લેખકઃ જયેશ ચિતલિયા (વરિષ્ઠ આર્થિક પત્રકાર)

સેબી રોકાણકારોનાં હિતની રક્ષા કરવા માટેની વાતો તો ઘણી કરે છે, પણ શું એવું કરવામાં સફળ રહે છે ખરી? સિક્યૉરિટીઝ માર્કેટના નિયમનકાર તરીકે તેનાં આંખ-કાન-નાક ખૂલ્લાં હોવાં જોઈએ, પરંતુ આ માર્કેટમાં જે પ્રકારની ઘટનાઓ બને છે તેના પરથી લોકોને શંકા જાય છે કે શું ખરેખર સેબી રોકાણકારોનું રક્ષણ કરી શકે છે? શું રોકાણકારો તો જવાબદાર નથી ને?
કોઈપણ બ્રોકર ડિફોલ્ટર થાય ત્યારે તેની પાસેથી રોકાણકાર ગ્રાહકોએ લેવાનાં નીકળતાં નાણાં કે શેર્સ એ બ્રોકર પાસે અથવા એક્સચેન્જ યા ક્લીયરિંગ કૉર્પોરેશન પાસે અટવાઈ જાય છે. આ શેર કે નાણાં પરત મેળવવા ગ્રાહકોએ લાંબી વિધિ કરવી પડે છે. જેમાં અનેક આંટીઘૂંટી પણ હોય છે. પોતાનાં જ નાણાં મેળવવા ગ્રાહકો-રોકાણકારોએ તરફડિયાં મારવાં પડે, ધક્કા ખાવા પડે, ભાઈ-બાપા કરવા પડે એનાથી મોટી કરુણતા શું હોઈ શકે? બૅન્કોના ઉઠમણામાં કે કંપનીઓના નાદાર થવામાં પણ ઇન્વેસ્ટરોની-બચતકારોની આવી જ દશા થાય છે.
પીએમસી બૅન્કનો કિસ્સો તાજો છે. અમુક કૉ-ઑપરેટિવ બૅન્કોના કિસ્સાના જખમ વરસો બાદ પણ રુઝાયા નથી ત્યારે તાજેતરમાં અનુગ્રહ સ્ટૉક ઍન્ડ બ્રોકિંગ કંપનીએ અનેક ઇન્વેસ્ટરોને ફસાવ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આમાં હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ છે. એક્સચેન્જ અને સેબીએ આ કંપનીને ડિફોલ્ટર જાહેર કરી દીધી છે અને હવે સેબીએ દરેક ડિફોલ્ટર બ્રોકરના કિસ્સામાં રોકાણકારોને તેમના નાણાં-શેર્સ વહેલી તકે મળી જાય એ માટે ડિફોલ્ટિંગ બ્રોકર્સની ઍસેટ્સનું છ મહિનામાં લિક્વિડેશન (નિકાલ કરવાનો) સ્ટૉક્સ એક્સચેન્જીસ અને ક્લીયરિંગ કૉર્પોરેશનને આદેશ આપ્યો છે, જેમાંથી નાણાં રિકવર કરી રોકાણકારોને તેની વેળાસર ચુકવણી થાય એવો સેબીનો ઉદ્દેશ છે.
ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં જંગી ખોટ
અનુગ્રહના કેસમાં રીતસરની છેતરપિંડીનો આરોપ છે. આ ઘટના બનતી રહી અને સમયસર કે સમય પૂર્વે ઍક્શન ન લેવાઈ તેથી સેબી સામે પણ સવાલ થયા છે. અનુગ્રહ કંપની તેની ઍસોસિયેટ કંપની મારફતે રોકાણકારોના રૂ।. 1,000 કરોડ મૅનેજ કરતી હતી અને તેણે ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં જંગી ખોટ કરી હતી. કંપની અનધિકૃત ડેરિવેટિવ્ઝ ઍડવાઈઝરી સર્વિસ કંપની ચલાવતી હતી, જે તેજી મંદી એનાલિટિક્સ પ્રા. લિ અને ઓમ શ્રી સાંઈ ઇન્વેસ્ટમેન્ટ નામે ચાલતી હતી. આમાં ફસાયેલા કેટલાક ઇન્વેસ્ટરોએ મુંબઈ હાઈકોર્ટમાં કંપની સામે દાવો કર્યો છે.
