
કોરોના વાઇરસને લીધે ફેલાયેલા વૈશ્વિક રોગચાળામાંથી લેવાના પાઠ વિશે હવે વાતો થવા લાગી છે. સમગ્ર વિશ્વમાં લોકોને ડરાવી મૂકનારી આ બીમારી વિશે સૂક્ષ્મ નિરીક્ષણ કરતી વખતે અનેક મુદ્દાઓ સામે આવવા લાગ્યા છે. તેમાંનો એક મુદ્દો કુદરત પ્રત્યેની મનુષ્યની વિમુખતાનો છે. આ વિષયે થયેલું મનોમંથન વિચારક્રાંતિના અતિથિ બ્લોગર દિનેશ ગાઠાણી વ્યક્ત કરી રહ્યા છે, જે વાંચકોને ગમશે એવો વિશ્વાસ છે. આપના પ્રતિભાવ પણ ઈમેલઃ vicharkranti2019@gmail.com પર આવકાર્ય છે.
પ્રકૃતિ, કુદરત, પૂરી કાયનાત કંઈક કહેવા માગે છે આ સમગ્ર માનવ જાતને. આપણે લગભગ ૮૦૦ કરોડ છીએ. આ પૃથ્વી ઉપર અને લગભગ ૧૯૫ દેશ નામે ટુકડામાં વહેંચાયેલા છીએ. બધાને બરાબર સંભળાય એટલે અવાજ જરા ઊંચો છે; અને આમ પણ પરમાત્માની સંદેશો આપવાની રીત અનોખી જ હોવાની. ‘નીંદ જીતની ગહરી ચોટ ઉતની હી ભારી.’
કુદરતની વાત ઇશારામાં ન સમજાય તો માંડીને જ કરવી પડે.
૮૪ લાખ પ્રકારની જીવ-યોનિ છે આ સૃષ્ટિમાં. પૃથ્વી કાય, અગ્નિ કાય, વાયુ કાય, અપ્પ કાય અને વનસ્પતિ કાય.
એક ઇન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના તમામ જીવોનો હિસ્સો પ્રકૃતિએ સુવ્યવસ્થિત રીતે ગોઠવી આપ્યો છે. એક સુંદર મજાની સાંકળમાં સરસ સુનિયોજિત રીતે બધું પરોવાયેલું છે. કેટલા ભાગ પાણીના, કેટલા વનસ્પતિના, કેટલા પ્રાણીના, પક્ષીના, જંતુના, કેટલા હવાના, અગ્નિના. કોણે કોનું કેટલું, કેવી રીતે ક્યારે શું ધ્યાન રાખવાનું એનો માસ્ટર પ્લાન બનેલો જ છે. બધાં કાર્ય વહેંચાયેલાં જ છે. સમજો સૃષ્ટિના સર્વરમાં સોફ્ટવેર ૨૪x૭x૩૬૫ અવિરત ચાલુ જ છે, જેને આપણે વૈશ્વિક લય કહીએ છીએ. આ અદભુત લયને જાણતાં-અજાણતાં કોઈ ખોરવવાની કોશિશ કરે અને સર્વર હેંગ થાય તો કુદરત સમારકામ કરવા આવે જ. શક્ય છે કે ‘રુકાવટ કે લિયે ખેદ હૈ’ એવું કહ્યા વગર પોતાનું કામ ચાલુ કરી દે.
માણસ પંચેન્દ્રિયમાં આવે છે. એની પાસે મન, બુદ્ધિ અને વિચારશક્તિ છે એટલે છેલ્લાં કેટલાંક સેંકડાઓથી એ એવા ભ્રમમાં જીવે છે કે આ સૃષ્ટિમાં પોતે સર્વોપરી છે અને કુદરતે એને વિશેષ દરજ્જો આપ્યો છે.
જો એ આવું સમજતો હોય તો એ ખાંડ ખાય છે.
માણસે યાદ રાખવું જોઈએ કે કીડી જેવા નાનામાં નાના જંતુનો પણ આ સૃષ્ટિમાં ભાગ છે. રાત-દિવસ જાણતાં-અજાણતાં માણસનો પંજો એના પર પડે ત્યારે કીડીની રક્ષા માટે આપણા પગમાં કેટકેટલી સુરક્ષા બારીઓ રાખી છે, જ્યાં તે શરણ લઇ શકે છે. એડી અને પંજા વચ્ચેનું પોલાણ, પાંચે આંગળીઓની વચ્ચેની ખાલી જગ્યા અને જો મોજાં કે પગરખાં પહેર્યાં હોય તો દૂરથી એનો અવાજ સાંભળવાની ક્ષમતા અને અદભુત દિશા-જ્ઞાન સાથે ઊંધા પગે ચાલવાની શક્તિથી એ પોતાનો જીવ બચાવી શકે છે.
કુદરતની વ્યવસ્થા અદ્વિતીય છે પછી એ કીડી હોય, પક્ષી હોય, પશુ હોય કે વનસ્પતિ હોય. આખે આખું આયોજન જ એવું છે કે કોઈએ કોઈના માર્ગમાં આવવાનું જ નથી, નડવાનું જ નથી. બધા જ પોતપોતાની મસ્તીમાં પ્રકૃતિ સાથે તાલ મિલાવી શકે છે.
