વતનમાં પાછા ફરેલા શ્રમિકોને કેવા રોજગાર આપી શકાશે?

સ્વતંત્ર ભારતમાં પહેલી વાર શહેરો તરફથી ગામોમાં હિજરત થઈ છે. કોરોનાના કહેરને લીધે આવી અપવાદાત્મક પરિસ્થિતિને સંભાળી લેવા માટેનાં પગલાં પણ અસામાન્ય હોવાં ઘટે. દુનિયા આખીના અર્થતંત્ર પર અસર થઈ છે એવા સમયે આપણા દેશમાં પ્રતિકૂળતામાંથી અનુકૂળતાનું સર્જન કરવા માટે શું થઈ શકે તેના વિશે ઘણા લોકો વિચાર કરી રહ્યા છે. વિચારક્રાંતિમાં પણ એ જ વિચાર ચાલી રહ્યો છે ત્યારે એક સરસ મજાનો લેખ વાંચવા મળ્યો (https://www.dailypioneer.com/2020/state-editions/nregs–agri-can-be-potential-job-providers-for-migrants.html). ઓરિસા વિધાનસભાના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રામચંદ્ર પાંડાએ લખેલા એ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. એના વિશે વધુ કંઈ કહીએ તેના કરતાં સીધા લેખ તરફ જઈએઃ

કોરોના શેતાન સામેની લડાઈ લાંબા સમય સુધી ચાલશે એવું લાગે છે.  લોકડાઉનને કારણે આજીવિકા જતી રહેવાને પગલે સ્થળાંતરિત મજૂરો (શ્રમિકો) લાચારીભરી સ્થિતિમાં મુકાઈ ગયા છે. આવા લગભગ 12 કરોડ શ્રમિકો વિવિધ વિકાસકીય પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. કાપડ, ખાણીપીણી, પરિવહન, ડ્રાઇવિંગ, ઇલેક્ટ્રિકલ, મોટર મિકેનિક્સ અને બાંધકામ, વગેરે ક્ષેત્રોમાં તેઓ વિવિધ શહેરોમાં કામ કરતા હતા. એમની બધાની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આમાંથી મોટાભાગના શ્રમિકો ટ્રક, સાયકલ, રિક્ષા, વગેરેમાંથી જે મળે તે સાધન લઈને; અને ઘણા તો પગપાળા બિહાર, ઓરિસા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, આસામ, આંધ્ર પ્રદેશ, વગેરે ખાતેનાં પોતાના વતનનાં ગામોમાં જવા નીકળી પડ્યા હતા.

લોકડાઉનની વિપરીત અસર ગ્રામીણ વિસ્તારોમાં ખેતરોમાં કામ કરીને પેટિયું રળનારા અથવા લીઝ પર લીધેલી નાનકડી જમીન પર પાક લેનારા જમીનવિહોણા મજૂરો પર પણ થઈ, કારણ કે લોકડાઉનના શરૂઆતના એક મહિનામાં બાગકામના પાક લેવાનું અને તેનું વેચાણ કરવાનું કામ ઠપ્પ પડી ગયું હતું. અર્થતંત્રની કમર તોડી નાખનારી પરિસ્થિતિમાં થયેલું આ લોકોનું નુકસાન ભરપાઈ થવાનું ઘણું મુશ્કેલ છે.

વર્તમાન પરિસ્થિતિમાં કૃષિ પ્રવૃત્તિઓમાં નવી નવી બાબતોને ઉમેરીને તેમાં નવા પ્રાણ રેડવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એક સમયે કામદારોની અછતની સમસ્યા થતી હતી; હવે વધુપડતા કામદારો થઈ ગયા હોવાની સમસ્યા છે.

વતનમાં પાછા ફરેલા શ્રમિકોનાં ધાડાંને લીધે ગ્રામીણ અર્થતંત્ર પર ભારણ વધશે. ગામોમાં પાછા આવેલા લોકો ફરી પહેલાંની જગ્યાઓએ જવાનું પસંદ નહીં કરે. તેઓ વતનમાં જ રહેશે અને પરિણામે એમને બધાને ગ્રામીણ વિકાસનાં વિવિધ કામોમાં તથા કૃષિ પ્રવૃત્તિઓમાં રોજગાર આપવાનું જરૂરી બની ગયું છે. હવે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજનાનો વિસ્તાર કરીને અત્યાર સુધી 100 દિવસ કામ આપવાની મર્યાદા વધારીને 365 દિવસ કામ મળી રહે એવી વ્યવસ્થા કરવી પડશે.

