
રોકાણકારોએ ફ્રેન્કલિન ટેમ્પલ્ટનનાં ડેટ ફંડ પર કરેલા ભરોસાની બાબતે કહેવત પ્રમાણે કહેવું પડે કે ભરોસાની ભેંસે પાડો જણ્યો. કોરોના રોગચાળાના પ્રારંભિક દિવસોમાં જ ફ્રેન્કલિનની છ ડેટ સ્કીમમાં કામકાજ બંધ કરવામાં આવ્યું હતું. એકંદરે 26,000 કરોડ રૂપિયાની ઍસેટ અંડર મૅનેજમેન્ટ (એયુએમ) ધરાવતી આ છ સ્કીમ્સને બંધ કરાવવા માટે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ટ્રસ્ટી સર્વિસીસ પ્રા. લિ.એ રોકાણકારોની મંજૂરી માગી છે.
રોકાણકારોને પોતાના હાથે પગ પર કુહાડી મારવાનું કહેવા જેવી આ વાત છે. ટ્રસ્ટીઓ સ્કીમ બંધ કરવા માટે યુનિટધારકોની મંજૂરી માગી રહ્યા છે, પરંતુ મિડાસ ટચ ઇન્વેસ્ટર્સ ઍસોસિયેશન નામના સંગઠને સેબીને કહ્યું છે કે રોકાણકારોને વધુ નુકસાન થાય નહીં એવો કોઈ હલ લાવે. સીધી વાત છે, રોકાણકારોના હિતનું રક્ષણ કરવાની સૌ સંબંધિતોની જવાબદારી છે!
ફંડ મૅનેજરોના ગોટાળાની સજા રોકાણકારોએ શું કામ ભોગવવી?
મ્યુચ્યુઅલ ફંડ ચલાવનારાઓ સંબંધિત ક્ષેત્રના નિષ્ણાત હોય છે. એ લોકો પોતાના કામમાં કાબેલ હોવાને કારણે જ રોકાણકારો એમના પર વિશ્વાસ મૂકીને પોતાનાં નાણાં રોકતા હોય છે. ‘મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ’ સૂત્ર પર ભરોસો મૂકીને નાણાં રોકનારે જો સામે ચાલીને મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ બંધ કરવા માટે પરવાનગી આપીને ‘આ બૈલ મુઝે માર’ કરવાનું હોય તો ફંડ મૅનેજરોની નિપુણતાનું શું? એમના ગોટાળાની સજા રોકાણકારોએ શું કામ ભોગવવી? જવાબદાર નિયમનકાર તરીકે સેબીએ તરત જ આ બાબતે સામે ચાલીને મધ્યસ્થી કરવી જોઈએ અને રોકાણકારોને નુકસાન થાય નહીં તેની તકેદારી લેવી જોઈએ. તેણે કોઈ સંગઠન રજૂઆત કરે તેની રાહ જોવાની જરાય જરૂર ન હતી.
મિડાસ ટચ સંગઠનનું કહેવું છે કે ઍસેટ મૅનેજમેન્ટ કંપનીએ તથા ટ્રસ્ટીઓએ રોકાણકારોની મંજૂરી માગીને યુનિટધારકોને નાણાં ચૂકવવાની પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયત્ન કર્યો છે. ખરી રીતે સ્કીમ બંધ કરવાથી થનારા નુકસાનને સહન કરવાનું કામ ઍસેટ મૅનેજમેન્ટ કંપની, ટ્રસ્ટીઓ તથા સ્પોન્સરનું છે. એ બધા લોકોએ મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં પ્રવેશ કરતી વખતે જોખમી પરિબળોને ધ્યાનમાં લેવાં જોઈતાં હતાં. એમના ગેરવહીવટની જવાબદારી યુનિટધારકો પર નાખી શકાય નહીં.
મિડાસ ટચે યોગ્ય રીતે કહ્યું છે કે યુનિટધારકોના હિતનું રક્ષણ કરવાની ટ્રસ્ટીઓ અને ઍસેટ મૅનેજમેન્ટ કંપનીની જવાબદારી છે અને તેથી તેમણે એવા જ કોન્ટ્રેક્ટ કરવા જોઈતા હતા, જેનાથી રોકાણકારોના હિતનું રક્ષણ થાય.
જો ફ્રેન્કલિનની સ્કીમ બંધ કરવામાં આવશે તો નુકસાન થઈ શકે છે. સ્કીમ બંધ કરવાથી સેબી ઍક્ટ, મ્યુચ્યુઅલ ફંડ નિયમન, ઇન્ડિયન ટ્રસ્ટ્સ ઍક્ટ અને ઇન્ડિયન કોન્ટ્રેક્ટ ઍક્ટ પાછળની વિભાવનાનો ભંગ થયો કહેવાશે. વળી, એ પગલું ગેરકાનૂની ઠરશે. આથી રોકાણકારોને નુકસાન થાય નહીં એવી તકેદારી સેબીએ લેવી, એમ ઉક્ત સંગઠને કહ્યું છે.
