ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં રહી આવેલા ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દરેક નવી નીતિ પર પ્રહાર કરવાની એકપણ તક છોડતા નહીં હોવાથી દિલ્હીમાં એમની ઠેકડી ઉડાડાઈ રહી છે. એટલું જ નહીં, ટ્વીટર પર એમણે ટિપ્પણી કરી લીધા બાદ તેઓ રીતસરના ટ્રોલ થઈ રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો એમની ઘણી ‘ધુલાઈ થઈ રહી છે’.

લેખકઃ શાંતનુ ગુહા રે
નાતાલ સાથે જોડાયેલી એક વાર્તામાં વાક્ય આવે છે, “જેણે અત્યાર સુધી એકપણ પાપ કર્યું ન હોય એ આ ખરાબ સ્ત્રીને પથ્થર મારે.” જો કે, પાટનગરમાં અત્યારે એવી વાર્તા ચાલી રહી છે કે અનેક પાપ જેના નામે છાપરે ચડીને બોલી રહ્યાં છે એ વ્યક્તિ જ્યાં જુઓ ત્યાં પથ્થરો મારવાની વાત કરી રહી છે.
ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં રહી આવેલા ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દરેક નવી નીતિ પર પ્રહાર કરવાની એકપણ તક છોડતા નહીં હોવાથી દિલ્હીમાં એમની ઠેકડી ઉડાડાઈ રહી છે. એટલું જ નહીં, ટ્વીટર પર એમણે ટિપ્પણી કરી લીધા બાદ તેઓ રીતસરના ટ્રોલ થઈ રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો એમની ઘણી ‘ધુલાઈ થઈ રહી છે’.
હાલમાં સરકારે ખેતી ક્ષેત્રે લાવેલા સુધારાના કાયદાની ચિદમ્બરમે ટ્વીટર પર ટીકા કરી છે. આમ કરતી વખતે એમને એનએસઈએલ (નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ) યાદ નથી આવ્યું. એમને સ્મરણ નહીં થવાનું કારણ એ કે અત્યારે સરકાર નવા કાયદા દ્વારા જે સારા સુધારા લાવવા માગે છે એવી જ એક પહેલ એટલે કે એનએસઈએલને એમણે પોતાના મળતિયા સનદી અમલદારો – રમેશ અભિષેક અને કે. પી. કૃષ્ણનની સાથે ષડ્યંત્ર રચીને 2013માં બંધ કરાવી દીધું.
ડિજિટલ ઇન્ડિયાના ઉત્તમ ઉદાહરણને પી. ચિદમ્બરમે ખતમ કરવામાં ભજવી ભૂમિકા
એનએસઈએલ એવું એક્સચેન્જ હતું, જે આજના ‘આત્મનિર્ભર ભારત’ની અને ‘ડિજિટલ ઇન્ડિયા’ની ગરજ સારી રહ્યું હતું. ખેડૂતોના હિત માટે સ્થપાયેલા એક્સચેન્જ એનએસઈએલને બંધ કરાવીને પી. ચિદમ્બરમે ખેડૂતોને ઘણું નુકસાન કર્યું હતું અને આજે તેઓ ખેડૂતોના મસીહા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમણે એનએસઈએલને ખતમ કરવા માટે ભજવેલી કથિત ભૂમિકા વિશે દસ્તાવેજો સાથેની માહિતી ઉપલબ્ધ છે.

જિજ્ઞેશ શાહે સ્થાપેલી ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેડની પેટા કંપની – એનએસઈએલે થોડા જ સમયમાં કાઠું કાઢ્યું એ આ ભૂતપૂર્વ નાણાપ્રધાન અને એમના માનીતા અમલદારોને રુચ્યું નહીં, કારણ કે તેઓ કથિત રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની તરફેણ કરવા માગતા હતા. નોંધનીય છે કે એમણે જેની તરફેણ કરી એ જ એનએસઈ આજે અતિ ગંભીર કો-લોકેશન કૌભાંડમાં સંડોવાયેલું હોવાનું કહેવાઈ રહ્યું છે. આમ છતાં પી. ચિદમ્બરમ એના વિશે એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી.
ટ્વીટર પર પી.સી. પર ચલાવાયાં ટીકાસ્ત્રો
પી. ચિદમ્બરમે ખેતીવિષયક નવા કાયદાની ટીકા કરી ત્યાર બાદ લગભગ 24 કલાક સુધી એમના ટ્વીટર હેન્ડલને ટાંકીને એમનો ઉધડો લેવામાં આવ્યો હતો. દેશની ખરી મેડ ઇન ઇન્ડિયા સંસ્થા (એનએસઈએલ)ને ખતમ કરવામાં એમની ભૂમિકા બદલ લોકોએ એમના પર ટીકાસ્ત્રો વરસાવ્યાં હતાં. આ રીતે એમનો ‘ગુનાહિત’ ભૂતકાળ યાદ કરાવવામાં આવી રહ્યો હતો.
