‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સીરિઝ હિટ ગઈ છે; સેબી કેમ હજી ફ્લોપ જણાય છે?

શેરબજારની તેજી વિશે કોમન મૅન આર. કે. લક્ષ્મણનું માર્મિક કાર્ટૂન

સોનીલિવ પરની ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ સીરિઝ તમે કદાચ જોઈ લીધી હશે અથવા તો કોઈકે તમને એ જોઈ જવાનું સૂચન કર્યું હશે. દેશમાં હાલ શેરબજાર નવાં શિખરો સર કરી રહ્યું છે એવા સમયે ભારતીય સિક્યોરિટીઝ માર્કેટના ચકચારભર્યા આ કૌભાંડની સીરિઝ પ્રસિદ્ધિ મેળવી રહી છે એ એક યોગાનુયોગ છે. અહીં નોંધનીય છે કે કોરોના હજી દુનિયામાં ફેલાયેલો છે અને હજી તેના દરદીઓની સંખ્યા રોજેરોજ વધી રહી છે, આપણા અર્થતંત્રમાં હજી પૂર્ણપણે સુધારો આવ્યો નથી તથા કોરોનાનો બીજો દોર શરૂ થવાની ભીતિ રહેલી છે છતાં શેરબજારની તેજી અવિરત ચાલી રહી છે. આ ઘટના આશ્ચર્ય સર્જનારી છે. હર્ષદ મહેતા કૌભાંડ વખતે પણ શેરબજાર સતત ઉપર જઈ રહ્યું હતું અને એક દિવસ ઉક્ત સ્કેમના સમાચાર પ્રગટ થતાં જ બજાર તૂટ્યું હતું.

હર્ષદ મહેતા કૌભાંડ ભારતીય સિક્યોરિટીઝ માર્કેટનું પ્રથમ મોટું કૌભાંડ હતું. આથી સમગ્ર દેશમાં ચકચાર જાગી હતી. હર્ષદ મહેતા સાથે શું થયું તેની વિગતો ઉક્ત સીરિઝમાંથી દર્શકોને મળી રહેશે, પરંતુ એ વખતે શેરબજારમાં કડાકો બોલાયો તેને કારણે નુકસાન ભોગવનારા લોકોની વ્યથા ‘ઘાયલ કી ગત ઘાયલ હી જાને’ જેવી કહી શકાય.

સ્કેમ 1992નું આજનું મૂલ્ય 20,000 કરોડ રૂપિયા થાય

હર્ષદ મહેતાએ બૅન્કિંગ ક્ષેત્રમાં રહેલી ખામીઓનો પોતાના લાભ માટે દુરુપયોગ કર્યો હતો. કમનસીબે આજે પણ બૅન્કિંગ ક્ષેત્ર અનેકવિધ ત્રુટિઓ અને સમસ્યાઓથી ગ્રસ્ત છે. મહેતાને કૌભાંડ આચરવામાં બ્રોકરો, સરકારી અમલદારો અને નેતાઓનો પણ સાથ મળ્યો હોવાનું સીરિઝમાં દર્શાવાયું છે. આજથી લગભગ 28 વર્ષ પહેલાંના એ કૌભાંડમાં સંડોવાયેલી તત્કાલીન રકમ 4,000 કરોડ રૂપિયા હતી. આજે કદાચ એનું મૂલ્ય 20,000 કરોડ રૂપિયા થાય.

ભવિષ્યમાં આવાં કૌભાંડો થાય નહીં એ દૃષ્ટિએ એ જ વર્ષે સિક્યોરિટીઝ બજાર માટેની નિયમનકાર સંસ્થા – સેબીને વૈધાનિક અધિકારો આપવામાં આવ્યા. જો કે, સેબીની સ્થાપના પછી પણ 2001માં હર્ષદ મહેતાના જ ચેલા ગણાવાયેલા કેતન પારેખનું કૌભાંડ બહાર આવ્યું. ત્યાર બાદ 2003-05ના ગાળામાં બનેલું સિક્યોરિટીઝ માર્કેટનું વધુ એક મોટું કૌભાંડ એટલે આઇપીઓ કૌભાંડ. આ કૌભાંડમાં આઇપીઓ માટે બ્રોકરોએ બનાવટી ડિમેટ અકાઉન્ટ્સનો અને ક્લાયન્ટ્સની પાવર ઑફ એટર્નીનો દુરુપયોગ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આઇપીઓ કૌભાંડ વખતની ડિપોઝિટરી – એનએસડીએલના વડા સી. બી. ભાવેને પછીથી સેબીના ચૅરમૅન બનાવવામાં આવ્યા હતા.

