એનએસઈએલ પ્રકરણે 63 મૂન્સને નોટ ફિટ ઍન્ડ પ્રોપર જાહેર કરાવનારા પી. ચિદમ્બરમ કયા મોંઢે નોટ ફિટ ઍન્ડ પ્રોપર બ્રોકરોનો બચાવ કરવા દોડી ગયા?

ગુનેગાર ક્યાંક કોઈક કડી મૂકીને જતો હોય છે અને કાયદાના લાંબા હાથ એના સુધી પહોંચી જાય છે એ બન્ને વાતો આપણે જોયેલી-સાંભળેલી છે. હાલમાં એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ના કેસમાં નોટ ફિટ ઍન્ડ પ્રોપર જાહેર થયેલા ટોચના પાંચ બ્રોકરોનો બચાવ કરવા માટે પી. ચિદમ્બરમ મેદાને પડ્યા ત્યારે એમના છૂપા સંબંધ જાણે પ્રકાશમાં આવી ગયા હોય એવું બન્યું.

આ જ પી. ચિદમ્બરમ જ્યારે કેન્દ્રમાં નાણાપ્રધાન હતા ત્યારે જુલાઈ 2013માં એનએસઈએલની 5,600 કરોડ રૂપિયાની પૅમેન્ટ કટોકટી સર્જાઈ હતી અને એ કેસના નામે એમણે એનએસઈએલની પ્રમોટર કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ (એફટીઆઇએલ – નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ) વિરુદ્ધ ફોરવર્ડ માર્કેટ્સ (એફએમસી) મારફતે નોટ ફિટ ઍન્ડ પ્રોપરનો આદેશ બહાર પડાવ્યો હતો. હવે એ જ ભૂતપૂર્વ નાણાપ્રધાને વકીલ બનીને નોટ ફિટ ઍન્ડ પ્રોપર ઠરેલા બ્રોકરોનો બચાવ કરવાની હાલમાં કોશિશ કરી હતી. સદ્ નસીબે સર્વોચ્ચ અદાલતે એવું થવા દીધું નથી.

બન્યું એવું છે કે એનએસઈએલના કેસમાં ટોચના પાંચ બ્રોકરોને નોટ ફિટ એન્ડ પ્રોપર જાહેર કરનારા સેબીના આદેશ સંબંધે એનએસઈએલનો પક્ષ સાંભળવાનો હુકમ સર્વોચ્ચ અદાલતે કર્યો છે.

બ્રોકરો – – મોતીલાલ ઓસવાલ કોમોડિટીઝ, ઇન્ડિયા ઇન્ફોલાઇન કોમોડિટીઝ, ફિલિપ કોમોડિટીઝ, આનંદ રાઠી કોમોડિટીઝ અને જિઓફિન કોમટ્રેડે પોતાની સામે સેબીએ જારી કરેલા નોટ એન્ડ ફિટ પ્રોપરના આદેશને સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)માં પડકાર્યો છે. આ બાબતે એનએસઈએલે કહ્યું છે કે બ્રોકરોના પક્ષની સુનાવણીની સાથે સાથે એનએસઈએલને પણ સેટમાં રજૂઆત કરવાની તક મળવી જોઈએ. આથી તેણે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી, જેને અદાલતે સ્વીકારી લીધી છે.

નોંધનીય છે કે પીઢ પત્રકાર શાંતનુ ગુહા રે લિખિત પુસ્તક ‘ધ ટાર્ગેટ’માં પી. ચિદમ્બરમની સાથે સાથે ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના તત્કાલીન ચૅરમૅન રમેશ અભિષેકનું નામ પણ સાંકળવામાં આવ્યું છે. હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે એફએમસીએ કોના કહેવાથી નોટ ફિટ ઍન્ડ પ્રોપર આદેશ બહાર પાડ્યો હતો. એનએસઈએલની પેમેન્ટ કટોકટી 2013માં બહાર આવી હતી, પરંતુ ગેરરીતિ કર્યાનો આક્ષેપ ધરાવનારા બ્રોકરો આબાદ છટકી રહ્યા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું હતું. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ 2015માં તૈયાર કરેલા અહેવાલમાં કહ્યું હતું કે ટોચની પાંચ કોમોડિટી બ્રોકિંગ કંપનીઓ – મોતીલાલ ઓસવાલ કોમોડિટીઝ, ઇન્ડિયા ઇન્ફોલાઇન કોમોડિટીઝ, ફિલિપ કોમોડિટીઝ, આનંદ રાઠી કોમોડિટીઝ અને જિઓફિન કોમટ્રેડ દ્વારા એનએસઈએલમાં અનેક ગેરરીતિઓ આચરવામાં આવી હતી. નવાઈની વાત તો એ છે કે રમેશ અભિષેકે એ અહેવાલ બહાર આવવા જ દીધો નહીં. આખરે એફએમસીનું સેબીમાં વિલીનીકરણ થયા બાદ સેબીએ ઉક્ત બ્રોકરો સંબંધે તપાસ હાથ ધરી અને 2019માં પાંચે બ્રોકરોને બ્રોકરોને નોટ ફિટ એન્ડ પ્રોપર જાહેર કર્યા હતા. બ્રોકરોએ સેબીના આદેશને સેટમાં પડકાર્યો છે.

એનએસઈએલનું કહેવું છે કે સેબીએ બ્રોકરો વિરુદ્ધના અનેક આક્ષેપો બાબતે વિચાર કર્યો નથી. આથી આ કેસમાં તેને સેટમાં સુનાવણીની તક મળવી જોઈએ. સેટે એ અરજીનો ટેક્નિકલ આધાર પર અસ્વીકાર કર્યો તેથી એનએસઈએલે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી, જેનો ઉક્ત ચુકાદો મંગળવારે 24મી ફેબ્રુઆરીએ અદાલતે આપ્યો હતો.

63 મૂન્સે નોટ ફિટ ઍન્ડ પ્રોપર આદેશને કારણે પોતાને થયેલા નુકસાન બદલ પી. ચિદમ્બરમ ઉપરાંત ભૂતપૂર્વ સનદી અધિકારીઓ – કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેક વિરુદ્ધ 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો કર્યો છે એ વાત આપણે અગાઉ આ બ્લોગમાં લખી ગયા છીએ.

ચિદમ્બરમે સર્વોચ્ચ અદાલતમાં બ્રોકરો વતી દલીલો કરી એ જાણીને સમગ્ર નાણાકીય વર્તુળોમાં આઘાતની લાગણી પ્રસરી હતી. એનએસઈએલનું પણ કહેવું છે કે ચિદમ્બરમના કાળમાં ફોરવર્ડ માર્કેટ્સ કમિશને અનુચિત રીતે એનએસઈએલની બાબતે પ્રમોટર કંપનીને નોટ ફિટ એન્ડ પ્રોપરની કલમ લાગુ કરી, જેને કારણે કંપનીને 10,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ઉક્ત બાબતોને ધ્યાનમાં રાખતાં સવાલ એ જાગે છે કે 63 મૂન્સને નોટ ફિટ ઍન્ડ પ્રોપર જાહેર કરાવનારા પી. ચિદમ્બરમ કયા મોંઢે નોટ ફિટ ઍન્ડ પ્રોપર બ્રોકરોનો બચાવ કરવા દોડી ગયા હતા. શું એમને એનએસઈએલ કેસમાં પોતાની સંડોવણી ખૂલ્લી પડવાનો પણ હવે ડર રહ્યો નથી? શું તેઓ દેશના કાયદાઓને ઘોળીને પી ગયા છે કે પછી કાયદાઓને અને અદાલતોને પોતાની જાગીર સમજીને ચાલી રહ્યા છે?

તેઓ જે સમજતા હોય, જનતાને હવે એમનાં કરતૂતોની એક પછી એક ઘટનાક્રમના આધારે જાણ થઈ રહી છે અને એવું કહેવાવા લાગ્યું છે કે કાયદો કાયદાનું કામ કરશે અને ન્યાય તોળાઈને ખરા દોષિતોને સજા ચોક્કસ થશે.

—————————–

આધુનિક ખિસ્સાકાતરુઓથી સાવચેત રહેજો!

ડિજિટલ યુગમાં ચોરી-લૂંટ પણ ડિજિટલ

સોશ્યલ મીડિયા અને ઓનલાઈન નાણાકીય વ્યવહાર સાથે સંકળાયેલા લોકો સાવધાનઃ તમારા ડેટાનો દુરુપયોગ ક્યાં થાય છે એ સમજી લો!

- જયેશ ચિતલિયા

તમારી પાસે બૅન્ક એકાઉન્ટ તો હશે જ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પણ હોઈ શકે, તમે ફેસબુક, વોટ્સ ઍપ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, વગેરે જેવા કોઈક સોશ્યલ મીડિયા પર પણ અવશ્ય  હશો, એટીએમમાં વારંવાર જતા હશો, ઓનલાઈન પૅમેન્ટ કરતા હશો, લોન લીધી હશે યા લેવા માગતા હશો, હવેના ડિજિટલ અને ઓનલાઈન યુગમાં જ્યાં પણ નાણાકીય વ્યવહારો થાય છે ત્યાં હવે પછી તમે સાવધ નહીં રહો તો તમારી નજર સામે તમને લૂંટી લેવા ઇચ્છતા લેભાગુઓ ૨૪x૭ સક્રિય બની ગયા છે, તેથી જ નજર હટી કે દુર્ઘટના ઘટી જેવી ઘટના બનતાં વાર નહીં લાગે…

આમ તો ગયા સપ્તાહમાં એક ગુજરાતી અખબારે સાયબર ક્રાઇમના અને ઓનલાઇન અપરાધોના કિસ્સાઓની ઝલક આપી હતી, પરંતુ આ સમસ્યા આટલેથી પતી જતી નથી. આવા અપરાધોના કિસ્સા હવે નવા-નવા સ્વરૂપે વધતાં રહેવાના એવું ચોક્કસ કહી શકાય. તેની શરૂઆત થઈ ગઈ છે, રિઝર્વ બૅન્ક સહિતની વિવિધ સંસ્થાઓ આ સંબંધી ચેતવણી આપતી રહી છે, લોકો આ વિષયમાં જાગ્રત નહીં થાય તો છેતરાઈ જતાં વાર નહીં લાગે. આપણે આ વિષયને જરા જુદા સંદર્ભમાં, અલગ સ્વરૂપે અને અન્ય દાખલા સાથે સમજવાનો પ્રયાસ કરીએ, કારણ કે અહીં એવી વાત-ચર્ચા કરવી છે, જે દરેક માનવીને સ્પર્શે છે, ખાસ કરીને તે સોશ્યલ મીડિયા સાથે સંકળાયેલા લોકો માટે વિશેષ ચેતવણી રૂપ છે.

હવે ચોર-લૂંટારુ ઘરે આવ્યા વગર જ લૂંટ કરશે

કોઈ ચોર તમારા પૈસા યા તમારી ચીજ-વસ્તુઓ ચોરી કરીને લઈ જવા માટે ઘરે નહીં આવે એ મતલબની કોઈ ખાતરી આપે તો તમને ચોક્કસ રાહત થાય કે હાશ, શાંતિ! હવે ચોરીના ભયથી મુક્તિ મળી ગઈ કહેવાય. પણ પછી તરત જ  અમે તમને એમ કહીએ કે તમારા હાથમાંથી, તમને પટાવીને તમારા જ પૈસા તમારી નજર સામેથી લઈ જવા ઘણા બધા લોકો આવશે, તમને ખયાલ ન આવે એવી રીતે આવશે, તમને દેખાશે પણ નહીં, તમારાથી ખુબ દૂર પણ હશે તોય તમને લૂંટી જશે, તો તમે માનો? ન માનો, કેમ કે તમને થશે કે મારી પાસેથી, મારી નજર સામેથી વળી કોણ મારા પૈસા ચોરી કે લૂંટી જાય? જો તમે આવું વિચારતા હો તો તમે ભ્રમમાં છો. પરિણામે, તમને સાવચેત કરવા જરૂરી છે. આપણે અગાઉ બસ કે ટ્રેનમાં ખિસ્સાકાતરુથી સાવધ રહેજો એવું સાંભળતા – કહેતા, એવું લખેલું પાટિયું વાંચતા, તેમ છતાં આપણું ખિસ્સુ કપાતું પણ ખરું. હવે આપણે બધાને કહેવું પડે છે કે સાયબર ક્રાઇમ, ડિજિટલ ક્રાઇમથી સાવધ રહેજો, ચોક્કસ ફોન, ઈ-મેઈલ, મેસેજ, ઈનામની વાત, બૅન્કના વ્યવહારો, એટીએમ કે ઓનલાઈન વ્યવહાર, ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ), ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પિન નંબર, વગેરે જેવી બાબતોમાં સાવધ રહેવું પડે છે.

પોતાની અંગત માહિતી જાહેર કરીને આપણે પોતે જ ફસાઈએ છીએ

ફેસબુક પર તમે રજિસ્ટર્ડ થાવ ત્યારે તમારી કેટલીય બાબતો જગજાહેર થઈ જાય છે. ઘણા તો વળી સામે ચાલીને જાહેર કરતા રહે છે. આમ જાણતા-અજાણતા કેટલીય એવી અંગત માહિતી બહાર આવી જાય છે, જેનો ગેરલાભ લેવા માટે લેભાગુ-ચોરોને તક મળી જાય છે. ફેસબુક, વોટ્સએપ, ઉપરાંત ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ સહિતનાં વિવિધ માધ્યમો લોકોને આકર્ષે છે અને તમારી અંગત લાઇફ ખૂલતી જાય છે. હજી તો ઘણાં એવાં માધ્યમ છે, જેમાં તમારા ડેટા લેવાતા જાય છે, તમારા ખિસ્સાં ખાલી કરવા ઈચ્છતી ટોળકીઓ સક્રિય થતી જાય છે. આ બાબતો હવે રોજિંદી બની ગઈ છે. આ વ્યવહારોમાં કયા લેભાગુઓ, હેકર્સ, વગેરે કઈ રીતે આપણા નાણાં ચોરી જશે કે હડપ કરી જશે એ ખબર પડતી નથી, શેરોના ડિમેટ એકાઉન્ટ બાબતે પણ આવું બનતું રહે છે, અર્થાત્ આપણા નાણાકીય વ્યવહારો પર નજર રાખતા ચોક્કસ લેભાગુઓ (નવા પ્રકારના ચોર-લૂંટારુઓ) માટે આ પ્રવૃત્તિ કમાણીનો ધંધો બનતી જાય છે.

