
કોમોડિટી બજારમાં ચાલતા વાયદાના વેપારનો ઉપયોગ હેજિંગ માટે, એટલે કે વેપારમાં રહેલાં જોખમોને પહોંચી વળવા માટે કરવાનો હોય છે, પરંતુ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી દે એવા સમાચાર હાલમાં પ્રગટ થયા છે (https://www.bloombergquint.com/business/motilal-oswal-moves-bombay-high-court-seeking-dues-from-dhanera-diamonds).
કંપનીનું નામ ધનેરા ડાયમંડ્સ ઇન્ડિયા પ્રા. લિ. હોય તો તમારા મનમાં શું વિચાર આવે? સ્વાભાવિક છે કે એ કંપનીનું કામકાજ ડાયમંડને લગતું હશે એવો વિચાર આવે, પરંતુ ઉક્ત સમાચાર પરથી જાણવા મળે છે કે આ કંપનીએ ક્રૂડ ઓઇલના વાયદાના કોન્ટ્રેક્ટમાં ટ્રેડિંગ કર્યું હતું. 20મી એપ્રિલે પાકનારા મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)ના સોદામાં એણે ટ્રેડિંગ કર્યું હતું. એ કોન્ટ્રેક્ટ નાયમેક્સના ક્રૂડના કોન્ટ્રેક્ટ સાથે સંકળાયેલો હતો અને એ કોન્ટ્રેક્ટ વખતે ક્રૂડના વાયદાના ભાવ નેગેટિવમાં જતાં સંખ્યાબંધ ટ્રેડરોનાં માર્જિન ઓછાં પડ્યાં. એ માર્જિન મની એક્સચેન્જે બ્રોકર પાસે માગ્યાં કારણ કે એક્સચેન્જમાં કોઈ પણ વ્યવહાર બ્રોકર મારફતે થતો હોય છે. આથી મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ નામના એ બ્રોકરેજ હાઉસે ધનેરા ડાયમંડ્સ ઇન્ડિયા પ્રા. લિ.ને 80.74 કરોડ રૂપિયાની લેણી રકમ ચૂકવવાનું કહ્યું. ધનેરાએ રકમ ચૂકવી નહીં તેથી બ્રોકરે આર્બિટ્રેશનમાં જવું પડ્યું અને ત્યાં ચુકાદો આવે ત્યાં સુધી કાયદાની જોગવાઈને અનુસરીને બ્રોકરે મુંબઈ વડી અદાલતમાં અરજી કરી. ધનેરા ડાયમંડ્સ ઇન્ડિયા પ્રા. લિ.એ ગત 20મી એપ્રિલના રોજ સમાપ્ત થયેલા ક્રૂડ ઓઇલના વાયદાના કોન્ટ્રેક્ટમાં સેટલમેન્ટ તરીકે આ રકમ આપવાની નીકળતી હોવાનો મોતીલાલ ઓસવાલનો દાવો છે.
ડાયમંડની કંપની ક્રૂડ ઓઇલના કોન્ટ્રેક્ટમાં આટલા મોટા પ્રમાણમાં સોદા કરે એનાથી બજારમાં આશ્ચર્ય ફેલાયું છે. પ્રાપ્ત માહિતી મુજબ આ કંપનીને રિયલ એસ્ટેટ સાથે પણ સંબંધ છે. એક્સચેન્જે અને સેબીએ એક બ્રોકરના એક ક્લાયન્ટને વધુપડતું ટ્રેડિંગ કેવી રીતે કરવા દીધું એવો પણ પ્રશ્ન ઉભો થયો છે. આ કેસ બાબતે એમ પણ કહેવાય છે કે ક્રૂડના ઉક્ત કોન્ટ્રેક્ટમાં લગભગ 20 ટકા ઓપન ઇન્ટરેસ્ટ એક જ ક્લાયન્ટનો હતો. આમ, એક પાર્ટીએ ઘણા મોટા પ્રમાણમાં સોદો કર્યો હતો, જે હેજિંગ માટે નહીં, પણ ફક્ત સટ્ટા માટે હતો.
