ભારતમાં ‘હરિતક્રાંતિ’ અને ‘શ્વેતક્રાંતિ’ કરતાં પણ મોટી ‘ડિજિટલ કૃષિ ક્રાંતિ’નું સર્જન શક્ય છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ઈલેક્ટ્રોનિક નૅશનલ એગ્રિકલ્ચર માર્કેટના મોડેલમાં આવશ્યક સુધારા-વધારા સાથેનું ડિજિટલ માળખું રચવાની સંભાવના

હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવાની હાકલ કરીને 20 લાખ કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કર્યું છે. કોરોના વાઇરસના રોગચાળાને કારણે એક બાજુ આરોગ્યનો પ્રશ્ન ઊભો થયો છે અને બીજી બાજુ વૈશ્વિક સ્તરે આર્થિક મંદી દિવસે ને દિવસે ઘેરી બની રહી છે. ભારત પણ તેની પ્રતિકૂળ અસરથી મુક્ત રહી શકે એમ નથી, પરંતુ દેશને આત્મનિર્ભર બનાવવાથી એ અસરને ઘણી ઓછી કરી શકાય છે.

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને સતત પાંચ દિવસ સુધી કરેલી જાહેરાતો મુજબ દેશના તમામ સામાજિક વર્ગો માટે તથા ઉદ્યોગ-ધંધાનાં તમામ ક્ષેત્રો માટે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. અત્યારે દેશમાં બેરોજગારીનો પણ ભય સર્જાયો છે. આવા સમયે ભારત કઈ રીતે કૃષિ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ દ્વારા નવસર્જન કરી શકે છે અને 10 કરોડ નવા રોજગારોનું સર્જન શક્ય છે તેના વિશે દેશના ખ્યાતનામ આન્ત્રપ્રેન્યોર જિજ્ઞેશ શાહે કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો 24મી મેના સન્ડે ગાર્ડિયનમાં કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પના મુજબની ઈલેક્ટ્રોનિક નૅશનલ એગ્રિકલ્ચર માર્કેટમાં સુધારા દ્વારા એ શક્ય હોવાનું તેમણે કહ્યું છે. ચાલો, જોઈએ તેઓ શું કહેવા માગે છે.

લેખકઃ જિજ્ઞેશ શાહ, ઇનોવેટર અને ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા ગ્રુપ (હાલ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ)ના સ્થાપક

ઈતિહાસમાંથી છેલ્લાં 400 વર્ષોને બાદ કરીએ તો જોઈ શકાય છે કે એક સમયે ભારત અને ચીન વૈશ્વિક વેપારમાં 50 ટકા અને વિશ્વની કુલ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં 33 ટકા હિસ્સો ધરાવતા હતા. આજે દુનિયા ચીનથી વિમુખ જવા માગે છે એવા સમયે આપણે અમેરિકાના સહયોગ વડે વૈશ્વિક વેપારમાં વધુ મોટો હિસ્સો પ્રાપ્ત કરી શકીએ છીએ. અમેરિકાને આજે ચીનનો વિકલ્પ બની શકે એવા સહયોગીઓની આવશ્યકતા છે.

આ કામ ભારતમાં કૃષિ ક્ષેત્રે નવા મોડેલનો ઉપયોગ કરીને થઈ શકે છે. આ મોડેલ દ્વારા 10 કરોડ વધુ રોજગારનું સર્જન કરી શકે છે. આ મોડેલ એટલે ‘1 ભારત-1 એપીએમસી’ ગ્રિડ, જે કૃષિ ક્ષેત્રે અને કોમોડિટીઝના વેપાર-વાણિજ્યમાં ભારતનું એમેઝોન, અલીબાબા અને ગૂગલ બની શકે છે.

નોંધનીય છે કે ભારતમાં 1991માં સર્વિસ ઉદ્યોગ વિકસવા લાગ્યો તેની પહેલાં આપણું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિલક્ષી હતું. આજે પણ કૃષિ પરની નિર્ભરતા ઘણા મોટા પ્રમાણમાં છે. દેશની જીડીપીમાં તેનો હિસ્સો આશરે 20 ટકા છે અને દેશની વસતિનો લગભગ 60 ટકા હિસ્સો તેની સાથે સંકળાયેલો છે. જો આ ક્ષેત્રે સમૃદ્ધિ વધે તો ઘણું મોટું સકારાત્મક પરિવર્તન આવી શકે છે.

મને લાગે છે કે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ જ ધ્યેય છે. અહીં જણાવવું રહ્યું કે સોફ્ટવેરનો વિકાસ ગણ્યાંગાંઠ્યાં શહેરો સુધી સીમિત છે, જ્યારે કૃષિમાં એવું નથી. ખેતરોમાં ઉગતા પાકને વેપાર, સંગ્રહ, વગેરે જેવી સુવિધાઓ મળે ત્યારે તેની મૂલ્યશ્રૃંખલા સર્જાય છે, જેનાથી નવા રોજગારોનું સર્જન થાય છે. આ સંભાવના બીજી કોઈ પણ પદ્ધતિ કરતાં વધુ સક્ષમ છે.

વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારતના કૃષિ ક્ષેત્રે ઓછામાં ઓછા 10 કરોડ અતિરિક્ત રોજગારનું સર્જન શક્ય છે. આજે આશરે પાંચ કરોડ લોકો એપીએમસી માર્કેટની ઈકોસિસ્ટમમાં રોજગારી ધરાવે છે. આના પરથી દેશના કૃષિ બજારની પ્રચંડ શક્તિનો પરિચય મળે છે.

સમગ્ર દેશને આવરી લેનારું કૃષિ ઉત્પાદન માર્કેટિંગનું માળખું અમલમાં મૂકવામાં આવે તો ‘1 ભારત-1 માર્કેટ’નું સ્વપ્ન ઘણું જ જલદી સાકાર થઈ શકે છે. આ માળખું ડિજિટલ ટેક્નૉલૉજી પર આધારિત બનાવી શકાય છે. તેને પગલે આવનારું પરિવર્તન એમ.એસ. સ્વામિનાથનની ‘હરિતક્રાંતિ’ અને અમૂલના સ્થાપક વી. કુરિયનની ‘શ્વેતક્રાંતિ’ કરતાં પણ મોટી ‘ડિજિટલ કૃષિ ક્રાંતિ’નું સર્જન શક્ય છે.  

વડા પ્રધાને e-Nam (ઈલેક્ટ્રોનિક નૅશનલ એગ્રિકલ્ચર માર્કેટ) પ્રૉજેક્ટની પરિકલ્પના ઘડી છે. એ જ ધ્યેયને જ આગળ વધારીને સમગ્ર ભારતને લાભ કરાવનારું માળખું તૈયાર કરી શકાય છે. તેનો અમલ આ બે મુખ્ય ઉદ્દેશ્યો સાથે કરી શકાય છેઃ

1) યોગ્ય કૃષિ નીતિનો અમલ કરવો અને એમપીએમસી ઍક્ટમાં ફેરફાર કરીને કૃષિ ક્ષેત્રે સુધારા લાવવા.

2) 10 કરોડ અતિરિક્ત રોજગારનું સર્જન કરવું.

સરકારની તિજોરી પર કોઈ પણ બોજ નાખ્યા વગર અને એક પણ પૈસાની રોકડ સબસિડી વગર આ કાર્ય થઈ શકે છે.

ભારત માટે આ પ્રકારનું કાર્ય નવું નહીં હોય, કારણ કે ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજી ગ્રુપ (એફટી ગ્રુપ) મારફતે કોમોડિટી અને ઈલેક્ટ્રિક ક્ષેત્રે આવું આમૂલ પરિવર્તન આવેલું જોવા મળ્યું છે.

e-Nam મોડેલમાં નવાં પ્રાણ પૂરીને તેમાં ‘હબ ઍન્ડ સ્પોક’ (એક કેન્દ્ર સાથે સંકળાયેલા વિવિધ પ્રાદેશિક મથકો) માળખું રચવું એવું સૂચન છે. હાલની એપીએમસીની જે પ્રાદેશિક સંરચના છે તેને દૂર કર્યા વગર ટેક્નૉલૉજીની મદદથી રાષ્ટ્રીય કૃષિ ગ્રિડનું નિર્માણ શક્ય છે.

આ ગ્રિડ ભારતનું અનોખું સર્જન હશે. તેની મદદથી ભારતને હોંગકોંગ, સિંગાપોર અને દુબઈને ભેગાં કરીએ તેનાથી પણ મોટું પૂર્વનું વેપારી કેન્દ્ર બનાવી શકાશે.

ભારત માટે આવી સંરચના નવી નહીં હોય, કારણ કે ગત 20 વર્ષોમાં એવી પાંચ યુનિકોર્ન (એક અબજ ડૉલર કરતાં વધુ મૂલ્ય ધરાવતું સ્ટાર્ટ અપ) કંપનીઓમાં તેનો સફળતાપૂર્વક અમલ થઈ ચૂક્યો છે અને તેનાથી સામાજિક ધોરણે ઘણી મોટી સકારાત્મક અસર જોવા મળી ચૂકી છે.

ઇન્ડિયન એનર્જી એક્સચેન્જે (આઇઈએક્સ) વીજળી ક્ષેત્રે નૅશનલ ઈલેક્ટ્રિસિટી ગ્રિડની રચના કરી હતી. આ એક્સચેન્જે સમગ્ર દેશ માટે વીજળીનું એક સર્વસામાન્ય બજાર ઊભું કર્યું હતું. વીજળીના તમામ સોદાઓ માટે ટ્રેડર્સ, ક્લીયરિંગ એન્ટિટીઝ અને બૅન્કોનું તંત્ર ખડું થયું હતું. એ માર્કેટમાં વીજ ઉત્પાદક કંપનીઓ, વીજ વિતરણ કંપનીઓ, લૉડ ડિસ્પેચ સેન્ટર્સ, પાવર ટ્રેડિંગ કંપીઓ તથા પાવર ગ્રિડ એ બધાનું એક પરિતંત્ર રચવામાં આવ્યું હતું. આજે એ માર્કેટ દસ વર્ષ કરતાં વધુ સમયથી સફળતાપૂર્વક ચાલી રહી છે.

ઇન્ડિયન એનર્જી એક્સચેન્જની સ્થાપના થતાં પહેલાં બધાં રાજ્યોની એકબીજાથી અલિપ્ત વ્યવસ્થા હતી. વધારાની વીજળી ધરાવતા વેચાણકર્તા રાજ્ય અને વીજળીની ઘટ ધરાવતા ખરીદદાર રાજ્ય વચ્ચે દ્વિપક્ષી કરારો થતા. આખા દેશને આવરી લેનારી કોઈ વ્યવસ્થા ન હતી. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જે રાજ્યોની પોતપોતાની માર્કેટની સાથે સહ-અસ્તિત્વ ધરાવનારી રાષ્ટ્રીય સ્તરની કેન્દ્રીય માર્કેટની રચના કરી.

ભારતની બીજી ઔદ્યોગિક ક્રાંતિ તરીકે જેની નોંધ લેવાઈ એ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ આજે દેશનું પ્રથમ ક્રમાંકિત પાવર એક્સચેન્જ છે. ખરી રીતે તો આ એક્સચેન્જને સમગ્ર વિશ્વ માટે વીજળીનું ટ્રેડિંગ કરવા માટેનું માધ્યમ બનાવવાનું મૂળ ધ્યેય હતું, પરંતુ તત્કાલીન કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમે વાંધાજનક રીતરસમ અપનાવીને એફટી ગ્રુપને ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી બહાર કઢાવી દીધું. તેને પરિણામે આ એક્સચેન્જને વૈશ્વિક સ્તરનું બનાવી શકાયું નહીં.

એફટી ગ્રુપને કાઢી નખાયા બાદ આ એક્સચેન્જ આજે સાર્કના દેશો સુધી પણ પહોંચી શક્યું નથી તથા તેમાં એકપણ વધારાની નવી સફળ પ્રૉડક્ટ ઉમેરવામાં આવી નથી. ભારતને પહેલાં વિશ્વની વીજળી ગ્રિડ અને ત્યાર બાદ વિશ્વની ઊર્જા ગ્રિડ બનાવવાની અમૂલ્ય તક વેડફાઈ ગઈ. ભારત ઊર્જાની એસેટનું ટ્રેડિંગ રૂપિયામાં થાય એવી ગોઠવણ કરી શક્યું હોત અને તેના દ્વારા આપણા ચલણને અગ્રણી આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ કરન્સી બનાવી શકાયું હોત.

જો અમે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં રહ્યા હોત તો દેશની સર્વપ્રથમ ઈલેક્ટ્રોનિક વીજ માર્કેટને દક્ષિણ એશિયા અને સાર્કના દેશો સુધી વિસ્તારી શકાઈ હોત, પરંતુ વિચિત્રતા એ છે કે પી. ચિદમ્બરમ તથા તેમને સાથ આપનારા કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેકે એમ થવા દીધું નહીં.

અમારી પાસે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી હિસ્સો પરાણે વેચાવી દેવાયો. તેનું પરિણામ એ આવ્યું કે આ ઇનોવેટિવ વીજ ગ્રિડમાં પછીથી કોઈ નવી પ્રૉડક્ટ આવી નથી. મૂળ ધ્યેય સુધી પહોંચી શકાયું ન હોવા છતાં આજે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ વીજ ક્ષેત્રે ‘1 ભારત-1 માર્કેટ’ ધરાવે છે.