નોંધનીય છે કે ફ્રેન્કલિન ટેમ્પલ્ટનનની છ સ્કીમ બંધ કરી દેવાના નિર્ણયનો અમલ કરતાં પહેલાં યુનિટધારકોની મંજૂરી લેવી, એવો આદેશ કર્ણાટક વડી અદાલતે ગત ઑક્ટોબરમાં આપ્યો હતો. શરૂઆતમાં ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ટ્રસ્ટી સર્વિસીસે દલીલ કરી હતી કે મ્યુચ્યુઅલ ફંડ્સને યુનિટધારકોની મંજૂરી વગર સ્કીમ બંધ કરવાનો અધિકાર છે. જો કે, પછીથી તેણે યુનિટધારકો દ્વારા આ વિષયે મતદાન કરાવવા માટે સેબીની મંજૂરી માગી હતી. હવે આ મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે, કારણ કે રોકાણકારોના અન્ય સંગઠન – ચેન્નઈ ફાઇનાન્શિયલ માર્કેટ્સ ઍન્ડ ઍકાઉન્ટેબિલિટી (સીએફએમએ)એ યુનિટધારકોનાં નાણાંનું રક્ષણ કરવાની માગણી કરી છે. તેણે સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઍસેટ મૅનેજમેન્ટ (ઇન્ડિયા) પ્રા. લિ.એ આ બાબતે સર્વોચ્ચ અદાલતમાં બાંયધરી આપવી જોઈએ. આ સંગઠનની માગણીને પગલે અદાલતે નવમી ડિસેમ્બરે સેબીને આદેશ આપ્યો હતો કે તેણે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડના ફોરેન્સિક ઑડિટનો અહેવાલ બંધ પરબિડિયામાં સુપરત કરવાનો રહેશે. ફંડની છ ડેટ સ્કીમ બંધ કરવા બાબતે થનારા ઈ-વોટિંગ પર દેખરેખ રાખવા માટે નિરીક્ષકની નિમણૂક કરવાનું પણ નિયમનકારને કહેવામાં આવ્યું છે. 26મીથી 28મી ડિસેમ્બર દરમિયાન મતદાન થયા બાદ 29મીએ છ સ્કીમના યુનિટધારકોની બેઠક રાખવામાં આવી છે.
સર્વોચ્ચ અદાલતે આગામી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહ સુધીમાં અરજીઓ અને આખરી દલીલો પૂરી કરવાનું તમામ પક્ષકારોને કહ્યું છે. યુનિટધારકોની મંજૂરી લેવા માટે બેઠક બોલાવવાનો આદેશ સર્વોચ્ચ અદાલતે જ તાજેતરમાં આપ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ પરથી સ્પષ્ટ થાય છે કે જો રોકાણકારોનાં સંગઠનોએ સક્રિયતા દાખવી ન હોત અને અદાલતોએ દરમિયાનગીરી કરી ન હોત તો કદાચ ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ફંડ પોતાની જવાબદારીમાંથી છટકી ગયું હોત. જો મ્યુચ્યુઅલ ફંડ સહી હોય તો ફંડ હાઉસીસે બધી જ રીતે રોકાણકારોના હિતનું રક્ષણ કરવાની તકેદારી રાખવી જરૂરી છે અને તેઓ એમ કરે નહીં તો નિયમનકાર સેબીએ સક્રિય થઈને આવશ્યક પગલાં ભરવાં જોઈએ.
કર્ણાટક વડી અદાલતે સેબીની ભૂમિકાની કરી ટીકા
વાસ્તવમાં બન્યું એવું કે કર્ણાટક વડી અદાલતે સેબીની ભૂમિકા બાબતે ટીકા કરતાં કહ્યું હતું કે નિયમનકાર તરીકે સેબીએ મ્યુચ્યુઅલ ફંડને લગતાં ધારાધોરણોનો અમલ થયો છે કે કેમ તેના વિશે ઍસેટ મૅનેજમેન્ટ કંપની, ટ્રસ્ટીઓ અને સ્પોન્સરની પૂછપરછ કરવામાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈતી હતી. સેબી મૂક પ્રેક્ષક બની રહી એવી રોકાણકારોની ફરિયાદ હોય તો એ વાજબી છે.
અદાલત એ બાબતે પણ ખફા હતી કે છ સ્કીમ બંધ કરી દેવા માટે ફ્રેન્કલિન ટેમ્પલ્ટને પસાર કરેલા ઠરાવની નકલ પણ સેબી પાસે ઉપલબ્ધ ન હતી. વળી, ટ્રસ્ટીઓએ સ્કીમ બંધ કરવા માટે ગત 20મી એપ્રિલે મોકલેલા પત્રનો જવાબ આપવાની પણ સેબીએ તસદી લીધી ન હતી. ફ્રેન્કલિને 23મી એપ્રિલે સ્કીમ બંધ કરી દીધી હતી. ટ્રસ્ટીઓએ નિયમોનું પાલન કર્યું છે કે કેમ તેના વિશે પણ સેબી અજાણ હતી. રોકાણકારો નિયમનકાર સેબી પર પણ ભરોસો રાખીને બેઠા હોય છે. શું હવે સેબી માટે પણ કહેવું પડશે કે ભરોસાની ભેંસે પાડો જણ્યો છે?
———————————