સેબી નિષ્પક્ષ નિયમનકાર તરીકે કાર્ય કરે એ મૂડીબજારના અને રોકાણકારોના હિતમાં રહેશે

કોઈની એક નાની ચોરી ચલાવી લેવાથી એ માણસ મોટી ચોરીઓ કરવા લાગી જાય છે. આ અનુભવસિદ્ધ વાત કાર્વી સ્ટૉક બ્રોકિંગ લિમિટેડ (કેએસબીએલ)ને લાગુ પડે છે. સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબીએ 2003-05ના ગાળામાં થયેલા આઇપીઓ કૌભાંડમાં કાર્વી ગ્રુપની સંડોવણી જાહેર થયા બાદ જ જો તેની વિરુદ્ધ આકરાં પગલાં ભર્યાં હોત તો એ કંપની વધુ ગરબડ કરતાં અટકી ગઈ હોત.
સેબીએ આખા કાર્વી ગ્રુપને આઇપીઓ કૌભાંડ સંબંધે દોષિત ગણ્યું હતું, પરંતુ કાર્વી વિરુદ્ધનો કેસ છેક 2014 સુધી ખેંચાયો. નોંધનીય છે કે કેએસબીએલ ઉપરાંત કાર્વી કન્સલ્ટન્ટ્સ લિમિટેડ, કાર્વી કોમ્પ્યુશેર પ્રાઇવેટ લિમિટેડ, કાર્વી સિક્યૉરિટીઝ લિમિટેડ અને કાર્વી ઇન્વેસ્ટર સર્વિસીસ લિમિટેડને આઇપીઓ કૌભાંડમાં દોષિત ગણાવાઈ હતી. આ બધી કંપનીઓ કૌભાંડના દરેક તબક્કે સંડોવાયેલી હતી.
નવાઈની વાત છે કે સી. બી. ભાવે સેબીના ચૅરમૅન હતા એ અરસામાં આઇપીઓ કૌભાંડના અનેક દોષિતોને દંડ કરવામાં આવ્યા હતા, પરંતુ કાર્વી ગ્રુપને ઉની આંચ પણ આવી નહીં. છેલ્લે 2014માં સેબીએ કેએસબીએલને છ મહિના સુધી પ્રાઇમરી માર્કેટનાં નવાં એસાઇનમેન્ટ લેવાની મનાઈ ફરમાવી. નિયમનકાર સેબીએ કંપનીને દંડ કરવાનું મુનાસિબ કેમ માન્યું નહીં એ મોટો સવાલ છે. વળી, એ વાતનું પણ આશ્ચર્ય છે કે કાર્વીએ સેબીના પગલા વિરુદ્ધ સિક્યૉરિટીઝ ઍપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)માં અપીલ કરી અને તત્કાળ રાહત મેળવી. સેટે 21 જાન્યુઆરી, 2015ના રોજ સેબીનો આદેશ રદ કરી દીધો અને ચાર મહિનાની અંદર નવા આદેશો બહાર પાડવાનું કહ્યું. પછી તો ‘રાત ગઈ, બાત ગઈ’ની જેમ સેબી જાણે બધું ભૂલી ગઈ અને કયાં પગલાં લેવાયાં તેના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
કાર્વીને ‘ફિટ ઍન્ડ પ્રોપર‘નો માપદંડ લાગુ કરીને તેની વિરુદ્ધ કડક પગલાં લેવાની જરૂર હતી
