
ગુનેગારો, રાજકારણીઓ અને સરકારી અમલદારોની સાંઠગાંઠને લીધે દેશનું પોલીસ તંત્ર બેફામ બની ગયું છે
પોલીસથી જેટલા દૂર રહેવાય એટલું સારું એવું સામાન્ય માણસ બોલવા લાગે એ સ્થિતિ શું સારી કહેવાય? દેશમાં હાલત એટલી ખરાબ છે કે નિર્દોષ માણસો પોલીસના હાથનો માર ખાય છે અને કસ્ટડીમાં મોતને પણ ભેટે છે, જ્યારે રીઢા ગુનેગારો પકડાયા પછી પણ આબાદ છટકી જાય છે.
દેશમાં સ્થાપિત હિતોએ આ પરિસ્થિતિ ઊભી કરી છે, જેના વિશે કેટલાક નોંધનીય મુદ્દાઓની આજે વાત કરીએઃ
પોલીસ તંત્રમાં સુધારા કરવા વિશે રચાયેલી વોહરા કમિટીના અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ગુનેગારો, રાજકારણીઓ અને સરકારી અમલદારોની સાંઠગાંઠને લીધે દેશનું પોલીસ તંત્ર બેફામ બની ગયું છે. અહેવાલ મુજબ માફિયાઓનું નેટવર્ક સમાંતર સરકાર ચલાવે છે અને સરકારી તંત્ર નમાલું એટલે કે અપ્રસ્તુત બની ગયું છે. આ પરિસ્થિતિને બદલવા માટે વોહરા કમિટીએ એક સંસ્થા રચવાની ભલામણ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજકારણમાંથી ગુનાકીય તત્ત્વોને દૂર કરવાની તથા સમગ્ર ગુનાકીય ન્યાયપ્રણાલીમાં સુધારા કરવાની જરૂર છે. ગુનાકીય ન્યાયપ્રણાલીના સુધારાઓમાં પોલીસ તંત્રના સુધારાઓનો પણ સમાવેશ થાય છે.
દેશમાં પ્રવર્તમાન ભયંકર સ્થિતિ માત્ર વોહરા કમિટીના ધ્યાનમાં આવી એવું નથી. વર્ષ 2007માં રચાયેલા બીજા વહીવટી સુધારા પંચે કહ્યું હતું કે પોલીસોને વધારેપડતી સત્તાઓ આપવામાં આવી છે, જેનો ઉપયોગ રાજકારણીઓ કરે છે. રાજકારણીઓ પોતાનાં વ્યક્તિગત અને રાજકીય હિતો માટે પોલીસોનો ઉપયોગ કરે છે.
રાજકારણમાં ગુનેગારો પ્રવેશ્યા છે અને એ જ ગુનેગારો ગૃહપ્રધાન બનીને પોલીસો પર રાજ કરે છે. ચોરના હાથમાં તિજોરીની ચાવી હોય એના જેવી આ સ્થિતિનો દુરુપયોગ દેશભરમાં છડેચોક થઈ રહ્યો છે, પરંતુ પોલીસતંત્ર માટે સૂચવાયેલા સુધારાઓ હજી પૂરેપૂરા અમલમાં મુકાયા નથી. તેનું કારણ એ જ છે કે ગુનાકીય રાજકારણ એ તંત્રનો પોતાનાં સ્થાપિત હિતો માટે દુરુપયોગ કરવા ચાહે છે.
સામાન્ય જનતા પોલીસોથી ડરે છે એના કરતાં પણ પોલીસોની નબળાઈથી ડરે છે એમ કહીએ તોપણ ચાલે, કારણ કે રાજકારણીઓના ગુલામ બની ગયેલા પોલીસો સ્વતંત્રતાની હિમાયત કરી શકે એ શક્ય જ નથી. આથી જ તેઓ પોતાના રાજકીય બોસના ઇશારે કામ કરતા હોય છે. આ સાંઠગાંઠના પરિણામે પોલીસો પ્રોફેશનલ રીતે એટલે કે પોતાની ફરજને છાજે એ રીતે નિર્ણયો લઈ શકતા નથી. જનતા પોલીસોથી ડરે છે એનું આ જ કારણ છે.