આ લોકો આપણી વિગત એક યા બીજા માર્ગે મેળવી લે છે, તમને પુરાવા સાચા લાગે એવા પેપર્સ પણ મોકલે છે. મીઠું-મીઠું બોલી આપણને બાટલીમાં ઉતારી લે છે. કેવાયસી (નો યોર કસ્ટમર)નાં ધોરણો હેઠળ આપણે ઘણી જગાએ આપણી વિગતો સુપરત કરવાની આવતી હોય છે. આ ડેટા ચોરાઇ કે વેચાઈ  જતાં વાર લાગતી નથી. પૅન નંબર, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડિમેટ અકાઉન્ટ, ટ્રેડિંગ અકાઉન્ટ, બૅન્ક અકાઉન્ટ, ઇન્વેસ્ટમેન્ટ, વગેરે માર્ગે આપણા ડેટા જાહેરમાં ફરવા લાગે છે. લેભાગુઓ માટે આ ડેટા ચોરીની પ્રવૃત્તિ સલામત ગણાય છે અને તેથી હવે તે આવા લેભાગુઓનો ધંધો બની ગઈ છે.

લોન લઈ જાવ લોન!

એક તરફ બૅન્કો લોન આપતાં પહેલાં દસ સવાલ કરે છે અને બીજી તરફ સામેથી લોન આપનાર કંપનીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. આજકાલ આપણને સૌને વિવિધ કંપનીઓ તરફથી લોન ઓફર થઈ રહી છે ત્યાં સુધી તો ઠીક, કિંતુ આ લોન આપનારા તમને સીધું કહી જ દે છે કે અમે તમારી માટે ચોક્કસ રકમની લોન મંજૂર કરી દીધી છે. આમાં બનાવટી વ્યક્તિનાં નામ પણ હોય છે અથવા ચોક્કસ પ્રકારે તમારા ડેટા, ફોન નંબર હેક પણ થયા હોય છે. નાના-નાના ધંધા કરનારા લોકોને આવી લોન ઓફર સારી – આકર્ષક લાગે છે અને તેઓ પણ દિનદહાડે લૂંટાઈ જાય છે. પરંતુ આ રીતે લૂંટાયા બાદ કોણ જાહેર કરે કે પોતે ભોગ બન્યા છે, ખરું કહો તો, ઉલ્લુ બન્યા છે. આ લેભાગુ કંપનીઓ આપના નાણાકીય ડેટા ભેગા કરતી રહેતી હોય છે, જેના આધારે બકરા શોધે છે. જેમને નાણાંભીડ હોય અને સખત જરૂર હોય તેઓ આવી ઓફરોથી તરત આકર્ષાઈ જાય છે.

ક્વિક લોન – ક્વિક ફ્રોડ

આવી લોન ઓફર, મોટેભાગે મંજુરી સાથેની લોન ઓફર, સોશ્યલ મીડિયા કે ઓનલાઈન માધ્યમથી આવે છે, જે ખાનગી ક્ષેત્રની કંપનીઓ (ટોળકીઓ એમ સમજવું) મારફત થાય છે. આ કંપનીઓ મહદ્અંશે બોગસ અથવા લેભાગુ કંપનીઓ હોય છે. લોનના નામે આ લોકો જરૂરતમંદ લોકોને છેતરે છે, તેમને લોન તો મળતી જ નથી, કિંતુ લોનના નામે તેમની પાસેથી ચોક્કસ રકમ ફી યા કમિશન પેટે વસુલી લેવામાં આવે છે. રિઝર્વ બૅન્કે તાજેતરમાં આવી લોન પ્રત્યે લોકોનું ધ્યાન દોરીને ખાસ ચેતવણી આપી છે. રિઝર્વ બૅન્કના કહેવા અનુસાર અનધિકૃત તેમ જ મોબાઈલ એપ્લિકેશન મારફતે ઓફર થતી લોન (ધિરાણ) સામે સાવધ રહેવું જોઈએ. આ ધિરાણ ઓફર કરનારા મોટાભાગે ગેરકાયદેસર આ પ્રવૃત્તિ કરતા હોય છે, તેમની રિકવરીની વિધિ કે પ્રથા પણ ગેરકાનૂની અને અનૈતિક હોય છે. તેમના વ્યાજદર પણ નિયમન વિનાના હોય છે. આ સમગ્ર પ્રેક્ટિસ જ ગેરકાયદેસર ગણાય, જેથી આમાં ન પડવામાં કે આવી ઓફરોથી દૂર રહેવામાં સાર અને શાણપણ છે. રિઝર્વ બૅન્કનું માનવું છે કે સામાન્ય વ્યક્તિઓ અને નાના વેપારીઓ, જેમને બૅન્ક કે નોન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવવાનું મુશ્કેલ પડે છે. તેઓ આવી ખાનગી મોબાઈલ ઍપ મારફતે યા સોશ્યલ મીડિયા મારફતે થતી લોનની ઓફરમાં ખેંચાઈ  જાય છે. આ બધા અનધિકૃત ડિજિટલ મંચ છે. તો તકલીફ વિનાની (હેસલ ફ્રી) અને ઝડપી લોન (ક્વિક લોન) ઓફર કરે છે. બાકી તો આ લોનની જાળમાં ફસાનાર જ્યારે તે ભરપાઈ કરી શકતા નથી ત્યારે બહુ ઝડપથી પારાવાર તકલીફમાં પડી જાય છે.

રિઝર્વ બૅન્ક શું કહે છે, ધ્યાન આપો!

રિઝર્વ બૅન્ક ભારપૂર્વક કહે છે કે માત્ર પરવાનાધારક બૅન્કો અને એનબીએફસી જ જાહેર ધિરાણ આપી શકે છે. રિઝર્વ બૅન્કે આ માટે ચોક્કસ માર્ગરેખા નિયત કરી જ છે. રિઝર્વ બૅન્કની આ માર્ગરેખાનું ફિનટેક કંપનીઓ પાલન કરતી નથી. આ કંપનીઓ તેમની લોનની રિકવરી માટે પણ અનુચિત રસ્તાઓ અપનાવે છે, જે માન્ય હોઈ શકે નહીં. હાલમાં સંખ્યાબંધ આવી ઍપ લોન ઓફરની પ્રવૃત્તિ કરી રહી છે, તેમની અનૈતિક પ્રૅક્ટિસની નોંધ રિઝર્વ બૅન્કે લીધી છે તેમ તે વિવાદ અને ચર્ચાનો વિષય પણ બની છે. આ બધાં પર સાયબર ક્રાઇમ સેલની નજર પણ છે.  

કૌન બનેગા કરોડપતિ (કેબીસી) કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન આરબીઆઈ (રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા) આકર્ષક ઈનામો, લોટરી, વસિયતમાં મળતી પ્રોપર્ટીઝ, બૅન્કની વિગતો,  ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ), વગેરે જેવા મામલામાં ફસાઇ જવું નહીં અને વિશેષ સાવચેત રહેવું, એવું બોલી-બોલીને  વિવિધ સૂચના-ચેતવણી આપે છે, જે આપણે વારંવાર સાંભળીએ છીએ. આરબીઆઈ વિવિધ માર્ગે જાગ્રતિ ઝુંબેશ ચલાવતી રહેશે. જેઓ જાગૃત રહેશે તે બચશે, જેઓ સાવચેત નહીં રહે તેઓ ગમે ત્યારે આવી આધુનિક ચોરીનો ભોગ બની શકે છે.   

———————————-

બે પુસ્તકોમાં પી. ચિદમ્બરમ અને એમની ચંડાળચોકડીની કુંડળી ખૂલ્લી કરી દેવાઈ હોવા છતાં દેશના નાણાકીય તંત્રમાં એમની વગ ઓસરતી નથી!

તસવીર સૌજન્યઃ http://www.pgurus.com

પરસ્પર સંકળાયેલા આ લોકોની પાસે એવી તે કઈ ‘માસ્ટર કી’ છે કે એનએસઈના બધા ગુના માફ થાય છે અને બીજાના નાના ગુના બદલ કઠોર કાર્યવાહી થાય છે !

ભારતના નાણાકીય તંત્રમાં હજી પણ ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને એમના સાથીઓનું વર્ચસ્ હોવાનું એક પછી એક કિસ્સા પરથી પુરવાર થઈ રહ્યું છે. આપણે ચિદમ્બરમ સાથેના અનેક સરકારી અમલદારોના સંબંધો વિશે વાતો કરી ગયા છીએ, પરંતુ જેમની પહોંચ ઘણી ઉંચી હોય એ લોકો નખશિખ પ્રામીણિક વડા પ્રધાન જેવી વ્યક્તિને ગણકારતા નહીં હોવાનું દરેક વખતે દેખાઈ આવે છે.

કાજુ કૌભાંડના આરોપીનું એનએસઈ કનેક્શન

પી. ચિદમ્બરમ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો થયા અને તેઓ જેલમાં રહી આવ્યા, પરંતુ હજી પણ સ્થિતિ બોલીવૂડની ફિલ્મોના ડાયલોગની જેમ ‘મેરે આદમી ચારો ઓર ફૈલે હુએ હૈ’ જેવી છે. થોડા સમય પહેલાં પ્રકાશિત થયેલા ‘ધ માર્કેટ માફિયા’ના બીજા પ્રકરણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પી. ચિદમ્બરમને એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ) સાથે સંકળાયેલી અનેક વ્યક્તિઓ સાથે ઘરોબો છે. હાલમાં જ એનબીએચસી (નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશન)ના કાજુ કૌભાંડ સંબંધે આરોપી ગણાવાયેલા ડૉ. વિજય કેળકર સામેલ હોવાનું ઉક્ત પુસ્તકમાં કહેવાયું છે. એ ઉપરાંત એનએસઈના ભૂતપૂર્વ ઉચ્ચાધિકારીઓ ચિત્રા રામકૃષ્ણન અને રવિ નારાયણ, સેબીના ભૂતપૂર્વ ચૅરમૅન સી. બી. ભાવે, સનદી અધિકારી કે. પી. કૃષ્ણન પણ ટોળકીમાં સામેલ છે.

એનએસઈ અને એના બે ભૂતપૂર્વ અધિકારીઓને સાવ મામૂલી દંડ કેમ?

હજી બે દિવસ પહેલાં સેબીએ કૉ-લૉકેશન કેસમાં એનએસઈને તથા ચિત્રા રામકૃષ્ણન અને રવિ નારાયણને અમુક બાબતે દોષિત ગણ્યા ખરાં, પરંતુ એમને લવિંગ કેરી લાકડીએ ફટકારતા હોય એમ મામૂલી દંડ કરવામાં આવ્યો છે. 50,000 કરોડથી 60,000 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનું મનાતા કૉ-લૉકેશન કેસમાં સેબીની એડજ્યુડિકેટિંગ ઑથોરિટીએ એનએસઈને કરેલા 1 કરોડ રૂપિયાના તથા ચિત્રા રામકૃષ્ણન અને રવિ નારાયણને કરેલા 25-25 લાખ રૂપિયાના દંડની વાત સાંભળીને સિક્યૉરિટીઝ માર્કેટના જાણકારો કહે છે કે આમાં નવાઈ પામવા જેવું કંઈ નથી; ચિદમ્બરમ અને એનએસઈના સંબંધો વિશે સિક્યૉરિટીઝ માર્કેટનો નાનામાં નાનો માણસ પણ ઘણું બધું જાણે છે.

ભારતમાં પાર્ટિસિપેટરી નોટ્સ મારફતે સિક્યૉરિટીઝ માર્કેટમાં કાળાં નાણાં લાવીને સફેદ કરવાની રમત વિશે પણ ‘ધ માર્કેટ માફિયા’માં વાત કરવામાં આવી છે. પાર્ટિસિપેટરી નોટ્સ માટે 2009માં બનાવાયેલી સમિતિમાં કે. પી. કૃષ્ણન, એનએસઈના તત્કાલીન એમડી-સીઈઓ રવિ નારાયણ, સી. કે. જી. નાયર અને અજય શાહ સામેલ હતા. આ બધી વ્યક્તિઓ કોઈક ને કોઈક રીતે ચિદમ્બરમની જ ટીમના માણસો છે અને એમને તથા એમના વહાલા એનએસઈને બધી રીતે સાચવવાનું કામ કરનારા લોકો છે. પુસ્તકમાં અનેક ચોંકાવનારી વિગતો છે. તેમાં કહેવાયા મુજબ સી. કે. જી. નાયરને સરકારી હોદ્દા પરથી નીકળ્યા બાદ સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલમાં ન્યાયમૂર્તિ બનાવવામાં આવ્યા હતા. એમનાં દીકરી 2013થી એનએસઈમાં કામ કરતાં હતાં.

એનએસઈના ઍલ્ગરિધમિક ટ્રેડિંગ કૌભાંડ વિશે એક વ્હીસલબ્લોઅરે 2015માં ફરિયાદ કર્યા બાદ સેબીએ જ્યારે એ વિષયે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે અજય શાહને વર્ષો સુધી એનએસઈ પાસેથી મહત્ત્વપૂર્ણ ડેટા મળતા રહ્યા હતા. એમણે સંશોધનના નામે ડેટા મેળવ્યા અને ઍલ્ગરિધમિક ટ્રેડિંગ માટે અને કેટલાક ગણ્યાગાંઠ્યા બ્રોકરોને આર્થિક લાભ કરાવવા માટે તેનો ઉપયોગ કર્યો.

