ડૉ. સુબ્રમણ્યન સ્વામીની વધુ એક સ્ફોટક ટ્વીટઃ પી. ચિદમ્બરમના ખાંધિયાઓને હજી મોદી સરકારમાં ઉંચા હોદ્દા મળી રહ્યા છે!?

પત્રકારત્વ ભણાવતી વખતે આ લખનારે એક વખત વિદ્યાર્થીઓને કહ્યું હતું કે શાસક પક્ષ વિશે કોઈ પણ માહિતી કઢાવવી હોય તો વિપક્ષની પાસે જવું. વિપક્ષો હંમેશાં પત્રકાર માટે સૂત્રો એટલે કે માહિતી પૂરી પાડનારા બની રહે છે. હાલની ડૉ. સુબ્રમણ્યન સ્વામીની એક ટ્વીટ પરથી 20 વર્ષ જૂની આ વાત યાદ આવી ગઈ.

ડૉ. સ્વામી આખાબોલા માણસ છે અને શાસક પક્ષમાં હોય તોપણ વિપક્ષ જેવા જ રહે છે. તેઓ કોઈની સાડાબારી રાખતા નથી. એમની બીજી ખાસિયત એ પણ છે કે કોઈ પૂછે કે ન પૂછે, તેઓ સાચી વાત જાહેર માધ્યમો દ્વારા કહી દેતા હોય છે. ડૉ. સ્વામી ભાજપની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય પણ છે, પરંતુ હાલની જ વાત જુઓ ને! તેમણે 8મી જુલાઈએ ટ્વીટ કરીને લખ્યું કે પી. ચિદમ્બરમના જે ખાંધિયાઓએ નાણાકીય વ્યવસ્થાને બગાડી નાખી તેમને મોદી સરકારમાં પણ ઉંચા હોદ્દાઓ મળી રહ્યા છે.

ભાજપના નેતા હોવા છતાં તેઓ મોદી સરકારની સચ્ચાઈને બહાર લાવ્યા વગર રહી શક્યા નથી. તેમણે જે કંઈ લખ્યું છે તે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે. તેમણે કહ્યા મુજબ પી. ચિદમ્બરમને સ્ટૉક એક્સચેન્જના કામકાજમાં મદદ કરનારા (રમેશ) અભિષેકને સેબીના ચૅરમૅન બનાવવામાં આવે એવી શક્યતા છે. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ) સાથેની ચિદમ્બરમની સાંઠગાંઠ સંબંધે ડૉ. સ્વામી બોલી રહ્યા હોય એ સ્વાભાવિક છે.

નોંધનીય છે કે આ જ એનએસઈના માથે કૉ-લૉકેશન કૌભાંડનું કલંક લાગેલું છે અને સેબીએ તેની સામે કોઈ આકરી કાર્યવાહી કરી નથી. જો ચિદમ્બરમની ગૅંગનો જ માણસ સેબીનો ચૅરમૅન બની જાય તો ‘મોસાળમાં જમણ અને મા પીરસનારી’ જેવો ઘાટ ઘડાયો એમ કહેવાય.

બીજી નોંધપાત્ર બાબત છે કે રમેશ અભિષેક એક સમયે ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના અધ્યક્ષ હતા, પરંતુ તેમણે એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)માં સર્જાયેલી પૅમેન્ટ ક્રાઇસિસને હલ કરવા માટેનાં પગલાં ભરવાને બદલે પી. ચિદમ્બરમના કહેવાથી અને કે. પી. કૃષ્ણનની સાથે મળીને એનએસઈએલની ક્રાઇસિસને વધુ બગાડવાનું કામ કર્યાનો આરોપ છે. અદાલતના આદેશમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે. રમેશ અભિષેક આ કટોકટીને આસાનીથી હલ કરી શક્યા હોત છતાં તેમણે એ કર્યું નહીં, કારણ કે તેઓ એનએસઈએલની પૅરન્ટ કંપની એફટીઆઇએલ (ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ)ની સામે કિન્નાખોરી રાખીને કામ કરી રહ્યા હતા. આ બાબતનો ઉલ્લેખ પીઢ પત્રકાર શાંતનુ ગુહા રેના પુસ્તક – ‘ધ ટાર્ગેટ’માં થયેલો છે. આવી દ્વેષપૂર્ણ વ્યવહાર કરનાર વ્યક્તિને ફરી એક વખત સેબી જેવી સંસ્થાના વડા કેવી રીતે બનાવી શકાય એ મોટો પ્રશ્ન છે.  

ચિદમ્બરમના એનએસઈ સાથેના સંબંધને એક વિદેશી સામયિકે પણ ખૂલ્લો પાડ્યો હોવાનું આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ.

જે કૉંગ્રેસી માણસ આર્થિક કૌભાંડો સંબંધે જેલમાં રહી આવ્યો છે અને હજી જેના નામે ઘણા કેસ બોલી રહ્યા છે એ માણસના ખાંધિયાઓ જો ભાજપની સરકાર હોવા છતાં ઉંચા હોદ્દાઓ સહેલાઈથી મેળવી શકતા હોય તો ડૉ. સ્વામીની વાત બાબતે આંખ આડા કાન કરી શકાય નહીં.

અહીં એક વિગત ટાંકવી આવશ્યક છે. એફટીઆઇએલે (હાલની 63 મૂન્સ ટેક્નૉલૉજીસ) પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણન વિરુદ્ધ 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો માંડ્યો છે. આ બ્લોગના વાંચકો તો સારી રીતે જાણે જ છે કે આ ખટલા સંબંધે રમેશ અભિષેકના બચાવનો કેસ લડવા માટે ભાજપની સરકાર પૈસા આપવા તૈયાર થઈ હતી. દેખીતી વાત છે કે સરકાર આ ખર્ચ કરવા તૈયાર થઈ હોય તો વડા પ્રધાનના કાર્યાલયને તેની જાણ હોય. વડા પ્રધાનના કાર્યાલયની વાત ડૉ. સ્વામીની ટ્વીટમાં પણ આવે છે. તેમણે લખ્યું છે કે વડા પ્રધાનના કાર્યાલયના એક અધિકારી રમેશ અભિષેકની સંભવિત નિમણૂકમાં સહાયક તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે. આ અધિકારી કેબિનેટની નિમણૂક સમિતિ ઘડે છે અને એના નિર્ણયો વડા પ્રધાન પાસે મંજૂર કરાવે છે.

આપણે એનએસઈ સામે ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડે ઊભી કરેલી સ્પર્ધા, એ સ્પર્ધાને કચડી નાખવા માટે પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણને રચેલું કારસ્તાન, એનએસઈનો સતત થઈ રહેલો બચાવ, અભિષેકની અનેક બેનામી સંપત્તિઓનું છૂપું ષડ્યંત્ર, દેશવિરોધી પ્રવૃત્તિઓ સુધી પ્રસરેલી પી. ચિદમ્બરમની જાળ, વગેરે અનેક બાબતો અત્યાર સુધીના બ્લોગ્સમાં વર્ણવી ચૂક્યા છીએ. હવે એ કડીમાં ડૉ. સ્વામીની ટ્વીટ નવું પાસું ઉમેરે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હજી પી. ચિદમ્બરમે ફેલાવેલી જાળમાં છીડું પાડી શક્યા નથી એ પણ ઉક્ત ટ્વીટ પરથી પુરવાર થાય છે. આ ટ્વીટ સંબંધે આવેલા જવાબમાં એક વ્યક્તિએ ચોખ્ખું લખ્યું છે કે પી. ચિદમ્બરમથી લઈને અરુણ જેટલી અને અરુણ જેટલીથી લઈને નિર્મલા સીતારામન, ફક્ત નામ બદલાયાં છે; તેમની પાછળ રહેલા સનદી અધિકારીઓ એના એ જ રહે છે. વડા પ્રધાનો પણ બદલાય છે, પણ આ અધિકારીઓ, જેઓ સિસ્ટમ પર વર્ચસ્ ધરાવે છે, એમનું જ હંમેશાં ચાલતું આવ્યું છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે છ વર્ષ થયા બાદ પણ મોદી સરકાર અમલદારશાહી, ન્યાયતંત્ર અને ભાજપમાંના કૉંગ્રેસતરફી માણસોને શોધી શકી નથી.  

આવા સંજોગોમાં એક ગુજરાતી વ્યક્તિએ લખેલી ટ્વીટ તરફ ચોક્કસ ધ્યાન જાય છે. તેઓ કહે છે, મોદી સરકાર તમામ સ્તરેથી ચોખ્ખી થઈ જાય તો સારું, અન્યથા વડા પ્રધાનની આકરી મહેનત તથા તેમની પ્રામાણિક છાપને નુકસાન થવાની શક્યતા છે.

(રમેશ અભિષેકની કેટલીક સચ્ચાઈઓ દર્શાવતો આ વિડિયો પણ ઘણો જાણીતો છેઃ https://youtu.be/7PMz2vbdxB0)

———————————–

કોરોનાના રોગચાળાની પરિસ્થિતિમાં સરકારોએ અને નાગરિકોએ ગાંધીજીના આદર્શોનું પાલન કરીને સમાજને બહેતર બનાવવો જોઈએ

ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચારને મહત્ત્વ આપતા રામચંદ્ર પાંડા

(ઓરિસાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર શ્રી રામચંદ્ર પાંડાના ઇન્ટરવ્યૂ પર આધારિત લેખનો ભાગ -2)

શ્રી રામચંદ્ર પાંડા

ભારતમાં હજી 1 કરોડ લોકો ઢોરઉછેર અને મત્સ્યોદ્યોગમાં રોજગાર પામી શકે છે. ફૂડ પ્રોસેસિંગ, વસ્ત્ર નિર્માણ, કાર્પેટ મેકિંગ, માટીકામ, ચામડું પકવવું, ઝાડુ અને દોરડા બનાવવા, સુથારકામ, ટોપલી બનાવવી, વગેરે જેવાં કામો દ્વારા કુટિર ઉદ્યોગને દેશમાં ફરીથી સક્રિય કરી શકાય છે. ઓરિસા વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર રામચંદ્ર પાંડાએ આ મત વ્યક્ત કર્યો છે.

તેઓ કહે છે કે વાંસની મદદથી ખુરશીઓ, ઘરવપરાશની બીજી અનેક વસ્તુઓ તથા હસ્તકળાની વસ્તુઓનું નિર્માણ શક્ય બને છે. વાંસનાં પાન બકરીથી માંડીને હાથી સુધીનાં અનેક પ્રાણીઓ માટે ખોરાક બને છે. હાથીઓ ખોરાકની શોધમાં મનુષ્યોની વસાહતોમાં પહોંચે છે ત્યારે સમસ્યા સર્જાય છે. આથી વનોમાં વાંસ ઉગાડીને હાથીઓ માટે ત્યાં જ ખોરાકની વ્યવસ્થા કરી દેવી જોઈએ. જંગલ ઉપરાંત તળેટીઓમાં અને નદીકિનારે પણ વાંસ ઉગાડવા જોઈએ જેથી પશુઆહાર અને કુટિર ઉદ્યોગ બન્નેનું કામ થઈ જાય.

પાંડા કહે છે કે દરેક ગામમાં એક ટીંબો હોવો જોઈએ, જેમાં ફળનાં 500 ઝાડનો ઉછેર કરી શકાય. જગ્યા અને જળના આધારે એ ઉપવન ઉગાડવું જોઈએ. તેનાથી દરેક ગામમાં પર્યાવરણનું રક્ષણ થઈ શકશે. જો દરેક ગામ ઘઉં, ચોખા, દૂધ, શાકભાજી એ બધી વસ્તુઓની બાબતે આત્મનિર્ભર બની જશે તો ગામોમાંથી શહેરોમાં થતી હિજરતને રોકી શકાશે. ગાંધીજી આ જ રીતે દરેક ગામને આત્મનિર્ભર બનાવવા માગતા હતા.