સિક્યૉરિટીઝ માર્કેટમાં કાર્વી મોટું નામ અને જવાબદારી ધરાવતી હોવા છતાં આઇપીઓ કૌભાંડમાં સંડોવણી જાહેર થયા બાદ પણ સેબીએ તેના કામકાજ પર ચાંપતી નજર રાખી નહીં. કાર્વીને ‘ફિટ ઍન્ડ પ્રોપર’નો માપદંડ લાગુ કરીને તેની વિરુદ્ધ કડક પગલાં લેવાની જરૂર હતી, છતાં સેબીએ જાણે એના બધા ગુના માફ કરી દીધા. તેનું પરિણામ એ આવ્યું કે કાર્વી સ્ટૉક બ્રોકિંગ લિમિટેડે પોતાના ક્લાયન્ટ્સના 2,300 કરોડ રૂપિયાના શેર ચાર ધિરાણકર્તાઓ પાસે ગિરવે રાખીને 600 કરોડ રૂપિયા ભેગા કર્યા. ધિરાણકર્તાઓએ પણ એ ચકાસવાની તસદી લીધી નહીં કે કાર્વીએ ગિરવે રાખેલા શેર એના પોતાના છે કે બીજા કોઈના! એટલું ઓછું હોય એમ કેએસબીએલે 1 એપ્રિલ 2016થી 19 ઑક્ટોબર 2019 સુધીના ગાળામાં 1,096 કરોડ રૂપિયા કાર્વી રિયાલ્ટી પ્રા. લિ.ને ગેરકાનૂની રીતે ટ્રાન્સફર કર્યા. આની પહેલાં 2017માં કાર્વીએ આવા જ ગોટાળાભર્યા નાણાકીય વ્યવહારો કર્યા હતા, પરંતુ સેબીએ કોઈ મોટી કાર્યવાહી કરવાને બદલે કંપનીને કેસ ‘સેટલ’ કરવાની છૂટ આપી. જો સેબી જવાબદાર નિયમનકાર હોય તો, કયા અધિકારીએ સેટલમેન્ટની ભલામણ કરી અને તેની કઈ ઉચ્ચ સ્તરીય સમિતિએ એની પરવાનગી આપી એ સવાલનો ઉત્તર તેણે આપવો રહ્યો.

કાર્વીની સામે જો ફરિયાદો વધી ન હોત તો કદાચ સેબીએ અને પછી એનએસઈએ તેની સામે પગલાં ભર્યાં હોત કે નહીં એ પણ શંકા છે, કારણ કે કાર્વી પાસે એક સમયે 12 લાખ કરતાં વધુ રોકાણકારોનાં ખાતાં હતાં અને એ રોકાણકારોની બચત અને રોકાણોનો મોટો હિસ્સો કાર્વીને પાવર ઑફ ઍટર્ની તરીકે રખેવાળ તરીકે આપવામાં આવ્યો હતો. ‘વાડ ચીભડાં ગળે’ એ ઉક્તિ યાદ અપાવે એ રીતે કાર્વીએ રોકાણકારોનાં નાણાં સાથે રમત કરીને કરોડો રૂપિયાના ગોટાળા કર્યા.
સેબી અને એનએસઈએ રોકાણકારોનાં નાણાં પાછાં અપાવવા માટે કાર્વીની ઍસેટ્સનું વેચાણ કરવા માટે એક આખા વર્ષનો સમય આપ્યો. ગત વર્ષે 22મી નવેમ્બરે સેબીએ ક્લાયન્ટ્સનાં નાણાંનો દુરુપયોગ કરવા બદલ કાર્વી સ્ટૉક બ્રોકિંગ લિમિટેડને સસ્પેન્ડ કરી હતી અને તેના એક વર્ષ બાદ એનએસઈએ કંપનીને ડિફોલ્ટર જાહેર કરીને બજારમાંથી હાંકી કાઢી. એક્સચેન્જને આ નિર્ણય લેવામાં એક વર્ષનો સમય કેમ લાગ્યો એ પણ એક મોટો સવાલ છે. કાર્વીની ઍસેટ્સ વેચાયા બાદ નાણાં આવશે એવું જો એનએસઈએ વિચાર્યું હતું તો એ નાણાં આખરે આવ્યાં કેમ નહીં અને કંપનીને ડિફોલ્ટર કેમ જાહેર કરવી પડી? કાર્વી ગ્રુપે પોતાનો રજિસ્ટ્રાર ઍન્ડ ટ્રાન્સફરનો બિઝનેસ જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડને વેચી દીધો, પણ એનાં નાણાં ક્યાં ગયાં એ કોઈને ખબર નથી.
