
કોરોનાની સ્થિતિમાં જોવા મળેલી સ્થાપિત હિતોની વાતને આપણે આગળ વધારીએ એવો પ્રતિસાદ બ્લોગના ઇમેઇલ પર મળ્યો છે. એવામાં બેંગલોરમાં તોફાનોના સમાચાર આવ્યા. એ તોફાનોને કોરોના સાથે સંબંધ નથી, પરંતુ સ્થાપિત હિતો સાથે સંબંધ છે. જો કે, આજે આપણે જે વાત કરવાના છીએ તેને આ બન્ને સાથે સંબંધ છે.
ભારતમાં હવે કોમી જુવાળ પેટાવવાની વારંવાર કોશિશ થઈ રહી છે. જો લોકો તેની પાછળની ચાલને સમજ્યા વગર વિનાકારણે ઉશ્કેરાઈ જશે અને કોઈ અનિચ્છનીય પગલું ભરી બેસશે તો મુશ્કેલી થશે. દિલ્હીમાં થયેલાં ધરણાં હોય કે બેંગલોરમાં થયેલાં તોફાનો અને પોલીસ સ્ટેશન પરનો હુમલો હોય, દેશમાં ફરી કોમી રમખાણો ભડકાવવાની કોશિશ થઈ રહી છે. સદનસીબે પ્રજા હવે કોમી તત્ત્વોની ચાલબાજી સમજી ગઈ છે, છતાં હજી સાવધ રહેવાની જરૂર છે.
આપણે સ્થાપિત હિતો સંબંધે આ જ વાત કરવાની છે. હાલમાં બે સમાચાર પ્રગટ થયા હતા. એમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું કે કોરોનાએ 196 ડૉક્ટરોનો ભોગ લીધો છે. મુંબઈથી આવેલા બીજા સમાચાર મુજબ શહેરના 40,000 પોલીસોમાંથી લગભગ 56 પોલીસો કોરોનાનો ભોગ બન્યા છે. કોરોનાનો ભોગ તો કોઈ પણ વ્યક્તિ બની શકે છે, પરંતુ ડૉક્ટરો અને પોલીસો તથા બીજા સામાન્ય નાગરિકો વચ્ચે એક મોટો ફરક છે. બીજા નાગરિકો ધારે તો ઘરમાં બેસી શકે છે. ઉલટાનું, સરકાર સામેથી એમને કહે છે કે તમે ઘરમાં બેસો, વગર કામે બહાર નીકળો નહીં. તેનાથી વિપરીત, પોલીસો અને ડૉક્ટરોએ પોતાની ફરજના ભાગરૂપે બહાર નીકળવું પડે છે. આપણે ગયા વખતે શરૂ કરેલી વાતને આગળ વધારતાં એ કહેવાનું છે કે કોરોનાનો પહેલો કેસ ભારતમાં આવ્યો ત્યારથી લઈને આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી એકેય દિવસ એવું લાગ્યું નથી કે કેન્દ્ર અથવા રાજ્ય સરકારોએ આ બન્ને વર્ગ માટે વિશેષ પગલાં લીધાં હોય. એમને કોરોના વોરિયર ગણાવાયા અને એમના માનમાં થાળીઓ અને શંખ વગાડવામાં આવ્યા, પરંતુ તેઓ કોરોનાથી હેમખેમ રહી શકે એવાં પગલાંનો તદ્દન અભાવ રહ્યો છે. સફાઈ કર્મચારીના ગળામાં નાગરિકોએ ચલણી નોટોના હાર પહેરાવ્યા હોય કોરોના કાળમાં એવું પણ જોવામાં આવ્યું છે, જ્યારે ડૉક્ટરોને એમના હકનું સ્ટાઇપેન્ડ (મહેનતાણું) પણ સમયસર મળ્યું નથી.
પોલીસો અને ડૉક્ટરો એ બન્ને વર્ગને લાગુ પડતી બાબત એ છે કે આ દેશમાં એમની સંખ્યા હંમેશાં જોઈએ એના કરતાં ઘણી ઓછી રહી છે. હવે કોરોનાએ એ અછતમાં પણ ઉમેરો કરીને એ વીર બહાદુરોને આપણી વચ્ચેથી ખેંચી લઈને સ્વર્ગે પહોંચાડી દીધા છે. આ લખનારે પત્રકારત્વનાં વર્ષોમાં પોલીસો અને ડૉક્ટરો એ બન્નેની સ્થિતિનો અભ્યાસ કર્યો છે તથા એમની વચ્ચે રહીને પત્રકારત્વ કર્યું છે. તેઓ હંમેશાં ઉપેક્ષાનો ભોગ બન્યા છે અને હજી બની રહ્યા છે. એમનો જન્મ જાણે નાહકના હેરાન થવા માટે અને મરવા માટે થયો હોય એવી સ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે.