તેમણે ગ્રામ સ્વરાજનો વિચાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે દરેક ગામમાં ખોરાક અને વસ્ત્રોનું સ્થાનિક સ્તરે જ ઉત્પાદન થવું જોઈએ. એ ઉપરાંત ગામમાં પોતાનું પશુધન અને નાના-મોટા લોકો માટે મનોરંજન અને ખેલકૂદની જગ્યા હોવી જોઈએ. દરેક ગામમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા ઉપરાંત શાળા અને જાહેર સભાખંડ હોવો જોઈએ.

રામચંદ્ર પાંડા કહે છે કે કોરોનાના રોગચાળાની પરિસ્થિતિમાં સરકારોએ અને નાગરિકોએ ગાંધીજીના આદર્શોનું પાલન કરીને સમાજને બહેતર બનાવવો જોઈએ.

કૃષિ ક્ષેત્રે આજની તારીખે કયાં પરિબળો નડતરરૂપ બને છે એ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ખેડૂતોને બિયારણ, પાણી અને વીજળીની ખાસ જરૂર હોય છે.

ઓરિસામાં નદીઓના જોડાણના પ્રોજેક્ટ માટે હંમેશાં સક્રિય રહેલા આ ભૂતપૂર્વ વિધાનસભ્ય કહે છે કે નદીના પટના વિસ્તારોમાં જો ખેડૂતોને નિઃશુલ્ક વીજળી આપવામાં આવે તો ખેડાણ વધારી શકાય છે. ભારતમાં નદીની સંસ્કૃતિ છે, પરંતુ મોટાભાગની નદીઓ સૂકી હોય છે અથવા ચારથી પાંચ મહિના સુધી ઘણું ઓછું પાણી હોય છે. તેનું કારણ પર્યાવરણને થયેલું નુકસાન છે. આવી સ્થિતિમાં જળસંચયનું કામ થવું જોઈએ. ઉપરથી નીચે વહેતા નદીના પ્રવાહ પર થોડી ઉંચાઈના ચેક ડેમ અને નાળાં બનાવી શકાય, જેથી સિંચાઈ માટે અને ગ્રામજનો તથા ઢોરો માટે પાણી મળી રહે. અમુક લોકોનું કહેવું છે કે વાય. એસ. રેડ્ડી સંયુક્ત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા એ સમયે એમણે ચેક ડેમ બનાવવા માટે સારી મહેનત લીધી હતી, જેને લીધે એમની લોકપ્રિયતા વધી હતી.

દેશના રાજકારણીઓએ દરેક ગામને સંપૂર્ણ સ્વરાજ અને આત્મનિર્ભર બનાવવાના ગાંધીજીના વિચારનો અમલ કર્યો નહીં એ એક મોટી ખામી રહી ગઈ. હવે જળસંચય અને વનીકરણને પ્રાથમિકતા આપવી જોઈએ, એમ તેમણે કહ્યું છે.

એક સૂચન કરતાં રામચંદ્ર પાંડાએ કહ્યું છે કે ખેડૂતોને વીજળી મફત આપવામાં આવે તો 500 કરોડ રૂપિયાની સરકારી આવક જતી રહે, પરંતુ કૃષિના હિતમાં એ નિર્ણય લેવાવો જોઈએ. આ રકમ વ્યર્થ નહીં જાય. તેનાથી ખેતી માટેની કાયમી માળખાકીય સુવિધા ઊભી થશે.

આપણે યોજનાઓ ઘડવામાં હોંશિયાર છીએ, પરંતુ તેનો અમલ કરવામાં નબળા છીએ, એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે આજે પણ આપણે ખાદ્યતેલની આયાત કરવી પડી રહી છે. આપણે વિશાળ દરિયાઈ પટા પર મગફળી, તલ, સરસવ, સૂર્યમુખી અને પામ ફ્રૂટનું ઉત્પાદન બમણું કરવા સમર્થ છીએ. આ રીતે આપણે ખાદ્યતેલની બાબતે આત્મનિર્ભર બની શકીએ છીએ. એક સમયે દરેક ગામમાં ઘાણીઓ હતી. આપણે તેમનું રક્ષણ કરી શક્યા નહીં, કારણ કે કુટિર ઉદ્યોગનું જ આપણે રક્ષણ કર્યું નથી.

જાહેર ક્ષેત્રની વાત કરતાં તેમણે કહ્યું હતું કે તેના 60થી 70 ટકા કોલ્ડ સ્ટોરેજ નકામાં થઈ ગયાં છે. તેને કારણે આપણાં ફળ-શાકભાજીનો 20 ટકા બગાડ થાય છે. સરકારે દરેક બ્લોકમાં કૂલિંગ ચેમ્બરની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી સ્થાનિક સ્તરે કૃષિપેદાશોની સાચવણી થઈ શકે. એ ચેમ્બરોનો વહીવટ સ્વયં સહાય જૂથોને સોંપવામાં આવવો જોઈએ.

————————————————

દરેક ખેતરને પૂરતું પાણી મળવા લાગે તો આશરે પાંચ કરોડ શ્રમિકોને કૃષિ ક્ષેત્રે રોજગાર મળી શકે છે

(ઓરિસાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર શ્રી રામચંદ્ર પાંડાના ઇન્ટરવ્યૂ પર આધારિત લેખનો ભાગ -1)

શ્રી રામચંદ્ર પાંડા
સૌજન્ય :ધ ટ્રિબ્યુન

ભારતમાં પાંચ દાયકા પૂર્વે પૂરતો અને સમયસરનો વરસાદ પડતો અને ખેડૂતો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર સમયસર વાવણી કરતા, પરંતુ આજની તારીખે ચોમાસું વરસાદનો ચોક્કસ સમયગાળો રહ્યો નથી. આવા સમયે વૈશ્વિક બેન્કના અહેવાલ મુજબ ભારતમાં માત્ર 35 ટકા ખેતીની જમીન પર સિંચાઈ થાય છે. ખેડૂતોને પાણી ઉપરાંત વીજળી, ખાતર, મજૂરોને લગતી સમસ્યાઓ સતાવે છે. જો સરકાર દરેક ખેતરને પૂરતું પાણી મળી રહે એવી વ્યવસ્થા કરી શકે તો દેશમાં 500 લાખ હેક્ટર જમીનને રવી વાવેતર હેઠળ લાવી શકાય છે.

પાંડાએ એક મુલાકાતમાં જણાવ્યા મુજબ હાલમાં કોરોનાને કારણે શહેરોમાંથી હિજરત કરીને આવેલા શ્રમિકોને સંબંધિત રાજ્ય ખેતીમાં રોજગાર અપાવી શકે છે. જો દરેક ખેતરને પૂરતું પાણી મળવા લાગે તો આશરે પાંચ કરોડ શ્રમિકોને કૃષિ ક્ષેત્રે રોજગાર મળી શકે છે. ફળ અને શાકભાજી માટે વિદેશમાં ઘણી માગ છે. ભારતીય રાજ્યો હોર્ટિકલ્ચરને તથા આદિવાસી વિસ્તારોની બીજી વન્ય પેદાશોને પ્રાથમિકતાના ધોરણે પ્રોત્સાહન આપે તો દેશ-વિદેશમાં તેની ઘણી માગ ઊભી થઈ શકે છે. આ વાતનું એક ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે ભારતમાં કાજુ અને કેરીના બાગ ઘણા મોટા પ્રમાણમાં છે, પરંતુ તેનું કોમર્શિયલ ધોરણે ઉત્પાદન અને માર્કેટિંગ થતું નથી. ફળ અને શાકભાજીને તાજાં રાખવા માટેનાં કૂલિંગ ચેમ્બરની વ્યવસ્થા ભારતમાં નહીં હોવાને લીધે આપણે વિદેશમાં સારી માગ ધરાવતી આ વસ્તુઓની નિકાસ વધારી શકતા નથી. જો સરકાર હોર્ટિકલ્ચર (બાગાયતી ખેતી)ને પ્રોત્સાહન આપશે અને તેના માટે યોગ્ય યોજનાઓ ઘડશે તો ઘણી મોટી સંખ્યામાં લોકોને તેમાં રોજગાર મળી શકે છે. ગ્રેડિંગ, પેકેજિંગ જેવી ફૂડ પ્રોસેસિંગની પ્રવૃત્તિઓ દ્વારા રોજગારનું સર્જન થઈ શકે છે. આ પ્રોસેસિંગ, પેકેજિંગ, વગેરે કામો ગામોમાં સ્વયં સહાય જૂથો (સેલ્ફ હેલ્પ ગ્રુપ) મારફતે અથવા ખાનગી-સરકારી ક્ષેત્રના સહયોગ (પ્રાઇવેટ-પબ્લિક પાર્ટનરશિપ)થી થઈ શકે છે. તેને પગલે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકોનું સર્જન થશે.

ઉપરોક્ત મત ઓરિસા વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર રામચંદ્ર પાંડાએ વ્યક્ત કર્યો છે.

એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું છે કે ભારતમાં આજની તારીખે પણ કૃષિ ક્ષેત્ર આશરે 60 ટકા લોકોને રોજગાર પૂરા પાડે છે. હાલમાં કોરોના રોગચાળાને કારણે શહેરોમાંથી પાછા વતન ભણી ગયેલા લોકોને પણ આ ક્ષેત્ર રોજગાર આપીને રોજગારની ટકાવારી 60થી વધારીને 70ની કરી શકાય છે. જો કે, તેના માટે કેટલાંક પગલાં ભરવાની આવશ્યકતા છે.

રામચંદ્ર પાંડા કહે છે કે દેશની આઝાદીનાં 73 વર્ષ બાદ પણ 65 ટકા ખેડાણલાયક જમીન પર માત્ર બે પાક લેવામાં આવે છે. આપણે વધુ પાક લેવા બાબતે વિચારવું જોઈએ.

આ ભૂતપૂર્વ વિધાનસભ્ય ખેડૂતોના પ્રશ્નો માટે સતત જાગરૂક રહે છે. તેઓ કહે છે કે ખેતીમાં વીજળી, ખાતર, મજૂરીનો ખર્ચ ઘણો વધી રહ્યો હોવાથી ખેડૂતોને તકલીફ પડી રહી છે. ખેડૂતો ડાંગર અને ઘઉંનો પાક તો લઈ જ રહ્યા છે, હવે ડેરી ઉદ્યોગ, મત્સ્યોદ્યોગ, વન આધારિત ઉદ્યોગ વિકસાવવાની જરૂર છે.

આશ્ચર્યની વાત એ છે કે ભારત ડેરી ક્ષેત્રે વિશ્વભરમાં અવ્વલ છે, પરંતુ દૂધ ઉત્પાદનની વૈશ્વિક સરેરાશ (275 ગ્રામ) કરતાં અડધા સ્તરે પણ પહોંચી શક્યું નથી. જો અડધી ક્ષમતા સાથે પણ દેશ પ્રથમ ક્રમાંકે હોય તો પૂરેપૂરી ક્ષમતા સાથે તેની શક્તિ કેટલી મોટી કહેવાય!

રામચંદ્ર પાંડાએ જણાવ્યા મુજબ સરકારે કોન્ટ્રેક્ટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે તેનાથી વધારાની 10 ટકા ખેડાણલાયક જમીન પર ખેતી થવા લાગી શકે છે. અત્યાર સુધી ખેડૂતો કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરવા માટે અચકાતા હતા, પરંતુ હવે સરકારે જમીનના અધિકારોનું રક્ષણ કરવાની ખાતરી આપી દીધી હોવાથી ખેડૂતો અને જમીનધારકો કોન્ટ્રેક્ટ ફાર્મિંગ માટે આગળ આવી શકે છે. તેને પગલે દેશમાં રોજગાર સર્જન થવાની સાથે સાથે ઉત્પાદન વધશે અને ખેતીનો વધુ સારી રીતે વિકાસ થઈ શકશે.

————————————-

કોરોનાથી નહીં ડરવાનાં આ રહ્યાં કારણો!

લેખકઃ જયેશ ચિતલિયા (કોરોનામાંથી સાજા થયેલા જાણીતા આર્થિક પત્રકાર)

કોરોનાના વિષયમાં થયેલા અનુભવોના આધારે જાહેર હિતમાં કેટલીક સીધી અને સ્પષ્ટ વાતો. 

