
કોરોનાને કારણે શહેરો છોડીને વતન તરફ પાછા ફરેલા શ્રમિકો બાબતે આપણે ગયા વખતના બ્લોગમાં લખ્યું હતું: “….પરિણામ એ આવ્યું કે મનુષ્યો પશુઓ કરતાં પણ બદતર સ્થિતિમાં વતન તરફ જવા નીકળી પડ્યા અને રસ્તામાં અત્યંત દુઃખી થયા….” 8મી ઑગસ્ટે પીટીઆઇના સમાચાર આવ્યા કે મધ્ય પ્રદેશના ભીંડ જિલ્લામાં 42 વર્ષના એક શ્રમિકે નોકરી નહીં હોવાને કારણે સગીર વયની ત્રણ દીકરીઓ સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી. એક બાજુ કેન્દ્ર સરકાર જાહેરાત કરી રહી છે કે શ્રમિકો માટેની રોજગાર યોજના – ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ દેશના 116 જિલ્લાઓમાં શ્રમિકોને રોજગાર આપવામાં આવ્યા છે અને બીજી બાજુ એક ગરીબ કામદારે મોત વહાલું કરવું પડ્યું છે.
શ્રમિકો શહેરો છોડીને પોતપોતાના વતનમાં પાછા જઈ રહ્યા હતા ત્યારે વિવિધ રાજકીય પક્ષોએ જાતજાતના આક્ષેપો-પ્રતિ આક્ષેપો કર્યા, પરંતુ કોઈએ એમને પુનઃ સ્થાપિત કરવા માટે પૂરતાં પગલાં લીધાં નથી એવું મધ્ય પ્રદેશની ઘટના પરથી સ્પષ્ટ દેખાય છે. કેન્દ્ર સરકારની યોજના હેઠળ બધા જ શ્રમિકોને આવરી લેવાયા ન હોય એ સ્વાભાવિક છે, પરંતુ દેશની આઝાદીનાં 73 વર્ષ બાદ પણ જો ભરયુવાનીમાં એક માણસે ત્રણ સંતાનોને લઈને કૂવો પૂરવો પડે એ મોટી કરુણતા છે.

આ કરુણતાની પાછળ સૌથી મોટું કારણ રાજકીય, ધાર્મિક, આર્થિક અને સામાજિક ક્ષેત્રે રહેલાં સ્થાપિત હિતો છે. કયાં સ્થાપિત હિતો કેવી રીતે કામ કરી ગયાં એ લખવાનું બાકી છે, અત્યારે તો એટલું જ કહેવાનું છે કે કોરોના જેવા વૈશ્વિક રોગચાળા બાબતે ભારતમાં ઘણું કાચું કપાયું છે.
લોકો જેમને માથે બેસાડે છે અને એમનું આગમન થાય તો અડધા-અડધા થઈ જાય છે અને જેમની અવરજવર માટે અને સુરક્ષા માટે ઠેરઠેર રસ્તાઓ પર ટ્રાફિકને અટકાવી દેવાય છે એવા જનપ્રતિનિધિઓએ કોરોના સામેની લડાઈમાં ક્યાંય જનતાનું પ્રતિનિધિત્વ કર્યું હોય એવું દેખાયું જ નથી.
વડા પ્રધાને દેશમાં લોકડાઉનની જાહેરાત કરી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે 21 દિવસ સંયમ નહીં રાખો તો દેશ 21 વર્ષ પાછળ ચાલ્યો જશે. બહુ જ સ્પષ્ટ અને સારી વાત હતી. 21 દિવસના પ્રથમ તબક્કામાં જનપ્રતિનિધિઓએ ધાર્યું હોત તો કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવી શકાયું હોત. સાથે સાથે સ્થાનિક સ્તરની આરોગ્ય સેવાની મદદથી કોરોનાના ફેલાવાની શ્રૃંખલાને તોડી પાડી શકાઈ હોત. એ વખતે મરકઝનો હોબાળો થયો એમાં સ્થાપિત હિત નહીં તો બીજું શું હતું? દુનિયા આખીમાં ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો હોવા છતાં સરકારી તંત્રે તબ્લિગી જમાતની મીટિંગ થવા દીધી તેની પાછળ રાજકીય અને ધાર્મિક સ્થાપિત હિતો કામ કરી ગયાં. પછી મુંબઈમાં શ્રમિકો રેલવે સ્ટેશન પાસે ભેગા થયા અને પછી સુરતમાં શ્રમિકોની બૂમરાણ મચી. એ વખતે રાજ્ય સરકારોએ મોટી મોટી વાતો કરી કે શ્રમિકોએ ક્યાંય જવાની જરૂર નથી, તેમના માટે ખાધાખોરાકી અને રહેવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. એ વાતો માત્ર ચૂંટણીનાં વચનો જેવી પોકળ જ રહી અને અંતે શ્રમિકોએ નાછૂટકે હિજરત શરૂ કરી. અહીં રાજકીય સ્થાપિત હિતોએ આપસી લડાઈમાં બાજી વધુ બગાડી નાખી.
શ્રમિકોની હિજરતનાં દૃશ્યોએ ભલભલાં કઠણ કાળજાના લોકોની આંખોમાં આંસુ લાવી દીધાં, પણ રાજકારણીઓના પેટનું પાણી હલ્યું નહીં. બે રાજ્યો વચ્ચે બસનું રાજકારણ ખેલાયું અને એક રાજ્ય તથા કેન્દ્ર સરકાર વચ્ચે ટ્રેન પૂરી પાડવા બાબતે રાજકારણની ગંદી રમત રમાઈ.
