ક્રીપ્ટોકરન્સી શું છે? તેનું સર્જન કઈ રીતે થાય છે?

તસવીર સૌજન્ય: NUTHAWUT / STOCK.ADOBE.COM

યે ક્રીપ્ટો ક્રિપ્ટો ક્યા હૈ…………..

થોડા સમય પહેલાં આઇપીએલ ચાલી રહી હતી એવા સમયે ક્રીપ્ટોકરન્સીને લગતી એટલી બધી જાહેરખબરો આવતી કે મૅચની વચ્ચે જાહેરખબર આવે છે કે જાહેરખબરની વચ્ચે મૅચ આવે છે એ જ ખબર પડતી ન હતી. એટલું જ નહીં, દેશની આર્થિક બાબતોમાં બીજી બધી બાબતો બાજુએ રહી ગઈ હોય અને ક્રીપ્ટોની સાથે સૌથી પહેલાં પનારો પાડવાનો હોય એવું વાતાવરણ સર્જાયું છે. રિઝર્વ બૅન્કના ગવર્નરે એક નહીં, અનેક વખત ક્રિપ્ટો અંગે ચેતવણી ઉચ્ચારવી પડી છે. અધૂરામાં પૂરું, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વૈશ્વિક મંચ પર જઈને ક્રીપ્ટોનાં જોખમોથી યુવાનોને બચાવીને રાખવાનું મહત્ત્વ સમજાવ્યું છે.

રસપ્રદ છે કે નરેન્દ્ર મોદી માટે એવું કહેવાતું કે તમે એમને સ્વીકારો કે ન સ્વીકારો, પરંતુ એમને અવગણી શકો નહીં. આ જ વાત હવે ક્રીપ્ટોકરન્સીને લાગુ પડે છે. બીજું નોંધનીય પાસું એ છે કે એની અને કોરોનાની રાશિ એક છે. ભારતમાં કોરોનાના આંકડાઓ તરફ લોકોનું ધ્યાન નથી, પરંતુ ક્રીપ્ટોમાં કઈ રીતે કમાઈ થાય છે અથવા થઈ શકે છે તેના વિશે ખાસ કરીને યુવાવર્ગમાં ઘણી ઉત્સુકતા છે.

આ વિષય ચોક્કસપણે વિચાર માગી લે છે અને આ ઈલેક્ટ્રોનિક ચલણ ક્રાંતિકારક કહી શકાય એવું છે. આમ, વિચારક્રાંતિમાં પણ એને સ્થાન આપવું યથાયોગ્ય છે. ચાલો, આજથી આપણે વિષયે વાતચીત-સંવાદ-વાર્તાલાપ ચાલુ કરીએ, જેથી વખત આવ્યે વિચારક્રાંતિના તમામ વાંચકો તેના વિશે પોતાનો સ્પષ્ટ મત આપવા સમર્થ થઈ જાય.

આ એક વર્ચ્યુઅલ કરન્સી છે, જેનું કોઈ ફિઝિકલ સ્વરૂપ નથી. આનું સર્જન કમ્પ્યુટરમાં ચોક્કસ સોફ્ટવેર પ્રોગ્રામથી થાય છે. તેના માટે ખાસ પ્રકારની વિશેષ ટેક્નૉલૉજી વપરાય છે. આ પ્રોસેસને ક્રીપ્ટોગ્રાફી કહે છે.

ક્રીપ્ટોકરન્સીના સર્જન-ઉત્પાદનની પ્રોસેસને ‘માઇનિંગ’ કહેવામાં આવે છે. જેમ સોનાની ખાણને ખોદીને સોનું કાઢવામાં આવે અથવા કોઈપણ ધાતુની ખાણને ખોદીને તે ધાતુ કાઢવામાં આવે તેમ ક્રીપ્ટોને કાઢવા માટે કમ્પ્યુટરમાં ચોક્કસ સોફ્ટવેર પ્રોગ્રામથી માઇનિંગ કરવામાં આવે છે.

અલબત્ત, સોનું કે અન્ય ધાતુઓ ફિઝિકલ સ્વરૂપે નીકળે છે, દેખાય છે, જયારે ક્રીપ્ટો વર્ચ્યુઅલ રહે છે. ઈલેક્ટ્રોનિક બુકમાં થતી તેની એન્ટ્રીને જોઈ શકાતી નથી. જેમાં એની એન્ટ્રી થાય એ વસ્તુને બ્લૉકચેઈન રજિસ્ટર કહેવાય છે અને ક્રીપ્ટોના વહેવારો આ બ્લૉકચેઈન પર થાય છે.

જે રીતે ડિમેટ શેરને આપણે જોઈ શકતા નથી, પણ આપણે તેને ધરાવી શકીએ છીએ, તેમાં રોકાણ કરી શકીએ, લે-વેચ કરી શકીએ, તેમાંથી લાભ મેળવી શકીએ એ જ રીતે ક્રીપ્ટોમાં આવા બધા વ્યવહારો થવા લાગ્યા છે.