એનએસઈની સામે સ્પર્ધા ખડી કરનાર સામે કિન્નાખોરી

ટૂંકમાં, એનએસઈ સાથે સંકળાયેલા તમામ ઘટનાક્રમમાં પી. ચિદમ્બરમનો ઉલ્લેખ આવ્યા વગર રહેતો નથી. એનએસઈ સામે એક સમયે સ્પર્ધા ઊભી કરનારા એફટીઆઇએલ (ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ – નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ)ના સામ્રાજ્યને એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ની પૅમેન્ટ કટોકટીનું નિમિત્ત બનાવીને તોડી પાડવાનું ષડ્યંત્ર રચાયું, એમાં પણ પી. ચિદમ્બરમનું નામ હોવાનું આ બ્લોગ વાંચનારા હવે સારી રીતે જાણે છે. આ ભૂતપૂર્વ નાણાપ્રધાનની નજીકના ગણાતા અજય શાહ એક સમયે નાણાકીય ક્ષેત્રના સુધારા માટેની આયોજન પંચની સમિતિમાં સભ્ય ન હોવા છતાં તેના પર વગ ધરાવતા હતા. હાલમાં જેમની સામે એનબીએચસી કેસમાં એફઆઇઆર નોંધાયો એ ડૉ. વિજય કેળકર કૉ-લૉકેશન કૌભાંડ જ્યારે ચરમસીમાએ હતું ત્યારે એનએસઈમાં બિન કાર્યકારી ચૅરમૅન હતા. કેળકર 13મા નાણાં પંચના અધ્યક્ષપદેથી નિવૃત્ત થઈને એક્સચેન્જીસ બોર્ડમાં જોડાયા. નૈતિક દૃષ્ટિએ એમણે ખાનગી કંપનીમાં જોડાતાં પહેલાં બ્રેક લેવો જોઈએ, પરંતુ એમણે એમ કરવાને બદલે સીધેસીધો એનએસઈમાં પ્રવેશ મેળવી લીધો, કારણ કે ચિદમ્બરમની ટીમમાં એમની નિકટના હોવાનું મનાતા સી. બી. ભાવે એ વખતે સેબીના ચૅરમૅન હતા. સેબીને એક્સચેન્જોમાં થતી નિમણૂકોને મંજૂરી આપવાની કે નકારી કાઢવાની પૂરેપૂરી સત્તા હોય છે, જેનો ઉપયોગ એક જ ટોળકીના સાથીની નિમણૂકને મંજૂરી આપવા માટે થયો. કેળકરને ભૂતપૂર્વ સનદી અધિકારીઓની જેમ સરકારી પૈસે મળતી લક્ઝરીઓની આદત પડી ગઈ હોય એ સ્વાભાવિક છે. એ વખતે રવિ નારાયણે એનએસઈમાં એમને પોશ એરિયામાં ફ્લેટ અને શોફર ડ્રિવન ગાડીની સુવિધા પૂરી પાડી. એમનો પગાર પણ ખાનગી ક્ષેત્રની કંપનીના ટોચના અધિકારીઓને શરમાવે એટલો ઉંચો હતો. એનએસઈમાં કેળકરના કાર્યકાળ દરમિયાન જ એક્સચેન્જે રવિ નારાયણનું વાર્ષિક પૅકેજ વધારીને આશરે 8 કરોડ રૂપિયા કરી દીધું હતું.

ખરું પૂછો તો, ‘ધ માર્કેટ માફિયા’ પુસ્તક જેણે વાંચી લીધું હોય એને એનએસઈની સાથે સંકળાયેલી દરેક ઘટના પાછળનાં રહસ્યો આપોઆપ અને સહેલાઈથી સમજાઈ જાય એવાં છે. એ સમજાઈ ગયા બાદ એફટીઆઇએલના સ્થાપક જિજ્ઞેશ શાહને કેન્દ્રમાં રાખીને પીઢ પત્રકાર શાંતનુ ગુહા રેએ લખેલા ‘ધ ટાર્ગેટ’ પુસ્તકમાં લખાયેલી દરેક વાત સાચી લાગે છે. આવતા વખતે આપણે ભારતીય નાણાકીય ક્ષેત્રની બીજી કેટલીક વાતો કરીએ ત્યાં સુધી આટલું જ……

(વધુ વિગતો માટે વાંચોઃ https://www.pgurus.com/c-company-to-the-market-mafia-the-story-of-the-deep-state-of-indias-financial-markets/)

——————

63 મૂન્સ ટેક્નૉલૉજીસ વિરુદ્ધના કારસ્તાન બાદ હવે એનએસઈએલની કટોકટીના ખરા ‘નોટ ઍન્ડ ફિટ પ્રોપર’ લોકોની હરકતો પ્રકાશમાં આવવા લાગી છે

ભારતનું અગ્રણી એક્સચેન્જ ગ્રુપ – ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ (એફટીઆઇએલ)  એક્સચેન્જો ચલાવવા માટે ફિટ ઍન્ડ પ્રોપર નથી એવું કહીને તેના સામ્રાજ્યને નુકસાન પહોંચાડવાનું કામ સ્થાપિત હિતો (જેમાં પી. ચિદમ્બરમ, રમેશ અભિષેક અને કે.પી. કૃષ્ણનનાં નામ બહાર આવ્યાં છે)એ કર્યું. એ રાજકારણી અને અમલદારોની કુટિલ ચાલ વિશે ‘ધ ટાર્ગેટ’ નામનું પુસ્તક શાંતનુ ગુહા રે લખી ચૂક્યા છે. યોગાનુયોગે એ પુસ્તક પ્રગટ થયા પછી એવી અનેક ઘટનાઓ બની જેમાં ‘ધ ટાર્ગેટ’માં લખાયેલી વાતો સાચી ઠરી છે.

જુલાઈ 2013માં એનએસઈએલની પૅમેન્ટ કટોકટીને લઈને એફટીઆઇએલ (નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ) પાસે પરાણે કંપનીઓ વેચાવી દેવાઈ હતી. હકીકતમાં એ કટોકટીના દોષિતો બીજા જ હતા, પણ દોષનો ટોપલો 63 મૂન્સ ટેક્નૉલૉજીસ પર ઢોળવામાં આવ્યો. હવે ખરા આરોપીઓ પ્રકાશમાં આવી રહ્યા છે. હાલમાં આપણે જોયું કે એફટીઆઇએલની પેટા કંપની – એનએસઈએલના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર અને પૅમેન્ટ કટોકટી માટે મુખ્ય જવાબદાર અંજની સિંહાની ફરીથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ, એમને રાજના સાક્ષી બનાવીને જામીન પર છોડી દેવાયા હતા, પરંતુ હવે એમની સંડોવણીના વધુ પુરાવા મેળવીને એમની ધરપકડ કરવામાં આવી છે. એ ઉપરાંત તાજેતરમાં એફટીઆઇએલની જ એક સમયની ગ્રુપ કંપની – નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશન (એનબીએચસી)ના ડૉ. વિજય કેળકર તથા અન્ય અધિકારીઓની વિરુદ્ધ કાજુ કૌભાંડમાં પંજાબ નૅશનલ બૅન્કની રાજામુંદ્રી શાખા દ્વારા એફઆઇઆર નોંધાવવામાં આવ્યો છે. એનબીએચસીનાં ગોદામોમાં કાજુને બદલે તેનાં છોતરાં રાખીને બૅન્કની સાથે છેતરપિંડી કરવામાં આવી એનો એ કેસ છે. આ બાબત પરથી કહી શકાય છે કે વાસ્તવમાં જે લોકો એનએસઈએલની પૅમેન્ટ કટોકટી માટે જવાબદાર અને ‘નોટ ફિટ ઍન્ડ પ્રોપર’ હતા એ લોકોની સામે હવે આરોપો ઘડાઈ રહ્યા છે.

અહીં જણાવવું રહ્યું કે હાલમાં www.pgurus.com વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ (https://www.pgurus.com/nbhc-another-jignesh-shah-idea-plundered-and-now-cbi-books-kelkar-shah/?fbclid=IwAR1p4sY39pDeN6I4i45Pdkg0hNEaSpdLXdjvnGkqf5TU-SxQr6l-KvWRkDI) અનુસાર નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશનની સ્થાપના કોઈ કૌભાંડ કરવા માટે નહીં, પણ એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ)ના કામકાજમાં આવશ્યક કોમોડિટી વેરહાઉસિંગની સુવિધા પૂરી પાડવા માટે એફટીઆઇએલ દ્વારા કરવામાં આવી હતી. કોમોડિટીનો હાજરનો હોય કે વાયદાનો વેપાર હોય, બધામાં સાદાં અને ઍરકન્ડિશન્ડ વેરહાઉસીસની જરૂર હોય છે. એફટીઆઇએલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જની સ્થાપના કરતી વખતે કોમોડિટી વેપારનું એવું પરિતંત્ર બનાવ્યું હતું, જે કોમોડિટીના ઉત્પાદકોને એટલે કે ખેડૂતોને અને કોમોડિટીના વેપારીઓને ઉપયોગી થાય. વેરહાઉસીસ બનવાથી કોમોડિટી વેપારમાંથી વચેટિયાઓનું વર્ચસ્ દૂર થઈ જવાનું હતું, કારણ કે ખેડૂતો પોતાની ઊપજ પોતાની મરજી મુજબના સમયે વેચવા સક્ષમ થયા હતા.

ઉક્ત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એનબીએચસીને કારણે ખેડૂતોને ઉચિત ભાવ મળવામાં મદદ મળી હતી. એ ઉપરાંત કયા પાકનું કેટલા પ્રમાણમાં વાવેતર કરવું એનો અંદાજ તેઓ રાખવા સક્ષમ બન્યા હતા. તેના ફળસ્વરૂપે ગ્રામીણ ક્ષેત્રે વિકાસ થવાની સંભાવના સર્જાઈ હતી. કૃષિ ક્ષેત્ર સિવાયના લાભ વિશે તેમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને ઉચિત ભાવ મળવાથી ઉત્પાદનનો ખર્ચ ઘટ્યો હતો અને આયાતનો ખર્ચ પણ ઘટ્યો હતો. સાથે જ લઘુ-મધ્યમ એકમોને વેગ મળ્યો હતો. એવા તો બીજા અનેક લાભ હતા, પણ આ બધું ફક્ત 2013 સુધી ચાલ્યું, કારણ કે સ્થાપિત હિતોએ જુલાઈ 2013માં એનએસઈએલમાં પૅમેન્ટ કટોકટી સર્જીને એફટીઆઇએલ પાસે પરાણે એ બધી કંપનીઓનું વેચાણ કરાવી દીધું.

વાંચકોને યાદ કરાવી દેવું ઘટે કે અત્યાર સુધીની આપણી ચર્ચામાં આપણે સ્પષ્ટપણે જોઈ ગયા છીએ કે દેશમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ને લાભ કરાવવાના ઉદ્દેશ્યથી તેના મોટા સ્પર્ધક એફટીઆઇએલને સ્પર્ધામાંથી દૂર કરી દેવા માટેનું ષડ્યંત્ર દેશમાં રચાયું હતું. જો એફટી ગ્રુપ જ ગરબડ કરનારું હોત તો એના નીકળી ગયા પછી તેની ભૂતપૂર્વ કંપનીઓએ ઘણી પ્રગતિ કરી હોત, પરંતુ વાસ્તવમાં એમસીએક્સથી માંડીને એનબીએચસી સુધીની કંપનીઓમાં કામકાજનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. એનએસઈએલની તપાસનીશ સંસ્થાઓએ ફરી અંજની સિંહાને ઝબ્બે કરવા પડ્યા છે અને એનબીએચસીના કાજુ કૌભાંડમાં ડૉ. કેળકરનું નામ સામે આવ્યું છે.

થયું એવું કે એફટી ગ્રુપ પાસેથી એનબીએચસી વેચાવી દેવાયું ત્યારે તેની ખરીદદાર ‘ટ્રુ નોર્થ’ નામની વેન્ચર ફંડ કંપની હતી. ‘ટ્રુ નોર્થ’ વિશે હાલમાં પત્રકાર પલક શાહ લિખિત પુસ્તક ‘ધ માર્કેટ માફિયા’માં અનેક ચોંકાવનારી વિગતો પ્રગટ કરવામાં આવી છે. એનબીએચસીનું વેચાણ કરવામાં આવ્યું ત્યારે તેના વિકાસની ભરપૂર સંભાવનાઓ હતી, પરંતુ જ્યાં નવા સંચાલકોની નિયતમાં જ ખોટ હોય ત્યાં કંપનીનો વ્યવહાર ખાડે જાય એ સ્પષ્ટ છે.

https://www.pgurus.com આ સમગ્ર પ્રકરણમાં વધુ ઊંડે ઉતરી છે. આપણે તેના વિશે આગામી કડીમાં વાતો કરીશું.

—————————-

એનએસઈએલ કેસ સંબંધે અંજની સિંહાની પુનઃ ધરપકડ શું સ્થાપિત હિતોની નવી ચાલ છે કે પછી ન્યાયને લંબાવવાની વધુ એક મેલી રમત છે?

શું સરકાર નથી ઈચ્છતી કે આ કેસનો ન્યાયપૂર્ણ અંત આવે?

હાલમાં પ્રગટ થયેલા બે સમાચાર આપણને ફરી એક વાર અનુભવ કરાવી રહ્યા છે કે દેશના સમગ્ર નાણાકીય તંત્રમાં ભયંકર અવ્યવસ્થા ચાલી રહી છે અને સમસ્યાઓના હલ લાવવા કરતાં તેની ગૂંચને યથાવત્ રાખવામાં અથવા વધારવામાં જ કેટલાંક સ્થાપિત હિતોને રસ છે. આ સડો એટલો અંદર પેસી ગયો છે કે નરેન્દ્ર મોદીની સરકારનાં સાતમા વર્ષે પણ તેનો ઈલાજ કરવાનું શક્ય બની રહ્યું નથી.  

આ બે સમાચાર એક સમયના ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ – એફટીઆઇએલ ગ્રુપને સંબંધિત છે. એફટીની પેટા કંપની એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)માં પૅમેન્ટ કટોકટી સર્જવા માટે જવાબદાર મનાતા એ સમયના એનએસઈએલના  મૅનેજિંગ ડિરેક્ટર અંજની સિંહાની દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ 17મી જાન્યુઆરીએ ધરપકડ કરી છે. મૂળ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાનો આ કેસ હોવા છતાં હવે રહસ્યમય રીતે દિલ્હીની ઈઓડબ્લ્યુ એમાં સક્રિય થઈ છે. વળી, સીબીઆઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ એ બધી ઍજન્સીઓ પણ જુલાઈ 2013ના આ કેસમાં તપાસ કરી ચૂકી છે.

