એનએસઈ સંબંધે સેબીનાં પગલાં બાબતે અનેક સવાલો

જયેશ ચિતલિયા

આજકાલ હર્ષદ મહેતા પર બનેલી વેબ સીરીઝ – ‘સ્કૅમ 1992’ સતત ચર્ચામાં છે. આ સ્કૅમ બાદ બે મહત્ત્વની ઘટના બની હતી. એક, સેબીને સરકારે પાવર્સ આપ્યા અને બે, નૅશનલ સ્ટૉક એક્સચેન્જની સ્થાપના થઈ. આ એક્સચેન્જ સ્થપાયું ત્યારથી જાણે એ સરકારી એક્સચેન્જ હોય એમ તેની સાથે વિશેષ પ્રેમભાવ રખાયો હોવાનું નોંધાયું છે. એનએસઈના નિયમ ઉલ્લધંન સામે કોઈ નક્કર પગલાં ન લેવા અને આ એક્સચેન્જને ઈચ્છે તે સેબીની મંજૂરી વિના કરવા મળે એવું મોટેભાગે જોવામાં અને ચર્ચામાં આવતું રહે છે. આવા ઘણા દાખલા જાહેર છે.

સિક્યોરિટીઝ માર્કેટનું નિયમન કરતી સંસ્થા – સેબી એનએસઈની બાબતે જે પણ નિર્ણય લે છે તેના દરેક નિર્ણય બાબતે શંકા-કુશંકાઓ થયા કરે છે. આ એક્સચેન્જમાં એવું તે શું છે કે તેના માટે હંમેશાં નરમ વલણ અપનાવવામાં આવે છે એવો સવાલ દર વખતે ઉપસ્થિત થાય છે. આમ કરવામાં કોનું સ્થાપિત હિત છે યા હશે?

કૉ-લૉકેશનનું પરિણામ?

સૌથી વધુ આશ્ચર્ય તો કૉ-લૉકેશન (જેમાં ચોક્કસ બ્રોકરોને ટ્રેડિંગ માટે ખાસ સુવિધા અપાઇ હતી) સંબંધે એનએસઈ માટે સેબી તરફથી અપનાવાયેલા વલણ અને તેને કરાયેલા મામૂલી દંડનું છે. એનએસઈ સેબીનાં નિયમનોને ગણકાર્યા વગર સ્વેચ્છાએ વર્તતું હોવા છતાં તેની સાથે ‘માનીતી રાણી’ જેવો જ વ્યવહાર કરવામાં આવે છે.

કૉ-લૉકેશનની જ વાત કરીએ તો, એનએસઈએ સેબીના આદેશાનુસાર કૉ-લૉકેશનની આશરે 4,000 કરોડ રૂપિયાની આવકને અલગ અકાઉન્ટમાં રાખી છે. એનએસઈએ કૉ-લૉકેશનના કેસમાં કરેલી કથિત ગેરરીતિઓને સેબીએ ફક્ત ત્રુટિ ગણાવી છે. જો કે, આ કેસમાં હાલ તપાસ ચાલી રહી છે. એનએસઈએ કરેલા ડિસ્ક્લોઝર મુજબ 30 જૂન, 2020ના રોજ સુધીમાં તેણે 4,066.78 કરોડ રૂપિયાની કૉ-લૉકેશનની આવકને અલગ બૅન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છે અને પોતાના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે માન્ય કરેલી નીતિ અને પ્રણાલી અનુસાર એ રકમનું રોકાણ કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે સેબીએ આ કેસમાં તપાસ પૂરી થાય નહીં ત્યાં સુધી સપ્ટેમ્બર 2016 બાદની કો-લોકેશન સુવિધાની તમામ આવક અલગ બૅન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવી એવો હુકમ કર્યો હતો.

કૉ-લૉકેશન શરૂ કરતાં પહેલાં એનએસઈએ સેબીની આગોતરી પરવાનગી લીધી ન હતી. દેખીતી વાત છે કે દેશમાં નિયમનકાર હોવા છતાં આ એક્સચેન્જે તેનું અસ્તિત્વ જ ન હોય એ રીતે વર્તીને બ્રોકરોને કૉ-લૉકેશન સેવા આપવાની શરૂઆત કરી દીધી. એનએસઈ કઈ આવકને કૉ-લૉકેશનની આવક ગણે છે અને તેણે જે રકમ અલગ રાખી છે એટલી જ આવક છે કે કેમ એવા બે અગત્યના સવાલ આ કેસમાં જાગ્યા છે. જાણકારો કહે છે કે જાહેર કરાયેલા આંકડા કરતાં અનેક ગણી આવક હોવાની શક્યતા વિશે વિવિધ સવાલ ઊભા થાય છે.