કોરોનાની સામે લડનારા ડૉક્ટરો, નર્સો, તબીબી સ્ટાફ, પોલીસો, સફાઈ કર્મચારીઓ એ બધાને કોરોના વોરિયર કરી-કરીને પોરસ ચડાવાયું, પરંતુ એમનાં મોતનો મલાજો કોઈએ રાખ્યો નહીં અને એ વોરિયર શહીદ થવા માટે જ જન્મ્યા હોય એટલી બેફિકરીથી લોકોએ વર્તે રાખ્યું અને એમને બચાવવા તરફ કોઈ કરતાં કોઈએ ધ્યાન આપ્યું નહીં.
8મી ઑગસ્ટે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને જણાવ્યું છે કે કોરોના સામેના જંગમાં 196 ડૉક્ટરોનાં મોત થયાં છે, જેમાંથી 40 ટકા ડૉક્ટરો જનરલ પ્રેક્ટિશનર્સ એટલે કે ફેમિલી ડૉક્ટર્સ હતા. બધાને પોતપોતાનો જીવ વહાલો હોય છે, છતાં ડૉક્ટરોએ પોતાની ફરજ અદા કરી છે. એ જ વાત દરદીઓની સેવા-સુશ્રુષા કરનારા તમામ લોકોને લાગુ પડે છે.
બીજી બાજુ સેંકડો પોલીસોનાં પણ મોત થયાં છે. પોલીસ એવો વર્ગ છે, જે ધારે તો બધા લોકોમાં કડપ રાખી શકે છે, પરંતુ તેમને આ રાજકારણીઓએ પોતાની શતરંજનાં પ્યાદાં બનાવીને રાખ્યા હોવાથી તેમણે પણ જાન ગુમાવવા પડ્યા છે. કોરોનાની સામે લડીને સાજા થયેલા લોકો પર ફૂલ વરસાવવાનું નાટક કરવામાં આવે છે, પરંતુ સરકારી હૉસ્પિટલોમાં સેવા આપનારા બિચારા રેસિડન્ટ ડૉક્ટરોને તેમની મહેનતનું પૂરતું મહેનતાણું આપવા વિશે કોઈ દેકારો મચાવતું નથી અને રાજકારણીઓના પેટનું પાણી એમાં પણ હલતું નથી.
ડૉક્ટરોએ અને પોલીસોએ તો પોતાના વ્યવસાયને વફાદાર રહેવાના શપથ લીધા હોય છે. જો એમ જ હોય તો રાજકારણીઓએ પણ જનપ્રતિનિધિત્વ સ્વીકારતી વખતે જનસેવાના શપથ લીધા હોય છે. ડૉક્ટરો અને પોલીસોએ પોતાના શપથ નિભાવવાના અને જનપ્રતિનિધિઓએ બસ મજા જ કર્યે રાખવાની? એમ તો કેટલાક જનપ્રતિનિધિઓ પણ કોરોનાથી બીમાર થયા છે, પરંતુ તેઓ જનસેવા કરતા હોય તેના કરતાં બેજવાબદારીપૂર્વક આમતેમ ફરતા હોય તેને કારણે અને ભગવાન કરતાં પણ પોતાને મોટા માનતા હોય એવી વૃત્તિને કારણે બીમાર પડ્યા છે. અમુક જ નેતા એવો હશે જે ખરેખર સેવાનાં કાર્યો કરવાને કારણે કોરોનાનો દરદી બન્યો હોય. આપણે કોઈને જાણીજોઈને મારવા નથી, પરંતુ બીજા હજારો લોકો મરી રહ્યા હોય એવા સમયે કાયદો-વ્યવસ્થા, તબીબીતંત્ર, વહીવટીતંત્ર, વગેરે બધાં જ તંત્રો પર કાબૂ ધરાવતા રાજકારણીઓએ પોતાની જવાબદારી નિભાવી હોય એવું ચિત્ર ક્યાંય કેમ દેખાતું નથી?
કોરોના સામેની લડાઈમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની એકરૂપતાને બદલે પરસ્પરવિરોધી વલણ અને વર્તન જ કેમ ઉડીને આંખે વળગે છે? એક બાજુ કોરોના વધુ ને વધુ વિકરાળ બની રહ્યો હોય ત્યારે સત્તાપરિવર્તનની ગંદી રમતો ચાલતી જોવા મળે એ તે વળી કેવી લોકશાહી? કોરોનાને કારણે લોકોનાં જીવન અને અર્થતંત્રના લીરેલીરા ઉડી રહ્યા હોય એવા સમયે કોઈને મનુષ્યોના જીવ બચાવવા અને અર્થતંત્રને ફરી ઊભું કરવા સિવાયનો બીજો કોઈ વિચાર આવે જ કેવી રીતે!
જો વાંચકો કહેશે તો સ્થાપિત હિતો સંદર્ભે કોરોનાના વિષયને આગળ વધારીશું, અન્યથા બીજા મુદ્દાઓ છેડશું. આપનો પ્રતિભાવ vicharkranti2019@gmail.com પર સંદેશ મોકલવા વિનંતી.
——————————————————-
Continue please
LikeLike
It is very true nd everybody has to do their duty
LikeLike