
– વેપારીઓ-પ્રોસેસર્સને માર્કેટ યાર્ડની સેસની મુક્તિ મળતાં ટ્રેડ-એક્સપોર્ટ વધશે
– ખેડૂતો અત્યારે પણ ગમે ત્યાં અને રાજ્ય બહાર વેચી શકે છે; હાલ કોઇ નિયંત્રણ નથી
લેખકઃ મયૂર મહેતા (કોમોડિટી ક્ષેત્રના નિષ્ણાત અને કોમોડિટી વર્લ્ડ અખબારના તંત્રી)
ખેતપેદાશોના વેપારના ઉદારીકરણ માટે નરેન્દ્ર મોદી સરકારે ત્રણ મહત્ત્વના કાયદાને કેબિનેટની મંજૂરી આપવાનો આવકાર્ય નિર્ણય કર્યો છે. જો કે, ખેડૂતોના હિતનો ઢંઢેરો વધુ પડતો છે.
સરકારે 65 વર્ષ જૂનો આવશ્યક ચીજવસ્તુ ધારો રદ કર્યો છે. માર્કેટ યાર્ડોની બહાર ખેતપેદાશોનું વેચાણ કરવા પર લાગતી સેસને દૂર કરતો ‘ધ ફાર્મિંગ પ્રોડયુસ ટ્રેડ ઍન્ડ કૉમર્સ ઓર્ડિનન્સ 2020’ તૈયાર કર્યો છે, જે અંતર્ગત કોઇપણ પૅનધારક ખેતપેદાશોનો વેપાર કરી શકશે તેમ જ ફાર્મ પ્રોડ્યુસ કંપનીઓ, સહકારી મંડળીઓ અને ખેડૂતોની કોઇ મંડળી પૅન કાર્ડ વગર પણ ખેતપેદાશોનો વેપાર કરી શકશે.
આ કાયદા અંતર્ગત ખેતપેદાશોના વેપારમાં ખેડૂતને ત્રણ દિવસમાં નાણાં મળી જવાં જોઇએ તેવી મર્યાદા નક્કી કરાઈ છે. ખેડૂતો ઑનલાઇન પ્લૅટફોર્મ પર પોતાની ખેતપેદાશો વેચી શકશે. આ ઓર્ડિનન્સ (વટહુકમ) ઉપરાંત સરકારે ‘ધ ફાર્મર્સ એમ્પાવર ઍન્ડ પ્રોટેકશન એગ્રીમેન્ટ ઍન્ડ પ્રાઇસ ઍસ્યોરન્સ ઍન્ડ ફાર્મ સર્વિસ ઓર્ડિનન્સ-2020’ પણ જાહેર કર્યો હતો, જે અંતર્ગત ખેડૂતો સાથે દગાખોરી કરનારા વિરુદ્ધ કાનૂની પગલાં લેવાની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. જો કે, આ બાબતની સત્તા રાજ્ય સરકાર પાસે રહેશે.
આ ત્રણ નવા કાયદા દ્વારા સરકારે ખેતપેદાશોના વેપારને વેગ અપાવ્યો છે અને ખેતપેદાશોના વેપાર સાથે સંકળાયેલા દરેક વર્ગને પડતી તકલીફોને એકઝાટકે દૂર કરી દીધી છે, જેને કારણે હવે દરેક એગ્રિકલ્ચરલ પ્રૉડક્ટનો વેપાર કોઇપણ જાતની અડચણ વગર ફૂલશે અને ફાલશે.

ખાસ કરીને ખેતપેદાશોની નિકાસ કરનારાઓને અત્યાર સુધી માર્કેટ સેસ બાબતે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેનું હવે સંપૂર્ણપણે નિરાકરણ થઇ ચૂક્યું છે.
કેટલાક કિસ્સામાં માર્કેટ યાર્ડનું અસ્તિત્વ માત્ર ચોપડે બતાવેલું હોય છે. આવા વિસ્તારમાં માર્કેટ યાર્ડના બની બેઠેલા સત્તાવાળાઓ વેપારીઓને દબડાવીને માર્કેટ સેસ ઉઘરાવતા આવ્યા છે. એ હવે બંધ થઈ જતાં વેપારીઓની પરેશાની દૂર થઇ છે. કેટલાંક પ્રોસેસર્સ અને એક્સપોર્ટર્સને માર્કેટ સેસ બાબતે પરેશાની થતી હતી તે દૂર થતાં હવે એક્સપોર્ટર્સ પણ દેશના કોઇપણ ખૂણેથી પોતાને જે ક્વોલિટી જોઇતી હોઇ તેની ખરીદી કરશે અને તેમણે જે-તે વિસ્તારના માર્કેટ યાર્ડની સેસ નહીં ભરવી પડે.
આ ઉપરાંત આવશ્યક ચીજવસ્તુ ધારાનો સાડા છ દાયકા જૂનો જડ કાયદો દૂર કરીને વેપારીઓની પરેશાની દૂર કરી દેવાઈ છે. આવશ્યક ચીજવસ્તુ ધારાના બહાના હેઠળ પુરવઠાતંત્રના અધિકારીઓ દ્વારા બેફામ ઉઘરાણાં અને દાદાગીરી ચાલતાં હતાં તે પણ દૂર થઇ જશે. દુકાનના બોર્ડ પર સ્ટૉક લખવાનો અને તેને લગતા જુદા ચોપડા ચીતરવાની પળોજણમાંથી વેપારીઓને મુક્તિ મળી જતાં વેપારીઓ ભય વગર વેપાર કરી શકશે અને પુરવઠાતંત્રની દાદાગીરી બંધ થશે. કેટલાક કિસ્સામાં તો પુરવઠા અધિકારીઓ જે-તે વિસ્તારમાં કોઇ બુટલેગર ખંડણી ઉઘરાવે તેવી દાદાગીરી કરતા હતા. આમ,વેપારીઓની તમામ મુશ્કેલીઓ એક જ ઝાટકે દૂર થઇ છે.
