દેશના નાણાકીય ક્ષેત્ર પર શું પી. ચિદમ્બરમે અજગરનો ભરડો લીધો છે?
કોઈ પણ વસ્તુને પ્રબળતાથી પકડી રાખવામાં આવી હોય ત્યારે અજગરનો ભરડો એવો શબ્દપ્રયોગ થાય છે. દેશના નાણાકીય ક્ષેત્ર પર પી. ચિદમ્બરમે જમાવેલી પકડ માટે પણ અજગરનો ભરડો જ કહેવું પડે એવું એક પછી એક કેટલાંય ઉદાહરણો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.
હાલમાં પ્રકાશિત માહિતી મુજબ એક ફોજદારી ફરિયાદ સંબંધે ચિદમ્બરમ સામે કામ ચલાવવા માટે લોકપાલ અને કેન્દ્રીય દક્ષતા પંચે (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન – સીવીસી) મંજૂરી આપી હોવા છતાં કેન્દ્ર સરકારના આર્થિક બાબતોના ખાતાએ હજી સુધી તેના માટે હા ભણી નથી.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) સમક્ષ કરાયેલી આ ફરિયાદમાં 63 મૂન્સે કહ્યું છે કે તેની પેટા કંપની એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)માં જુલાઈ 2013માં પૅમેન્ટ કટોકટી સર્જાઈ ત્યારે ઉક્ત ત્રણે વ્યક્તિઓએ પોતપોતાના સરકારી હોદ્દાઓનો દુરુપયોગ કરીને 63 મૂન્સને જાણીજોઈને નુકસાન પહોંચાડ્યું છે.
63 મૂન્સે આ કેસમાં લોકપાલ અને સીવીસી સમક્ષ ધા નાખી ત્યારે એ બન્ને સંસ્થાઓએ પી. ચિદમ્બરમ, કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેક વિરુદ્ધ તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. સીવીસીએ તો એટલે સુધી કહ્યું હતું કે ફરિયાદમાં જણાવાયેલા ભ્રષ્ટાચારના આરોપ ગંભીર, નિશ્ચિત સ્વરૂપના અને ખરાઈ થાય એવા છે. તેણે 12 સપ્તાહની અંદર તપાસ પૂરી કરવાનો અને કાર્યવાહી માટેનાં સૂચનો સહિતનો અહેવાલ સુપરત કરવા માટે આર્થિક બાબતોના ખાતાને આદેશ સુદ્ધાં આપ્યો હતો. આર્થિક બાબતોના ખાતાએ નિયમ મુજબ 120 દિવસની અંદર ફરિયાદ સંબંધે કાર્યવાહી કરવી જરૂરી હોવા છતાં બે વર્ષ બાદ પણ હજી સુધી તેણે કોઈ જવાબ આપ્યો નથી.
આપણે અગાઉ આ બ્લોગમાં કહી ચૂક્યા છીએ કે પી. ચિદમ્બરમ દેશના આર્થિક ક્ષેત્રે પ્રચંડ વગ ધરાવે છે. ઉક્ત કેસ તેનું જ્વલંત ઉદાહરણ છે. દેશની માનનીય બે સંસ્થાઓ – લોકપાલ અને સીવીસીએ સ્પષ્ટપણે કહેવા છતાં આર્થિક બાબતોનું ખાતું આ ત્રણે વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી રહ્યું નથી તેના પરથી કહી શકાય કે ન્યાયને ઘોળીને પી જવાની બાબતમાં તેઓ માહેર છે.
પીગુરુસનું કહેવું છે કે 2જી કૌભાંડમાં ભ્રષ્ટ ગણાતી યુપીએ સરકારે પણ 24 કલાકની અંદર મંજૂરી આપી દીધી હતી. પી. ચિદમ્બરમ, કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેકે એનએસઈએલમાં પૅમેન્ટ કટોકટી સર્જી હતી અને તેનો હલ લાવવાનું આસાન હોવા છતાં એમ કર્યું નહીં. માત્ર આઠ દિવસમાં હલ થઈ શકે એવા એ કેસને આઠ વર્ષ પછી પણ એમ ને એમ રહેવા દેવાયો છે. એટલું જ નહીં, હાલમાં બનેલી એક ઘટનામાં લેણદારોને નાણાં ચૂકવવા માટેના મુંબઈ વડી અદાલતના આદેશનો અમલ અટકી જાય એ માટે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. આમ, વડી અદાલતનો આદેશ બે સપ્તાહ મુલતવી રહી ગયો છે. આ બાબતે આવતી કડીમાં વાત કરીશું.
ગુનેગાર ક્યાંક કોઈક કડી મૂકીને જતો હોય છે અને કાયદાના લાંબા હાથ એના સુધી પહોંચી જાય છે એ બન્ને વાતો આપણે જોયેલી-સાંભળેલી છે. હાલમાં એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ના કેસમાં નોટ ફિટ ઍન્ડ પ્રોપર જાહેર થયેલા ટોચના પાંચ બ્રોકરોનો બચાવ કરવા માટે પી. ચિદમ્બરમ મેદાને પડ્યા ત્યારે એમના છૂપા સંબંધ જાણે પ્રકાશમાં આવી ગયા હોય એવું બન્યું.
આ જ પી. ચિદમ્બરમ જ્યારે કેન્દ્રમાં નાણાપ્રધાન હતા ત્યારે જુલાઈ 2013માં એનએસઈએલની 5,600 કરોડ રૂપિયાની પૅમેન્ટ કટોકટી સર્જાઈ હતી અને એ કેસના નામે એમણે એનએસઈએલની પ્રમોટર કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ (એફટીઆઇએલ – નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ) વિરુદ્ધ ફોરવર્ડ માર્કેટ્સ (એફએમસી) મારફતે નોટ ફિટ ઍન્ડ પ્રોપરનો આદેશ બહાર પડાવ્યો હતો. હવે એ જ ભૂતપૂર્વ નાણાપ્રધાને વકીલ બનીને નોટ ફિટ ઍન્ડ પ્રોપર ઠરેલા બ્રોકરોનો બચાવ કરવાની હાલમાં કોશિશ કરી હતી. સદ્ નસીબે સર્વોચ્ચ અદાલતે એવું થવા દીધું નથી.
બન્યું એવું છે કે એનએસઈએલના કેસમાં ટોચના પાંચ બ્રોકરોને નોટ ફિટ એન્ડ પ્રોપર જાહેર કરનારા સેબીના આદેશ સંબંધે એનએસઈએલનો પક્ષ સાંભળવાનો હુકમ સર્વોચ્ચ અદાલતે કર્યો છે.
બ્રોકરો – – મોતીલાલ ઓસવાલ કોમોડિટીઝ, ઇન્ડિયા ઇન્ફોલાઇન કોમોડિટીઝ, ફિલિપ કોમોડિટીઝ, આનંદ રાઠી કોમોડિટીઝ અને જિઓફિન કોમટ્રેડે પોતાની સામે સેબીએ જારી કરેલા નોટ એન્ડ ફિટ પ્રોપરના આદેશને સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)માં પડકાર્યો છે. આ બાબતે એનએસઈએલે કહ્યું છે કે બ્રોકરોના પક્ષની સુનાવણીની સાથે સાથે એનએસઈએલને પણ સેટમાં રજૂઆત કરવાની તક મળવી જોઈએ. આથી તેણે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી, જેને અદાલતે સ્વીકારી લીધી છે.
