
પાછલા બ્લોગમાં આપણે જાણ્યું કે દેશની જીઓપોલિટિકલ સ્થિતિ તથા સલામતી પર અસર કરનારું ભ્રષ્ટાચારનું વિશાળ નેટવર્ક માત્ર ભારતમાં નહીં, વિદેશમાં પણ ફેલાયેલું છે. આ નેટવર્કમાં રાજકારણીઓ, સરકારી અમલદારો, બૅન્કરો, નિયમનકારો, નાણાકીય સેવા પૂરી પાડનારાઓ, કાળાં નાણાં ધોળાં કરનારાઓ, બનાવટી કંપનીઓ, વગેરેનો સમાવેશ થાય છે.
ચિદમ્બરમ આ સમગ્ર નેટવર્કની દરેક કડીમાં ભલે સહભાગી ન હોય, પણ તેનો એક હિસ્સો છે અને તેને કારણે દેશનો આર્થિક વિકાસ રૂંધાયો છે તથા દેશની સલામતી સામે જોખમો ઊભાં થયાં છે.
ભારતમાં પાંચ વર્ષ માટે નગરસેવક રહેલો માણસ પણ મોટી સંપત્તિ ઊભી કરી લે છે એ સૌ ખુલ્લેઆમ બોલે છે.
ઓનલાઇન સામયિક ‘ધ ડિપ્લોમેટ’ના અહેવાલ મુજબ ચિદમ્બરમ અને તેમના નેટવર્કે પોતપોતાના હોદ્દાઓનો ઉપયોગ કરીને ઠેકઠેકાણે એવા લોકો ગોઠવ્યા, જેઓ નીતિઓ અને ધારાધોરણો ઘડતાં હોય. એ લોકો મારફતે નાણાં એકથી બીજે ઠેકાણે ફેરવાયાં. પોતાના નેટવર્કની સામે કોઈ સ્પર્ધક ઊભો થાય જ નહીં એ વાતનું તેઓ ધ્યાન રાખતાં.
ડિપ્લોમેટના અહેવાલ (https://thediplomat.com/2020/05/the-strategic-implications-of-indian-corruption/)માં ભારતના એક્સચેન્જ મેન જિજ્ઞેશ શાહનું ઉદાહરણ આપ્યું છે. તેમાં કહેવાયું છે કે ચિદમ્બરમ અને તેમનું નેટવર્ક નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ને આગળ વધારવા અને તેનું રક્ષણ કરવા માગતા હતા. આથી જ જિજ્ઞેશ શાહે રચેલાં એક્સચેન્જોને ટાર્ગેટ કરવા માટે તેમણે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો. શાહે સ્થાપેલા એફટી ગ્રુપની વિરુદ્ધ અનેક કાર્યવાહીઓ કરીને ગ્રુપને એક્સચેન્જ બિઝનેસમાંથી બહાર ધકેલી દેવાયું. એ બધી કાર્યવાહીઓ ખોટી હતી એવા અદાલતના ચુકાદા આવ્યા ત્યાં સુધીમાં તો સ્પર્ધા કચડાઈ ગઈ હતી.
બીજી બાજુ, એનએસઈને પોષનારા લોકોને અલગ અલગ રીતે લાભ અપાવાયા. એમાંની એક રીત કૉ-લૉકેશન હતી. ગણ્યાગાંઠ્યા બ્રોકરોને લાભ થાય એ રીતે કૉ-લૉકેશનની સુવિધા આપવામાં આવી. યાદ આવ્યું? આપણે અગાઉ આ વિષયની ઊંડાણપૂર્વક છણાવટ કરી ચૂક્યા છીએ (https://vicharkranti2019.com/2019/07/01/કૉર્પોરેટ-કૌભાંડનાં-કારન/). આપણે કહેલી વાત આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાવા લાગી છે! કૉ-લૉકેશન બાબતે તપાસ પણ થઈ, પરંતુ નિયમનકાર સેબીએ કોઈ કાર્યવાહી કરી નથી, જેના વિશે પણ આપણી વાત થઈ ચૂકી છે (https://vicharkranti2019.com/2020/01/28/એનએસઈ-કૉ-લૉકેશન-સ્કેમમાં/).
ડિપ્લોમેટ આગળ વધતાં કહે છે કે શેરબજારમાં કૉ-લૉકેશન પૂરતું ન હોય એમ ભારતીય અર્થતંત્ર વિશે અફવાઓ ફેલાવીને શેરબજારમાં ઘટાડો કરાવાય છે અને પછી ઓછા ભાવે એ જ લોકો પાસે પાછી ખરીદી કરાવવામાં આવે છે. ફરી પાછા સુધારાનાં પગલાંની જાહેરાત કરાવીને શેરના ભાવ વધારવામાં આવે છે અને એ જ લોકો ફરી વેચાણ કરી દેતા હોય છે. ભારતીય રૂપિયાના મૂલ્યમાં પણ આ જ રીતે વધઘટ કરાવાય છે.
ઉક્ત અહેવાલ મુજબ નાણાપ્રધાન તરીકે પી. ચિદમ્બરમે આઇએનએક્સ કેસમાં ભૂમિકા ભજવી હતી અને એ જ કેસ સબબ એમની ધરપકડ થઈ. આઇએનએક્સ મીડિયા કંપનીની અરજીને એમના નાણાં મંત્રાલય હેઠળ આવતા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ પાસે ઝડપી મંજૂરી અપાવવા એમના દીકરા કાર્તિની કન્સલ્ટિંગ કંપનીની મદદ લેવાઈ. આ રીતે વિદેશી રોકાણ માટે મંજૂરી અપાવવામાં ભ્રષ્ટાચાર થયાનો ડિપ્લોમેટનો આક્ષેપ છે.
આપણે હવે ચિદમ્બરમની ગાથામાં એક નવા વળાંક પર આવી ગયા છીએ તેથી નવા બ્લોગમાં જ તેની વિગતે વાત કરીશું. ત્યાં સુધી આ બ્લોગને દેશહિતમાં આગળ વધારતાં રહેજો.
(તા.ક. એનએસઈ સાથેનો પી.સી.નો સંબંધ અગાઉ ભારતીય વેબસાઇટ પર આ રીતે ખૂલ્લો પડાયો હતોઃ https://www.pgurus.com/chidambarams-nse-ghotala-in-the-language-of-aam-aadmi/)
———————