ચીન માટે કહેવાતું આવ્યું છે કે તેના પર વિશ્વાસ કોઈને નથી, પણ વેપાર બધાએ તેની સાથે જ કરવો છે. કોરોના વાઇરસના રોગચાળામાં તેની શંકાસ્પદ ભૂમિકાને પગલે હવે પરિસ્થિતિ લગભગ એવી થઈ ગઈ છે કે તેના પર વિશ્વાસ કોઈને નથી અને તેની સાથે વેપાર પણ કોઈએ કરવો નથી.
ચીન, કોરોના અને દુનિયા એ ત્રણેને આવરી લેતી બીજી અનેક વાતો છે એવું આપણે ગયા વખતના બ્લોગમાં જોયું. એ લખ્યા પછી પણ ઘણી નવી વાતો પ્રકાશમાં આવી છે અને ઘણા નિર્ણયો લેવાયા હોવાથી આજે તેની વાતો કરીએ.

આમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય ભારતે લીધો છે. ભારતે હવે નક્કી કર્યું છે કે તેની સરહદ જે દેશો સાથે જોડાયેલી છે એ દેશોમાંથી હવે ઑટોમેટિક રૂટ મારફતે પ્રત્યક્ષ વિદેશી રોકાણ આવી શકશે નહીં. આની પહેલાં અનેક દેશોએ ચીન સાથેના વેપારવ્યવહાર બાબતે મોટા-મોટા નિર્ણયો લીધા છે, પણ ભારતે ઉક્ત નિર્ણય લીધો એ ઘણી મોટી વાત કહેવાય.
નોંધવું ઘટે કે ભારતની સરહદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન સાથે છે. એમાંથી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવનારા રોકાણ પર પહેલેથી જ નિયંત્રણો છે. આથી આ વખતના નિર્ણયનો સીધો ઈશારો ચીન તરફ છે.
ભારતમાં મોટાભાગનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઑટોમેટિક રૂટથી અર્થાત્ સરકારની મંજૂરી વિના આવે છે, પણ હવેથી ચીનમાંથી કોઈ પણ રોકાણ ઑટોમેટિક રૂટથી આવી શકશે નહીં.
કોરોનાને પગલે સર્જાયેલી નાણાકીય સ્થિતિમાં કોઈ ચીની કંપની ભારતીય કંપનીમાં મોટો હિસ્સો મેળવીને તેના પર આધિપત્ય જમાવવાની કોશિશ કરે નહીં એ દૃષ્ટિએ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ, યુરોપના દેશો – સ્પેન, જર્મની અને ઇટલીએ ચીની કંપનીઓ દ્વારા આ રીતે મોટો હિસ્સો ખરીદવામાં આવે નહીં એ વાતની તકેદારી લઈને પ્રત્યક્ષ વિદેશી રોકાણને લગતા નિયમો ચુસ્ત બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સ્પેને અમુક પ્રતિબંધિત ક્ષેત્રોને બાદ કરતાં કંપનીઓમાં વધુમાં વધુ 10 ટકા હિસ્સો પ્રત્યક્ષ વિદેશી રોકાણ દ્વારા ખરીદી શકાય એવો નિર્ણય લીધો છે. ઇટલીએ કોઈપણ કંપનીનું ટેકઓવર કરી શકાશે નહીં એવું નક્કી કર્યું છે. જર્મનીએ પણ ટેકઓવર મુશ્કેલ બનાવ્યું છે.
ભારતમાં આની પહેલાં ચીને ઘણા મોટા પ્રમાણમાં રોકાણ કરેલું છે, જેની વિગતો હવે પછીના બ્લોગ્સમાં આવશે, પરંતુ હાલના નિર્ણયની વાત કરીએ તો, અત્યાર સુધી ચીની કંપનીઓએ જેમાં ઈક્વિટીનું રોકાણ કર્યું છે એના પર પણ નિર્ણયની અસર થશે.
કોરોનાને કારણે વિશ્વભરમાં મંદીનું વાતાવરણ છે. ભારત જેવડા મોટા દેશે એક મહિના કરતાં વધુ સમય સુધી લોકડાઉન રાખ્યું હોવાથી વેપાર-ધંધા ઠપ પડી ગયા છે. અમેરિકામાં તો 2 કરોડ લોકોએ બેકારી ભથ્થા માટે સરકાર સમક્ષ અરજી કરી દીધી છે. કંપનીઓનાં વેલ્યુએશન ઘટી ગયાં હોવાથી ઘણા ઓછા ભાવે શેર મળી રહ્યા છે. આવા સમયે ચીની કંપનીઓ કોઈ પણ રીતે આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવે નહીં તેથી સરકારે ત્યાંથી આવનારા પ્રત્યક્ષ વિદેશી રોકાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
નોંધનીય છે કે ચીન સાથેના વેપારમાં ભારતમાંથી નિકાસ ઓછી અને આયાત વધારે થાય છે. આ ખાધ ઓછી કરવા માટે ભારતે ચીની કંપનીઓ પાસેથી રોકાણ આવવા દીધું હતું, પરંતુ કોરોનાની બાબતે ચીને અપનાવેલા વલણ અને તેની સામે ઉઠેલી શંકાની સોયને લીધે ભારતે પણ હવે પોતાના અભિગમમાં ફેરફાર કરવો પડ્યો છે.
