
ગયા વખતના બ્લોગમાં આપણે જોયું કે ગુનેગારો, રાજકારણીઓ અને સરકારી અમલદારોની સાંઠગાંઠને લીધે દેશનું પોલીસ તંત્ર બેફામ બની ગયું છે. જો કે, પોલીસોની પોતાની સ્થિતિ પણ દયનીય હોય છે. નોંધનીય રીતે પોલીસ દળમાં 86 ટકા લોકો કોન્સ્ટેબલનો હોદ્દો ધરાવનારા હોય છે. એમને એકેય બઢતી મળતી નથી. હેડ કોન્સ્ટેબલ બનવા માટેની તક દરેકને મળતી નથી. પરિણામે, મોટાભાગના પોલીસો કોન્સ્ટેબલ તરીકે જ નિવૃત્ત થાય છે. પોલીસોના કામની અને રહેવાની બન્ને જગ્યાએની સ્થિતિ બદતર હોય છે. ઘણાં પોલીસ ક્વોર્ટર્સમાં પૂરતી સુવિધાઓ હોતી નથી. આ જ સ્થિતિ પોલીસ ચોકીઓની પણ હોય છે. વરસાદમાં પોલીસ ચોકીમાં પાણી ભરાતું હોવાથી માંડીને પીવાના શુદ્ધ પાણીની પોલીસ ચોકીમાં વ્યવસ્થા ન હોય ત્યાં સુધીની અનેક સમસ્યાઓનો પોલીસોએ સામનો કરવો પડે છે.
પોલીસ દળમાં કર્મચારીઓની કમી હોવાને કારણે ઘણી વખત એફઆઇઆરના સ્થાને ફક્ત એનસી નોંધી લેવામાં આવે છે. અભ્યાસમાં જણાઈ આવ્યું છે કે પોલીસે નોંધેલા 50 ટકા (બળાત્કારના કેસમાં લગભગ 80 ટકા) કેસમાં ગુનેગારો પુરાવાના અભાવે અથવા અધૂરી તપાસને કારણે નિર્દોષ છૂટી જાય છે. પોલીસ અને સરકારી વકીલો વચ્ચેના સમન્વયનો અભાવ પણ આના માટેનું એક કારણ છે. ગુનેગારો છટકી જવાને લીધે નાગરિકોનો પોલીસ અને ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જાય છે.
ફરી પાછા પોલીસોની સ્થિતિ પર આવીએ. રાષ્ટ્રીય પોલીસ પંચે છેક 1979માં કહ્યું હતું કે નીચલા હોદ્દાના પોલીસોએ સપ્તાહના સાતેય દિવસ 10થી 16 કલાક કામ કરવું પડે છે. પૂરતા આરામ અને મનોરંજનના અભાવે પોલીસો હંમેશાં માનસિક તાણ હેઠળ રહે છે અને તેઓ તબિયતનું ધ્યાન રાખી શકતા નથી. તેની અસર એમના મનોબળ પર થાય છે. તેમના કામના તથા રહેવાના સ્થળની કમીઓ દૂર કરવા તરફ ધ્યાન આપવાની ખાસ આવશ્યકતા હોવાનું ઉક્ત પંચે નોંધ્યું હતું.
દેશમાં 2019માં તૈયાર કરવામાં આવેલા બીજા એક અહેવાલ મુજબ પોલીસે દરરોજ સરેરાશ 14 કલાક કામ કરવું પડે છે. પોલીસોની સંખ્યા મંજૂર થયેલા કર્મચારીગણના માત્ર 77 ટકા છે. એ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે 20 રાજ્યોનાં 70 પોલીસ સ્ટેશનો પાસે વાયરલેસ વાન ન હતી, 214 પોલીસ સ્ટેશનો પાસે ફોન ન હતો તથા 24 પોલીસ સ્ટેશનોમાં વાયરલેસ પણ નહીં અને ફોન પણ નહીં એવી ‘કરુણ’ પરિસ્થિતિ હતી. ઉપરાંત, 240 પોલીસ સ્ટેશનો પાસે પોતાનું કોઈ વાહન ન હતું. 42 ટકા પોલીસોએ જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશનમાં ફોરેન્સિક ટેક્નૉલૉજી ઉપલબ્ધ ન હતી. પોલીસોના પરિવારોને પૂછવામાં આવ્યું તો પાંચમાંથી ત્રણ પરિવારોએ કહ્યું હતું કે તેમને ફાળવાયેલા સરકારી ક્વોર્ટર્સથી તેઓ સંતુષ્ટ નથી. 12 ટકા પોલીસોએ કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં પીવાના પાણીની સુવિધા નથી અને 18 ટકાએ કહ્યું હતું કે શૌચાલયો સ્વચ્છ હોતાં નથી.