કૉ-લૉકેશન કૌભાંડમાં ટેક્નૉલૉજીનો થયો દુરુપયોગ

નિયમનકાર સેબીની સ્થાપના થઈ અને સિક્યોરિટીઝ માર્કેટમાં ડિજિટલ ટેક્નૉલૉજી ઉપયોગમાં લેવાવા લાગી તેથી કૌભાંડો અટકી જશે એવી આશા રાખવામાં આવી હતી. ઉલટાનું, વાસ્તવમાં એવું થયું કે થોડા સમય પહેલાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)નું કૉ-લૉકેશન કૌભાંડ બહાર આવ્યું અને ટેક્નૉલૉજીના દુરુપયોગનું એ જ્વલંત ઉદાહરણ છે.

ઉક્ત કૌભાંડોમાં બ્રોકરો, દેશના બૅન્કિંગ તંત્ર, સરકારી અમલદારો અને નેતાઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે અને રોકાણકારોને સિક્યોરિટીઝ માર્કેટમાં સંપૂર્ણ અને અડગ વિશ્વાસ જાગે એવું વાતાવરણ હજી સુધી સર્જી શકાયું નથી. કૉ-લૉકેશન કૌભાંડમાં તો એક્સચેન્જ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ – એનએસઈ) પોતે જ દોષિત હોવાનું સેબીએ ખુદ કહ્યું છે. જો કે, તેણે 50,000 કરોડ જેવડી તોતિંગ રકમના આ કૌભાંડ બદલ સેબીએ એનએસઈને માત્ર 1,000 કરોડ રૂપિયાનો દંડ કરીને ફક્ત કામકાજની ત્રુટિ તરીકે તેનો ઉલ્લેખ કર્યો છે. આ કૌભાંડને કારણે સામાન્ય રોકાણકારોને થયેલા નુકસાનને ધ્યાનમાં જ લેવામાં આવ્યું નથી. નિયમનકાર તરીકેના સેબીના આવા વલણને લીધે જ કદાચ દેશની 1.3 અબજની વસતિના ફક્ત 1 ટકા જેટલા જ રોકાણકારો શેરબજારમાં ઈક્વિટીમાં રોકાણ કરે છે; મોટાભાગની જનતાને શેરબજારમાં રોકાણ કરવામાં હજી ડર લાગે છે.

શેરબજારમાં બ્રોકરો, સરકારી અમલદારો અને રાજકારણીઓની સંડોવણી પર પ્રકાશ પાડતું પુસ્તક

નોંધનીય છે કે બ્રોકરો, સરકારી અમલદારો અને રાજકારણીઓની સંડોવણી પર પ્રકાશ પાડતું પુસ્તક – ‘ધ માર્કેટ માફિયા’ હાલમાં જ પ્રકાશિત થયું છે. નવા જમાનામાં હવે વ્હાઇટ કોલર ક્રાઇમ ઘણા થવા લાગ્યા છે એ બાબત પુરવાર થતી હોય એ રીતે ‘ધ માર્કેટ માફિયા’ પુસ્તક એમેઝોન પર ગુના, રોમાંચકથા અને રહસ્યકથાના વિભાગમાં બેસ્ટ સેલર બન્યું છે. પત્રકાર પલક શાહ લિખિત આ પુસ્તકમાં કૉ-લૉકેશન કૌભાંડ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. કૉંગ્રેસના શાસનકાળમાં તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમે આ કૌભાંડમાં કેવી ભૂમિકા ભજવી અને એમના કથિત મળતિયાઓ અત્યાર સુધી કોઈ પણ રીતે દંડિત થયા નથી તેની વિગતો પુસ્તકમાં છે.

શેરધારકોની રક્ષા કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે સ્થપાયેલી સેબી એ ઉદ્દેશ્યની પૂર્તિ કરવામાં દર વખતે નિષ્ફળ જાય છે અને સરકારી અમલદારો, સ્ટૉક એક્સચેન્જના અધિકારીઓ, સેબીના અધિકારીઓ અને એમને આશ્રય આપનારા રાજકારણીઓ રિટેલ રોકાણકારોની રક્ષા કરવાને બદલે એમને નુકસાન થાય એવી રમતો રમે છે એ મતલબનું આ પુસ્તકનું તારણ છે.