સરકારે આ ત્રણ કાયદા દ્વારા ખેતપેદાશોનો વેપાર કરનારા તમામ વર્ગોને ફાયદો પહોંચાડ્યો છે તેનો સીધો ફાયદો ખેડૂતોને પણ થશે. જો કે, સરકારે જે રીતે ખેડૂતોને મોટો ફાયદો થશે તેવો જે પ્રચાર કર્યો છે તે સંપૂર્ણપણે રાજકીય અને ખેડૂતોની વોટ બૅન્કને ખુશ કરવાનો છે. ખેડૂતને અત્યારે દેશમાં કોઇપણ જગ્યાએ પોતાની પેદાશો વેચવા પર કોઇ જાતનું કાયદાકીય નિયંત્રણ નથી અને ખેડૂતોને હાલ કોઇ રોકતું પણ નથી. આથી, ખેડૂતોને હવે કોઇપણ જગ્યાએ, એકબીજા રાજ્યમાં કે સીધી નિકાસ કરવાની છૂટ અપાઇ હોવાનાં નગારાં વગાડવામાં આવ્યાં છે તે વધુપડતાં છે. આ કાયદાકીય ફેરફારથી ખેડૂતોને સો ટકા ફાયદો થશે પણ સાથે સાથે ખેડૂતોને થોડું નુકશાન પણ થવાનું છે. હાલ કેટલાય માર્કેટ યાર્ડો ખેડૂતોનાં હિતોની રક્ષા માટે અને ખેડૂતો માટે ઘણા સેવાકીય કામો કરી રહ્યાં છે. તે માર્કેટ યાર્ડો નવા નિયમોથી નબળાં પડતાં ખેડૂતોને થોડું નુકશાન પણ જવાનું છે. ખાસ કરીને નબળી ખેતપેદાશોના વાજબી ભાવ માર્કેટયાર્ડ હરાજીમાં જ મળી રહ્યા છે. આથી નવા કાયદા અનુસાર માર્કેટ યાર્ડોમાં સારી ક્વોલિટીની ખેતપેદાશો નહીં આવે તો જતેદહાડે માર્કે ટયાર્ડો કબાડીબજાર બની જશે; તે પણ ખેડૂતો માટે જોખમી બની શકે છે.
વેપારીઓ-પ્રોસેસર્સ-એક્સપોર્ટર્સ માટે પતાસાં વહેંચવા જેવો નિર્ણય | ઊંઝામાં વર્ષોથી રાજસ્થાન-મધ્ય પ્રદેશના ખેડૂતો જીરું-ઇસબગુલ વેચવા આવે છે |
---|---|
ખેતપેદાશોના વેપારીઓ-પ્રોસેસર્સ અને એક્સપોર્ટર્સ માટે સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ ધારાને રદ કરવામાં આવ્યો અને માર્કેટ યાર્ડ બહાર થતા વેપારને માર્કેટ સેસમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો તે ખરેખર પતાસાં વહેંચવા જેવો નિર્ણય છે. ગુજરાતની કોટનજીનો, ઓઇલમિલો, સોર્ટેક્ષ-ગ્રેડિંગ યુનિટો, મશીનક્લીન યુનિટો, હલ્દ ફેક્ટરીઓ ઉપરાંત અનેક એગ્રિકલ્ચર પ્રોડક્ટનું પ્રોસેસિંગ કરતી ફેક્ટરીઓને સરકારના આ નિર્ણયથી ટેક્સ ભરવામાંથી મુક્તિ ઉપરાંત ખોટી હેરાનગતિમાંથી મુક્તિ મળવાની છે. વેપારીઓ અને પ્રોસેસર્સની માર્કેટ યાર્ડની સેસ માટેના ચોપડા ચીતરવા, સેસ ભરવી અને પુરવઠાતંત્રની હેરાનગતિ, આ બે મોટી સમસ્યા હતી તેનો સરકારે એક જ ઝાટકે નિકાલ કરી દીધો છે. | ખેડૂતોના હિત માટે કાયદામાં ફેરફાર કરાયો હોવાની જાહેરાત સાથે એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતો અત્યાર સુધી માર્કેટ યાર્ડ સિવાય વેપાર કરી શકતા નહોતા અને એક રાજ્યનો ખેડૂત બીજા રાજ્યમાં તેની ખેતપેદાશ વેચી શકતો નહોતો તે તદ્દન ખોટી વાત છે. ખેડૂતો પર આવા કોઇ નિયંત્રણ ક્યારેય નહોતા. આજે પણ ગુજરાતમાં કપાસના 80 ટકા વેપારો ડાઇરેક્ટ જીનપહોંચ થાય છે. મગફળીના પણ 20 થી 25 ટકા વેપાર ડાઇરેક્ટર મિલ ડિલિવરીના થાય છે. ખેડૂતો જીન પર જઇ પોતાનું કપાસ બેરોકટોક વેચી રહ્યા છે. ઊંઝામાં વર્ષોથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ખેડૂતો જીરું અને ઇસબગુલ વેચી જાય છે. તેને કોઇ ચેકપોસ્ટ પર પણ રોકતું નથી કે એવો કોઇ નિયમ પણ નથી. આવા ડાઇરેક્ટ વેપારમાં હવે માત્ર વેપારીઓને માર્કેટ સેસ ભરવામાંથી મુક્તિ મળી છે, જેનો ફાયદો હવે કોઇ વેપારી કે પ્રોસેસર્સ ધારે તો ખેડૂતોને પાસ ઓન કરી શકે છે. |
————-