આવા પ્રતિકૂળ સંજોગોમાં રહેવા છતાં પોલીસો મૂગા મોંએ પોતાનું કામ કર્યે રાખે છે. ઉલટાનું, એમણે હંમેશાં વરિષ્ઠ અધિકારીઓની ગાળાગાળી અને દાદાગીરી સહન કરવી પડે છે. શિસ્તબદ્ધ દળ હોવાને કારણે તેઓ એ બધું સહન કર્યે રાખે છે. નીચલા સ્તરના પોલીસોએ કાયમ ઉપરના દબાણને વશ થઈને કામ કરવું પડે છે. કોઈ ગુનાની તપાસમાં પણ તેમણે ઉપરી અધિકારીઓના આદેશાનુસાર જ કામ કરવું પડે છે. એ ઉપરી અધિકારીઓ હંમેશાં ગૃહપ્રધાન કે મુખ્ય પ્રધાન કે બીજા કોઈ નેતાની મરજી મુજબ વર્તતા હોય એવું આ દેશનો સામાન્ય નાગરિક પણ જાણે છે.
વધુ કલાકો ઘરથી દૂર રહેવાને કારણે પોલીસોએ બહારના ખોરાક પર આધાર રાખવો પડે છે, જે દેખીતી વાત છે કે ઘર જેવો ન જ હોય. તેને લીધે પોલીસો ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેસર, હૃદયરોગ, કૅન્સર, વગેરે જેવી બીમારીઓનો ભોગ બને છે. અઠવાડિયામાં એક રજા પણ મળે નહીં એ સ્થિતિ એમના સંપૂર્ણ સામાજિક જીવન પર પણ અસર કરે છે. ઘણી વાર તો કોન્સ્ટેબલોએ વરિષ્ઠ અધિકારીનાં ઘરનાં કામ પણ કરી આપવાં પડે છે. પોતાનાં બાળકો અને પત્ની માટે સમય ફાળવી નહીં શકનારા પોલીસોએ ઊપરીના ઘરનાં કામ કરવાં પડે ત્યારે તેમના મન પર શું વીતતી હશે એ સમજી શકાય એવી વાત છે.
પ્રતિકૂળ સંજોગોમાં કામ કરતા હોવાને કારણે તેમનું વર્તન સામાન્ય મનુષ્યો કરતાં અલગ થઈ જાય છે. 2019ના સર્વેક્ષણમાં જણાઈ આવ્યું હતું કે 83 ટકા પોલીસોને ગુનેગારોની મારપીટ કરીને ગુનાની કબૂલાત કરાવવામાં કંઈ ખોટું લાગતું નથી. 37 ટકાનું કહેવું હતું કે નાના ગુનાઓમાં તેઓ પોતે જે સજા કરે છે એ જ કાનૂની ખટલા બાદ મળતી સજા કરતાં વધારે સારી હોય છે.
આવા આ પોલીસ દળે કોરોના વાઇરસના રોગચાળામાં અનેક નિષ્ઠાવાન કર્મચારીઓ ગુમાવ્યા છે.
પોલીસ દળ સ્વતંત્ર બુદ્ધિથી કામ કરી શકે એવી સ્થિતિ આ દેશમાં મુશ્કેલ લાગી રહી છે. તેનું કારણ સ્થાપિત હિતો છે. ગામ કે શહેરની સુરક્ષા કરવાને બદલે પોલીસોએ નેતાઓની સુરક્ષા સંભાળવી પડે છે. લાંચ આપીને કે લાગવગ લગાડીને પોલીસ દળમાં ભરતી થયેલા કર્મચારીની વાત જુદી છે, પણ જ્યારે કોઈ પ્રામાણિક કોન્સ્ટેબલે કે તેના ઉપરીએ ભ્રષ્ટ, ગુનાકીય ભૂતકાળ ધરાવતા નેતાની સલામતી સાચવવી પડે ત્યારે તેના મન પર શું વીતતી હશે એ વિચાર કરવા જેવી વાત છે.
પોતે જ ન્યાયથી વંચિત રહેતા હોય એવા પોલીસો અને ન્યાયતંત્ર પાસેથી ન્યાયની કે ત્વરિત ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકાય. આ બધું સ્થાપિત હિતોને લીધે થાય છે. અભ્યાસો તો ઘણા થઈ ગયા, પરંતુ તેમનો અમલ થતો નથી. પરિણામે, પોલીસ દળ અત્યારે દયનીય સ્થિતિમાં છે. તેઓ ક્યારેય માથું ઉંચકી શકે નહીં એવી સ્થિતિ સ્થાપિત હિતોએ સર્જેલી છે.
આવતા વખતે આપણે કોરોના રોગચાળામાં અનેક સારા-સારા ડૉક્ટરો ગુમાવનારા તબીબી વર્ગની સમસ્યા વિશે વાત કરીશું.
————————-