આ જ રીતે એમસીએક્સમાં ટ્રેડરો, વેરહાઉસ, એસેયર્સ, લૉજિસ્ટિક સર્વિસ પ્રોવાઇડર્સ, સ્પોટ માર્કેટ લિંકેજ, વગેરે સાથેનું રાષ્ટ્રીય સ્તરનું પરિતંત્ર રચવામાં આવ્યું હતું.

દેશના કોમોડિટી ક્ષેત્રે એફટી ગ્રુપે કરેલા નવસર્જન – એમસીએક્સ અને પ્રસ્તાવિત નૅશનલ એગ્રિકલ્ચર ગ્રિડ વિશેની વધુ વાતો આપણે ગ્રુપના સ્થાપકના શબ્દોમાં આવતી કડીમાં જાણીશું.

———————————————-

પ્રકૃતિ કંઈક કહેવા માગે છે સમગ્ર માનવ જાતને

તસવીર સૌજન્યઃ fee.org

કોરોના વાઇરસને લીધે ફેલાયેલા વૈશ્વિક રોગચાળામાંથી લેવાના પાઠ વિશે હવે વાતો થવા લાગી છે. સમગ્ર વિશ્વમાં લોકોને ડરાવી મૂકનારી આ બીમારી વિશે સૂક્ષ્મ નિરીક્ષણ કરતી વખતે અનેક મુદ્દાઓ સામે આવવા લાગ્યા છે. તેમાંનો એક મુદ્દો કુદરત પ્રત્યેની મનુષ્યની વિમુખતાનો છે. આ વિષયે થયેલું મનોમંથન વિચારક્રાંતિના અતિથિ બ્લોગર દિનેશ ગાઠાણી વ્યક્ત કરી રહ્યા છે, જે વાંચકોને ગમશે એવો વિશ્વાસ છે. આપના પ્રતિભાવ પણ ઈમેલઃ vicharkranti2019@gmail.com પર આવકાર્ય છે.

પ્રકૃતિ, કુદરત, પૂરી કાયનાત કંઈક કહેવા માગે છે આ સમગ્ર માનવ જાતને. આપણે લગભગ ૮૦૦ કરોડ છીએ. આ પૃથ્વી ઉપર અને લગભગ ૧૯૫ દેશ નામે ટુકડામાં વહેંચાયેલા છીએ. બધાને બરાબર સંભળાય એટલે અવાજ જરા ઊંચો છે; અને આમ પણ પરમાત્માની સંદેશો આપવાની રીત અનોખી જ હોવાની. ‘નીંદ જીતની ગહરી ચોટ ઉતની હી  ભારી.’

કુદરતની વાત ઇશારામાં ન સમજાય તો માંડીને જ કરવી પડે.

૮૪ લાખ પ્રકારની જીવ-યોનિ છે આ સૃષ્ટિમાં. પૃથ્વી કાય, અગ્નિ કાય, વાયુ કાય, અપ્પ કાય અને વનસ્પતિ કાય.

એક ઇન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના તમામ જીવોનો હિસ્સો પ્રકૃતિએ સુવ્યવસ્થિત રીતે ગોઠવી આપ્યો છે. એક સુંદર મજાની સાંકળમાં સરસ સુનિયોજિત રીતે બધું પરોવાયેલું છે. કેટલા ભાગ પાણીના, કેટલા વનસ્પતિના, કેટલા પ્રાણીના, પક્ષીના, જંતુના, કેટલા હવાના, અગ્નિના. કોણે કોનું કેટલું, કેવી રીતે ક્યારે શું ધ્યાન રાખવાનું એનો માસ્ટર પ્લાન બનેલો જ છે. બધાં કાર્ય વહેંચાયેલાં જ છે. સમજો સૃષ્ટિના સર્વરમાં સોફ્ટવેર ૨૪x૭x૩૬૫ અવિરત ચાલુ જ છે, જેને આપણે વૈશ્વિક લય કહીએ છીએ. આ અદભુત લયને જાણતાં-અજાણતાં કોઈ ખોરવવાની કોશિશ કરે અને સર્વર હેંગ થાય તો કુદરત સમારકામ કરવા આવે જ. શક્ય છે કે ‘રુકાવટ કે લિયે ખેદ હૈ’ એવું કહ્યા વગર પોતાનું કામ ચાલુ કરી દે.

માણસ પંચેન્દ્રિયમાં આવે છે. એની પાસે મન, બુદ્ધિ અને વિચારશક્તિ છે એટલે છેલ્લાં કેટલાંક સેંકડાઓથી એ એવા ભ્રમમાં જીવે છે કે આ સૃષ્ટિમાં પોતે સર્વોપરી છે અને કુદરતે એને વિશેષ દરજ્જો આપ્યો છે.

જો એ આવું સમજતો હોય તો એ ખાંડ ખાય છે.

માણસે યાદ રાખવું જોઈએ કે કીડી જેવા નાનામાં નાના જંતુનો પણ આ સૃષ્ટિમાં ભાગ છે. રાત-દિવસ જાણતાં-અજાણતાં માણસનો પંજો એના પર પડે ત્યારે કીડીની રક્ષા માટે આપણા પગમાં  કેટકેટલી સુરક્ષા બારીઓ રાખી છે, જ્યાં તે શરણ લઇ શકે છે. એડી અને પંજા વચ્ચેનું પોલાણ, પાંચે આંગળીઓની વચ્ચેની ખાલી જગ્યા અને જો મોજાં કે પગરખાં પહેર્યાં હોય તો દૂરથી એનો અવાજ સાંભળવાની ક્ષમતા અને અદભુત દિશા-જ્ઞાન સાથે ઊંધા પગે ચાલવાની શક્તિથી એ પોતાનો જીવ બચાવી શકે છે.

કુદરતની વ્યવસ્થા અદ્વિતીય છે પછી એ કીડી હોય, પક્ષી હોય, પશુ હોય કે વનસ્પતિ હોય. આખે આખું આયોજન જ એવું છે કે કોઈએ કોઈના માર્ગમાં આવવાનું જ નથી, નડવાનું જ નથી. બધા જ પોતપોતાની મસ્તીમાં પ્રકૃતિ સાથે તાલ મિલાવી શકે છે.

જ્યાં, જેમ, જેવું, જે પ્રમાણે છે તે યથાર્થ છે. હવા વૃક્ષ સાથે વાત કરે તો તે હરખાય છે. પાણી વૃક્ષને પ્રેમમાં ભીંજવે તો એ ખીલી ઉઠે છે. કોઈ પંખી એની ડાળ પર મસ્તીથી ઝૂલે છે, કોઈ એનું ઘર બનાવે છે. કોઈ પ્રાણી એની ક્ષુધા મિટાવવા આવે તો વૃક્ષ એનાં પર્ણ અને ડાળીઓનું દાન આપી દે છે.

એક માણસ જ છે, જે છાયંડા અને વિસામાના બદલામાં એના થડ પર પ્રહાર કરે છે અને વૃક્ષ મૂળમાંથી ધરાશાયી થાય છે. આવા વખતે સૃષ્ટિને હક છે શોક મનાવવાનો અને સબક શીખવવાનો.

એક માણસ જ છે, જેને જંપ નથી. જ્યાં છે ત્યાં બધાની સાથે ભાગ પડાવવો છે. ‘યે દિલ માંગે મોર…’ અટકતું નથી. ત્યાં જ વાંધો છે. જમીન પર સમાતો નથી, તો આકાશમાં ઊડાઊડ કરે છે. હવાફેરના બહાને પંખીના આકાશમાં આડો આવે છે. ત્યાં જ વાંધો છે.  જ્યાં અતિરેક છે ત્યાં સમસ્યા છે. દુનિયાનાં માત્ર પાંચ મોટાં એરપોર્ટ ગણી લો. રોજના ૩૦ કરોડ લોકો અવરજવર કરે છે. પક્ષીઓ ક્યારેય આટલી મોટી સંખ્યામાં તમારે આડે આવ્યાં? અને આજે એ નથી ઉડતાં તોય આપણે કહીયે છીએ એરપોર્ટ પર કાગડા ઉડે છે.

માણસ છાશવારે જૂઠું બોલતો થઇ ગયો છે.

ગ્લોબલઈઝાશનના નામે કેટલાં બધાં ધતિંગ ચાલે છે! ફરી એક વાર આ અતિરેક દાટ વાળે છે. તમે જ્યાં છો ત્યાં જે પ્રાપ્ય છે એ તમારા જીવનનિર્વાહ માટે પૂરતું છે અને ના હોય તો માણસ સક્ષમ છે એની વ્યવસ્થા કરી લેવા માટે. પણ… યે દિલ માંગે મોર….

આપણે ૮૦૦ કરોડ છીએ આ પૃથ્વી પર. બધાએ લૂંટી લેવું છે, માત્ર એક બીજા પાસેથી જ નહીં, ૮૪ લાખ પ્રકારના જીવો પાસેથી પણ!

કેટલું જોઈએ છે અને ક્યાં અટકવું એ ખબર નથી. બસ, બીજા કરતાં વધુ જોઈએ છે. શું કામ? તો કહે, એ પછી વાત, હમણાં સમય નથી. રેસ લાગી છે. ક્યાં પહોંચવાની?  તો કહે ખબર નથી. ઉભા તો રહો. તો કહે સમય ક્યાં છે? અને હવે ઘરે બેસવાનું છે, તો બહાર ભમવું છે.

તું ભટકી ગયો છે. ભાઈ, પાછો ઘરે આવી જા, તને કોઈ કંઈ નહીં કહે.      

આ આખી સૃષ્ટિ તને દિન-રાત અવિરત અઢળક આપવા જ બેઠી છે. તારી સાત પેઢીને ચાલે એનાથી પણ કંઈ કેટલું વધારે એની પાસે છે. આ ધરતી, આકાશ, સૂરજ, ચંદ્ર, તારા, પહાડ, વૃક્ષો, ઝરણાં, નદી, પવન, વરસાદ  અને આવું તો કૈંક અવનવું. તારે તો માત્ર એક ઘઉંનો દાણો ધરતી પર વેરવાનો છે; અને જો કમાલ! તારું સુપર કમ્પ્યુટર ગણતરી કરતાં કરતાં હેંગ થઈ જાય એટલા અઢળક દાણા તૈયાર કરી આપવા એ અધીરો છે. તું થોડી તો ધીરજ ધર, માનવ. તને એણે સમજીને મુઠ્ઠી આપી છે, પણ તારે બથ ભરી લેવી છે.

આ બધું તારું જ છે, છતાં તે અતિરેક કર્યો તેથી તને બધાથી એક મીટરના અંતરે ઉભો રાખી દીધો. હવે તો સમજ. બધું જ સામે હશે ને તું કઈ નહીં કરી શકે, રૂપિયા ખિસાં ને તિજોરીમાં રહી જશે. સામાન બજારમાં પડ્યો રહેશે. આ તો ઠીક, તે જો તારા હકનું નથી એ વસ્તુને હાથ પણ લગાડ્યો, તો તારા પોતાની સાથે તું હાથ નહીં મિલાવી શકે.

તારી ભૂલો માટે તને કોઈ કંઈ નહીં કહે. તું ખુદ સમજદાર છે. સમજીને ઘરે પાછો આવી ચુપચાપ બેસી જા.

————————————————————–

મોતના ડર સામે સમગ્ર વિશ્વનો ફફડાટ! કુદરતની એક થપ્પડ પણ કેવી ભારે હોય છે!

  • જયેશ ચિતલિયા

મૃત્યુ આવી રહ્યું છે એવા સમાચારથી પણ માણસો અડધા મરી જાય છે! કોરોના વાઈરસ તો એક નામ છે, મોતનો ભય કેવો હોય છે તેનાં ઢગલાબંધ ઉદાહરણ આપણને હાલ વિશ્વભરમાં જોવા મળી રહ્યાં છે. જેઓ કુદરત સાથે બૂરી રમત રમે છે, પ્રકૃતિને પરેશાન કરે છે, બીજા જીવોને મારી નાખતાં ખચકાતા નથી તેઓ પોતાના મૃત્યુની  છાયા અને કલ્પનાથી પણ કેવા ગભરાઈ જાય છે! જાગો, હવે તો જાગો…

જગતભરમાં હાલ કોરોના વાઈરસનો ભય ફેલાયેલો છે. વાઈરસનું નામ કંઈ પણ હોય, આખરે ભય તો મૃત્યુનો છે. માણસોના માથે આવા રોગની અને તેનાથી થઈ શકે એવા મોતની છાયા ફરતી હોય તો માણસોની માનસિક દશા કેવી થાય છે તેના દાખલા હાલ જોવા-સાંભળવા મળી રહ્યા છે.

આવું કંઈ પહેલીવાર નથી થયું. વિવિધ કુદરતી આફતો, અકસ્માતો, દુર્ઘટનાઓ, રોગચાળા, વગેરે વખતે આવા ભયનું સામ્રાજ્ય છવાઈ જતું હોય છે. હાલ સમગ્ર જગત કોરોના વાઈરસના ભયના ઓઠા હેઠળ છે અને બચવાના બધાં જ સંભવ પગલાં લઈ રહ્યું છે. ઘેર-ઘેર કોરોનાની ચર્ચા છે. એવો માહોલ રચાઈ ગયો છે કે માણસ માણસ સાથે હાથ મિલાવતાં પણ ડરે છે. ગળે મળતાં પણ ગભરાય છે, ખુલ્લા મુખે સામે જોવામાં પણ તેણે વિચાર કરવો પડે છે. આમ તો હાલ કોરોના વાઈરસનો ભય ફેલાયો છે, કિંતુ આપણે કોરોનાની પાછળ રહેલા મૃત્યુના ભયની વાત કરવી-સમજવી છે, જે જીવનના મહત્ત્વને સમજવા માટે ઉપયોગી છે.

