આગામી વર્ષોમાં કયા શૈક્ષણિક ક્ષેત્રે ડિમાન્ડ વધવાની છે?

કરિઅર કાઉન્સેલિંગનું તારણ!!! સમજો તો ઈશારા કાફી…

  • જયેશ ચિતલિયા

જો વર્ષ 2020 પાસેથી પણ આપણે જીવનની સાચી સમજ મેળવી શક્યા ન હોઈએ તો આપણું ભલું કોઈ નહીં કરી શકે. કોઈ શું, આપણે પોતે પણ નહીં કરી શકીએ. ખૈર, વર્તમાન જગતમાંથી આપણને ભાવિમાં કેવા વિકાસની તકો ઉપલબ્ધ થશે તેનો ચિતાર મળી શકે છે, જસ્ટ અસત્યના અંધકારમાંથી બહાર નીકળી સત્યના માર્ગે આગળ વધીએ…

આ લખનાર એજ્યુકેશન કાઉન્સેલર નથી, પણ જો વર્તમાન સમયમાં તમને તમારાં સંતાનો માટે કયા ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી, કયા શિક્ષણમાં આગળ વધવાથી ભાવિ ઉજ્જવળ થઈ શકે, કઈ લાઈન લેવી જોઈએ, શેનો અભ્યાસ વધુ કરીને તે ક્ષેત્રમાં નિષ્ણાત બનવાની જરૂર છે, વગેરે સવાલો થતા હોય તો આ તબક્કે એટલું ચોક્કસ કહી શકાય કે આગામી સમયમાં આપણા દેશમાં મેડિકલ ફીલ્ડમાં અઢળક તકો ઊભી થવાની છે, તેમાં પણ ખાસ કરીને સાઈકોલૉજિસ્ટ અને સાઈકિયાટ્રિસ્ટની જબરદસ્ત ડિમાન્ડ નીકળશે. આ સાથે ટેક્નૉલૉજી અને ફાઇનાન્સ સેક્ટરમાં પણ જબ્બર માગ નીકળવાની છે. આમ વિશ્વાસપૂર્વક કહી શકવાનાં દેખીતાં કારણો છે, જેમના વિશે જાણ્યા પછી તમે જ કહેશો કે વાત સાવ સાચી છે. ચાલો એ કારણો જાણીએ-સમજીએઃ

પહેલાં મેડિકલ ક્ષેત્રની માગને સમજીએ. તેમાં પણ શરૂઆત આંખથી કરીએ, આપણી આંખો દિવસભર ક્યાં હોય છે? મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં, લૅપટોપમાં અને ટીવીમાં. પૂછો પોતાને જ. આંખોની શું દશા થવાની છે તે સમજી લો. અત્યારે પણ નાનાં-નાનાં બાળકોને પહેરવા પડતાં ચશ્માં હજી તો શરૂઆત છે. હવે પછી તો આંખોના ડૉકટરોની તેજી પાક્કી છે. તેમાં દષ્ટિસંબંધી દરેક પ્રકારના સમસ્યા આવી જશે.

બીજું, આપણા કાનની હાલત પણ કંઈક આવી જ થવાની છે. કાન સતત અવાજ-ધ્વનિપ્રદૂષણથી પીડિત છે. કાનમાં ઈઅર ફોન નાખીને ફરતા રહેતા યુવા વર્ગને કાનની કિંમત સમજાશે ત્યારે મોડું થઈ ગયું હશે. બીજા શબ્દોમાં કહીએ તો, કાનના ડૉકટરોની પ્રૅક્ટિસ પણ ભરપૂર ચાલવાની.

લૅપટોપ યા કોમ્પ્યુટર સામે સતત બેસી-બેસીને પીઠ, ડોક, કમરની દશા નહી બગડે? કેટલી કસરત કરશો? કેટલી ઉઠબેસ કરશો? ઝૂમ કે ગુગલ મીટિંગો તો ચાલુ જ રહેવાની છે. વિચારી જુઓ, ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપિસ્ટની ડિમાન્ડ કેટલી રહેશે.

બર્ગર, પિત્ઝા સહિત અનેક પ્રકારનાં જંક ફૂડ પેટમાં પધરાવનારા આપણે પેટની દશા કેટલી બગાડી દઈશું એનો કોઈને અંદાજ નથી. પેટના ડૉક્ટરો-વૈદ્યોની કમાણી વધશે એ નક્કી છે. આવું તો ઘણું છે અને થશે.

કોરોના તો આજે નહી તો કાલે ચાલ્યો જશે, પરંતુ આપણી લાઈફ સ્ટાઇલમાં-આપણા બિઝનેસ અને જોબમાં જે વ્યવસ્થા ઊભી થઈ છે કે પછી જે દોટ ચાલી રહી છે, જે સ્પર્ધા સતત તીવ્ર બની રહી છે, તે માણસોનું સ્ટ્રેસ લેવલ સતત વધારી રહી છે. સ્ટ્રેસ સામે ટેન્શન શબ્દ નાનો થઈ ગયો છે.

