નિવૃત્ત આઇએએસ ઑફિસર રમેશ અભિષેકે પૂરું પાડ્યું સરકારી અમલદારશાહીના સ્થાપિત હિતનું વધુ એક ઉદાહરણ

રમેશ અભિષેકે માંડમાંડ સરકારી બંગલો ખાલી કર્યાના સમાચાર આવે છે ત્યાં જ એ ભાઈસા’બ એક ખાનગી કંપની – સીએન્ટ લિમિટેડમાં ડિરેક્ટર બની ગયા છે. તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે અને કોઈ પણ સરકારી અધિકારી નિવૃત્તિ બાદ કોઈ પણ ખાનગી કંપનીમાં કામ કરવા લાગી શકે એવો નિયમ છે, પરંતુ રમેશ અભિષેક એક એવી કંપનીમાં ડિરેક્ટર બન્યા છે, જેને તેમણે સરકારી નોકરી દરમિયાન લાઇસન્સ આપ્યું હતું. આમ, આ પ્રકરણ ‘એક હાથ દે, એક હાથ લે’ જેવું બની ગયું છે.
રમેશ અભિષેક હૈદરાબાદસ્થિત વૈશ્વિક ડિજિટલ એન્જિનિયરિંગ કંપની સીએન્ટમાં ડિરેક્ટર બન્યા હોવાથી ઉદ્યોગજગતમાં તથા અમલદારશાહીમાં ચણભણાટ શરૂ થઈ ગયો છે અને લોકો કહેવા લાગ્યા છે કે આઇએએસના હોદ્દા પર રહેલી વ્યક્તિ આવી રીતે ‘એક હાથ દે, એક હાથ લે’નું વલણ અપનાવે ત્યારે તેમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે. આવી સાવ ઉઘાડી રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એ પણ એવી વ્યક્તિના શાસનમાં, જેમના પર નાગરિકો એ વાક્ય બદલ ગર્વ કરે છે કે ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’!!!
આપણે હાલ વિચારક્રાંતિમાં જેની વાત કરી રહ્યા છીએ એ જ સ્થાપિત હિતો આ કેસમાં પણ એવી રીતે કામ કરી રહ્યાં છે કે નરેન્દ્ર મોદી પણ એમનું કંઈ બગાડી શકતા નથી. શક્ય છે કે એ બધાં ભેગા મળીને અંદરખાનેથી નરેન્દ્ર મોદીનું કંઈક બગાડી રહ્યાં હોય! આથી જ આપણે હાલમાં લખવું પડ્યું હતું કે ભારતમાંથી સ્થાપિત હિતોની બનેલી આઇએએસ સિસ્ટમને નાબૂદ કરવાનો સમય પાકી ગયો છે?
હાલમાં જ સરકારે નવી શિક્ષણ નીતિની અને સરકારી કંપનીઓ તથા બૅન્કોમાં નોકરી માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની જાહેરાત કરી છે. હવે સરકારી નોકરીની અંગ્રેજોના સમયથી ચાલતી આવેલી આ સનદી સેવાને પણ નવી શિક્ષણ નીતિ હેઠળ બરખાસ્ત કરી દેવી જોઈએ એવું કહેશું તો એમાં કંઈ ખોટું નહીં હોય. ‘જૅક ઑફ ઑલ, માસ્ટર ઑફ નન’ જેવી આઈએએસની પદવી મૂગા મોંએ સરકારનું કામ કરે એવા અધિકારીઓની ફોજ બનાવવા માટે અંગ્રેજોએ દાખલ કરી હતી, પણ હવે દેશમાં એ સિસ્ટમમાં સ્થાપિત હિતો ઘર કરી ગયાં હોવાનું જોવા મળી રહ્યું છે. રમેશ અભિષેક એનું જ્વલંત ઉદાહરણ છે. તેઓ જ્યાં જાય ત્યાં બખડજંતર કરે છે. બિહાર કૅડરના આ અધિકારીએ બિહારમાં લાલુપ્રસાદ યાદવના કાળમાં ગોટાળા કર્યા હોવાનું અગાઉ બહાર આવી ચૂક્યું છે. પછીથી તેમણે ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના ચૅરમૅનપદે રહીને એનએસઈએલ કેસમાં કોમોડિટી બ્રોકરોને છાવરવાનું કામ કર્યું હોવાનો આક્ષેપ થયો અને ન્યાયતંત્રમાં પણ એમના નામની બૂમાબૂમ થઈ. હાલમાં જ આપણે જોયું કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશને એમની સામેના ભ્રષ્ટાચારના આરોપોને ગંભીર ગણાવીને આર્થિક બાબતોના મંત્રાલયને તેમાં તપાસ કરવાનું કહ્યું હતું.
