
ભારતની પિતા-પુત્રની એક જોડીનું નામ અત્યારે દેશ-વિદેશનાં પ્રસાર માધ્યમોમાં દેખાઈ રહ્યું છે. આ જોડી એટલે દેશના ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને એમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ.
ભારત પાસે વિકસિત રાષ્ટ્ર થવાની બધી જ ક્ષમતાઓ હોવા છતાં ભ્રષ્ટાચારને લીધે અત્યાર સુધી કંઈ થઈ શક્યું નથી એ મુદ્દો ઘણી વખત બૌદ્ધિકોની ચર્ચામાં આવતો હોય છે, પરંતુ એના વિશે થોડી વાત કરીને બધા પોતપોતાના કામે લાગી જાય છે.
આવામાં આંતરરાષ્ટ્રીય ઓનલાઇન સામયિક ‘ધ ડિપ્લોમેટ’માં 13 મે 2020ના રોજ પી. ચિદમ્બરમના ફોટા સાથે ઉલ્લેખ કરીને ભારતીયોની આંખ ઉઘાડનારી અનેક વિગતો પ્રકાશિત કરવામાં આવી છે (https://thediplomat.com/2020/05/the-strategic-implications-of-indian-corruption/). તેની પહેલાંના દિવસે એટલે કે 12મી મેએ પીગુરુસ ડોટ કોમ નામની જાણીતી વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ (https://www.pgurus.com/karti-chidambaram-and-wife-to-face-trial-in-income-tax-evasion-case-madras-high-court-rejects-kartis-petitions-against-income-tax/) અનુસાર મદ્રાસ હાઇ કોર્ટે કાર્તિ અને તેનાં પત્ની શ્રીનિધિ વિરુદ્ધ કરચોરીનો કેસ ચલાવવા માટે સંમતિ આપી દીધી છે.
આવક વેરા ખાતાએ જમીનની ખરીદીના એક કેસમાં 7 કરોડ રૂપિયાની કરચોરી કરવામાં આવી હોવાનો કૉંગ્રેસના સાંસદ કાર્તિ અને તેમનાં પત્ની શ્રીનિધિ સામે આરોપ મૂક્યો છે.
આ કેસની વિગત એવી છે કે ચિદમ્બરમ પરિવારે માછીમારોની જગ્યા પર અનધિકૃત રીતે કબજો જમાવ્યો હતો અને પછી એ જમીન વેચવા કાઢી, જેમાં 1.35 કરોડ રૂપિયા ગેરકાનૂની રીતે રોકડમાં લેવાયા.
ચિદમ્બરમ પિતા-પુત્રનાં એટલાં બધા કારનામાં ચર્ચાય છે કે એક જગ્યાએથી શરૂ થયેલી ચર્ચા ક્યાંક બીજે પહોંચી જાય છે. આપણે ફરી આજના મુખ્ય મુદ્દા પર આવીએ. ‘ધ ડિપ્લોમેટ’ના લેખમાં લેખિકા ક્લીઓ પાસ્કલે સ્પષ્ટપણે લખ્યું છે કે કોરોનાના આ સમયમાં ચીનના વિકલ્પ તરીકે ભારતનું નામ સૌથી પહેલાં યાદ આવે છે, પરંતુ ભારતમાં દાયકાઓથી ચાલતા ભ્રષ્ટાચારને લીધે દેશનો વિકાસ થઈ શક્યો નથી અને અત્યાર સુધી કરોડો ભારતીયોના જીવન પર અસર થઈ છે. એ ઉપરાંત જીઓપોલિટિકલ દૃષ્ટિએ પણ ભારત પોતાની વગ વધારી શક્યું નથી.
ડિપ્લોમેટના અહેવાલમાં એવી અનેક વાતો કહેવામાં આવી છે, જેને આપણે અગાઉ આ બ્લોગમાં ખાસ ભારપૂર્વક લખી છે.
બધાને વિચારતાં કરી દે એવા ડિપ્લોમેટના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ચાલી રહેલા સંખ્યાબંધ કોર્ટ કેસ પરથી આપણને ભારત પાછળ રહી જવાનું કારણ જાણવા મળી શકે છે. આ કોર્ટ કેસમાં છે ભારતના વરિષ્ઠ નેતાઓએ કરેલા આર્થિક ગોટાળા. આ નેતાઓએ દેશની આર્થિક શક્તિ પર કબજો જમાવીને તેમાં ગરબડ-ગોટાળા કર્યા છે, જે અતિશય ગંભીર બાબત છે.
