
કોરોના વાઇરસના રોગચાળાએ સમગ્ર વિશ્વને ઘમરોળી નાખ્યું છે અને ચોમેર હાહાકાર જેવી સ્થિતિ છે, પરંતુ ચીનના શાસકોના પેટનું પાણીય હલતું ન હોય એવું દેખાય છે.
પોતાને ત્યાંથી વાઇરસની શરૂઆત થઈ અને ફેલાવો થયો એ બદલ કોઈ પણ જવાબદારીભર્યું નિવેદન કરવાને બદલે ચીને પોતાની લાક્ષણિકતા મુજબ માહિતી છુપાવ્યે રાખી છે.
આવામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પરોક્ષ રીતે ચીન તરફ આંગળી ચીંધી છે. એમણે આ વાઇરસને ‘ચીની વાઇરસ‘ કહ્યો તેની પહેલાં જ વાતો વહેતી થઈ હતી કે ચીને જાણીજોઈને આ વાઇરસ ફેલાવ્યો, કારણ કે એને વૈશ્વિક મહાસત્તા બનવાની લાલસા છે. પછીથી એવી પણ ચર્ચા થવા લાગી કે ચીને જૈવિક શસ્ત્રનો અખતરો કરતી વખતે ગફલત કરી અને વાઇરસ ફેલાઈ ગયો. છેલ્લે કહેવામાં આવ્યું કે ચીને જાણીજોઈને કંઈ કર્યું નથી તથા તેના પ્રયોગમાં ગરબડ થઈ એવું પણ નથી; એણે આ બીમારીની વધતી જતી ગંભીરતા વિશે દુનિયાને અંધારામાં રાખી.
આમ, ત્રણ અલગ અલગ થિયરીઓ આવી અને જગભરમાં વ્હોટ્સએપથી માંડીને સમાચારપત્રો અને ટીવી ચૅનલો મારફતે ફેલાઈ. એ ફેલાય ત્યાં સુધી કોઈને વાંધો ન હતો, પરંતુ ચીનમાં જેની શરૂઆત થઈ એ બીમારીએ દુનિયાભરમાં કાળો કેર વર્તાવ્યો એ બાબત મોટી સમસ્યારૂપ છે.
આગ વગર ધુમાડો હોય નહીં એવી આપણે ત્યાં કહેવત છે. તેના આધારે આપણે હવે આગ શોધવાનો પ્રયાસ કરીએ.
ચીને જાણીજોઈને વાઇરસ ફેલાવ્યો અને અખતરામાં ભૂલચૂક થઈ જવાથી વાઇરસ ફેલાયો એ બન્ને થિયરીને વિજ્ઞાનીઓ સમર્થન આપતા નથી, પરંતુ અહીં જણાવવું ઘટે કે સાચો વિજ્ઞાની ક્યારેય કોઈ વાતને તત્કાળ રદિયો આપતો નથી. એ હંમેશાં કોઈ પણ સંભાવનાને ચકાસી લેવાનું કહેતો હોય છે. વળી, આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન અને તંત્રજ્ઞાને ઘણી પ્રગતિ કરી લીધી છે અને પહેલાં અશક્ય મનાતી એવી અનેક બાબતો આજે સનાતન સત્ય ગણાય છે. દા.ત. પ્રાચીન કાળમાં એવી માન્યતા હતી કે પૃથ્વી તાસક જેવી છે, પણ આજે એ હકીકત બધાને ખબર છે કે પૃથ્વી ગોળાકાર છે.
કોરોના વાઇરસ અલગ અલગ પ્રકારના છે. અત્યારે કોવિડ 19નો રોગચાળો ફાટ્યો છે, જ્યારે કે અન્ય કોરોના વાઇરસ આની પહેલાં પણ વત્તા-ઓછા અંશે લોકોની તબિયત બગાડતાં આવ્યા છે. પહેલી વાર એવું બન્યું છે કે એક નવા પ્રકારના કોરોના વાઇરસે ગુમાનમાં ફરી રહેલી મનુષ્યજાતિને અરિસો બતાવ્યો છે અને કહ્યું છે કે હે મનુષ્ય, તું હજી પામર છે.
ફરી મુદ્દા પર આવીએ.
બુધવારે, 15મી એપ્રિલે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદમાં કહી દીધું કે કોરોના વાઇરસ ચીનના વુહાન પ્રાંતની પ્રયોગશાળામાં બનાવાયો હોવાના અહેવાલો બાબતે સરકાર સઘન તપાસ કરી રહી છે. તેનાથી થોડા આગળ વધીને અમેરિકન વિદેશપ્રધાન માઇક પોમપીઓએ કહ્યું હતું કે વાઇરસની શરૂઆત વુહાનથી થઈ એ આપણે જાણીએ છીએ. વુહાન ઇન્સ્ટિટ્યુટ ઑફ વાઇરોલૉજી ચીનની વેટ માર્કેટ (સંખ્યાબંધ પ્રાણીઓના માંસ વેચતા બજાર)ની નજીક હોવાનું પણ આપણે જાણીએ છીએ. આ બાબતે હજી ઘણી જાણકારી મેળવવાની બાકી છે, અમેરિકન સરકાર એ બાબતે કાર્યરત છે.
અમેરિકન સરકારે જાણકારી મેળવવાની વાત કરી તો ખરી, પરંતુ શું ચીનમાંથી કોઈને સાચી માહિતી ક્યારેય મળી છે ખરી?! ચીનમાં સરમુખત્યારશાહી છે અને ત્યાંની સરકારની વિરુદ્ધ બોલવાની કોઈની તાકાત નથી. ચીનના વુહાનમાં કોરોના વાઇરસની શરૂઆત થઈ અને ત્યાંથી એ આખી દુનિયામાં પહોંચીને લાખો લોકોને ચેપ લગાડી રહ્યો છે, પરંતુ ચીનની અંદર બે પ્રાંતોને બાદ કરતાં બીજે બધે આંગળીના વેઢે ગણાય એટલા જ કિસ્સા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ચીને શુક્રવારે 17મી એપ્રિલે જાહેર કર્યું કે વુહાનમાં ખરેખર 3,869 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે અગાઉ એણે 2,579નો આંકડો જાહેર કર્યો હતો. આમ, મૃત્યુઆંકમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
આના પરથી પુરવાર થાય છે કે ચીન પોતાને ફાવે એટલો આંકડો ફાવે એ સમયે જાહેર કરી શકે છે.
ચીને પોતે જ વાઇરસ ફેલાવ્યો અને પોતાને ત્યાં જ આટલો ઓછો મૃત્યુદર કેવી રીતે હોઈ શકે એવો સવાલ ઉઠવા લાગ્યો અને અમેરિકાએ તપાસ કરવાની વાત કરી ત્યારે ચીને કદાચ પોતાનો બચાવ કરતું હોય એ રીતે વધેલો આંકડો જાહેર કર્યો છે. જો કે, બીજા શું કહે છે એની સરમુખત્યારોને પરવા હોતી નથી. આથી ચીને શું કામ નવા આંકડા જાહેર કર્યા એ કોઈને ખબર નહીં પડે.
ચીન, કોરોના અને દુનિયા એ ત્રણેને આવરી લેતી બીજી અનેક વાતો છે, જેના પર પ્રકાશ પાડવાની આવશ્યકતા વર્તાઈ રહી છે. આપણે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે. આથી આપ આ બ્લોગ બીજાઓને પણ વંચાવો અને વિચારક્રાંતિને આગળ ધપાવો.
——————-