રોકાણકારોને આ બ્રોકરે કોઈ દાદ આપી નહીં અને તેમનાં અકાઉન્ટ વિશે પણ કોઈ માહિતી આપી નહીં તેને પગલે વડી અદાલતમાં અરજી કરાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈ વડી અદાલતે અનુગ્રહ સ્ટૉક ઍન્ડ બ્રોકિંગ પ્રા. લિ.ને આદેશ આપ્યો છે કે તેણે 25 કરતાં વધુ રોકાણકારોની 58 કરોડ રૂપિયા મૂલ્યની ઍસેટ્સનો કોઈ ઉપયોગ કરવો નહીં.
રોકાણકારો વતી ડૉ. બીરેન્દ્ર સરાફે દલીલ કરીને દાવો કર્યો હતો કે તમામ રોકાણકારો મળીને 58 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એ દરેક રોકાણકારે અલગ-અલગ કેસ કર્યો છે. જો કે, બીજા ઘણા રોકાણકારો પોતપોતાનાં રોકાણો પાછાં મેળવવા માટે કાનૂની મદદ લેવાનું વિચારી રહ્યા છે.
એક અહેવાલ મુજબ સેંકડો રોકાણકારોએ અનુગ્રહની સહયોગી કંપનીઓ – તેજી મંદી એનાલિટિક્સ અને ઓમ શ્રી સાઇ ઇન્વેસ્ટમેન્ટ્સ મારફતે રોકાણ કર્યું હતું. તેમને ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ દ્વારા દર મહિને 1 ટકા કરતાં વધુ વળતર આપવાની બાંયધરી અપાઈ હતી. જો કે, જૂનથી વળતર મળવાનું બંધ થઈ ગયું છે.
પોન્ઝી સ્કીમ ચાલતી રહી?
નવાઈની અને આઘાતજનક વાત એ છે કે અનુગ્રહ કંપની પોન્ઝી સ્કીમ ચલાવતી હોવાનો આરોપ થયા હતા. એનએસઈએ તેની સામે અચાનક ઈન્સ્પેક્શન કર્યુ હતું, જેમાં આ પોન્ઝી સ્કીમ વિશે ઘટસ્ફોટ થયો હતો. એક્સચેન્જે આ કંપનીને સસ્પેન્ડ કરી. આ મામલો ઈકોનોમિક ઓફેન્સીસ વિંગમાં પણ ગયો, આ કેસમાં હજી તપાસ ચાલુ છે. કંપની તેની ઍસોસિયેટ્સ મારફતે કરન્સી, ઈક્વિટી, કોમોડિટીઝ ડેરિવેટિવ્ઝ અને કૅશ માર્કેટમાં કામકાજ કરતી હતી. એનએસઈએ આ કંપની અને તેની ઍસોસિયેટ કંપની સામે ઍક્શન લેવામાં લાંબો સમય કાઢી નાખ્યો હોવાનું કહેવાય છે. આ દરમ્યાન કંપની તેની પ્રવૃત્તિ ચલાવતી રહી, તેને ડિફોલ્ટર જાહેર કરવામાં પણ વિલંબ થયો. સેબીએ પણ ઘણી ઢીલ રાખી. આમ, એક્સચેન્જ અને રેગ્યુલેટર ખુદ મહદ્અંશે જવાબદાર ગણાય. જો આ એક્સચેન્જ અને રેગ્યુલેટરને હાઈ કોર્ટ સવાલ પૂછે તો તેમની માટે જવાબ આપવાનું મોંઘું પડી શકે, જો કે આવા સવાલ પુછાશે કે એ પણ સવાલ છે.
કૉ-લૉકેશનના વિવાદ હજી ઊભો
એનએસઈ કૉ-લૉકેશનના કથિત કૌભાંડમાં પણ સેબીએ ઍક્શન લેવામાં વિલંબ કર્યો હતો અને એ પછી પણ ઍક્શનના નામે શું કર્યું, તેનું પરિણામ શું આવ્યું એ સવાલ હજી ઊભો છે. આ કેસમાં સામાન્ય રોકાણકારોને નુકશાન થયું હોવાનું નોંધાયુ છે. આ નુકશાન એ રીતે છે કે વગદાર બ્રોકરો-ઇન્વેસ્ટરો સિસ્ટમનો લાભ લઈ ગયા હતા, જેમાં ચોક્કસ સ્થાપિત હિતોને વહેલું ટ્રેડિંગ કરવાની તક મળી જતી હતી.
ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડ
તાજેતરમાં ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડના કેસમાં પણ જે રીતે આ ફંડની છ સ્કીમ્સમાં રોકાણકારોની મૂડીનું ધોવાણ થયું એ સૌની નજર સામે છે. આ મામલો પણ કોર્ટમાં ગયો છે. સેબીએ અત્યાર સુધીની તપાસમાં શું પરિણામ મેળવ્યું એ સ્પષ્ટ નથી. આવા તો વિવિધ કેસમાં આખરે સહન કરવાનું આવે છે સામાન્ય રોકાણકારોએ, જ્યારે એક્સચેન્જ અને નિયમનકાર તપાસ, પુરાવા, કોર્ટ કેસ, ઇન્વેસ્ટિગેશનમાં અટવાયા કરે છે અને એ નિમિત્તે સમય ખેંચાતો જાય છે. યસ બૅન્કના કેસનો ઝડપથી ઉકેલ આપી દેનાર રિઝર્વ બૅન્ક પીએમસી બૅન્કના કિસ્સામાં કંઈ કરે છે કે શું? આ ડિપોઝિટધારકોનો શું વાંક? તેમને ન્યાય મળવામાં વિલંબ શા માટે? આ વિષયમાં દરેકે નવેસરથી વિચાર કરવાનો સમય છે.
જવાબદાર કોણ-કોણ?
આપણા દેશમાં નાના-સામાન્ય રોકાણકારોને શેરબજારમાં લાવવા માટે તેમ જ બજારમાં શું ધ્યાન રાખવું, કઈ રીતે કામકાજ કરવું, વગેરે વિશે ઘણી જાગૃતિ ઝુંબેશ ચાલે છે. તેમને આના લાભ સમજાવવા સાથે શિક્ષણ અને સમજ અપાય છે, તેમ છતાં રોકાણકારો લાલસામાં આવીને ફસાઈ જતા સમય લાગતો નથી. ઝટપટ કે ઊંચી કમાણી કરી લેવાના આકર્ષણમાં આવી જનાર બધા જ રોકાણકારો ખરેખર દયાને પાત્ર હોતા નથી, તેમની પણ ભૂલ ગણાય, પરંતુ જ્યારે તેમની સાથે છેતરપિંડી કરાય ત્યારે એ છેતરપિંડી કરનાર અને એ છેતરપિંડી છાવરનાર પણ જવાબદાર બને છે. અનુગ્રહ એનો તાજો દાખલો છે, બાકી વરસોથી સમયાંતરે આવું બનતું જ રહે છે. રોકાણકારોને આકર્ષીને જાળમાં સપડાવવામાં કંપનીઓ-બ્રોકરો હોંશિયાર હોય છે, જ્યારે કે તેમની સામે પહેલેથી ઍક્શન લેવા બાબતે નિયમન સંસ્થા કે એક્સચેન્જ કાયમ હિંદી ફિલ્મોની પોલીસની જેમ મોડા અને મોળા પડે છે. ત્યાં સુધીમાં ઘોડા તબેલામાંથી લગભગ નાસી ગયા હોય છે. ફ્રોડ કરનાર પાર્ટીએ નાણાં રફેદફે કરી નાખ્યાં હોય છે. ન્યાય પ્રક્રિયા પોતાની ગોકળગાયની ગતિએ ચાલ્યા કરે છે. આખરે રોકાણકાર થાકી-કંટાળી જાય છે. જો આમ જ ચાલતું રહેવાનું હોય તો નિયમન સંસ્થા અને એક્સચેન્જની સંસ્થા કે સત્તાનો અર્થ શું? કોના માટે? શા માટે અને ક્યાં સુધી નાના-સામાન્ય રોકાણકારો આમ છેતરાતા રહેશે? શું આનો કોઈ નક્કર ઉપાય નથી.
—————-