કોરોનાથી ડરો નહીં એવી વાતો કે પ્રચાર બહુ થયા, પરંતુ આ હકીકતને બરાબર સમજવી જરૂરી છે. માત્ર વાતોથી કંઈ થતું નથી. આ હકીકત એ જ વ્યક્તિ સમજાવી શકે કે કહી શકે, જે આ અનુભવમાંથી પસાર થઈ હોય. કોરોના રોગ જેટલો ગંભીર નથી તેનાથી વધુ તેનો ડર, તેના વિશેની ભ્રમણા કે માન્યતા ગંભીર છે, જેણે લોકોમાં ભયંકર હદે હાઉ ઊભો કર્યો છે. આનું કારણ ઇન્ફેક્શન (ચેપ)નો ભય છે તેમ જ આ જેને થાય છે ત્યારે તેની સારવાર દરમ્યાન કેટલીક જરાય ન ગમે તેવી બાબતોમાંથી પસાર થવું પડે છે. દર્દીની નજીક જવાય નહીં, પરિવારજનો, સ્વજનો-પ્રિયજનો પણ તેની પાસે જઈ શકે નહીં. કોરોનાની આ જ સૌથી કડવી અને કરુણ બાબત છે. બાકી, કોરોના સરળ અને સાદી માંદગી છે, જે માત્ર ચોક્કસ દિવસોમાં વિદાય પણ લઈ લે છે. જો કે, આ વાઈરસ પ્રત્યે બેફિકર કે બેદરકાર થઈ જવું જોઈએ નહીં. દરેકે પોતાનું અને બીજાનું પણ પ્રોટેક્શન થાય એનું ધ્યાન રાખવું જોઈએ.

સારવાર દરમ્યાનની એકલતા

દર્દીને સારવાર દરમ્યાન સંપૂર્ણપણે એકલો પાડી દેવામાં આવે છે, તેની પાસે ડૉક્ટર કે નર્સ પણ જાય તો ચોક્કસ ડ્રેસ કિટ જેવાં પ્રોટેકશન પહેરીને જ જઈ શકે. જે દર્દીને ખૂબ જ તીવ્ર અસર થઈ હોય એ કેસમાં જ તેને હૉસ્પિટલમાં દાખલ કરવો જરૂરી બને છે, અન્યથા તેને આઇસોલેશન સેન્ટરમાં રાખીને પણ સારવાર થઈ શકે છે. આ બંને જગ્યાએ દર્દીને સારવારની આવશ્યકતા પડે છે, પરંતુ હૉસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીની સ્થિતિ વધુ કથળી હોય તો તેને ઓક્સિજન આપવો પડે છે, વેન્ટીલેટર પર મૂકવો પડે છે, અન્ય સારવાર કરવી પડે છે. જેવી જેની એક્યુટનેસ અથવા સેચ્યુરેશન. આમાં ફેફસાં પર અસર થતી હોવાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. બાકી, આ રોગ એક તાવ, ફ્લુ કે શરદી-ખાંસી જેવો સરળ છે, રોગ અત્યંત વિકટ સંજોગોમાં જ જીવલેણ બને છે.

નોંધનીય છે કે 80થી 90 વરસની વયના લોકો પણ સાજા થઈને પાછાં ફર્યા છે.

બીએમસી અને મિત્રો-સ્વજનોની મહત્ત્વની ભૂમિકા

અહીં એ નોંધવું જરૂરી છે કે બીએમસી (પાલિકા)ના તબીબી સેવા સાથે સંકળાયેલા ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ કેટલાય અભાવ અને ગેરવ્યવસ્થા વચ્ચે મહત્ત્વની કામગીરી બજાવી રહ્યા છે. એટલું જ નહીં, સફાઈ કામદારો પણ સારી કામગીરી કરી સમાજને ખરા સમયે ખરી સેવા આપી રહ્યા છે.

તમે જ્યાં રહેતા હો એ સોસાયટીના સભ્યોનો સહયોગ પણ તમારી રિકવરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અલબત્ત, પરિવારજનોના સ્નેહ અને સાથનું પણ અદકેરું મૂલ્ય રહે છે. અને હા, મિત્રોની બાબતમાં હું ધનવાન પહેલેથી રહ્યો છું. આ વખતે વધુ સંપત્તિવાન બની ગયો, કારણ કે સોશ્યલ ડિસ્ટન્સિંગ વચ્ચે ઈમોશનલ નીઅરનેસ (ભાવનાત્મક નિકટતા) સાથે સતત મજબૂત બની ઊભા રહ્યા. એટલું જ નહીં, તેમની લાગણીનું મૂલ્ય કઈ રીતે આંકી શકું?

મારી સોસાયટીના સભ્યોની લાગણી-સ્નેહ પણ સતત ટેકો બની રહ્યા. આ બધાં પરિબળો પણ કોરોનાના ઉપચારના ભાગરૂપ ચોક્કસ ગણી શકાય. આ બધાંને વંદન કરવાનું બને છે.

ભય અને તેનો પ્રચાર વધુ ગંભીર

અહીં મને એ કહેવું જરૂરી લાગે છે કે આ રોગ કરતાં તેનો ભય વધુ ગંભીર બનીને ફેલાયો છે. તેના વધુપડતા પ્રચારે વાતનું વતેસર કર્યુ છે. સોશ્યલ મીડિયાએ સારી-નરસી બંને ભૂમિકા ભજવી છે, જેમાં કઠણાઈ એ છે કે લોકો નકારાત્મક બાબત વધુ પકડે છે, ફેલાવે છે. બીજી બાજુ, સાચી બાબત સામે સવાલ અને શંકા ઊઠાવાય છે.

તો, એટલું કહેવાનું કે ડરો નહીં અને બીજાને ડરાવો પણ નહીં. સાંભળેલી વાતોના આધારે કંઈ ન કહો, માત્ર તમારા અનુભવના આધારે જ કહો. તેમાં પણ જજમેન્ટ સ્વરૂપે અથવા આમ જ થાય એવા દાવાથી વાત ન કરો. કેમ કે દરેક કેસમાં અનુભવમાં ફરક હોઈ શકે છે.

કોરોના પોઝિટિવ થયા તો પેનિકમાં ન આવો

અંગત અનુભવને આધારે કહેવું છે કે તમે કોરોના પોઝિટિવ થઈ જાવ તો  એકદમથી ટેન્શનમાં આવવું નહીં. પેનિક થવું નહી, પોઝિટિવ આવ્યા છો તો તેના પ્રત્યે વધુ પોઝિટિવ રહો. પહેલી વાત તો એ કે માત્ર દર્દીની ગંભીરતાના આધારે તેને ડૉક્ટરની સલાહ સાથે હૉસ્પિટલાઈઝ કરવો પડે છે, અન્યથા તેનો ઉપચાર હોમ ક્વોરન્ટાઇન સ્વરૂપે ઘેર બેઠાં કરાવી શકાય છે, જેમાં તમે 14 દિવસ ઘરમાં જ રહી ઉપચાર કરાવી શકો છો. જેની પાસે રહેવાની સગવડ પર્યાપ્ત ન હોય, ઘર નાનું હોય અને તેમાં વધુ સભ્યો હોય તો હૉસ્પિટલમાં કે આઇસોલેશન સેન્ટરમાં જવું પડે તો વાત જુદી છે. ડૉક્ટરો બહુ સરળતાથી તમને ઘરમાં જ સારવાર આપી શકે છે. તમારી સાથે રોજ ફોન પર વાતચીત કરીને માર્ગદર્શન આપી શકે છે. મારાં પત્ની સ્વાતિની આ રીતની સારવાર બોરીવલી મેડિકલ બ્રધરહૂડના તબીબોએ દરરોજ સારી રીતે વાજબી દરે માર્ગદર્શન આપીને કરી હતી. તમે પ્રત્યક્ષ ડૉક્ટર સામે હો એ રીતે વિડિયો કોલ દ્વારા તપાસ અને સલાહ આપવામાં આવે છે. આ કોર્સ માત્ર પાંચ દિવસનો હોય છે. આમાં દવા પણ મર્યાદિત હોય છે. આ રીતે સારવાર આપનારા ડૉક્ટરો પણ દરદીનું મનોબળ વધારવાનું કામ કરતા હોય છે.

ઘરગથ્થુ ઉપચાર પણ મહત્ત્વનો

અનુભવના આધારે કહેવાનું કે તમારા પોતાના ઘરગથ્થુ ઉપચાર તરીકે દિવસમાં બેથી ત્રણ વાર સ્ટીમ લેવી જોઈએ, જેને આપણે નાસ લેવાનું કહી શકીએ. લીંબુ-પાણી પીવું જોઈએ, હળદરવાળું ગરમ પાણી પીવું જોઈએ, સૂંઠની ગોળી ચુસતાં રહેવું જોઈએ, દિવસમાં બે વાર મીઠું નાખેલા ગરમ પાણીના કોગળા કરવા જોઈએ, રાતે સૂતાં પહેલાં હળદરવાળું દૂધ પીવું જોઈએ.

આ સાથે ડૉક્ટરની સલાહ મુજબ વિટામિનની ગોળી કે અન્ય દવા લેતાં રહેવું જોઈએ. પ્રાણાયામ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવી, તમારું ઓક્સિજન લેવલ  દિવસમાં ચારથી પાંચ વાર ચેક કરતાં રહેવું. આના માટે એક આંગળી જેટલું મશીન પલ્સઓક્સિમીટર આવે છે, જે વસાવી લેવું પડે. તમારું ઓક્સિજન લેવલ 95થી 100ની વચ્ચે રહેતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, જો 94થી વધુ નીચે ચાલ્યું જાય તો તેને ચેતવણી સમજવી, પણ પેનિક થવાનું નહીં. તમે તરત ડૉક્ટરનો સંપર્ક કરીને ઓક્સિજનની સુવિધા અને જરૂરી સારવાર મેળવી શકો છો. સંભવતઃ એ માટે હૉસ્પિટલમાં જવું પણ પડે, હવે તો ઘરે પણ આ સુવિધા મળે છે.

કોરોના દર્દીની સૌથી મોટી કરુણતા

અહીં 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં કે આઇસોલેશનમાં કે હૉસ્પિટલમાં દર્દીને રાખવાનું કારણ એ છે કે આટલા દિવસ જ કોરોનાના વાઈરસ દર્દીના શરીરમાં રહે છે. એ પછી પણ કોઈ કેસમાં રહે તો ય અમુક દિવસ બાદ એ ચેપી નથી બનતા, અર્થાત્ નોન-ઈન્ફેકશનવાળા થઈ જાય છે.  ત્યાર બાદ દર્દીએ પોતે કે તેના ચેપ લાગવાનો ભય ધરાવતા લોકોએ પણ ગભરાવાની જરૂર રહેતી નથી. મારાં બા અને મારી પત્નીનાં બાને બંનેને પોઝિટિવ રિપોર્ટ આવતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાનું થયું હતું, પરંતુ એનું કારણ કોરોના કરતાં તેમની ઉંમરને લીધે ઊભી થતી શારીરિક સમસ્યા વધુ હતું. એ બંને જણાએ (ઉંમર અનુક્રમે 89 અને 76 વર્ષ) હૉસ્પિટલમાં એકલા રહેવું પડ્યું તેની પીડા પૂર્ણ પરિવારને હતી, કેમ કે પરિવારના કે અન્ય કોઈને તેમને મળવા અપાતું નહીં. તેઓ સાવ જ એકલાં એક રૂમમાં રહેતાં હતાં. આ ઉંમરે આવી એકલતા વધુ પીડા આપે છે. હું અને મારી પત્ની સ્વાતિ બંને પોઝિટિવ હોમ ક્વોરન્ટાઈન હતાં. જો કે આ બંને સીનિયર સિટિઝન પાછાં ઘરે પણ આવી ગયાં છે.