એફટીઆઇએલના પ્રમોટર જિજ્ઞેશ શાહે કે તેમના પરિવાર અને એફટી ગ્રુપની કંપનીઓએ આ કેસમાં નાણાંની હેરફેર કરી નહી હોવાની વાતને મુંબઈ વડી અદાલતથી માંડીને સર્વોચ્ચ અદાલત અને વિવિધ ઍજન્સીઓએ સમર્થન આપ્યું છે. મની ટ્રેઈલમાં પણ આ હકીકત પુરવાર થઈ છે. તેમ છતાં અંજની સિંહાને પકડીને તેના મોઢે જિજ્ઞેશ શાહનું નામ બોલાવડાવાનું કારણ સ્થાપિત હિતોની ચાલ સિવાય બીજું શું હોઈ શકે?

આ એ જ અંજની સિંહા છે, જેની સામે એફટીઆઇએલે પૅમેન્ટ કટોકટી બદલ એફઆઇઆર નોંધાવી હતી અને કહ્યું હતું કે સિંહાએ મૅનેજમેન્ટને અંધારામાં રાખીને એનએસઈએલમાં અનેક ગેરરીતિઓ આચરી હતી.  

સાત વર્ષ પૂરાં થયા બાદ પણ દેશની આ બધી તપાસ સંસ્થાઓ કેમ આ કેસનો હલ લાવી શકી નથી અને જેઓ આબાદ છટકી ગયા હોવાનું દેખાય છે એ ડિફોલ્ટરોની સામે આકરી કાર્યવાહી કરવાને બદલે કેસની ફરતે ફેરફુદરડી ફરવાની પ્રવૃત્તિ કેમ ચાલી રહી છે? 

એનબીએચસી કેસઃ વધુ એક પુરાવો

હવે થોડો વખત એ વાતને બાજુમાં રાખીને બીજા સમાચાર પર આવીએ. હાલમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને મુંબઈસ્થિત નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશન (એનબીએચસી)ના ચૅરમૅન વિજય કેળકર વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. પંજાબ નૅશનલ બૅન્કની આંધ્ર પ્રદેશ ખાતેની રાજામુંદ્રી શાખાએ કરેલી ફરિયાદને પગલે 20 કરોડના કેસમાં કેળકર તથા અન્ય અધિકારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ સૂર્યાશ્રી કેશ્યુ પ્રૉડક્ટ્સ સાથે મળીને બૅન્ક સાથે છેતરપિંડી કરી છે. યોગાનુયોગે એનબીએચસી એક સમયે એનએસઈએલની જેમ એફટીઆઇએલની પેટા કંપની હતી.  

એનએસઈએલની 2013ની પૅમેન્ટ કટોકટી અને એનબીએચસીના અધિકારીઓએ કરેલા અત્યારના ફ્રોડ એ બન્ને કેસમાં સંબંધિત સંસ્થાના રોજબરોજના કામકાજને સંભાળનારા અધિકારીઓની સંડોવણી સ્પષ્ટ તરીને આવે છે. એક સમયે એનએસઈએલની કટોકટી માટે તત્કાલીન પૅરન્ટ કંપની એટલે કે એફટીઆઇએલના પ્રમોટર જિજ્ઞેશ શાહ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું વલણ અપનાવવામાં આવ્યું હતું, હકીકતમાં જિજ્ઞેશ શાહ અંજની સિંહાના વિશ્વાસઘાતનો ભોગ બન્યા હતા. છેલ્લાં સાત વર્ષમાં અલગ અલગ અદાલતોમાં સ્પષ્ટપણે જોઈ શકાયું છે કે પ્રમોટરની એમાં કોઈ સંડોવણી કે અપરાધ નથી. પૅમેન્ટ કટોકટીનાં નાણાં પ્રમોટર કે તેમની કંપનીઓ નહીં, પણ ડિફોલ્ટર લઈ ગયા છે. ડિફોલ્ટરોને સાથ આપનારા બ્રોકરો હતા, એવું પણ મુંબઈની ઈઓડબ્લ્યુના અહેવાલમાં કહેવામાં આવ્યું હોવા છતાં કેસમાં ભેદભરી રીતે પ્રમોટરની સામે જ કાર્યવાહી કેન્દ્રીત કરવામાં આવી હતી. જો એનબીએચસી હજી પણ એફટીઆઇએલ પાસે હોત તો શક્ય છે કે કેટલાંક હિતોએ કેળકરને બદલે એફટીઆઇએલના પ્રમોટર વિરુદ્ધ કાર્યવાહીના પ્રયાસ કરાવ્યા હોત.  

વાસ્તવમાં એફટીઆઇએલ, જેનું નવું નામ હવે 63 મૂન્સ ટેક્નૉલૉજીસ છે, એની પાસે દેશવિદેશમાં અલગ અલગ ઍસેટ્સનાં નવ એક્સચેન્જ અને બીજી અનેક પેટા કંપનીઓ હતી, જેમાં રોજબરોજના કામકાજને સંભાળવા માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતોને મૅનેજિંગ ડિરેક્ટર બનાવાયા હતા. અંજની સિંહાની પુનઃ ધરપકડ અને વિજય કેળકરની સામે ગુનાની નોંધ એ બન્ને બાબતો દર્શાવે છે કે એફટીઆઇએલની પેટા કંપનીઓના મૅનેજિંગ ડિરેક્ટરોની દાનતમાં જ ખોટ હતી.  

સિંહાની સામે પહેલી ફરિયાદ કોણે કરી હતી?

એનએસઈએલની પ્રમોટર કંપની એફટીઆઇએલે આથી જ સિંહાની સામે ફરિયાદ નોંધાવી હતી અને બ્રોકરો સાથે જેમની સાંઠગાંઠ ખૂલ્લી પડી ગઈ છે એ 22 ડિફોલ્ટરો પાસેથી નાણાં પાછાં મેળવવા માટે અદાલતી કાર્યવાહી શરૂ કરી હતી.  

એફટીના સતત પ્રયાસ

એફટીઆઇએલે, એટલે કે હાલની 63 મૂન્સે સાત વર્ષમાં ડિફોલ્ટરો પાસેથી નાણાંની રિકવરી માટે કરેલા પ્રયાસને પગલે વડી અદાલતમાંથી 3,365 કરોડ રૂપિયાની ડિક્રી અને 4,515 કરોડ રૂપિયાનાં ઇન્જંક્શન મેળવી લીધાં છે. આશ્ચર્યની વાત છે કે દિલ્હી પોલીસની ઈઓડબ્લ્યુએ સિંહાની ધરપકડ કરીને આ કેસને એકડે એકથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું લાગે છે. પરિણામે, એનએસઈએલ પૅમેન્ટ કટોકટીનો હલ આવવા સામે ફરી પ્રશ્નાર્થ ઊભો થઈ જાય અથવા આ કેસ હજી લંબાતો રહે.

જો કોઈ સ્થાપિત હિતના ઈશારે અને કેસને ગૂંચવી રાખવા માટે સિંહાની ધરપકડ થઈ ન હોય તો એ યથાયોગ્ય છે, કારણ કે આ વ્યક્તિની મથરાવટી જ મેલી છે. એમણે કટોકટી બહાર આવી એ વખતે શરૂઆતમાં જ કબૂલી લીધું હતું કે એનએસઈએલની પૅમેન્ટ કટોકટી માટે પોતે જવાબદાર છે.  

ગેરરીતિ બધી અંજની સિંહાની

એનએસઈએલ કેસમાં એક નહીં, પણ અનેક મોરચે સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રમોટરો નહીં, પણ અંજની સિંહાની ગેરરીતિઓ અને તેમાં બ્રોકરો તથા ડિફોલ્ટરોની સંડોવણી એ બધાને કારણે અને તત્કાલીન નિયમનકાર એફએમસી (ફોરવર્ડ માર્કેટ્સ કમિશન)ના ચૅરમૅન રમેશ અભિષેકના વિવાદાસ્પદ વલણને કારણે પેમેન્ટ કટોકટી સર્જાઈ હતી.  

અંજની સિંહા અને વિજય કેળકર જેવી વ્યક્તિઓ સામે હવે કાર્યવાહી થઈ રહી છે તેથી ફરી સવાલ ઊભો થયો છે કે એફએમસીએ તથા તેના કહેવાથી કંપની અફેર્સ મંત્રાલયે પ્રમોટર એફટીઆઇએલ (63 મૂન્સ) વિરુદ્ધ અપનાવેલું વલણ પક્ષપાતી હતું કે કેમ. સર્વોચ્ચ અદાલતે રમેશ અભિષેક બાબતે કરેલી ટિપ્પણીઓ પરથી તો એવું જ દેખાય છે કે બ્રોકરો અને ડિફોલ્ટરોના દોષનો ટોપલો પ્રમોટર પર ઢોળવાનો પ્રયાસ થયો હતો.  

આપણે શરૂઆતમાં જ કહ્યું હતું કે એનએસઈએલ કેસમાં સ્થાપિત હિતોએ વધુ ભાગ ભજવ્યો છે. દિલ્હી પોલીસે સિંહાની ધરપકડ કરી એમાં નવાઈ નથી, કારણ કે આ વ્યક્તિ પહેલેથી જ શંકાના ઘેરામાં છે, પરંતુ હવે આ કેસમાં નિવેડો આવે અને ડિફોલ્ટરો પાસેથી નાણાંની વસૂલાત કરીને જેના હોય એના પૈસા ચૂકવી દેવાય એ અગત્યનું છે.  

એનએસઈએલ કેસ સંબંધે અંજની સિંહાની આટલા વરસે પુનઃ ધરપકડ સ્થાપિત હિતોની નવી ચાલ છે કે પછી ન્યાય તોળાવાની શરૂઆત છે?

આશા રાખીએ કે સરકાર અને સંબંધિત ઑથોરિટીઝ આ કેસમાં હવે લેભાગુ ડિફોલ્ટર્સ પાસેથી નાણાંની વસૂલી કરી ટ્રેડર્સને તેમનાં નાણાં પરત અપાવી દે. આ કાર્ય પોલિટિકલ ઈચ્છા હોય તો સરળતાથી અને ઝડપથી થઈ શકે છે.    

———————————

ફિટ ઍન્ડ પ્રોપરના નામે આદેશ બહાર પાડનારી સેબીના પોતાના નિર્ણયો કેટલા ફિટ ઍન્ડ પ્રોપર?

– જયેશ ચિતલિયા

દેશમાં કેટલીક બૅન્કો, લેભાગુ કંપનીઓ, નોન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ, બ્રોકરો, એજન્ટો, નેતાઓ, અમલદારો-બ્યુરોક્રેટ્સ સહિત અનેક વર્ગ ફિટ ઍન્ડ પ્રોપર નથી, છતાં સ્થાપિત હિતો સમાન  રાજકરણીઓ અને અમલદારોની છત્રછાયા હેઠળ એ બધાં ચાલી જાય છે અને તેઓ બધાં દેશને તેમ જ પ્રજાને લૂંટે છે.

શું કોઈ નિયમનકારી સંસ્થા પક્ષપાતી હોય તો ચાલે? શું નિયમનકાર અમુક વર્ગ સાથે ચોક્કસ વ્યવહાર-વલણ રાખે અને તે વર્ગના અપરાધ સામે આંખ આડા કાન કરે અથવા તેની સામે કોઈ ઍક્શન જ ન લે અથવા સાવ જ બિનઅસરકારક ઍક્શન લે કે નામ પૂરતાં પગલાં લે, તો આપણે એને નિષ્પક્ષ નિયમનકાર કહી શકીએ, ન્યાયી નિયમનકાર કહી શકીએ? સ્વતંત્ર-સ્વાયત્ત નિયમનકારી સંસ્થા પણ કહી શકીએ ખરાં? ભારતીય સિક્યૉરિટીઝ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી સેબીની શાખ સામે આવા જ સવાલો ઊભા થઈ રહ્યા છે. મૂડીબજારના નિયમનકાર તરીકે સેબીએ રોકાણકારોનો વિશ્વાસ જીતવાનો અને જાળવવાનો હોય, તેને બદલે રોકાણકારો સાથે બનતી જતી છેતરપિંડીની ઘટનાઓને કારણે સેબી સામે ચોક્કસ અંશે નારાજગી પણ ઊભી થઈ છે.

તાજેતરમાં સેબીએ ટેક્નૉલૉજી ક્ષેત્રની જાણીતી અને વિશ્વસનીય ગણાતી કંપની 63 મૂન્સ ટેક્નૉલૉજીસને તેની એસટીપી સર્વિસીસ ચાલુ રાખવા અંગે મંજૂરી આપવાનો ઈનકાર કરાતાં હવે તો માર્કેટના ખેલાડીઓમાં પણ સેબીના ઈરાદા સામે સવાલો થવા લાગ્યા છે.

સત્તાનો દુરુપયોગ કે પછી…?

અગાઉ આપણે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પ્રત્યેના સેબીના પક્ષપાતી વલણની વાત કરી હતી. આ ઉપરાંત સેબીના કડક નિયમન છતાં એક વરસમાં 20 બ્રોકરોએ ડિફોલ્ટ કર્યાની ઘટના પણ સેબીના નિયમન સામે શંકા ઉઠાવે છે. ત્યાં વળી તાજેતરમાં જ જાણીતી ટેક્નૉલૉજી કંપની – 63 મૂન્સ ટેક્નૉલૉજીસને એસટીપી સર્વિસીસ ચાલુ રાખવા દેવાની ના ફરમાવવામાં આવી. એક સમયે ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ – એફટીઆઇએલ ગ્રુપ તરીકે ઓળખાતી આ કંપનીએ એક સમયે દેશ અને પરદેશમાં કુલ 9 એક્સચેન્જની સ્થાપના કરી હતી તથા દેશને એક સક્ષમ ઈકો-સિસ્ટમ પૂરી પાડી હતી, વિદેશોથી ભારતમાં બિઝનેસ આવતો થાય એવી અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તથા ભારતીય એક્સચેન્જોને વિશ્વના નકશા પર આગવું સ્થાન અપાવ્યું હતું. એફટી સામેના પગલાને જાણકારોએ સેબી દ્વારા સત્તાનો દુરુપયોગ ગણાવ્યું છે. 63 મૂન્સે સેબીના ઉક્ત આદેશ વિરુદ્ધ સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)માં અપીલ કરી છે, કારણ કે સેબીનું કદમ અન્યાયી અને મનસ્વી ગણાય છે.