આ શ્રમિકોને ખેતીવાડીમાં તથા બીજાં ક્ષેત્રોમાં મજૂરી અપાવવી આવશ્યક છે. જો સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા અને વેપારી ધોરણે વેચાણ કરવા ખેતી અને ફળ-શાકભાજી જેવા બાગાયતી ક્ષેત્રમાં વધુ લોકોને કામે લગાડવામાં આવશે તો કૃષિ વધુ નફાકારક બનશે અને એ ક્ષેત્રે વધુ રોજગારનું પણ સર્જન થશે.

રોજગાર બાંયધરી યોજના હેઠળ આ પ્રકારનાં કાર્યોને સામેલ કરવાની આવશ્યકતા છેઃ

1) ગામોમાં પાણીનાં ટાંકા બનાવવા અને સાફ કરાવવા, 2) પાણીની નહેરો બનાવવી, વરસાદી જળસંચય માટે તળાવો બનાવવાં, 3) દરેક ગામમાં રસ્તાની બન્ને બાજુએ ફળોનાં 500 વૃક્ષોનું ઉપવન બનાવવું, 4) જે નદી તટે કાંઠામાં ભંગાણ પડતું હોય ત્યાં કાંઠા મજબૂત બનાવવા, 5) નાની નદીઓનાં વહેણ પર ચેક ડેમ બનાવવા અને 6) નદીના બન્ને કાંઠે અને જળાશયોની કોરે તથા રસ્તાઓની બન્ને બાજુએ બાગાયતી કામ કરવું.

કુદરતા કોપનું શમન કરવાની દૃષ્ટિએ હરિયાળી વધારવા માટે સઘન પ્રયાસ કરવાની આજના સમયની તાતી જરૂર છે.

ગામોમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ (સ્વયં સહાયતા જૂથ) મારફતે પરંપરાગત કુટિર ઉદ્યોગનું પુનરુત્થાન કરવાની સાથે સાથે જો કામદારોને વણાટકામ, સીવણકામ, હસ્તકળા, કાર્પેટ ઉત્પાદન, દૂધ ઉત્પાદન, માછીમારી, મધમાખી ઉછેરના કામમાં રોકવામાં આવશે તો કૃષિ ઉત્પાદનોમાં વધારો થશે અને પરિણામે ગામો/ગ્રામ પંચાયત આત્મનિર્ભર આર્થિક એકમ બની શકશે.

હાલના નવા પરિદૃશ્યમાં ગ્રામ પંચાયતો અને બ્લોક્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વિવિધ પ્રોજેક્ટ્સના સફળ અમલીકરણ માટે આ એકમોએ ગામની સરકાર તરીકે કાર્ય કરવું પડશે.

ઓરિસા સરકારે તાજેતરમાં ગ્રામ પંચાયતોના સશક્તિકરણ માટે શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે. સ્વયં સહાયતા જૂથો અને સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) પોતપોતાના વિસ્તારોમાં આવા વિકાસ કાર્યક્રમોના સફળ અમલ માટે ઉપયોગી ભૂમિકા ભજવી શકે છે.

બંધારણની કલમ 39(એ) અનુસાર લોકોને આજીવિકાનાં પૂરતાં સાધનો પૂરાં પાડવાની રાજ્યોની જવાબદારી છે. કલમ 43 કહે છે કે નાગરિકોને “યોગ્ય જીવનધોરણ” પૂરું પાડવામાં આવવું જોઈએ.

પાછા ફરેલા આ બધા શ્રમિકોના પુનર્વસન માટે રાજ્યો પર ઘણો મોટો આર્થિક બોજ આવશે. આવી તકલીફ દૂર કરવા માટે કેન્દ્રની મદદની ખૂબ જ જરૂર છે.

જીએસટી પૂર્વેના કાળમાં રાજ્યોને ભંડોળ એકત્ર કરવાની સ્વતંત્રતા હતી. જુલાઈ, 2017માં જીએસટીના અમલને પગલે રાજ્યો પોતાનાં સંસાધનો વધારવા માટે સ્વતંત્ર રીતે કોઈ પણ ટેક્સ વસૂલ કરી શકતાં નથી. આવા સમયે રાજ્યોએ મહેસૂલ ઊભું કરવા માટે અન્ય સ્રોતો શોધવાની જરૂર છે.

આજની પરિસ્થિતિ અપવાદરૂપ છે. કટોકટીમાંથી માર્ગ કાઢવા માટે સરકારોએ રાજકીય ગણતરીઓને બાજુએ મૂકીને સંયુક્તપણે પ્રયાસ કરવા આવશ્યક છે.

———————————

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s