મોતનાં દર્દ અને લાગણી

આમ તો ‘મૃત્યુ’ એક શબ્દ તરીકે આપણા જીવનમાં સતત છવાયેલો રહે છે, આપણે મૃત્યુ વિશે રોજ અખબારોમાં એક યા બીજા પ્રસંગ-ઘટના વાંચતા-સાંભળતા હોઈએ છીએ. કંપારી છૂટી જાય એવા, તો ક્યારેક કરુણા વહાવી દે એવાં મોત જોવા-વાંચવા-સાંભળવા મળે ત્યારે  થોડીવાર માટે તો આપણી ભીતર પણ એક કંપ થઈ જતો હોય છે. ક્યારેક આપણાં સગાં-સંબંધી, પાડોશી, મિત્રો અને સ્વજનો-પ્રિયજનોના મૃત્યુને આપણે સાવ જ નજીકથી જોઈએ છીએ, તેના આઘાત પણ અનુભવીએ છીએ. સામાન્ય રીતે આપણા માટે બીજાનું મોત ચર્ચાનો વિષય બનીને રહી જાય છે. થોડા દિવસ બાદ આપણે એ ભૂલી જઈએ છીએ, અથવા ભૂલી જવું પડે છે. આમ પણ મૃત્યુ સામે કોઈનું ચાલી પણ શું શકે? કોઈનું પણ મૃત્યુ હોય, આખરે ક્યાં સુધી કોઈ રડીને કે ઉદાસ થઈને જીવી શકે! કેટલું પણ સ્વજન કે પ્રિયજન હોય, તેને ગુમાવ્યા બાદ માણસે પોતાની રૂટિન લાઈફમાં પરત આવી જ જવું પડે છે. અલબત્ત, તેની ભીતર સર્જાયેલો ખાલીપો એ પોતે જ જાણતો હોય છે, દુનિયા તેને સમજી ન શકે. આ ખાલીપો દરેકનો જુદો હોઈ શકે. માતા-પિતાનો, ભાઈ-બહેનોનો, પત્નીનો, સંતાનોનો, મિત્રોનો, દરેકનો આગવો હોઈ શકે.

જીવન વિશે કહેવાય છે કે જીવન એ રહસ્ય છે અને સતત અનિશ્ચિતતાઓથી સભર હોય છે. જીવનમાં જો કોઈ નિશ્ચિત હોય તો એ છે મૃત્યુ. કોઈપણ માનવી જન્મે કે તરત જ તેની મૃત્યુ તરફની યાત્રા શરૂ થઈ જાય છે.

મોતને જીવનની જેમ સમજવું જોઈએ

તાજેતરમાં એક સમાચાર એવા વાંચ્યા હતા કે અમુક શહેરોમાં ‘મોત પે ચર્ચાની બેઠકનું આયોજન થાય છે. અમુક લોકો સમયાંતરે એકઠા થઈ મોત અંગે ચર્ચા કરે છે. અહીં માત્ર ફિલોસોફીની વાતો નથી થતી, બલ્કે આ ચર્ચામાં ભાગ લેનારના જીવનમાં આસપાસ કે પ્રિયજન-સ્વજનના થયેલા મૃત્યુની અને તેના અનુભવની  વાતો થાય છે. જિજ્ઞાસાપૂર્વક આ ચર્ચા કરતી વખતે તેમનો આશય મૃત્યુ વિશેના  ભયને દૂર યા ઓછો કરવાનો, તેને સમજવાનો હોય છે.

આપણે જીવન વિશે કેટલી બધી વાતો અને ચર્ચા કરીએ છીએ, તો મોત અંગે શા માટે નહીં? વાત વિચારવા જેવી ખરી!

સ્મશાનકબ્રસ્તાન કયાં હોવા જોઈએ?

એક સંત તેમના શિષ્યોને કાયમ કહેતા કે તમારે અમુક દિવસ તો સ્મશાન યા કબ્રસ્તાનમાં રહેવું જોઈએ, કારણ કે મોતનો ભય દૂર કરવા માટે આ અનુભવ આવશ્યક છે. માણસ આ ભયમાંથી મુક્તિ મેળવી લે એ પછી તે ખરા અર્થમાં સ્વતંત્ર અને હિંમતવાન બની શકે છે. ઓશો રજનીશ તો ત્યાં સુધી કહેતા કે સ્મશાન યા કબ્રસ્તાન લોકવસ્તીની વચ્ચે જ બંધાવું જોઈએ. લોકો ત્યાંથી રોજેરોજ પસાર થતા હોવા જોઈએ. હકીકતમાં આપણે સ્મશાન ઘરોથી દૂર-દૂર બાંધતા હોઈએ છીએ. એ તરફ જવાનું યા જોવાનું પણ બને ત્યાં સુધી ટાળીએ છીએ.

મોતનો હાઉ કેવો હોય છે?

આપણે ઘણીવાર કોઈ મરણ આપણી નજર સામે ઘટે તોય ગભરાઈ જઈએ છીએ, કેમ કે બીજાના મોતને જોયા બાદ તરત આપણા મનમાં મોતની કલ્પના આવી જાય છે. તેથી જ ઘણા લોકો લાશ પાસે વધુ સમય બેસતાં કે તેની વધુ નજીક જતાં પણ ડરે છે. જે શરીરમાં હવે જીવ નથી એ શરીર ઘરમાંથી લઈ જવાની પણ ઉતાવળ થતી હોય છે. ઈન શોર્ટ, મોત એટલે એવો ભયાનક ડર કે જેના વિશે સાંભળીને યા વાંચીને પણ માણસો ચિંતામાં મુકાઈ જાય છે.

માણસની પોતાની વાત આવે છે ત્યારે…

કોરોના યા અન્ય કોઈપણ કારણસર મોતથી ડરતા લોકો જ્યારે બીજા માણસોને યા પ્રાણીઓને પોતે મારી નાખે છે ત્યારે તેમને કોઈ સંવેદના થતી નથી. પોતાનું મોત સામે દેખાય કે તેનો ભય પણ આવી જાય, તો તેમની હાલત કફોડી થઈ જાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ દરેકને પોતાના ભગવાન યાદ આવી જાય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે જગતના તમામ દેશો કેવા ગભરાયા છે. માણસોની હેરફેર અટકાવી દીધી, એકેક માણસની ચકાસણી થઈ રહી છે. સૂચના અને માહિતીના ભંડાર ફરવા લાગ્યા છે. આ જ માણસોને રોડ અકસ્માતમાં રોજના લાખો લોકો મરી જાય છે તેનો વિચાર નથી આવતો, કેન્સર, ટીબી, ડાયાબિટીઝ, હાર્ટ ઍટેક, કિડનીની સમસ્યા, એઈડ્સ, વગેરે રોગોથી મરી જનારા પણ રોજના લાખો છે. કોરોનામાં તો હજી સમગ્ર વિશ્વમાં અમુક લાખને અસર થઈ છે અને અમુક હજાર માણસો મરણને શરણ થયા છે ત્યાં તો આખા વિશ્વની જાણે બોલતી બંધ થઈ ગઈ છે. માથે મોત ભમતું દેખાય તો માનવ કેટલો વામણો થવા લાગે છે તેના અનેક પુરાવા હાલ નજર સામે જોવા-વાંચવા-સાંભળવા મળે છે.

બીજા જીવો પ્રત્યે ક્રૂરતા શા માટે?

અરે ભલા માણસ, બધાએ એક દિવસ જવાનું જ છે. કોઈને અહીં કાયમ રહેવા મળતું નથી. કોરોના નહીં લઈ જાય તો બીજું કોઈ લઈ જશે. એનો અર્થ એ નથી કે માણસે સામે ચાલીને કોરોનાને આમંત્રણ આપવું, પરંતુ માણસે આવા સમયે જીવન પ્રત્યે વધુ સંવેદનશીલ બનવું જોઈએ. બીજા તમામ જીવો પ્રત્યે ક્રૂર અને વિનાશક બનતાં પહેલાં વિચાર કરવો જોઈએ. કોરોનાની શરૂઆત જ્યાંથી થઈ તે ચીનના વુહાન શહેરમાં ત્યાંના લોકો જીવતાં ઉંદર, સાપ સહિતના વિવિધ જીવોને ભોજન તરીકે આરોગતા રહ્યા છે. હવે જ્યારે આ કારણસર તેમના અને અન્યનાં મોત સામે આવી ગયાં તો આ જ માણસો ગભરાઈ ગયા! જ્યારે આ વાઈરસનો વ્યાપ વિશ્વમાં ફેલાવા લાગ્યો ત્યારે વિશ્વ આખું ફફડવા લાગ્યું છે. આ ડર માત્ર મોતનો નથી, કિંતુ મોતના ફેલાતા હાથનો છે. લટકતી તલવારનો છે, મોતની અનિશ્ચિતતાનો છે. આજે એક જણ પાસે છે, કાલે મારી પાસે આવી જશે તો એ વિચારનો ભય મોત કરતાં પણ વધુ કામ કરી રહ્યો છે.

નકારાત્મકતાનો અતિરેક બંધ કરો

કોરોના વાઈરસ કરતા તેના ભયને ફેલાવવામાં સોશ્યલ મીડીયા વધુ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. તેના વિશે વધુ પડતો હાઉ ફેલાવવામાં આવી રહ્યો છે. અગમચેતીનાં પગલાં લેવાય એ યોગ્ય છે, કિંતુ તેના વિશે નકારાત્મક અતિરેકનો પ્રસાર-પ્રચાર  બંધ કરવો જોઈએ. મૃત્યુ આપણને દરેકને આવવાનું છે, કયા દિવસે, કઈ રીતે, કઈ ઘડીએ આવશે એ આપણને ખબર નથી, ખબર પડશે પણ નહીં, તેમ છતાં જો આ મૃત્યુ મહાશય આવવાના નક્કી છે અને આપણો વારો કોઈપણ ક્ષણે આવી શકે છે એટલું સત્ય ખરા અર્થમાં સમજાઈ જાય તો જીવન બદલાઈ શકે છે.

કોરોનાને ભય તરીકે નહીં, માનવ જગત માટે એક સંદેશ સમાન જોવો જોઈએ. જો તમને તમારા મૃત્યુના વિચારનો પણ ભય લાગે છે, તો તમે બીજા જીવને હણતાં પહેલાં કેમ વિચાર કરતા નથી? બીજા જીવો પ્રત્યે કેમ ક્રૂર થઈ જાવ છો? કુદરત સાથે કેમ અન્યાય કે ચેડાં કરો છો? કુદરતની એક થપ્પડ પણ કેવી ભારે પડે છે એ સમજાઈ ગયું હોય તો જાગો, હવે તો જાગો…

——————————————————

શું દેશના એક્સચેન્જમાં સટ્ટાકીય પ્રવૃત્તિ સતત વધતી રહે એ વાજબી ગણાય?

(તસવીર સૌજન્યઃ http://www.wired.com)

– જયેશ ચિતલિયા

ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં નંબર વન હોવું એ એક્સચેન્જ માટે ગૌરવની ઘટના, કિંતુ દેશ માટે?

શું દેશના સ્ટોક માર્કેટમાં ડેરિવેટિવ્ઝનું વોલ્યુમ સતત વધતું રહે એ આવકાર્ય ગણાય? શું સેબી જેવું નિયમન તંત્ર એનએસઈના કો-લોકેશન જેવા ગંભીર કેસને સાવ જ હળવાશથી ભુલાવી દે એ ન્યાયી અને વાજબી છે? સેબી અને નાણાં ખાતાએ આ વિષયમાં પુનઃ વિચારવાની જરૂર છે…

ભારતમાં ટર્નઓવર-વોલ્યુમની દૃષ્ટિએ નંબર વન ગણાતું નેશનલ સ્ટોક એક્સચેન્જ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના પ્રચારમાં જાહેરખબર મારફત કહી રહ્યું છે કે તે ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં  વિશ્વમાં પણ અગ્રણી એક્સચેન્જ બની ગયું છે. આ જાહેરાત તે ગૌરવપૂર્વક કરી રહ્યું છે. પ્રથમ નજરે બધાંને લાગે કે આ ગૌરવની ઘટના છે, કિંતુ જરા ઊંડા ઊતરીને વિચારીએ તો સત્ય સમજાય છે કે ડેરિવેટિવ્ઝનું વોલ્યુમ-ટર્નઓવર વધવું એ ગૌરવની ઘટના કરતાં પુનઃ વિચારની ઘટના વધુ છે. ડેરિવેટિવ્ઝનું ઊંચું અને સતત વધતું જતું ટર્નઓવર ઊંચા સટ્ટાની સાક્ષી પૂરે છે.  આનો સરળ અર્થ એ થાય કે આ એક્સચેન્જ પર સટ્ટાકીય વોલ્યુમ બહુ વધુ થાય છે, કારણ કે ડેરિવેટિવ્ઝ સાધનો સટ્ટાનાં સાધનો છે. ખરેખર તો એ હેજિંગનાં સાધનો છે અને મોટા રોકાણકારો-સંસ્થાકીય રોકાણકારો માટે તેનો ઉપયોગ જરૂરી પણ છે, કિંતુ આ સાથે થાય એવું છે કે નાના રોકાણકારો પણ ઝટપટ કમાણી કરવાની લાલસામાં તેમાં રમવા લાગે છે. આમ તો નિયમનકાર સેબીએ નાના રોકાણકારો તેનાથી દૂર રહે એ માટે મિનિમમ કોન્ટ્રેકટ સાઈઝ બે લાખ રૂપિયાની રાખી છે, છતાં નાના સટોડિયા-રોકાણકારો તેમાં માર્જિન ભરીને આ ખેલો કર્યા કરે છે.