સેબીનાં આઘાતજનક કદમ

ફાઇનાન્શિયલ માર્કેટના વરિષ્ઠ પત્રકારો અને અગ્રણી અખબાર સુધી બધા જ લોકો સેબીના આદેશની ટીકા કરી રહ્યા છે. આવક વેરા ખાતાના એક ભૂતપૂર્વ અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું છે કે સેબીનું આ પગલું સખત વાંધાજનક છે અને ન્યાયની અદાલતમાં જરાપણ ટકી શકે એવું નથી. તેમણે કહ્યા મુજબ ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (એફટી) ગ્રુપની કંપનીઓ તથા તેના પ્રમોટર વિરુદ્ધ અગાઉ વિવિધ નિયમન તંત્ર દ્વારા ભરાયેલાં પૂર્વગ્રહયુક્ત પગલાં સામે દેશની ઉપલી અદાલતો પણ સવાલો ઊભા કરી ચૂકી છે અને તેના સંબંધિત આદેશો રદ કરી ચૂકી છે. આમાં સૌથી વધુ વિવાદ જગાવનારું પગલું એફટી સાથે તેની પેટા કંપની – એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)નું મર્જર કરાવવાનું હતું. સર્વોચ્ચ અદાલતે કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયના એ પગલાને રદ કર્યું હતું. સેબી સાથે જેનું મર્જર થયું છે એ સંસ્થા – ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ની ભલામણના આધારે લેવાયેલો મર્જરનો નિર્ણય આખરે સર્વોચ્ચ અદાલતે રદ કર્યો હતો, કારણ કે અદાલતને મર્જરના પ્રસ્તાવમાં કોઈ વજૂદ યા વાજબીપણું  દેખાયું નહોતું.

આદેશ કેટલો ફિટ ઍન્ડ પ્રોપર?

તાજેતરમાં એ જ એફએમસીની સાત વર્ષ જૂની ભલામણના આધારે સેબીએ અચાનક જ નિર્ણય લીધો કે 63 મૂન્સ ટેક્નૉલૉજીસને એસટીપી સર્વિસીસ ચાલુ રાખવા દેવી નહીં. સેબીનું આ પગલું સેટ રદ કરી દે એવી પૂરેપૂરી શક્યતા છે, પરંતુ સવાલ એ છે કે સેબીએ શું કામ આવું પગલું ભર્યું? એસટીપી સર્વિસનો વપરાશ માર્કેટના મોટાભાગના બ્રોકરો કરે છે. બજારમાં એસટીપી સર્વિસીસનો આશરે 97 ટકા હિસ્સો છે. એની સામે એનએસઈ સહિત અન્ય સોફટવેર મહદ્અંશે નિષ્ફળ રહ્યાં છે. 97 ટકા બજારહિસ્સો ધરાવતી આ એસટીપી સર્વિસીસની સામે હજી સુધી એકપણ ફરિયાદ થઈ નથી. નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિ. (એનએસઈએલ)માં ડિફોલ્ટની ઘટના બની ત્યારે તેમાં પણ જવાબદાર પાત્ર તેમાં વેપાર કરતા ડિફોલ્ટર ટ્રેડર્સ-મેમ્બર્સ હતા, પરંતુ એફએમસીએ કથિત રીતે તેનો દોષ એનએસઈએલની પૅરન્ટ કંપની એફટી પર નાખીને તેને ખતમ કરી દેવાની, અર્થાત્ એને બિઝનેસમાંથી દૂર કરી દેવાની ચાલ રમી. આવા આક્ષેપ થયા, કારણ કે કમિશન એ ક્રાઇસિસનો ઉકેલ કરી શકે એમ હતું. આમ છતાં તેણે એફટીને એક્સચેન્જ બિઝનેસમાંથી દૂર કરવાની ચાલને અમલી બનાવી. આ ચાલમાં એફએમસીને પી. ચિદમ્બરમ જેવા નેતાનો સાથ મળ્યો હતો. એફએમસીએ એફટી સામે બહાર પાડેલો નોટ ફિટ ઍન્ડ પ્રોપરનો આદેશ એફટીને કોઈ પણ એક્સચેન્જમાં ઈક્વિટી હિસ્સો નહીં રાખવાને લગતો હતો. એ આદેશને સોફ્ટવેર સર્વિસીસ સાથે કોઈ સંબંધ નહોતો.

સેબીને એફએમસીનો એફટી માટેનો નોટ ફિટ ઍન્ડ પ્રોપરનો આદેશ અયોગ્ય રીતે સાત વર્ષે કેમ યાદ આવ્યો એવો સવાલ થવો સહજ છે, કેમ કે આ ઘટના વધુ એક વાર એક સફળ સાહસિકને અન્યાયી બનવા જઈ રહી છે. એટલે જ એફટીએ ગયા વરસે ચિદમ્બરમ, એફએમસીના તત્કાલીન ચૅરમૅન રમેશ અભિષેક અને એ સમયના નાણા ખાતાના અધિકારી કે. પી. કૃષ્ણન સામે 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો વડી અદાલતમાં કર્યો છે, જે દાખલ પણ થઈ ગયો છે.  

નિયમનતંત્રના અન્યાય સામે સવાલ

એસટીપીની વાત પર આવીએ તો, બજારમાં કોઈ ખલેલ ન પડે એ માટે 63 મૂન્સ ટેક્નૉલૉજીસને એસટીપી સેવાઓ ત્રણ મહિના માટે યથાવત્ રાખવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ કાયદાકીય દૃષ્ટિએ ટકી ન શકે એવા એક આદેશને લીધે કંપનીના શેરનો ભાવ ઘટી ગયો હતો, જેમાં નિર્દોષ રોકાણકારોને નુકસાન થયું. આના માટે કોણ જવાબદાર?  આ વિષયે એક અંગ્રેજી બિઝનેસ દૈનિકે અગ્રલેખમાં કહ્યું છે કે સેબીનો આદેશ આશ્ચર્યજનક – આઘાતજનક ગણાય, કારણ કે બજારમાં દેખરેખ રાખનારી અને ન્યાયીપણું ટકાવી રાખનારી સંસ્થા તરીકે સેબીનું આ કદમ શંકા જગાવે છે. આમ કહેવાનું કારણ એ છે કે એફએમસીનો નોટ ફિટ ઍન્ડ પ્રોપરનો આદેશ પણ પહેલેથી જ ખામી ભરેલો હતો એવું અદાલતમાં થયેલી દલીલોમાં જોવા મળ્યું હતું. આથી જ સર્વોચ્ચ અદાલતે તે આદેશના આધારે અપાયેલા એફટી-એનએસઈએલ મર્જરના આદેશને રદ કરી દીધો હતો. ઉલટાનું, એફએમસીના તત્કાલીન ચૅરમૅન રમેશ અભિષેકના વ્યવહારની યોગ્યતા વિશે અદાલતમાં સવાલો ઊભા કરવામાં આવ્યા હતા.

ઉકેલ લાવવાને બદલે સમસ્યા વધારી દેવાઇ

સેબી જિજ્ઞેશ શાહની પ્રતિષ્ઠાની વાત કરતી હોય તો, ખરેખર તેણે પોતાની પ્રતિષ્ઠાનો વિચાર કરવો જોઈએ, કારણ કે છેલ્લાં સાત વર્ષમાં થયેલી અનેક તપાસમાં પુરવાર થયું છે કે શાહે કે એમણે સ્થાપેલી કંપનીએ એનએસઈએલ કટોકટીનાં નાણાંમાંથી એક પૈસો પણ લીધો નથી. ખરી રીતે તો એનએસઈએલ પ્રકરણમાં રમેશ અભિષેકની ભૂમિકા વિવાદાસ્પદ રહી હતી. કહેવામાં આવ્યું છે કે જો એફએમસીએ ધાર્યું હોત તો એનએસઈએલની 5,600 કરોડ રૂપિયાની પૅમેન્ટ કટોકટી નિવારી શકાઈ હોત. વળી, કટોકટી સર્જાયા બાદ પણ રમેશ અભિષેકે તેને હલ કરવાનો પ્રયાસ કર્યો હોત તો વહેલી તકે તેનો નિવેડો આવી શક્યો હોત. ઉલટાનું, એમણે કટોકટીમાં સંડોવાયેલા જવાબદાર ડિફોલ્ટર ટ્રેડર્સ- બ્રોકરોની સામે કોઈ કાર્યવાહી કરવાને બદલે 63 મૂન્સ અને જિજ્ઞેશ શાહને નિશાન બનાવ્યા હતા. એ કાર્યવાહીને પણ શાહે કોર્ટમાં પડકારી છે.

એનએસઈએલ કટોકટીમાં બ્રોકરોએ ઘણી ગોલમાલ કરી હતી. તેમણે અનુચિત રીતે ક્લાયન્ટ કોડ મોડિફિકેશન, મની લૉન્ડરિંગ, પૅન લેન્ડિંગ, વગેરે ગોટાળા કર્યા એવું આ કેસમાં તપાસ કરનારી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ એફએમસીના તત્કાલીન ચૅરમૅન રમેશ અભિષેકને સુપરત કરેલા અહેવાલમાં જણાવ્યું હતું, પરંતુ અભિષેકે એ બાબતે પણ કોઈ કાર્યવાહી નહીં કરીને કંપનીને વધુ એકવાર ગંભીર અન્યાય કર્યો હતો. એમાં પણ એમના મળતિયા પી. ચિદમ્બરમ સામેલ હતા.

કોણ કાયદાથી પર છે?

સેબીએ એફએમસીનું પોતાની સાથે મર્જર થયા બાદ ગયા વર્ષે ટોચની બ્રોકરેજ કંપનીઓને નોટ ફિટ ઍન્ડ પ્રોપર અંગે નામપૂરતી  કારણદર્શક નોટિસ આપી હતી. જો કે, જેની સામે ગોટાળાના આક્ષેપો છે એવા બ્રોકરોને કોઈ ઉની આંચ નથી આવી. જેણે એકેય પૈસો લીધો નથી એ જિજ્ઞેશ શાહ અને તેમની લિસ્ટેડ કંપની સામે અનુચિત રીતે પગલાં ભરવાનું કામ સેબી શું કામ કરી રહી છે? ભારતમાં એક પછી એક મોટા મોટા આર્થિક અપરાધો થઈ રહ્યા છે અને છતાં કોઈનો વાળ પણ વાંકો થતો નથી એવા સમયે સેબીએ ઉક્ત પ્રશ્નોનો જવાબ આપવો રહ્યો.

———————–

ફ્રેન્કલિન ટેમ્પલ્ટનના કેસમાં શું સેબી પરના ભરોસાની ભેંસે પાડો જણ્યો છે?

