ફાઇનાન્સ કંપનીઓના ‘ફંડા’માં ગોલમાલ હૈ, ભાઈ સબ ગોલમાલ હૈ!

કેટલીક ફાઇનાન્સ કંપનીઓ જાયન્ટ ગ્રુપ બની ગયા બાદ એમાં ઘણી ગોલમાલ ચાલુ થઈ જતી હોય છે, પરંતુ તેનો ભાંડો ફૂટે છે ત્યારે તેના અંત સમયે બૅન્કો, નાણાં સંસ્થાઓ, બોન્ડધારકો સહિતની નાની-મોટી હસ્તીઓ તેમાં ફસાઈ ગઈ હોય છે. આવી મહાકાય કંપનીઓના ગ્રુપમાં થતી છેતરપિંડીનાં કાળાં કારનામાં સમજવાં જોઈએ, કેમ કે ફાઇનાન્શિયલ માર્કેટ અને સિસ્ટમમાં ખદબદતા કૌભાંડનો પર્દાફાશ થાય ત્યારે આપણી સામે ખરા અર્થમાં રોકાણની શિક્ષા (સજા અને સબક) બને છે…
- જયેશ ચિતલિયા
તાજેતરમાં ફાઇનાન્શિયલ સેક્ટરમાં બે નામો સતત ચર્ચાનો વિષય બન્યાં છે, એક, આઇએલઍન્ડએફએસ અને બે, ડીએચએફએલ. આ બન્ને કંપનીઓ વચ્ચે ત્રણ બાબત કોમન છેઃ 1) બન્નેમાં લાખો રોકાણકારોનાં નાણાં અટવાઈ ગયાં છે, 2) બન્ને કંપનીઓનાં રોકાણ સાધનોને ઉંચાં રૅટિંગ પ્રાપ્ત થયાં હતાં અને 3) બન્ને કંપનીઓમાં આંતરિક કથિત ગોટાળા, ગરબડ કે મિસ- મૅનેજમેન્ટ થયા હોવાના ગંભીર આરોપો થયા છે, જેની તપાસ લાંબા સમયથી ચાલુ છે અને કેટલાક સ્પષ્ટ પુરાવા પણ તપાસમાં બહાર આવતાં રહ્યા છે.
હવે આ મામલા કાનૂની આંટીઘૂંટીમાં અટવાયા હોવાથી રોકાણકારોની સમસ્યાનો ઉપાય કયારે અને કેટલો કે કેવો થશે એ સવાલ બની ગયો છે.
‘દીવાનોં’ સે યે મત પૂછો…
હાલ હોટ ચર્ચાનો વિષય બનેલી ડીએચએફએલ એટલે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિ. એક યા બીજા કારણસર તેનું દેવું ખૂબ વધી ગયું હતું અને તેણે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)નાં નાણઆં પરત કરવામાં વિલંબ કરવાને પરિણામે રૅટિંગ ઍજન્સીઓ – ક્રિસિલ અને ઇકરાએ તેના રૅટિંગને ડિફોલ્ટ કેટેગરીમાં મૂકી દીધું હતું. કેર રૅટિંગ ઍજન્સીએ તો આ કંપનીના લોંગ ટર્મ ડેટ સાધન (એનસીડી) તેમ જ ફિક્સ્ડ ડિપોઝિટને પણ ડિફોલ્ટ રૅટિંગ આપ્યું હતું, જેને પગલે કંપનીના આશરે 58,000 કરોડના પેપર્સ ડિફોલ્ટ કેટેગરીમાં આવી ગયા હતા.
આ ઘટનાથી રોકાણકારોના વિશ્વાસને એવો આઘાત લાગ્યો કે ડેટ સાધનોમાં પોતાનાં નાણાં ઉંચી સલામતી ધરાવતા હોવાનું માનતા રોકાણકારોનો ભ્રમ વધુ એક વાર તૂટ્યો હતો.
ઇન્સોલ્વન્સી કોની? નાદાર કોણ?
ડીએચએફએલે બૅન્કોનાં કરજ પણ ડુબાડી દીધાં હોવાથી આ મામલો ઇનસોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ ગયો હતો. જોકે, હાલમાં બૅન્કોનાં નાણાં પાછાં મળવાનો મૂળ મુદ્દો બાજુએ રહી ગયો છે અને ડીએચએફએલના પ્રમોટરે સંપત્તિ વેચીને કરજ ચૂકવવા માટે કરેલી ઑફર વિશે ચર્ચા ચાલુ થઈ ગઈ છે.
ડીએચએફએલને અપાયેલા ઉંચા રૅટિંગને કારણે રોકાણકારો ભોળવાઈ ગયા હતા. હાલના અંદાજ મુજબ ડીએચએફએલે 87,000 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવવાની નીકળે છે, આ કિસ્સામાં ફિક્સ્ડ ડિપોઝિટ ધારકોને આશરે 75 ટકા તથા બોન્ડધારકોને 60 ટકા નુકસાન થવાનું અનુમાન મુકાય છે. આમ, ઈન્સોલ્વન્ટ કંપની બને છે અને નાદાર જેવી હાલત તેના રોકાણકારોની થાય છે.