શું પ્રથમ ક્રમાંકનું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ બની જવું એ ગૌરવ લેવા જેવી વાત છે? શું તેની સ્થાપના એક ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ બનવા માટે કરવામાં આવી હતી? પોતાના પ્રચારમાં ‘સોચ કર, સમઝ કર, ઇન્વેસ્ટ કર’ એવું કહીને ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણની વાત કરનારું એક્સચેન્જ આજે ડેરિવેટિવ્ઝ માટે જ જાણીતું અને માનીતું બની ગયું છે એ હકીકતને કોઈ નકારી શકે એમ નથી.

સિક્યૉરિટીઝ એક્સચેન્જમાં ફક્ત ડેરિવેટિવ્ઝ નહીં, ઈક્વિટી કેશ સેગમેન્ટ, બોન્ડ સેગમેન્ટ, સ્ટાર્ટ અપ સેગમેન્ટ અને એસએમઈ સેગમેન્ટ પણ હોય છે, પરંતુ એનએસઈ મોટાઉપાડે કહી રહ્યું છે કે એ પોતે દુનિયાનું પ્રથમ ક્રમાંકનું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ બની ગયું છે.

ભારતમાં બહુમતી લોકોને શેરબજાર પર વિશ્વાસ હજી આવ્યો નથી અને કંપનીઓને તેમના વિકાસ માટે પૂરતા પ્રમાણમાં સહેલાઈથી નાણાં મળી રહે એવું વાતાવરણ હજી રચાયું નથી. દેશનું અગ્રણી એક્સચેન્જ જ જો ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ બદલ ગૌરવ લઈ રહ્યું હોય તો એ દેશમાં આપણે કહી રહ્યા છીએ એમ લોકોને શેરબજાર એક સટ્ટાબજાર જ દેખાશે અને તેના પર ક્યારેય વિશ્વાસ નહીં આવે.

સેબી અને નાણાં ખાતું રાજી છે?

શું સેબી અને નાણાં ખાતું આ પ્રત્યે રાજી છે? દેશમાં સટ્ટાકીય પ્રવૃત્તિ વધે એ જરૂરી છે કે પછી ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે? તો એનએસઈના આ ગૌરવ વિધાનથી કોઈની આંખ ઉઘડતી નથી? અનેક યુવાન રોકાણકારો તેમ જ નાસમજ-નાદાન-લાલચુ રોકાણકારો (?) આવાં સટ્ટાકીય સાધનોમાં નાણાં રોકી રાતોરાત લખપતિ બનવાની ઈચ્છા રાખતા હોય છે. અનેક ચોક્કસ બ્રોકરો પણ તેમને આમ કરવા માટે ઉત્તેજન આપતા રહે છે. બ્રોકરોને પોતાનું વોલ્યુમ વધારી કમાણી વધારવામાં રસ હોય છે. નવાઈની વાત એ છે કે આ જ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ બીએસઈ પર નહીંવત્ ચાલે છે. જ્યારે કે એનએસઈ પર ડેરિવેટીવ્ઝને લીધે કેશ માર્કેટને પણ ઉત્તેજન મળી જાય છે. સેબી કે નાણાં ખાતું આ મામલે તંદુરસ્ત હરીફાઈ થાય એવો કોઈ પ્રયાસ પણ કરતાં નથી. સરકારનું લક્ષ્ય એ છે કે દેશમાં સ્ટોક એક્સચેન્જ ઈક્વિટી કલ્ટનો પ્રચાર અને પ્રસાર કરે, પરંતુ અહીં થાય છે એવું કે એનએસઈમાં સૌથી વધુ ટ્રેડિંગ સટ્ટાકીય પ્રોડક્ટ્સ સમાન ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં જ થાય છે. રોજના અબજોના ખેલ થાય છે અને પછી તેનું ગૌરવ લેવાય છે. 

ગંભીર કોલોકેશન કેસ દબાઇ ગયો?

આ એક વાત થઈ. બીજી વાત એનએસઈના વિષયની જ છે, જેમાં હજી અમુક સમય પહેલાં ચોક્કસ વર્ગને વહેલું એક્સેસ આપીને સોદા કરવા દેવાની ઘટનાથી તેઓ 40થી 50 હજાર કરોડનો કથિત ગેરલાભ લઈ ગયા હોવાના આક્ષેપ થયા. તેને પગલે એનએસઈ સામે તપાસ ચાલી, તેના ચોક્કસ ઉચ્ચ અધિકારીઓ સામે એક્શન રૂપે તેમના પગારમાંથી ચોક્કસ રકમ કાપી લેવાની પણ વાત થઈ હતી. આ બધી વ્હીસલબ્લોઅરની ફરિયાદને આધારે લેવાયેલી સેબીની પોતાની એક્શન હતી, તેમ છતાં એ જ સેબીએ આ ગંભીર કથિત ગરબડને હવે ક્લિન ચિટ આપી દીધી હોવાનું બહાર આવ્યું છે. કહેવાય છે કે સેબીએ આ વિષયમાં પોતાનો ઓર્ડર જ નબળો તૈયાર કર્યો હતો અને એક્સચેન્જ આબાદ નીકળી જાય એવો તખ્તો ગોઠવ્યો હતો,  અન્યથા સેટ આ ઓર્ડર સામે સ્ટે આપી શકત નહીં. આખરે, સેબીએ જ આ કેસમાં ખાસ દમ નથી એવું જણાવી જેમને અગાઉ પોતે જ આરોપી ગણ્યા હતા તેમને મુક્ત કરી દીધા હોવાનું બહાર આવ્યું છે. શું સેબીએ આ વિષયમાં લોકોને મૂર્ખ બનાવ્યા કહી શકાય? શું સેબીએ આ નિર્ણય ઉપરથી આવેલા કોઈ દબાણને લીધે લીધો હોવાનું માની શકાય? શું સેબી સિવાય ઘણી એજન્સીઓને આમાં શંકા-કુશંકા લાગી હોવા છતાં સેબીએ આ પ્રકરણ બંધ કરી દીધું એની પાછળ કોઈ સ્થાપિત હિતો-વગદાર હસ્તીઓ કામ કરી ગયા કહી શકાય? સવાલ એ થાય છે કે જો આવું જ કંઈક બીએસઈમાં બન્યું હોત તો સેબી આવું વલણ અપનાવત ખરાં? સેબીએ એનએસઈને પહેલેથી વિશેષ દરજ્જો આપ્યો હોવાની ફરિયાદ સતત થતી હોય છે, જેમાં બીએસઈને અન્યાય થતો હોવાની ફરિયાદ પણ હોય છે, પરિણામે, આજે એનએસઈ  લગભગ મોનોપોલી જેવું એક્સચેન્જ બની ગયું છે. તેમ છતાં સેબીને બધું ચાલે છે. કો-લોકેશન જેવા મહાકૌભાંડને જતું કરનાર સેબીનો ન્યાય ક્યાં જાય છે? શા માટે જાય છે? નિયમન સંસ્થા તરીકે આ વિશે સેબી કેમ મૌન પાળીને બેઠી છે?    

ઈક્વિટી કલ્ટ લાવવામાં નિષ્ફળ

એનએસઈની જ વાત કરીએ તો, તેની સ્થાપના પારદર્શકતા લાવવા માટે થઈ હતી, પરંતુ લોકોએ જોયું છે કે તેમાં કૉ-લૉકેશન જેવું કૌભાંડ થઈ ગયું અને તેમાં સેબીએ ભજવેલી ભૂમિકા પણ શંકા હેઠળ આવી છે.

આ એક્સચેન્જ બન્યાને 26 વર્ષ વીતવા છતાંય હજી દેશમાં શેરબજારમાં વ્યવહાર કરનારી પ્રજાનું પ્રમાણ કુલ વસતિના માત્ર 2.5 ટકા છે. જે દેશમાં એશિયાનું સૌથી જૂનું એક્સચેન્જ ગર્વભેર કાર્યરત હોય અને તેનો સેન્સેક્સ દેશના અર્થતંત્રની પારાશીશી ગણવામાં આવતો હોય ત્યાં જો ફક્ત 2.5 ટકા વસતિ શેરબજાર પર વિશ્વાસ રાખતી હોય તો સૌએ ભેગા મળીને વિચારવા જેવું છે. આવી સ્થિતિમાં દુનિયાના પ્રથમ ક્રમાંકિત ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ તરીકે ખાંડ ખાવામાં કોઈ શાણપણ નથી. ઉલટાનું, તેના પરથી પુરવાર થાય છે કે એક એક્સચેન્જ તરીકે એનએસઈ દેશમાં ઈક્વિટી કલ્ટ લાવવામાં નિષ્ફળ ગયું છે.

ભારત પાસે રહેલી સંભાવનાઓનો ઉપયોગ

બીજી એક નોંધપાત્ર બાબત એ છે કે ભારત વિકાસશીલ રાષ્ટ્ર છે અને એક બજાર તરીકે તેની પાસે ભરપૂર સંભાવનાઓ છે. આથી જ વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત અહીં રોકાણ વધારતાં જાય છે. જો કે, તેઓ રોકાણ કરતા હોવાથી ફાયદો પણ તેઓ જ લઈ જાય છે. ભારત પાસે રહેલી સંભાવનાઓનો ઉપયોગ ભારતની પ્રજા જ જો કરી શકતી ન હોય તો એ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. આ બાબતે નિયમનકાર તરીકે સેબીએ સક્રિય વિચારણા કરીને અસંતુલન દૂર કરવા માટે પ્રયાસ કરવા જોઈએ. તેને બદલે એવું થઈ રહ્યું છે કે કૉ-લૉકેશન માટે જવાબદાર એક્સચેન્જ આબાદ છટકી જઈ શકે એવાં નબળાં પગલાં ભરવામાં આવે છે. એનએસઈમાં એક રાજકીય વગદાર વ્યક્તિનો પરિવાર ઘણા મોટા પાયે ટ્રેડિંગ કરીને લખલૂટ કમાણી કરી રહ્યો છે એવી વાતો વર્ષોથી થતી આવી છે.

દેશમાં સ્થાનિક ચીજોને પ્રોત્સાહન આપવા માટે આયાતને ઘટાડવા તરફ લક્ષ આપવામાં આવી રહ્યું હોય તો સ્વાભાવિક રીતે સ્થાનિક રોકાણને પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેના માટે ઈક્વિટી બજારના તંદુરસ્ત વિકાસને પ્રાધાન્ય આપવું જોઈએ અને એ કામ ડેરિવેટિવ્ઝ નહીં, પરંતુ કોઈ પણ ગેરરીતિ વગરનું કૅશ ટ્રેડિંગ જ કરી શકે છે.

ટૂંકમાં, એટલું જ કહેવાનું કે ભારતની સંભાવનાઓનો ઉપયોગ ભારતીયોની જ સમૃદ્ધિ માટે કરવામાં આવવો જોઈએ અને સરકાર તથા નિયમનકારો અને સાથે સાથે સ્ટૉક એક્સચેન્જોએ પોતાની સમગ્ર શક્તિ એ દિશામાં કામે લગાડી દેવી જોઈએ.

(સૌજન્યઃ ગુજરાત ગાર્ડિયન અખબાર. https://www.gujaratguardian.in/E-Paper/02-17-2020Suppliment/pdf/02-17-2020gujaratguardiansuppliment.pdf)

બેફામગીરી શું લોકશાહી છે?

સીએએના મુદ્દે રાજકીય પક્ષો જે ભૂમિકા ભજવી રહ્યા છે તે સો ટકા પોતપોતાનાં હિતોના કારણસર કરી રહ્યા છે

  • તરુ કજારિયા
તસવીર સૌજન્યઃ Divyakant Solanki/EPA-EFE/REX/Shutterstock

દેશમાં હમણાં દેખાવો અને દેકારો ચરમસીમાએ છે. કેન્દ્ર સરકારના ‘સિટિઝનશિપ  અમેન્ડમેન્ટ ઍક્ટ’ (સીએએ) અને ‘નૅશનલ સિટિઝન્સ રજિસ્ટર’ (એનસી.આર) સંબંધિત પગલાં સામે દેશના બૌદ્ધિકો અને કહેવાતા બૌદ્ધિકોએ મોરચો ખોલી દીધો છે. સ્વતંત્રતા અને લોકશાહીના મુક્ત માહોલના પુરસ્કર્તાઓને સરકારનાં પગલાંમાં આપખુદશાહી દેખાય છે અને તેઓ તેનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે, તો સરકારને આ લોકો રાષ્ટ્રવિરોધી લાગે છે. આખો દેશ બે ભાગમાં જાણે વહેંચાઈ ગયો છે.