રોકાણકારોએ ફ્રેન્કલિન ટેમ્પલ્ટનનાં ડેટ ફંડ પર કરેલા ભરોસાની બાબતે કહેવત પ્રમાણે કહેવું પડે કે ભરોસાની ભેંસે પાડો જણ્યો. કોરોના રોગચાળાના પ્રારંભિક દિવસોમાં જ ફ્રેન્કલિનની છ ડેટ સ્કીમમાં કામકાજ બંધ કરવામાં આવ્યું હતું. એકંદરે 26,000 કરોડ રૂપિયાની ઍસેટ અંડર મૅનેજમેન્ટ (એયુએમ) ધરાવતી આ છ સ્કીમ્સને બંધ કરાવવા માટે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ટ્રસ્ટી સર્વિસીસ પ્રા. લિ.એ રોકાણકારોની મંજૂરી માગી છે.
રોકાણકારોને પોતાના હાથે પગ પર કુહાડી મારવાનું કહેવા જેવી આ વાત છે. ટ્રસ્ટીઓ સ્કીમ બંધ કરવા માટે યુનિટધારકોની મંજૂરી માગી રહ્યા છે, પરંતુ મિડાસ ટચ ઇન્વેસ્ટર્સ ઍસોસિયેશન નામના સંગઠને સેબીને કહ્યું છે કે રોકાણકારોને વધુ નુકસાન થાય નહીં એવો કોઈ હલ લાવે. સીધી વાત છે, રોકાણકારોના હિતનું રક્ષણ કરવાની સૌ સંબંધિતોની જવાબદારી છે!
ફંડ મૅનેજરોના ગોટાળાની સજા રોકાણકારોએ શું કામ ભોગવવી?
મ્યુચ્યુઅલ ફંડ ચલાવનારાઓ સંબંધિત ક્ષેત્રના નિષ્ણાત હોય છે. એ લોકો પોતાના કામમાં કાબેલ હોવાને કારણે જ રોકાણકારો એમના પર વિશ્વાસ મૂકીને પોતાનાં નાણાં રોકતા હોય છે. ‘મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ’ સૂત્ર પર ભરોસો મૂકીને નાણાં રોકનારે જો સામે ચાલીને મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ બંધ કરવા માટે પરવાનગી આપીને ‘આ બૈલ મુઝે માર’ કરવાનું હોય તો ફંડ મૅનેજરોની નિપુણતાનું શું? એમના ગોટાળાની સજા રોકાણકારોએ શું કામ ભોગવવી? જવાબદાર નિયમનકાર તરીકે સેબીએ તરત જ આ બાબતે સામે ચાલીને મધ્યસ્થી કરવી જોઈએ અને રોકાણકારોને નુકસાન થાય નહીં તેની તકેદારી લેવી જોઈએ. તેણે કોઈ સંગઠન રજૂઆત કરે તેની રાહ જોવાની જરાય જરૂર ન હતી.
મિડાસ ટચ સંગઠનનું કહેવું છે કે ઍસેટ મૅનેજમેન્ટ કંપનીએ તથા ટ્રસ્ટીઓએ રોકાણકારોની મંજૂરી માગીને યુનિટધારકોને નાણાં ચૂકવવાની પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયત્ન કર્યો છે. ખરી રીતે સ્કીમ બંધ કરવાથી થનારા નુકસાનને સહન કરવાનું કામ ઍસેટ મૅનેજમેન્ટ કંપની, ટ્રસ્ટીઓ તથા સ્પોન્સરનું છે. એ બધા લોકોએ મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં પ્રવેશ કરતી વખતે જોખમી પરિબળોને ધ્યાનમાં લેવાં જોઈતાં હતાં. એમના ગેરવહીવટની જવાબદારી યુનિટધારકો પર નાખી શકાય નહીં.
મિડાસ ટચે યોગ્ય રીતે કહ્યું છે કે યુનિટધારકોના હિતનું રક્ષણ કરવાની ટ્રસ્ટીઓ અને ઍસેટ મૅનેજમેન્ટ કંપનીની જવાબદારી છે અને તેથી તેમણે એવા જ કોન્ટ્રેક્ટ કરવા જોઈતા હતા, જેનાથી રોકાણકારોના હિતનું રક્ષણ થાય.
જો ફ્રેન્કલિનની સ્કીમ બંધ કરવામાં આવશે તો નુકસાન થઈ શકે છે. સ્કીમ બંધ કરવાથી સેબી ઍક્ટ, મ્યુચ્યુઅલ ફંડ નિયમન, ઇન્ડિયન ટ્રસ્ટ્સ ઍક્ટ અને ઇન્ડિયન કોન્ટ્રેક્ટ ઍક્ટ પાછળની વિભાવનાનો ભંગ થયો કહેવાશે. વળી, એ પગલું ગેરકાનૂની ઠરશે. આથી રોકાણકારોને નુકસાન થાય નહીં એવી તકેદારી સેબીએ લેવી, એમ ઉક્ત સંગઠને કહ્યું છે.
નોંધનીય છે કે ફ્રેન્કલિન ટેમ્પલ્ટનનની છ સ્કીમ બંધ કરી દેવાના નિર્ણયનો અમલ કરતાં પહેલાં યુનિટધારકોની મંજૂરી લેવી, એવો આદેશ કર્ણાટક વડી અદાલતે ગત ઑક્ટોબરમાં આપ્યો હતો. શરૂઆતમાં ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ટ્રસ્ટી સર્વિસીસે દલીલ કરી હતી કે મ્યુચ્યુઅલ ફંડ્સને યુનિટધારકોની મંજૂરી વગર સ્કીમ બંધ કરવાનો અધિકાર છે. જો કે, પછીથી તેણે યુનિટધારકો દ્વારા આ વિષયે મતદાન કરાવવા માટે સેબીની મંજૂરી માગી હતી. હવે આ મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે, કારણ કે રોકાણકારોના અન્ય સંગઠન – ચેન્નઈ ફાઇનાન્શિયલ માર્કેટ્સ ઍન્ડ ઍકાઉન્ટેબિલિટી (સીએફએમએ)એ યુનિટધારકોનાં નાણાંનું રક્ષણ કરવાની માગણી કરી છે. તેણે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઍસેટ મૅનેજમેન્ટ (ઇન્ડિયા) પ્રા. લિ.એ આ બાબતે સર્વોચ્ચ અદાલતમાં બાંયધરી આપવી જોઈએ. આ સંગઠનની માગણીને પગલે અદાલતે નવમી ડિસેમ્બરે સેબીને આદેશ આપ્યો હતો કે તેણે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડના ફોરેન્સિક ઑડિટનો અહેવાલ બંધ પરબિડિયામાં સુપરત કરવાનો રહેશે. ફંડની છ ડેટ સ્કીમ બંધ કરવા બાબતે થનારા ઈ-વોટિંગ પર દેખરેખ રાખવા માટે નિરીક્ષકની નિમણૂક કરવાનું પણ નિયમનકારને કહેવામાં આવ્યું છે. 26મીથી 28મી ડિસેમ્બર દરમિયાન મતદાન થયા બાદ 29મીએ છ સ્કીમના યુનિટધારકોની બેઠક રાખવામાં આવી છે.
સર્વોચ્ચ અદાલતે આગામી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ સુધીમાં અરજીઓ અને આખરી દલીલો પૂરી કરવાનું તમામ પક્ષકારોને કહ્યું છે. યુનિટધારકોની મંજૂરી લેવા માટે બેઠક બોલાવવાનો આદેશ સર્વોચ્ચ અદાલતે જ તાજેતરમાં આપ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ પરથી સ્પષ્ટ થાય છે કે જો રોકાણકારોનાં સંગઠનોએ સક્રિયતા દાખવી ન હોત અને અદાલતોએ દરમિયાનગીરી કરી ન હોત તો કદાચ ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ફંડ પોતાની જવાબદારીમાંથી છટકી ગયું હોત. જો મ્યુચ્યુઅલ ફંડ સહી હોય તો ફંડ હાઉસીસે બધી જ રીતે રોકાણકારોના હિતનું રક્ષણ કરવાની તકેદારી રાખવી જરૂરી છે અને તેઓ એમ કરે નહીં તો નિયમનકાર સેબીએ સક્રિય થઈને આવશ્યક પગલાં ભરવાં જોઈએ.
કર્ણાટક વડી અદાલતે સેબીની ભૂમિકાની કરી ટીકા
વાસ્તવમાં બન્યું એવું કે કર્ણાટક વડી અદાલતે સેબીની ભૂમિકા બાબતે ટીકા કરતાં કહ્યું હતું કે નિયમનકાર તરીકે સેબીએ મ્યુચ્યુઅલ ફંડને લગતાં ધારાધોરણોનો અમલ થયો છે કે કેમ તેના વિશે ઍસેટ મૅનેજમેન્ટ કંપની, ટ્રસ્ટીઓ અને સ્પોન્સરની પૂછપરછ કરવામાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈતી હતી. સેબી મૂક પ્રેક્ષક બની રહી એવી રોકાણકારોની ફરિયાદ હોય તો એ વાજબી છે.
અદાલત એ બાબતે પણ ખફા હતી કે છ સ્કીમ બંધ કરી દેવા માટે ફ્રેન્કલિન ટેમ્પલ્ટને પસાર કરેલા ઠરાવની નકલ પણ સેબી પાસે ઉપલબ્ધ ન હતી. વળી, ટ્રસ્ટીઓએ સ્કીમ બંધ કરવા માટે ગત 20મી એપ્રિલે મોકલેલા પત્રનો જવાબ આપવાની પણ સેબીએ તસદી લીધી ન હતી. ફ્રેન્કલિને 23મી એપ્રિલે સ્કીમ બંધ કરી દીધી હતી. ટ્રસ્ટીઓએ નિયમોનું પાલન કર્યું છે કે કેમ તેના વિશે પણ સેબી અજાણ હતી. રોકાણકારો નિયમનકાર સેબી પર પણ ભરોસો રાખીને બેઠા હોય છે. શું હવે સેબી માટે પણ કહેવું પડશે કે ભરોસાની ભેંસે પાડો જણ્યો છે?

———————————

‘લેનાર’ લોકોની દુવાઓ કે આશીર્વાદની વરાળમાંથી જ્યારે વાદળો બંધાય છે, ત્યારે ‘આપનાર’ના ઘર પર બારે મેઘ ખાંગા થાય છે

સૌજન્યઃ રેડ રિવાઇવલ

-ડૉ. નિમિત્ત ઓઝા

મને ખબર નથી પડતી કે મારે આ કઈ રીતે રજૂ કરવું પણ મારી આસપાસ હું એવા કેટલાય લોકોને ‘અનુભવી’ રહ્યો છું, જેઓ સારવાર માટે પૈસા ખર્ચવા કરતા પીડા ભોગવવાનું પસંદ કરી રહ્યા છે. એનું એક માત્ર કારણ એ છે કે શારીરિક કરતા તેમની ‘આર્થિક પીડા’ અનેકગણી વધારે છે. એમના જ શબ્દોમાં કહું તો ‘દુખાવો મારે એકલાને જ સહન કરવો પડશે. પૈસાની તંગી આખા કુટુંબને.’

ધંધો નથી, રોજગાર નથી, નોકરીમાંથી છૂટો કરી દીધો, રીક્ષાનું ભાડુ નથી મળતું, જીમ-ઈન્સ્ટ્રક્ટર છું પણ જીમમાં કોઈ આવતું નથી, ભણાવું છું પણ ટ્યુશન ક્લાસીસ બંધ છે, આર્ટિસ્ટ છું પણ શૉઝ બંધ છે, ડ્રાઈવર છું પણ વર્દી નથી મળતી, હીરાઘસુ છું પણ મંદી છે. ‘નોટિસ વગર છૂટો કરી દીધો’થી માંડીને ‘છેલ્લા પાંચ મહિનાથી પગાર નથી થયો’ સુધીની અસંખ્ય ફરિયાદો હું રોજ સાંભળું છું. કદાચ તમે પણ સાંભળતા હશો. ફક્ત હેલ્થ-સેક્ટર જ નહીં, અત્યારે માનવતા પણ એના સૌથી ચેલેન્જિંગ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

શારીરિક તકલીફો કરતાં લોકોની સામાજિક તકલીફો અનેકગણી વધારે છે. કમનસીબી એ છે કે સામાજિક પીડા માટે કરુણા સિવાયના કોઈ પેઈન-કિલર્સ કામ નથી કરતાં. અને આપણે ત્યાં એની ભયંકર તંગી છે. કદાચ આવતીકાલ સવારે કોરોનાની વેક્સિન આવી જશે પણ કરુણાની વેક્સિન આવતા સમય લાગશે.

‘જીવિત અને મૃત’ ઉપરાંત કોરોનાએ આપણા ભાગલા અન્ય એક રીતે પણ કરી નાખ્યા છે. ‘કમાઈ રહેલા’ અને બેરોજગાર. જેમની પાસે ‘આવકનો સ્થિર સ્રોત’ કે તગડું સેવિંગ્સ છે, તેઓ લોકડાઉન, કરફ્યુ કે ક્વૉરન્ટાઇનમાં કુટુંબ સાથેનો ‘ક્વોલિટી ટાઈમ’ પસાર કરી રહ્યા છે. નેટફ્લિક્સ પર વેબ-સીરીઝ જોઈ રહ્યા છે, વોટ્સ-એપ પર મેસેજીઝ ફોરવર્ડ કરી રહ્યા છે, ફેસબુક પર પોસ્ટ અપલોડ કરી રહ્યા છે. તેમની માટે માસ્ક, સેનીટાઈઝર અને સોશિયલ ડીસ્ટન્સિંગ સિવાયના અન્ય કોઈ પડકારો નથી. આપણે બધા આ પહેલી કેટેગરીમાં આવીએ છીએ.

બીજી કેટેગરીમાં એવા લોકો છે જેમને કોરોનાથી બચી જવાનો ડર લાગે છે. આઈ રીપીટ, કોરોનાથી બચી જવાનો ડર લાગે છે. કારણકે કોરોનાથી અનેકગણા મોટા પ્રશ્નો અને પડકારો રોજ રાતે, ઘરે તેમની રાહ જોઈ રહ્યા હોય છે. એક જૂનું ફાટી ગયેલું અને મેલું થઈ ગયેલું માસ્ક પહેરીને તેઓ સવારથી સાંજ કામની શોધમાં ભટકતા રહે છે. તેઓ ધંધા બદલે છે, લારીઓ બદલે છે, રસ્તાઓ બદલે છે. મકાન, શહેરો અને ચહેરાઓ બદલે છે પણ એમની લાચારી સિવાયનું કશું જ બદલાતું નથી.

કુટુંબ કે માથા-દીઠ ફક્ત ૧૯૯ રૂપિયા ખર્ચીને જો આપણે નેટફ્લિક્સને સદ્ધર કરી શકતા હોઈએ, તો વંચિત રહી ગયેલા આપણા સાથી મનુષ્યોને કેમ નહીં ? એમની મદદ કરવા માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી. આપણી સૂક્ષ્મ કાળજી જ પર્યાપ્ત છે.

– એક એમ્પ્લોયર તરીકે એટલી નૈતિકતા રાખીએ કે કામ અથવા ઉત્પાદનની અછતનો ભોગ કર્મચારીઓ ન બને. પ્રોફિટ માર્જિન ઘટી જવા કે નફો ન મળવાની ઘટનાને ક્યારેક આપણે ખોટ કે નુકશાન ગણાવતા હોઈએ છીએ. આપણે જેને આર્થિક ખોટ ગણતા હોઈએ, એ કોઈનું ગુજરાન પણ હોઇ શકે છે.

– માળી, દૂધવાળા, કામવાળા કે લોન્ડ્રીવાળાની સેવાઓ પૂર્વવત્ શરૂ રાખીએ. આપણી સુરક્ષા કે અન્ય કોઈ કારણસર એમને રજા આપવી પડે, તો નિયમિતપણે એમનો પગાર કરતાં રહીએ.

– કેટલાય એવા લોકો છે જેઓ પહેલી તારીખ સુધી નથી પહોંચતા. તેમનું આખું જીવન ‘ઉપાડ’ અને ‘ઉધાર’માં જ પૂરું થઈ જાય છે. એમને જ્યારે જરૂર હોય ત્યારે ‘એડવાન્સ’ આપીએ.

ડિજિટલ ન્યૂઝપેપર ભલે વાંચીએ, પણ રોજ સવારે આપણા ઘરે એટલિસ્ટ એક છાપું તો આવવું જ જોઈએ. આપણા ઘરે બંધાવેલું એક છાપું કે દૂધ કેટલા લોકોને રોજગાર આપી શકે છે ? એની આપણને કલ્પના જ નથી.