ક્રીપ્ટોકરન્સીના માઇનિંગ માટે અત્યાધુનિક ટેક્નૉલૉજી, સોફટવેર, હાર્ડવેરનો ઉપયોગ થાય છે. આ માટે વિશેષ નિપુણતાની જરૂર રહે છે, જેથી આનો ખર્ચ બહુ જ ઉંચો આવે છે. જેમ વધુ માઇનિંગ, તેમ વધુ ખર્ચ.

ક્રિપ્ટોનો પુરવઠો પહેલેથી નિશ્ચિત હોય છે

ક્રીપ્ટોનો કેટલો પુરવઠો છે તે પહેલેથી નિશ્ચિત કરી શકાય છે, જેમ કે બિટકોઇનનું પ્રમાણ નક્કી થયું છે અને એટલે બિટકોઇનનું પૂર્ણ માઇનિંગ થઈ જશે એટલે પછી નવો પુરવઠો અટકી જશે. જેમ ધાતુનો પુરવઠો જમીનમાંથી નીકળતો બંધ થઈ જાય તો તેનું માઇનિંગ બીજી જમીનમાં કરવું પડે તેમ. અહીં જમીનને બદલે ટેક્નૉલૉજી કામ કરે છે. પણ અહીં બીજી જમીન એટલે માવો કોઇન.

બિટકોઇન માટેની ટેક્નૉલૉજી મૂળભૂત રીતે સાતોશી નાકામોટો નામની જપાની વ્યક્તિ કે તેના જૂથે તૈયાર કરી હોવાના દાવા થયા છે, પણ વાસ્તવમાં તેના વિશે વધુ માહિતી બહાર આવી નથી. એ વ્યક્તિ ખરેખર અસ્તિત્વમાં છે કે કેમ એ પણ ખબર નથી. પ્રથમ ક્રીપ્ટો કરન્સીને બિટકોઇન નામ અપાયું હતું. આ ટેક્નૉલૉજી ઇન્ટરનેટથી પણ આગળની કહેવાય છે.

મુખ્ય છે બ્લોકચેઇન ટેક્નૉલૉજી

આ મામલામાં મુખ્યત્વે બ્લોકચેઇન ટેક્નૉલૉજી વપરાય છે, જેનું ચલણ હાલ વિવિધ સેક્ટરમાં વધી રહ્યું છે. હાલ તો આ સમગ્ર પ્રોસેસ માટે ટેક્નૉલૉજી કામ કરે છે, જે ઓપન સોર્સ છે, કિંતુ બધાને ફાવે એવું આ કામ નથી. બ્લોકચેઇન એવી વ્યવસ્થા છે, જે પ્રોસેસને અને પ્રોડક્ટને વ્યાપક રીતે આવરી લે છે. તેને વિશાળ લેજર પણ કહી શકાય, જેમાં પ્રોડક્ટ કે સર્વિસના તમામ વ્યવહારો આવી જાય છે. વ્યવહારના દરેક તબક્કામાં એક બ્લોક એટલે કે કમ્પ્યુટરના કોડનો સમૂહ તૈયાર થાય છે, જે એકબીજા સાથે સંકળાયેલા હોય છે. આથી જ આ પરસ્પર સંકળાયેલી કડી એટલે કે ચેઇનને બ્લોકચેઇન કહેવાય છે.

ક્રીપ્ટોકરન્સી એ જનરલ નામ છે, કારણ ક્રીપ્ટોગ્રાફીથી એ તૈયાર થાય છે. નવા કોઇનનું અલગથી માઇનિંગ થયું હોવાથી જે નવો કોઇન તૈયાર થાય એને નવું નામ આપવું પડે. તેના નામ તેનું સર્જન કરનારા આપતા હોય છે. આવાં જુદાં-જુદાં નામની આજે દસ હજારથી વધુ ક્રીપ્ટોકરન્સી ઉપલબ્ધ છે, જેમાં સૌથી પહેલી અને જાણીતી બિટકોઇન છે. બાકી આ ‘હરિ’નાં નામ હજાર છે. જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

જેમ શેરબજારમાં શેરનું લિસ્ટિંગ થાય છે તેમ ક્રીપ્ટોકરન્સીનું તેના વિશેષ એક્સચેન્જ પર લિસ્ટિંગ થાય છે. એ મુજબ તેની લે-વેચ થાય છે. આ વહીવટ એક્સચેન્જ સંભાળે છે. તેનું ટ્રેડિંગ, ક્લીયરિંગ થાય છે; સેટલેમન્ટ થાય છે. આમાં કેવળ ઓનલાઈન કામકાજ જ થઈ શકે છે, જેથી સોદા કરનાર વ્યક્તિ ટેક્નૉલૉજીની જાણકાર હોવી જરૂરી બને છે. આ માર્કેટ વૈશ્વિક હોવાથી ચોવીસે કલાક ચાલતી રહે છે. આમાં સોદા કરવા માટે ઇન્વેસ્ટરોએ કેવાયસી (નો યોર કસ્ટમર)ની વિધિ સહિત વિવિધ ધોરણોનું પાલન કરવાનું રહે છે.

————————-

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s