
અનુગ્રહ સ્ટોક એન્ડ બ્રોકિંગ કંપની વિરુદ્ધ રોકાણકારોએ અદાલતમાં ધા નાખીઃ ક્લાયન્ટ્સની એસેટ્સનો કોઈ ઉપયોગ નહીં કરવા બ્રોકરને આદેશ
સેબી રોકાણકારોનાં હિતની રક્ષા કરવા માટેની વાતો તો ઘણી કરે છે, પણ શું એવું કરે છે ખરું? સિક્યોરિટીઝ માર્કેટના નિયમનકાર તરીકે તેનાં આંખ-કાન-નાક બધું ખૂલ્લું હોવું જોઈએ, પરંતુ આ માર્કેટમાં જે પ્રકારની ઘટનાઓ બને છે તેના પરથી લોકોને શંકા જાય છે કે શું ખરેખર સેબી રોકાણકારોનું રક્ષણ કરે છે? હાલમાં પ્રકાશમાં આવેલા એક કેસ પરથી આ શંકા વધુ મજબૂત બને છે.
ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ઉંચા વળતરની લાલચ આપીને લોકોની પાસેથી નાણાં એકઠાં કરીને પછી રોકાણકારોની સામું પણ નહીં જોવું એવી આ ઘટના છે. તેમાં અનુગ્રહ સ્ટૉક ઍન્ડ બ્રોકિંગ પ્રા. લિ. સંકળાયેલી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈ વડી અદાલતે અનુગ્રહ સ્ટોક એન્ડ બ્રોકિંગ પ્રા. લિ.ને આદેશ આપ્યો છે કે તેણે 25 કરતાં વધુ રોકાણકારોની 58 કરોડ રૂપિયા મૂલ્યની એસેટ્સનો કોઈ ઉપયોગ કરવો નહીં.
રોકાણકારોને આ બ્રોકરે કોઈ દાદ આપી નહીં અને તેમનાં અકાઉન્ટ વિશે પણ કોઈ માહિતી આપી નહીં તેને પગલે વડી અદાલતમાં અરજી કરાઈ હતી.
ન્યાયમૂર્તિ ગૌતમ પટેલે વચગાળાના આદેશમાં બ્રોકરેજ કંપનીને કહ્યું છે કે તેણે પોતાના રાબેતા મુજબના કામકાજમાં રોકાણકારો-ગ્રાહકોની એસેટ્સનો કોઈ પણ રીતે ઉપયોગ કરવો નહીં.
આ કેસમાં અનુગ્રહ વતી એડ્વોકેટ રોહાન કામાએ દલીલો કરી હતી તથા જણાવ્યું હતું કે અનુગ્રહ પોતાની તમામ સ્થાવર-જંગમ મિલકતો અને નાણાકીય મિલકતો જાહેર કરવા તૈયાર છે.
રોકાણકારો વતી ડૉ. બીરેન્દ્ર સરાફે દલીલ કરીને દાવો કર્યો હતો કે તમામ રોકાણકારો મળીને 58 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એ દરેક રોકાણકારે અલગ-અલગ કેસ કર્યો છે. જો કે, બીજા ઘણા રોકાણકારો પોતપોતાનાં રોકાણો પાછાં મેળવવા માટે કાનૂની મદદ લેવાનું વિચારી રહ્યા છે.
મનીલાઇફ સામયિકના એક અહેવાલ મુજબ સેંકડો રોકાણકારોએ અનુગ્રહની સહયોગી કંપનીઓ – તેજી મંદી એનાલિટિક્સ અને ઓમ શ્રી સાઇ ઇન્વેસ્ટમેન્ટ્સ મારફતે રોકાણ કર્યું હતું. તેમને ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ દ્વારા દર મહિને 1 ટકા કરતાં વધુ વળતર આપવાની બાંયધરી અપાઈ હતી. જો કે, જૂનથી વળતર મળવાનું બંધ થઈ ગયું છે.
કહેવાય છે કે સેંકડો રોકાણકારોએ આ સ્કીમમાં નાણાં રોક્યાં હતાં, જેનું પ્રમાણ 1,000 કરોડ રૂપિયા કરતાં વધારે થાય છે. દક્ષિણ મુંબઈના એક પરિવારે તો 150 કરોડ રૂપિયા રોક્યા હતા. મનીલાઇફ કહે છે કે આગામી દિવસોમાં વધુ રોકાણકારો સામે આવવાની શક્યતા છે.