– સગવડતા ખાતર ઓનલાઈન ખરીદી ભલે કરીએ પણ નાના ફેરિયાઓ, લારી-ગલ્લાવાળાઓ કે ‘નાનો ધંધો’ લઈને બેઠેલા લોકોને થોડું રળાવી આપીએ. એમની સાથે બાર્ગેઈનિંગ બિલકુલ ન કરીએ. દસ કે વીસ રૂપિયા ઓછા કરાવવા, એ આપણા માટે ક્યારેક પ્રેસ્ટિજ ઈશ્યુ હોય છે અને એમને માટે પ્રોફિટ માર્જિન. ભલે છેતરાઈએ, પણ એમને થોડું કમાવા દઈએ. ક્યારેક આપણે કરાવેલી બોણી જ, એમના દિવસની એકમાત્ર આવક હોય છે.

– જો શક્ય હોય, તો એટલિસ્ટ એક વ્યક્તિને રોજગાર આપીએ. એમને કામે રાખી લઈએ. બગીચાની લૉન કાપવાથી માંડીને ગાડી સાફ કરવા સુધી, ફળિયું વાળવાથી લઈને કરિયાણું લાવી આપવા સુધી, અત્યારે લોકો કોઈ પણ કામ કરવા તૈયાર છે. ઓછા પગારમાં પણ કામ કરવા તૈયાર છે. બસ, એમને કામ મળવું જોઈએ.

– આ સિવાય પણ આવા અસંખ્ય રસ્તાઓ છે, જેના દ્વારા આપણે તેમની મદદ કરી શકીએ છીએ. આ દાન નથી, ઉદારતા છે. ભીખ નથી, સહાય છે. દયા નથી, સહાનુભૂતિ છે. કોઈની ખુમારીને ઠેસ પહોંચાડ્યા વગર તેમની મહેનત અને ધગશને પ્રોત્સાહન આપી તેમનું દુઃખ અને તકલીફો દૂર કરવાનો એક નાનો એવો પ્રયત્ન છે.

– કેટલીક વસ્તુઓ આપવાથી નથી ખૂટતી, સંગ્રહ કરવાથી ખૂટી જતી હોય છે.

કોને ખબર, કોણ કોને પગાર આપે છે? કોણ કોના સેવક છે? ‘લેનાર’ લોકોની દુવાઓ કે આશીર્વાદની વરાળમાંથી જ્યારે વાદળો બંધાય છે, ત્યારે ‘આપનાર’ના ઘર પર બારે મેઘ ખાંગા થાય છે. જેમ આપણે કોઈને પગાર આપીએ છીએ, એમ આપણો ‘પગાર’ પણ કોઈક તો કરતું જ હશે ને! ભલે એ દેખાતો ન હોય, પણ આપણો બોસ આપણા કામથી ખુશ રહેવો જોઈએ.

——————–

આઇપીઓ કૌભાંડમાં સંડોવણીથી લઈને ડિફોલ્ટર થવા સુધીનાં કાર્વીનાં કાવતરાં: સેબીએ શરૂઆતમાં આકરાં પગલાં ભર્યાં નહીં તેથી કાર્વીના કૌભાંડનું કદ અને ગંભીરતા વધી ગયાં

સેબી નિષ્પક્ષ નિયમનકાર તરીકે કાર્ય કરે એ મૂડીબજારના અને રોકાણકારોના હિતમાં રહેશે

કોઈની એક નાની ચોરી ચલાવી લેવાથી એ માણસ મોટી ચોરીઓ કરવા લાગી જાય છે. આ અનુભવસિદ્ધ વાત કાર્વી સ્ટૉક બ્રોકિંગ લિમિટેડ (કેએસબીએલ)ને લાગુ પડે છે. સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબીએ 2003-05ના ગાળામાં થયેલા આઇપીઓ કૌભાંડમાં કાર્વી ગ્રુપની સંડોવણી જાહેર થયા બાદ જ જો તેની વિરુદ્ધ આકરાં પગલાં ભર્યાં હોત તો એ કંપની વધુ ગરબડ કરતાં અટકી ગઈ હોત.

સેબીએ આખા કાર્વી ગ્રુપને આઇપીઓ કૌભાંડ સંબંધે દોષિત ગણ્યું હતું, પરંતુ કાર્વી વિરુદ્ધનો કેસ છેક 2014 સુધી ખેંચાયો. નોંધનીય છે કે કેએસબીએલ ઉપરાંત કાર્વી કન્સલ્ટન્ટ્સ લિમિટેડ, કાર્વી કોમ્પ્યુશેર પ્રાઇવેટ લિમિટેડ, કાર્વી સિક્યૉરિટીઝ લિમિટેડ અને કાર્વી ઇન્વેસ્ટર સર્વિસીસ લિમિટેડને આઇપીઓ કૌભાંડમાં દોષિત ગણાવાઈ હતી. આ બધી કંપનીઓ કૌભાંડના દરેક તબક્કે સંડોવાયેલી હતી.

નવાઈની વાત છે કે સી. બી. ભાવે સેબીના ચૅરમૅન હતા એ અરસામાં આઇપીઓ કૌભાંડના અનેક દોષિતોને દંડ કરવામાં આવ્યા હતા, પરંતુ કાર્વી ગ્રુપને ઉની આંચ પણ આવી નહીં. છેલ્લે 2014માં સેબીએ કેએસબીએલને છ મહિના સુધી પ્રાઇમરી માર્કેટનાં નવાં એસાઇનમેન્ટ લેવાની મનાઈ ફરમાવી. નિયમનકાર સેબીએ કંપનીને દંડ કરવાનું મુનાસિબ કેમ માન્યું નહીં એ મોટો સવાલ છે. વળી, એ વાતનું પણ આશ્ચર્ય છે કે કાર્વીએ સેબીના પગલા વિરુદ્ધ સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)માં અપીલ કરી અને તત્કાળ રાહત મેળવી. સેટે 21 જાન્યુઆરી, 2015ના રોજ સેબીનો આદેશ રદ કરી દીધો અને ચાર મહિનાની અંદર નવા આદેશો બહાર પાડવાનું કહ્યું. પછી તો ‘રાત ગઈ, બાત ગઈ’ની જેમ સેબી જાણે બધું ભૂલી ગઈ અને કયાં પગલાં લેવાયાં તેના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

કાર્વીને ફિટ ઍન્ડ પ્રોપરનો માપદંડ લાગુ કરીને તેની વિરુદ્ધ કડક પગલાં લેવાની જરૂર હતી

સિક્યૉરિટીઝ માર્કેટમાં કાર્વી મોટું નામ અને જવાબદારી ધરાવતી હોવા છતાં આઇપીઓ કૌભાંડમાં સંડોવણી જાહેર થયા બાદ પણ સેબીએ તેના કામકાજ પર ચાંપતી નજર રાખી નહીં. કાર્વીને ‘ફિટ ઍન્ડ પ્રોપર’નો માપદંડ લાગુ કરીને તેની વિરુદ્ધ કડક પગલાં લેવાની જરૂર હતી, છતાં સેબીએ જાણે એના બધા ગુના માફ કરી દીધા. તેનું પરિણામ એ આવ્યું કે કાર્વી સ્ટૉક બ્રોકિંગ લિમિટેડે પોતાના ક્લાયન્ટ્સના 2,300 કરોડ રૂપિયાના શેર ચાર ધિરાણકર્તાઓ પાસે ગિરવે રાખીને 600 કરોડ રૂપિયા ભેગા કર્યા. ધિરાણકર્તાઓએ પણ એ ચકાસવાની તસદી લીધી નહીં કે કાર્વીએ ગિરવે રાખેલા શેર એના પોતાના છે કે બીજા કોઈના! એટલું ઓછું હોય એમ કેએસબીએલે 1 એપ્રિલ 2016થી 19 ઑક્ટોબર 2019 સુધીના ગાળામાં 1,096 કરોડ રૂપિયા કાર્વી રિયાલ્ટી પ્રા. લિ.ને ગેરકાનૂની રીતે ટ્રાન્સફર કર્યા. આની પહેલાં 2017માં કાર્વીએ આવા જ ગોટાળાભર્યા નાણાકીય વ્યવહારો કર્યા હતા, પરંતુ સેબીએ કોઈ મોટી કાર્યવાહી કરવાને બદલે કંપનીને કેસ ‘સેટલ’ કરવાની છૂટ આપી. જો સેબી જવાબદાર નિયમનકાર હોય તો, કયા અધિકારીએ સેટલમેન્ટની ભલામણ કરી અને તેની કઈ ઉચ્ચ સ્તરીય સમિતિએ એની પરવાનગી આપી એ સવાલનો ઉત્તર તેણે આપવો રહ્યો.

કાર્વીની સામે જો ફરિયાદો વધી ન હોત તો કદાચ સેબીએ અને પછી એનએસઈએ તેની સામે પગલાં ભર્યાં હોત કે નહીં એ પણ શંકા છે, કારણ કે કાર્વી પાસે એક સમયે 12 લાખ કરતાં વધુ રોકાણકારોનાં ખાતાં હતાં અને એ રોકાણકારોની બચત અને રોકાણોનો મોટો હિસ્સો કાર્વીને પાવર ઑફ ઍટર્ની તરીકે રખેવાળ તરીકે આપવામાં આવ્યો હતો. ‘વાડ ચીભડાં ગળે’ એ ઉક્તિ યાદ અપાવે એ રીતે કાર્વીએ રોકાણકારોનાં નાણાં સાથે રમત કરીને કરોડો રૂપિયાના ગોટાળા કર્યા.

સેબી અને એનએસઈએ રોકાણકારોનાં નાણાં પાછાં અપાવવા માટે કાર્વીની ઍસેટ્સનું વેચાણ કરવા માટે એક આખા વર્ષનો સમય આપ્યો. ગત વર્ષે 22મી નવેમ્બરે સેબીએ ક્લાયન્ટ્સનાં નાણાંનો દુરુપયોગ કરવા બદલ કાર્વી સ્ટૉક બ્રોકિંગ લિમિટેડને સસ્પેન્ડ કરી હતી અને તેના એક વર્ષ બાદ એનએસઈએ કંપનીને ડિફોલ્ટર જાહેર કરીને બજારમાંથી હાંકી કાઢી. એક્સચેન્જને આ નિર્ણય લેવામાં એક વર્ષનો સમય કેમ લાગ્યો એ પણ એક મોટો સવાલ છે. કાર્વીની ઍસેટ્સ વેચાયા બાદ નાણાં આવશે એવું જો એનએસઈએ વિચાર્યું હતું તો એ નાણાં આખરે આવ્યાં કેમ નહીં અને કંપનીને ડિફોલ્ટર કેમ જાહેર કરવી પડી? કાર્વી ગ્રુપે પોતાનો રજિસ્ટ્રાર ઍન્ડ ટ્રાન્સફરનો બિઝનેસ જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડને વેચી દીધો, પણ એનાં નાણાં ક્યાં ગયાં એ કોઈને ખબર નથી.

કાર્વી ગ્રુપની અનેક કંપનીઓ સેબીના નિયમન હેઠળ હતી, પણ કોઈના પર કડપ રખાયો નહીં

ગ્રુપની વેબસાઇટ પરથી મળેલી જાણકારી મુજબ તેની સંખ્યાબંધ ગ્રુપ કંપનીઓ હતી અને એમાંની ઘણી કંપનીઓ સેબીના નિયમન હેઠળ હતી. ગ્રુપ કંપનીઓમાં કાર્વી કોમટ્રેડ, કાર્વી કૅપિટલ લિ, કાર્વી ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝરી સર્વિસીસ લિ, કાર્વી હોલ્ડિંગ્સ લિ, કાર્વી મિડલ ઈસ્ટ એલએલસી, કાર્વી રિયાલ્ટી (ઇન્ડિયા) લિ, કાર્વી હોલ્ડિંગ્સ લિ, કાર્વી ફાઇનાન્શિયલ સર્વિસીસ લિ, કાર્વી ઇન્સ્યૉરન્સ રિપોઝિટરી લિ, કાર્વી ફોરેક્સ કરન્સીઝ પ્રા. લિ, કાર્વી કન્સલ્ટન્ટ્સ લિ, કાર્વી ડેટા મૅનેજમેન્ટ સર્વિસીસ લિ, કાર્વી ઇન્વેસ્ટર સર્વિસીસ લિ, કાર્વી ઇનસાઇટ્સ લિ, કાર્વી ઍનાલિટિક્સ લિ, કાર્વી સોલર પાવર લિ, કાર્વી ગ્લોબલ સર્વિસીસ લિ, અને કાર્વી ઇન્ક, યુએસએ.

કાર્વી સ્ટૉક બ્રોકિંગ લિમિટેડને ઉગારી લે એટલી આર્થિક શક્તિ આમાંની કોઈ કંપની પાસે ન હતી? શું કેએસબીએલની હકાલપટ્ટીથી આમાંની કોઈ કંપનીને અસર નહીં થાય?

સેબી કે એનએસઈ એ બન્નેમાંથી કોઈએ હજી કેએસબીએલના મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી

સેબી કે એનએસઈ એ બન્નેમાંથી કોઈએ હજી કેએસબીએલના મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી. શું કંપનીએ રિયાલ્ટી બિઝનેસમાં ગેરકાનૂની રીતે ટ્રાન્સફર કરેલા 1,096 કરોડ રૂપિયા પાછા આવી ગયા છે? આ સવાલનો હજી કોઈ જવાબ નથી. એનએસઈએ 18મી નવેમ્બરના રોજ જાહેર કર્યું હતું કે એણે આશરે કાર્વી સ્ટૉક બ્રોકિંગમાં જેમનાં નાણાં ફસાયાં છે એવા 2,35,000 રોકાણકારોને 2,300 કરોડ રૂપિયા પાછા વાળ્યા છે. દરેક રોકાણકારને 30,000 રૂપિયા સુધીની રકમ મળશે, એવું એણે કહ્યું હતું. વાસ્તવમાં કેટલા રોકાણકારોને કેટલી રકમ મળી એના વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી.

સેબીએ કેએસબીએલનું ફોરેન્સિક ઑડિટ થયાનું પોતાના 24મી નવેમ્બરના આદેશમાં જણાવ્યું છે, પરંતુ ઑડિટમાં શું જાણવા મળ્યું એ બાબતે કોઈ માહિતી જાહેર કરાઈ નથી. આવી ગોપનીયતાનો અર્થ શું કરવો? વળી, ફોરેન્સિક ઑડિટ કરવામાં આટલી બધી ઢીલ કેમ? શું એ માહિતી જાહેર થઈ જવાથી એનએસઈ અને સેબીએ શરમાવું પડે એવી શક્યતા છે?