કોમોડિટી માર્કેટની નિયમનકાર સેબીએ વાયદામાં ટ્રેડિંગ કરનારા ક્લાયન્ટ્સ બાબતે કડક નિયમો ઘડ્યા હોવા છતાં ફક્ત એક-એક લાખ રૂપિયાનું પેઇડ અપ કેપિટલ અને ઑથોરાઇઝ્ડ કેપિટલ ધરાવતી ધનેરા ડાયમંડ્સ ઇન્ડિયા પ્રા. લિ. ક્રૂડમાં મોટા પાયે ટ્રેડિંગ કરતી જોવા મળી છે. નિયમ મુજબ ક્લાયન્ટ પાસેથી આવક વેરાનો પુરાવો, ડિમેટ હોલ્ડિંગની વિગતો, બૅન્કનું સ્ટેટમેન્ટ, નેટવર્થ સર્ટિફિકેટ, વગેરે લેવાં જરૂરી છે, પણ ધનેરા ડાયમંડ્સની બાબતે એ નિયમનું પાલન થયું હતું કે કેમ એવી શંકા ઊભી થઈ છે.
આ કંપનીના નામમાં ડાયમંડ શબ્દનો ઉપયોગ છે, પરંતુ મળતી વિગતો મુજબ કંપનીને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે પણ સંબંધ છે. તેના ડિરેક્ટરો કન્સ્ટ્રક્શનને લગતી સંખ્યાબંધ કંપનીઓમાં પણ ડિરેક્ટર છે.
આ કેસ સાથે સંબંધ હોય કે ન હોય, પણ કોમોડિટી બજારના નિષ્ણાતો કહે છે કે ઘણી કંપનીઓ નામ માટે અમુક ધંધો બતાવતી હોય છે, પરંતુ વાસ્તવમાં એમનું મુખ્ય કામ મની લૉન્ડરિંગનું હોય છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના ઘણા લોકો ડાયમંડ અને ફોરેન એક્સચેન્જ દ્વારા મની લૉન્ડરિંગનું કામ પણ કરતા હોય છે. એમને બ્રોકરોની મદદ મળતી હોવાનું બજારમાં સૌ જાણે છે. તેઓ તેમને અલગ અલગ કોમોડિટીમાં ટ્રેડિંગ કરવાના બહારને મની લૉન્ડરિંગની પ્રવૃત્તિઓમાં સહાયભૂત થાય છે. છેલ્લે આવી જ કંપનીઓ ડિફોલ્ટર બનીને લોકોનાં નાણાં સાથે રફૂચક્કર થઈ જાય છે અને સેબી મોં વકાસીને જોતી રહી જાય છે.
એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ)ની સ્થાપના કરનારી કંપની ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ (હાલની 63 મૂન્સ ટેક્નૉલૉજીસ)ના સ્થાપક જિજ્ઞેશ શાહે થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારતમાં બજારો રોકાણનું સ્થળ બનવાને બદલે સટ્ટાનું સ્થળ બની ગયાં છે. એ ઇન્ટરવ્યૂ વિશે આપણે પણ વાત કરી હતી. (https://vicharkranti2019.com/2020/02/04/ભારતમાં-બજારો-રોકાણનું-સ/)
એમસીએક્સમાં પણ એનએસઈની જેમ કો-લોકેશન કૌભાંડ ચાલતું હોવાની શંકા વિશે પણ આપણે વાત કરી ગયા છીએ. આ સંબંધે નિષ્ણાતોનું કહેવું છે કે કેટલાક બ્રોકરોની ટોળકીએ એમસીએક્સ અને સેબીમાં અડિંગો જમાવી લીધો છે અને એક્સચેન્જને સટ્ટાખોરીનો અડ્ડો બનાવી દીધો છે. જો એવું ન હોય તો ડાયમંડની કહેવાતી કંપની કેવી રીતે ક્રૂડના વાયદામાં આટલું મોટું કામ કરી શકે! આ સવાલનો સેબીએ સંતોષકારક જવાબ આપવો રહ્યો.
————————-