સીએએ પાડોશી રાષ્ટ્રોની લઘુમતીઓને ભારતીય નાગરિકતા મેળવવામાં સરળતા ઊભી કરે છે. પરંતુ આ લઘુમતીમાં મુસ્લિમોનો સમાવેશ નથી કરાયો. આ જ કારણ છે કે ઉદારમતવાદીઓ, બૌદ્ધિકો અને દેશના મુસ્લિમો વિરોધ કરી રહ્યા છે. દુનિયાની લોકશાહીઓ પણ ભારત સરકારના આ પગલાને ધર્મને આધારે કરાતો ભેદભાવ ગણાવીને તેનો વિરોધ કરી રહી છે. દેશમાં જ્યાં ને ત્યાં વિરોધના ઝંડા લઈને સ્ત્રી-પુરુષો ઊમટી પડ્યાં છે. તેમાં નેચરલી મુસ્લિમોની હાજરી આંખે વળગે તેવી છે.

અહીં એક સવાલ થાય છે કે આ સુધારાથી દેશના મુસ્લિમ નાગરિકોને તો કોઇ અન્યાય થતો નથી. એમ તો આ સુધારાની કોઇ અસર દેશના અન્ય કોઇ પણ ધર્મના કે જાતિના નાગરિકોના સ્ટેટસ પર પડવાની નથી. તો પછી તેઓ આટલા ભારપૂર્વક આનો વિરોધ કેમ કરે છે?

સવાલ તો આપણા પાડોશી દેશોના એવા નાગરિકોનો છે જેઓ ભારતના નાગરિક બનવા ચાહે છે. ભારતના નાગરિકો છે, તે ચાહે કોઇ પણ  જાતિ, ધર્મ કે વર્ગના હોય, તેમના નાગરિક  તરીકેના સ્ટેટસને તો આ સુધારો હાથ લગાડતો જ નથી. તો પછી આટલા ઘવાઈ કેમ ગયા છે એ બધા? આવા સવાલો ઘણાના મનમાં ઊઠે છે અને તેના જવાબો શોધવા દૂર જવું નથી પડતું. આપણા રાજકારણીઓ બિચારા ક્યારેક ને ક્યારેક  સાચું બોલી દે છે. હમણાં જ  મહારાષ્ટ્રના એક સત્તાધીશ કૉંગ્રેસી રાજકારણીએ એક વિધાન કર્યું હતું કે મુસ્લિમો નહોતા ઈચ્છતા કે મહારાષ્ટ્રમાં ભાજપ પાછો સત્તા પર આવે, એટલે જ અમારા પક્ષે શિવસેનાની સાથે હાથ મેળવ્યા. ત્યારબાદ રાષ્ટ્રવાદી કૉંગેસના માંધાતા શરદ પવારે ખુદ કહ્યું કે મુસ્લિમો ધારે તેને સત્તા પર લાવી શકે છે અને સત્તા પરથી ખદેડી શકે છે! આમાં કશું નવું નથી. પરંતુ આ અગ્રણી નેતાઓના મોઢેથી જાહેરમાં આ કબૂલાત થઈ ગઈ એ થોડુંક નવું છે. બાકી ભારતમાં દરેક રાજકીય પક્ષ સત્તાના સિંહાસનને આંબવા માટે અને એક વાર આંબી લીધા પછી ત્યાં ચિટકી રહેવા માટે લઘુમતીની આળપંપાળ કરતો આવ્યો છે.

આ બન્ને નેતાઓનાં વિધાનોમાંથી જ આવો સુધારો લાવવા પાછળ સરકારની અતિઉત્સુકતા અને આ સુધારાનો વિરોધ ફેલાવવા પાછળ વિપક્ષનો ઝનૂની ઉત્સાહ અને આગ્રહ થોડે ઘણે અંશે સમજી શકાય એવા નથી લાગતા? દરેક પક્ષ જે ભૂમિકા ભજવી રહ્યો છે તે સો ટકા પોતપોતાનાં હિતોનાં કારણોસર કરી રહ્યો છે.

બાકી, એક કલ્પના કરો. તમારે ઘરે આવીને કોઇ વ્યક્તિને રહેવું છે. તો તમે પહેલાં તો એ વધારાની વ્યક્તિનો તમારા પરિવારમાં સમાવેશ કરવાની તમારી હેસિયત છે કે નહીં એ જોશો ને? કદાચ તમારી એવી કેપેસિટી છે તો પછી તમે એ વ્યક્તિનું  બૅકગ્રાઉન્ડ ચેક કરશો કે આ મારા માટે કોઇ નવી ઉપાધિ નહીં ઊભી કરે ને! પછી તમે એ જોશો કે એ વ્યક્તિના આવવાથી તમારા ઘરના સભ્યોને કોઇ તકલીફ તો નહીં ભોગવવી પડે ને? પછી તમે તેને તમારા ઘરમાં પ્રવેશ આપશો કે નહીં કે નહીં આપો તેનો આધાર તમારી એ કવાયત પર છે. હવે જે વાત પરિવારને લાગુ પડે છે તે દેશને પણ લાગુ ન પડી શકે?

યુરોપના કેટલાય દેશોએ અન્ય દેશોના વિસ્થાપિતો માટે દેશના દરવાજા ખુલ્લા રાખેલા. પછી તેમણે ઘર આંગણે ભારે મૂંઝવણભરી સ્થિતિમાંથી પસાર થવું પડેલું. તેમના પોતાના નાગરિકો, પોતાના રિસોર્સીઝ અને પોતાના કલ્ચર પર એ નિર્ણયની અવળી અસરો પડી અને તેમણે પોતાના નિર્ણય અંગે ફેરવિચાર કરવો પડ્યો છે.

કોઇ પણ દેશના નેતાઓની પહેલી અને સૌથી મહત્ત્વની ફરજ પોતાના દેશવાસીઓ પ્રત્યે છે. ત્યાર બાદ એ અન્ય દેશોના નાગરિકોના પ્રશ્નો હાથ ધરે તો એ બરાબર છે. પરંતુ આવી વાત કે વિચારશૈલીને ‘માનવતાવિરોધી’ અને ‘વિશ્વનાગરિકતા વિરોધી’ ગણાવાય છે. પણ પ્રામાણિકપણે કહું તો રાજકીય નેતાઓએ પોતાના પરિવાર સંદર્ભે આ સ્થિતિને એપ્લાય કરી જોવી જોઈએ. હા, આપણા સંસ્કાર તો ‘આંગણે આવેલાને મીઠો આવકાર’ આપવાના છે. પરંતુ એવા મીઠા આવકારનાં કડવાં ફળો ભોગવ્યાં હોય તો પછી આપણા વ્યવહારમાં બદલાવ આવે કે નહીં?

અને રાજકારણીઓની વાત છે ત્યાં સુધી એક વાત તો દીવા જેવી સ્પષ્ટ છે કે આ બિરાદરી પોતાની ખુરશી અને સત્તા માટે કંઇ પણ અને કોઇ પણ સ્તરે જતાં અચકાય તેમ નથી. શાસક પક્ષ હોય કે વિરોધપક્ષ, એકને સત્તા પર ટકી રહેવા કંઇક પગલું ભરવું છે તો બીજાને સત્તા પર આવવા એ પગલાનો વિરોધ કરવો છે.

પણ આમાં આપણા જેવા સામાન્ય નાગરિકનું શું? તેણે પોતાની વિચારશક્તિ અને બુદ્ધિથી વિચારવાનું છે કે દેશનું હિત અને દેશના નાગરિકોનું હિત ક્યાં રહેલું છે. પરિવાર હોય કે કોઇ પણ  સામાજિક એકમ હોય, શિસ્ત અને સુવ્યવસ્થા જળવાય તો જ બધાને માટે ઉપલબ્ધ અધિકારોનો લાભ સહુને પહોંચે. એ લાભ ભોગવવો હોય તો પાયાની શિસ્ત તો જાળવવી જ પડે. લોકશાહી એટલે હું મારા મનનું કરું અને તું તારી મરજી મુજબ વર્તે એવું હરગીઝ નહીં. તાજેતરમાં બોલીવૂડના એક પ્રતિભાશાળી કલાકારે બીજા એવા જ એક કલાકાર માટે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો ત્યારે થયું કે આવી પ્રતિભાઓને પણ આ સ્તરે ઢસડી જઈ શકે એ બેફામગીરી શું લોકશાહી છે?

(ગુજરાતી મિડ-ડેમાંથી સાભાર)

——————–

એનએસઈ કૉ-લૉકેશન સ્કેમમાં ખાધું-પીધું ને રાજ કીધું! કોણે?

કૉ-લૉકેશન બદલ દેશભરમાં વગોવાયેલા એનએસઈ સામે સેબીએ શું ફક્ત તપાસનું નાટક કર્યું? એ શીર્ષક હેઠળ આપણે ગયા વખતના બ્લોગમાં વાત કરી. અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે વિચારક્રાંતિમાં ઊભા થતા પ્રશ્નોના જવાબ આપોઆપ મળવા લાગે છે અને અહીં લખેલી વાતો સાચી પણ પડવા લાગે છે અથવા તો તેને સમર્થન મળવા લાગે છે.

ભારતની સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબીને એક વ્હીસલબ્લોઅરે ઊંઘમાંથી જગાડીને કહ્યું કે ”કૉ-લૉકેશન કૌભાંડ થયું છે, તમે કંઈક કરો”. સેબી પરાણે જાગી તો ખરી, પરંતુ તેણે તપાસ અને કાર્યવાહીના નામે ફક્ત દેખાડો કર્યો હોય એવી જ છાપ સામાન્ય જનતામાં ફેલાઈ છે.

બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમની નાણાકીય નિયમનકાર સંસ્થા – ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઑથોરિટીએ કરેલા અભ્યાસ મુજબ હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગ કરનારાઓને અન્યોના મુકાબલે પુષ્કળ મોટો ફાયદો થાય છે.

બીજા શબ્દોમાં કહીએ તો આ ટ્રેડરોએ કરેલી કમાણી સામાન્ય રોકાણકારને થયેલું નુકસાન હોય છે. આમ, ઉક્ત અભ્યાસ મુજબ દર વર્ષે આશરે 5 અબજ ડૉલર જેટલું રોકાણકારોને નુકસાન થાય છે.

ભારતનું કૉ-લૉકેશન કૌભાંડ 50,000 કરોડથી 60,000 કરોડ રૂપિયા મૂલ્યનું હોવાનો અંદાજ છે, પરંતુ સેબીની તપાસ પૂરી થઈ ગયા પછી ‘ખાધું પીધું ને રાજ કીધું’ જેવી સ્થિતિ છે; કૉ-લૉકેશન કૌભાંડ જેમણે કર્યું હશે તેઓ આબાદ છટકી ગયા, કારણ કે સેબીની નજરમાં અને તપાસમાં એવું બહાર આવ્યું છે કે કોઈ કૌભાંડ થયું જ નથી, જે થયું એ ફક્ત સિસ્ટમની ત્રુટિ હતી.

આપણે જેને કૉ-લૉકેશન કહીએ છીએ એ વાસ્તવમાં હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગ હોય છે, જેમાં અમુક લોકોને બીજાની સરખામણીએ જલદી ટ્રેડિંગ કરવા મળે છે અને તેઓ તેનો લાભ ખાટી જાય છે. યુનાઇટેડ કિંગડમના અહેવાલમાં તેના માટે ‘લેટેન્સી આર્બિટ્રેજ ‘શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેઓ આવું ઝડપી ટ્રેડિંગ કરતા હોય તેમને હાઇ ફ્રીકવન્સી ટ્રેડરો કહેવાય છે.  

એનએસઈના કેસમાં તો અભ્યાસના નામે ડેટા આપવામાં આવ્યા અને અંદરોઅંદર ભળેલા અનેક લોકો તેમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ વ્હીસલબ્લોઅરે કર્યો હતો. છેલ્લે સેબીએ કૉ-લૉકેશન કૌભાંડને કામકાજની ત્રુટિ ગણાવીને જવાબદારોને મોટી સજા સંભળાવવાનું ટાળ્યું અને બધા આબાદ છટકી ગયા. જો કે, યુનાઇટેડ કિંગડમના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે લોકો લેટેન્સી આર્બિટ્રેજ કરે છે અને તેને કારણે સામાન્ય રોકાણકારને નુકસાન થાય છે.

હાઇ ફ્રીકવન્સી ટ્રેડરોને બીજાઓ કરતાં પહેલાં મળી જતી માહિતીમાં કૉર્પોરેટ ન્યૂઝથી માંડીને આર્થિક ડેટાનો સમાવેશ થાય છે.

એનએસઈને એક વરિષ્ઠ રાજકારણી સાથે સંબંધ હોવાનું ચર્ચાય છે તેથી સમજી શકાય છે કે એનએસઈમાં હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગ કરનારાઓને દેશના આર્થિક ડેટા સાર્વજનિક થવા પહેલાં જ મળી જતા હશે. એક વહાલો અને બીજા બધા દવલા જેવી સ્થિતિમાં વહાલો જ કમાય એ દેખીતી વાત છે. તેનું પરિણામ એ આવે છે કે સ્ટૉક એક્સચેન્જના મારફતે મૂડીસર્જન અને રોકાણની પ્રવૃત્તિ થવાને બદલે સટ્ટો જ ખેલાતો રહે છે અને કૉ-લૉકેશન કે લેટેન્સી આર્બિટ્રેજ જેવી સ્થિતિમાં અમુક જ વહાલાઓ કમાણી કરી જાય અને બીજા બધાને નુકસાન થાય. ભારતમાં પણ આવું જ થયું હોવાથી હજી દેશમાં ઈક્વિટી કલ્ટ નિર્માણ થયો નથી, અર્થાત્ ઈક્વિટીમાં વિશ્વાસપૂર્વક રોકાણ કરવાની પ્રવૃત્તિ વધી નથી.

