
આવડો મોટો રોગચાળો દુનિયાભરમાં ચાલ્યો છે અને લાખોની સંખ્યામાં જીવહાનિ તથા અગણિત અર્થહાનિ થઈ છે છતાં હાલ તમે જોયું હશે કે આજકાલ ક્ષુલ્લક બાબતો સમાચારોમાં ચમકી રહી છે. રોગચાળા સામે લડવાની વાત બાજુએ રહી ગઈ અને નિરર્થક બાબતોમાં બબડાટ ચાલી રહ્યો છે. ખરું પૂછો તો, કોરોનાનો મુકાબલો કરવા સિવાયની દરેક વાતને મહત્ત્વ મળી રહ્યું છે. અનલોક થયું ત્યારથી લોકોને પણ જાણે માંડ છૂટ મળી હોય એમ બધા વર્તી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, જેવી જાણે કોઈ આવશ્યકતા જ ન હોય એવા હાલ સર્વત્ર જોવા મળી રહ્યા છે. આવામાં ફક્ત સરકારને દોષ આપવાથી નહીં ચાલે. લોકોમાં જ સમજનો અભાવ હોય એવું બધે દેખાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં પણ એવા કેટલાક લોકો છે, જેમણે સમયોચિત કાર્યો દ્વારા કોરોનાની કપરી પરિસ્થિતિને સહનીય બનાવવાના પ્રયાસ ચાલુ રાખ્યા છે. ગયા વખતે આપણે એકલા સોનુ સૂદની વાત કરી હતી, પરંતુ આપણા ગેસ્ટ બ્લોગર જયેશ ચિતલિયા કહે છે કે સોનુ ઉપરાંત બીજા ઘણા બેનામીઓએ પણ કોરોના સામેની લડાઈમાં મોટું યોગદાન આપ્યું છે. ચાલો, આપણે તેમની દૃષ્ટિએ દેખાયેલું દૃશ્ય જોઈએ.

લેખકઃ જયેશ ચિતલિયા
કોરોનાના કાળમાં થયેલી વાત એકલા સોનુ સૂદની નથી, આ કપરા સમયમાં અનેક વ્યક્તિઓએ લોકોની સહાય માટે પોતાનાથી બનતા પ્રયાસ કર્યા જ છે, તેઓ જાણીતા નામ નહીં હોવાથી તેમની બહુ ચર્ચા થતી નથી, અથવા એમણે કરેલી સહાયનું કદ કે પ્રમાણ ઓછું હશે તેથી તેમનું નામ સમાચારમાં આવ્યું નથી, બાકી વ્યક્તિગત સ્તરથી લઈ સંસ્થાકીય સ્તરે અનેક હસ્તીઓએ લોકોના ભોજનથી માંડીને રહેવાની, ઈલાજની અને તેમને પોતાના વતન પહોંચાડવાની કામગીરી બજાવી છે.
આ સમયમાં જેમના સારા કામની સતત ચર્ચા થતી રહી છે એવા અનેક ડૉક્ટર, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ, પોલીસકર્મી, સફાઈ કામદાર સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને બૅન્ક કર્મચારીઓનો સમાવેશ થાય છે. આમાં પણ ઘણી વ્યક્તિ એકલી પણ હશે, જેમણે પોતાના જીવના જોખમે પોતાની ફરજ ચાલુ રાખી છે, આમાંના ઘણા લોકો જીવનાવશ્યક વસ્તુઓના દુકાનદારો પણ છે, જેમણે પોતાની કમાણી કરતાં પણ લોકોની જીવન જરૂરિયાતને વધુ ધ્યાનમાં રાખી દુકાનો ખોલી છે અને લોકોને જરૂરી સામગ્રીઓ પૂરી પાડી છે. આમાં ક્યાંક કોઈ વેપાર હિત હોઈ શકે, કિંતુ આમાંથી ચોક્કસ એવા લોકો પણ હશે, જેઓ પોતાની દુકાન બંધ રાખત તો તેમને પોતાને નાણાંની કોઈ તંગી થાત નહીં, પણ એમણે લોકોને વધુ મહત્ત્વ આપ્યું. ખાનગી ડૉક્ટરોએ પણ આ યજ્ઞમાં ચોક્કસ ફાળો આપ્યો છે. આ બધી બેનામી હસ્તીઓને પણ બિરદાવવી જોઈએ.
સમાજહિતમાં અનેક હસ્તીઓ સતત કાર્યરત
વાત માત્ર કોરોના કાળની નથી, સમાજમાં વિવિધ સ્તરે કેટલીય વ્યક્તિઓ એકલપંડે સમાજના હિતમાં, માનવતાના હિતમાં, ગરીબ-જરૂરિયાતમંદ વર્ગ માટે સતત કાર્ય કરતી રહે છે. એ વ્યક્તિઓ પોતાની સાથે કોઈ જોડાય કે ન જોડાય તેની રાહ જોતી નથી, એ જુદી વાત છે કે પછીથી સાથીઓ આવતા જાય છે, ‘કારવાં’ બનતો જાય છે. આ વ્યક્તિઓ તબીબ સ્વરૂપે, કલાકાર સ્વરૂપે, વૈજ્ઞાનિક, પ્રોફેસર, શિક્ષક, વેપારી, બિઝનેસ સાહસિક, વગેરે સ્વરૂપે સમાજના હિતમાં કાર્ય કરતા જ રહે છે. આવી હસ્તીઓમાં અમુક લોકો પ્રસિદ્ધિ પામે છે, જ્યારે મોટાભાગની હસ્તીઓ સમાજ હિતનાં અનેક કાર્યો ચૂપચાપ કરીને પસાર થઈ જાય છે. કેટલાકની પછીથી ઈતિહાસ નોંધ લે છે.
આવી અનેક હસ્તીઓએ સમાજને સતત કંઈક નક્કર આપ્યું હોય છે અને આપતી રહે છે. શ્રીરામને લંકા જતી વખતે સાગર ઉપર સેતુ બાંધવાની જરૂર ઊભી થઈ હતી ત્યારે એક ખિસકોલી પોતાની પીઠ પર રેતી લઈને ઠાલવતી રહી હતી, જેની નોંધ પરમાત્માએ લીધી અને જગતે પણ લીધી.
કોઈ પણ સત્કાર્ય નાનું હોય કે મોટું હોય, જગત પર પોતાની અમીટ છાપ છોડી જાય છે. સમય તેને ભૂંસાવા દેતો નથી. આપણે દરેક જણે આપણી આસપાસ કોઈ પીડિત-મજબૂર માણસ હોય તો આપણો મદદનો હાથ લંબાવવો જોઈએ, કારણ કે ઈશ્વરની પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતાં ગરીબ-મજબૂરની સહાય માટે લંબાયેલો એક હાથ વધુ મહાન ગણાય છે.
કોરોનાને કારણે અનેક પરિવારોની આર્થિક તારાજી થઈ છે. સમાજ ભેગો મળીને એમને મદદરૂપ થવાની સામાજિક જવાબદારી નિભાવવા સમર્થ છે. એ કામ કેવી રીતે થઈ શકે તેના વિશે આવતી કડીમાં વાત કરીશું.
——————————-