લોકોની બદલાતી દૃષ્ટિનું દર્દ

કોરોના દર્દીનું બીજું સૌથી મોટું દુઃખ કે રંજ તેના પ્રત્યેની સમાજની, આસપાસના લોકોની બદલાઈ જતી દૃષ્ટિ અને અભિગમ છે. જાણે કોરોના થયો તો એ માણસે મોટો અપરાધ કે પાપ કર્યા હોય! તેના પ્રત્યે કરુણાભાવ રાખવાને બદલે તેને જુદી નજરથી જોવાનું શરૂ કરાય છે. લોકો ત્યારે એ ભૂલી જાય છે કે આ રોગ કોઈને પણ, ક્યારે પણ થઈ શકે છે. આ વાઈરસ એક્ઝેક્ટલી ક્યાંથી અને કઈ રીતે આવે છે એની સ્પષ્ટ સમજ હજી કોઈને થઈ હોય એવું જણાતું નથી, માત્ર લોકો ધારણા બાંધે છે, જેમાં ગેરસમજ પણ ફેલાય છે. ઘણાને તો આ વાઈરસ આવ્યા હશે, તેણે ટેસ્ટ પણ નહીં કરાવી હોય અને કોઈપણ અસર વિના વાઈરસ ચાલ્યા પણ ગયા હશે. જેની જેવી ઇમ્યુનિટી સિસ્ટમ. અત્યારે પણ અનેક લોકો આ વાઇરસ લઈને ફરતા હશે. બની શકે કે તેમને એનાથી કંઈ ન થાય, કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. તેમની અસર તેમની નજીકના લોકોને થઈ શકે; થાય જ એ જરૂરી નથી.

સબક અને સ્વસ્થતા આપી

કોરોનાનો સામનો માણસ પોતાની સકારાત્મકતાથી પણ સહેલાઈથી કરી શકે છે. જો તેના પ્રત્યે નેગેટિવ થયા કે પેનિકમાં આવી ગયા તો મૂંઝવણ અને ભય વધશે.

બાય ધ વે, કોરોનાએ આપણને સ્વસ્થતાની બાબતમાં ઘણી શીખ આપી છે, જેને કોરોનાની વિદાય બાદ પણ સાચવી રાખવાની જરૂર રહેશે. શરીરની તંદુરસ્તી માટે આ બાબત આવશ્યક છે અને રહેશે. એક પોઝિટિવ અભિગમ એવો પણ રાખી શકાય કે કોરોના સજા કરવા આવ્યો નથી, કોરોના આપણને સબક સાથે શુદ્ધ અને સ્વસ્થ બનાવવા આવ્યો છે. કોરોનાનો અનુભવ લીધા બાદ આ કહ્યું છે.

મારી બધી જ વાત બરાબર છે એવો કોઈ દાવો કરતો નથી, માત્ર મારો અનુભવ તમારી સાથે વહેંચ્યો છે. તમને જેટલું ઠીક લાગે તે અપનાવો, બાકીનું છોડી દો યા ભૂલી જાવ….

————————— 

કોરોનાએ આપેલી નવી દૃષ્ટિનો ઉપયોગ કરીને હવે રાસાયણિક ખાતરોથી ધરતીને બચાવી શરીરને રોગમુક્ત કરો

ગાય આધારિત ખેતી અને જૈવિક ખેતીને અપનાવીને ધરતી અને માનવજીવનને બચાવવાની મહામૂલી જવાબદારી હવે કોરોના સંકટ પછી ખેડૂતોએ નિભાવવી પડશે

લેખકઃ મયૂર મહેતા (કોમોડિટી ક્ષેત્રના નિષ્ણાત અને કોમોડિટી વર્લ્ડ અખબારના તંત્રી)

દુનિયામાં આધુનિકીકરણ થયું તે જ રીતે ખેતીનું પણ ઝડપી આધુનિકીકરણ થવા લાગતાં ખેડૂત આપણાં શાસ્ત્રોમાં દર્શાવેલા રસ્તાઓથી દૂર જઇને વધુ ઉત્પાદન મેળવવા આંધળુકિયું કરવા લાગ્યો. આવા આંધળુકિયાને કારણે આજની ખેતી ઝેર બની ગઇ છે. રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓને કારણે ખેડૂત રાત-દિવસ મહેનત કરીને જે પાક ઉગાડે છે તેનાથી આપણા બધાનું શરીર હવે દિવસે ને દિવસે અનેક રોગોનું ઘર બની ગયું છે. કૅન્સર, હૃદયરોગ, લિવરના રોગ, કિડનીના રોગનું પ્રમાણ રાત-દિવસ વધી રહ્યું છે. તેના માટે ખેતીમાં વપરાતાં બેફામ રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓ જવાબદાર છે.

અત્યારે જંતુનાશક દવાઓ બનાવતી કંપનીઓ એકબીજાથી હરિફાઇમાં આગળ આવવા નીતનવાં ઝેરી કેમિકલો વાપરીને ખેડૂતોને લલચાવીને પધરાવે છે, પણ આ જંતુનાશક દવાઓના ડોઝ એટલી હદે ઝેરી હોય છે કે તેનો ઉપયોગ કરવાથી આપણી જમીનનું હીર ચુસાઇ જાય છે અને આ દવાઓના છંટકાવ બાદ જે ખેતપેદાશો ઉત્પન્ન થાય છે તેનો ઉપયોગ કરવાથી હું અને તમે ન ધારેલા રોગના શિકાર બની રહ્યા છીએ.

ખેડૂતો જગતના તાત છે ત્યારે મારા જગતાત, બે હાથ જોડીને વિનંતી છે કે આવાં ખતરનાક અને જિંદગી ઝેર કરી નાખે તેવાં રાસાયણિક ખાતરો અને કાતિલ ઝેર ફૂંકતી જંતુનાશક દવાઓથી આપણી ધરતી માને બચાવવાનો સમય આવી ચૂક્યો છે. આપણી ધરતીની ફળદ્રુપતા ઝેરી દવાઓના વધુપડતા ઉપયોગથી ખતમ થઇ રહી છે. ધરતી અને આપણું શરીર હવે કુદરતે આપેલી શક્તિને ગુમાવી રહ્યાં છે.  

જંતુનાશક દવાઓના વધુપડતા ઉપયોગથી શું નુકશાન થાય તે ઉદાહરણ સાથે સમજીએઃ તમને માથું દુખે છે ડૉક્ટરે એક ગોળી લેવાનું કહેવા છતાં તમે બે ગોળી લઈ લો અને આવું અનેક વખત થાય ત્યારે થોડા સમય પછી તમે બે ગોળી લેશો તો પણ તમારું માથું નહીં ઉતરે. એવા વખતે તમારે ત્રણ ગોળી લેવી પડશે. માથાના દુ:ખાવાની વધારેપડતી ગોળી લેવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને એક તબક્કે ગમે તેટલી ગોળી લો પણ તમને માથાનો દુ:ખાવો મટતો નથી. આવું જ ધરતી માતાનું છે. વૈજ્ઞાનિકો જ્યારે તમને કોઇપણ દવા માત્ર એક જ થેલી કે એક જ ગ્લાસ છોડ પર છાંટવાનું કહે પણ દવા વેચનારી કંપનીને તો ધંધો કરવો હોય એટલે તે ખેડૂતને એક ને બદલે બે થેલી કે બે ગ્લાસ છાંટવાનું કહે અને વગર વિચાર્યે આપણે દવાની કંપનીના માણસ કહે તેમ કરીએ ત્યારે આપણે ‘ધરતી માતા’ને ઘણું મોટું નુકશાન પહોંચાડીએ છીએ. આ બાબતે હવે ખેડૂતોએ ગંભીરતાથી વિચારવું પડશે.

આપણે પૂર્વજો કહી ગયા છીએ એ છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટનો ઉપયોગ કરીશું તો ધરતીનું સત્ત્વ ટકી રહેશે. ઉભા પાકને વિવિધ રોગ અને જિવાતથી બચાવવા ઝેરી જંતુનાશક દવાઓને બદલે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ, વગેરેનો ઉપયોગ કરીએ કે જેથી આપણે જે પકવીએ છીએ તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ એમ ને એમ રહે.

કૃષિ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે રાસાયણિક ખાતરથી જે ઉગાડ્યું હોય તેની સરખામણીમાં સજીવ કે જૈવિક ખેતીથી જે ઉગાડ્યું હોય તેમાં 63 ટકા વધુ કેલ્શિયમ, 73 ટકા વધુ લોહતત્ત્વ, 91 ટકા વધુ ફોસ્ફરસ, 125 ટકા વધુ પોટેશિયમ અને 60 ટકા વધુ જસત મળે છે. આ તમામ ખનિજતત્વો મારા-તમારા શરીરને અનેક રોગો સામે લડવાની આંતરિક શક્તિ આપે છે.

કોરોનાના કાળમાં આપણે સાંભળીએ છીએ કે કોઇને કોરોના દવા વગર માત્ર શરીરની અંદર રહેલી રોગપ્રતિકારક શક્તિથી દૂર થઇ જાય છે. કુદરતે મને-તમને બધાને કુદરતી રોગપ્રતિકારક શક્તિ આપી છે. આપણા જ શરીરમાં રહેલી આ રોગપ્રતિકારક શક્તિ ગમે તેવા રોગ સામે લડવા સક્ષમ છે પણ આજકાલનાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓમાં પકવેલી ખેતપેદાશો આપણા શરીરમાં જઇને મારી-તમારી રોગપ્રતિકારક શક્તિને બુઠ્ઠી બનાવી દે છે, જેને કારણે આપણે જીવલેણ રોગો સામે રક્ષણ મેળવી શકતા નથી.

રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો વધુપડતો ઉપયોગ કરવાથી થયેલા ફેરફારો આપણને સામે જ દેખાઇ રહ્યા છે. કપાસમાં ગુલાબી ઇયળ, રાક્ષસી ઇયળોનો ત્રાસ પહેલાં આટલો નહોતો, જેટલો આજે જોવા મળી રહ્યો છે. દર વર્ષે ખેતપેદાશોમાં રોગ અને જિવાતનું પ્રમાણ છાશવારે વધતું જોવા મળે છે આ દૂષણ માત્ર ને માત્ર વધુ રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓના વધુપડતા ઉપયોગને કારણે માથું ઉંચકી રહ્યું છે.

ભારતમાં ઝેરી જંતુનાશક દવાઓનો વધુપડતો ઉપયોગ થવાને પગલે જીરાની વૈશ્વિક માર્કેટમાં ટચુકડાં તુર્કી-સીરિયા ભારતને હંફાવી રહ્યાં છે
ભારતમાં જીરાનું સૌથી વધુ ઉત્પાદન વિશ્વમાં વર્ષોથી સૌથી વધુ પ્રમાણમાં થઇ રહ્યું છે. જીરાની વૈશ્વિક માર્કેટમાં ભારતની મોનોપોલી છે. ભારત દર વર્ષે સાડા ત્રણથી ચાર લાખ ટન જીરાનું ઉત્પાદન કરે છે, જ્યારે તુર્કી માત્ર 12-15 હજાર ટન અને સિરિયા 25-30 હજાર ટન જીરાનું ઉત્પાદન કરે છે.
ભારતના જીરું ઉગાડતા ખેડૂતો વધુપડતાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતાં હોઇ યુરોપિયન દેશો, જપાન અને કેટલાક પ્રગતિશીલ ખેડૂતો ભારતીય જીરાનું નામ સાંભળીને જ મોઢું મચકોડે છે. તેની સામે તુર્કી અને સીરિયાના ખેડૂતો રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરતાં હોઇ તેમનું જીરું ભારતના જીરા કરતાં દોઢા ભાવે પણ વેચાય છે.
અહીં સરખામણી કરો, ભારતનું જીરાનું ઉત્પાદન કેટલું અને તેની સામે તુર્કી-સીરિયાના જીરાનું ઉત્પાદન કેટલું? આ બંને દેશો જીરાની વૈશ્વિક માર્કેટમાં ભારતને વર્ષોથી હંફાવી રહ્યાં છે. આવું જ સફેદ અને કાળા તલની માર્કેટમાં છે. યુરોપિયન દેશો અને જપાને ભારતના તલને ખરીદવાનું વર્ષોથી બંધ કરી દીધું છે. આમ, આપણે વધુપડતાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી આપણી ખેતપેદાશોની બજારને પણ નુકશાન પહોંચાડી રહ્યા છીએ અને તેને કારણે ખેડૂતોને નિકાસબજારમાં ખેતપેદાશોના સારા ભાવ મળતા નથી.

