ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાનના પરિવારજનો તિરુપુરની એક હોટેલને પરાણે કબજે વેચાવી દેવાના કેસમાં સંડોવાયેલા છેઃ સીબીઆઇ

ભારત દેશમાં ખોટા કારણસર ચમકતા રહેનારા નેતાઓ ઘણા છે અને એમાં મોખરે રહેનારા નેતા એટલે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમ. તેઓ પોતે સરકારની નીતિઓ-રીતિઓ વિશે વારંવાર ટીકા કરતા ફરે છે, પરંતુ બીજાની સામે આંગળી ચીંધનારની ત્રણ આંગળીઓ પોતાની સામે હોય છે એ ઉક્તિ ધ્યાનમાં રાખતા નથી.
નવીનતમ માહિતી મુજબ પી. ચિદમ્બરમના કુટુંબીજનોએ ખોટી રીતે એક હોટેલ કબજે કરવા માટે સરકારી બૅન્કના અધિકારીઓનો સાથ લીધો હોવાથી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઇ) તેમની વિરુદ્ધ રેગ્યુલર કેસ શરૂ કરવાની મંજૂરી દિલ્હી વડી અદાલત પાસે માગી છે. અત્યાર સુધી સીબીઆઇ આ મામલામાં પ્રાથમિક તપાસ કરી રહી હતી. તેણે હવે વડી અદાલતને કહ્યું છે કે રેગ્યુલર કેસ કરવા માટે તેની પાસે પૂરતાં કારણો છે.
આ કિસ્સો તિરુપુરની કમ્ફર્ટ ઇન હોટેલને તેના માલિક પાસેથી બળજબરીથી પડાવી લેવાયાનો છે. તેમાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના કુટુંબીજનો સંડોવાયેલા હોવાનો અહેવાલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (સીબીઆઇ) દિલ્હી વડી અદાલતમાં સુપરત કર્યો છે. ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક (આઇઓબી)ની સાથે ષડ્યંત્ર રચીને આ હોટેલ લિલામમાં ખરીદી લેવાઈ હતી.
સીબીઆઇએ તેના 20 પાનાંના આ અહેવાલમાં કહ્યું છે કે વર્ષ 2007માં ભૂતપૂર્વ નાણાપ્રધાન ચિદમ્બરમનાં પત્ની નલિનીએ તિરુપુરની કમ્ફર્ટ ઇન નામની હોટેલ પોતાનાં બહેન પદ્મિનીને અપાવવા માટે ષડ્યંત્ર રચ્યું હતું.
નોંધનીય છે કે આઇઓબી તેના અધિકારીઓની વિરુદ્ધ ફોજદારી ખટલો ચલાવવા માટે મંજૂરી આપી રહી નથી.
કેસની વિગતો એવી છે કે ડૉ. કતિરવેલની માલિકીની કમ્ફર્ટ ઇન હોટેલ મેળવવાની નલિનીનાં બહેન પદ્મિનીની ઈચ્છા હતી, પરંતુ માલિક એ હોટેલ વેચવા તૈયાર ન હતા. એમને એ હોટેલનું એવું તે શું કામ હતું તેના વિશે હજી પ્રકાશ પડ્યો નથી.
હોટેલને કબજે કરવા માટે ઉક્ત બૅન્કના અધિકારીઓની સાંઠગાંઠથી એ હોટેલનું અકાઉન્ટ નોન પરફોર્મિંગ એસેટ્સ તરીકે જાહેર કરાયું હતું અને પરાણે તેનું લિલામ કરવામાં આવ્યું. હોટેલમાલિકે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તેને ગણકારવામાં આવ્યો ન હતો. બૅન્કે જબરદસ્તી લિલામ કરાવીને પદ્મિનીને માલિક જાહેર કરી દીધાં.
નલિની ચિદમ્બરમે ડૉ. કતિરવેલની બોલતી બંધ રખાવવા માટે ઘણા પ્રયાસ કર્યા હતા. તેમણે કરેલાં કૃત્યોની નોંધ દિલ્હી વડી અદાલતમાં 2016માં નોંધાવાયેલી અરજીમાં લેવામાં આવી હતી. ડૉ. કતિરવેલ વતી એડ્વોકેટ યતીન્દર ચૌધરીએ દલીલ કરી હતી કે તત્કાલીન કેન્દ્રીય નાણાપ્રધાનના પરિવારે સરકારી બૅન્ક એટલે કે ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કની સાથે મળીને હોટેલ કબજે કરી હતી.
સીબીઆઇએ અદાલતને જણાવ્યા મુજબ લિલામમાં પણ ગરબડ કરીને પદ્મિનીએ ઘણી ઓછી બોલી લગાવી હતી. છેલ્લી ઘડીએ ભાવ વધારવામાં આવ્યો. બીજા માત્ર એક જ બિડર હતા, જેમણે છેવટે લિલામમાં ભાગ લીધો ન હતો.
નલિનીએ કેસ પાછો ખેંચી લેવા માટે કતિરવેલને ચેકથી પૈસા પણ આપ્યા હતા. તેમના અવાજની રેકર્ડ દિલ્હી વડી અદાલતમાં સુપરત કરવામાં આવી હતી.
આશ્ચર્યની વાત છે કે દિલ્હી વડી અદાલતે સીબીઆઇ તપાસ કરાવવાનો આદેશ આપ્યાનાં થોડાં જ સપ્તાહ બાદ 2017માં પદ્મિનીની લાશ મળી આવી હતી. ત્યાર બાદ 2018માં તેમના જમાઈનો પણ મૃતદેહ ભેદી સંજોગોમાં મળી આવ્યો હતો.
સીબીઆઇએ અદાલતને અહેવાલમાં કહ્યું છે કે નલિનીએ હોટેલમાલિક પર કરેલા દબાણ બાબતે તથા હોટેલના લિલામ માટે અપનાવાયેલી પદ્ધતિ બાબતે તપાસ કરવાની જરૂર છે.
બૅન્ક તેના અધિકારીઓ વિરુદ્ધ ખટલો ચલાવવા માટે મંજૂરી કેમ આપી રહી નથી એ એક મોટો સવાલ છે. આ સવાલના આધારે આપણે ઘણા વખતથી જે કહી રહ્યા છીએ એ વાત ફરી પુરવાર થતી જણાય છે. પી. ચિદમ્બરમ હજી પણ નાણાં ખાતામાં વગ ધરાવે છે. શક્ય છે કે બૅન્કના અધિકારીઓની તપાસ કરતાં કરતાં કેસનો ભાંડો ફૂટીને એમનો આખો પરિવાર એમાં સંડોવાયેલો જોવા મળે. અધિકારીઓ વિરુદ્ધ કામ ચલાવવા માટે બૅન્કની મંજૂરી મળે નહીં એ માટે તેઓ જ પ્રયત્નશીલ હોઈ શકે છે.
‘સારી ખુદાઈ એક તરફ, જોરુ કા ભાઈ’ એક તરફ એ ઉક્તિ આપણે સાંભળી છે, પણ પી. ચિદમ્બરમના કિસ્સામાં ‘જોરુ કી બહન’ સંડોવાયેલાં હતાં. એ બહેન પદ્મિની અને તેમના જમાઈને પણ શું કામ પતાવી દેવામાં આવ્યાં એ પણ એક મોટું રહસ્ય છે.
સંદર્ભઃ
————-