
આપણે ગયા વખતના બ્લોગમાં સવાલ ઉઠાવ્યો હતો કે શું ભારતમાંથી સ્થાપિત હિતોની બનેલી આઇએએસ સિસ્ટમને નાબૂદ કરવાનો સમય પાકી ગયો છે? ખરી રીતે તો, એ સવાલ મનમાં આવ્યા બાદ બીજો એક મુદ્દો પણ ધ્યાનમાં આવ્યો. ભારતમાં માત્ર આઇએએસ સિસ્ટમ જ નહીં, અનેક ક્ષેત્રોમાં સ્થાપિત હિતો કામ કરી રહ્યાં છે અને એ બધાંને કાબૂમાં રાખ્યા વગર દેશનું હિત સાધવાનું મુશ્કેલ છે.
દરેક વ્યક્તિ પોતાનું હિત જુએ એ મનુષ્ય સહજ છે, પરંતુ અમુક વર્ગ સાંઠગાંઠ કરીને મોટા પાયે સ્થાપિત હિતો ઊભાં કરે અને બીજાઓનાં હિતોને નુકસાન કરે ત્યારે સ્થિતિ બગડે છે. ભારતમાં માત્ર રાજકીય નહીં, આર્થિક, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ સ્થાપિત હિતો કામ કરી રહ્યાં છે. પરિણામે, દેશને પ્રચંડ નુકસાન થઈ રહ્યું છે. આ બધાં સ્થાપિત હિતો દેશના વિકાસના માર્ગમાં તોતિંગ અવરોધ બનીને ઊભાં રહ્યાં હોવાથી ઘણી જહેમત બાદ પણ દેશ ધારી પ્રગતિ કરી શક્યો નથી.
અમુક સ્થાપિત હિતો ઉડીને આંખે વળગે એવાં હોય છે, જ્યારે અમુક લાકડાની અંદર ઘર કરી ગયેલી ઉધઈ જેવાં હોય છે, જે દેખાતાં નથી, પરંતુ આખા દેશને અંદરથી કોતરી ખાય છે. અનેક ફિલ્મોમાં આપણે તેનું ચિત્રીકરણ જોઈ ચૂક્યા છીએ. ઘણી વખત ફિલ્મમાં જોઈએ ત્યારે આશ્ચર્ય થાય કે શું ખરેખર આવું બનતું હશે, પરંતુ હકીકત એ છે કે ફિલ્મો સમાજનો આયનો છે. જો કે, વાસ્તવિકતા એ પણ છે કે ફિલ્મોમાં એવાં ઘણાં કૃત્યો દર્શાવાતાં નથી જે વાસ્તવમાં સ્થાપિત હિતો આચરતાં હોય છે!
આપણે રાજકીય સ્થાપિત હિતોથી જ વાતની શરૂઆત કરીએ. અત્યારે દેશભરમાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયાની સ્થિતિ છે, પરંતુ હરામ બરાબર છે જો કોઈ રાજકારણીએ રાજકારણને બાજુએ રાખીને રોગચાળાની સામે લડવાની વાત કરી હોય. ભારત માટે કહેવાતું આવ્યું છે કે એમ આપણે અંદરોઅંદર ભલે ઝઘડતા હોઈએ, બહારનો કોઈ દુશ્મન આવે તો આપણે સૌ એક થઈ જઈએ છીએ, પરંતુ કોરોના વખતે આખી દુનિયાએ જોઈ લીધું છે કે કોઈ એક થયું નથી. પરિણામ, એ આવ્યું કે લોકડાઉનનું શરૂઆતનું યોગ્ય પગલું ભરવા છતાં અને દરદીઓની સંખ્યાને નિયંત્રિત રાખવાનું શક્ય હોવા છતાં દેશ આજે નવા દરદીઓની સંખ્યા અને મોતની સંખ્યાની દૃષ્ટિએ દુનિયામાં પ્રથમ ક્રમાંકે પહોંચી ગયું છે. તેનું કારણ દેશમાં રહેલાં રાજકીય સ્થાપિત હિતો છે.