 ———————–

ખેતપેદાશોના વેપારના ઉદારીકરણ માટેના સરકારના નિર્ણયો આવકાર્ય, પણ ખેડૂતોના હિતનો ઢંઢેરો વધુપડતો

સૌજન્યઃ ફાઇનાન્શિયલ એક્સપ્રેસ

– વેપારીઓ-પ્રોસેસર્સને માર્કેટ યાર્ડની સેસની મુક્તિ મળતાં ટ્રેડ-એક્સપોર્ટ વધશે

– ખેડૂતો અત્યારે પણ ગમે ત્યાં અને રાજ્ય બહાર વેચી શકે છે; હાલ કોઇ નિયંત્રણ નથી

લેખકઃ મયૂર મહેતા (કોમોડિટી ક્ષેત્રના નિષ્ણાત અને કોમોડિટી વર્લ્ડ અખબારના તંત્રી)

ખેતપેદાશોના વેપારના ઉદારીકરણ માટે નરેન્દ્ર મોદી સરકારે ત્રણ મહત્ત્વના કાયદાને કેબિનેટની મંજૂરી આપવાનો આવકાર્ય નિર્ણય કર્યો છે. જો કે, ખેડૂતોના હિતનો ઢંઢેરો વધુ પડતો છે.

સરકારે 65 વર્ષ જૂનો આવશ્યક ચીજવસ્તુ ધારો રદ કર્યો છે. માર્કેટ યાર્ડોની બહાર ખેતપેદાશોનું વેચાણ કરવા પર લાગતી સેસને દૂર કરતો ‘ધ ફાર્મિંગ પ્રોડયુસ ટ્રેડ ઍન્ડ કૉમર્સ ઓર્ડિનન્સ 2020’ તૈયાર કર્યો છે, જે અંતર્ગત કોઇપણ પૅનધારક ખેતપેદાશોનો વેપાર કરી શકશે તેમ જ ફાર્મ પ્રોડ્યુસ કંપનીઓ, સહકારી મંડળીઓ અને ખેડૂતોની કોઇ મંડળી પૅન કાર્ડ વગર પણ ખેતપેદાશોનો વેપાર કરી શકશે.

આ કાયદા અંતર્ગત ખેતપેદાશોના વેપારમાં ખેડૂતને ત્રણ દિવસમાં નાણાં મળી જવાં જોઇએ તેવી મર્યાદા નક્કી કરાઈ છે. ખેડૂતો ઑનલાઇન પ્લૅટફોર્મ પર પોતાની ખેતપેદાશો વેચી શકશે. આ ઓર્ડિનન્સ (વટહુકમ) ઉપરાંત સરકારે ‘ધ ફાર્મર્સ એમ્પાવર ઍન્ડ પ્રોટેકશન એગ્રીમેન્ટ ઍન્ડ પ્રાઇસ ઍસ્યોરન્સ ઍન્ડ ફાર્મ સર્વિસ ઓર્ડિનન્સ-2020’ પણ જાહેર કર્યો હતો, જે અંતર્ગત ખેડૂતો સાથે દગાખોરી કરનારા વિરુદ્ધ કાનૂની પગલાં લેવાની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. જો કે, આ બાબતની સત્તા રાજ્ય સરકાર પાસે રહેશે.

આ ત્રણ નવા કાયદા દ્વારા સરકારે ખેતપેદાશોના વેપારને વેગ અપાવ્યો છે અને ખેતપેદાશોના વેપાર સાથે સંકળાયેલા દરેક વર્ગને પડતી તકલીફોને એકઝાટકે દૂર કરી દીધી છે, જેને કારણે હવે દરેક એગ્રિકલ્ચરલ પ્રૉડક્ટનો વેપાર કોઇપણ જાતની અડચણ વગર ફૂલશે અને ફાલશે.

સૌજન્યઃ ઇન્ડિયન એક્સપ્રેસ

ખાસ કરીને ખેતપેદાશોની નિકાસ કરનારાઓને અત્યાર સુધી માર્કેટ સેસ બાબતે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેનું હવે સંપૂર્ણપણે નિરાકરણ થઇ ચૂક્યું છે.

કેટલાક કિસ્સામાં માર્કેટ યાર્ડનું અસ્તિત્વ માત્ર ચોપડે બતાવેલું હોય છે. આવા વિસ્તારમાં માર્કેટ યાર્ડના બની બેઠેલા સત્તાવાળાઓ વેપારીઓને દબડાવીને માર્કેટ સેસ ઉઘરાવતા આવ્યા છે. એ હવે બંધ થઈ જતાં વેપારીઓની પરેશાની દૂર થઇ છે. કેટલાંક પ્રોસેસર્સ અને એક્સપોર્ટર્સને માર્કેટ સેસ બાબતે પરેશાની થતી હતી તે દૂર થતાં હવે એક્સપોર્ટર્સ પણ દેશના કોઇપણ ખૂણેથી પોતાને જે ક્વોલિટી જોઇતી હોઇ તેની ખરીદી કરશે અને તેમણે જે-તે વિસ્તારના માર્કેટ યાર્ડની સેસ નહીં ભરવી પડે.

આ ઉપરાંત આવશ્યક ચીજવસ્તુ ધારાનો સાડા છ દાયકા જૂનો જડ કાયદો દૂર કરીને વેપારીઓની પરેશાની દૂર કરી દેવાઈ છે. આવશ્યક ચીજવસ્તુ ધારાના બહાના હેઠળ પુરવઠાતંત્રના અધિકારીઓ દ્વારા બેફામ ઉઘરાણાં અને દાદાગીરી ચાલતાં હતાં તે પણ દૂર થઇ જશે. દુકાનના બોર્ડ પર સ્ટૉક લખવાનો અને તેને લગતા જુદા ચોપડા ચીતરવાની પળોજણમાંથી વેપારીઓને મુક્તિ મળી જતાં વેપારીઓ ભય વગર વેપાર કરી શકશે અને પુરવઠાતંત્રની દાદાગીરી બંધ થશે. કેટલાક કિસ્સામાં તો પુરવઠા અધિકારીઓ જે-તે વિસ્તારમાં કોઇ બુટલેગર ખંડણી ઉઘરાવે તેવી દાદાગીરી કરતા હતા. આમ,વેપારીઓની તમામ મુશ્કેલીઓ એક જ ઝાટકે દૂર થઇ છે.

સરકારે આ ત્રણ કાયદા દ્વારા ખેતપેદાશોનો વેપાર કરનારા તમામ વર્ગોને ફાયદો પહોંચાડ્યો છે તેનો સીધો ફાયદો ખેડૂતોને પણ થશે. જો કે, સરકારે જે રીતે ખેડૂતોને મોટો ફાયદો થશે તેવો જે પ્રચાર કર્યો છે તે સંપૂર્ણપણે રાજકીય અને ખેડૂતોની વોટ બૅન્કને ખુશ કરવાનો છે. ખેડૂતને અત્યારે દેશમાં કોઇપણ જગ્યાએ પોતાની પેદાશો વેચવા પર કોઇ જાતનું કાયદાકીય નિયંત્રણ નથી અને ખેડૂતોને હાલ કોઇ રોકતું પણ નથી. આથી, ખેડૂતોને હવે કોઇપણ જગ્યાએ, એકબીજા રાજ્યમાં કે સીધી નિકાસ કરવાની છૂટ અપાઇ હોવાનાં નગારાં વગાડવામાં આવ્યાં છે તે વધુપડતાં છે. આ કાયદાકીય ફેરફારથી ખેડૂતોને સો ટકા ફાયદો થશે પણ સાથે સાથે ખેડૂતોને થોડું નુકશાન પણ થવાનું છે. હાલ કેટલાય માર્કેટ યાર્ડો ખેડૂતોનાં હિતોની રક્ષા માટે અને ખેડૂતો માટે ઘણા સેવાકીય કામો કરી રહ્યાં છે. તે માર્કેટ યાર્ડો નવા નિયમોથી નબળાં પડતાં ખેડૂતોને થોડું નુકશાન પણ જવાનું છે. ખાસ કરીને નબળી ખેતપેદાશોના વાજબી ભાવ માર્કેટયાર્ડ હરાજીમાં જ મળી રહ્યા છે. આથી નવા કાયદા અનુસાર માર્કેટ યાર્ડોમાં સારી ક્વોલિટીની ખેતપેદાશો નહીં આવે તો જતેદહાડે માર્કે ટયાર્ડો કબાડીબજાર બની જશે; તે પણ ખેડૂતો માટે જોખમી બની શકે છે.

વેપારીઓ-પ્રોસેસર્સ-એક્સપોર્ટર્સ માટે પતાસાં વહેંચવા જેવો નિર્ણયઊંઝામાં વર્ષોથી રાજસ્થાન-મધ્ય પ્રદેશના ખેડૂતો જીરું-ઇસબગુલ વેચવા આવે છે
ખેતપેદાશોના વેપારીઓ-પ્રોસેસર્સ અને એક્સપોર્ટર્સ માટે સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ ધારાને રદ કરવામાં આવ્યો અને માર્કેટ યાર્ડ બહાર થતા વેપારને માર્કેટ સેસમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો તે ખરેખર પતાસાં વહેંચવા જેવો નિર્ણય છે. ગુજરાતની કોટનજીનો, ઓઇલમિલો, સોર્ટેક્ષ-ગ્રેડિંગ યુનિટો, મશીનક્લીન યુનિટો, હલ્દ ફેક્ટરીઓ ઉપરાંત અનેક એગ્રિકલ્ચર પ્રોડક્ટનું પ્રોસેસિંગ કરતી ફેક્ટરીઓને સરકારના આ નિર્ણયથી ટેક્સ ભરવામાંથી મુક્તિ ઉપરાંત ખોટી હેરાનગતિમાંથી મુક્તિ મળવાની છે. વેપારીઓ અને પ્રોસેસર્સની માર્કેટ યાર્ડની સેસ માટેના ચોપડા ચીતરવા, સેસ ભરવી અને પુરવઠાતંત્રની હેરાનગતિ, આ બે મોટી સમસ્યા હતી તેનો સરકારે એક જ ઝાટકે નિકાલ કરી દીધો છે.
ખેડૂતોના હિત માટે કાયદામાં ફેરફાર કરાયો હોવાની જાહેરાત સાથે એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતો અત્યાર સુધી માર્કેટ યાર્ડ સિવાય વેપાર કરી શકતા નહોતા અને એક રાજ્યનો ખેડૂત બીજા રાજ્યમાં તેની ખેતપેદાશ વેચી શકતો નહોતો તે તદ્દન ખોટી વાત છે. ખેડૂતો પર આવા કોઇ નિયંત્રણ ક્યારેય નહોતા. આજે પણ ગુજરાતમાં કપાસના 80 ટકા વેપારો ડાઇરેક્ટ જીનપહોંચ થાય છે. મગફળીના પણ 20 થી 25 ટકા વેપાર ડાઇરેક્ટર મિલ ડિલિવરીના થાય છે. ખેડૂતો જીન પર જઇ પોતાનું કપાસ બેરોકટોક વેચી રહ્યા છે. ઊંઝામાં વર્ષોથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ખેડૂતો જીરું અને ઇસબગુલ વેચી જાય છે. તેને કોઇ ચેકપોસ્ટ પર પણ રોકતું નથી કે એવો કોઇ નિયમ પણ નથી. આવા ડાઇરેક્ટ વેપારમાં હવે માત્ર વેપારીઓને માર્કેટ સેસ ભરવામાંથી મુક્તિ મળી છે, જેનો ફાયદો હવે કોઇ વેપારી કે પ્રોસેસર્સ ધારે તો ખેડૂતોને પાસ ઓન કરી શકે છે.

————-

સત્તાના સિંહાસને પહોંચેલા ખેડૂતનેતાઓ હાલ ખેડૂતોના ટેકાના ભાવ પ્રશ્ને મૌન કેમ?

રાજ્ય-કેન્દ્ર બંનેના કૃષિપ્રધાન શક્તિશાળી ખેડૂતનેતા હોવા છતાં ખેડૂતો કેમ પરેશાન?