એનએસઈનું વિવિધ રોકાણ

કૉ-લૉકેશન ઉપરાંત બીજો આઘાતજનક અને આશ્ચર્યજનક મુદ્દો એનએસઈએ સેબીની મંજૂરી વગર છ કંપનીઓમાં કરેલા રોકાણનો છે. આ બાબતે સેબીએ સ્પષ્ટ કહ્યું છે કે એનએસઈએ સેબીના નિયમોનું ઉલ્લંઘન કરીને આ રોકાણ કર્યું છે. જે પગલું નિયમથી વિપરીત હોય તેનાથી થયેલો મસમોટો નફો કઈ રીતે એક્સચેન્જની પાસે રહેવા દેવાય એવો પાયાનો પ્રશ્ન ઊભો થયો છે.

અહીં જણાવવું રહ્યું કે એનએસઈએ સેબીની મંજૂરી વગર કોમ્પ્યુટર ઍજ મૅનેજમેન્ટ સિસ્ટમ્સ (કેમ્સ), પાવર એક્સચેન્જ ઇન્ડિયા (પીએક્સઆઇએલ), એનએસઈઆઇટી, માર્કેટ સિમ્પ્લીફાઇડ ઇન્ડિયા (એમએસઆઇએલ) અને રીસીવેબલ્સ એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (આરએક્સઆઇએલ)માં રોકાણ કર્યું હતું. સેબીએ પોતાના આદેશમાં કહી તો દીધું કે અગ્રણી સ્ટૉક એક્સચેન્જ હોવાના નાતે એનએસઈએ કમ્પ્લાયન્સનાં ઉચ્ચ આદર્શો સ્થાપવાં જોઈએ. તેણે એક નહીં, અનેક વાર તથા લાંબા સમય સુધી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જો આવી જ વાત હોય તો, કાનૂની વર્તુળોમાં બોલાઈ રહ્યું છે કે સેબીએ એનએસઈ પાસેથી ગેરરીતિપૂર્ણ નફાની રકમ લઈ લેવી જોઈએ. નિયમોનું ઉલ્લંઘન થયું હતું તેથી જ સેબીએ દંડ કર્યો, પણ નફો એક્સચેન્જ પાસે રહેવા દીધો. આ પગલું કાનૂની દૃષ્ટિએ ઉચિત અને ન્યાયી ગણાતું નથી. નિયમનકાર સંસ્થા હંમેશાં બીજા કેસમાં આવી ગેરરીતિપૂર્ણ આવક સંબંધિત પાર્ટી પાસેથી વસૂલ કરતી આવી છે. છ કંપનીઓમાં કરાયેલા અનુચિત રોકાણના કેસમાં સેબીએ આશરે 2,000 કરોડ રૂપિયાનો એનએસઈએ કરેલો નફો તેની પાસેથી લઈને સરકારી તિજોરીમાં જમા કરવો જોઈતો હતો એવો કાનૂની મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો સેબીના આવા આઘાતજનક પગલાને લીધે સરકારને 2,100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આ એક્સચેન્જ કંઈપણ ગેરવાજબી કરે તો તેને  ફક્ત નામપૂરતો દંડ કરવાની સેબીની નીતિથી જાણે સેબી એનએસઈ પર વહાલ વરસાવી રહી હોય એવું લાગે છે. નિયમનકારનું આવું કૂણું વલણ ક્યાં સુધી વાજબી છે એવો સવાલ શેરબજાર સાથે સંબંધ ધરાવતા લોકોના મનમાં જાગ્યો છે. બીજી તમામ એન્ટિટીઝ બાબતે કડક વલણ અપનાવનાર સેબી ફક્ત એનએસઈની બાબતે જ કેમ નરમ પડી જાય છે એ કોયડો અત્યારે બજારમાં  ચર્ચાનો મુદ્દો બન્યો છે.

ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ

સેબીએ એનએસઈના વર્તન બાબતે આંખ આડા કાન કર્યા હોય એવો બીજો પણ એક મુદ્દો છે. હાલમાં સેબીના વડા અજય ત્યાગીએ કબૂલ્યું હતું કે સ્ટૉક એક્સચેન્જો પાસેનું ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (આઇપીએફ – રોકાણકાર સુરક્ષા ભંડોળ) ઘણું જ ઓછું છે. શ્રીમાન ત્યાગીએ આ નિવેદન બધાં એક્સચેન્જો સંબંધે કહ્યું છે, પરંતુ ઝીણી તપાસ કરતાં જાણવા મળે છે કે દેશમાં 90 ટકા કરતાં વધુ ટ્રેડિંગ ટર્નઓવર ધરાવતા એનએસઈનું આઇપીએફ ફક્ત 594.12 કરોડ રૂપિયા છે (31 માર્ચ, 2020ના રોજ). તેની સામે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જે 784.24 કરોડ રૂપિયાનું ભંડોળ રાખ્યું છે. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું છે કે એનએસઈ પર દર વર્ષે બ્રોકર ડિફોલ્ટને કારણે રોકાણકારોને નુકસાન ભરપાઈ કરવાની વધારે જરૂર પડે છે. આમ, અગ્રણી એક્સચેન્જ હોવા છતાં એનએસઈએ રોકાણકારોના રક્ષણની બાબતે ઘોર દુર્લક્ષ કર્યું હોવાનું દેખાઈ રહ્યું છે.

બ્રોકરોના ડિફોલ્ટના કિસ્સામાં રોકાણકારોને નુકસાન ભરપાઈ કરવા માટે આઇપીએફનો ઉપયોગ થાય છે.

મામલો આઈપીઓનો

એનએસઈ લાંબા સમયથી પોતાનો આઇપીઓ લાવવાના પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ કમ્પ્લાયન્સ અને ડિસ્ક્લોઝરની અનેક બાબતોમાં એ ઊણું ઊતરે છે. લિસ્ટિંગ માટે પ્રયત્નશીલ એક્સચેન્જને નિયમનકાર આ રીતે થાબડભાણાં કરતું હોવાનું પણ કહેવાય છે. બજારના અનુભવીઓના મતે નિયમનતંત્ર આવા ભેદભાવ રાખે અને ખોટા દાખલા બેસાડે એ મૂડીબજારની વિશ્વસનીયતા સામે પણ સવાલ ઊભા કરે છે. આ એક્સચેન્જના આઈપીઓનું સતત વિલંબમાં પડવું એ પણ આવો જ કોઈ સવાલ હોઈ શકે. આમાં એક ભૂતપૂર્વ નાણાપ્રધાનનું અઢળક રોકાણ બેનામી સ્વરૂપે હોવાની ચર્ચા છે, પણ આ ‘મહાન’ નાણાપ્રધાન સામે તો કોઈનું શું ચાલે? જે પોતે સતત એનએસઈની રક્ષા કરતા રહ્યા હોવાનું જાહેર છે.

ફ્રેન્કલિન અને ખાનગી બૅન્કો

તાજેતરમાં ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડની કેટલીક સ્કીમ્સ બાબતે પણ સેબીનું વિચિત્ર વલણ જોવામાં આવ્યું છે, જે મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો હોવાનું કહેવાય છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં આ વિષય પર ચર્ચા ચાલે છે. રોકાણકારોમાં શંકા ઊભી કરે છે. અગાઉ કોટક મહિન્દ્રા બૅન્કના મામલે પણ સેબીનું વલણ સવાલ જગાવે એવું હતું. ઇન શોર્ટ, નિયમન સંસ્થાનું ચોક્કસ હસ્તીઓ સામે નિયમપાલન માટેનું વલણ કેમ જુદું-જુદું આવો સવાલ રોકાણકારોને પણ થતો હશે, પરંતુ તેમનું સાંભળે કોણ?

સેબીની સત્તાનો ઉપયોગ

સેબીએ મૂડીબજારના વિકાસ અને ઇન્વેસ્ટરોની રક્ષા માટે ઘણાં સારાં પગલાં પણ લીધાં છે, લેતું રહે છે, પરંતુ ચોક્કસ કેસોમાં સેબી શા માટે કૂણું પડી જાય છે અથવા શંકાજનક વલણ અપનાવે છે તેનો જવાબ મળતો નથી. 1992ના સ્કેમ બાદ સરકાર સેબીને સતત પાવરફુલ નિયમનતંત્ર બનાવતી ગઈ છે, પરંતુ પાવરનો ઉપયોગ ક્યાં અને કેટલો થાય છે એ સવાલ ખુદ સરકાર સેબીને પૂછે એ જરૂરી છે.

————————

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s