ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચારને મહત્ત્વ આપતા રામચંદ્ર પાંડા
(ઓરિસાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર શ્રી રામચંદ્ર પાંડાના ઇન્ટરવ્યૂ પર આધારિત લેખનો ભાગ -2)

ભારતમાં હજી 1 કરોડ લોકો ઢોરઉછેર અને મત્સ્યોદ્યોગમાં રોજગાર પામી શકે છે. ફૂડ પ્રોસેસિંગ, વસ્ત્ર નિર્માણ, કાર્પેટ મેકિંગ, માટીકામ, ચામડું પકવવું, ઝાડુ અને દોરડા બનાવવા, સુથારકામ, ટોપલી બનાવવી, વગેરે જેવાં કામો દ્વારા કુટિર ઉદ્યોગને દેશમાં ફરીથી સક્રિય કરી શકાય છે. ઓરિસા વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર રામચંદ્ર પાંડાએ આ મત વ્યક્ત કર્યો છે.
તેઓ કહે છે કે વાંસની મદદથી ખુરશીઓ, ઘરવપરાશની બીજી અનેક વસ્તુઓ તથા હસ્તકળાની વસ્તુઓનું નિર્માણ શક્ય બને છે. વાંસનાં પાન બકરીથી માંડીને હાથી સુધીનાં અનેક પ્રાણીઓ માટે ખોરાક બને છે. હાથીઓ ખોરાકની શોધમાં મનુષ્યોની વસાહતોમાં પહોંચે છે ત્યારે સમસ્યા સર્જાય છે. આથી વનોમાં વાંસ ઉગાડીને હાથીઓ માટે ત્યાં જ ખોરાકની વ્યવસ્થા કરી દેવી જોઈએ. જંગલ ઉપરાંત તળેટીઓમાં અને નદીકિનારે પણ વાંસ ઉગાડવા જોઈએ જેથી પશુઆહાર અને કુટિર ઉદ્યોગ બન્નેનું કામ થઈ જાય.

પાંડા કહે છે કે દરેક ગામમાં એક ટીંબો હોવો જોઈએ, જેમાં ફળનાં 500 ઝાડનો ઉછેર કરી શકાય. જગ્યા અને જળના આધારે એ ઉપવન ઉગાડવું જોઈએ. તેનાથી દરેક ગામમાં પર્યાવરણનું રક્ષણ થઈ શકશે. જો દરેક ગામ ઘઉં, ચોખા, દૂધ, શાકભાજી એ બધી વસ્તુઓની બાબતે આત્મનિર્ભર બની જશે તો ગામોમાંથી શહેરોમાં થતી હિજરતને રોકી શકાશે. ગાંધીજી આ જ રીતે દરેક ગામને આત્મનિર્ભર બનાવવા માગતા હતા.
તેમણે ગ્રામ સ્વરાજનો વિચાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે દરેક ગામમાં ખોરાક અને વસ્ત્રોનું સ્થાનિક સ્તરે જ ઉત્પાદન થવું જોઈએ. એ ઉપરાંત ગામમાં પોતાનું પશુધન અને નાના-મોટા લોકો માટે મનોરંજન અને ખેલકૂદની જગ્યા હોવી જોઈએ. દરેક ગામમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા ઉપરાંત શાળા અને જાહેર સભાખંડ હોવો જોઈએ.
રામચંદ્ર પાંડા કહે છે કે કોરોનાના રોગચાળાની પરિસ્થિતિમાં સરકારોએ અને નાગરિકોએ ગાંધીજીના આદર્શોનું પાલન કરીને સમાજને બહેતર બનાવવો જોઈએ.
કૃષિ ક્ષેત્રે આજની તારીખે કયાં પરિબળો નડતરરૂપ બને છે એ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ખેડૂતોને બિયારણ, પાણી અને વીજળીની ખાસ જરૂર હોય છે.