સંખ્યાબંધ કોર્ટ કેસમાં પી. ચિદમ્બરમ સામેના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઇના કેસનો સમાવેશ થાય છે. ચિદમ્બરમ સામે તો વર્ષોથી ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ આરોપ અત્યારે કેમ ઘડવામાં આવ્યા છે એવો સવાલ આ અહેવાલમાં ઊભો કરવામાં આવ્યો છે. તેનો જવાબ પણ લેખિકાએ પોતે જ આપ્યો છે અને જણાવ્યું છે કે કૉંગ્રેસ અને ભાજપ બન્ને આમનેસામને ભલે દેખાતા હોય, નાણાંની બાબતે બન્ને પાર્ટીઓના કેટલાક સભ્યો પરસ્પર નિકટથી સંકળાયેલા હતા.
ચિદમ્બરમ થોડો વખત બાદ કરતાં 2014 સુધીનો લગભગ એક દાયકો નાણાપ્રધાન રહ્યા. 2014માં ભાજપની સરકાર આવી ત્યારે ચિદમ્બરમના જૂના મિત્ર અરુણ જેટલી નાણાપ્રધાન બન્યા. અરુણ જેટલીએ ચિદમ્બરમની અનેક નીતિઓને ચાલુ રાખી. 2019માં નરેન્દ્ર મોદી ફરી એક વાર જ્વલંત વિજય મેળવીને સત્તા પર આવ્યા ત્યારે જેટલી નાદુરસ્ત તબિયતને કારણે નાણાપ્રધાન ન રહ્યા. તેમની તબિયતની સાથે સાથે તેમની વગ પણ ઘટતી ગઈ. યોગાનુયોગ કહો કે બીજું કંઈ, ચિદમ્બરમની ધરપકડ 21મી ઑગસ્ટે થઈ અને જેટલીનું નિધન 24મી ઑગસ્ટે થયું. એ જ દિવસથી ચિદમ્બરમની સામે જાહેરમાં ઘણા બધા આક્ષેપો થયા છે.
દેશની જીઓપોલિટિકલ સ્થિતિ તથા સલામતી પર અસર કરનારું ભ્રષ્ટાચારનું વિશાળ નેટવર્ક હોવાનું હવે ખુલ્લેઆમ બોલાવા લાગ્યું છે. આ નેટવર્ક માત્ર ભારતમાં નહીં, વિદેશમાં પણ ફેલાયેલું છે.
ડિપ્લોમેટનો અહેવાલ કહે કે નેટવર્કમાં રાજકારણીઓ, સરકારી અમલદારો, બૅન્કરો, નિયમનકારો, નાણાકીય સેવા પૂરી પાડનારાઓ, કાળાં નાણાં ધોળાં કરનારાઓ, બનાવટી કંપનીઓ, વગેરેનો સમાવેશ થાય છે.
ભારતમાં કાળાં નાણાંનું સર્જન થાય, એ નાણાં વિદેશમાં મોકલાય, વિદેશમાં તેનો ઉપયોગ થાય અને ફરી એ જ નાણાં ભારતમાં મોકલાય એ આખા ષડ્યંત્ર પરથી ઉક્ત અહેવાલમાં પડદો ઉઠાવવામાં આવ્યો છે.
ચિદમ્બરમની વાત આવે ત્યારે એક બ્લોગ પૂરતો નથી હોતો. આથી આપણે આવતી કડીમાં તેના વિશે વાત આગળ વધારીશું.
—————————–
સૌથી મોટું આશ્ચર્ય તો એ છે કે આટલું બધું સત્ય બહાર આવી ગયું છે છતાં હજી સુધી ચિદમ્બરમ સામે કોઈજ કાયદેસરના પગલાં નથી લેવાયા. એવું લાગે છે કે હાજી આજે પણ વર્તમાન સરકારમાં તેના હિતેચ્છુઓ વગદાર છે અને સરકારી બાબુશાહીમાં પણ તેના મળતીયાઓ હાજી આજે પણ ખુબ શક્તિશાળી છે. આમાં આપણા દેશનું ભલું ક્યાંથી થાય.
LikeLike