કૃષિ ક્ષેત્રે ભારતની મહત્તાનો ઉપયોગ કરવા માટે ઈલેક્ટ્રોનિક નૅશનલ એગ્રિકલ્ચર માર્કેટમાં કેટલાક સુધારા-વધારા કરવા વિશે શ્રી જિજ્ઞેશ શાહે સૂચનો કર્યાં છે. વર્તમાન સમયમાં ભારત ચીનનો વિકલ્પ બનવાની દિશામાં પ્રગતિ કરી શકે એ દૃષ્ટિએ આ સૂચનો મૂલ્યવાન છે. અગાઉ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ દ્વારા વીજ ક્ષેત્રે અને એમસીએક્સ દ્વારા કોમોડિટી ક્ષેત્રે માર્કેટ ઈકોસિસ્ટમ વિકસાવીને મોટા પાયે રોજગારનું સર્જન કરવામાં આવ્યું હતું એની વાત કરી. આજે લેખમાળાના ત્રીજા મણકામાં તેઓ 1 ભારત-1 માર્કેટની રચના વિશે વધુ પ્રકાશ પાડી રહ્યા છે.

સમગ્ર દેશને આવરી લેનારી કૃષિ ગ્રિડની સિસ્ટમને સહાયક નીવડનારી આ પ્રમાણેની કેટલીક સપોર્ટ સિસ્ટમ હશેઃ 1) રાષ્ટ્રીય સ્તરે એપીએમસીના વેપારીઓ, 2) કોમોડિટીમાં ટ્રેડિંગ કરવા માટેનું ડિજિટલ માધ્યમ, 3) બૅન્કિંગ સેટલમેન્ટ, 4) વેરહાઉસ અને ગોદામોનું નેટવર્ક, 5) બૅન્કો અને નાણાકીય સેવાઓ પૂરી પાડનારાઓનું નેટવર્ક, 6) વૈશ્વિક ટ્રેડિંગ કંપનીઓ, 7) કોમોડિટી ખરીદનારા અને કૃષિ માટે આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડનારા સ્થાનિક તથા વૈશ્વિક ઉદ્યોગો, 8) અભ્યાસ અને તાલીમ પૂરી પાડનારા સહયોગીઓ, 9) દેશની અંદર અને બહાર પરિવહનનું કેન્દ્ર, વગેરે
ભારતમાં કૃષિ ઉત્પાદનનું કુલ મૂલ્ય આશરે 15 લાખ કરોડ રૂપિયા એટલે કે 220 અબજ ડૉલર છે. સાદું ગણિત માંડીએ તો કહી શકાય કે કૃષિ ક્ષેત્રનાં ફંડામેન્ટલ્સને યથાવત્ રાખીને તેમાં થોડું મૂલ્યવર્ધન કરીએ તો એ અંડરલાઇંગમાં ઉત્પાદકથી ગ્રાહક સુધીની મૂલ્ય શ્રૃંખલામાં 8થી 10 ગણું ટ્રેડિંગ થઈ શકે છે. જો તેમાંથી સારી ડેરિવેટિવ્ઝ માર્કેટની રચના કરવામાં આવે અને લઘુતમ 10 ગણું ટ્રેડિંગ થાય તો તેનું મૂલ્ય ઘણું ઉંચું જઈ શકે છે. અહીં આપણે વૈશ્વિક ખેલાડીઓની હાજરીની તો વાત જ કરી નથી. જો તેઓ આવી જાય તો ટ્રેડિંગ મૂલ્ય તેનાથીય ઘણું વધારે થઈ જાય.
એરંડા જેવી ખેતપેદાશના આધારે આપણે બજારની વૃદ્ધિની સંભાવના જોઈ શકીએ છીએ. ચાલો, એક સાદું ઉદાહરણ લઈએ. એરંડામાંથી દીવેલ બને છે અને એ ઉપરાંત આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગી થતી ઓછામાં ઓછી બીજી 60 પ્રૉડક્ટ્સ પ્રાપ્ત કરવામાં આવે છે. એમાંથી ઘણી વસ્તુઓ ઔદ્યોગિક ક્ષેત્રે વપરાય છે અને તેની વૈશ્વિક સ્તરે માગ છે. આ એક ઉદાહરણ પરથી આપણને સમગ્ર રાષ્ટ્રને આવરી લેનારી ગ્રિડની અપાર શક્તિનો પરિચય મળે છે.
