માત્ર એક માણસ પણ ધારે તો……

સલામ સોનુ સૂદનેઃ આવા સોનુ આપણા સમાજમાં ઘણા છે, ઘણા બની શકે છે!

તસવીર સૌજન્યઃ આઉટલૂક ઇન્ડિયા

લેખકઃ જયેશ ચિતલિયા

આ માણસ ફિલ્મ લાઇનમાં આવ્યો ત્યારથી વિલનના રોલ વધારે કરી રહ્યો છે અને 2009માં તેને શ્રેષ્ઠ વિલનનો પહેલો ઍવોર્ડ પણ મળ્યો હતો. જો કે, આજે એ દુનિયાની નજરમાં હીરો છે અને એણે હીરો જેવાં કાર્યો પણ કર્યાં છે. તમે કદાચ સમજી ગયા હશો. વાત થઈ રહી છે સોનુ સૂદની. કોરોનાના કાળમાં જ્યારે લોકો ઘરની બહાર નીકળતાં ગભરાય છે ત્યારે આ માણસે ગરીબોની વ્યથાને ઓળખી લીધી અને પોતાનાથી થાય એટલી મદદ કરી. શ્રમિકોને પોતપોતાના વતનમાં મોકલવા માટે બસની વ્યવસ્થા કરવાથી શરૂ કરીને ખેતરમાં બળદની જગ્યાએ પોતે જોતરાતી યુવતીઓના પરિવારને ટ્રેક્ટર ખરીદી આપવાનું કામ કરનાર આ અભિનેતાએ હાલમાં થયેલી જેઈઈ મેઇન 2020 અને નીટ 2020 પરીક્ષામાં બેસનારાઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં મદદ કરવા સુધીની સેવા બજાવી. એણે કેરળથી 177 કન્યાઓને ભુવનેશ્વર સુધી વિમાનમાં પહોંચાડવાની સહાય પણ કરી હતી. આ ઉપરાંત, એણે શ્રમિકોને રોજગાર મળે એ માટે પ્રવાસી રોજગાર ઍપ પણ શરૂ કરાવી છે. હૈદરાબાદની એક યુવતીએ નોકરી ગુમાવ્યા બાદ શાકભાજી વેચવાનો વખત આવ્યો છે એ જાણીને એણે નોકરીની ઑફર મોકલી. એટલું જ નહીં, પુણેનાં 85 વર્ષીય વૃદ્ધા પેટનો ખાડો પૂરવા માટે આટલી ઉંમરે લાઠીદાવ ખેલીને પૈસા માગતાં જોઈને સોનુએ એમને મદદ કરવા માટે મહિલાઓ માટે તાલીમ કેન્દ્ર ખોલી આપ્યું. તો ચાલો, આવા રિયલ લાઇફ હીરો વિશેના આજના ગેસ્ટ બ્લોગ તરફ વળીએ.

માણસના મનમાં જયારે કોઈ સારો ભાવ જાગી જાય, ચોક્કસ લક્ષ્ય મળી જાય અને નિઃસ્વાર્થ ભાવ સાથે લોકોના હિતમાં કંઈક સારું કરવાની ભાવના પ્રબળ બની જાય તો એ માણસ એકલો પણ ઘણું બધું કાર્ય કરી શકે છે, જે ક્યારેક અસંભવ જેવું  લાગી શકે, પરંતુ એ જીવનભર પ્રેરણારૂપ પણ બની શકે… 

એક જ માણસ ધારે તો શું ને શું કરી શકે? હા, ફકત એક જ માણસ! લાંબામાં લાંબી યાત્રાનો આરંભ પણ એક જ કદમથી થાય છે. કોઈપણ જબરદસ્ત ક્રાંતિનો જન્મ કેવળ એક વિચારથી જ થયો હોય છે. પછીથી અનેક લોકો જોડાતા જાય છે એ જુદી વાત છે, પરંતુ પ્રારંભ એકથી થાય છે. યસ, તો અહીં કહેવાનો આશય એ છે કે ફક્ત એક માણસ પણ ધારે તો સમાજને, માનવજાતને અને સમગ્ર જગતને સાર્થક પરિણામ આપી શકે છે.