નોંધનીય છે કે પીઢ પત્રકાર શાંતનુ ગુહા રે લિખિત પુસ્તક ‘ધ ટાર્ગેટ’માં પી. ચિદમ્બરમની સાથે સાથે ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના તત્કાલીન ચૅરમૅન રમેશ અભિષેકનું નામ પણ સાંકળવામાં આવ્યું છે. હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે એફએમસીએ કોના કહેવાથી નોટ ફિટ ઍન્ડ પ્રોપર આદેશ બહાર પાડ્યો હતો. એનએસઈએલની પેમેન્ટ કટોકટી 2013માં બહાર આવી હતી, પરંતુ ગેરરીતિ કર્યાનો આક્ષેપ ધરાવનારા બ્રોકરો આબાદ છટકી રહ્યા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું હતું. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ 2015માં તૈયાર કરેલા અહેવાલમાં કહ્યું હતું કે ટોચની પાંચ કોમોડિટી બ્રોકિંગ કંપનીઓ – મોતીલાલ ઓસવાલ કોમોડિટીઝ, ઇન્ડિયા ઇન્ફોલાઇન કોમોડિટીઝ, ફિલિપ કોમોડિટીઝ, આનંદ રાઠી કોમોડિટીઝ અને જિઓફિન કોમટ્રેડ દ્વારા એનએસઈએલમાં અનેક ગેરરીતિઓ આચરવામાં આવી હતી. નવાઈની વાત તો એ છે કે રમેશ અભિષેકે એ અહેવાલ બહાર આવવા જ દીધો નહીં. આખરે એફએમસીનું સેબીમાં વિલીનીકરણ થયા બાદ સેબીએ ઉક્ત બ્રોકરો સંબંધે તપાસ હાથ ધરી અને 2019માં પાંચે બ્રોકરોને બ્રોકરોને નોટ ફિટ એન્ડ પ્રોપર જાહેર કર્યા હતા. બ્રોકરોએ સેબીના આદેશને સેટમાં પડકાર્યો છે.
એનએસઈએલનું કહેવું છે કે સેબીએ બ્રોકરો વિરુદ્ધના અનેક આક્ષેપો બાબતે વિચાર કર્યો નથી. આથી આ કેસમાં તેને સેટમાં સુનાવણીની તક મળવી જોઈએ. સેટે એ અરજીનો ટેક્નિકલ આધાર પર અસ્વીકાર કર્યો તેથી એનએસઈએલે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી, જેનો ઉક્ત ચુકાદો મંગળવારે 24મી ફેબ્રુઆરીએ અદાલતે આપ્યો હતો.
63 મૂન્સે નોટ ફિટ ઍન્ડ પ્રોપર આદેશને કારણે પોતાને થયેલા નુકસાન બદલ પી. ચિદમ્બરમ ઉપરાંત ભૂતપૂર્વ સનદી અધિકારીઓ – કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેક વિરુદ્ધ 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો કર્યો છે એ વાત આપણે અગાઉ આ બ્લોગમાં લખી ગયા છીએ.
ચિદમ્બરમે સર્વોચ્ચ અદાલતમાં બ્રોકરો વતી દલીલો કરી એ જાણીને સમગ્ર નાણાકીય વર્તુળોમાં આઘાતની લાગણી પ્રસરી હતી. એનએસઈએલનું પણ કહેવું છે કે ચિદમ્બરમના કાળમાં ફોરવર્ડ માર્કેટ્સ કમિશને અનુચિત રીતે એનએસઈએલની બાબતે પ્રમોટર કંપનીને નોટ ફિટ એન્ડ પ્રોપરની કલમ લાગુ કરી, જેને કારણે કંપનીને 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ઉક્ત બાબતોને ધ્યાનમાં રાખતાં સવાલ એ જાગે છે કે 63 મૂન્સને નોટ ફિટ ઍન્ડ પ્રોપર જાહેર કરાવનારા પી. ચિદમ્બરમ કયા મોંઢે નોટ ફિટ ઍન્ડ પ્રોપર બ્રોકરોનો બચાવ કરવા દોડી ગયા હતા. શું એમને એનએસઈએલ કેસમાં પોતાની સંડોવણી ખૂલ્લી પડવાનો પણ હવે ડર રહ્યો નથી? શું તેઓ દેશના કાયદાઓને ઘોળીને પી ગયા છે કે પછી કાયદાઓને અને અદાલતોને પોતાની જાગીર સમજીને ચાલી રહ્યા છે?
તેઓ જે સમજતા હોય, જનતાને હવે એમનાં કરતૂતોની એક પછી એક ઘટનાક્રમના આધારે જાણ થઈ રહી છે અને એવું કહેવાવા લાગ્યું છે કે કાયદો કાયદાનું કામ કરશે અને ન્યાય તોળાઈને ખરા દોષિતોને સજા ચોક્કસ થશે.
ભારતનું અગ્રણી એક્સચેન્જ ગ્રુપ – ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ (એફટીઆઇએલ) એક્સચેન્જો ચલાવવા માટે ફિટ ઍન્ડ પ્રોપર નથી એવું કહીને તેના સામ્રાજ્યને નુકસાન પહોંચાડવાનું કામ સ્થાપિત હિતો (જેમાં પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કે.પી. કૃષ્ણનનાં નામ બહાર આવ્યાં છે)એ કર્યું. એ રાજકારણી અને અમલદારોની કુટિલ ચાલ વિશે ‘ધ ટાર્ગેટ’ નામનું પુસ્તક શાંતનુ ગુહા રે લખી ચૂક્યા છે. યોગાનુયોગે એ પુસ્તક પ્રગટ થયા પછી એવી અનેક ઘટનાઓ બની જેમાં ‘ધ ટાર્ગેટ’માં લખાયેલી વાતો સાચી ઠરી છે.
જુલાઈ 2013માં એનએસઈએલની પૅમેન્ટ કટોકટીને લઈને એફટીઆઇએલ (નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ) પાસે પરાણે કંપનીઓ વેચાવી દેવાઈ હતી. હકીકતમાં એ કટોકટીના દોષિતો બીજા જ હતા, પણ દોષનો ટોપલો 63 મૂન્સ ટેક્નૉલૉજીસ પર ઢોળવામાં આવ્યો. હવે ખરા આરોપીઓ પ્રકાશમાં આવી રહ્યા છે. હાલમાં આપણે જોયું કે એફટીઆઇએલની પેટા કંપની – એનએસઈએલના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર અને પૅમેન્ટ કટોકટી માટે મુખ્ય જવાબદાર અંજની સિંહાની ફરીથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ, એમને રાજના સાક્ષી બનાવીને જામીન પર છોડી દેવાયા હતા, પરંતુ હવે એમની સંડોવણીના વધુ પુરાવા મેળવીને એમની ધરપકડ કરવામાં આવી છે. એ ઉપરાંત તાજેતરમાં એફટીઆઇએલની જ એક સમયની ગ્રુપ કંપની – નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશન (એનબીએચસી)ના ડૉ. વિજય કેળકર તથા અન્ય અધિકારીઓની વિરુદ્ધ કાજુ કૌભાંડમાં પંજાબ નૅશનલ બૅન્કની રાજામુંદ્રી શાખા દ્વારા એફઆઇઆર નોંધાવવામાં આવ્યો છે. એનબીએચસીનાં ગોદામોમાં કાજુને બદલે તેનાં છોતરાં રાખીને બૅન્કની સાથે છેતરપિંડી કરવામાં આવી એનો એ કેસ છે. આ બાબત પરથી કહી શકાય છે કે વાસ્તવમાં જે લોકો એનએસઈએલની પૅમેન્ટ કટોકટી માટે જવાબદાર અને ‘નોટ ફિટ ઍન્ડ પ્રોપર’ હતા એ લોકોની સામે હવે આરોપો ઘડાઈ રહ્યા છે.