આ સૂચનો ફક્ત થિયરી નથી. ચિદમ્બરમે બાજી પલટાવી નાખી તેની પહેલાં એફટી ગ્રુપે કૃષિ, વીજળી અને નાણાકીય પ્રૉડક્ટ્સ–સર્વિસીસ એ બધાં ક્ષેત્રના દરેકના પરિતંત્રની સફળતાપૂર્વક રચના કરી હતી. એફટી ગ્રુપે રચેલા પરિતંત્રમાં ઘણા જ ઓછા સમયમાં ઓછામાં ઓછા 10 લાખ રોજગારોનું સર્જન થયું હતું (જેને તાતા ઇન્સ્ટિટ્યુટ ઑફ સોશિયલ સાયન્સે 2012માં પ્રમાણિત કર્યું હતું).
એફટી ગ્રુપને નવસર્જનના બિઝનેસમાંથી બહાર કાઢી નખાયું તેને લીધે ભારત કોમોડિટીઝ, ઈક્વિટી, કરન્સી, બોન્ડ અને વીજળી એ બધી માર્કેટમાં મોટામાં મોટું વૈશ્વિક ખેલાડી બનતાં રહી ગયું. આમ, દેશમાં 10 કરોડ રોજગારનું સર્જન કરવાની તક હાથમાંથી નીકળી ગઈ. e-Nam મારફતે પ્રસ્તાવિત કૃષિ ગ્રિડનો જો પૂરેપૂરો સફળ અમલ કરવામાં આવે તો ભારત વૈશ્વિક સ્તરે શક્તિસ્થાન બની શકે છે.
ક્રિપ્ટો ટેક્નૉલૉજી દ્વારા ડિજિટલ કરન્સી, બ્લોકચેઇન, મોબાઇલ પૅમેન્ટ, વગેરે જેવી ડિજિટલ ટેક્નૉલૉજીના સામર્થ્યની સાથે સાથે કૃષિ ગ્રિડનો અમલ કરીને આપણે માહિતીનું આદાનપ્રદાન નિશ્ચિત સ્વરૂપે કરી શકીએ છીએ. તેનાથી માહિતીની સલામતી પણ રહેશે અને ઝડપથી આદાનપ્રદાન પણ થશે. અત્યારે કૃષિ ક્ષેત્રની મૂલ્ય શ્રૃંખલામાં માહિતીની લેવડ–દેવડ અસ્પષ્ટ રીતે થાય છે તથા બીજી પણ કેટલીક અપારદર્શકતા રહેલી છે, જેને ડિજિટલ ટેક્નૉલૉજી દ્વારા દૂર કરી શકાય છે.
જો આપણે સમગ્ર બૅન્કિંગ અને નાણાકીય ક્ષેત્રને કૃષિ ગ્રિડ સાથે સાંકળી લઈએ તો તેનાથી રચાનારા માધ્યમ (પ્લેટફોર્મ)નું કુલ મૂલ્ય કલ્પના બહારનું છે. આ પ્રસ્તાવિત માળખું 10 વર્ષમાં 10 કરોડ રોજગારનું સર્જન કરી શકે છે.
કદાચ નિયતિએ જ કોવિડ-19ના સ્વરૂપે વૈશ્વિક રોગચાળો મોકલ્યો છે અને તેને કારણે અમેરિકા ચીનનો મુકાબલો કરવા સક્ષમ ભાગીદાર દેશ શોધી રહ્યું છે. આ ઘટનાઓ ભારત માટે યોગ્ય સમયે આકાર લઈ રહી છે. આજનો સમય સપ્તર્ષિ એટલે કે સાત તારાઓ એક સીધી રેખામાં આવે એના જેવો છે. આવું હજારો વર્ષોમાં એક જ વાર થતું હોય છે. દેશની ધુરા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હાથમાં છે એવા સમયે આ તક આવી છે. શ્રી મોદીની ક્ષમતાઓ વારંવાર આ દેશને જોવા મળી છે. એમના જ ધ્યેયને સૌથી અગત્યના કૃષિ ક્ષેત્રે સાકાર કરવાનો સમય આવી ગયો છે.
———————-