હાલમાં પ્રગટ થયેલા એક અહેવાલ મુજબ શેરબજારમાં થતા કૅશ ટ્રેડિંગમાં દેશનાં પાંચ ટોચનાં શહેરોમાંથી 80 ટકા વોલ્યુમ આવે છે. તેમાંથી એકલા મુંબઈનું વોલ્યુમ 64.6 ટકા છે. દિલ્હી દેશની રાજધાની હોવા છતાં તેનો હિસ્સો માત્ર 5.1 ટકા છે. ડેરિવેટિવ્ઝ માર્કેટમાં તો આનાથી પણ વધારે એકતરફી ચિત્ર હશે એવું કહી શકાય. આના પરથી પુરવાર થાય છે કે દેશમાં હજી એકલા મુંબઈમાં શેરબજારની પ્રવૃત્તિ ચાલે છે અને બાકીની જગ્યાએ ઈક્વિટીમાં લોકોનો વિશ્વાસ જ નથી.

હમણાં સેબીની જ ટેક્નિકલ એડવાઇઝરી કમિટીના ચૅરમૅન અશોક ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે કૉ-લૉકેશન અને હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગમાં ગેરરીતિઓ થવાનું જોખમ વધારે હોય છે. ટ્રેડરો બજારના પ્લેયર્સની સાથે મળીને આ ગેરરીતિઓ-ગોટાળા કરી શકે છે.

અશોક ઝુનઝુનવાલા આઇઆઇટી મદ્રાસના પ્રોફેસર પણ છે. તેમણે સેબી અને તેની સંસ્થા – નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ સિક્યૉરિટીઝ માર્કેટ્સના એક કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું હતું કે સ્ટૉક માર્કેટમાં પ્રાઇસ-ટાઇમ પ્રાયોરિટીનો કોન્સેપ્ટ હોય છે અર્થાત્ ખરીદી કે વેચાણ માટે તત્ક્ષણે ઉત્તમ ભાવ કયો છે તેના આધારે સોદાઓ આપોઆપ પાર પડે છે. જો કે, વર્તમાન સમયમાં આ કોન્સેપ્ટનો વાસ્તવિક અમલ ઘણો મુશ્કેલ બની ગયો છે. તેનું એક ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે આસામમાં કે દેશના કોઈ ખૂણે બેઠેલા માણસને તેનો ઓર્ડર અમલમાં મૂકવા માટે લાગતો સમય મુંબઈના ટ્રેડર કરતાં વધારે હોય છે. એક્સચેન્જના બિલ્ડિંગની અંદર જ જે કૉ-લૉકેશન કોમ્પ્યુટરો હોય એ સૌથી વધારે ઝડપી હોય છે. કૉ-લૉકેશન અને હાઇ સ્પીડ કોમ્પ્યુટર્સ 10 મિલિસેકન્ડના સમયમાં હજારો ઓર્ડર દાખલ કરી શકે છે. આથી જો કોઈ માણસ ચેન્નઈમાં હોય તેના કરતાં વધારે ઝડપથી કૉ-લૉકેશનવાળો માણસ હજારો ઓર્ડર દાખલ કરી શકે છે. ઝુનઝુનવાલાએ આ બાબતને અન્યાયી ગણાવી છે.

બીજા એક અંદાજ મુજબ ભારતમાં હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગનું પ્રમાણ બજારના કુલ વોલ્યુમના ત્રીજા ભાગનું છે. કૉ-લૉકેશનની સુવિધા પૂરી પાડીને એક્સચેન્જને વધુ નાણાં મળતાં હોવાથી એ તેનું સમર્થન કરે છે, પરંતુ અમુક લોકોના લાભ ખાતર ઘણા મોટા રોકાણકાર વર્ગને નુકસાન થાય છે.

નોંધનીય છે કે સેબીની આ જ ટેક્નિકલ એડવાઇઝરી કમિટીએ 2016માં તેના અહેવાલમાં તારણ તરીકે કહ્યું હતું કે એનએસઈમાં સિસ્ટેમેટિક ખામીઓ છે અને એક્સચેન્જમાં અલગ અલગ સ્તરે ચાલતી સાંઠગાંઠની તપાસ કરવાની જરૂર છે.

ટૂંકમાં, સેબીએ એનએસઈના કૉ-લૉકેશનની બાબતે જે કાચું કાપ્યું છે એનાથી સિક્યૉરિટીઝ માર્કેટની વિશ્વસનીયતાને ઘસારો લાગ્યો છે. તેનાં ઢીલાં પગલાં માટે કોણ જવાબદાર છે એ કદાચ સમય કહી બતાવશે, પરંતુ ત્યાર સુધીમાં સામાન્ય રોકાણકારને તથા દેશને ઘણું નુકસાન થઈ ગયું હશે. આપણે એમ પણ કહી શકીએ છીએ કે સેબીએ નિયમનકાર તરીકે પોતાની જવાબદારી બજાવવામાં કચાશ રાખી છે. તેથી જ સિક્યૉરિટીઝ માર્કેટનો જોઈએ એવો તંદુરસ્ત વિકાસ થયો નથી. દેશની જનતાને શેરબજારમાં વિશ્વાસ ન હોય એ બાબત નિયમનકારની નિષ્ફળતા કહેવાય.

———————————-

ક્યા ચલ રહા હૈ? બસ, ‘ફ્રૉડ’ ચલ રહા હૈ!

  • જયેશ ચિતલિયા

લેભાગુ કૉર્પોરેટ્સ, રાજકારણીઓ, બિઝનેસમૅન, વગેરે લોકો બૅંકોનાં નાણાંને પોતાના પિતાશ્રીનાં નાણાં સમજીને વાપરે, ઉડાડે, લૂંટાવે અને રિઝર્વ બૅંક તથા સરકાર જોતા રહી જાયકબ તક ચલેગા?   

કૌન બનેગા કરોડપતિના કાર્યક્રમ દરમ્યાન ‘બિગ બી’ રોજ એક સૂચના ખાસ આપતા હતા, આ સૂચના લોકોનાં નાણાંની સુરક્ષાસંબંધી રહેતી. સૂચના રિઝર્વ બૅંકના નામે એક જાગરૂકતા ઝુંબેશના ભાગરૂપે અપાતી હતી. આવી તો અનેક સૂચનાઓ રિઝર્વ બૅંક અન્ય માધ્યમો મારફતે પણ આપે છે છતાં બૅંકોમાં, બૅંકો સાથે સતત છેતરપિંડી થવાની પ્રવૃત્તિ ચાલુ જ રહી છે. હવે ફરક એટલો પડ્યો છે કે આ છેતરપિંડીની પ્રવૃત્તિઓનો પર્દાફાશ થવા લાગ્યો છે. ટેલિવિઝનના બીજા એક કાર્યક્રમ દરમ્યાન  પરફ્યુમની એક જાહેરખબર વારંવાર જુદા-જુદા સ્વરૂપે આવતી હોય છે, જેમાં વ્યક્તિઓ વચ્ચે થતી વાતચીતમાં પુછાય છે, ક્યા ચલ રહા હૈ? (અર્થાત્ શું નવું ચાલી રહ્યું છે?) જવાબમાં કહેવાય છે ફોગ (FOGG) ચલ રહા હૈ! બૅંકોના વિષયમાં વાત ચાલતી હોય અને પુછાય કે ક્યા ચલ રહા હૈ? તો જવાબ એ જ મળે કે ફ્રૉડ (FRAUD) ચલ રહા હૈ!

ફોગ અને ફ્રૉડ એકસમાન બની ગયા હોય એવું લાગે છે. ફોગ સુગંધ માટે છે, જ્યારે ફ્રૉડ ખોટાં-ગેરકાનૂની કામોની દુર્ગંધ છે. બિગ બી – રિઝર્વ બૅંક કેટલી પણ સૂચના આપે, કૌભાંડકારીઓ વધુ ચાલાક, લેભાગુ, વગધારી, રાજકીય સહિત અનેક સ્થાપિત હિતો સાથે સાંઠગાંઠધારી હોય છે. આમાં હવે સતત અને સખત પગલાં-ઉપાયની જરૂર છે, અન્યથા હવે પછી ટેક્નૉલૉજીને કારણે તેના પ્રકાર બદલાશે પણ આ ગરબડ-ગોટાળા-ફ્રૉડ ચાલુ જ રહેશે.  

કૉર્પોરેટ ફ્રૉડ અને લૂંટ

બૅંકોમાં થતા ફ્રૉડની સંખ્યા અને તેમાં સંકળાયેલા મૂલ્યનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. સલામતીનાં જેટલાં વધુ પગલાં આવતાં જાય છે તેનાથી વધુ કૌભાંડ અને છેતરપિંડીના કિસ્સા વધતા જાય છે. આ છેતરપિંડી ખાસ કરીને વ્યક્તિઓ દ્વારા થાય છે, ટુ બી સ્પેસિફિક, કૉર્પોરેટ્સ દ્વારા થાય છે, જેના લેભાગુ પ્રમોટર્સ બૅંકોના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને છેતરપિંડી કરે છે અને દિનદહાડે બૅંકોને ‘લૂંટે’ છે. ભારતીય બૅંકોની, ખાસ કરીને સહકારી અને સરકારી બૅંકોની લૂંટ ચલાવવાની પ્રવૃત્તિ દેશભરમાં ચાલી રહી છે, જેમાં રાજકારણીઓનો પણ ફાળો હોય છે.

નાણાપ્રધાનની કબૂલાત

આમ તો તાજેતરમાં જ નાણાપ્રધાન નિર્મલા સીતારામને રાજ્યસભામાં જાહેર કર્યું હતું કે છેલ્લા છ મહિનામાં જાહેર ક્ષેત્રની બૅંકો સાથે 95,700 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. એપ્રિલથી સપ્ટેમ્બરના આંકડા મુજબ આ બૅંકોએ છેતરપિંડીના 5,743 કેસો નોંધાવ્યા હતા. આની સામેની ઍક્શનના ભાગરૂપે સરકારે કામકાજ ન કરતી હોય એવી કંપનીઓનાં 3.38 લાખ ઍકાઉન્ટ સ્થગિત કરી દીધાં છે.

ફ્રૉડના કેસોમાં 200 ટકાનો ઉછાળો

એક તાજા અહેવાલ મુજબ સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ એપ્રિલથી નવેમ્બર દરમ્યાન તેમાં (બૅંકમાં) થયેલા કૉર્પોરેટ ફ્રૉડમાં વરસ 2018ની સરખામણીએ 2019માં 200 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. સ્ટેટ બૅંક સાથે થયેલી છેતરપિંડીનો આંકડો આ સમયગાળામાં 26,757 કરોડ રૂપિયા થયો છે. 2018-19માં આ ફ્રૉડનો આંકડો 10,725 કરોડ રૂપિયા હતો. નવાઈની વાત એ છે કે 2017-18માં કૌભાંડની રકમ માત્ર 146 કરોડ રૂપિયા હતી, અર્થાત્ છેલ્લાં બે વરસમાં જ સૌથી વધુ ફ્રૉડ થયા કે નોંધાયા ગણાય. છેલ્લાં ત્રણ વરસનાં આ કૌભાંડની ઘટનાની સંખ્યા જોઈએ તો તે અનુક્રમે 8, 25 અને 48 રહી છે. સ્ટેટ બૅંકે માત્ર 100 કરોડ રૂપિયા કે તેથી વધુ રકમના ફ્રૉડ જ નોંધમાં લઈને આ જાહેરાત કરી છે એ પણ નોંધવું રહ્યું. એટલે કે આનાથી નાની રકમના ફ્રૉડ પણ ઘણાં હોઈ શકે. સ્ટેટ બૅંકે તેની સબસિડિયરી કંપની એસબીઆઈ કાર્ડના આઈપીઓ સંબંધ દસ્તાવેજમાં આ માહિતી આપી છે યા કહો કે તેને આમ કરવાની ફરજ પડી છે. સેબીનાં ડિસ્ક્લોઝર ધોરણો મુજબ આમ કરવું ફરજિયાત છે.

ફ્રૉડનાં જુદાં જુદાં કારણ

આમાંના મોટાભાગના ફ્રૉડ અગાઉનાં વરસોના છે અને છેલ્લા 55 મહિનાની તપાસમાં બહાર આવ્યા છે. રિઝર્વ બૅંકના અહેવાલ મુજબ આ ફ્રૉડનાં કારણ જુદાં-જુદાં છે. કોઈ કેસમાં કંપનીએ જ બૅંક સાથે છેતરપિંડી કરી છે, કોઈ કેસમાં મંદીની અસર હેઠળ કંપનીથી ડિફોલ્ટ થયો છે. ઘણા કેસોમાં ફોરેન્સિક ઑડિટ ચાલુ છે. કેટલાય કિસ્સામાં કંપનીએ જે હેતુસર લોન લીધી છે તેને પછીથી અલગ હેતુસર વાળી દીધી છે. ક્યાંક નાણાં રફેદફે કરાયાં છે. કેટલાક કેસોમાં મની લૉન્ડરિંગના આરોપસર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસ થઈ છે અને ચાલી રહી છે.