અહીં જણાવવું રહ્યું કે હાલમાં www.pgurus.com વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ (https://www.pgurus.com/nbhc-another-jignesh-shah-idea-plundered-and-now-cbi-books-kelkar-shah/?fbclid=IwAR1p4sY39pDeN6I4i45Pdkg0hNEaSpdLXdjvnGkqf5TU-SxQr6l-KvWRkDI) અનુસાર નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશનની સ્થાપના કોઈ કૌભાંડ કરવા માટે નહીં, પણ એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ)ના કામકાજમાં આવશ્યક કોમોડિટી વેરહાઉસિંગની સુવિધા પૂરી પાડવા માટે એફટીઆઇએલ દ્વારા કરવામાં આવી હતી. કોમોડિટીનો હાજરનો હોય કે વાયદાનો વેપાર હોય, બધામાં સાદાં અને ઍરકન્ડિશન્ડ વેરહાઉસીસની જરૂર હોય છે. એફટીઆઇએલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જની સ્થાપના કરતી વખતે કોમોડિટી વેપારનું એવું પરિતંત્ર બનાવ્યું હતું, જે કોમોડિટીના ઉત્પાદકોને એટલે કે ખેડૂતોને અને કોમોડિટીના વેપારીઓને ઉપયોગી થાય. વેરહાઉસીસ બનવાથી કોમોડિટી વેપારમાંથી વચેટિયાઓનું વર્ચસ્ દૂર થઈ જવાનું હતું, કારણ કે ખેડૂતો પોતાની ઊપજ પોતાની મરજી મુજબના સમયે વેચવા સક્ષમ થયા હતા.
ઉક્ત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એનબીએચસીને કારણે ખેડૂતોને ઉચિત ભાવ મળવામાં મદદ મળી હતી. એ ઉપરાંત કયા પાકનું કેટલા પ્રમાણમાં વાવેતર કરવું એનો અંદાજ તેઓ રાખવા સક્ષમ બન્યા હતા. તેના ફળસ્વરૂપે ગ્રામીણ ક્ષેત્રે વિકાસ થવાની સંભાવના સર્જાઈ હતી. કૃષિ ક્ષેત્ર સિવાયના લાભ વિશે તેમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને ઉચિત ભાવ મળવાથી ઉત્પાદનનો ખર્ચ ઘટ્યો હતો અને આયાતનો ખર્ચ પણ ઘટ્યો હતો. સાથે જ લઘુ-મધ્યમ એકમોને વેગ મળ્યો હતો. એવા તો બીજા અનેક લાભ હતા, પણ આ બધું ફક્ત 2013 સુધી ચાલ્યું, કારણ કે સ્થાપિત હિતોએ જુલાઈ 2013માં એનએસઈએલમાં પૅમેન્ટ કટોકટી સર્જીને એફટીઆઇએલ પાસે પરાણે એ બધી કંપનીઓનું વેચાણ કરાવી દીધું.
વાંચકોને યાદ કરાવી દેવું ઘટે કે અત્યાર સુધીની આપણી ચર્ચામાં આપણે સ્પષ્ટપણે જોઈ ગયા છીએ કે દેશમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ને લાભ કરાવવાના ઉદ્દેશ્યથી તેના મોટા સ્પર્ધક એફટીઆઇએલને સ્પર્ધામાંથી દૂર કરી દેવા માટેનું ષડ્યંત્ર દેશમાં રચાયું હતું. જો એફટી ગ્રુપ જ ગરબડ કરનારું હોત તો એના નીકળી ગયા પછી તેની ભૂતપૂર્વ કંપનીઓએ ઘણી પ્રગતિ કરી હોત, પરંતુ વાસ્તવમાં એમસીએક્સથી માંડીને એનબીએચસી સુધીની કંપનીઓમાં કામકાજનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. એનએસઈએલની તપાસનીશ સંસ્થાઓએ ફરી અંજની સિંહાને ઝબ્બે કરવા પડ્યા છે અને એનબીએચસીના કાજુ કૌભાંડમાં ડૉ. કેળકરનું નામ સામે આવ્યું છે.
થયું એવું કે એફટી ગ્રુપ પાસેથી એનબીએચસી વેચાવી દેવાયું ત્યારે તેની ખરીદદાર ‘ટ્રુ નોર્થ’ નામની વેન્ચર ફંડ કંપની હતી. ‘ટ્રુ નોર્થ’ વિશે હાલમાં પત્રકાર પલક શાહ લિખિત પુસ્તક ‘ધ માર્કેટ માફિયા’માં અનેક ચોંકાવનારી વિગતો પ્રગટ કરવામાં આવી છે. એનબીએચસીનું વેચાણ કરવામાં આવ્યું ત્યારે તેના વિકાસની ભરપૂર સંભાવનાઓ હતી, પરંતુ જ્યાં નવા સંચાલકોની નિયતમાં જ ખોટ હોય ત્યાં કંપનીનો વ્યવહાર ખાડે જાય એ સ્પષ્ટ છે.
https://www.pgurus.com આ સમગ્ર પ્રકરણમાં વધુ ઊંડે ઉતરી છે. આપણે તેના વિશે આગામી કડીમાં વાતો કરીશું.
એક્સચેન્જ સામેનાં તમામ ખોટાં પગલાં રદ થઈ રહ્યાં છે અને તેને ફસાવનાર વ્યક્તિ સીબીઆઇની કસ્ટડીની હવા ખાઈ રહી છે
આ બ્લોગના વાંચકો માટે એનએસઈએલનો કેસ જાણીતો છે. 31 જુલાઈ, 2013ના રોજ આ કોમોડિટી સ્પોટ એક્સચેન્જમાં નાણાકીય કટોકટી બહાર આવી. રોકાણકારોની ઘણી જ ચિંતા હોય એમ તત્કાલીન નાણાપ્રધાનથી માંડીને નાના-મોટા નેતાઓ એ કેસની પાછળ પડી ગયા. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખામાં ફરિયાદ નોંધાઈ અને તેણે તપાસ શરૂ કરી. એનએસઈએલ કોમોડિટી એક્સચેન્જ હતું, છતાં તેને ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે નાણાકીય આસ્થાપન ગણીને એ કેસમાં મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ્સ ઑફ ડિપોઝિટર્સ (એમપીઆઇડી) કાયદો લાગુ કરવામાં આવ્યો.
કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવનાર માણસ પણ કહી શકે કે એ કેસમાં એમપીઆઇડી કાયદો લાગુ કરવાનું પગલું જ ખોટું હતું. ‘એક પગલું ખોટું અને ખોટો આખો દાખલો’ એ ઉક્તિની જેમ એનએસઈએલના કેસમાં પહેલું પગલું જ ખોટું ભરવામાં આવ્યું હતું. જો કે, આ કેસમાં રોકાણકારોને નાણાં પાછાં અપાવવાને બદલે એનએસઈએલની સ્થાપક કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ (એફટીઆઇએલ, જેનું નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ છે) અને તેના પ્રમોટર જિજ્ઞેશ શાહના એક્સચેન્જ સામ્રાજ્યને તોડી પાડવાની દાનત હતી. આ પગલું ભરનારા અને ભરાવનારા લોકો વિશે અત્યાર સુધીમાં ઘણું લખાયું છે, પરંતુ 22મી ઑગસ્ટ, 2019ના રોજ મુંબઈ વડી અદાલતે જે આદેશ આપ્યો છે તેની દૃષ્ટિએ ફરી એક વાર એ મુદ્દો લોકો સમક્ષ લાવવો જરૂરી બને છે.
આપણા દેશમાં કાયદો કાયદાનું કામ કરે છે, પરંતુ તેમાં કેટલો વધારે સમય
નીકળી જાય છે એ ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત છે. 2013ના કેસમાં 2019માં એટલે કે છ
વર્ષે અદાલતમાં નિર્ણય આવ્યો કે એનએસઈએલમાં પહેલું પગલું જ ખોટું ભરવામાં આવ્યું
હતું. ખરી રીતે જોઈએ તો ન્યાયમાં વિલંબ એ ન્યાય નકારવા સમાન બાબત ગણાય છે, પરંતુ આ
સમગ્ર પ્રકરણમાં ન્યાયતંત્રનો કોઈ દોષ નથી, કારણ કે કેસને પ્રથમ દિવસથી ગૂંચવી
નખાયો હતો. એફટીઆઇએલની સામે એટલા બધા કેસ કરવામાં આવ્યા કે તેને કોઈ વાતે ફુરસદ જ
ન મળે. એનએસઈએલની નિયમનકાર સંસ્થા ફોરવર્ડ માર્કેટ્સ કમિશન એટલે કે એફએમસીની સામે 6 ઑગસ્ટ, 2013ના
રોજ થયેલી મીટિંગના આધારે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ કેસમાં ડિફોલ્ટરો પાસે જ નાણાં
છે. આમ છતાં તેણે ડિફોલ્ટરોની પાછળ પડીને નાણાં કઢાવવાને બદલે એફટીઆઇએલ પાસેથી એક
પછી એક એક્સચેન્જ નીકળી જાય એ માટે તેને નોટ ફિટ એન્ડ પ્રોપર જાહેર કરી.