જ્યાં, જેમ, જેવું, જે પ્રમાણે છે તે યથાર્થ છે. હવા વૃક્ષ સાથે વાત કરે તો તે હરખાય છે. પાણી વૃક્ષને પ્રેમમાં ભીંજવે તો એ ખીલી ઉઠે છે. કોઈ પંખી એની ડાળ પર મસ્તીથી ઝૂલે છે, કોઈ એનું ઘર બનાવે છે. કોઈ પ્રાણી એની ક્ષુધા મિટાવવા આવે તો વૃક્ષ એનાં પર્ણ અને ડાળીઓનું દાન આપી દે છે.
એક માણસ જ છે, જે છાયંડા અને વિસામાના બદલામાં એના થડ પર પ્રહાર કરે છે અને વૃક્ષ મૂળમાંથી ધરાશાયી થાય છે. આવા વખતે સૃષ્ટિને હક છે શોક મનાવવાનો અને સબક શીખવવાનો.
એક માણસ જ છે, જેને જંપ નથી. જ્યાં છે ત્યાં બધાની સાથે ભાગ પડાવવો છે. ‘યે દિલ માંગે મોર…’ અટકતું નથી. ત્યાં જ વાંધો છે. જમીન પર સમાતો નથી, તો આકાશમાં ઊડાઊડ કરે છે. હવાફેરના બહાને પંખીના આકાશમાં આડો આવે છે. ત્યાં જ વાંધો છે. જ્યાં અતિરેક છે ત્યાં સમસ્યા છે. દુનિયાનાં માત્ર પાંચ મોટાં એરપોર્ટ ગણી લો. રોજના ૩૦ કરોડ લોકો અવરજવર કરે છે. પક્ષીઓ ક્યારેય આટલી મોટી સંખ્યામાં તમારે આડે આવ્યાં? અને આજે એ નથી ઉડતાં તોય આપણે કહીયે છીએ એરપોર્ટ પર કાગડા ઉડે છે.
માણસ છાશવારે જૂઠું બોલતો થઇ ગયો છે.
ગ્લોબલઈઝાશનના નામે કેટલાં બધાં ધતિંગ ચાલે છે! ફરી એક વાર આ અતિરેક દાટ વાળે છે. તમે જ્યાં છો ત્યાં જે પ્રાપ્ય છે એ તમારા જીવનનિર્વાહ માટે પૂરતું છે અને ના હોય તો માણસ સક્ષમ છે એની વ્યવસ્થા કરી લેવા માટે. પણ… યે દિલ માંગે મોર….
આપણે ૮૦૦ કરોડ છીએ આ પૃથ્વી પર. બધાએ લૂંટી લેવું છે, માત્ર એક બીજા પાસેથી જ નહીં, ૮૪ લાખ પ્રકારના જીવો પાસેથી પણ!
કેટલું જોઈએ છે અને ક્યાં અટકવું એ ખબર નથી. બસ, બીજા કરતાં વધુ જોઈએ છે. શું કામ? તો કહે, એ પછી વાત, હમણાં સમય નથી. રેસ લાગી છે. ક્યાં પહોંચવાની? તો કહે ખબર નથી. ઉભા તો રહો. તો કહે સમય ક્યાં છે? અને હવે ઘરે બેસવાનું છે, તો બહાર ભમવું છે.
તું ભટકી ગયો છે. ભાઈ, પાછો ઘરે આવી જા, તને કોઈ કંઈ નહીં કહે.
આ આખી સૃષ્ટિ તને દિન-રાત અવિરત અઢળક આપવા જ બેઠી છે. તારી સાત પેઢીને ચાલે એનાથી પણ કંઈ કેટલું વધારે એની પાસે છે. આ ધરતી, આકાશ, સૂરજ, ચંદ્ર, તારા, પહાડ, વૃક્ષો, ઝરણાં, નદી, પવન, વરસાદ અને આવું તો કૈંક અવનવું. તારે તો માત્ર એક ઘઉંનો દાણો ધરતી પર વેરવાનો છે; અને જો કમાલ! તારું સુપર કમ્પ્યુટર ગણતરી કરતાં કરતાં હેંગ થઈ જાય એટલા અઢળક દાણા તૈયાર કરી આપવા એ અધીરો છે. તું થોડી તો ધીરજ ધર, માનવ. તને એણે સમજીને મુઠ્ઠી આપી છે, પણ તારે બથ ભરી લેવી છે.
આ બધું તારું જ છે, છતાં તે અતિરેક કર્યો તેથી તને બધાથી એક મીટરના અંતરે ઉભો રાખી દીધો. હવે તો સમજ. બધું જ સામે હશે ને તું કઈ નહીં કરી શકે, રૂપિયા ખિસાં ને તિજોરીમાં રહી જશે. સામાન બજારમાં પડ્યો રહેશે. આ તો ઠીક, તે જો તારા હકનું નથી એ વસ્તુને હાથ પણ લગાડ્યો, તો તારા પોતાની સાથે તું હાથ નહીં મિલાવી શકે.
તારી ભૂલો માટે તને કોઈ કંઈ નહીં કહે. તું ખુદ સમજદાર છે. સમજીને ઘરે પાછો આવી ચુપચાપ બેસી જા.
————————————————————–