સ્ટ્રેસ કોઈપણ ઉંમરની વ્યક્તિને આવે છે અને એને પોતાના સકંજામાં લઈ લે છે. જેમાંથી ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન સર્જાતા બહુ સમય લાગતો નથી. ઘણા લોકો આ હકીકતને છુપાવે છે અથવા સમજતા નથી અથવા કોઈને જણાવતા નથી; પોતાની અંદર જ ઘુંટાયા કરે છે. એ પછી આત્મહત્યા અથવા ઉદાસીનતા સતત જીવનમાંથી જીવંતપણાને છીનવી લે છે. આવી સ્થિતિ સતત વધી રહી છે, બહુ ઝડપથી અને બહુ શોર કર્યા વિના વધી રહી છે. આનું પરિણામ સમજાય છે? કાં તો લોકો ડ્રગ્સને રવાડે અથવા દારૂને રવાડે ચઢશે અથવા અનેક બીમારીઓના ભોગ બનશે અને એ રોગો ચિંતાને ઓર વધારશે.

જો આ સંભવિત ભાવિને જોઈ શકતા હો તો સમજી લો કે ભવિષ્યમાં સાઈકોલૉજિસ્ટ અને સાઈકિયાટ્રિસ્ટની જબ્બર ડિમાન્ડ નીકળશે. આ ક્ષેત્રે નિષ્ણાતો-કાઉન્સેલરોની બોલબાલા થવાની નક્કી છે. આમ તો આ ટ્રેન્ડ અત્યારે શરૂ થયો છે, પરંતુ હજી બહુ મોટો વર્ગ આ નિષ્ણાતો પાસે જતાં અચકાય છે. તેઓ એમ વિચારે છે, “શું હું ગાંડો થઈ ગયો છું?” “શું મારું ચસકી ગયું છે?” પણ આ લોકો એ સમજતા કે સ્વીકારતા નથી કે આ રોગ જ નથી, મહારોગ છે. વિદેશોમાં આ માનસિક રોગ કોમન છે અને ત્યાં માનસશાસ્ત્રીઓનાં મોટાં-મોટાં ક્લિનિક છે. આપણા દેશમાં આવા દિવસો બહુ દૂર નથી. આપણે સંયુક્ત રીતે મળીને એવો સમાજ બનાવવામાં લાગી ગયા છીએ. આવા સમયમાં આપણા હૃદયનું શું થશે એ પણ વિચારવાનું કામ મગજને સોંપવું જોઈએ. 

વિચારો તો ખરા, આપણે ફિલ્મો, વેબ સિરીઝ કે અન્ય મહત્તમ મનોરંજનનાં સાધનો મારફત સૌથી વધુ શું જોઈએ છીએ? સેક્સ, ક્રાઈમ (હિંસા), બીભત્સતા, ગાળો, અહંકાર, અંડરવર્લ્ડ, દગાબાજી, કૌભાંડો, બળાત્કારના કિસ્સા, ક્રાઈમની વાર્તાઓ, વગેરે. આ બધું આપણને આપે છે શું? આપણા મગજમાં જમા શું કરે છે? આપણાં નાના સંતાનો-ટીનેજર્સ આજકાલ શું વધુ જોઈ રહ્યા છે? બહુ બહુ તો તેઓ એવી ગૅમ રમી રહ્યાં છે, જે તેમને એડિક્ટ બનાવી દે છે. એનાથી તેમની બુદ્ધિ કેવી અને કેટલી ખીલશે? પૈસા, પદ, સત્તા, સુવિધા, લક્ઝરી પાછળની આપણી દોટ આપણને ક્યાં લઈ જશે એ આપણે દોડતી વખતે કલ્પી પણ શકતા નથી, કારણ કે એ બધી જ દોટ મોટેભાગે આંધળી હોય છે, અથવા હરીફાઈની હોય છે.