એનએસઈની સામે સ્પર્ધા ખડી કરનારા ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ સમૂહને કેવી રીતે મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું એની વિગતો અગાઉ શાંતનુ ગુહા રે નામના વરિષ્ઠ પત્રકારે લખેલા પુસ્તક – ‘ધ ટાર્ગેટ’માં પ્રકાશિત થઈ ચૂકી છે. ભારતના સત્તાતંત્રમાં ટોચનું સ્થાન ભોગવતા જે લોકોનાં નામ ‘ધ ટાર્ગેટ’માં સતસવીર પ્રગટ કરવામાં આવ્યાં હતાં એ જ લોકો તરફ ‘ધ માર્કેટ માફિયા’માં અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો છે. એ વ્યક્તિ એટલે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને સનદી અધિકારીઓ કે. પી. કૃષ્ણન તથા રમેશ અભિષેક. ઉપરાંત, એનએસઈના ટોચના અધિકારીઓ અને મોટા બ્રોકરોએ કૉ-લૉકેશન કૌભાંડમાં મોટી ભૂમિકા ભજવી હતી. સેબીનું કોઈ અસ્તિત્વ જ ન હોય એમ એનએસઈએ એની મંજૂરી લીધા વિના જ ગણ્યાગાંઠ્યા બ્રોકરોને કૉ-લૉકેશનની સુવિધા આપી અને રિટેલ રોકાણકારો સહિતના અન્ય તમામ રોકાણકારોને નુકસાન પહોંચાડ્યું એમ ‘ધ માર્કેટ માફિયા’માં લખાયું છે.

વાંચકો માઇકલ લુઇસ નામના લેખકના સુવિખ્યાત અને વૈશ્વિક બેસ્ટ સેલર પુસ્તક – ‘અ વૉલ સ્ટ્રીટ રિવોલ્ટઃ ફ્લેશ બોય્ઝ’થી વાકેફ હશે. એ પુસ્તક હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ તરીકે ઓળખાતી સ્ટોક ટ્રેડિંગની સિસ્ટમ વિશેનું છે. અદ્યતન ટેક્નૉલૉજી પર આધારિત એ સિસ્ટમનો દુરુપયોગ કરીને બજારનો અમુક વર્ગ સામાન્ય રોકાણકારોને પ્રચંડ નુકસાન કરે છે એની ઝીણવટભરી વિગતો લુઇસે રજૂ કરી છે. હાઇ ફ્રિકવન્સી ટ્રેડિંગ એ ફક્ત ટેક્નૉલૉજી છે, પરંતુ તેનો દુરુપયોગ થવા લાગ્યો ત્યારે લુઇસે તેના પર પ્રકાશ પાડ્યો. એક નિયમનકાર તરીકે સેબીને ‘ફ્લેશ બોય્ઝ’ વિશે ખબર હતી, છતાં ભારતમાં કૉ-લૉકેશન કૌભાંડ સર્જાયું એ બાબત આઘાતજનક છે.

સેબી કેમ પોતાની જવાબદારીમાં નિષ્ફળ જતું જણાય છે?

ભારતમાં હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગ અને સાથે સાથે કૉ-લૉકેશન લાવવા દેવાની પરવાનગી સેબીના અગાઉના ચૅરમૅન સી. બી. ભાવેએ જ આપી હતી એવું ‘ધ માર્કેટ માફિયા’માં કહેવાયું છે. ફ્લેશ બોય્ઝ વિશે જાણી લીધા બાદ નિયમનકારે ભારતમાં કૉ-લૉકેશન બાબતે ચાંપતી નજર રાખવાની જરૂર હતી, પરંતુ એણે ચાંપતીને બદલે રહેમનજર રાખી કે કેમ એવો સવાલ ઊભો કરનારી હાલની પરિસ્થિતિ છે.

‘ધ માર્કેટ માફિયા’ની પ્રસ્તાવનામાં લેખક કહે છે, ”કારકિર્દીના શરૂઆતના દિવસોમાં મેં ગુનાખોરી જગત વિશે અહેવાલો આપ્યા હતા. સમય જતાં જોવા મળ્યું કે ભારતના આર્થિક ક્ષેત્રે પણ કેટલાક લોકો માર્કેટ માફિયાની જેમ વર્તી રહ્યા છે.”

ભારતીય શેરબજાર અત્યારે નવી વિક્રમી સપાટીઓ રચી રહ્યું છે ત્યારે સેબી ખરેખર તમામ પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખીને બેઠું છે કે પછી ફરી એક વાર બજારની સાથે સાથે રોકાણકારોનો વિશ્વાસ પણ તૂટવાની ભીતિ છે? નિયમનકાર સેબીએ આ સવાલનો જવાબ શક્ય તેટલો વહેલો આપવાની જરૂર છે.

——————————

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s