આખા ગામના ઉતાર જેવા તથા અનેક ગુનાઓમાં સામેલ હોય એવા નેતાઓને સુરક્ષા માટે પોલીસોને તહેનાત રાખવામાં આવે છે, જ્યારે ડૉક્ટરો અને પોલીસોની સલામતી માટે કે દેખભાળ માટે નક્કર પગલાંનો અભાવ રહ્યો છે. આ વાત અનેક સમાચારોમાં બહાર આવી છે. એપ્રિલના એક સમાચારની વાત કરીએ તો એ મહિને 57 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલને કોરોનાનાં લક્ષણો દેખાયાં ત્યારે એમનો દીકરો એમને ચાર સરકારી હૉસ્પિટલમાં લઈને ફર્યો, પરંતુ ક્યાંય એમને ખાટલો અપાયો નહીં. એમને ઘરમાં ક્વોરન્ટાઇન કરવાનું સૂચન કરવામાં આવ્યું. છેવટે એમને વરિષ્ઠ પોલીસોની મદદથી કેઈએમ હૉસ્પિટલમાં દાખલ કરાયા, પરંતુ આઇસીયુમાં એમનું મૃત્યુ થયું. બીજા અનેક સમાચારો પરથી જાણવા મળ્યું છે કે ડૉક્ટરો પાસે પોતાની સલામતી માટે પૂરતી પીપીઈ કિટ પણ ન હતી. ડૉક્ટરો હાથ જોડીને બધાને કહેતા રહ્યા કે લોકો ઘરમાં રહીને લોકડાઉનનું પાલન કરે એ ઘણું જરૂરી છે, પરંતુ લોકોને ઘરમાં રાખવા માટેની કડકાઈ કરી શકે એટલી પોલીસોની સંખ્યા આ દેશમાં નથી. તેનું પરિણામ એ આવ્યું કે ઘણા લોકો સખણા રહ્યા નહીં અને તેમને કારણે ડૉક્ટરો અને પોલીસોએ વિનાકારણે જીવ ગુમાવવા પડ્યા. વળી, રોગચાળો પણ વધવા લાગ્યો.
ભારતમાં જો કોરોના આવશે તો તેને કડક લોકડાઉન રાખ્યા વગર કાબૂમાં રાખી શકાશે નહીં એવું સ્પષ્ટ હોવા છતાં એવું જોવામાં આવ્યું કે કોઈ રાજકારણીએ પોલીસની મદદથી લોકોને ઘરમાં રાખવાની કોશિશ કરી નહીં. ક્યારેક પોલીસે કડકાઈ દાખવી તો એમની તસવીરો અને વિડિયો વાઇરલ થયાં અને એમણે નાછૂટકે પોતાની જાતને કાબૂમાં રાખવી પડી, અન્યથા પોલીસ અત્યાચાર કરે છે એવો પ્રચાર થયો હોત.
ડૉક્ટરો અને પોલીસો પોતાના પરિવારથી દૂર રહીને લોકોની સેવા કરતાં રહ્યા, પરંતુ એમની સલામતી, સુવિધા તરફ સંપૂર્ણપણે દુર્લક્ષ થયું. અધૂરામાં પૂરું, કેટલાક લોકોએ ડૉક્ટરો પર હુમલા કર્યા. એમાં પણ કોમી રંગ આપવાનો પ્રયાસ થયો. એક સમાચાર એજન્સી તો એવી છે કે તેણે કોરોનાના શરૂઆતના સમયથી જ કોમી રિપોર્ટિંગ કર્યું છે. ડૉક્ટરો સેવા કરી રહ્યા છે એવું દેખાડવા માટેના રિપોર્ટમાં મોટાભાગના ડૉક્ટરો એક જ કોમના બતાવાયા. હવે લોકો જાણી ગયા છે કે કઈ ચેનલ કઈ પાર્ટીની છે અને કોનો પક્ષ લઈને વાત કરી રહી છે. આમ છતાં, લોકોએ હજી ઘણું જાણવાનું બાકી છે. નવાઈની વાત તો એ છે કે કેટલાક કિસ્સાઓમાં ડ્યુટી પતાવીને ઘરે જઈ રહેલા ડૉક્ટરોને પોલીસોએ હેરાન કર્યા હતા.
ટૂંકમાં, ડૉક્ટરો અને પોલીસો એ બન્ને વર્ગની સાથે આ દેશમાં અત્યાર સુધીમાં ઘણો અન્યાય થયો છે. તેની બીજી વિગતો વિશે આવતી કડીમાં વાત કરીશું.
———————————