પીગુરુસ ડોટ કોમના અહેવાલ (https://www.pgurus.com/after-abusing-power-by-granting-license-to-cyient-ltd-as-dpiit-secretary-retired-babu-ramesh-abhishek-joins-its-board/) અનુસાર રમેશ અભિષેક નિવૃત્તિ સમયે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)માં સેક્રેટરી તરીકે કાર્યરત હતા. તેમણે એ હોદ્દા પર રહીને જ સીએન્ટ લિમિટેડની પેટા કંપની સીએન્ટ સોલ્યુશન્સ ઍન્ડ સીસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડને ઇન્ડસ્ટ્રિયલ લાઇસન્સ આપ્યું હતું. સીએન્ટ લિમિટેડ કંપનીમાં ડિરેક્ટર બની ગયા બાદ હવે શક્ય છે કે તેમણે ડીપીઆઇઆઇટીમાં રહીને જેમને જેમને લાઇસન્સ આપ્યાં હશે એ બધી કંપનીઓમાં તેઓ ડિરેક્ટર બનીને પોતાના કાળા ધનને સફેદ કરવા લાગી જાય. તેમની સામે પીગુરુસ ડોટ કોમ વેબસાઇટે ચોખ્ખું લખ્યું હતું કે તેમની દીકરી વનીસાની કંપની થિંકિંગ લીગલ મારફતે તેમણે મોટાપાયે લાંચ લીધી હોવાનો આક્ષેપ છે.
વર્ષ 2016થી ડીપીઆઇઆઇટીના સેક્રેટરી તરીકે તેમણે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ જેવી સરકારી યોજનાઓને પ્રોત્સાહન આપવાનું હતું, પરંતુ એ મોરચે તેમણે કોઈ નક્કર કાર્ય કર્યું હોય એવું દેખાતું જ નથી. ઉલટાનું, ડીપીઆઇઆઇટીમાં સ્ટાર્ટ અપ તરીકે અરજી કરનારી કંપનીઓને થિંકિંગ લીગલ મારફતે અરજીઓ કરવા માટે મજબૂર કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. રોથચાઇલ્ડ નામની કંપનીએ પણ 2 કરોડ રૂપિયાની ફી આપીને થિંકિંગ લીગલને કાનૂની સલાહકાર બનાવી હતી. આ રકમ ફીના નામે લેવાયેલી લાંચ નહીં તો બીજું શું છે એવી ચર્ચા ઉદ્યોગજગતમાં ચાલી રહી હોવા છતાં રમેશ અભિષેકનું એક રૂંવાડુંય ફરકતું નથી. જો કે, એમની પાસેથી રૂંવાડું ફરકવાની અપેક્ષા રાખવી એ જ ગાંડપણ છે. આ જ માણસે એફએમસીના ચૅરમૅનપદે રહીને 2013-14માં વકીલની પદવી ધરાવતી દીકરી વનીસાને સેબીમાં કામે રખાવી હતી, જેથી તેને નિયમનકારી બાબતોનો અનુભવ મળી જાય.
કહેવાય છે કે હાલમાં યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પણ તેમની નિમણૂક થઈ. ડીપીઆઇઆઇટીના સેક્રેટરીપદે રહીને તેમણે અમેરિકન કંપનીઓને ભારતમાં રોકાણ કરવા માટે જે ‘સુવિધા’ કરી આપી તેના બદલામાં આ નિમણૂક થઈ હોવાનું જાણવા મળે છે. ખરું પૂછો તો ઉક્ત કાઉન્સિલના ડિરેક્ટરપદે થયેલી નિમણૂકની બાબત વધારે ગંભીર કહેવાય એવી છે. તેનું કારણ એ છે કે કાઉન્સિલે અમેરિકાના એન્જલ ઇન્વેસ્ટમેન્ટ નેટવર્ક્સ સહિતની અનેક ટેક્નૉલૉજી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરીને થિંકિંગ લીગલ પાસેથી ‘કાનૂની સલાહ’ લીધા બાદ જ ડીપીઆઇઆઇટી સમક્ષ અરજીઓ કરી હતી.
પીગુરુસ ડોટ કોમનો અહેવાલ કહે છે કે જો સરકાર રમેશ અભિષેકના બિઝનેસ નેટવર્કની ઊંડી તપાસ કરાવશે તો શક્ય છે કે તેઓ કોના મારફતે આટલું છડેચોક અને નિર્લજ્જપણે ‘એક હાથ દે, એક હાથ લે’નું કામ કરી રહ્યા છે.
સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં થયેલી ફરિયાદ મુજબ અતુલ વર્મા નામના એક સરકારી અધિકારીએ સીબીઆઇમાં અભિષેક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે અભિષેકે કોમોડિટી બ્રોકરોનો સાથ લઈને તેમની પાસેથી મોટી રકમ લીધી હતી, જે થિંકિંગ લીગલને અપાયેલી કાનૂની સલાહની ફી સ્વરૂપે હતી. સરકારી અમલદારોમાં ચર્ચા ચાલી રહી છે કે આ માણસથી એક દિવસ પણ રૂપિયા કમાયા વગર ચાલતું નથી એવું લાગે છે.
——————–
આવા તો કેટલાયે તથ્યો અત્યાર સુધીમાં આ કલાકાર વિષે બહાર આવ્યા છે, છતાં પણ આજની તારીખમાં પણ તેને ઉની આંચ પણ નથી આવી એ શું બતાવે છે ? આપણા આદરણીય મોદી સાહેબ ભલે ગમે તેટલું કહે કે તેઓ ભ્રષ્ટાચાર મુક્ત ભારત આપશે પરંતુ આ ક્યારેય શક્ય નથી બનવાનું, કારણકે આજની તારીખમાં પણ ભ્રષ્ટ અમલદારોનો જ સંપૂર્ણ કાબુ આખા દેશના કારોબાર ઉપર છે અને ચોક્કસ એવું કોઈ કારણ છે જેને કારણે મોદીજી આવા છાપેલા કાટલાં જેવા માલદારોથી છુટકારો મેળવી શકતા નથી કે મેળવતા નથી.
LikeLike