કાર્વી ગ્રુપની અનેક કંપનીઓ સેબીના નિયમન હેઠળ હતી, પણ કોઈના પર કડપ રખાયો નહીં
ગ્રુપની વેબસાઇટ પરથી મળેલી જાણકારી મુજબ તેની સંખ્યાબંધ ગ્રુપ કંપનીઓ હતી અને એમાંની ઘણી કંપનીઓ સેબીના નિયમન હેઠળ હતી. ગ્રુપ કંપનીઓમાં કાર્વી કોમટ્રેડ, કાર્વી કૅપિટલ લિ, કાર્વી ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝરી સર્વિસીસ લિ, કાર્વી હોલ્ડિંગ્સ લિ, કાર્વી મિડલ ઈસ્ટ એલએલસી, કાર્વી રિયાલ્ટી (ઇન્ડિયા) લિ, કાર્વી હોલ્ડિંગ્સ લિ, કાર્વી ફાઇનાન્શિયલ સર્વિસીસ લિ, કાર્વી ઇન્સ્યૉરન્સ રિપોઝિટરી લિ, કાર્વી ફોરેક્સ કરન્સીઝ પ્રા. લિ, કાર્વી કન્સલ્ટન્ટ્સ લિ, કાર્વી ડેટા મૅનેજમેન્ટ સર્વિસીસ લિ, કાર્વી ઇન્વેસ્ટર સર્વિસીસ લિ, કાર્વી ઇનસાઇટ્સ લિ, કાર્વી ઍનાલિટિક્સ લિ, કાર્વી સોલર પાવર લિ, કાર્વી ગ્લોબલ સર્વિસીસ લિ, અને કાર્વી ઇન્ક, યુએસએ.
કાર્વી સ્ટૉક બ્રોકિંગ લિમિટેડને ઉગારી લે એટલી આર્થિક શક્તિ આમાંની કોઈ કંપની પાસે ન હતી? શું કેએસબીએલની હકાલપટ્ટીથી આમાંની કોઈ કંપનીને અસર નહીં થાય?
સેબી કે એનએસઈ એ બન્નેમાંથી કોઈએ હજી કેએસબીએલના મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી
સેબી કે એનએસઈ એ બન્નેમાંથી કોઈએ હજી કેએસબીએલના મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી. શું કંપનીએ રિયાલ્ટી બિઝનેસમાં ગેરકાનૂની રીતે ટ્રાન્સફર કરેલા 1,096 કરોડ રૂપિયા પાછા આવી ગયા છે? આ સવાલનો હજી કોઈ જવાબ નથી. એનએસઈએ 18મી નવેમ્બરના રોજ જાહેર કર્યું હતું કે એણે આશરે કાર્વી સ્ટૉક બ્રોકિંગમાં જેમનાં નાણાં ફસાયાં છે એવા 2,35,000 રોકાણકારોને 2,300 કરોડ રૂપિયા પાછા વાળ્યા છે. દરેક રોકાણકારને 30,000 રૂપિયા સુધીની રકમ મળશે, એવું એણે કહ્યું હતું. વાસ્તવમાં કેટલા રોકાણકારોને કેટલી રકમ મળી એના વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી.
સેબીએ કેએસબીએલનું ફોરેન્સિક ઑડિટ થયાનું પોતાના 24મી નવેમ્બરના આદેશમાં જણાવ્યું છે, પરંતુ ઑડિટમાં શું જાણવા મળ્યું એ બાબતે કોઈ માહિતી જાહેર કરાઈ નથી. આવી ગોપનીયતાનો અર્થ શું કરવો? વળી, ફોરેન્સિક ઑડિટ કરવામાં આટલી બધી ઢીલ કેમ? શું એ માહિતી જાહેર થઈ જવાથી એનએસઈ અને સેબીએ શરમાવું પડે એવી શક્યતા છે?
ટૂંકમાં, નિયમનકાર તરીકે સેબીએ કાર્યવાહીને બદલે ઢાંકપિછોડા કરવામાં અને ભીનું સંકેલવામાં મદદ કરી હોય એવી છાપ ઉપસે છે. દેશની નાણાકીય વ્યવસ્થામાં આ એક મોટી નાલેશી કહેવાય. જો આવું જ ચાલ્યા કરશે તો આગામી દિવસોમાં કાર્વી જેવી અનેક કંપનીઓને ભાવતું મળી જશે.
સેબી નિષ્પક્ષ નિયમનકાર તરીકે કાર્ય કરે એ મૂડીબજારના અને રોકાણકારોના હિતમાં રહેશે.
————————
સેબીએ નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ એ વાત તો લગભગ અસંભવ છે પરંતુ એ કામજ કયા કરે છે. અત્યારે તો તેનું ફક્ત એકજ કામ છે અને તે કે ખોટા કામ કારવાવાળાને તેમના રાજકીય આશ્રયદાતાના ઈશારે કેમ છાવરવા.
LikeLike