જો કોઈ એમ ખાંડ ખાતું હોય કે એમનાં પગલાંને કારણે દેશમાં મોતનો આંકડો નિયંત્રિત રાખી શકાયો છે, તો એ ભૂલે છે, કારણ કે હજી રોગચાળો દેશમાંથી દૂર થયો નથી. લોકો બચ્યા હોય તો તેની પાછળ બીસીજી (ટીબી માટેની રસી) રસીકરણથી માંડીને બીજી અનેક બાબતો છે. એમાં ડૉક્ટરો, નર્સો, પોલીસો, વોર્ડ બોય અને તબીબી સેવા તથા પોલીસ સેવાના નિઃસ્વાર્થ લોકોએ કરેલી સેવાનો સમાવેશ થાય છે. એ ઉપરાંત અનેક સેવાભાવી લોકોએ કરેલી નિઃસ્વાર્થ સેવા પણ રોગચાળાને નિયંત્રિત રાખવા માટે જવાબદાર છે. આ બીમારીને વધુ નિર્દયી બનતી રોકવામાં દયાવાન અને કરુણાવાન એવા સંખ્યાબંધ લોકોનો અને તત્ત્વોનો ફાળો છે, પરંતુ ‘રાજકારણી‘ નામનું કોઈ તત્ત્વ તેમાં કામે આવ્યું હોય એવું લાગતું નથી.
રાજકારણને જરાપણ શ્રેય આપવાનું મન થતું નથી, તેનું કારણ પોતાનો કોઈ પૂર્વગ્રહ નહીં, પરંતુ નક્કર વાસ્તવિકતા છે. ભારતની લોકશાહીને જે ઉદ્દેશ્ય સાથે ઘડવામાં આવી છે એ લોકશાહી પદ્ધતિનો યોગ્ય અમલ થયો હોત તો આજે લોકડાઉનનું સમયસરનું પગલું સમયસરનું પરિણામ પણ બતાવી શક્યું હોત. કોઈએ ભરેલા પગલાને શ્રેય આપવું નહીં એવી ભારતીય રાજકારણીઓની વૃત્તિને લીધે જ રોગચાળો વિકરાળ બન્યો છે. કોઈના પગલાને મહત્ત્વ આપવાને બદલે તેના પગ ખેંચવાનું ભારતનું રાજકારણ એ સૌથી મોટું સ્થાપિત હિત છે. કોરોના જેવો વૈશ્વિક રોગચાળો એક બાજુ માથું ઉંચકી રહ્યો હોય ત્યારે બધા રાજકીય પક્ષોએ રાજકારણને બાજુએ રાખીને આ બીમારી સામે લડવાને પ્રાથમિકતા આપવી જોઈએ, પરંતુ વાસ્તવમાં એવું બન્યું નહીં. રોગચાળાના શરૂઆતના તબક્કામાં જ શ્રમિકોને પોતાના વતનમાં પાછા જતાં રોકવા માટે કે તેમને સંભાળપૂર્વક મોકલવા માટે કોઈ રાજકીય પક્ષે જવાબદારી લીધી નહીં. પરિણામ એ આવ્યું કે મનુષ્યો પશુઓ કરતાં પણ બદતર સ્થિતિમાં વતન તરફ જવા નીકળી પડ્યા અને રસ્તામાં અત્યંત દુઃખી થયા.
દેશનાં સ્થાપિત હિતોને પોતાના સિવાય બીજું કંઈ દેખાતું જ નહીં હોવાથી તેઓ પોતાની રોટલી શેકવા જેટલો જ ઉપયોગ આ રોગચાળાની બાબતે કરી રહ્યાં છે.
આ વિચારને આપણે આગામી કડીમાં હજી આગળ વધારશું.
………………………………………………..