લેખકઃ મયૂર મહેતા (કોમોડિટી ક્ષેત્રના નિષ્ણાત અને કોમોડિટી વર્લ્ડ અખબારના તંત્રી)

જે ખેડૂતનેતાઓએ કૉંગ્રેસના શાસન વખતે ખેડૂતોને ટેકાના ભાવ અપાવવા મોટાં-મોટાં આંદોલનો કર્યાં હતાં તેઓ પાસે બધી જ સત્તા હોવા છતાં ખેડૂતો ટેકાના ભાવથી પરેશાન 

ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતાં ત્યારે કૉંગ્રેસી નેતાઓ હાલ આંદોલનો કરી રહ્યા છે, પણ તેઓ સત્તામાં હતા ત્યારે ખેડૂતોને ટેકાના ભાવ નહોતા મળતા તે ખાસ યાદ રાખવું

ખેડૂતઆલમ હાલ ટેકાના ભાવની ખરીદીમાં થતા ધાંધિયાથી પરેશાન છે. ગુજરાતમાં ઠેર-ઠેર ખેડૂતો દ્વારા સરકાર સામે દેખાવો અને સૂત્રોચ્ચારો કરીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. વિરમગામ-રાધનપુર બાજુ ખેડૂતોએ રસ્તા રોકો આંદોલન કરીને ચણાની ખરીદીમાં મુકાયેલા કાપનો વિરોધ કર્યો હતો. સમગ્ર ગુજરાતના ખેડૂતો હાલ સરકારની ટેકાના ભાવે થતી ખરીદીની નીતિના વિરોધમાં આંદોલનો કરી રહ્યા છે. આ ઉપરાંત ભારતીય કિસાન સંઘના દરેક વિસ્તારના નેતાઓ દ્વારા પણ ટેકાના ભાવે થતી ખરીદીની નીતિ સામે વિરોધ થઇ રહ્યો છે.

આવા સમયે પ્રશ્ન એ થાય છે કે ખેડૂતોના મતથી ચૂંટાઇને સત્તાના સિંહાસને પહોંચેલા અને ખેડૂતનેતા તરીકે પ્રસ્થાપિત થઇ ચૂકેલા ધારાસભ્યો, સાંસદો અને પ્રધાનો હાલ કેમ મૌન છે? અત્યારે ગુજરાતના ધારાસભ્યો, સંસદસભ્યો કે ગુજરાતના પ્રધાનોનું લિસ્ટ જુઓ તો તેમાં સૌથી વધારે ખેડૂતોમાંથી આવેલા લોકો છે. ગુજરાતના કૃષિપ્રધાન અને કેન્દ્રીય કૃષિરાજ્યપ્રધાન ખેડૂતોની વચ્ચે રહીને રાજકારણમાં પ્રવેશ્યા અને ખેડૂતોના મતોથી ચૂંટાઇને સત્તાના સિંહાસને પ્રધાનપદ સુધી પહોંચ્યા છે ત્યારે તેઓનું મૌન ખેડૂતોને સૌથી વધુ અકળાવી રહ્યું છે. 

અત્યારે જે ખેડૂતનેતાઓ ચૂંટાઇને ભાજપના ધારાસભ્યો, સાંસદો અને પ્રધાનો બન્યા છે તેઓ જ્યારે વિરોધ પક્ષમાં હતા અને કૉંગ્રેસની સરકાર હતી ત્યારે તેઓએ ખેડૂતોને ટેકાના ભાવ અપાવવા મોટાં મોટાં આંદોલનો કર્યાં હતાં અને ખેડૂતોને ટેકાના ભાવ અપાવવા ત્યારની કૉંગ્રેસની સરકાર પાસે માગણી કરી હતી. હવે આ નેતાઓ પાસે સત્તાની ચાવી છે અને તેઓએ જે પ્રશ્નની રજૂઆત કૉંગ્રેસ સરકાર સામે કરી હતી તે જ પ્રશ્નનો ઉકેલ લાવવાની જવાબદારી તેમના પર આવી પડી છે ત્યારે તેઓ ટેકાના ભાવ પ્રશ્ને સરકારની નીતિ વિશે કંઇ જ બોલતા જ નથી. ગુજરાતભરના ખેડૂતો ટેકાના ભાવ પ્રશ્ને રસ્તા પર આવી ચૂક્યા છે અને રોજેરોજ સરકાર સામે દેખાવો કરી રહ્યા છે ત્યારે આવી સ્થિતિ પ્રવર્તે છે.

ખેડૂતોના પ્રશ્ને ભાજપ હોય કે કૉંગ્રેસ, બંને માસિયા ભાઇઓ જ છે તે હવે ખેડૂતોને ખબર પડી ચૂકી છે. ટેકાના ભાવ પ્રશ્ને સરકારની અન્યાયભરી નીતિ સામે કેટલાક કૉંગ્રેસી આગેવાનો મીડિયા સમક્ષ મોટી મોટી વાતો કરે છે, પણ ખેડૂતોએ એ યાદ રાખવું જોઇએ કે કૉંગ્રેસની સત્તા હતી ત્યારે પણ ખેડૂતોને ટેકાના ભાવ મળ્યા નહોતા. એ વખતે પણ ખેડૂતોએ ટેકાના ભાવ મેળવવા માટે રસ્તાઓ પર ઊતરવું પડ્યું હતું.

ખેડૂતોએ હવે પોતાના પ્રશ્ને ખુદ લડવું પડશે. ભાજપ હોય કે કૉંગ્રેસ, કોઇને ખેડૂતોની પડી નથી, કારણ કે તેઓ તો સત્તાના દલાલો છે. ખેડૂતોની સહાનુભૂતિ જીતવાના તમામ મોકા ગોતીને તેઓ માત્રને માત્ર સત્તાની સીડી બનાવવા આ મુદ્દાનો ઉપયોગ કરતાં આવ્યા છે. 

ખેડૂતો તો આંદોલનો કર્યા કરે, તેનાથી
આ નેતાઓને કંઇ ફેર પડતો નહીં હોય?
ખેડૂતોના પ્રશ્નોની અવગણના કરનારાઓને
યોગ્ય સજા હવે ખેડૂતોએ જ આપવી પડશે
ખેડૂતોના તમામ પ્રશ્નો માટે આંદોલનો જ કરવા પડે અને દરેક વખતે સરકાર ખેડૂતોને પ્રશ્ને આંખ આડા કાન જ કરતી આવે. આવું કયાં સુધી ચાલતું રહેશે? આ તમામ રાજકીય નેતાઓ ચૂંટણી આવે ત્યારે ખેડૂતોને જગતનો તાત કહે છે અને ખેડૂતો થકી જ દેશ ચાલે છે તેવી મોટી મોટી વાતો કરે છે, પણ ખેડૂતોના પ્રશ્ને આંદોલનો અને દેખાવો થવા છતાં તેમના પેટનું પાણી ન હાલે ત્યારે પ્રશ્ન થાય છે કે શું આ નેતાઓ એવું જ માનતા હશે કે ખેડૂતો તો આંદોલનો કર્યા કરે તેની પર બહુ ધ્યાન નહીં આપવાનું! ખેડૂતોએ હવે ભોળા બનીને આ રાજકીય નેતાઓને ચૂંટણી ટાણે માફ કરવાનું બંધ કરવું પડશે. ખેડૂતોનો પ્રશ્નોનો ઉકેલ રાજકીય નેતાઓએ ઝડપથી લાવવો જ પડે તેવું કંઇક કરવું પડશે. રાજકારણીઓને ખેડૂતોએ હવે ચમત્કાર દેખાડવો જ પડશે તો જ તેઓ ખેડૂતોને નમસ્કાર કરશેદેશ અને આમપ્રજાની સુખાકારી માત્ર ને માત્ર ખેડૂતોને આભારી છે અને દેશના તમામ રાજકારણીઓના રાજકીય રોટલા માત્ર ને માત્ર ખેડૂતો થકી જ શેકાય છે. એક વખત ખેડૂતો એમ કહે કે અમે અમારા પગ પર ઊભા રહેવા સક્ષમ છીએ અને સરકારની કોઇ મદદ અમારે નથી જોઇતી. બસ અમને અમારા હક્કનું જે મળે તે સરકાર આપે. જે દિવસે ખેડૂત સોય ઝાટકીને આવું સરકારને કહેશે ત્યારે આ તમામ રાજકારણીઓની દુકાનો બંધ થઇ જવાની છે. ભાજપ હોય કે કૉંગ્રેસ, દરેકે સત્તામાં રહીને ખેડૂતો કેમ દુઃખી રહે, દબાયેલા રહે અને સરકારના ઓશિયાળા બની રહે તેવા જ પ્રયત્નો કર્યા છે, જેને કારણે ખેડૂતોએ દરેક પ્રશ્ને સરકારની મદદ માટે જવું પડે છે. આવી સ્થિતિ વારંવાર ઊભી કરીને આ તમામે પોતપોતાના રાજકીય રોટલા જ શેક્યા છે.

વતનમાં પાછા ફરેલા શ્રમિકોને કેવા રોજગાર આપી શકાશે?

સ્વતંત્ર ભારતમાં પહેલી વાર શહેરો તરફથી ગામોમાં હિજરત થઈ છે. કોરોનાના કહેરને લીધે આવી અપવાદાત્મક પરિસ્થિતિને સંભાળી લેવા માટેનાં પગલાં પણ અસામાન્ય હોવાં ઘટે. દુનિયા આખીના અર્થતંત્ર પર અસર થઈ છે એવા સમયે આપણા દેશમાં પ્રતિકૂળતામાંથી અનુકૂળતાનું સર્જન કરવા માટે શું થઈ શકે તેના વિશે ઘણા લોકો વિચાર કરી રહ્યા છે. વિચારક્રાંતિમાં પણ એ જ વિચાર ચાલી રહ્યો છે ત્યારે એક સરસ મજાનો લેખ વાંચવા મળ્યો (https://www.dailypioneer.com/2020/state-editions/nregs–agri-can-be-potential-job-providers-for-migrants.html). ઓરિસા વિધાનસભાના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રામચંદ્ર પાંડાએ લખેલા એ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. એના વિશે વધુ કંઈ કહીએ તેના કરતાં સીધા લેખ તરફ જઈએઃ

કોરોના શેતાન સામેની લડાઈ લાંબા સમય સુધી ચાલશે એવું લાગે છે.  લોકડાઉનને કારણે આજીવિકા જતી રહેવાને પગલે સ્થળાંતરિત મજૂરો (શ્રમિકો) લાચારીભરી સ્થિતિમાં મુકાઈ ગયા છે. આવા લગભગ 12 કરોડ શ્રમિકો વિવિધ વિકાસકીય પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. કાપડ, ખાણીપીણી, પરિવહન, ડ્રાઇવિંગ, ઇલેક્ટ્રિકલ, મોટર મિકેનિક્સ અને બાંધકામ, વગેરે ક્ષેત્રોમાં તેઓ વિવિધ શહેરોમાં કામ કરતા હતા. એમની બધાની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આમાંથી મોટાભાગના શ્રમિકો ટ્રક, સાયકલ, રિક્ષા, વગેરેમાંથી જે મળે તે સાધન લઈને; અને ઘણા તો પગપાળા બિહાર, ઓરિસા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, આસામ, આંધ્ર પ્રદેશ, વગેરે ખાતેનાં પોતાના વતનનાં ગામોમાં જવા નીકળી પડ્યા હતા.

લોકડાઉનની વિપરીત અસર ગ્રામીણ વિસ્તારોમાં ખેતરોમાં કામ કરીને પેટિયું રળનારા અથવા લીઝ પર લીધેલી નાનકડી જમીન પર પાક લેનારા જમીનવિહોણા મજૂરો પર પણ થઈ, કારણ કે લોકડાઉનના શરૂઆતના એક મહિનામાં બાગકામના પાક લેવાનું અને તેનું વેચાણ કરવાનું કામ ઠપ્પ પડી ગયું હતું. અર્થતંત્રની કમર તોડી નાખનારી પરિસ્થિતિમાં થયેલું આ લોકોનું નુકસાન ભરપાઈ થવાનું ઘણું મુશ્કેલ છે.

