
ખેતીની સાથે ભલે તમને કંઈ લાગતું વળગતું ન હોય, આ બ્લોગ વાંચજો અને બીજાઓને પણ વંચાવજો. ખરી રીતે તો ખેતીની સાથે પ્રત્યક્ષ રીતે ભલે કોઈને સંબંધ ન હોય, પણ પ્રત્યક્ષ રીતે દરેક જીવને સંબંધ છે તેથી હવે પછીનું લખાણ વાંચ્યે જ છૂટકો!!!
હાલમાં સરકારે કૃષિને લગતા કાયદાઓ પસાર કરીને ખેડૂતોને પોતે પકાવેલી ખેતપેદાશ કોઈને પણ વેચવાની છૂટ આપી છે. અત્યાર સુધીની સિસ્ટમમાં ખેડૂતોએ મંડી તરીકે ઓળખાતી જગ્યાએ જ માલ લઈ જવો પડતો અને ત્યાં આડતિયાઓ મારફતે જ વ્યવહાર કરવો પડતો. કહેવા માટે કોઈ સિસ્ટમ ખોટી હોતી નથી, પરંતુ તેમાં જ્યારે સ્વાર્થ અને સ્થાપિત હિતો ભળી જાય છે ત્યારે સમસ્યા સર્જાય છે.
આ લખનાર વ્યક્તિ ઘણા વખતથી કહેતી આવી છે કે ભારતમાં નફાખોરી સૌથી મોટી સમસ્યા રહી છે. જ્યારે જ્યારે એ નફાખોરી જોખમમાં આવે છે ત્યારે સ્થાપિત હિતો કાગારોળ કરી મૂકે છે. અત્યાર સુધી સ્થાનિક વેપાર-ઉદ્યોગોએ ભરપૂર નફો કમાવા માટે જાતજાતની નીતિ-રીતિઓ અપનાવી છે અને તેને કારણે સામાન્ય વર્ગે ફુગાવાનો માર સહન કરવો પડ્યો છે.
મહેનત જગતના તાત કહેવાતા ખેડૂતની હોય અને મલાઈ આડતિયાઓ-દલાલો-એજન્ટો ખાઈ જાય એવી સ્થિતિ હતી.
નફો કરવો એ વેપાર-ધંધાનો સિદ્ધાંત છે, પરંતુ એ નફાની પણ એક મર્યાદા હોય. ખેતરમાં લોહીનું પાણી કરીને કૃષિપેદાશો ઊભી કરનાર ખેડૂતને નુકસાન થયે રાખે અને બીજાઓ માત્ર દલાલી કરીને કમાણી કર્યે જ રાખે એ પરિસ્થિતિને બદલવા માટે જ હાલની સરકારે ‘એક રાષ્ટ્ર, એક બજાર’ની નીતિ હેઠળ નવા કાયદાઓ ઘડીને ખેડૂતોને પોતાની મહેનતનું યોગ્ય મૂલ્ય મળી રહે એ માટેનો પ્રયાસ કર્યો છે.
વર્ષોથી ચાલતી આવતી કોઈ પદ્ધતિ બદલાય અને તેમાં સ્થાપિત હિતોને જરાપણ નુકસાન થાય તો તેઓ નવી પદ્ધતિ સહેલાઈથી સ્વીકારે એવું તો ભારત શું, કોઈ દેશમાં શક્ય જ નથી. આથી જ નવા કાયદાઓના વિરોધમાં ભારત સરકારના જ એક સહયોગી પક્ષના પ્રધાને રાજીનામું આપ્યું અને રાજ્યસભામાં ગુંડાઓ કરતા હોય એવા વ્યવહાર-વર્તન થયાં. આમ થવા પાછળનું કારણ ફરી એક વાર સ્વાર્થ અને સ્થાપિત હિતો છે.
ભારતની લોકશાહી સંપૂર્ણપણે વોટબૅન્ક પર આધારિત રહી છે અને હજી પણ એવું જ ચાલી રહ્યું છે. વોટબૅન્કને રાજી રાખવા માટે અને પોતાનો પગદંડો જામેલો રહે એ માટે રાજકીય પક્ષો જાતજાતનાં નાટકો કરતાં હોય છે. તેમાં પ્રજાનું હિત હોય એવું તો ભાગ્યે જ બન્યું છે. આ વખતે ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતોની વોટબૅન્ક ધરાવતા પક્ષોએ નવા કાયદાનો વિરોધ કર્યો છે. તેમણે અનેક તર્કવિતર્કો દ્વારા એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે નવા કાયદાથી ખેડૂતોનું નુકસાન થશે.