ટૂંકમાં, નિયમનકાર તરીકે સેબીએ કાર્યવાહીને બદલે ઢાંકપિછોડા કરવામાં અને ભીનું સંકેલવામાં મદદ કરી હોય એવી છાપ ઉપસે છે. દેશની નાણાકીય વ્યવસ્થામાં આ એક મોટી નાલેશી કહેવાય. જો આવું જ ચાલ્યા કરશે તો આગામી દિવસોમાં કાર્વી જેવી અનેક કંપનીઓને ભાવતું મળી જશે.

સેબી નિષ્પક્ષ નિયમનકાર તરીકે કાર્ય કરે એ મૂડીબજારના અને રોકાણકારોના હિતમાં રહેશે.

————————

‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સીરિઝ હિટ ગઈ છે; સેબી કેમ હજી ફ્લોપ જણાય છે?

શેરબજારની તેજી વિશે કોમન મૅન આર. કે. લક્ષ્મણનું માર્મિક કાર્ટૂન

સોનીલિવ પરની ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સીરિઝ તમે કદાચ જોઈ લીધી હશે અથવા તો કોઈકે તમને એ જોઈ જવાનું સૂચન કર્યું હશે. દેશમાં હાલ શેરબજાર નવાં શિખરો સર કરી રહ્યું છે એવા સમયે ભારતીય સિક્યોરિટીઝ માર્કેટના ચકચારભર્યા આ કૌભાંડની સીરિઝ પ્રસિદ્ધિ મેળવી રહી છે એ એક યોગાનુયોગ છે. અહીં નોંધનીય છે કે કોરોના હજી દુનિયામાં ફેલાયેલો છે અને હજી તેના દરદીઓની સંખ્યા રોજેરોજ વધી રહી છે, આપણા અર્થતંત્રમાં હજી પૂર્ણપણે સુધારો આવ્યો નથી તથા કોરોનાનો બીજો દોર શરૂ થવાની ભીતિ રહેલી છે છતાં શેરબજારની તેજી અવિરત ચાલી રહી છે. આ ઘટના આશ્ચર્ય સર્જનારી છે. હર્ષદ મહેતા કૌભાંડ વખતે પણ શેરબજાર સતત ઉપર જઈ રહ્યું હતું અને એક દિવસ ઉક્ત સ્કેમના સમાચાર પ્રગટ થતાં જ બજાર તૂટ્યું હતું.

હર્ષદ મહેતા કૌભાંડ ભારતીય સિક્યોરિટીઝ માર્કેટનું પ્રથમ મોટું કૌભાંડ હતું. આથી સમગ્ર દેશમાં ચકચાર જાગી હતી. હર્ષદ મહેતા સાથે શું થયું તેની વિગતો ઉક્ત સીરિઝમાંથી દર્શકોને મળી રહેશે, પરંતુ એ વખતે શેરબજારમાં કડાકો બોલાયો તેને કારણે નુકસાન ભોગવનારા લોકોની વ્યથા ‘ઘાયલ કી ગત ઘાયલ હી જાને’ જેવી કહી શકાય.

સ્કેમ 1992નું આજનું મૂલ્ય 20,000 કરોડ રૂપિયા થાય

હર્ષદ મહેતાએ બૅન્કિંગ ક્ષેત્રમાં રહેલી ખામીઓનો પોતાના લાભ માટે દુરુપયોગ કર્યો હતો. કમનસીબે આજે પણ બૅન્કિંગ ક્ષેત્ર અનેકવિધ ત્રુટિઓ અને સમસ્યાઓથી ગ્રસ્ત છે. મહેતાને કૌભાંડ આચરવામાં બ્રોકરો, સરકારી અમલદારો અને નેતાઓનો પણ સાથ મળ્યો હોવાનું સીરિઝમાં દર્શાવાયું છે. આજથી લગભગ 28 વર્ષ પહેલાંના એ કૌભાંડમાં સંડોવાયેલી તત્કાલીન રકમ 4,000 કરોડ રૂપિયા હતી. આજે કદાચ એનું મૂલ્ય 20,000 કરોડ રૂપિયા થાય.

ભવિષ્યમાં આવાં કૌભાંડો થાય નહીં એ દૃષ્ટિએ એ જ વર્ષે સિક્યોરિટીઝ બજાર માટેની નિયમનકાર સંસ્થા – સેબીને વૈધાનિક અધિકારો આપવામાં આવ્યા. જો કે, સેબીની સ્થાપના પછી પણ 2001માં હર્ષદ મહેતાના જ ચેલા ગણાવાયેલા કેતન પારેખનું કૌભાંડ બહાર આવ્યું. ત્યાર બાદ 2003-05ના ગાળામાં બનેલું સિક્યોરિટીઝ માર્કેટનું વધુ એક મોટું કૌભાંડ એટલે આઇપીઓ કૌભાંડ. આ કૌભાંડમાં આઇપીઓ માટે બ્રોકરોએ બનાવટી ડિમેટ અકાઉન્ટ્સનો અને ક્લાયન્ટ્સની પાવર ઑફ એટર્નીનો દુરુપયોગ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આઇપીઓ કૌભાંડ વખતની ડિપોઝિટરી – એનએસડીએલના વડા સી. બી. ભાવેને પછીથી સેબીના ચૅરમૅન બનાવવામાં આવ્યા હતા.

કૉ-લૉકેશન કૌભાંડમાં ટેક્નૉલૉજીનો થયો દુરુપયોગ

નિયમનકાર સેબીની સ્થાપના થઈ અને સિક્યોરિટીઝ માર્કેટમાં ડિજિટલ ટેક્નૉલૉજી ઉપયોગમાં લેવાવા લાગી તેથી કૌભાંડો અટકી જશે એવી આશા રાખવામાં આવી હતી. ઉલટાનું, વાસ્તવમાં એવું થયું કે થોડા સમય પહેલાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)નું કૉ-લૉકેશન કૌભાંડ બહાર આવ્યું અને ટેક્નૉલૉજીના દુરુપયોગનું એ જ્વલંત ઉદાહરણ છે.

ઉક્ત કૌભાંડોમાં બ્રોકરો, દેશના બૅન્કિંગ તંત્ર, સરકારી અમલદારો અને નેતાઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે અને રોકાણકારોને સિક્યોરિટીઝ માર્કેટમાં સંપૂર્ણ અને અડગ વિશ્વાસ જાગે એવું વાતાવરણ હજી સુધી સર્જી શકાયું નથી. કૉ-લૉકેશન કૌભાંડમાં તો એક્સચેન્જ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ – એનએસઈ) પોતે જ દોષિત હોવાનું સેબીએ ખુદ કહ્યું છે. જો કે, તેણે 50,000 કરોડ જેવડી તોતિંગ રકમના આ કૌભાંડ બદલ સેબીએ એનએસઈને માત્ર 1,000 કરોડ રૂપિયાનો દંડ કરીને ફક્ત કામકાજની ત્રુટિ તરીકે તેનો ઉલ્લેખ કર્યો છે. આ કૌભાંડને કારણે સામાન્ય રોકાણકારોને થયેલા નુકસાનને ધ્યાનમાં જ લેવામાં આવ્યું નથી. નિયમનકાર તરીકેના સેબીના આવા વલણને લીધે જ કદાચ દેશની 1.3 અબજની વસતિના ફક્ત 1 ટકા જેટલા જ રોકાણકારો શેરબજારમાં ઈક્વિટીમાં રોકાણ કરે છે; મોટાભાગની જનતાને શેરબજારમાં રોકાણ કરવામાં હજી ડર લાગે છે.

શેરબજારમાં બ્રોકરો, સરકારી અમલદારો અને રાજકારણીઓની સંડોવણી પર પ્રકાશ પાડતું પુસ્તક

નોંધનીય છે કે બ્રોકરો, સરકારી અમલદારો અને રાજકારણીઓની સંડોવણી પર પ્રકાશ પાડતું પુસ્તક – ‘ધ માર્કેટ માફિયા’ હાલમાં જ પ્રકાશિત થયું છે. નવા જમાનામાં હવે વ્હાઇટ કોલર ક્રાઇમ ઘણા થવા લાગ્યા છે એ બાબત પુરવાર થતી હોય એ રીતે ‘ધ માર્કેટ માફિયા’ પુસ્તક એમેઝોન પર ગુના, રોમાંચકથા અને રહસ્યકથાના વિભાગમાં બેસ્ટ સેલર બન્યું છે. પત્રકાર પલક શાહ લિખિત આ પુસ્તકમાં કૉ-લૉકેશન કૌભાંડ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. કૉંગ્રેસના શાસનકાળમાં તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમે આ કૌભાંડમાં કેવી ભૂમિકા ભજવી અને એમના કથિત મળતિયાઓ અત્યાર સુધી કોઈ પણ રીતે દંડિત થયા નથી તેની વિગતો પુસ્તકમાં છે.

શેરધારકોની રક્ષા કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે સ્થપાયેલી સેબી એ ઉદ્દેશ્યની પૂર્તિ કરવામાં દર વખતે નિષ્ફળ જાય છે અને સરકારી અમલદારો, સ્ટૉક એક્સચેન્જના અધિકારીઓ, સેબીના અધિકારીઓ અને એમને આશ્રય આપનારા રાજકારણીઓ રિટેલ રોકાણકારોની રક્ષા કરવાને બદલે એમને નુકસાન થાય એવી રમતો રમે છે એ મતલબનું આ પુસ્તકનું તારણ છે.

એનએસઈની સામે સ્પર્ધા ખડી કરનારા ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ સમૂહને કેવી રીતે મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું એની વિગતો અગાઉ શાંતનુ ગુહા રે નામના વરિષ્ઠ પત્રકારે લખેલા પુસ્તક – ‘ધ ટાર્ગેટ’માં પ્રકાશિત થઈ ચૂકી છે. ભારતના સત્તાતંત્રમાં ટોચનું સ્થાન ભોગવતા જે લોકોનાં નામ ‘ધ ટાર્ગેટ’માં સતસવીર પ્રગટ કરવામાં આવ્યાં હતાં એ જ લોકો તરફ ‘ધ માર્કેટ માફિયા’માં અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો છે. એ વ્યક્તિ એટલે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને સનદી અધિકારીઓ કે. પી. કૃષ્ણન તથા રમેશ અભિષેક. ઉપરાંત, એનએસઈના ટોચના અધિકારીઓ અને મોટા બ્રોકરોએ કૉ-લૉકેશન કૌભાંડમાં મોટી ભૂમિકા ભજવી હતી. સેબીનું કોઈ અસ્તિત્વ જ ન હોય એમ એનએસઈએ એની મંજૂરી લીધા વિના જ ગણ્યાગાંઠ્યા બ્રોકરોને કૉ-લૉકેશનની સુવિધા આપી અને રિટેલ રોકાણકારો સહિતના અન્ય તમામ રોકાણકારોને નુકસાન પહોંચાડ્યું એમ ‘ધ માર્કેટ માફિયા’માં લખાયું છે.

વાંચકો માઇકલ લુઇસ નામના લેખકના સુવિખ્યાત અને વૈશ્વિક બેસ્ટ સેલર પુસ્તક – ‘અ વૉલ સ્ટ્રીટ રિવોલ્ટઃ ફ્લેશ બોય્ઝ’થી વાકેફ હશે. એ પુસ્તક હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ તરીકે ઓળખાતી સ્ટોક ટ્રેડિંગની સિસ્ટમ વિશેનું છે. અદ્યતન ટેક્નૉલૉજી પર આધારિત એ સિસ્ટમનો દુરુપયોગ કરીને બજારનો અમુક વર્ગ સામાન્ય રોકાણકારોને પ્રચંડ નુકસાન કરે છે એની ઝીણવટભરી વિગતો લુઇસે રજૂ કરી છે. હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ એ ફક્ત ટેક્નૉલૉજી છે, પરંતુ તેનો દુરુપયોગ થવા લાગ્યો ત્યારે લુઇસે તેના પર પ્રકાશ પાડ્યો. એક નિયમનકાર તરીકે સેબીને ‘ફ્લેશ બોય્ઝ’ વિશે ખબર હતી, છતાં ભારતમાં કૉ-લૉકેશન કૌભાંડ સર્જાયું એ બાબત આઘાતજનક છે.

સેબી કેમ પોતાની જવાબદારીમાં નિષ્ફળ જતું જણાય છે?

ભારતમાં હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગ અને સાથે સાથે કૉ-લૉકેશન લાવવા દેવાની પરવાનગી સેબીના અગાઉના ચૅરમૅન સી. બી. ભાવેએ જ આપી હતી એવું ‘ધ માર્કેટ માફિયા’માં કહેવાયું છે. ફ્લેશ બોય્ઝ વિશે જાણી લીધા બાદ નિયમનકારે ભારતમાં કૉ-લૉકેશન બાબતે ચાંપતી નજર રાખવાની જરૂર હતી, પરંતુ એણે ચાંપતીને બદલે રહેમનજર રાખી કે કેમ એવો સવાલ ઊભો કરનારી હાલની પરિસ્થિતિ છે.

‘ધ માર્કેટ માફિયા’ની પ્રસ્તાવનામાં લેખક કહે છે, ”કારકિર્દીના શરૂઆતના દિવસોમાં મેં ગુનાખોરી જગત વિશે અહેવાલો આપ્યા હતા. સમય જતાં જોવા મળ્યું કે ભારતના આર્થિક ક્ષેત્રે પણ કેટલાક લોકો માર્કેટ માફિયાની જેમ વર્તી રહ્યા છે.”

ભારતીય શેરબજાર અત્યારે નવી વિક્રમી સપાટીઓ રચી રહ્યું છે ત્યારે સેબી ખરેખર તમામ પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખીને બેઠું છે કે પછી ફરી એક વાર બજારની સાથે સાથે રોકાણકારોનો વિશ્વાસ પણ તૂટવાની ભીતિ છે? નિયમનકાર સેબીએ આ સવાલનો જવાબ શક્ય તેટલો વહેલો આપવાની જરૂર છે.

——————————