જિજ્ઞેશ શાહ આ કેસમાં સચ્ચાઈ સાબિત કરવા પી. ચિદમ્બરમ સામે ચર્ચાનો પડકાર ફેંકી ચૂક્યા છે
એફએમસીને 2011થી કોમોડિટી માર્કેટ્સની નિયમનકારી ઍજન્સી બનાવવામાં
આવી હતી, પરંતુ તેણે પોતાની ભૂમિકા મર્યાદિત હોવાનું સતત કહ્યે રાખ્યું. આમ છતાં
જ્યારે એનએસઈએલ કેસ બાબતે કાર્યવાહી કરવાની વાત આવી ત્યારે તેણે એફટીઆઇએલને દેશમાં
કોઈ પણ એક્સચેન્જ ચલાવવા માટે અપાત્ર જાહેર કરી દીધી. તેનું પરિણામ એ આવ્યું કે
એફટીઆઇએલે દેશ-વિદેશમાં ઊભાં કરેલાં બધાં એક્સચેન્જોમાંથી પોતાનો હિસ્સો વેચી દેવો
પડ્યો. આ જ એફએમસીની ભલામણને પગલે કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે એફટીઆઇએલ અને
એનએસઈએલનું મર્જર કરી દેવાનો આદેશ બહાર પાડ્યો હતો.
આ કટોકટીની કણેકણની માહિતી આપનારા પુસ્તક ‘ધ ટાર્ગેટ’માં કહેવાયું છે કે 6 ઑગસ્ટની મીટિંગમાં ડિફોલ્ટરોએ પોતાની ચૂકવણીની જવાબદારી સ્વીકારી લીધી હતી, પરંતુ પછીથી બ્રોકર્સે આખી વાત બદલાવી કાઢી અને એનએસઈએલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ વિરુદ્ધ ગેરવહીવટનો આક્ષેપ કર્યો. એફએમસીએ પણ પોતાનો સૂર બદલી કાઢ્યો અને ડિફોલ્ટિંગ બ્રોકર્સ તથા ડિફોલ્ટિંગ વેચાણકર્તાઓને સાણસામાં લેવાને બદલે એફટીઆઇએલ પરની ખોટી તવાઈ વધુ ઉગ્ર બનાવી દીધી.
એનએસઈએલ કેસ બાબતે તપાસ કરી ચૂકેલી આર્થિક બાબતોના ખાતાના તત્કાલીન
સચિવ અરવિંદ માયારામની સમિતિના અહેવાલ મુજબ રિઝર્વ બૅન્કે સમિતિને કહ્યું હતું કે
એનએસઈએલનું કામકાજ રિઝર્વ બૅન્ક ઍક્ટની કલમ 45-1(બીબી) મુજબ ડિપોઝિટ સ્કીમ ગણી
શકાય નહીં અને એનએસઈએલ ખરીદદારોને ચૂકવણી કરવા બંધાયેલું નથી. આમ છતાં એ સમિતિની
ભલામણોના આધારે એનએસઈએલ સામે એમપીઆઇડી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. અહીં જણાવવું
રહ્યું કે ધ ટાર્ગેટ પુસ્તક મુજબ અરવિંદ માયારામ સમિતિની નિમણૂક તત્કાલીન
નાણાપ્રધાન પી. ચિદમ્બરમના કહેવાથી થઈ હતી. સમિતિના અહેવાલ તથા તેણે કાઢેલા
નિષ્કર્ષ પાછળ તેમનો જ હાથ હતો. એ કાવતરું ચિદમ્બરમે ઘડ્યું હતું તથા તેમના વફાદાર
કે. પી. કૃષ્ણન (નાણાં ખાતાના સચિવ) અને રમેશ અભિષેક (એફએમસીના ચેરમેન).
હાથનાં કર્યાં હૈયે વાગ્યાં હોય એમ હવે માથે હાથ દઈને બેઠા છે
ઉપર જોયું એમ એનએસઈએલ કેસમાં ત્રણ મોટાં પગલાં ભરવામાં આવ્યાં હતાં.
1) એફટીઆઇએલ અને એનએસઈએલનું મર્જર, 2) એફટીઆઇએલ એક્સચેન્જો ચલાવવા માટે અપાત્ર અને
3) એનએસઈએલ કેસમાં એમપીઆઇડી કાયદો લાગુ કરવો.
30 એપ્રિલ, 2019ના રોજ સર્વોચ્ચ અદાલતે ઉક્ત મર્જર રદ કરવાનો આદેશ
આપ્યો અને 22 ઑગસ્ટ, 2019ના રોજ મુંબઈ વડી અદાલતે એમપીઆઇડી કાયદો લાગુ પાડવાનો
નિર્ણય ખોટો ઠેરવ્યો. એફટીઆઇએલને અપાત્ર ઠેરવવાનું પગલું પણ મનસ્વી હતું. મુંબઈ
પોલીસની આર્થિક ગુના શાખાએ આ કેસમાં એમપીઆઇડી કાયદો લાગુ પાડ્યો, પણ તેની જ
તપાસમાં જણાઈ આવ્યું હતું કે આ કેસમાં બ્રોકરોએ લોકોને ગેરમાર્ગે દોરીને ટ્રેડિંગ
કરાવ્યું હતું. એ અહેવાલ એફએમસીના તત્કાલીન ચેરમેન રમેશ અભિષેક પાસે ગયો હતો,
પરંતુ તેમણે તેને દબાવીને રાખ્યો. એફએમસીનું સેબીમાં મર્જર થયા બાદ સરકારની
સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે (એસએફઆઇઓ) એ અહેવાલ પ્રકાશમાં લાવ્યો. ડિફોલ્ટરોએ
પોતાની જવાબદારી સ્વીકારી હતી એ મીટિંગની મિનટ્સ પણ રમેશ અભિષેકની રાહબરી હેઠળની
નિયમનકાર સંસ્થાએ ખોઈ નાખી છે.
આમ, આ કેસમાં ભરાયેલાં ત્રણેય મોટાં પગલાં ખોટાં પુરવાર થયાં છે. વડી
અદાલતના 22 ઑગસ્ટ, 2019ના આદેશમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે એનએસઈએલ કોમોડિટીનાં
ખરીદી-વેચાણ માટેનું ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ હતું. આથી તેને એમપીઆઇડી
લાગુ કરી શકાય નહીં.
નોંધનીય છે કે આર્થિક ગુના શાખાએ 4 ઑગસ્ટ, 2014ના રોજ નોંધાવેલી
ચાર્જશીટમાં પણ એનએસઈએલને સ્પોટ એક્સચેન્જ કહેવામાં આવ્યું હતું.
વડી અદાલતે એમ પણ કહ્યું છે કે આર્થિક ગુના
શાખાએ આ કેસનાં નાણાં પોતાની બીજી કંપનીઓ તથા પરિવારના સભ્યો તરફ વાળી દેનારા
ડિફોલ્ટરો તરફ ધ્યાન આપ્યું જ નથી એ બાબત આશ્ચર્યજનક છે. નાણાં રોકનારાઓએ ઊહાપોહ
મચાવ્યો એટલે તપાસકારોએ એનએસઈએલને ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ ગણાય કે નહીં તેનો
વિચાર કર્યા વગર જ એમપીઆઇડી કાયદો લાગુ કરી દીધો અને તેના આધારે કાર્યવાહી શરૂ કરી
દીધી.