જો સ્વાર્થી લોકોએ વધુપડતી નફાખોરી કરી ન હોત તો જૂની સિસ્ટમમાં પણ કંઈ ખોટું નહતું અને જો યોગ્ય મૂલ્યનિષ્ઠ કામકાજ કરવામાં નહીં આવે તો નવી સિસ્ટમ પણ ખેડૂતોનું ભલું નહીં કરી શકે.
જો કે, અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ સ્પષ્ટ છે કે ખેડૂતોને મંડીઓના દૂષણથી મુક્ત કરવાની જરૂર હતી અને એ કામ થયું છે. આપણે આ બ્લોગમાં પણ ભારતના જાણીતા આન્ત્રપ્રેન્યોર અને દૂરદૃષ્ટા જિજ્ઞેશ શાહના એક ઇન્ટરવ્યૂ મારફતે કહ્યું હતું કે ‘એક રાષ્ટ્ર, એક બજાર’ની સિસ્ટમ ભારતના કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે.
(એ બ્લોગ આ રહ્યાઃ 1) વડા પ્રધાનનું E-NAM કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી શકે છે; 2) કૃષિ કોમોડિટીમાં ટોચના ઉત્પાદક અને ગ્રાહક તરીકેની ભારતની સ્થિતિનો લાભ અપાવશે રાષ્ટ્રવ્યાપી કૃષિ ગ્રિડ).
હવેનું લખાણ વાંચતાં પહેલાં જો ઉપરોક્ત બ્લોગ વાંચી લીધા હશે તો ઘણી સ્પષ્ટતા થઈ જશે.
અત્યારના ડિજિટલ જમાનામાં ઈલેક્ટ્રોનિક નૅશનલ એગ્રિકલ્ચર માર્કેટ (વેબસાઇટઃ e-nam) સમયની માગ છે. એક સમયે માતાપિતા બાળકોને મોબાઇલથી શક્ય તેટલાં દૂર રાખતાં હતાં, પણ હવે કોરોનાને પગલે શરૂ થયેલા ઓનલાઇન શિક્ષણને કારણે સામેથી મોબાઇલ આપવો પડે છે. આપણે હવે રોકડને બદલે ડિજિટલ પૅમેન્ટ કરવા લાગ્યા છીએ. ગ્રાહકો ઓનલાઇન ખરીદી કરે છે. જો ખેડૂતોને e-namને લીધે પોતાની ખેતપેદાશોનું વેચાણ કરવામાં સરળતા રહેતી હોય તો એમાં ખોટું કંઈ નથી.
ખેડૂતો માટેના નવા કાયદાઓની જોગવાઈઓ મુજબ તેઓ હવે કોઈ પણ વચેટિયા, આડતિયા કે ઍજન્ટ કે મંડીને વચ્ચે રાખ્યા વગર પોતાનો માલ કોઈ પણ કંપનીને અથવા ખરીદદારને વેચી શકશે. કાયદાઓનો વિરોધ થયા બાદ સરકારે સ્પષ્ટતા પણ કરી છે કે સરકાર દ્વારા જાહેર કરાતા ટેકાના ભાવની સિસ્ટમ બંધ કરવામાં આવી નથી. વળી, આ વર્ષે ટેકાના ભાવમાં વધારો પણ કરવામાં આવ્યો છે. આમ, ખેડૂતોને નુકસાન થવાની શક્યતા નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જાહેર કર્યું છે કે આ વર્ષે કોરોનાના રોગચાળા વચ્ચે પણ રવી મોસમમાં ખેડૂતો પાસેથી ઘઉંની વિક્રમી ખરીદી કરવામાં આવી છે. આ વર્ષે રવી પાકમાંથી ઘઉં, ચોખા, કઠોળ અને તેલીબિયાં મળીને ખેડૂતોને 1.13 લાખ કરોડ રૂપિયા ટેકાના ભાવના આધારે ચૂકવવામાં આવ્યા છે અને આ રકમ ગયા વર્ષની તુલનાએ 30 ટકા વધારે છે. અન્ય માહિતી મુજબ દરેક ક્વિન્ટલ દીઠ ઘઉંના ટેકાના ભાવમાં 50 રૂપિયા, ચણામાં 225, જવમાં 75, મસૂરમાં 300 અને સરસવમાં 225 રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા છે. આ ઐતિહાસિક વૃદ્ધિ ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના લક્ષ્યની દિશામાં ભરાયેલું મોટું પગલું હોવાનું કહેવાય છે.
આ વિષય ઘણો લાંબો અને ઊંડો છે. આથી જ નવા કાયદાઓના બચાવમાં કહેવાયું છે કે કોઈ એક મોટી કંપની ઈજારાશાહી ઊભી કરીને ખેડૂતોને નુકસાન કરાવે એવી શક્યતા નથી. આ મુદ્દા પર આપણે આવતી કડીમાં વાત કરીશું.
————————-