હવે રિઝોલ્યુશન પ્લાન
દરમ્યાન, નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની મુંબઈ બેન્ચે દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ) માટેના પિરામલ ગ્રુપના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. આ આદેશ લાગુ પડશે કે નહીં એનો આધાર ઍપેલેટ ટ્રિબ્યુનલ અને સર્વોચ્ચ અદાલતમાં આવનારા અપીલના પરિણામ પર નિર્ભર છે.
પિરામલે ગ્રુપે ડીએચએફએલ માટે 37,250 કરોડ રૂપિયાનો રિઝોલ્યુશન પ્લાન સુપરત કર્યો છે. કમિટી ઑફ ક્રેડિટર્સ, રિઝર્વ બૅન્ક તથા કોમ્પિટીશન કમિશન ઑફ ઇન્ડિયા આની પહેલાં જ આ પ્લાનને મંજૂરી આપી ચૂક્યાં છે. જોકે, ડીએચએફએલના અગાઉના પ્રમોટર કપિલ વાધવાને નૅશનલ કંપની લૉ ઍપેલેટ ટ્રિબ્યુનલના આદેશ સામે સ્ટે અર્થે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
ઍપેલેટ ટ્રિબ્યુનલે વાધવાનની સેટલમેન્ટ ઑફર વિશે વિચારણા કરવા માટે કમિટી ઑફ ક્રેડિટર્સને અપાયેલા નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)ના આદેશ પર સ્ટે મૂક્યો છે. આમ, આ કેસ હવે સર્વોચ્ચ અદાલત પાસે છે એવા સંજોગોમાં ટ્રિબ્યુનલે પિરામલનો પ્લાન મંજૂર કર્યો છે.
એક રૂપિયાનું વેલ્યુએશન!!!
ડીએચએફએલને હસ્તગત કરવાની બિડ પિરામલ ગ્રુપે મૂકીને ડીએચએફએલની તેમ જ ફાઈનાન્સ કંપનીઓની અને સિસ્ટમની ગંભીર મજાક ઉડાવી હોય એવું લાગે છે. આ મજાક એ છે કે પિરામલ ગ્રુપે ડીએચએફએલના કહેવાતાં ડૂબેલાં નાણાંમાંથી કોઈ રિકવરી નહીં થાય એવું કહીને તેનું વેલ્યુએશન માત્ર એક રૂપિયાનું મૂક્યું છે. વાહ,45,000 કરોડ રૂપિયાની ગરબડ અને રિકવરી થશે માત્ર એક રૂપિયો! કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના જેવી આ વાત દીવાન હાઉસિંગ ફાઇનાન્સમાં થઈ છે. એક સમયે જેનાં સ્ટિકરો ટ્રેનમાં ચોંટાડવામાં આવતાં એ કંપની જોતજોતામાં અબજો રૂપિયામાં રમતી થઈ ગઈ અને હવે લાખો રોકાણકારોના અબજો રૂપિયા અટવાઈ ગયા છે. ભારતના, સંભવતઃ વિશ્વના, કૉર્પોરેટ ટેકઓવરનો આ એકમાત્ર કિસ્સો હશે, જેમાં ખરીદનાર કંપની કમાઈ જશે અને લાખો રોકાણકારોએ રાતા પાણીએ રોવાનો વારો આવશે.
આ જ કારણ છે કે ડીએચએફએલને હસ્તગત કરવાના પિરામલ ગ્રુપના આ પ્લાન સામે 63 મૂન્સ ટેક્નૉલૉજીસે પડકાર ફેંક્યો છે. 63 મૂન્સ ડીએચએફએલના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સમાં રૂ।. 200 કરોડનું રોકાણ ધરાવે છે.
આથી તેણે આ કેસનો ઊંડો અભ્યાસ કર્યો છે. તેના અભિપ્રાય મુજબ પિરામલનો પ્લાન કાયદાથી વિરુદ્ધ છે અને બૅન્કો અને નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ધારકોના હિતમાં નથી.
ડીએચએફએલે લેણદાર બૅન્કોને નાણાં ચૂકવવામાં ડિફોલ્ટ કર્યા બાદ રિઝર્વ બૅન્કે તેનો કેસ નવેમ્બર 2019માં એનસીએલટીને રિફર કર્યો હતો. લેણદાર બૅન્કોએ આ કંપની પાસેથી 87,000 કરોડ રૂપિયા લેવાના નીકળે છે.