વર્તમાન પરિસ્થિતિમાં કૃષિ પ્રવૃત્તિઓમાં નવી નવી બાબતોને ઉમેરીને તેમાં નવા પ્રાણ રેડવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એક સમયે કામદારોની અછતની સમસ્યા થતી હતી; હવે વધુપડતા કામદારો થઈ ગયા હોવાની સમસ્યા છે.

વતનમાં પાછા ફરેલા શ્રમિકોનાં ધાડાંને લીધે ગ્રામીણ અર્થતંત્ર પર ભારણ વધશે. ગામોમાં પાછા આવેલા લોકો ફરી પહેલાંની જગ્યાઓએ જવાનું પસંદ નહીં કરે. તેઓ વતનમાં જ રહેશે અને પરિણામે એમને બધાને ગ્રામીણ વિકાસનાં વિવિધ કામોમાં તથા કૃષિ પ્રવૃત્તિઓમાં રોજગાર આપવાનું જરૂરી બની ગયું છે. હવે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજનાનો વિસ્તાર કરીને અત્યાર સુધી 100 દિવસ કામ આપવાની મર્યાદા વધારીને 365 દિવસ કામ મળી રહે એવી વ્યવસ્થા કરવી પડશે.

આ શ્રમિકોને ખેતીવાડીમાં તથા બીજાં ક્ષેત્રોમાં મજૂરી અપાવવી આવશ્યક છે. જો સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા અને વેપારી ધોરણે વેચાણ કરવા ખેતી અને ફળ-શાકભાજી જેવા બાગાયતી ક્ષેત્રમાં વધુ લોકોને કામે લગાડવામાં આવશે તો કૃષિ વધુ નફાકારક બનશે અને એ ક્ષેત્રે વધુ રોજગારનું પણ સર્જન થશે.

રોજગાર બાંયધરી યોજના હેઠળ આ પ્રકારનાં કાર્યોને સામેલ કરવાની આવશ્યકતા છેઃ

1) ગામોમાં પાણીનાં ટાંકા બનાવવા અને સાફ કરાવવા, 2) પાણીની નહેરો બનાવવી, વરસાદી જળસંચય માટે તળાવો બનાવવાં, 3) દરેક ગામમાં રસ્તાની બન્ને બાજુએ ફળોનાં 500 વૃક્ષોનું ઉપવન બનાવવું, 4) જે નદી તટે કાંઠામાં ભંગાણ પડતું હોય ત્યાં કાંઠા મજબૂત બનાવવા, 5) નાની નદીઓનાં વહેણ પર ચેક ડેમ બનાવવા અને 6) નદીના બન્ને કાંઠે અને જળાશયોની કોરે તથા રસ્તાઓની બન્ને બાજુએ બાગાયતી કામ કરવું.

કુદરતા કોપનું શમન કરવાની દૃષ્ટિએ હરિયાળી વધારવા માટે સઘન પ્રયાસ કરવાની આજના સમયની તાતી જરૂર છે.

ગામોમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ (સ્વયં સહાયતા જૂથ) મારફતે પરંપરાગત કુટિર ઉદ્યોગનું પુનરુત્થાન કરવાની સાથે સાથે જો કામદારોને વણાટકામ, સીવણકામ, હસ્તકળા, કાર્પેટ ઉત્પાદન, દૂધ ઉત્પાદન, માછીમારી, મધમાખી ઉછેરના કામમાં રોકવામાં આવશે તો કૃષિ ઉત્પાદનોમાં વધારો થશે અને પરિણામે ગામો/ગ્રામ પંચાયત આત્મનિર્ભર આર્થિક એકમ બની શકશે.

હાલના નવા પરિદૃશ્યમાં ગ્રામ પંચાયતો અને બ્લોક્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વિવિધ પ્રોજેક્ટ્સના સફળ અમલીકરણ માટે આ એકમોએ ગામની સરકાર તરીકે કાર્ય કરવું પડશે.

ઓરિસા સરકારે તાજેતરમાં ગ્રામ પંચાયતોના સશક્તિકરણ માટે શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે. સ્વયં સહાયતા જૂથો અને સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) પોતપોતાના વિસ્તારોમાં આવા વિકાસ કાર્યક્રમોના સફળ અમલ માટે ઉપયોગી ભૂમિકા ભજવી શકે છે.

બંધારણની કલમ 39(એ) અનુસાર લોકોને આજીવિકાનાં પૂરતાં સાધનો પૂરાં પાડવાની રાજ્યોની જવાબદારી છે. કલમ 43 કહે છે કે નાગરિકોને “યોગ્ય જીવનધોરણ” પૂરું પાડવામાં આવવું જોઈએ.

પાછા ફરેલા આ બધા શ્રમિકોના પુનર્વસન માટે રાજ્યો પર ઘણો મોટો આર્થિક બોજ આવશે. આવી તકલીફ દૂર કરવા માટે કેન્દ્રની મદદની ખૂબ જ જરૂર છે.

જીએસટી પૂર્વેના કાળમાં રાજ્યોને ભંડોળ એકત્ર કરવાની સ્વતંત્રતા હતી. જુલાઈ, 2017માં જીએસટીના અમલને પગલે રાજ્યો પોતાનાં સંસાધનો વધારવા માટે સ્વતંત્ર રીતે કોઈ પણ ટેક્સ વસૂલ કરી શકતાં નથી. આવા સમયે રાજ્યોએ મહેસૂલ ઊભું કરવા માટે અન્ય સ્રોતો શોધવાની જરૂર છે.

આજની પરિસ્થિતિ અપવાદરૂપ છે. કટોકટીમાંથી માર્ગ કાઢવા માટે સરકારોએ રાજકીય ગણતરીઓને બાજુએ મૂકીને સંયુક્તપણે પ્રયાસ કરવા આવશ્યક છે.

———————————

વડા પ્રધાનનું E-NAM કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી શકે છે

કૃષિ ક્ષેત્રે ભારતની મહત્તાનો ઉપયોગ કરવા માટે ઈલેક્ટ્રોનિક નૅશનલ એગ્રિકલ્ચર માર્કેટમાં કેટલાક સુધારા-વધારા કરવા વિશે શ્રી જિજ્ઞેશ શાહે સૂચનો કર્યાં છે. વર્તમાન સમયમાં ભારત ચીનનો વિકલ્પ બનવાની દિશામાં પ્રગતિ કરી શકે એ દૃષ્ટિએ આ સૂચનો મૂલ્યવાન છે. અગાઉ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ દ્વારા વીજ ક્ષેત્રે અને એમસીએક્સ દ્વારા કોમોડિટી ક્ષેત્રે માર્કેટ ઈકોસિસ્ટમ વિકસાવીને મોટા પાયે રોજગારનું સર્જન કરવામાં આવ્યું હતું એની વાત કરી. આજે લેખમાળાના ત્રીજા મણકામાં તેઓ 1 ભારત-1 માર્કેટની રચના વિશે વધુ પ્રકાશ પાડી રહ્યા છે.

તસવીર સૌજન્યઃ વેંકટ રામ

સમગ્ર દેશને આવરી લેનારી કૃષિ ગ્રિડની સિસ્ટમને સહાયક નીવડનારી આ પ્રમાણેની કેટલીક સપોર્ટ સિસ્ટમ હશેઃ 1) રાષ્ટ્રીય સ્તરે એપીએમસીના વેપારીઓ, 2) કોમોડિટીમાં ટ્રેડિંગ કરવા માટેનું ડિજિટલ માધ્યમ, 3) બૅન્કિંગ સેટલમેન્ટ, 4) વેરહાઉસ અને ગોદામોનું નેટવર્ક, 5) બૅન્કો અને નાણાકીય સેવાઓ પૂરી પાડનારાઓનું નેટવર્ક, 6) વૈશ્વિક ટ્રેડિંગ કંપનીઓ, 7) કોમોડિટી ખરીદનારા અને કૃષિ માટે આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડનારા સ્થાનિક તથા વૈશ્વિક ઉદ્યોગો, 8) અભ્યાસ અને તાલીમ પૂરી પાડનારા સહયોગીઓ, 9) દેશની અંદર અને બહાર પરિવહનનું કેન્દ્ર, વગેરે

ભારતમાં કૃષિ ઉત્પાદનનું કુલ મૂલ્ય આશરે 15 લાખ કરોડ રૂપિયા એટલે કે 220 અબજ ડૉલર છે. સાદું ગણિત માંડીએ તો કહી શકાય કે કૃષિ ક્ષેત્રનાં ફંડામેન્ટલ્સને યથાવત્ રાખીને તેમાં થોડું મૂલ્યવર્ધન કરીએ તો એ અંડરલાઇંગમાં ઉત્પાદકથી ગ્રાહક સુધીની મૂલ્ય શ્રૃંખલામાં 8થી 10 ગણું ટ્રેડિંગ થઈ શકે છે. જો તેમાંથી સારી ડેરિવેટિવ્ઝ માર્કેટની રચના કરવામાં આવે અને લઘુતમ 10 ગણું ટ્રેડિંગ થાય તો તેનું મૂલ્ય ઘણું ઉંચું જઈ શકે છે. અહીં આપણે વૈશ્વિક ખેલાડીઓની હાજરીની તો વાત જ કરી નથી. જો તેઓ આવી જાય તો ટ્રેડિંગ મૂલ્ય તેનાથીય ઘણું વધારે થઈ જાય. 

એરંડા જેવી ખેતપેદાશના આધારે આપણે બજારની વૃદ્ધિની સંભાવના જોઈ શકીએ છીએ. ચાલો, એક સાદું ઉદાહરણ લઈએ. એરંડામાંથી દીવેલ બને છે અને ઉપરાંત આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગી થતી ઓછામાં ઓછી બીજી 60 પ્રૉડક્ટ્સ પ્રાપ્ત કરવામાં આવે છે. એમાંથી ઘણી વસ્તુઓ ઔદ્યોગિક ક્ષેત્રે વપરાય છે અને તેની વૈશ્વિક સ્તરે માગ છે. એક ઉદાહરણ પરથી આપણને સમગ્ર રાષ્ટ્રને આવરી લેનારી ગ્રિડની અપાર શક્તિનો પરિચય મળે છે.

સૂચનો ફક્ત થિયરી નથી. ચિદમ્બરમે બાજી પલટાવી નાખી તેની પહેલાં એફટી ગ્રુપે કૃષિ, વીજળી અને નાણાકીય પ્રૉડક્ટ્સસર્વિસીસ બધાં ક્ષેત્રના દરેકના પરિતંત્રની સફળતાપૂર્વક રચના કરી હતી. એફટી ગ્રુપે રચેલા પરિતંત્રમાં ઘણા ઓછા સમયમાં ઓછામાં ઓછા 10 લાખ રોજગારોનું સર્જન થયું હતું (જેને તાતા ઇન્સ્ટિટ્યુટ ઑફ સોશિયલ સાયન્સે 2012માં પ્રમાણિત કર્યું હતું).

એફટી ગ્રુપને નવસર્જનના બિઝનેસમાંથી બહાર કાઢી નખાયું તેને લીધે ભારત કોમોડિટીઝ, ઈક્વિટી, કરન્સી, બોન્ડ અને વીજળી બધી માર્કેટમાં મોટામાં મોટું વૈશ્વિક ખેલાડી બનતાં રહી ગયું. આમ, દેશમાં 10 કરોડ રોજગારનું સર્જન કરવાની તક હાથમાંથી નીકળી ગઈ. e-Nam મારફતે પ્રસ્તાવિત કૃષિ ગ્રિડનો જો પૂરેપૂરો સફળ અમલ કરવામાં આવે તો ભારત વૈશ્વિક સ્તરે શક્તિસ્થાન બની શકે છે.

ક્રિપ્ટો ટેક્નૉલૉજી દ્વારા ડિજિટલ કરન્સી, બ્લોકચેઇન, મોબાઇલ પૅમેન્ટ, વગેરે જેવી ડિજિટલ ટેક્નૉલૉજીના સામર્થ્યની સાથે સાથે કૃષિ ગ્રિડનો અમલ કરીને આપણે માહિતીનું આદાનપ્રદાન નિશ્ચિત સ્વરૂપે કરી શકીએ છીએ. તેનાથી માહિતીની સલામતી પણ રહેશે અને ઝડપથી આદાનપ્રદાન પણ થશે. અત્યારે કૃષિ ક્ષેત્રની મૂલ્ય શ્રૃંખલામાં માહિતીની લેવડદેવડ અસ્પષ્ટ રીતે થાય છે તથા બીજી પણ કેટલીક અપારદર્શકતા રહેલી છે, જેને ડિજિટલ ટેક્નૉલૉજી દ્વારા દૂર કરી શકાય છે.  