એપ્રિલમાં સર્વોચ્ચ અદાલતે મર્જર બાબતે અને ઑગસ્ટમાં વડી અદાલતે એમપીઆઇડી
બાબતે એફટીઆઇએલની તરફેણમાં ચુકાદો આપ્યો, પરંતુ ત્યાર સુધીમાં કંપનીને પ્રચંડ
નુકસાન થઈ ચૂક્યું છે. કાળનું ચક્ર એવું ફર્યું છે કે એફટીઆઇએલની સામેનું દરેક
પગલું ખોટું પુરવાર થઈ રહ્યું છે અને તેની સામેના ષડ્યંત્ર માટે જેમને જવાબદાર
ગણાવાયા છે એ પી. ચિદમ્બરમ હવે સીબીઆઇની કસ્ટડીમાં છે.
રાજકારણીઓ અને સનદી અધિકારીઓ (આઇએએસ ઑફિસરો)
વચ્ચે ચોલી-દામન કા સાથ હોવાની આપણે વાત કરી ગયા છીએ. તેનું વધુ એક અને નવીનતમ
ઉદાહરણ આટલું જલદી મળી જશે એવું ધાર્યું ન હતું.
આ વાત છે રમેશ અભિષેક (હાલના ડિપાર્ટમેન્ટ ઑફ
ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશનના સેક્રેટરી તથા ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના
ભૂતપૂર્વ ચૅરમૅન)ની. જાણીતા વિચારક શ્રી ઐયરના લેખો રમેશ અભિષેક વિશે લખાયા છે અને
વેબસાઇટ – https://www.pgurus.com પર પ્રગટ થયા છે. શ્રી
ઐયરે એક વ્હીસલબ્લોઅર દ્વારા કરાયેલી ફરિયાદના આધારે આ લેખો લખ્યા છે. તેનો ઉપયોગ
આપણી આ વેબસાઇટ પર પણ થયો છે.
રમેશ અભિષેક વિશે બે લેખ લખાયા બાદ દિલ્હીના
સરોજિની નગર પોલીસ સ્ટેશનના પોલીસોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓના આદેશથી
વ્હીસલબ્લોઅરની ફરિયાદ સંબંધે પૂછપરછ માટે એક વ્યક્તિનો સંપર્ક સાધ્યો. અહીં
જણાવવું રહ્યું કે કાયદો-વ્યવસ્થા સંબંધિત રાજ્ય સરકારના અખત્યાર હેઠળ આવે છે. આથી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓને સીધી પૂછપરછ કરવાનો કોઈ અધિકાર નથી.
પી. ગુરુસ જણાવે છે કે રમેશ અભિષેકના કહેવાથી કેન્દ્રીય
ગૃહ મંત્રાલયમાંના તેમના મિત્રોની સૂચનાથી દિલ્હી પોલીસે મુંબઈ જઈને એ લોકોને
ધાકધમકી આપી, જેમણે અભિષેકના પરિવાર અને તેમની સંપત્તિને લગતી માહિતી
વ્હીસલબ્લોઅરને આપી હોઈ શકે. કહેવાય છે કે દિલ્હી આ પોલીસ અધિકારીઓના હવાઇપ્રવાસનો
ખર્ચ રમેશ અભિષેકના પરિવારજનોએ ભોગવ્યો હતો.
સનદી અધિકારીઓની વચ્ચે પણ ઘણા ઘનિષ્ઠ સંબંધો હોય
છે. એ વાત એના પરથી કહી શકાય કે રમેશ અભિષેકના કહેવાથી ગૃહ મંત્રાલયના અધિકારીઓએ દિલ્હી
પોલીસને સૂચના આપી અને દિલ્હી પોલીસ બીજાના પૈસે મુંબઈ જઈને પૂછપરછ કરી આવી, જેના
માટે તેને કોઈ સત્તા ન હતી. દેશના બંધારણની વિરુદ્ધ જઈને આ કામ થયું હતું.
રમેશ અભિષેકની વિરુદ્ધ ફરિયાદ કરનાર
વ્હીસલબ્લોઅરનું કહેવું છે કે અભિષેકે પોતાની દીકરીની કાનૂની કંપનીનો ઉપયોગ પોતાના
હિત માટે કર્યો હોય એવા અનેક કિસ્સાઓ છે. તેમની દીકરીને કાનૂની કન્સલ્ટન્સી ફી
તરીકે અપાતી રકમ ખરેખર તો તેમને અપાતાં નાણાં હોય છે.
પી. ગુરુસે વધુમાં કહ્યું છે કે વનીસા અગરવાલે
ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી હોવાનું તેમની કંપની થિંકિંગ લીગલમાં
લખાયું છે. વ્હીસલબ્લોઅરની ફરિયાદ મુજબ વનીસા એક સાથે ચાર અલગ અલગ જગ્યાએ કામ કરે
છે અને તેમાંથી ઉંચો પગાર અને ભથ્થાં મેળવે છે.
આ કંપનીઓમાં ક્રૉફર્ડ બાયલે, રિલાયન્સ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ અને રોથ્સચાઇલ્ડ ઍન્ડ કંપનીનો સમાવેશ
થાય છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના તેમના આઇડી કાર્ડ પર લીગલ ઑફિસર તરીકે તેમની ઓળખ
અપાઈ છે.
સનદી અધિકારી તરીકે રમેશ અભિષેકે ઉચિત વ્યવહાર
રાખવો જરૂરી બને છે, પરંતુ તેમણે દીકરીની કંપનીની ટ્વીટ્સ અનેક વખત રીટ્વીટ કરી
છે. વ્હીસલબ્લોઅરે જણાવ્યા રમેશ અભિષેક ખુલ્લેઆમ કહે છે કે તેઓ પોતાના મળનારાં
નાણાં વનીસા અગરવાલને કાનૂની કન્સલ્ટન્સી ફી અથવા રિટેનરશિપના સ્વરૂપે આપી શકે છે.
એટલું જ નહીં, ખાનગી ક્ષેત્રની થિંકિંગ લીગલને પ્રમોટ કરવા માટે સરકારી મેકઇન
ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને ઇન્વેસ્ટ ઇન્ડિયાનાં ટ્વીટર હેન્ડલનો બેફામ ઉપયોગ થયો
હતો. પછીથી ફરિયાદ થતાં અનેક ટ્વીટ કાઢી નખાઈ હતી.
ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ
(એફટીઆઇએલ – નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ લિમિટેડ)ના સ્થાપક જિજ્ઞેશ શાહને ટાર્ગેટ
બનાવવામાં આવ્યા છે અને એ ષડ્યંત્રમાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ, નાણાં
ખાતાના ભૂતપૂર્વ સચિવ કે. પી. કૃષ્ણન અને ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ
ચેરમેન રમેશ અભિષેક સામેલ હોવાની શંકા છે એવું જણાવતું પુસ્તક 2016માં પ્રગટ થયું
હતું. ખ્યાતનામ પત્રકાર-લેખક શાંતનુ ગુહા રેએ ‘ટાર્ગેટ’ નામે એ પુસ્તક લખ્યું હતું. અંગ્રેજી અને દેશની નવ અગ્રણી ભાષામાં અનુવાદ
થયા બાદ એ પુસ્તક એમેઝોન પર અને ક્રોસવર્ડ પર એ દરેક ભાષામાં સતત બેસ્ટ સેલર બની
રહ્યું હતું.
