ભારતીય ફાઇનાન્શિયલ સેક્ટર પર કલંક સમાન કૌભાંડ

  • જયેશ ચિતલિયા

આઈએલઍન્ડએફએસ નામના જાયન્ટ ગ્રુપમાં છેલ્લાં 20 વર્ષથી ગરબડ-ગોટાળા ચાલતાં રહ્યાં. વાડ ચીભડાં ગળતી રહી અને નિયમનકારી સત્તાવાળાઓ માત્ર જોતા રહ્યા. આપણે તેની એક ઝલક જોઈએ, જે તેના ફોરેન્સિક ઑડિટમાં બહાર આવી છે. આર્થિક ક્ષેત્રે કેટલાંક કૌભાંડ નાના કદનાં હોય તોપણ તેની ચર્ચા ભરપૂર થાય છે અને કેટલાંક સ્કેમ ભયાનક મોટાં અને વ્યાપક હોવા છતાં તેની ચર્ચા થવાને બદલે તેને ઢાંકી દેવાના પ્રયાસ કરાય છે, કારણ કે તેમાં સરકારી અધિકારીઓ, મોટાં માથાં, વગદારો હોય છે. આવાં સ્કેમનાં મૂળ પણ એટલાં ઊંડાં અને ગૂંચવણભર્યાં હોય છે કે તેનું તારણ કાઢતાં વર્ષો નીકળી જાય છે. એ પછી તેના પર કમિટી, તપાસ, ઑડિટ, કોર્ટ કેસના નામે સાચાં-ખોટાં નાટકો ચાલ્યા કરે છે અને સત્ય પર બળાત્કાર થયા કરે છે અથવા તો અસત્યને સત્યના પહેરવેશ પહેરાવી દેવામાં આવે છે. પ્રજા સુધી આ હકીકત પહોંચતી જ નથી અને સમય સાથે લોકો તેને ભૂલવા માંડે છે. સરકારને અને સ્થાપિત હિતોને તેમાં જ રસ હોય છે. આવા અમુક કિસ્સામાં હાલ આઇએલઍન્ડએફએસ તેમ જ ડીએચએફએલ ચર્ચાસ્પદ બન્યા છે, જેના કારનામાનો પર્દાફાશ થઈ રહ્યો હોવાથી સત્ય બહાર આવી રહ્યું છે, કિંતુ એ પછી સરકાર નક્કર પગલાં લે તો વાત બને, તેને ખરો અંજામ મળે. લાખો રોકાણકારોનાં ડૂબેલાં નાણાં તેમને પરત મળે અને અપરાધીઓને સજા થાય તો ખરું. આજે આપણે આઇએલઍન્ડએફએસના કિસ્સાની ચર્ચા કરીએ.

ફાઇનાન્શિયલ સેક્ટરમાં કલંકિત કામકાજ

આઇએલઍન્ડએફએસ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનાન્સિયલ સર્વિસીસ (આઇએલઍન્ડએફએસ) છે, પરંતુ એણે ફાઇનાન્શિયલ સેક્ટરને કલંક લાગે એવી કુસેવા કરી હોવાનો આરોપ મૂકી શકાય એવાં કામ તેણે કર્યાં છે. આ કંપનીની કામગીરીનાં કાળાં પરિણામ 2018થી બહાર આવવાના શરૂ શરૂ થયાં હતાં. સપ્ટેમ્બર 2018માં સિડબીની 1,000 કરોડ રૂપિયાની ટૂંકા ગાળાની લોનની પરત ચૂકવણીમાં ડિફોલ્ટ કર્યો હતો. એ જ વખતે તેની એક પેટા કંપનીએ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી 500 કરોડ રૂપિયાની લોન પણ ચૂકવી નહીં. એ ઘટનાના ગણતરીના દિવસોમાં કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે આઇએલઍન્ડએફએસ ગ્રુપના બોર્ડને સુપરસીડ કરીને નવા બોર્ડની રચના કરવા માટે નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ અરજી કરી. આ ગ્રુપ દેશ માટે કોરોના જેવી આફત સમાન બની ગયું, કારણકે સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ અને બ્રોકરેજ પાસે આ ગ્રુપના 11 લાખ કરોડ રૂપિયા કરતાં વધુના બોન્ડ હતા. આઘાતજનક વાત એ છે કે આ ગ્રુપને ડબલ એ પ્લસ ક્રેડિટ રૅટિંગ મળ્યું હતું, જ્યારે કે સંપૂર્ણ ગ્રુપમાં ગુપચુપ અનેક ગરબડો ચાલતી હતી અને તેણે ડિફોલ્ટ કર્યા બાદ ક્રેડિટ રૅટિંગ ઍજન્સીઓએ તરત જ તેનું રૅટિંગ ઘટાડી દીધું હતું.