આઇએલઍન્ડએફએસમાં દસ વરસથી શરૂ થયેલી ગરબડ
આઇએલઍન્ડએફએસ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિ. આ કંપનીની કામગીરીનાં કાળાં પરિણામ 2018થી બહાર આવવાનાં શરૂ થયાં હતાં. સપ્ટેમ્બર 2018માં સિડબીની 1,000 કરોડ રૂપિયાની ટૂંકા ગાળાની લોનની પરત ચૂકવણીમાં ડિફોલ્ટ કર્યો હતો. એ જ વખતે તેની એક પેટા કંપનીએ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની પાસેથી લીધેલી 500 કરોડ રૂપિયાની લોન પણ ચૂકવી નહીં. એ ઘટનાના ગણતરીના દિવસોમાં કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે આઇએલઍન્ડએફએસ ગ્રુપના બોર્ડને સુપરસીડ કરીને નવા બોર્ડની રચના કરવા માટે નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ અરજી કરી. સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ અને બ્રોકરેજ હાઉસ પાસે આ ગ્રુપના 11 લાખ કરોડ રૂપિયા કરતાં વધુના બોન્ડ હતા. આઘાતજનક વાત એ છે કે આ ગ્રુપને AA+ ક્રેડિટ રૅટિંગ મળ્યું હતું, જ્યારે કે સંપૂર્ણ ગ્રુપમાં ગુપચુપ અનેક ગરબડો ચાલતી હતી અને તેણે ડિફોલ્ટ કર્યા બાદ ક્રેડિટ રૅટિંગ ઍજન્સીઓએ તરત જ તેનું રૅટિંગ ઘટાડી દીધું હતું.
ફોરેન્સિક ઓડિટનું પરિણામ
સરકારે જાણીતા બૅન્કર ઉદય કોટકના અધ્યક્ષસ્થાને રચેલા નવા બોર્ડને સમસ્યાનો હલ લાવવાની જવાબદારી સોંપી, પરંતુ તાજેતરમાં બહાર આવેલી માહિતી અનુસાર સમસ્યા ઉકેલાવાને બદલે ગ્રુપના સમગ્ર તંત્રમાં અને દેશના નાણાકીય તંત્રમાં ખદબદી રહેલા ભ્રષ્ટાચારનું વરવું સ્વરૂપ છતું થયું છે.
આંતરરાષ્ટ્રીય ઑડિટ કંપની ગ્રાન્ટ થોર્નટન (જીટી) દ્વારા એક ફોરેન્સિક ઑડિટના અહેવાલની જાહેરાત થઈ છે. ગ્રાન્ટ થોર્નટને આઇએલઍન્ડએફએસ એન્જિનિયરિંગ ઍન્ડ કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (આઇઈસીસીએલ)નું ફોરેન્સિક ઑડિટ કરીને કહ્યું છે કે આ ગ્રુપમાં 2018થી નહીં, પણ છેક 2011-12થી ગોટાળા અને તેના ઢાંકપિછોડા ચાલી રહ્યા હતા.
બાબાજી કા ઠુલ્લુ
કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયે પેન્શન ફંડ, સરકારી સંસ્થાઓ, બોન્ડ ધરાવતા સામાન્ય નાગરિકો અને મોટી સંખ્યામાં ખાનગી કંપનીઓનાં નાણાંની રિકવરી માટે આઇએલઍન્ડએફએસમાં નવા બોર્ડની રચના કરી હતી, પરંતુ આજે લગભગ ત્રણ વર્ષે એવી પરિસ્થિતિ છે કે ગ્રુપની એક કંપની વિશે પણ ફોરેન્સિક ઑડિટમાં ઑડિટર ભ્રષ્ટાચારના ભોરિંગને જોઈને મોંમાં આંગળા નાખી ગયા છે. તેનું પરિણામ લગભગ એ આવશે કે 40,000 કરોડ રૂપિયાના નુકસાન માટે જવાબદાર લોકો બચી જશે અને નુકસાન સહન કરનારાઓના હાથમાં બાબાજી કા ઠુલ્લુ રહી જશે.
દરમિયાન, શુક્રવારે સાંજે આવેલા અહેવાલ મુજબ આઇએલએફએસ ગ્રુપના ભૂતપૂર્વ હેડ રવિ પાર્થસારથિની ચેન્નાઈની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે ધરપકડ કરી છે. આ ગ્રુપે આશરે 350 ગ્રુપ કંપનીઓ શરૂ કરીને અંદાજે એક લાખ કરોડ રૂપિયાની ગરબડ કરી હોવાનો આરોપ છે. 63 મૂન્સ ટેક્નૉલૉજીસે કરેલી ફરિયાદ સંબંધે ગ્રુપ સામે એફઆઇઆર રજિસ્ટર્ડ થઈ હતી.
ઈન શોર્ટ, આ બન્ને તોતિંગ કેસો ફાઇનાન્શિયલ માર્કેટ- ઇન્વેસ્ટમેન્ટ જગત માટે કલંક સમાન છે. આવા તો અનેક કિસ્સા છે, પરંતુ શું એ પછી તેમાંથી સરકાર, નિયમન તંત્રો, અન્ય કંપનીઓ અને રોકાણકારો બોધ લઈને સુધરશે ખરાં?
(સૌજન્યઃ મુંબઈ સમાચાર)
———————————————–