પોન્ઝી સ્કીમ તરીકે ડેરિવેટિવ્ઝનો પોર્ટફોલિયો ધરાવતી તેજી મંદી એનાલિટિક્સ વતી ડિરેક્ટર અનિલ ગાંધી કેટલાક ક્લાયન્ટ્સના સંપર્કમાં હોવાનું કહેવાય છે. તેમનું કહેવું છે કે તેઓ કોલેટરલનું વેચાણ કરીને કેટલી રકમ મેળવી શકાય છે તેના વિશે તપાસ કરવા માગે છે, પરંતુ એનએસઈએ તેમનાં તમામ કોમ્પ્યુટર તથા ડેટા કબજે કરી લીધા છે.
દરમિયાન, ગત જૂનમાં અનુગ્રહના ક્લીયરિંગ બ્રોકર બનનાર એનએસઈ તથા આઇસીઆઇસીઆઇ બેન્કે સેબીએ આ કેસ સંબંધે કોઈ જાહેર નિવેદન કર્યું નથી.
મનીલાઇફના અહેવાલ (https://www.moneylife.in/article/bombay-hc-bars-anugrah-stock-and-broking-from-using-client-assets-worth-rs58-crore/61382.html) મુજબ એનએસઈની જાણમાં આવ્યું છે કે અનુગ્રહે ઓમ શ્રી સાઈ ઇન્વેસ્ટમેન્ટ્સ મારફતે 2017થી અનધિકૃત રીતે ડેરિવેટિવ્ઝ એડવાઇઝરી સર્વિસ આપી હતી અને એ સહયોગી કંપની 2019માં બંધ કરી દેવાઈ હતી. એનએસઈએ તેને 17મી જુલાઈએ કારણદર્શક નોટિસ ફટકાવી અને 27મી જુલાઈ સુધીમાં જવાબ આપવાનું અનુગ્રહને કહ્યું. અનુગ્રહે વધારે મુદત માગી, પરંતુ ગત ત્રીજી ઓગસ્ટે એનએસઈએ અનુગ્રહને તમામ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કામકાજ કરવાની મનાઈ ફરમાવી. તેને પગલે અનુગ્રહ બ્રોકિંગ કંપનીએ સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ પાસે દાદ માગી. ટ્રિબ્યુનલે કહ્યું કે એનએસઈએ આટલી ઉતાવળ કરીને મનાઈ ફરમાવવી જોઈતી ન હતી. તેણે અનુગ્રહને 17મી ઑગસ્ટથી ટ્રેડિંગ શરૂ કરવા માટે પરવાનગી પણ આપી હતી. જો કે, સેટે અનુગ્રહને આદેશ પણ આપ્યો કે તેણે એનએસઈની પાસે 165 કરોડ રૂપિયા જમા કરાવવા, પરંતુ 31મી ઑગસ્ટ સુધી એકપણ પૈસો જમા કરાવાયો ન હતો. કેસમાં હવે પછીની સુનાવણી આગામી ઑક્ટોબરે રખાઈ છે.
ઇન્ડિયા નિવેશના પ્રકરણ પછી એનએસઈએ અનેક બ્રોકરો બાબતે તપાસ કરી. તેમાં તેને ઓમ શ્રી સાઇ ઇન્વેસ્ટમેન્ટ્સ વિશે જાણ થઈ અને નવાઈની વાત તો એ છે કે એનએસઈએ અનુગ્રહ સામે પગલાં ભર્યાં ત્યારે કેસ પ્રકાશમાં આવ્યો.
ઓમ શ્રી સાઇ ઇન્વેસ્ટમેન્ટ્સ કંપની અનુગ્રહ બ્રોકરની સહયોગી કંપની હતી અને 2017થી ડેરિવેટિવ્ઝમાં અનધિકૃત રીતે સલાહકારી સેવાઓ આપી રહી હતી. 2019માં એ બંધ થઈ ગઈ, પરંતુ દરમિયાન તેણે રોકાણકારો પાસેથી 165.10 કરોડ રૂપિયા ભેગા કરી લીધા હતા.