જિજ્ઞેશ શાહે કેવી રીતે વિશ્વમાં ઉચ્ચ કક્ષાનાં એક્સચેન્જોની સ્થાપના દ્વારા મેડ ઇન ઇન્ડિયા સંસ્થાઓ સાકાર કરીને સર્વત્ર ભારતનું નામ ગજાવ્યું હતું એ બાબતનો એ બધી ટિપ્પણીઓમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઘણા લોકોએ નોંધ્યું છે કે ફાઇનાન્શિયલ ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેડ (હાલનું નામ 63 મૂન્સ ટેક્નોલોજીસ)ના ચેરમેન ઇમેરિટસ જિજ્ઞેશ શાહે રાખમાંથી ફરી બેઠા થતા ફિનિક્સ પંખીની યાદ અપાવે એવું કામ કર્યું છે.
વાસ્તવિકતા એ છે કે એનએસઈએલ તો શાહનાં સંખ્યાબંધ વેપાર સાહસોમાંનું ઘણું નાનું સાહસ હતું. અહીં જણાવવું રહ્યું કે 30 એપ્રિલ, 2019ના રોજ સર્વોચ્ચ અદાલતે સીમાચિહ્નરૂપ ચુકાદામાં કહ્યું હતું કે એનએસઈએલને 63 મૂન્સ ટેક્નોલોજીસ સાથે ભેળવી દેવાનો સરકારનો ફેંસલો અયોગ્ય હતો.
63 મૂન્સ ટેક્નોલોજીસની ટાંચમાં લેવાયેલી મિલકતો અદાલતોના બીજા કેસોમાં હવે મુક્ત કરવામાં આવી રહી છે.
પી. ચિદમ્બરમ અને એમના સાગરિતોએ શાહનું નામ ખરડવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ એ દૂરદ્રષ્ટાને એક છાંટોય ઉડ્યો નથી. ઉલટાનું, ટ્વીટર પર અત્યારે પી. ચિદમ્બરમ પૂરેપૂરા ખરડાઈ રહ્યા છે.
જિજ્ઞેશ શાહ સામેના આક્ષેપો એક પછી એક ખોટા સાબિત થઈ રહ્યા છે
અદાલતોના આદેશો દ્વારા જિજ્ઞેશ શાહ સામેના આક્ષેપો એક પછી એક ખોટા સાબિત થઈ રહ્યા છે, કારણ કે એનએસઈએલ કેસની 5,600 કરોડ રૂપિયાની પેમેન્ટ કટોકટીની એક રાતી પાઈ પણ શાહ કે એમની કંપનીએ લીધી નથી એવું અદાલતોમાં સ્પષ્ટ થઈ ગયું છે.
એનએસઈએલની એ કટોકટીને સાત વર્ષ પૂરાં થઈ ચૂક્યાં છે અને શાહ સતત કહેતાં આવ્યા છે કે કંપનીના અમુક કર્મચારીઓએ ડિફોલ્ટર બ્રોકરોની સાથે ભળીને એ કૌભાંડ કર્યું હતું. તેઓ એમ પણ કહેતાં આવ્યા છે કે એ કટોકટી એક કે દોઢ મહિનામાં હલ કરી શકાઈ હોત, પરંતુ એમના બિઝનેસના હરીફો ફાવી જાય એ હેતુથી એમની સામે રાજકીય કાવતરું રચવામાં આવ્યું હતું. પરિણામે, એમણે પોતાના ગ્રુપની મોખરાની કંપની એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) અને બીજી કંપનીઓમાંથી પરાણે હિસ્સા વેચી દેવા પડ્યા હતા.
સત્યનો વિજય થશે અને પેમેન્ટ કટોકટીનો હલ આવીને દોષિતોને સજા થઈ શકશે એવો શાહને ગળા સુધી વિશ્વાસ છે. એમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં પણ એટલો જ વિશ્વાસ છે. એનું કારણ એ છે કે તેઓ આજે પણ ખરા દાવેદારોનાં લેણાં નીકળતાં નાણાં પાછાં અપાવવા માટે દિલોજાનથી પ્રયાસ કરી રહ્યા છે. એનએસઈએલની કટોકટી તો 5,600 કરોડ રૂપિયાની હતી, પરંતુ તેની સામે ડિફોલ્ટરોની 8,000 કરોડ રૂપિયા કરતાં વધુની સંપત્તિ જપ્ત થઈ ચૂકી છે. આટલું જ નહીં, આમાંથી 3,300 કરોડ રૂપિયા જેટલી રકમ માટે ડિક્રી અને આર્બિટ્રેશન ચુકાદા મેળવી લેવાયા છે અને બાકીની રકમ માટે આવા ચુકાદા મેળવવાના પ્રયત્ન કાયદાકીય રીતે થઈ રહ્યા છે.