એન્ટિ ફ્રૉડ અવેરનેસ વીક

ગયા મહિને જ બૅંક ફ્રૉડના કિસ્સાની તપાસના ભાગરૂપ સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) એ દેશનાં 16 રાજ્યોમાં (કેન્દ્રશાસિત પ્રદેશ સહિત) 200 સ્થળોએ વ્યાપક દરોડાની કારવાઈ ચલાવી હતી, જેમાં 1,000 ઑફિસર્સ કામે લાગ્યા હતા. સીબીઆઈએ 42 નવા કેસો રજિસ્ટર કર્યા હતા, જેમાં 7,000 કરોડની રકમ છેતરપિંડી સંબંધી સંડોવાયેલી છે. ઓછામાં ઓછા ચાર કેસોમાં 1,000 કરોડ રૂપિયાની રકમ રફેદફે કરાઈ છે. અહીં એ નોંધવું જરૂરી છે કે 17થી 23 નવેમ્બર દરમિયાન એન્ટિ ફ્રૉડ અવેરનેસ વીક હતું, જેમાં આ વ્યાપક કારવાઈ થઈ હતી. બૅંકિંગ ઉદ્યોગ છેલ્લાં  કેટલાંય વરસોથી છેતરપિંડી, ગોટાળા-ગરબડ, લોન ડિફોલ્ટ, વગેરે બાબતોમાં અટવાયેલી છે.

રકમની દૃષ્ટિએ કૌભાંડોમાં જબ્બર વૃદ્ધિ

ચોંકાવનારી એક બાબત પર નજર કરીએ તો, સરકાર ભારત સંચાર નિગમ લિ. અને મહાનગર ટેલિફોન નિગમ લિ.ના મર્જર પર જેટલી રકમ સરકાર ખર્ચવાની છે લગભગ તેટલી જ રકમના છેતરપિંડીના કેસો નાણાકીય વરસ 2019માં બન્યા છે. આ કેસોની સંખ્યા 6,800 જેટલી અને તેની રકમ 71,500 કરોડ રૂપિયા જેટલી છે. આ રકમની સરખામણી બીજી બાબત સાથે પણ કરીએ તો સરકાર જે રાહત પૅકેજ અથવા મૂડી સપોર્ટ બૅંકોને કરી રહી છે તે રકમ પણ લગભગ સમાન સ્તરે છે. ફ્રૉડની સંખ્યાની દૃષ્ટિએ 15 ટકાનો વધારો નોંધાયો છે, પરંતુ રકમની દૃષ્ટિએ વૃદ્ધિ 80 ટકા છે. 100 કરોડ રૂપિયાથી વધુ રકમના ફ્રૉડ કેસનું પ્રમાણ 73 ટકા છે. આમાં વળી મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા લેભાગુઓ બૅંકોના 13,000 કરોડ જેટલી તોતિંગ રકમ ચાઉં કરી ગયા છે.

કૌભાંડની કરુણતા

એક વાત ખાસ નોંધવા જેવી છે કે બધા જ ફ્રૉડ લૅટેસ્ટ નથી. જૂના કેસો પણ છે. ખાસ કરીને દરેક ફ્રૉડને ડિટેક્ટ કરવામાં બે વરસ જેવો સમય લાગી જાય છે. આને બૅંકિંગ સિસ્ટમની ભયંકર નબળાઈ પણ કહી શકાય. અહીં ફ્રૉડ બની ગયા બાદ તેને જાણવા-સમજવામાં જ ઓછામાં ઓછાં બે વરસ લાગી જાય છે. પછી તેને સમજવામાં બીજાં અમુક વરસ, તેને સાબિત કરવામાં વધુ વરસ… ક્રમ ચાલતો રહે છે. રકમ રિકવર કરવામાં કોઈ વરસની મર્યાદા છે કે કેમ એ સવાલ છે.

ભારતીય બૅંકિંગ ઉદ્યોગ અને રિઝર્વ બૅંક સામે આ બહુ મોટો પડકાર છે. આમાં સૌથી મોટી ક્ષતિ રિઝર્વ બૅંકના પક્ષે ગણી શકાય. મોટાભાગના બૅંક ફ્રૉડ કેસમાં રાજકીય વગ-સાંઠગાંઠની મુખ્ય ભૂમિકા હોય છે, તો વળી કેટલાક કેસોમાં બૅંક અધિકારી પણ સામેલ હોય જ છે.

પિતાશ્રીના પૈસાની જેમ બૅંક લૂંટાય છે

બૅંકો તેની સાથે થઈ ગયેલા ફ્રૉડની જાણ રિઝર્વ બૅંકને કરવામાં પણ લાંબો સમય લઈ લે છે. પોતાની આબરૂ બચાવવા કે બ્રાન્ડ-શાખ નીચે ન ઉતરી જાય એ વિચારીને બૅંકો આ બાબત છુપાવવાની કોશિશ કરે છે. રિઝર્વ બૅંકે ફ્રૉડની જાણ કરવામાં વિલંબ કરનાર બૅંકોને 123 કરોડનો દંડ કર્યો છે. આવા 76 કેસો છે. કિંગફિશરનો કેસ જૂનો અને જાણીતો છે. કેટલાય ફ્રૉડ ઇન્ટરનેટ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત પણ નોંધાયા છે. ઘણા કેસોમાં બૅંક મૅનેજર અને કૉર્પોરેટ વચ્ચે સાંઠગાંઠ રચાઈ હોવાથી કૌભાંડ આકાર પામે છે.

કૉર્પોરેટ્સ બૅંકોનાં નાણાંને જાહેર નાણાં સમજીને વાપરે છે, જાણે કે એ તેમના પિતાશ્રીના હોય. કોને આપ્યા તે તમે રહી ગયા!!! આ બધું વરસોથી ચાલતું આવ્યું છે, પરંતુ જ્યારથી રિઝર્વ બૅંકે એનપીએ (નોન-પર્ફોર્મિંગ ઍસેટ)નાં ધોરણો કડક કર્યાં ત્યારથી બૅંકોના હાડપિંજર બહાર આવવા લાગ્યાં છે. આ ધોરણો સમયાંતરે વધુ કડક થતા રહ્યાં છે અને હવે બૅંકોનું શુદ્ધિકરણ પુરજોશમાં છે. જો કે, સમય ઘણો ગયો અને હજી જશે. આશા છે કે લાંબા ગાળે પરિણામ મળશે. બૅંકોના મર્જરમાં પણ ક્યાંક આનો ઉપાય છુપાયેલો છે. બૅંકોના સુપરવિઝનમાં પણ કડકાઈ આવી રહી છે અને ઍક્શનમાં ઝડપ પણ આવી રહી છે, છતાં દિલ્હી હજી બહુ દૂર છે.

પિડાય છે આખરે ગ્રાહકોપ્રજા

તાજેતરમાં પીએમસી કૉ-ઓપરેટિવ બૅંકે આંખો ઉઘાડી છે. અલબત્ત, હજી તો ઘણી બૅંકોનાં હાડપિંજર ઢંકાયેલાં છે, જે બહાર લાવવાં પડશે. ક્યાંક તો રિઝર્વ બૅંક પણ બહુ અવ્યવહારુ સાબિત થઈ છે. તેણે બહુ જલદી ઍક્શન લઈને બૅંકોને સુધારાની તક ન આપી. એક તો પોતે પહેલેથી ધ્યાન ન આપ્યું અને પછી બૅંક સામે ઍક્શન લેવામાં તેના ખાતાધારકોના હિતનો વિચાર ન કર્યો. જાણે તમે આવી બૅંકમાં ખાતું રાખ્યું, નાણાં રાખ્યાં એ તમારો અપરાધ, હવે ભોગવો. શું રિઝર્વ બૅંકની નબળાઈની જવાબદારી કોઈની નહીં? રિઝર્વ બૅંક નિયમનકાર તરીકે ભૂલો કાઢે, એ પણ મોડે મોડે અને સહન કરવાનું આવે ખાતાધારકોએ. અને હા, સરકારે જે સહાય કરવી પડે એ તો પ્રજાએ ભરેલા ટૅક્સનાં નાણાંમાંથી જ આવતી હોય છે.

——————

અહો આશ્ચર્યમ્! રમેશ અભિષેકના કાનૂની બચાવ માટે જનતાના પૈસાની બરબાદી કરવાના નિર્ણય વિશે વડા પ્રધાનનું કાર્યાલય અંધારામાં?

દાન કરવાની બાબતે કહેવાય છે કે જમણા હાથે કરેલા દાનની ખબર ડાબા હાથને પણ ન થવી જોઈએ. જો કે, જનતાના પૈસાની બરબાદી કરવાના નિર્ણય વિશે આવી સ્થિતિ સર્જાતાં આઘાત લાગ્યો છે. હાલમાં નાણાં મંત્રાલયે રમેશ અભિષેકના કાનૂની બચાવ માટે સરકાર તરફથી ખર્ચ કરવાનો નિર્ણય લીધો, પરંતુ તેના વિશે વડા પ્રધાનના કાર્યાલયને અંધારામાં રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આપણે અગાઉ કહી ગયા છીએ કે સરકારી અમલદારો અને રાજકારણીઓની સાંઠગાંઠ ઘણી જ સજ્જડ છે. તેને કારણે તેઓ પોતાનું ધાર્યું કરાવી લેતા હોય છે. ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ રમેશ અભિષેકે કિન્નાખોરી રાખીને 63 મૂન્સ ટેક્નૉલૉજીસ (જૂનું નામ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ)ને તથા તેના શેરધારકોને નુકસાન પહોંચાડ્યું હોવાનો આરોપ છે. તેમની સામે 63 મૂન્સે 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો કર્યો અને નાણાં મંત્રાલયે અભિષેક નિવૃત્ત થયા હોવા છતાં તેમના કાનૂની બચાવનો ખર્ચ સરકારી ધોરણે કરવાનો નિર્ણય લીધો છે એવું ગયા વખતના બ્લોગમાં આપણે કહ્યું.

રમેશ અભિષેક વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતે આકરી ટિપ્પણીઓ કરી હોવા છતાં જનતાના પૈસે તેમનો કાનૂની બચાવ થાય એ આશ્ચર્યની વાત છે. 63 મૂન્સ ટેક્નૉલૉજીસની પેટા કંપની એનએસઈએલનું પૅરન્ટ કંપની સાથે મર્જર કરી દેવાના સરકારી આદેશને રદ કરી દેતા સર્વોચ્ચ અદાલતના હુકમને જોતાં રમેશ અભિષેકનો બદઇરાદો સ્પષ્ટ થાય છે. તેમણે એનએસઈએલના કેસમાં પોલીસના એક અહેવાલને દબાવીને રાખીને બ્રોકરોની તરફેણ કરી હોવાની શંકા છે. તેમની વિરુદ્ધ લોકપાલ દ્વારા તપાસ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. ઉપરાંત, અગાઉના બ્લોગમાં લખ્યા પ્રમાણે પીગુરુસ વેબસાઇટે રમેશ અભિષેકની શંકાસ્પદ ઍસેટ્સ વિશેની વિગતો પણ પ્રકાશિત કરી છે. એ ઍસેટ્સમાં દક્ષિણ દિલ્હીમાં 2.67 કરોડ રૂપિયાના ઘરનો સમાવેશ થાય છે. પીગુરુસે જણાવ્યા મુજબ દક્ષિણ દિલ્હીમાં જગ્યા ખરીદવા માટે 40 ટકા કાળું નાણું આપવું પડે છે.  

નાણાં મંત્રાલયનો આર્થિક બાબતોનો વિભાગ અને સેબી રમેશ અભિષેકનો કાનૂની બચાવનો ખર્ચ ભોગવશે એ નિર્ણય પરથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકારના કેટલાક આઇએએસ અધિકારીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને, ગૃહપ્રધાન અમિત શાહને અને નાણાપ્રધાન નિર્મલા સીતારામનને જરાપણ ગણકારતા નથી.

રમેશ અભિષેક ઉપરાંત નાણાં ખાતાના ભૂતપૂર્વ અધિકારી કે. પી. કૃષ્ણન અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની વિરુદ્ધ પણ આ ખટલો છે. તેમની સામે વ્યક્તિગત રીતે આરોપ કરીને નુકસાની માગવામાં આવી છે, કારણ કે તેમણે કોઈ સરકારી નીતિના ભાગરૂપે નહીં, પણ પોતાની કુટિલ ચાલના કારણે 63 મૂન્સને નુકસાન થાય એવાં પગલાં ભર્યાં હોવાનું કહેવાય છે. જો તેઓ આ ખાનગી ખટલામાં હારી જશે તો શું ભાજપની સરકાર તેમના વતી 10,000 કરોડ રૂપિયા ચૂકવશે?

વળી, તેમનો કેસ લડવા માટે પણ ટોચના વકીલોને રોકવામાં આવશે અને તેનો પણ કરોડો રૂપિયાનો ખર્ચ થશે. સર્વોચ્ચ અદાલતે રમેશ અભિષેકની વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓને ધ્યાનમાં લેવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે નાણાં ખાતાએ આ ખર્ચ ભોગવવાનું નક્કી કરીને ઘણી મોટી ભૂલ કરી છે.

