાં બહુ વાર લાગે છે અથવા તો પૂરતી સજા થતી નથી. આ જ કારણ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી આ બન્ને પ્રકારના ગુનાઓએ માઝા મૂકી છે.

નાણાકીય ડિફોલ્ટ અત્યારે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, જેવા લોકો નાણાકીય સમસ્યાઓ સર્જીને દેશની બહાર ચાલ્યા ગયા છે. બીજી બાજુ, નૉન પરફોર્મિંગ ઍસેટ્સની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ (IL&FS) જેવા વિશાળ સમૂહે ડિફોલ્ટ કર્યો હોવાથી ભારતમાં અત્યારે પ્રવાહિતાની વિકરાળ સમસ્યા ઊભી થઈ છે. આ ગ્રુપનું કરજ 91,000 કરોડ રૂપિયા જેટલું તોતિંગ છે.

દેશની અગ્રણી ICICI બૅન્કના કેસમાં પણ પારિવારિક હિત માટે બૅન્કના મોભીએ નબળી કંપનીને લોન આપી અને તેને કારણે નીતિમત્તાનો પ્રશ્ન ખડો થયો. તાજેતરના અહેવાલ મુજબ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (CBI) આ બૅન્કના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને જેમને લોન મળી હતી એ વિડિયોકોન કંપનીના સ્થાપક વેણુગોપાલ ધૂત વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યાં છે, જેથી તેઓ દેશની બહાર જઈ શકે નહીં.  

નાણાકીય કૌભાંડોની વાત આવે ત્યારે જેને સૌથી મોટું નાણાકીય કૌભાંડ કહેવાયું હતું એવી એનએસઈએલ (NSEL – નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ની પૅમેન્ટ કટોકટીનો ઉલ્લેખ કર્યા વગર રહેવાય નહીં. જુલાઈ 2013માં સર્જાયેલી આ નાણાકીય કટોકટીના કેસમાં ડિફોલ્ટરોની સામે કોઈ જ કાર્યવાહી નહીં થઈ હોવાનું પરિણામ એ આવ્યું છે કે હવે દેશમાં ડિફોલ્ટર કરવો એ જાણે રમત વાત થઈ ગઈ છે.

હાલમાં પ્રગટ થયેલી વિગતો મુજબ NSELના કિસ્સામાં નાણાં મંત્રાલયની સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે (SFIO) તપાસ પૂરી કરીને આપેલા અહેવાલમાં ડિફોલ્ટરોની બાબતે આશ્ચર્યજનક વિગતો જણાવવામાં આવી છે. ડિફોલ્ટરો કઈ રીતે કાયદાને ગણકારતા નથી એનું જ્વલંત ઉદાહરણ NSELનો કિસ્સો છે.

SFIOના અહેવાલ અનુસાર આ કેસમાં 22 ડિફોલ્ટરો છે, પરંતુ બધાએ તપાસનીશ સત્તાને પોતાનાં અકાઉન્ટ્સ અને વાઉચર્સ બતાવ્યાં નથી. તેમની લાયેબિલિટી 5,600 કરોડ રૂપિયાની હોવાનું પણ તપાસનીશ સત્તાને જોવા મળ્યું છે. NSELમાં ટ્રેડિંગ કરી ચૂકેલા ટ્રેડિંગ ક્લાયન્ટ્સનાં બધાં નાણાં આ 22 ડિફોલ્ટરો પાસે છે અને તેમણે તેનો ઉપયોગ પોતાની બૅન્ક લોન ચૂકવવા, વર્કિંગ કૅપિટલ માટે, જૂના બિઝનેસની ખોટ સરભર કરવા, રિયલ એસ્ટેટ તથા લક્ઝરી કાર ખરીદવામાં વાપર્યાં હતાં. પાંચ વર્ષથી થઈ રહેલી તપાસમાં ચોખ્ખેચોખ્ખું જોવા મળ્યું છે કે ડિફોલ્ટરોએ NSELના ટ્રેડિંગ ક્લાયન્ટ્સનાં નાણાં પોતાની કંપનીઓ તથા સંબંધિત વ્યક્તિઓ સુધી ડાઇવર્ટ કર્યાં હતાં.

NSELની કટોકટી જાહેર થયા બાદ તરત જ તત્કાલીન નિયમનકાર ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (FMC) સમક્ષ ડિફોલ્ટરોએ કબૂલ કર્યું હતું કે તેમણે 5,600 કરોડ રૂપિયા ચૂકવવાનાં નીકળે છે. આ નાણાં તેઓ કેવી રીતે પાછાં વાળશે એનો પ્લાન પણ તેમણે FMCને સુપરત કર્યો હતો.

આટલું દીવા જેવું સ્પષ્ટ હતું, છતાં આજે પાંચ વર્ષ બાદ શું ચિત્ર છે? ડિફોલ્ટરો હજી સુધી કાયદાથી પર રહ્યા છે. આ દેશના કાયદા જાણે તેમના માટે બન્યા જ નથી એવું દેખાઈ રહ્યું છે.

ડિફોલ્ટરોએ છેતરપિંડી અને દગાખોરી કરી હતી, હિસાબના ચોપડામાં ગરબડ કરી હતી, અનેક ઠેકાણે હિસાબ બરોબર રાખ્યો ન હતો તથા કંપનીઝ ઍક્ટની કલમો હેઠળ અનેક ચૂક કરી હતી. આથી તેમની વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને કંપનીઝ ઍક્ટની અનેક કલમો હેઠળ ખટલો ચલાવવો જોઈએ, એવું SFIOના અહેવાલમાં કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત 17 ડિફોલ્ટિંગ કંપનીઓ બંધ કરાવવાની, તેમની વિરુદ્ધ આવક વેરા ધારો, કાળાં નાણાંવિરોધી કાયદો અને બેનામી પ્રોપર્ટીવિરોધી કાયદા હેઠળ કામ ચલાવવું જોઈએ એવી ભલામણ પણ કરવામાં આવી છે.

ડિફોલ્ટરોએ પોતાની લાયેબિલિટી સ્વીકારી લીધી હોવા છતાં આટલાં વર્ષો બાદ હજી પણ તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી માટેની ભલામણ જ થઈ રહી છે એ બાબત દેશવાસીઓ માટે આઘાતજનક નહીં તો બીજું શું છે?

————