આપણો આજનો મુદ્દો એ છે કે પી. ચિદમ્બરમ સહિત ઉક્ત ત્રણે વ્યક્તિઓને જિજ્ઞેશ શાહે એક નહીં, પણ બે વખત મુક્ત ચર્ચા માટે આહ્વાન આપેલું છે, છતાં તેમાંથી કોઈએ એના વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. એટલું જ નહીં, છેલ્લે એફટીઆઇએલના ચેરમેન વેંકટ ચારીએ પત્રકાર પરિષદમા જાહેર કર્યું કે આ ત્રણે વ્યક્તિઓ વિરુદ્ધ કંપનીએ નુકસાન ભરપાઈનો 10 હજાર કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. ઉપરાંત, વ્યક્તિગત સ્વરૂપે પણ ત્રણેયની સામે સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચાર બદલ સીબીઆઇમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.
જ્યારે જિજ્ઞેશ શાહે પત્રકાર પરિષદમાં ત્રણેયને
ઓપન ડિબેટ માટે પડકાર ફેંક્યો અને એફટીઆઇએલે તેમની વિરુદ્ધ નુકસાન ભરપાઈનો દાવો
માંડ્યાનું જાહેર કર્યું ત્યારે શાહે એક જ વાત દોહરાવી હતી કે તેમને ન્યાયતંત્ર પર
પૂરેપૂરો વિશ્વાસ છે. ‘સત્યમેવ જયતે’
થશે એવું તેઓ દૃઢપણે માને છે. હાલમાં સર્વોચ્ચ અદાલતે એનએસઈએલ અને એફટીઆઇએલનું
મર્જર કરવાના સરકારના આદેશને રદ કર્યો ત્યારે શાહની ન્યાયતંત્ર પરની શ્રદ્ધા ફરી
એક વાર સિદ્ધ થઈ. કંપનીએ પત્રકારોને આપેલી પહેલી પ્રતિક્રિયામાં માત્ર એટલે જ
કહ્યું હતું – સત્યમેવ જયતે.
નોંધનીય રીતે એ જ દિવસે સેબીએ એનએસઈ વિરુદ્ધના
ઍલ્ગરિધમિક ટ્રેડિંગને લગતા કેસમાં એક્સચેન્જને 675 કરોડ રૂપિયા જેટલો દંડ
ફટકાર્યો. સાથે સાથે ઍલ્ગરિધમિક ટ્રેડિંગ માટે એનએસઈના ડેટાનો દુરુપયોગ કરવા બદલ
ઇન્ફોટેક ફાઈનાન્શિયલ સર્વિસીસ, તેના બે કંપનીના ડિરેક્ટર્સ
અને અજય શાહ વિરુદ્ધ કાનૂની પગલાં લેવાનું એક્સચેન્જને કહ્યું હતું.
સુનિતા થોમસ અને કૃષ્ણા ડગલી ઇન્ફોટેકના બે
ડિરેક્ટર્સ છે જ્યારે અજય શાહ સુનિતા થોમસના પતિ છે. અજય શાહે ઇન્ફોટેક અને તેના
બે ડિરેક્ટર્સની સાથે મળીને એક યોજના ઘડી હતી, જેને LIX
પ્રોજેક્ટ એવું નામ આપવામાં આવ્યું હતું. તેમણે LIX વિકસાવવાના નામે એક્સચેન્જ પાસેથી ડેટા ટ્રાન્સમિશન સર્વિસ મેળવી, જેનો દુરુપયોગ તેમણે સિક્યૉરિટીઝ માર્કેટમાં વેચી શકાય એવી ઍલ્ગરિધમિક
ટ્રેડિંગ પ્રૉડક્ટ્સ વિકસાવવા માટે કર્યો. આ પ્રૉડક્ટ્સ નાણાં કમાવાનું એક સાધન
હતી, એમ સેબીના આદેશમાં કહેવામાં આવ્યું હતું.
આપણે અગાઉ આ બ્લોગમાં લખી ગયા છીએ કે અજય શાહ પી.
ચિદમ્બરમના માનીતા છે. કે. પી. કૃષ્ણન પણ તેમાં કેવી રીતે સંડોવાયેલા હોઈ શકે તેની
વાત પણ આપણે એ બ્લોગમાં કરી હતી (https://vicharkranti2019.wordpress.com/2019/04/26/ભારતીય-નિયમનકારોનું-વલણઃ/). હવે પાછા સર્વોચ્ચ અદાલતે રદ કરેલા મર્જરની વાત પર આવીએ. પોતે નિયમનકાર
નથી એવું ગાણું ગાયે રાખનાર ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ચેરમેન રમેશ અભિષેકે મર્જર
માટેની ભલામણ કરી હતી, જેને કંપનીસંબંધી બાબતોના ખાતાએ સ્વીકારીને મર્જરનો આદેશ
બહાર પાડ્યો હતો.
આમ, પી. ચિદમ્બરમ, કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેકની
ત્રિપુટી સામે વારંવાર આંગળી ચિંધાઈ છે અને તેમને ખુલ્લી ચર્ચા કરવા માટેનો પડકાર
પણ ફેંકવામાં આવ્યો છે. આમ છતાં, તેમના તરફથી કોઈ ચૂં કે ચાં થયું નથી. આ બાબત
ખરેખર રહસ્યમય છે અને જ્યાં સુધી ત્રિપુટી જાહેર ચર્ચા કરવા માટે તૈયાર નહીં થાય
અથવા તો કોઈ અદાલતમાં તેમની વિરુદ્ધ પુરાવા જાહેર નહીં થાય કે પછી તેમની સંડોવણી જાહેર
નહીં થાય ત્યાં સુધી એ રહસ્ય અકબંધ રહેશે. તેઓ બીજાં કેટલાંય રહસ્યો છુપાવીને બેઠા
હશે એ તો રામ જ જાણે!
આખરે સર્વોચ્ચ અદાલતે એનએસઈએલ-એફટીઆઇએલના મર્જરનો
સરકારી આદેશ રદ કરી દીધો છે.
સરકારે બહાર પાડેલા આદેશને ત્રણ વર્ષ થયા બાદ
ચુકાદો આવ્યો છે અને તેમાં સરકારનું તો કંઈ નથી ગયું પણ એનએસઈએલની પૅરન્ટ કંપની
એફટીઆઇએલને જબ્બર મોટું નુકસાન થયું છે. કંપની કાનૂની લડતમાં જીતી ગઇ પરંતુ તેના
શેરનું મૂલ્ય ઘણું ઘટી ગયું.
એનએસઈએલમાં ડિફોલ્ટરો નાણાં લઈ ગયા અને કંપનીના
શેરધારકોને સરકારના પગલાને કારણે ધરખમ નુકસાન થયું. ઉપરાંત, દેશમાં નવસર્જન કરીને નાગરિકો માટે
મૂલ્યસર્જન કરનારી એક નવી પેઢીની મેક ઇન ઇન્ડિયા કંપનીની મહેનત પર પાણી ફરી વળ્યું
અને ભારતે ઘણું ગુમાવ્યું. આમ, આપણે અગાઉ કહ્યું તેમ આ કેસમાં માત્ર એફટીને નહીં,
સમગ્ર દેશને ભયંકર નુકસાન થયું છે.
મર્જર કેસમાં થયેલી અનેક દલીલોમાં કંપનીના
શેરધારકોના અધિકારો પ્રત્યે થયેલા દુર્લક્ષનો મુદ્દો પણ મહત્ત્વનો હતો.
એફટીના વકીલોએ કહ્યું હતું કે કંપનીઝ ઍક્ટની કલમ 396 હેઠળ મર્જરનો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં આ કલમનો ઉપયોગ સત્તા બહારનો હોવાનું દર્શાવતા અનેક મુદ્દાઓ છે.
મર્જરનો આદેશ બહાર પાડતાં પહેલાં એફટીના
શેરધારકોને થનારા નુકસાનનો વિચાર કરવામાં આવ્યો ન હતો. મર્જર કરતી વખતે એફટીના
શેરધારકોને નુકસાન ભરપાઈ કરવા વિશે વિચાર થવો જરૂરી હતો. કલમ 396નો ઉપયોગ થાય
ત્યારે શેરધારકને અથવા ક્રેડિટરને શક્ય તેટલા સમાન ગણવા જોઈએ.
