રાજ્ય-કેન્દ્ર બંનેના કૃષિપ્રધાન શક્તિશાળી ખેડૂતનેતા હોવા છતાં ખેડૂતો કેમ પરેશાન?

લેખકઃ મયૂર મહેતા (કોમોડિટી ક્ષેત્રના નિષ્ણાત અને કોમોડિટી વર્લ્ડ અખબારના તંત્રી)
– જે ખેડૂતનેતાઓએ કૉંગ્રેસના શાસન વખતે ખેડૂતોને ટેકાના ભાવ અપાવવા મોટાં-મોટાં આંદોલનો કર્યાં હતાં તેઓ પાસે બધી જ સત્તા હોવા છતાં ખેડૂતો ટેકાના ભાવથી પરેશાન
– ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતાં ત્યારે કૉંગ્રેસી નેતાઓ હાલ આંદોલનો કરી રહ્યા છે, પણ તેઓ સત્તામાં હતા ત્યારે ખેડૂતોને ટેકાના ભાવ નહોતા મળતા તે ખાસ યાદ રાખવું
ખેડૂતઆલમ હાલ ટેકાના ભાવની ખરીદીમાં થતા ધાંધિયાથી પરેશાન છે. ગુજરાતમાં ઠેર-ઠેર ખેડૂતો દ્વારા સરકાર સામે દેખાવો અને સૂત્રોચ્ચારો કરીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. વિરમગામ-રાધનપુર બાજુ ખેડૂતોએ રસ્તા રોકો આંદોલન કરીને ચણાની ખરીદીમાં મુકાયેલા કાપનો વિરોધ કર્યો હતો. સમગ્ર ગુજરાતના ખેડૂતો હાલ સરકારની ટેકાના ભાવે થતી ખરીદીની નીતિના વિરોધમાં આંદોલનો કરી રહ્યા છે. આ ઉપરાંત ભારતીય કિસાન સંઘના દરેક વિસ્તારના નેતાઓ દ્વારા પણ ટેકાના ભાવે થતી ખરીદીની નીતિ સામે વિરોધ થઇ રહ્યો છે.

આવા સમયે પ્રશ્ન એ થાય છે કે ખેડૂતોના મતથી ચૂંટાઇને સત્તાના સિંહાસને પહોંચેલા અને ખેડૂતનેતા તરીકે પ્રસ્થાપિત થઇ ચૂકેલા ધારાસભ્યો, સાંસદો અને પ્રધાનો હાલ કેમ મૌન છે? અત્યારે ગુજરાતના ધારાસભ્યો, સંસદસભ્યો કે ગુજરાતના પ્રધાનોનું લિસ્ટ જુઓ તો તેમાં સૌથી વધારે ખેડૂતોમાંથી આવેલા લોકો છે. ગુજરાતના કૃષિપ્રધાન અને કેન્દ્રીય કૃષિરાજ્યપ્રધાન ખેડૂતોની વચ્ચે રહીને રાજકારણમાં પ્રવેશ્યા અને ખેડૂતોના મતોથી ચૂંટાઇને સત્તાના સિંહાસને પ્રધાનપદ સુધી પહોંચ્યા છે ત્યારે તેઓનું મૌન ખેડૂતોને સૌથી વધુ અકળાવી રહ્યું છે.
અત્યારે જે ખેડૂતનેતાઓ ચૂંટાઇને ભાજપના ધારાસભ્યો, સાંસદો અને પ્રધાનો બન્યા છે તેઓ જ્યારે વિરોધ પક્ષમાં હતા અને કૉંગ્રેસની સરકાર હતી ત્યારે તેઓએ ખેડૂતોને ટેકાના ભાવ અપાવવા મોટાં મોટાં આંદોલનો કર્યાં હતાં અને ખેડૂતોને ટેકાના ભાવ અપાવવા ત્યારની કૉંગ્રેસની સરકાર પાસે માગણી કરી હતી. હવે આ નેતાઓ પાસે સત્તાની ચાવી છે અને તેઓએ જે પ્રશ્નની રજૂઆત કૉંગ્રેસ સરકાર સામે કરી હતી તે જ પ્રશ્નનો ઉકેલ લાવવાની જવાબદારી તેમના પર આવી પડી છે ત્યારે તેઓ ટેકાના ભાવ પ્રશ્ને સરકારની નીતિ વિશે કંઇ જ બોલતા જ નથી. ગુજરાતભરના ખેડૂતો ટેકાના ભાવ પ્રશ્ને રસ્તા પર આવી ચૂક્યા છે અને રોજેરોજ સરકાર સામે દેખાવો કરી રહ્યા છે ત્યારે આવી સ્થિતિ પ્રવર્તે છે.