ઓરિસામાં નદીઓના જોડાણના પ્રોજેક્ટ માટે હંમેશાં સક્રિય રહેલા આ ભૂતપૂર્વ વિધાનસભ્ય કહે છે કે નદીના પટના વિસ્તારોમાં જો ખેડૂતોને નિઃશુલ્ક વીજળી આપવામાં આવે તો ખેડાણ વધારી શકાય છે. ભારતમાં નદીની સંસ્કૃતિ છે, પરંતુ મોટાભાગની નદીઓ સૂકી હોય છે અથવા ચારથી પાંચ મહિના સુધી ઘણું ઓછું પાણી હોય છે. તેનું કારણ પર્યાવરણને થયેલું નુકસાન છે. આવી સ્થિતિમાં જળસંચયનું કામ થવું જોઈએ. ઉપરથી નીચે વહેતા નદીના પ્રવાહ પર થોડી ઉંચાઈના ચેક ડેમ અને નાળાં બનાવી શકાય, જેથી સિંચાઈ માટે અને ગ્રામજનો તથા ઢોરો માટે પાણી મળી રહે. અમુક લોકોનું કહેવું છે કે વાય. એસ. રેડ્ડી સંયુક્ત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા એ સમયે એમણે ચેક ડેમ બનાવવા માટે સારી મહેનત લીધી હતી, જેને લીધે એમની લોકપ્રિયતા વધી હતી.
દેશના રાજકારણીઓએ દરેક ગામને સંપૂર્ણ સ્વરાજ અને આત્મનિર્ભર બનાવવાના ગાંધીજીના વિચારનો અમલ કર્યો નહીં એ એક મોટી ખામી રહી ગઈ. હવે જળસંચય અને વનીકરણને પ્રાથમિકતા આપવી જોઈએ, એમ તેમણે કહ્યું છે.
એક સૂચન કરતાં રામચંદ્ર પાંડાએ કહ્યું છે કે ખેડૂતોને વીજળી મફત આપવામાં આવે તો 500 કરોડ રૂપિયાની સરકારી આવક જતી રહે, પરંતુ કૃષિના હિતમાં એ નિર્ણય લેવાવો જોઈએ. આ રકમ વ્યર્થ નહીં જાય. તેનાથી ખેતી માટેની કાયમી માળખાકીય સુવિધા ઊભી થશે.
આપણે યોજનાઓ ઘડવામાં હોંશિયાર છીએ, પરંતુ તેનો અમલ કરવામાં નબળા છીએ, એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે આજે પણ આપણે ખાદ્યતેલની આયાત કરવી પડી રહી છે. આપણે વિશાળ દરિયાઈ પટા પર મગફળી, તલ, સરસવ, સૂર્યમુખી અને પામ ફ્રૂટનું ઉત્પાદન બમણું કરવા સમર્થ છીએ. આ રીતે આપણે ખાદ્યતેલની બાબતે આત્મનિર્ભર બની શકીએ છીએ. એક સમયે દરેક ગામમાં ઘાણીઓ હતી. આપણે તેમનું રક્ષણ કરી શક્યા નહીં, કારણ કે કુટિર ઉદ્યોગનું જ આપણે રક્ષણ કર્યું નથી.
જાહેર ક્ષેત્રની વાત કરતાં તેમણે કહ્યું હતું કે તેના 60થી 70 ટકા કોલ્ડ સ્ટોરેજ નકામાં થઈ ગયાં છે. તેને કારણે આપણાં ફળ-શાકભાજીનો 20 ટકા બગાડ થાય છે. સરકારે દરેક બ્લોકમાં કૂલિંગ ચેમ્બરની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી સ્થાનિક સ્તરે કૃષિપેદાશોની સાચવણી થઈ શકે. એ ચેમ્બરોનો વહીવટ સ્વયં સહાય જૂથોને સોંપવામાં આવવો જોઈએ.
————————————————