સર્વોપરી અદાલતે કહ્યું છે કે અમુક ટ્રેડરોનાં ખાનગી હિતોની રક્ષા કરવા માટે રમેશ અભિષેકની ભલામણના આધારે એનએસઈએલ અને એફટીઆઇએલનું મર્જર કરવાનો આદેશ જારી કરાયો હતો. આ જ માણસ જો અદાલતમાં નુકસાનીના ખટલામાં હારી જશે તો મોદી સરકાર માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાશે એ વાતમાં બેમત નથી.

———————–

સરકારી હોદ્દાનો દુરુપયોગ કર્યો રમેશ અભિષેકે અને તેમના કાનૂની ખટલાનો ખર્ચ ભોગવવાનો આવશે સામાન્ય જનતાએ!!!

રમેશ અભિષેક

સરકારી હોદ્દાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ ધરાવનાર માણસ નિવૃત્ત થયા પછી પણ પોતાના કાનૂની બચાવ માટે સરકારી મદદ મેળવતો રહે ત્યારે આ દેશની વ્યવસ્થા વિશે દુઃખદ આશ્ચર્ય સર્જાય છે. આપણે અગાઉ આ બ્લોગમાં રમેશ અભિષેક વિશે લખેલી વાત આજે સાચી થતી જણાય છે. ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના હોદ્દે રહીને રમેશ અભિષેકે કિન્નાખોરીથી લીધેલા પગલાં બદલ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ કંપની (અગાઉની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ)એ તેમની સામે નુકસાનીનો દાવો માંડ્યો છે. આ માણસ હવે નિવૃત્ત થઈ ગયો છે, છતાં સરકારે તેને કાનૂની ખટલામાં પોતાનો બચાવ કરવા માટે જનતાના પૈસા વાપરવા દેવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના ખાતાએ કાયદા મંત્રાલયની સાથે સલાહ-મસલત કર્યા બાદ નક્કી કર્યું છે કે અભિષેકનો કાનૂની ખર્ચ સરકાર ભોગવશે.

બ્લોગના વાંચકો જાણે જ છે કે 63 મૂન્સ ટેક્નૉલૉજીસને એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ના કેસમાં દ્વેષપૂર્વક કાર્યવાહી કરવા બદલ રમેશ અભિષેક, ભૂતપૂર્વ આઇએએસ ઑફિસર કે. પી. કૃષ્ણન તથા ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ વિરુદ્ધ 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો ખટલો માંડ્યો છે. રમેશ અભિષેક નિવૃત્ત થઈ ચૂક્યા છે. કૃષ્ણન હજી કૌશલ્ય વિકાસ મંત્રાલયમાં સચિવ છે અને ચિદમ્બરમ સત્તાના દુરુપયોગના કેસમાં હજી ચોથી ડિસેમ્બરે જ જેલમાંથી જામીન પર બહાર આવ્યા છે.

અખબારી અહેવાલ (https://www.thehindubusinessline.com/markets/stock-markets/dea-approves-funding-for-former-ias-officer-ramesh-abhisheks-legal-battle-against-63moons-technologies/article30159410.ece#) જણાવે છે કે કૃષ્ણને પણ નાણાં મંત્રાલય પાસે અરજી કરીને કાનૂની ખટલાનો ખર્ચ સરકાર ભોગવે એવી વિનંતી કરી છે. તેઓ અગાઉ આ જ મંત્રાલયમાં સચિવ હતા.

આર્થિક બાબતોના વિભાગે રમેશ અભિષેકનો કાનૂની ખર્ચ પોતે અથવા સેબી ભોગવશે એવું નક્કી કર્યું છે. તેનું કહેવું છે કે રમેશ અભિષેક અગાઉ ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના અધ્યક્ષ હતા અને હવે એ કમિશનનું વિલિનીકરણ સેબીમાં થઈ ગયું છે આથી તેમનો ખર્ચ ભોગવવામાં આવશે.

રમેશ અભિષેક અને કૃષ્ણને પોતાના અગાઉના હોદ્દાઓનો દુરુપયોગ કરીને 63 મૂન્સ ટેક્નૉલૉજીસ વિરુદ્ધ દ્વેષપૂર્ણ પગલાં ભર્યાં હતાં. કંપનીના સ્થાપક જિજ્ઞેશ શાહે પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)નાં સ્થાપિત હિતોનું રક્ષણ કરવાના ઈરાદે આ બન્ને સનદી અધિકારીઓએ 63 મૂન્સ વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેને પગલે કંપનીના શેરધારકોને 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું.

રમેશ અભિષેકને 63 મૂન્સે કરેલા ખટલામાં લડવા માટે સોલિસિટર જનરલ/અતિરિક્ત સોલિસિટર જનરલ કે તેમને સમકક્ષ વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને સેબીની પૅનલમાંની કાનૂની પેઢીની મદદ લેવાની છૂટ આપવામાં આવી છે. આ મુજબનો અહેવાલ પ્રગટ કરનાર અખબારને રમેશ અભિષેક કે કૃષ્ણને કોઈ જવાબ આપ્યો નથી. સેબી, આર્થિક બાબતોનો વિભાગ અને નાણાં મંત્રાલયને પણ પૃચ્છા કરવામાં આવી હતી, પરંતુ તેમની પાસેથી પણ કોઈ ખુલાસો આવ્યો નથી.

આ અધિકારીઓએ કોઈ સરકારી નીતિના ભાગરૂપે કાર્યવાહી કરી હોત તો તેમને જનતાના પૈસે કાનૂની લડત ચલાવવાની છૂટ હોઈ શકે, પરંતુ કોઈ ખાનગી કંપનીના હિતને સાચવવા માટે અને રાજકારણી-સનદી અમલદાર-કૉર્પોરેટ ક્ષેત્રની સાંઠગાંઠના કાવતરાના ભાગરૂપે કરાયેલી કાર્યવાહી માટે મદદ મળે એ વાત જનતા માટે આઘાતજનક પુરવાર થઈ છે.

કોઈએ પોતાના અંગત સ્વાર્થ કે સ્થાપિત હિત માટે કાર્યવાહી કરી હોય તો જનતાએ તેના કાનૂની ખર્ચનો બોજ કેમ સહન કરવો એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે.

એનએસઈએલના સમગ્ર પ્રકરણ પર અને 63 મૂન્સ ટેક્નૉલૉજીસ વિરુદ્ધના ષડ્યંત્ર હેઠળ લેવાયેલાં પગલાં વિશેની જાણકારી આપતો બ્લોગ અગાઉ પ્રગટ થઈ ચૂક્યો છે (https://vicharkranti2019.com/2019/10/14/એનએસઈએલ-પ્રકરણમાં-સ્થાપિ/).  

આપણે પહેલાં એ પણ લખી ગયા છીએ કે પી. ચિદમ્બરમના મળતિયા અધિકારીઓ હજી પણ કાર્યરત હોવાનું મનાય છે. જે રીતે રમેશ અભિષેકનો ખર્ચ જનતાના માથે મારવાનો બેજવાબદારીભર્યો નિર્ણય લેવાયો છે એ જોઈને આપણી વાત ફરી એક વાર પુરવાર થતી જણાય છે. સરકારી તંત્રનો આવો છડેચોક દુરુપયોગ થતો જોઈને સામાન્ય જનતાની આંખો પહોળી થઈ જાય છે. કથિત કાવતરાખોરો હજી પણ પોતાની ચાલમાં સફળ થતા જોવા મળી રહ્યા છે એને આપણા દેશનું દુર્ભાગ્ય ન કહીએ તો બીજું શું કહીએ?

————————–

એમસીએક્સના ડેટા ચોરી પ્રકરણમાં સેબી કેમ ભીનું સંકેલી રહી છે?

ભારતના નાણાકીય ક્ષેત્રમાં એક પછી એક ગંભીર ઘટનાઓ બની રહી હોવા છતાં અસરકારક પગલાં ભરવામાં આવી રહ્યાં નથી. ગયા વખતના લેખમાં આપણે એમસીએક્સના સ્ટૉકમાં થયેલા સંભવિત ઇનસાઇડર ટ્રેડિંગની વાત કરી. નિયમનકાર તરીકે સેબીએ સતત સતર્ક રહીને આવશ્યક પગલાં ભરવાં જોઈએ, તેને બદલે એ જ્યારે એ ઢીલ રાખવા લાગે ત્યારે આશ્ચર્ય સર્જાય છે. એક સમયે તેણે એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)ના કૉ-લૉકેશન કૌભાંડના કેસમાં ઢીલ કરી અને હવે એમસીએક્સના ડેટા ચોરીના કેસમાં પણ એવા જ હાલ થઈ રહ્યા હોય એવું જણાય છે. આ ઢીલનું ગંભીર પરિણામ એ આવ્યું છે કે રિટેલ રોકાણકારોનો બજાર પરનો રહ્યોસહ્યો વિશ્વાસ પણ હવે ડગમગવા લાગ્યો છે.

સંશોધનના નામે પહેલાં એમસીએક્સમાંથી ડેટા લેવામાં આવ્યો એ બાબતે સેબીએ જાતે જ ઊંડાણપૂર્વકની તપાસ કરીને કઠોર કાર્યવાહી કરવાની જરૂર હતી. તેને બદલે તેણે એમસીએક્સને જ કહ્યું છે કે એ જાતે આંતરિક તપાસ કરાવી લે. આથી હવે એવી છાપ ઊભી થઈ છે કે સેબી આ કેસમાં ભીનું સંકેલી લેવા માગે છે.

આપણે જોઈ ચૂક્યા છીએ કે એનએસઈના કૉ-લૉકેશન કૌભાંડને એક કૌભાંડ ગણવાને બદલે કામકાજની ચૂક ગણી લેવામાં આવ્યું. પરિણામે, સેબીએ કરેલી નાની-અમથી કાર્યવાહી પણ કી કામે આવી નહીં અને સિક્યૉરિટી ઍપલેટ ટ્રિબ્યુનલે લગભગ તમામ આરોપીઓને ‘બાઈજ્જત બરી’ કરી દીધા.

એમસીએક્સના કેસમાં ઊંડી ઊતરેલી વેબસાઇટ પીગુરુસને જાણવા મળ્યું છે કે એમસીએક્સ પણ ડેટા ચોરીના ગુનાને આંતરિક અને કામકાજની ચૂક ગણાવીને ભીનું સંકેલી લેવાય એ મતલબનો અહેવાલ તૈયાર કરી રહ્યું છે. એક્સચેન્જના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર-ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર મૃગાંક પરાંજપેના કાળમાં જ કથિત ડેટા ચોરી થઈ. હવે તેમને તથા અમુક અધિકારીઓને મીઠો ઠપકો આપીને જવા દેવાય અને કેસની ફાઇલ બંધ કરી દેવાય એવી પૂરેપૂરી શક્યતા છે.

આપણે અગાઉ જોઈ ગયા છીએ કે કૉ-લૉકેશન કૌભાંડ અને એમસીએક્સના ડેટા ચોરી પ્રકરણ એ બન્નેમાં અમુક સમાન વ્યક્તિઓ સંડોવાયેલી હતી. તેમાં ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેવલપમેન્ટલ રિસર્ચના સુસાન થોમસ અને તેમના સહયોગી ચિરાગ આનંદનો સમાવેશ થાય છે. આ લોકોએ બન્ને એક્સચેન્જો સાથેના વ્યવહારમાં કઈ સાંઠગાંઠનો ઉપયોગ કર્યો તેની તપાસ કરવાનું તો બાજુએ રહ્યું, એ બન્ને કેસમાં સમાન પ્રકારનો વ્યવહાર કરીને સેબીએ નિયમનકાર તરીકે કાચા પડ્યાની છાપ ઊભી કરી છે. શું સેબીની કોઈ જવાબદેહી નથી? જનતાએ ચૂંટી કાઢેલા જનપ્રતિનિધિઓએ પણ દર પાંચ વર્ષે જનતાની સામે જવું પડે છે અને જનતા પૂછે તો જવાબ આપવો પડે છે, પણ શું નિયમનકાર તરીકે સેબી કોઈને જવાબ આપવા બંધાયેલી નથી?

પીગુરુસને એવું પણ જાણવા મળ્યું છે કે ઉક્ત બન્ને ગેરરીતિઓ બાબતે કડક પગલાં ભરવામાં આવશે તો બજારમાં અફરાતફરી મચી જશે અને કાનૂની ખટલાઓ મંડાશે એવી દલીલ સેબીએ સરકાર સમક્ષ રજૂ કરી છે. જો સરકાર પોતે દેશમાં પ્રામાણિકતા લાવવા માટે અને સિસ્ટમમાં ફેલાયેલો સડો દૂર કરવા માટે આકરાં પગલાં લઈ રહી હોય તો સેબીએ આવી નબળી દલીલ કરવાનો અર્થ શું? આમ કરવાથી ગુનેગારોને ભાવતું મળી જાય છે અને નિયમનકાર ફક્ત કાગળ પરનો વાઘ બનીને રહી જાય છે.

નોંધનીય છે કે 90ના દાયકામાં સેબીની રચના જ બજારોનાં કૌભાંડો અટકાવવા માટે થઈ હતી. હવે જો એના હોવા છતાં કૌભાંડો સર્જાતાં હોય ત્યારે શું કહેવું?

——————————————-