તાજેતરમાં સતત સારા કારણસર સમાચારમાં રહેલા ફિલ્મ અભિનેતા સોનુ સૂદ આપણી સમક્ષ એક માણસ ધારે તો કેવું સુંદર પરિણામ લાવી શકે તેનું તાજું-મસ્ત મજાનું ઉદાહરણ છે. આપણે બધાંએ  કોરોના-લોકડાઉનના આ કપરા કાળમાં  વિવિધ શહેરોમાં ફસાઈ ગયેલા આપણા જ દેશના વિભિન્ન શહેરો કે ગામોના લોકોને પોતાના વતનમાં-પોતાના ઘરે પહોંચાડવા સોનુ સૂદે કેવી જહેમત ઉઠાવી એ નજરે જોયું અને વાંચ્યું પણ છે. એક ઘટનાથી તેના મનમાં એક સુવિચારે જન્મ લીધો અને એકલા હાથે માઈગ્રન્ટ મજદૂરો, કારીગરો, કર્મચારીઓ અને તેમના પરિવારના લોકોની પીડાને સમજીને આ અભિનેતાએ જે કામ કર્યું છે તેને ધ્યાનમાં રાખતાં સોનુ રિયલ લાઈફ હીરો બની ગયો છે એ હકીકત છે. તેણે પરદેશમાં કોરોનાને કારણે ફસાઈ ગયેલા હજારો લોકોને પણ દેશમાં લાવવાની સુવિધા કરી આપી. આ કાર્યને સફળ બનાવવા તેણે પોતાના પરિવારથી ઘણો સમય અલગ રહેવું પડ્યું, દિવસ-રાત આ પીડિત લોકોના વિચાર કરવા પડ્યા, કોરોનાના જોખમી માહોલમાં અનેકવાર બહાર નીકળવું પડ્યું. કેટલીય સરકારી વિધિઓ કરવી પડી. ખરેખર તો જે જવાબદારી કેન્દ્ર કે રાજય સરકારની હતી તેને પોતાની વિચારધારા અને ટીમ સાથે મળીને સોનુએ સુપેરે પાર પાડી. આખા દેશમાં કરુણતાની સાથે-સાથે વિવાદનો વિષય બની ગયો હતો એવા આ કિસ્સામાં સોનુએ જગતને, આપણા દેશ-સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોઈપણ જાતના ભેદભાવ વિના એકેએક વ્યક્તિના પત્ર, સંદેશ, ટ્વીટ પર તેણે ત્વરિત પ્રતિભાવ આપ્યો. આનું એનાલિસીસ કરવામાં આવે તો ખરી કલ્પના થઈ શકે કે ક્યાં એક સરકાર અને ક્યાં એક માણસ! એક માણસ પણ ધારે તો સરકાર કરતાંય બહેતર પરિણામ આપી શકે છે. પોતાના સમગ્ર જીવનના આ ચાર જ મહિનામાં જિંદગીનો સાચો આનંદ અને સંતોષ મેળવ્યાં છે એમ સોનુ સૂદે જાહેરમાં કહ્યું છે. એટલું જ નહીં, તેણે જે-જે લોકોને મદદ કરી છે એ બધાએ પણ પોતાના આ આકરા સમયમાં સોનુ સૂદની સહાયને કારણે જિંદગીમાં ખરી રાહત, સંતોષ અને આનંદ પ્રાપ્ત કર્યો છે. સોનુને પોતાને આ આનંદ અને સંતોષની લાગણી મળવાનું કારણ તેનું નિઃસ્વાર્થ ભાવથી કરાયેલું કાર્ય છે. લોકોની પીડાને પોતાની ગણીને જે કોઈ વ્યક્તિ આવું પરોપકારી કે માનવતાનું કાર્ય કરે છે તેને જીવનનો સાચો સંતોષ અને આનંદ મળે જ એવી વ્યવસ્થા ખુદ પ્રકૃતિ-કુદરતે કરી જ છે, જે પણ કોઈ આવું કાર્ય કરે છે તેને એની અનુભૂતિ ચોક્કસ થતી જ હોય છે.   

માત્ર ધનથી કામ થઈ જતું નથી

સોનુ સૂદ અભિનેતા હોવાને કારણે અને તેની પાસે સંપત્તિ હોવાને કારણે આમ કરવામાં તેને સરળતા રહી કે સફળતા મળી એવી દલીલ ઘણા કરી શકે, પરંતુ આ સાથે એ પણ વિચારવું જોઈએ કે આવી અને એનાથીય સદ્ધર સ્થિતિ તો ઘણા લોકોની હતી અને છે. બીજાઓને કેમ આવો વિચાર ન આવ્યો? અનેક સેલિબ્રિટીઝ સોનુ કરતાં પણ બધી રીતે વધુ સમર્થ છે, તો પછી તેઓ કેમ આ કામ માટે આગળ ન આવ્યા? સોનુને આ કામ માટે સારી ટીમ પણ મળી, જેમણે માનવતાને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું, પોતે તકલીફ ભોગવીને પણ આ ભગીરથ કાર્ય કર્યું. આ લોકોએ કોરોનાના ભય વિના કે પોતાના સ્વાસ્થ્યનો વિચાર કર્યા વિના આ સત્કર્મ કાર્ય કર્યું છે. આ પ્રકારના સંવેદનશીલ જવાબદારીભર્યા કાર્યમાં અનેક ગૂંચવણભરી વિધિમાંથી પસાર થવાનું હોય છે, સતત આયોજન, મૅનેજમેન્ટ વ્યવસ્થા અને કમિટમેન્ટ જરૂરી બને છે. સોનુ કરતાં વધુ સમર્થ હસ્તીઓ પાસે સોનુ કરતાં પણ મોટી ટીમ હોઈ શકે, પરંતુ સુવિચાર અને તેનું આચરણ સૌથી વધુ મહત્ત્વનાં છે.

કોરોના હજી ગયો નથી અને તેથી તેને લગતી અને સોનુ સૂદની વાતો પણ હજી પૂરી થઈ નથી. આવતી કડીમાં આ વાતને આગળ વધારશું.

———————————————–

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s