ચીનના વુહાન શહેરમાં સૌથી પહેલાં કોરોના વાઇરસ ફેલાયો અને એ શહેર સાથે ઇટલીને ઘનિષ્ઠ વેપારીસંબંધ હોવાથી ઇટલીમાં રોગચાળો વધુ ગંભીર બન્યો એ વિષયે ઘણું લખવાનું છે, પરંતુ અત્યારે તેનો ઉલ્લેખ માત્ર કરીએ છીએ.
જર્મનીની વાત પણ નોંધવા જેવી છે. ત્યાંની ફોક્સવેગન, ડેમલર અને બીએમડબ્લ્યુ કાર વિશ્વમાં બીજા બધા દેશો કરતાં ચીનમાં વધારે વેચાય છે. આથી જ ફોક્સવેગનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર હર્બર્ટ ડાયેસે ગત ડિસેમ્બરમાં વોલ્ફ્સબર્ગર નેક્રિશ્ટન નામના અખબારને કહ્યું હતું કે જો ચીન સાથે વેપાર બંધ કરી દેશું તો અમારા 20 હજારમાંથી 10 હજાર ડેવલપમેન્ટ એન્જિનિયરો બેકાર થઈ જશે. આવું હોવા છતાં હવે જર્મનીએ પણ ચીનથી આવનારા રોકાણ બાબતે નિયમો કડક બનાવવાનો નિર્ણય લીધો છે.
ઑસ્ટ્રેલિયામાં પણ ચીનનું ઘણું મોટું રોકાણ છે, છતાં ત્યાં પણ વડા પ્રધાન સ્કોટ મોરિસને કહ્યું છે કે તેઓ આ કટોકટીમાં દેશનું આર્થિક સાર્વભૌમત્વ ટકાવી રાખવા પ્રતિબદ્ધ છે.
કોરોનાનો માર જાપાનને પણ ઘણો મોટો લાગ્યો છે. આથી જ તેણે ચીનમાંથી બહાર નીકળીને બીજે ઉત્પાદન શરૂ કરવા માગતી કંપનીઓને આશરે 2 અબજ ડૉલરની સહાય કરવાનો નિર્ણય લીધો છે.
અત્યારે સમગ્ર વિશ્વમાં ચીનની થૂં-થૂં થઈ રહી છે એની પાછળ તેના કારભારની અપારદર્શકતા જવાબદાર છે. ભારતમાં મુંબઈના એકેએક વૉર્ડમાં કઈ બિલ્ડિંગમાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે તેની માહિતી પારદર્શક રીતે સમગ્ર વિશ્વને ઉપલબ્ધ છે, પરંતુ ચીનના વુહાનમાં મૃતકોના પહેલાં જાહેર થયેલા આંકડામાં પછીથી પચાસ ટકાનો વધારો કરવામાં આવે છે અને બીજે શું સ્થિતિ હતી તેનો કોઈને સ્પષ્ટ અંદાજ પણ આવ્યો નથી. ચીન વિશે માહિતી શોધવા જાઓ તો કોઈ સ્પષ્ટ જાણકારી મળતી નથી.
આખી દુનિયાને ધંધે લગાડીને હવે એના ધંધા બરોબર ચાલવા લાગ્યા છે. બીજે બધા શેરબજારોમાં ધબડકા બોલાયા છે ત્યારે ચીનનો સીએસઆઇ 300 ઇન્ડેક્સ (જેમાં તેની સૌથી મોટી કંપનીઓના શેરનું પ્રતિનિધિત્વ થાય છે) 23મી માર્ચ પછી સતત ઉપર ગયો છે અને બીજા દેશોની તુલનાએ એની કામગીરી ઘણી સારી છે. અમેરિકાના નાસ્દાક સાથે તુલના કરી શકાય એવો ચીનનો ચિનેક્સ્ટ ઇન્ડેક્સ પણ બીજા દેશોની સરખામણીએ સારી સ્થિતિમાં છે.
એકંદરે, ચીન નબળી સ્થિતિ ધરાવતા દેશોમાં કંપનીઓ ટેકઓવર કરે એવું પૂરેપૂરું જોખમ હોવાથી બધે સાવચેતીનું વાતાવરણ વધી જાય એ સ્વાભાવિક છે.
આપણે હજી આ વિષયમાં ઘણા ઊંડા ઉતરવાનું છે. વાંચન ચાલુ રાખજો અને બીજાઓને વંચાવજો.
————–