જો આપણે સમગ્ર બૅન્કિંગ અને નાણાકીય ક્ષેત્રને કૃષિ ગ્રિડ સાથે સાંકળી લઈએ તો તેનાથી રચાનારા માધ્યમ (પ્લેટફોર્મ)નું કુલ મૂલ્ય કલ્પના બહારનું છે. પ્રસ્તાવિત માળખું 10 વર્ષમાં 10 કરોડ રોજગારનું સર્જન કરી શકે છે.

કદાચ નિયતિએ કોવિડ-19ના સ્વરૂપે વૈશ્વિક રોગચાળો મોકલ્યો છે અને તેને કારણે અમેરિકા ચીનનો મુકાબલો કરવા સક્ષમ ભાગીદાર દેશ શોધી રહ્યું છે. ઘટનાઓ ભારત માટે યોગ્ય સમયે આકાર લઈ રહી છે. આજનો સમય સપ્તર્ષિ એટલે કે સાત તારાઓ એક સીધી રેખામાં આવે એના જેવો છે. આવું હજારો વર્ષોમાં એક વાર થતું હોય છે. દેશની ધુરા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હાથમાં છે એવા સમયે તક આવી છે. શ્રી મોદીની ક્ષમતાઓ વારંવાર દેશને જોવા મળી છે. એમના ધ્યેયને સૌથી અગત્યના કૃષિ ક્ષેત્રે સાકાર કરવાનો સમય આવી ગયો છે.

———————-

કૃષિ કોમોડિટીમાં ટોચના ઉત્પાદક અને ગ્રાહક તરીકેની ભારતની સ્થિતિનો લાભ અપાવશે રાષ્ટ્રવ્યાપી કૃષિ ગ્રિડ

ભારતમાં ‘1 ભારત-1 એપીએમસી’ ગ્રિડ દ્વારા ડિજિટલ કૃષિ ક્રાંતિ લાવવાનું શક્ય છે તેના વિશે ગયા બ્લોગમાં ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ગ્રુપના સ્થાપક શ્રી જિજ્ઞેશ શાહે જાણકારી આપી. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જના ઉદાહરણ દ્વારા એમણે સમજાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક નૅશનલ એગ્રિકલ્ચર માર્કેટ મોડેલમાં ‘હબ ઍન્ડ સ્પોક’ (એક કેન્દ્ર સાથે સંકળાયેલા વિવિધ પ્રાદેશિક મથકો) માળખું રચવું જોઈએ. હાલની એપીએમસીની જે પ્રાદેશિક સંરચના છે તેને દૂર કર્યા વગર ટેક્નૉલૉજીની મદદથી રાષ્ટ્રીય કૃષિ ગ્રિડનું નિર્માણ શક્ય છે. આજે તેઓ બીજા એક ઉદાહરણ દ્વારા ડિજિટલ ક્રાંતિની વાતને આગળ વધારી રહ્યા છે.

વીજળીના ક્ષેત્રે અગ્રણી બનેલા આઇઈએક્સની જેમ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ગ્રુપે સ્થાપેલું એમસીએક્સ (મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ) પણ રાષ્ટ્રીય સ્તરનું એક્સચેન્જ હતું, જેમાં કોમોડિટી ક્ષેત્રે ટ્રેડર્સ, વેરહાઉસીસ, એસેયર્સ, લૉજિસ્ટિક સર્વિસ પ્રોવાઇડર્સ, સ્પોટ માર્કેટ લિંક, વગેરેનો સમાવેશ કરનારું પરિતંત્ર રચવામાં આવ્યું હતું.

એમસીએક્સમાં એફટી ગ્રુપની ટેક્નૉલૉજીની નિપુણતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોમોડિટી વાયદા માટેના એ એક્સચેન્જને પ્રાદેશિક બજારો સાથે સાંકળી લેવામાં આવ્યું હતું તથા ભાવસંબંઘી માહિતીનું આદાનપ્રદાન કરવાની વ્યવસ્થા કરાઈ હતી. ખાસ કરીને મેટલ્સ ક્ષેત્રે કોમોડિટી બજારમાં જે સંદિગ્ધતા હતી તેને દૂર કરીને પારદર્શકતા લાવવામાં આવી.

એમસીએક્સની સ્થાપના થઈ એ જ દિવસથી તેમાં સોનું, ચાંદી, તાંબુ, નિકલ, જસત, એલ્યુમિનિયમ, કપાસ, ખાદ્યતેલ, વગેરે કોમોડિટીમાં કામકાજનું સફળ માળખું રચવામાં આવ્યું હતું. એફટી ગ્રુપે આપેલા મોડેલ તથા ટેક્નૉલૉજી મારફતે એમસીએક્સ ભારતનું પ્રથમ ક્રમાંકિત કોમોડિટી એક્સચેન્જ બની ગયું હતું. કેટલીક કોમોડિટીમાં તો એ 2007થી 2012 સુધીના ગાળામાં વિશ્વનું પ્રથમ ક્રમાંકિત એક્સચેન્જ હતું.

એમસીએક્સમાં ભાવસંશોધન (પ્રાઇસ ડિસ્કવરી) એટલી સચોટ હતી કે સોનું, ચાંદી સહિતની કેટલીક કોમોડિટીમાં વૈશ્વિક બજારો પણ તેની નોંધ લેવા લાગ્યાં હતાં. આ રીતે એમસીએક્સ વૈશ્વિક બજારમાં ભાવ નિર્ધારક બની ગયું હતું. તેની પહેલાં હંમેશાં ભારતીય બજાર વૈશ્વિક ભાવ પ્રમાણે જ ચાલતું હતું.

આઇઈએક્સ (ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ)ની જેમ એમસીએક્સમાંથી પણ એફટી ગ્રુપ પાસે પરાણે હિસ્સો વેચાવી દેવાયો. એમસીએક્સ એક સમયે વિશ્વનાં ત્રણ સૌથી મોટાં એક્સચેન્જોમાંનું એક હતું. તેમાં એક સમયે જે ટોચની ટ્રેડિંગ વેલ્યુ હતી તેની તુલનાએ આજે એફટી ગ્રુપ નીકળી ગયા પછી ફક્ત 20 ટકા વેલ્યુ રહી ગઈ છે. ભારતમાં સમૃદ્ધિ લાવનારાં રોજગારસર્જનનાં સશક્ત સાહસોને અશક્ત કરી નાખવાનું કામ પી. ચિદમ્બરમે કર્યું છે.

ઈલેક્ટ્રોનિક નૅશનલ એગ્રિકલ્ચર માર્કેટ (e-Nam) મારફતે જો કૃષિ ગ્રિડની રચના કરવામાં આવશે તો દેશમાં કૃષિ અને કોમોડિટીના સમગ્ર પરિતંત્રને એક સર્વાંગી માર્કેટ સાથે સાંકળી શકાશે.

ભારતમાં આવી કૃષિ ગ્રિડ અસરકારક રીતે કામ કરી શકશે એવું કહેવા માટે અનેક કારણો છે. એક કારણ એ છે કે ઘણી કોમોડિટીમાં ભારત ટોચનું ઉત્પાદક અને ગ્રાહક છે. આમ, ગ્રિડ રચવા માટે મજબૂત પાયો દેશમાં ઉપલબ્ધ છે. તેની મદદથી ગ્રિડ ઝડપથી રચી શકાશે. ઉપરાંત, દેશમાં એપીએમસી માર્કેટનું માળખું પણ કાર્યરત છે.

એપીએમસી માર્કેટ અને e-Nam (ઈલેક્ટ્રોનિક નૅશનલ એગ્રિકલ્ચર માર્કેટ)ની વ્યવસ્થાની સુધારણા માટે ઓછામાં ઓછાં બે મોટાં પરિવર્તનો લાવવાની જરૂર છે. 1) વીજળી (આઈએક્સ) અને કોમોડિટી (એમસીએક્સ)માં (સ્પોટ અને ડેરિવેટિવ્ઝ મળીને) જે રીતે પ્રવર્તમાન માર્કેટ પરિતંત્ર સાથે સાંકળીને સમગ્ર દેશ માટેની એક ગ્રિડ બનાવવામાં આવી હતી એવી ગ્રિડ બનાવી શકાય છે. 2) એ ગ્રિડ સાથે એવાં સેગમેન્ટ ઉમેરવાં, જે કૃષિ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માટે જરૂરી હોય. આવાં સેગમેન્ટમાં બૅન્કિંગ, ટ્રેડિંગ, હવામાન, વગેરેનો સમાવેશ થાય છે.

આ રીતે કૃષિ ગ્રિડમાં શહેરી-ગ્રામીણ બજારો, સ્ટોરેજ ઉદ્યોગ, લૉજિસ્ટિક પ્રોવાઇડર્સ, એસેયર્સ, ઉત્પાદકો અને ગ્રાહકોને એક માધ્યમ (પ્લેટફોર્મ) સાથે સાંકળવામાં આવશે. વૈશ્વિક કડીઓ ધરાવતું આ માધ્યમ આધુનિક બજારના લાભ ભારતીય ખેડૂતો સુધી પહોંચાડશે. આ કાર્યને દેશની નદીઓને સાંકળતા પ્રૉજેક્ટ સાથે સરખાવી શકાય.

કૃષિ ગ્રિડની સાથે તમામ નાણાકીય સેવાઓ, બૅન્કિંગ, ટ્રેડિંગ, કૃષિ આધારિત ઉદ્યોગોને પણ એક સર્વસામાન્ય માધ્યમ પર લવાશે. આ કામ ભારતમાં હાલ ઉપલબ્ધ સારા ડિજિટલ બૅન્કિંગ, ટેલીકોમ અને માર્ગોના નેટવર્કની મદદથી થઈ શકશે.

ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે, વિવિધ ભાષાઓ છે, લૉજિસ્ટિક્સની વ્યવસ્થા અપૂરતી છે, વગેરે જેવા અનેક પડકારો છે, પણ કૃષિ ગ્રિડ દેશની અંદરના તમામ લોકોને બહારના લોકો સાથે સાંકળશે. કૃષિ ગ્રિડનું વિશાળ માધ્યમ તથા તેમાંનો ડેટા હાજર બજાર, વાયદા બજાર, સ્ટોરેજ, પાકની લણણી, વૈશ્વિક વેપાર, વગેરે જેવી બાબતોમાં નિર્ણય લેવામાં મદદરૂપ થશે.

કૃષિ ગ્રિડના સમગ્ર નેટવર્કના કેન્દ્રમાં હશે બ્લોકચેઇન ટેક્નૉલૉજી આધારિત ડેટા મૅનેજમેન્ટ સિસ્ટમ. બ્લોકચેઇનનો ઉપયોગ થવાથી એ નેટવર્ક સુરક્ષિત બનશે. યુઝર્સ આ નેટવર્કમાં મોબાઇલ ઍપ્લિકેશન્સ, વેબ બ્રાઉઝર, ટેલી-કૉલર, વગેરે માધ્યમો દ્વારા જોડાઈ શકશે.

કૃષિ ક્ષેત્રને સંબંધિત તમામ પાસાંને આવરી લેનારું આ સંકલિત બજાર એટલું મોટું આર્થિક કદ ધરાવતું હશે કે તેનાથી વૈશ્વિક રોકાણકારો આકર્ષાશે. કૃષિ ક્ષેત્રને આજે એવા રોકાણની જરૂર છે. આ રીતે સમગ્ર સિસ્ટમ બૅન્કિંગ અને નાણાકીય માર્કેટ્સની કડીઓ દ્વારા સંકળાયેલી હશે.

કૃષિ ક્ષેત્રની રાષ્ટ્રીય ગ્રિડની રચના બાદ ભરવાનાં પગલાં વિશે આપણે આવતી કડીમાં વાત કરીશું.

———————