સોશ્યલ મીડિયા આગમાં ઘી સમાન

આ બધા વચ્ચે આપણા સમાજમાં સક્રિય થઈ ગયાં છે સોશ્યલ મીડિયા, જે આગમાં ઘી સમાન જ નહીં, ડીઝલ, પેટ્રોલ, વગેરે સમાન કામ કરી રહ્યાં છે. એમાં પણ આપણી પ્રજાનો ઈતિહાસ સાક્ષી છે. એને ગુલામ બની જવાની બહુ જૂની આદત છે. કોઈપણ આદતને ઝડપથી કેળવી લેવાની, ખાસ કરીને વિદેશી હોય ત્યારે તો જલ્દી અપનાવી લેવાની અને તેના શરણે થઈ જવાની માનસિકતા આપણને ક્યાંથી ક્યાં  લઈ ગઈ છે અને લઈ જઈ રહી છે! આ સોશ્યલ મીડિયા આપણને સતત વ્યસ્ત રાખે છે, જેમાં રચનાત્મક પણ ઘણું છે, કિંતુ આપણને જે વ્યસ્ત રાખે છે તે વિનાશાત્મક વધુ છે. આપણામાં આ મીડિયા અહંકાર, ઈર્ષ્યા, દેખાદેખી, નિંદારસ, પંચાત, ખોટા ટ્રેન્ડ, બનાવટી લોકોને હીરો માનવાની ચુંગાલમાં નાખી રહ્યાં છે. એ આપણી ભીતર એક બોગસ દુનિયા ઊભી કરી રહ્યાં છે, જેને આપણે અત્યારે વર્ચ્યુઅલ જગત કહીએ છીએ. આપણો મહત્તમ કિંમતી સમય આ સોશ્યલ મીડિયા ખાઈ જાય છે અને એ પછી આપણે પામીએ શું છે અને ગુમાવીએ શું છે એ સાદું ગણિત પણ આપણને સમજાતું નથી. આપણે સેલ્ફી લેવામાં, આપણા ફોટા અપલોડ કરવામાં એવા ખોવાઈ ગયા છીએ કે આપણે સેલ્ફને અને આપણી ખરી તસવીરને ભૂલી ગયા છીએ. આવાં તો અનેક એડિક્શનમાં આપણે એવા ફસાતા જઈએ છીએ કે ભવિષ્યમાં તેનાથી મુક્ત થવા આપણામાંથી ઘણાએ રિહેબિલિટેશન સેન્ટરમાં સારવાર માટે જવું પડશે. 

કેવા સમાજ તરફ ગતિ?

હવે વિચારી જુઓ કે આપણે કેવા સમાજ તરફ જઈ રહ્યા છીએ, આપણે બધા જ તેના માટે જવાબદાર હોઈશું. એ સમયે આપણને કોની વધુ જરૂર પડવાની છે. એની યાદી અને સમજ આપણે ઉપરની ચર્ચામાંથી મેળવી શકીશે છીએ. જેમણે આ ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી ઘડવી છે તેમના માટે આ બાબતો કેવી તકો ઉપલબ્ધ બનાવશે એ સમજો તો ઈશારા કાફી જેવી છે. આ સાથે એક ખાસ વાત નોંધવી જોઈએ કે આગામી સમયમાં ટેક્નૉલૉજી એક્સપર્ટની ડિમાન્ડ પણ ચિક્કાર વધવાની છે, જેથી આ ક્ષેત્ર પણ વધુ ને વધુ ખેડવા જેવું ખરું. કારણ કે લાઈફ પણ ઓનલાઈન-ડિજિટલ થઈ જવાની છે. હાલ બાળકથી માંડીને સીનિયર સિટિઝન્સ સુધી કે ગામડાઓની મહિલાઓ સુધી ટેક્નૉલૉજી – મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયાના માધ્યમ પહોંચી ગયાં છે. ભારતીયો આ બધાના મહત્તમ યુઝર્સ બની ગયા છે.

વર્ષ 2020ના સબક

આ બાબતો માત્ર આજની ઉપજ નથી, ઘણા વર્ષથી સતત વધતી-છવાતી રહી છે. કોરોનાએ આપણને આ વરસે એવો માહોલ આપ્યો કે આપણે ફરજિયાત આંધળી દોટમાંથી સ્થિરતા તરફ જવું પડ્યું,  જ્યાં આપણે કયાં જઈ રહ્યા છીએ તેનો વિચાર કરવાનો, જાતને અને જગતને જોવાનો બધાને સમય મળી શક્યો. હવે જો 2020નું આ વર્ષ પણ આપણને બદલી શકે નહીં તો સમજી લેવું કે હવે આપણા મરણ સુધી આપણને કોઈ બદલી નહીં શકે કે પછી આપણે સાવ જ સંવેદનહીન બની ગયા છીએ, આપણે મનુષ્ય ઓછા અને મશીન વધુ થઈ ગયા છીએ. જો કે, આપણે નિરાશા-નકારાત્મકતા સાથે વાત પૂરી કરવી નથી. આપણે જાગીશું, આપણે સત્યને ઓળખીશું, સ્વીકારીશું અને અસત્યના અંધકારમાંથી બહાર આવીશું. આપણે આશાવાદ અને સકારાત્મક અભિગમ સાથે આગળ જોવું છે અને આગળ જવું પણ  છે. આપણે સૌ નવા બહેતર જગત માટે સજ્જ થઈએ, તેમાં સહભાગી બનીએ અને સ્વસ્થ રહી આપણા સમાજ-દેશને પણ તમામ દૃષ્ટિએ સ્વસ્થ બનાવીએ એવો દૃઢ સંકલ્પ કરવાની અત્યારે જ જરૂર છે.   

——————————————————-

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s