વીસ-વીસ વરસથી ગોટાળા

સરકારે જાણીતા બૅન્કર ઉદય કોટકના અધ્યક્ષસ્થાને રચેલા નવા બોર્ડને સમસ્યાનો હલ લાવવાની જવાબદારી સોંપી, પરંતુ તાજેતરમાં બહાર આવેલી માહિતી અનુસાર સમસ્યા ઉકેલાવાને બદલે ગ્રુપના સમગ્ર તંત્રમાં અને દેશના નાણાકીય તંત્રમાં ખદબદી રહેલા ભ્રષ્ટાચારનું વરવું સ્વરૂપ છતું થતું ગયું છે. હાલમાં ગ્રાન્ટ થોર્નટન કંપની દ્વારા એક ફોરેન્સિક ઑડિટના અહેવાલની જાહેરાત થઈ. ગ્રાન્ટ થોર્નટને આઇએલઍન્ડએફએસ એન્જિનિયરિંગ ઍન્ડ કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (આઇઈસીસીએલ)નું ફોરેન્સિક ઑડિટ કરીને તેનો અહેવાલ 6 મે 2021ના રોજ બહાર પાડ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ગ્રુપમાં 2018થી નહીં પણ છેક 2011-12થી ગોટાળા અને તેના ઢાંકપિછોડા ચાલી રહ્યા છે અને તેમાં ગ્રુપના સંચાલકો પણ સંડોવાયેલા હોવાની શંકા છે. નવાઈની વાત તો એ છે કે સરકારે જે નવા બોર્ડની નિમણૂક કરી છે તેણે પણ ફોરેન્સિક ઑડિટર ગ્રાન્ટ થોર્નટન (જીટી)ને મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં ગલ્લાંતલ્લાં કર્યાં છે. નોંધનીય છે કે વરિષ્ઠ નિવૃત્ત સરકારી અમલદારોને નવા બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેમના અખત્યાર હેઠળ પણ ગ્રુપમાં હજી ગરબડ ચાલી રહી હોવાનું કહેવાય છે. ચાળીસેક કિસ્સાઓમાં તો ઑડિટ માટે બૅન્ક સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યાં નથી.

નવું બોર્ડ નામ માત્રનું?

આઇઈસીસીએલના મૅનેજિંગ ડિરેક્ટર સહિતના આ સંચાલકોએ ગ્રુપમાં ચાલી રહેલી ગરબડ વિશે પોતાના અંગત ઈમેઇલ મારફતે સત્તાવાર સંદેશવ્યવહાર કર્યો હતો. એ બધી વિગતો દેશના માથે બેઠેલી આ આફતને સમજવામાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ નવા બોર્ડની મહેરબાનીથી એ પણ શક્ય બન્યું નથી. નવા બોર્ડે જીટીને એ સંદેશવ્યવહારની વિગતો પૂરી પાડી નથી તેમ છતાં જીટીને જેટલી માહિતી અને ડેટા મળ્યા તેના પરથી પણ ગંભીર કૌભાંડો અને ગોટાળાઓનો પર્દાફાશ થયો છે. આઇઈસીસીએલે પોતાના કાર્યકાળમાં જેટલો ખર્ચ કર્યો તેમાંથી લગભગ 80 ટકા ખર્ચ કોઈને કોઈ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો હતો, પરંતુ તેમાંથી ફક્ત 22 ટકા ડેટા જીટીને પૂરો પાડવામાં આવ્યો હતો. પરિણામે, જીટી એ કંપનીના પ્રોજેક્ટ વિશે સર્વાંગી વિશ્લેષણ કરી શકી નથી.

જીટીએ તો 2019ની 13મી જૂનથી ડેટા માગવાનું શરૂ કર્યું હતું પરંતુ અનેક ઇમેલ કર્યા પછી પણ માત્ર 22.5 ટકા પ્રોજેક્ટને લગતી 25થી 30 ટકા જેટલી જ માહિતી મળી. છેલ્લે તો ગયા વર્ષે 7 ઑક્ટોબરના રોજ કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરે જીટીને ઈમેલમાં કહી દીધું કે બધો ઉપલબ્ધ ડેટા આપી દેવાયો છે, વધુ ડેટા નથી. દેખીતી વાત છે કે નવા બોર્ડ ઑફ ડિરેક્ટર્સની પરવાનગી વગર સીએફઓ આ ઇમેલ કરી શકે નહીં.

