ભારતમાં રહેલાં વિવિધ પ્રકારનાં સ્થાપિત હિતોની વાત ચાલી રહી છે ત્યારે આજે આપણે આરોગ્ય સેવાના ક્ષેત્રે રહેલાં સ્થાપિત હિતો વિશે થોડી ચર્ચા કરીએ.
કોરોનાનો કહેર હજી દેશમાંથી દૂર થયો નથી. હજી પણ ડૉક્ટરો આ રોગનો ભોગ બની રહ્યા છે. થોડા દિવસો પહેલાંના સમાચાર મુજબ 35 વર્ષના એક ડૉક્ટર કોરોનાનો કાળનો કોળિયો બની ગયા. એ યુવાન તબીબની તસવીર અખબારમાં જોઈ ત્યારે આશ્ચર્ય થયું કે આવો તંદુરસ્ત દેખાતો યુવાન કેવી રીતે મૃત્યુ પામી શકે!
દેખીતી વાત છે કે જે લોકોના મનમાં સેવાભાવ હોય અને એક ડૉક્ટર બનવાની બૌદ્ધિક ક્ષમતા હોય એ જ માણસ ડૉક્ટરીના ઉમદા ક્ષેત્રમાં જોડાય. જો કે, અહીં પણ સ્થાપિત હિતો મોટા પ્રમાણમાં છે. સૌથી પહેલાં તો કહેવું ઘટે કે તબીબી શિક્ષણ ક્ષેત્રને નડતું સૌથી મોટું ગ્રહણ એટલે અનામત પ્રથા.
મેડિકલ ક્ષેત્રે પણ અનામત બહુ મોટું નુકસાન કરે છે. બંધારણમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે અનામતની પ્રથા દેશમાંથી કાળક્રમે દૂર કરવી. આમ છતાં સ્થાપિત હિતોએ પોતપોતાના સ્વાર્થ ખાતર તેને ચાલુ રાખી છે. અનામત પ્રથાનો સૌથી મોટી લાભ રાજકારણીઓ વોટ બૅન્કને ટકાવી રાખવા માટે કરે છે. હોંશિયાર વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કર્યા બાદ પણ મેડિકલમાં પ્રવેશ લઈ શકતા નથી અને અનામતના જોરે ઓછા ગુણવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જાય છે. લાયકાત હોવા છતાં મેડિકલમાં પ્રવેશ નહીં મેળવી શકનારે કાં તો લખલૂટ ખર્ચ કરીને પ્રાઇવેટ ક્વોટા દ્વારા પ્રવેશ લેવો પડે છે અથવા તો ડૉક્ટર થવાનું સ્વપ્ન છોડી દેવું પડે છે. બીજી બાજુ પ્રાઇવેટ ક્વોટાને લીધે પણ ઓછા ગુણવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જાય છે.
સરકારી હૉસ્પિટલોમાં કોઈ ડૉક્ટર દારૂ પીધેલી અવસ્થામાં જોવામાં આવે તો તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. શક્ય છે કે એ માણસ ફક્ત અનામતના જોરે મેડિકલમાં પ્રવેશ લઈને આવ્યો હોય. આ વિષયે લખવા બેસીએ તો ઘણું લખી શકાય છે, પરંતુ પ્રશ્ન એ જ છે કે જો બંધારણના ઘડવૈયાઓએ અનામતની પ્રથા સમય જતાં બંધ કરવાનું કહ્યું હતું તોય હજી કેમ એનો અંત આવતો નથી.
મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયામાં ઘણા લાંબા સમય સુધી ભ્રષ્ટાચાર ચાલ્યો હતો અને તેને કારણે નિવાસી તબીબો એટલે કે સરકારી હૉસ્પિટલોમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે તાલીમ લેતા અને કામ કરતા ડૉક્ટરોને ઘણો અન્યાય થયો છે. ધનાઢ્ય રાજકારણી હોવાના નાતે પોતાની મેડિકલ કૉલેજ ખોલીને ધંધો માંડનારા લોકોએ ક્યારેય સરકારી હૉસ્પિટલોમાં રેસિડન્ટ ડૉક્ટરોને પૂરતી સુવિધાઓ ક્યારેય વિચાર કર્યો નથી. એમણે તો ફક્ત પોતાનાં સ્થાપિત હિતોની રક્ષા કરીને મૅનેજમેન્ટ ક્વોટામાં લાખો-કરોડો રૂપિયા લઈને એડમિશનો આપ્યાં છે.