ખેડૂતોના પ્રશ્ને ભાજપ હોય કે કૉંગ્રેસ, બંને માસિયા ભાઇઓ જ છે તે હવે ખેડૂતોને ખબર પડી ચૂકી છે. ટેકાના ભાવ પ્રશ્ને સરકારની અન્યાયભરી નીતિ સામે કેટલાક કૉંગ્રેસી આગેવાનો મીડિયા સમક્ષ મોટી મોટી વાતો કરે છે, પણ ખેડૂતોએ એ યાદ રાખવું જોઇએ કે કૉંગ્રેસની સત્તા હતી ત્યારે પણ ખેડૂતોને ટેકાના ભાવ મળ્યા નહોતા. એ વખતે પણ ખેડૂતોએ ટેકાના ભાવ મેળવવા માટે રસ્તાઓ પર ઊતરવું પડ્યું હતું.
ખેડૂતોએ હવે પોતાના પ્રશ્ને ખુદ લડવું પડશે. ભાજપ હોય કે કૉંગ્રેસ, કોઇને ખેડૂતોની પડી નથી, કારણ કે તેઓ તો સત્તાના દલાલો છે. ખેડૂતોની સહાનુભૂતિ જીતવાના તમામ મોકા ગોતીને તેઓ માત્રને માત્ર સત્તાની સીડી બનાવવા આ મુદ્દાનો ઉપયોગ કરતાં આવ્યા છે.
ખેડૂતો તો આંદોલનો કર્યા કરે, તેનાથી આ નેતાઓને કંઇ ફેર પડતો નહીં હોય? | ખેડૂતોના પ્રશ્નોની અવગણના કરનારાઓને યોગ્ય સજા હવે ખેડૂતોએ જ આપવી પડશે |
---|---|
ખેડૂતોના તમામ પ્રશ્નો માટે આંદોલનો જ કરવા પડે અને દરેક વખતે સરકાર ખેડૂતોને પ્રશ્ને આંખ આડા કાન જ કરતી આવે. આવું કયાં સુધી ચાલતું રહેશે? આ તમામ રાજકીય નેતાઓ ચૂંટણી આવે ત્યારે ખેડૂતોને જગતનો તાત કહે છે અને ખેડૂતો થકી જ દેશ ચાલે છે તેવી મોટી મોટી વાતો કરે છે, પણ ખેડૂતોના પ્રશ્ને આંદોલનો અને દેખાવો થવા છતાં તેમના પેટનું પાણી ન હાલે ત્યારે પ્રશ્ન થાય છે કે શું આ નેતાઓ એવું જ માનતા હશે કે ખેડૂતો તો આંદોલનો કર્યા કરે તેની પર બહુ ધ્યાન નહીં આપવાનું! ખેડૂતોએ હવે ભોળા બનીને આ રાજકીય નેતાઓને ચૂંટણી ટાણે માફ કરવાનું બંધ કરવું પડશે. ખેડૂતોનો પ્રશ્નોનો ઉકેલ રાજકીય નેતાઓએ ઝડપથી લાવવો જ પડે તેવું કંઇક કરવું પડશે. રાજકારણીઓને ખેડૂતોએ હવે ચમત્કાર દેખાડવો જ પડશે તો જ તેઓ ખેડૂતોને નમસ્કાર કરશે | દેશ અને આમપ્રજાની સુખાકારી માત્ર ને માત્ર ખેડૂતોને આભારી છે અને દેશના તમામ રાજકારણીઓના રાજકીય રોટલા માત્ર ને માત્ર ખેડૂતો થકી જ શેકાય છે. એક વખત ખેડૂતો એમ કહે કે અમે અમારા પગ પર ઊભા રહેવા સક્ષમ છીએ અને સરકારની કોઇ મદદ અમારે નથી જોઇતી. બસ અમને અમારા હક્કનું જે મળે તે સરકાર આપે. જે દિવસે ખેડૂત સોય ઝાટકીને આવું સરકારને કહેશે ત્યારે આ તમામ રાજકારણીઓની દુકાનો બંધ થઇ જવાની છે. ભાજપ હોય કે કૉંગ્રેસ, દરેકે સત્તામાં રહીને ખેડૂતો કેમ દુઃખી રહે, દબાયેલા રહે અને સરકારના ઓશિયાળા બની રહે તેવા જ પ્રયત્નો કર્યા છે, જેને કારણે ખેડૂતોએ દરેક પ્રશ્ને સરકારની મદદ માટે જવું પડે છે. આવી સ્થિતિ વારંવાર ઊભી કરીને આ તમામે પોતપોતાના રાજકીય રોટલા જ શેક્યા છે. |