પોલીસો પોતાની સત્તાનો દુરુપયોગ કરે નહીં એ માટે તેઓ રાજકીય સત્તાને તથા વરિષ્ઠ પોલીસોને જવાબ દેવા બંધાયેલા હોવા જોઈએ અને પોલીસના કામકાજ પર નજર રાખવા માટે સ્વતંત્ર સત્તાનું નિર્માણ થવું જોઈએ. પોલીસો તો આજે પણ રાજકીય સત્તાને જવાબ દેવા બંધાયેલા છે, પરંતુ એ રાજકીય સત્તા પોતે જ ગુનાકીય તત્ત્વો ધરાવતી હોય તેનું શું? આ જ કારણ છે કે ગંભીર આરોપો ધરાવતી વ્યક્તિઓને જનપ્રતિનિધિ બનવા જ દેવી જોઈએ નહીં. સર્વોચ્ચ અદાલત પણ કહી ચૂકી છે કે પોલીસોના દુરાચારની ફરિયાદોમાં તપાસ કરવા માટે સ્વતંત્ર તકરાર નિવારણ સત્તાની સ્થાપના થવી જોઈએ.
વાંચકો જાણતા હશે કે દેશમાં છેક 2006થી મોડેલ પોલીસ ઍક્ટ એટલે કે આદર્શ પોલીસ ધારો ઘડવામાં આવ્યો છે. એ કાયદા મુજબ પોલીસોના કામકાજ પર દેખરેખ માટે દરેક રાજ્યમાં એક ઑથોરિટીની રચના થવી જોઈએ. તેમાં વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, સમાજના સભ્યો, નિવૃત્ત પોલીસ અધિકારીઓ તથા બીજા રાજ્યના વહીવટી અધિકારીઓ લેવાવા જોઈએ.
સર્વોચ્ચ અદાલતે 2006ના એક કેસમાં સાત દિશાનિર્દેશો આપ્યા હતા, જે આ પ્રમાણે હતાઃ 1) રાજ્ય સલામતી પંચની સ્થાપના કરવી, 2) પોલીસ મહાનિદેશક (ડીજીપી) માટે બે વર્ષની મુદત નિશ્ચિત કરવી, 3) સુપરિન્ટેન્ડન્ટ તથા સ્ટેશન હાઉસ ઑફિસરની પણ બે વર્ષની મુદત નિશ્ચિત કરવી, 4) કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અને તપાસ માટે એ બન્ને પ્રકારનાં કામ માટે અલગ અલગ તંત્ર રાખવું, 5) પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડ (નીચલા હોદ્દાના પોલીસોની રજૂઆતો સાંભળનારી સત્તા)ની સ્થાપના કરવી, 6) રાજ્ય અને જિલ્લા સ્તરે પોલીસ તકરાર નિવારણ સત્તાની સ્થાપના કરવી અને 7) કેન્દ્રીય સ્તરે રાષ્ટ્રીય સલામતી પંચની સ્થાપના કરવી.
પોલીસોના હાથે થતા અતિરેકને જોયા બાદ સામાન્ય જનતા હલકું લોહી હવાલદારનું એ કહેવતની નજરે એમને જોવા લાગે છે. જો કે, જેમણે એમની કામની સ્થિતિ જોઈ છે તેઓ થોડો અલગ દૃષ્ટિકોણ પણ ધરાવે છે. ભારતીય પોલીસ દળ પર કામનો વધુપડતો બોજ છે અને એમને ઘણો ઓછો પગાર મળે છે એ વાત એમના વિશે અભ્યાસ કરનારી ટુકડીઓ પણ કહી ચૂકી છે. એમની આવી સ્થિતિ રાખવા માટે રાજકીય સ્થાપિત હિતો જવાબદાર છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય. રાજકારણીઓએ પોલીસોનો અવાજ દબાવી રાખવામાં કોઈ કચાશ રાખી નથી એટલું આના પરથી સ્પષ્ટ કહી શકાય. વર્ષ 2017માં કરાયેલા એક અભ્યાસ મુજબ દર એક લાખ નાગરિકોએ પોલીસોની સંખ્યા 131 છે. વાસ્તવમાં દેશમાં મંજૂર કરાયેલી સંખ્યા 181 છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘે સૂચવેલી સંખ્યા 222 છે. કર્મચારીગણ ઓછો હોવાને લીધે પોલીસોએ વધારે કલાકો સુધી વધારે કામ કરવું પડે છે. તેનાથી તેમની કામગીરી કથળેલી રહે છે.
પોલીસોની સ્થિતિ થોડી અલગ ચર્ચા માગી લે છે તેથી તેના વિશે આવતા વખતે વાતો કરીશું.
——————————-
Very timely article.Recently seen in SSR death case.Maharashtra government is clearly misusing police.
LikeLike