તમે જો લાંબા સમયથી અખબારો વાંચતા હશો તો ખબર હશે કે દર વર્ષે કે દર બે વર્ષે એકાદ વાર તો રેસિડન્ટ ડૉક્ટરોની હડતાળ પડતી જ હોય છે. આ ડૉક્ટરોએ પોતાના કાર્યસ્થળની સ્થિતિ સુધારવા માટે કે પોતાના પર થતા શારીરિક હુમલાઓના વિરોધમાં હડતાળ પાડી હોય એવું બનતું હોય છે. સરકારી હૉસ્પિટલોમાં તેમની સ્થિતિ વિશે લખવા બેસીએ તો દળદાર પુસ્તક લખાઈ જાય.
સરકારી હૉસ્પિટલોમાં નિવાસી ડૉક્ટરોએ ઘણી વાર ઓપરેશન થિયેટરોમાં સ્ટ્રેચર પર સૂવું પડે છે. તેઓ ટૂથબ્રશ હંમેશાં સાથે જ રાખે છે, જેથી બ્રશ કરીને ફ્રેશ થઈને તરત કામે લાગી શકે. આરામનો તો તેમનાથી વિચાર જ થાય નહીં. હોસ્ટેલમાં પોતાના રૂમમાં જઈ શકવાનું તો તેમના નસીબમાં હોય તો જ બને. વાંચકોને જાણીને નવાઈ લાગશે કે નિવાસી તબીબો જ્યારે હડતાળ પાડે છે ત્યારે જ તેમને થોડી રાહત મળે છે. અનેક વાર દરદીઓના સંબંધીઓ તેમના પર હુમલા કરે ત્યારે તેમણે નાછૂટકે હડતાળનો સહારો લેવો પડે છે, અન્યથા સરકારના પેટનું પાણીય હલે નહીં અને તેમણે જશને બદલે જૂતિયાં ખાવાના દિવસો જ ચાલ્યા કરે.
થોડા વખત પહેલાંની વાત છે. ધૂળેની સરકારી મેડિકલ કૉલેજમાં દરદીના સંબંધીઓએ હાડકાંના ડૉક્ટરની એટલી બધી મારપીટ કરી કે તેમની આંખને કાયમી નુકસાન થઈ ગયું.
સરકારી મેડિકલ કૉલેજોમાં નિવાસી ડૉક્ટરે ટાંચાં સાધનોની મદદથી મોટાં મોટાં કામ પાર પાડવાનાં હોય છે. ત્યાં ધસારાના સમયે એક ડૉક્ટરે ઓછામાં ઓછા 200 દરદીઓને તપાસવાના હોય છે. આવામાં જો કોઈ દરદી પાસે જવાનો સમય જ ન મળે અને એના સંબંધીઓ ગુસ્સે ભરાઈ જાય તો ડૉક્ટરે દરદીને બચાવવા કરતાં પોતાને બચાવવા માટે વધુ સતર્ક રહેવું પડે એવી સ્થિતિ હોય છે, કારણ કે ગંભીર હાલતમાં લવાયેલો દરદી ન કરે નારાયણ ને ગુજરી જાય તો એની સાથે આવેલા સંબંધીઓ મારપીટ પર ઉતરી આવે એવું જોખમ હોય છે.