ભ્રષ્ટાચારના ભોરિંગ સમાન

કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે પેન્શન ફંડ પેન્શન ફંડ, સરકારી સંસ્થાઓ, બોન્ડ ધરાવતા સામાન્ય નાગરિકો અને મોટી સંખ્યામાં ખાનગી કંપનીઓનાં નાણાંની રિકવરી માટે આઇએલઍન્ડએફએસમાં નવા બોર્ડની રચના કરી હતી, પરંતુ આજે લગભગ ત્રણ વર્ષે એવી પરિસ્થિતિ છે કે ગ્રુપની એક કંપની વિશે પણ ફોરેન્સિક ઑડિટ પૂરું કરવામાં ઑડિટર ભ્રષ્ટાચારના ભોરિંગને જોઈને મોંમાં આંગળા નાખી ગયા છે. શું નિવૃત્ત સરકારી અમલદારોની નિમણૂક આના માટે કરવામાં આવી હતી? સરકારે ઉદય કોટકના ચૅરમૅનપદે નીમેલા નવા બોર્ડમાં મૂકેલા ભરોસાનું શું? નોંધનીય છે કે રવિ પાર્થસારથિ લગભગ 25 વર્ષ સુધી આ મહાકાય ગ્રુપના વડા હતા અને તેનો ભાંડો ફૂટ્યો એના થોડા જ સમય પહેલાં તેમણે પદ છોડયું હતું. જીટીના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે હજી પણ જૂના સંચાલકોના વફાદારો ગ્રુપમાં સક્રિય છે અને તેઓ બધા ભ્રષ્ટ વ્યવહારોના ઢાંકપિછોડા કરવા માગે છે. જનતાના નાણાંની રિકવરી કરવાની નવા બોર્ડ સહિત કોઈને પડી નથી. ફોરેન્સિક ઑડિટની ટીમને સહકાર નહીં આપવા બદલ શું નવું મૅનેજમેન્ટ જવાબદાર નથી? તેનું પરિણામ એ આવશે કે 40,000 કરોડ રૂપિયાના નુકસાન માટે જવાબદાર લોકો બચી જશે અને નુકસાન સહન કરનારાઓના હાથમાં બાબાજી કા ઠુલ્લુ આવશે.

સત્યમ ગ્રુપ સાથે કનેક્શન

વાચકોને જાણીને નવાઈ લાગશે કે આઇઈસીસીએલ મૂળ માયતાસ ઇન્ફ્રા લિમિટેડ કંપની હતી, જે કૌભાંડી સત્યમ ગ્રુપનો કિસ્સો હતી. આમ, આઇઈસીસીએલનાં મૂળ અને કુળ કૌભાંડથી જ ભરેલાં છે. તેમાં આઇએલઍન્ડએફએસે ઘટાડો કરવાને બદલે વધારો જ કર્યો છે.

સત્યમ ગ્રુપમાં અકાઉન્ટિંગની ગરબડ બહાર આવી ત્યારે આઇએલઍન્ડએફએસે વર્ષ 2009માં આઇઈસીસીએલની ખરીદી કરી હતી. 2010-11માં માયતાસ ઇન્ફ્રાનું નામ બદલીને આઇઈસીસીએલ કરવામાં આવ્યું અને એના બીજા જ વર્ષથી એમાં ભૂત ગયા અને પલિત જાગ્યાની જેમ વધુ ગોટાળા થવા લાગ્યા. આઇએલઍન્ડએફએસ માયતાસ ઇન્ફ્રાનું પુનરુત્થાન કરશે એવી ધારણા હતી, પરંતુ જીટીના આ અહેવાલ પરથી તો એવું જ લાગે છે કે ખરીદી કરનારા ગ્રુપે કંપનીની મથરાવટી મેલી ને મેલી જ રાખી અને એનો ઉપયોગ પોતાના ગોરખધંધાઓ માટે કર્યો.

પાયાનો સવાલ શું છે?

હવે સવાલ એ છે કે જીટીના અહેવાલ બાદ શું નવું બોર્ડ દેશની નૅશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઑથોરિટીને આ બધા ગોરખધંધાની જાણ કરશે? શું ફોરેન્સિક ઑડિટરને માહિતી નહીં આપવા બદલ નવા બોર્ડને જવાબદાર ગણવામાં આવશે? શું સરકાર નવા બોર્ડ સામે કોઇ પગલાં લેશે? છેલ્લે, સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે સામાન્ય નાગરિકોનાં નાણાંનું આટલી હદે સત્યાનાશ કરનારાઓને ક્યારે અને શું સજા થશે અને રોકાણકારોને એમનાં નાણાં કઈ રીતે-ક્યારે પરત મળશે?

(સૌજન્યઃ ગુજરાત ગાર્ડિયન)

——————

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s