મર્જર થતાં પહેલાં 2,800 કરોડ રૂપિયાની પોઝિટિવ
નેટવર્થ ધરાવતી કંપનીની નેટવર્થ મર્જરના પગલે શૂન્ય થઈ જાય અને એવા સમયે એ કંપની
કોઈ પણ નુકસાન ભરપાઈ કરવાની સ્થિતિમાં રહે નહીં.
વળી, એનએસઈએલે ડિફોલ્ટરો વિરુદ્ધ ન્યાયિક
પ્રક્રિયા દ્વારા મેળવેલી ડિક્રી અને આર્બિટ્રેશન ચુકાદાનું શું? મર્જરનો આદેશ એ ન્યાયિક પ્રક્રિયામાં દખલગીરી કરનારો છે. એ ઉપરાંત મુદ્દો
એ પણ છે કે એનએસઈએલમાં ડિફોલ્ટ થયો હતો કે કેમ અને ડિફોલ્ટરોએ નાણાં ચૂકવવાનાં
નીકળે છે કે કેમ તેને લગતી ન્યાયિક પ્રક્રિયા પણ ચાલી રહી છે. મર્જરના આદેશ દ્વારા
એ પ્રક્રિયાનું મૂલ્ય પણ ઉતારી પડાયું છે.
વકીલોએ કરેલી દલીલો મુજબ કલમ 396નો ઉપયોગ કરતાં
પહેલાં જે શરતો સંતોષવાની હોય એ સંતોષાઈ નથી. મર્જરનો આદેશ જરૂરી છે કે કેમ એના
વિશે પણ સરકારે વિચાર કર્યો નથી, એવી દલીલને અદાલતે સ્વીકારી છે. તેણે એ પણ
સ્વીકાર્યું છે કે એક એક્સચેન્જના સભ્યોની જવાબદારીઓને જનહિતનો પ્રશ્ન ગણી શકાય
નહીં.
દેશની સર્વોપરી અદાલતે ખરા અર્થમાં સચોટ ચુકાદો
આપ્યો છે, કારણ કે પોતાના સ્વાર્થ ખાતર ઉંચું વળતર મેળવવા આવેલા ટ્રેડરોના હિતને
સાચવી લેવા માટે સરકારે એફટીઆઇએલના 63,000 શેરધારકોના હિતની ઉપેક્ષા કરી હતી. એ
ટ્રેડરોનાં નાણાંનો સ્રોત પણ શંકાસ્પદ હોવાનું અહેવાલોમાં બહાર આવ્યું છે. એ બાબતે
આવક વેરા ખાતું તપાસ કરી જ રહ્યું છે.
ફોરવર્ડ માર્કેટ્સ કમિશને ગ્રાન્ટ થોર્નટનના જે
ઑડિટના અહેવાલના આધારે મર્જરની ભલામણ કરી હતી એ અહેવાલમાં પણ સ્પષ્ટ કહેવાયું હતું
કે કોઈ પણ આખરી નિર્ણય માટે તેનો ઉપયોગ કરી શકાય નહીં. આટલું સ્પષ્ટ કહેવામાં
આવ્યું હોવા છતાં સરકારે મર્જર જેવા માટે નિર્ણય માટે એ અહેવાલનો આધાર લીધો. આમ,
તેણે વગર વિચાર્યે મર્જરનો આદેશ બહાર પાડ્યો હોવાની વકીલોની દલીલને અદાલતે માન્ય
રાખી છે. સરકારનો આદેશ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરનારો હોવાનું પણ માન્ય રાખીને
અદાલતે આદેશને રદ કરી દીધો છે.
દેશની ટોચની અદાલતે સ્વીકારેલી અનેક વાતો
સામાન્ય જનતાની આંખ ઉઘાડનારી અને સરકારના પગલાનો દોષ ઉઘાડો પાડનારી છે, જેના વિશે
આપણે આગામી કડીમાં વાત કરીશું….
દ્વેષ હંમેશાં નુકસાન કરે છે. આ નુકસાન જ્યારે રાષ્ટ્રીય સ્તરે થાય
ત્યારે બોલ્યા વગર રહેવાય નહીં. હાલમાં ઇન્દોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ
મૅનેજમેન્ટ (IIM Indore)ની જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં આ વાતનું એક ઉદાહરણ આપવામાં આવ્યું
છે.
ઉત્તમ ‘મેક ઇન ઇન્ડિયા સ્ટોરી’ને સ્થાપિત હિતોએ કેવી રીતે નુકસાન પહોંચાડ્યું એ શીર્ષક હેઠળ આ
સંશોધન પ્રકાશિત થયું છે.
આપણા આ બ્લોગમાં જેનો અગાઉ ઉલ્લેખ થઈ ગયો છે એવી નૅશનલ સ્પોટ
એક્સચેન્જ લિમિટેડ (NSEL)ની પૅમેન્ટ કટોકટીને કારણે હંમેશાં ચર્ચામાં રહેતા આંત્રપ્રેન્યોર
જિજ્ઞેશ શાહ આ સંશોધનના કેન્દ્રમાં છે.
IIM Indoreના બિઝનેસ ડેવલપમેન્ટ મૅનેજર ગણપતિ શર્મા કહે છે કે ભારતીય બજારોમાં
ઉદ્યમની ભાવનાને ઉજાગર કરવાનો પ્રયાસ કરનાર જિજ્ઞેશ શાહે રાજકારણીઓ, અમલદારો, તકવાદી
મૂડીવાદીઓ અને હરીફોના ષડ્યંત્રનો ભોગ બનવું પડ્યું, એટલું જ નહીં, તેને કારણે
દેશને મોટું નુકસાન થયું, કારણ કે આંત્રપ્રેન્યોર-ઇનોવેટર શાહે ભારતને પૂર્વના
દેશોનું મેનહટ્ટન બનાવવાની કામના રાખી હતી અને ભારત વધુ ઉંચાઈઓ સર કરે તેની પહેલાં
દીર્ઘદૃષ્ટા જિજ્ઞેશ શાહને નીચે પાડી દેવામાં આવ્યા.
પહેલાં ઓનલાઇન ટ્રેડિંગ માટે વપરાતા સોફ્ટવેરની રચના કરનાર જિજ્ઞેશ
શાહ સ્થાપિત કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ (FTIL, જેનું નવું નામ
મૂન્સ ટેક્નૉલૉજીસ છે) એ વખતે TIBCO, IBM અને TCS જેવી કંપનીઓની સાથે સ્પર્ધા કરી અને
તેમાં સફળતા મેળવી. તેમની કંપનીએ રચેલું ઓડિન નામનું સોફ્ટવેર બજારમાં અગ્રણી બની
ગયું.
નખશિખ ઉદ્યમી – આંત્રપ્રેન્યોર હોવાના નાતે શાહને લાગ્યું કે માત્ર એક
પ્રૉડક્ટની લાઇસન્સ ફી પર નભવું કોઈ કંપનીને પાલવે નહીં. આથી તેમણે ICICI બૅન્ક, NSE અને CRISIL દ્વારા પ્રમોટ
કરાયેલા કોમોડિટી એક્સચેન્જ – NCDEXની સાથે સ્પર્ધા કરનારા એક્સચેન્જ (MCX)ની સ્થાપના કરવા લાઇસન્સ મેળવવા અરજી કરી. એ
લાઇસન્સ પણ મળ્યું.
શાહનો ઉદ્યમ અટક્યો નહીં અને તેમની 10 વર્ષના ગાળામાં ભારત, દુબઈ,
મોરિશિયસ, સિંગાપોર, બોત્સવાનામાં વૈશ્વિક કક્ષાનાં એકંદરે 10 એક્સચેન્જો
સ્થાપ્યાં. આ ઉપરાંત એક્સચેન્જ પરિતંત્રને ઉપયોગી થાય એવાં વેપાર સાહસો પણ
સ્થાપ્યાં, જેમાં નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશન, એટમ ટેક્નૉલૉજીનો સમાવેશ થાય
છે.