સરકારી હૉસ્પિટલોમાં આવેલા દરદીઓ એમ પણ ગરીબીથી ત્રસ્ત હોય છે અને જો ઘરનો એકનો એક કમાનાર માણસ ગુજરી જાય તો તેઓ નસીબનો દોષ એ ડૉક્ટરના માથે ઠાલવવા તૈયાર થઈ જતા હોય છે. ઘણી વાર એ ગરીબ લોકો શહેરથી દૂરના ગામડામાંથી આવ્યા હોય છે.
એક ડૉક્ટરે એક હડતાળ દરમિયાન સાચું જ કહ્યું હતું કે લોકો સરકારી ડૉક્ટરોને પોતાના ગુલામ માને છે અને શિક્ષિત નાગરિકો તથા પત્રકારો એમની સામે અનેક દલીલો કરતા હોય છે. લોકો એ સમજતા નથી કે સરકારી હૉસ્પિટલોમાં રહેલી કમીઓ માટે સરકાર જવાબદાર હોય છે, નિવાસી તબીબો નહીં.
આ ડૉક્ટરોએ દરદીઓને તપાસવા ઉપરાંત તેમના વતી ફોર્મ પણ ભરવાં પડે છે, કારણ કે ઘણા દરદીઓ નિરક્ષર કે ઓછું ભણેલા હોય છે. દરદીઓ માટે અનેક પ્રકારની દોડાદોડ એમણે કરવી પડે છે. તેનું એક કારણ વોર્ડ બોય કે નર્સની કમી પણ હોઈ શકે છે.
રેસિડન્ટ ડૉક્ટરોની હોસ્ટેલમાં 100 ચો.ફૂટના નાનકડા ઓરડામાં ચારથી પાંચ ડૉક્ટરોએ ગંદાં ટોઈલેટ તથા આસપાસની ગંદકીની વચ્ચે રહેવું પડે છે અને એમને પોષક ખોરાક મળી શકે એવી કેન્ટીન પણ હોતી નથી. એ જ રીતે હૉસ્પિટલોમાં પણ સ્વચ્છતાનો અભાવ હોય છે. તેઓ વધુ ભણેલા અને વધુ જવાબદાર હોવા છતાં તેમણે સફાઈ કર્મચારીઓની અને એમનાં યુનિયનોની દાદાગીરી સહન કરવી પડે છે.
અનેક નિવાસી તબીબો પોતાના અભ્યાસના કાળ દરમિયાન ડિપ્રેશનનો શિકાર બને છે અને આત્મહત્યા જેવું અંતિમ પગલું પણ ભરી બેસે છે.
એ બધું ઓછું હોય એમ કોરોના કાળમાં આ ડૉક્ટરોએ સતત ભયના ઓથાર વચ્ચે રહીને પોતાની જવાબદારી નિભાવી છે. પોતાના વતનથી દૂર અન્ય શહેરોમાં ભાડાના ઘરમાં રહેતા આ નિવાસી તબીબોને મકાનમાલિકોએ ઘરમાં પેસવા દીધા નહીં હોવાના દાખલા છે. સમગ્ર દેશમાં આવી હાલત જોવા મળી છે. અમુક જગ્યાઓએ કોરોનાના દરદીઓ શોધવા માટે ગયેલા ડૉક્ટરો પર હુમલા થયાના કિસ્સાઓ પણ બન્યા છે. ઘણી જગ્યાએ સરકારી હૉસ્પિટલોમાં કોરોનાના દરદીઓની દિવસ-રાત સેવા કર્યા બાદ ઘરે જવા મથતા ડૉક્ટરોને ટેક્સીવાળાઓએ બેસવા નહીં દીધાના પણ દાખલા છે.
કોરોના વોરિયર તરીકે ડૉક્ટરો માટે થાળીઓ અને ઘંટડીઓ વગાડવામાં આવી, પરંતુ મેડિકલ ક્ષેત્રનાં સ્થાપિત હિતોને દૂર કરવા માટે હજી કોઈ પ્રયાસ થયો નથી.
દેશમાં ઘર કરી ગયેલી બદીઓ વિશેની આપણી વાતચીત જારી રહેશે. બ્લોગ વાંચતાં રહેજો અને વંચાવતાં રહેજો.
————————