એનએસઈએ ગત ત્રીજી ઑગસ્ટે અનુગ્રહને તમામ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ્સમાં કામકાજ કરવાની મનાઈ ફરમાવી. પ્રાપ્ત માહિતી મુજબ અનુગ્રહની સહયોગી કંપની તેજી મંદી એનાલિટિક્સે ગત માર્ચના અંત સુધીમાં રોકાણકારો પાસેથી 800 કરોડ રૂપિયા ભેગા કરી લીધા હતા. હવે એ કંપની ક્યાં છે અને પૈસા ક્યાં છે તેના વિશે ખબર નથી.
દરમિયાન, તેજી મંદી એનાલિટિક્સે મનીલાઇફ સામયિકે પૂછેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે અનુગ્રહ એનએસઈમાં 165 કરોડ રૂપિયા જમા કરવા સમર્થ નથી. બીજી બાજુ, સેંકડો રોકાણકારો પોતાનાં નાણાં ક્યાં ગયાં તેની ચિંતામાં છે, કારણ કે તેમને શેર કે પૈસા પાછા આપવામાં આવ્યા નથી. ઘણાને દર મહિને જેનું વચન અપાયું હતું એ 1 ટકા કરતાં વધારેનું વળતર પણ જૂન પછી ચુકવાયું નથી.
સેબીનું કામ અત્યાધુનિક સોફ્ટવેર સિસ્ટમ વાપરીને બ્રોકરોની પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું છે. આ સોફ્ટવેર રિયલ ટાઇમ ટ્રેકિંગ કરવા સમર્થ હોય છે. એક સાદી ગૂગલ સર્ચ પરથી મનીલાઇફને ખબર પડી કે સેબીએ 25 મે 2009થી અનુગ્રહને સિક્યોરિટીઝની ખરીદી અને વેચાણ કરવાની મનાઈ ફરમાવી હતી. આમ, સેબીને તેના વિશે 2009થી ખબર હતી, છતાં તેણે એ કંપની બાબતે ચાંપતી નજર રાખી નહીં અને વધુ રોકાણકારો ફસાયા એમ કહી શકાય.
ડિસેમ્બર 2017માં ક્રિસિલે અનુગ્રહને બૅન્ક ગેરંટી અને ઓવરડ્રાફ્ટ એ બન્ને માટે રેટિંગ આપ્યું હતું, પરંતુ તેમણે રેટિંગ એજન્સીને સહકાર આપવાનું બંધ કર્યું હતું. બીજી બાજુ, તેજી મંદી એનાલિટિક્સ અને ઓમ શ્રી સાઇ ઇન્વેસ્ટમેન્ટ્સનું કામકાજ ચાલુ હતું. 2009ની ઘટના બાદ ક્રિસિલના રેટિંગની બાબતે શંકાઓ ઊપજી છતાં સેબીએ કંઈ કર્યું નહીં. એક સમયે અનુગ્રહ પાસે ઇકરાનું પણ રેટિંગ હતું.
રોકાણકારો પૈસાની રાહ જોઈ રહ્યા છે, એનએસઈએ તપાસ કરી છે, એનએસઈએ પણ સેટને તેજી મંદી એનાલિટિક્સ વિશે જાણ કરી નથી. હવે સેટમાં સુનાવણી ઑક્ટોબર 2020માં છે. જૂન-જુલાઈ પહેલાં સમસ્યા શરૂ થઈ, પણ એનએસઈએ કંઈ કહ્યું નથી. સેબી મોંમાં મગ ભરીને બેઠી છે. એક રોકાણકારના 150 કરોડ રૂપિયા રોકેલા છે. બીજા એકે પાવર ઑફ એટર્ની રદ કરવાની માગણી કરી છે. મની લાઇફે અનુગ્રહને અને તેજી મંદીને ઈમેલ લખ્યા છે, પરંતુ કોઈ જવાબ નથી.
શેર-પૈસા ક્યાં છે તેની ખબર નથી, કારણ કે બ્રોકરે કોઈ જવાબ આપ્યો નથી. એક્સચેન્જ માત્ર એટલું જ કહે છે કે તપાસ ચાલી રહી છે. અનુગ્રહે ટોચના વકીલ દ્વારા સેટમાં દલીલો કરી છે. હવે રોકાણકારો આ કેસમાં સેટ સમક્ષ પાર્ટી બની શકે છે અને તાકીદની સુનાવણી માટે વિનંતી કરી શકે છે.
——————
સેબી એક શોભાનું પૂતળું છે જેનું એક માત્ર કામ આર્થિક ગુનેગારોને છાવરવાનું છે.
LikeLike