આ બધાં સાહસો રચાયાં તેની સાથે સાથે શાહની FTILએ ઊભી કરેલી
સ્પર્ધાનો સામનો કરવામાં મુશ્કેલી અનુભવનારા લોકોને ચિંતા થવા લાગી. આથી, ઉક્ત
સંશોધનમાં કહેવાયા મુજબ કૉર્પોરેટ્સ, મોટા બ્રોકરો અને વગદાર અમલદારોએ શક્તિશાળી
રાજકારણીઓની મદદથી ષડ્યંત્ર રચીને FTILને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું.
તો શું હતું એ ષડ્યંત્ર? પછી શું થયું તેની વાતો આગામી કડીમાં…..
(કટ્ટર સ્પર્ધાના યુગમાં નવોદિત આંત્રપ્રેન્યોરને સાચી પ્રેરણા,
વાસ્તવિકતાની જાણકારી, અન્યાય સામે લડવાની હિંમત મળે એ ઉદ્દેશ્યથી આ વિષયમાં આપણે ઊંડા
ઊતરી રહ્યા છીએ).
ભારતમાં બળાત્કાર અને નાણાકીય કૌભાંડોના કિસ્સાઓ વચ્ચે શું સામ્ય છે? બન્ને પ્રકારના કિસ્સાઓમાં આરોપીઓને સજા થવામાં બહુ વાર લાગે છે અથવા તો પૂરતી સજા થતી નથી. આ જ કારણ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી આ બન્ને પ્રકારના ગુનાઓએ માઝા મૂકી છે.
નાણાકીય ડિફોલ્ટ અત્યારે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી, જેવા લોકો નાણાકીય સમસ્યાઓ સર્જીને દેશની બહાર ચાલ્યા ગયા છે. બીજી બાજુ, નૉન પરફોર્મિંગ ઍસેટ્સની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ (IL&FS) જેવા વિશાળ સમૂહે ડિફોલ્ટ કર્યો હોવાથી ભારતમાં અત્યારે પ્રવાહિતાની વિકરાળ સમસ્યા ઊભી થઈ છે. આ ગ્રુપનું કરજ 91,000 કરોડ રૂપિયા જેટલું તોતિંગ છે.
દેશની અગ્રણી ICICI બૅન્કના કેસમાં પણ પારિવારિક હિત માટે બૅન્કના મોભીએ નબળી કંપનીને લોન આપી અને તેને કારણે નીતિમત્તાનો પ્રશ્ન ખડો થયો. તાજેતરના અહેવાલ મુજબ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (CBI) આ બૅન્કના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને જેમને લોન મળી હતી એ વિડિયોકોન કંપનીના સ્થાપક વેણુગોપાલ ધૂત વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યાં છે, જેથી તેઓ દેશની બહાર જઈ શકે નહીં.
નાણાકીય કૌભાંડોની વાત આવે ત્યારે જેને સૌથી મોટું નાણાકીય કૌભાંડ કહેવાયું હતું એવી એનએસઈએલ (NSEL – નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ની પૅમેન્ટ કટોકટીનો ઉલ્લેખ કર્યા વગર રહેવાય નહીં. જુલાઈ 2013માં સર્જાયેલી આ નાણાકીય કટોકટીના કેસમાં ડિફોલ્ટરોની સામે કોઈ જ કાર્યવાહી નહીં થઈ હોવાનું પરિણામ એ આવ્યું છે કે હવે દેશમાં ડિફોલ્ટર કરવો એ જાણે રમત વાત થઈ ગઈ છે.
હાલમાં પ્રગટ થયેલી વિગતો મુજબ NSELના કિસ્સામાં નાણાં મંત્રાલયની સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે (SFIO) તપાસ પૂરી કરીને આપેલા અહેવાલમાં ડિફોલ્ટરોની બાબતે આશ્ચર્યજનક વિગતો જણાવવામાં આવી છે. ડિફોલ્ટરો કઈ રીતે કાયદાને ગણકારતા નથી એનું જ્વલંત ઉદાહરણ NSELનો કિસ્સો છે.
SFIOના અહેવાલ અનુસાર આ કેસમાં 22 ડિફોલ્ટરો છે, પરંતુ બધાએ તપાસનીશ સત્તાને પોતાનાં અકાઉન્ટ્સ અને વાઉચર્સ બતાવ્યાં નથી. તેમની લાયેબિલિટી 5,600 કરોડ રૂપિયાની હોવાનું પણ તપાસનીશ સત્તાને જોવા મળ્યું છે. NSELમાં ટ્રેડિંગ કરી ચૂકેલા ટ્રેડિંગ ક્લાયન્ટ્સનાં બધાં નાણાં આ 22 ડિફોલ્ટરો પાસે છે અને તેમણે તેનો ઉપયોગ પોતાની બૅન્ક લોન ચૂકવવા, વર્કિંગ કૅપિટલ માટે, જૂના બિઝનેસની ખોટ સરભર કરવા, રિયલ એસ્ટેટ તથા લક્ઝરી કાર ખરીદવામાં વાપર્યાં હતાં. પાંચ વર્ષથી થઈ રહેલી તપાસમાં ચોખ્ખેચોખ્ખું જોવા મળ્યું છે કે ડિફોલ્ટરોએ NSELના ટ્રેડિંગ ક્લાયન્ટ્સનાં નાણાં પોતાની કંપનીઓ તથા સંબંધિત વ્યક્તિઓ સુધી ડાઇવર્ટ કર્યાં હતાં.
NSELની કટોકટી જાહેર થયા બાદ તરત જ તત્કાલીન નિયમનકાર ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (FMC) સમક્ષ ડિફોલ્ટરોએ કબૂલ કર્યું હતું કે તેમણે 5,600 કરોડ રૂપિયા ચૂકવવાનાં નીકળે છે. આ નાણાં તેઓ કેવી રીતે પાછાં વાળશે એનો પ્લાન પણ તેમણે FMCને સુપરત કર્યો હતો.
આટલું દીવા જેવું સ્પષ્ટ હતું, છતાં આજે પાંચ વર્ષ બાદ શું ચિત્ર છે? ડિફોલ્ટરો હજી સુધી કાયદાથી પર રહ્યા છે. આ દેશના કાયદા જાણે તેમના માટે બન્યા જ નથી એવું દેખાઈ રહ્યું છે.
ડિફોલ્ટરોએ છેતરપિંડી અને દગાખોરી કરી હતી, હિસાબના ચોપડામાં ગરબડ કરી હતી, અનેક ઠેકાણે હિસાબ બરોબર રાખ્યો ન હતો તથા કંપનીઝ ઍક્ટની કલમો હેઠળ અનેક ચૂક કરી હતી. આથી તેમની વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને કંપનીઝ ઍક્ટની અનેક કલમો હેઠળ ખટલો ચલાવવો જોઈએ, એવું SFIOના અહેવાલમાં કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત 17 ડિફોલ્ટિંગ કંપનીઓ બંધ કરાવવાની, તેમની વિરુદ્ધ આવક વેરા ધારો, કાળાં નાણાંવિરોધી કાયદો અને બેનામી પ્રોપર્ટીવિરોધી કાયદા હેઠળ કામ ચલાવવું જોઈએ એવી ભલામણ પણ કરવામાં આવી છે.
ડિફોલ્ટરોએ પોતાની લાયેબિલિટી સ્વીકારી લીધી હોવા છતાં આટલાં વર્ષો બાદ હજી પણ તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી માટેની ભલામણ જ થઈ રહી છે એ બાબત દેશવાસીઓ માટે આઘાતજનક નહીં તો બીજું શું છે?