52 વર્ષીય શાહને જગત ભારતના ‘એક્સચેન્જ મેન’ તરીકે ઓળખે છે. એમણે છ ખંડોમાં 14 એક્સચેન્જોની સ્થાપના કરી હતી, જે એક વૈશ્વિક વિક્રમ હતો. એમણે ન્યાયતંત્રમાં અડગ વિશ્વાસ ટકાવી રાખ્યો છે. એમની કંપનીઓ કોમોડિટી ટ્રેડિંગ, ઈલેક્ટ્રિસિટી, કરન્સી, બોન્ડ, વગેરે અનેક ક્ષેત્રે અગ્રણી હતી.
આ પ્રકરણમાં નોંધવા લાયક બાબત એ પણ છે કે 63 મૂન્સ ટેક્નોલોજીસે ચિદમ્બરમ, રમેશ અભિષેક તથા કે. પી. કૃષ્ણન વિરુદ્ધ 10,000 કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો માંડ્યો છે, કારણ કે એમનું કહેવું છે કે એ ત્રણે વ્યક્તિઓએ ઘડેલા ષડ્યંત્રને લીધે 63 મૂન્સને ભયંકર મોટું નુકસાન થયું છે.
એનએસઈએલ રોકાણનું સાધન ન હતું, કૃષિપેદાશોની ખરીદી અને વેચાણ માટેનું ઓનલાઇન માધ્યમ હતું
વાત નીકળી જ છે તો જણાવવું ઘટે કે એનએસઈએલ રોકાણનું સાધન ન હતું, કૃષિપેદાશોની ખરીદી અને વેચાણ માટેનું ઓનલાઇન માધ્યમ હતું. આ સંદર્ભમાં મુંબઈ વડી અદાલતે 22 ઓગસ્ટ 2014ના રોજ કરેલી નોંધ અગત્યની છે. અદાલતે એનએસઈએલના રોકાણકારો કહેવાતા લોકો ખરેખર બોગસ ટ્રેડરો હતા એમ કહ્યું હતું. એ જ ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે પેમેન્ટ કટોકટીનાં નાણાં એનએસઈએલ કે એફટીઆઇએલે લીધાં ન હતાં, પરંતુ 25 ડિફોલ્ટરો લઈ ગયા હતા. એ જ વાત મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ તત્કાલીન ગ્રાહકસંબંધી કેન્દ્રીય મંત્રાલય સમક્ષ કહી હતી.
હાલમાં બહાર આવેલા એનએસઈના કો-લોકેશન કૌભાંડ દ્વારા ફરી એક વાર પુરવાર થયું છે કે બ્રોકરો દર વખતે એક્સચેન્જના અધિકારીઓને સાધીને પોતાનાં આર્થિક હિતો બર લાવે છે. આવાં કૌભાંડોમાં પ્રધાનો પણ સંડોવાયેલા હોય છે.
ખેડૂતોને લાભ કરાવવાનો એનએસઈએલની સ્થાપના પાછળનો ઉદ્દેશ્ય પૂરો કરવા દેવાયો હોત તો આજે ભારતના ખેડૂતો માટે સોનાનો સૂરજ ઊગી ચૂક્યો હોત અને ખેડૂતો ગરીબીમાંથી બહાર આવી ગયા હોત. ખેડૂતોને વચેટિયાઓની જંજાળમાંથી મુક્ત કરવાના શાહના ધ્યેયને આજે મોદી સરકાર નવા સ્વરૂપે લઈ આવી છે અને એ પગલાં યોગ્ય દિશામાં ભરાયેલાં કહી શકાય.
(લેખક સેન્ટ્રલ યુરોપિયન ન્યૂઝ, વિયેનાના ભારત ખાતેના સંપાદક અને ન્યૂઝ ઇન્ટરવેન્શનના સલાહકારી સંપાદક છે. એમનું પ્રખ્યાત પુસ્તક – ‘ધ ટાર્ગેટ‘ એનએસઈએલની કટોકટીના બારીક અભ્યાસ અને સંશોધનનું પરિણામ છે.) (ન્યૂઝ ઇન્ટરવેન્શનમાંથી સાભાર: spare-a-drop-of-tear-for-nsel)
——————–