
- જયેશ ચિતલિયા
મૃત્યુ આવી રહ્યું છે એવા સમાચારથી પણ માણસો અડધા મરી જાય છે! કોરોના વાઈરસ તો એક નામ છે, મોતનો ભય કેવો હોય છે તેનાં ઢગલાબંધ ઉદાહરણ આપણને હાલ વિશ્વભરમાં જોવા મળી રહ્યાં છે. જેઓ કુદરત સાથે બૂરી રમત રમે છે, પ્રકૃતિને પરેશાન કરે છે, બીજા જીવોને મારી નાખતાં ખચકાતા નથી તેઓ પોતાના મૃત્યુની છાયા અને કલ્પનાથી પણ કેવા ગભરાઈ જાય છે! જાગો, હવે તો જાગો…
જગતભરમાં હાલ કોરોના વાઈરસનો ભય ફેલાયેલો છે. વાઈરસનું નામ કંઈ પણ હોય, આખરે ભય તો મૃત્યુનો છે. માણસોના માથે આવા રોગની અને તેનાથી થઈ શકે એવા મોતની છાયા ફરતી હોય તો માણસોની માનસિક દશા કેવી થાય છે તેના દાખલા હાલ જોવા-સાંભળવા મળી રહ્યા છે.
આવું કંઈ પહેલીવાર નથી થયું. વિવિધ કુદરતી આફતો, અકસ્માતો, દુર્ઘટનાઓ, રોગચાળા, વગેરે વખતે આવા ભયનું સામ્રાજ્ય છવાઈ જતું હોય છે. હાલ સમગ્ર જગત કોરોના વાઈરસના ભયના ઓઠા હેઠળ છે અને બચવાના બધાં જ સંભવ પગલાં લઈ રહ્યું છે. ઘેર-ઘેર કોરોનાની ચર્ચા છે. એવો માહોલ રચાઈ ગયો છે કે માણસ માણસ સાથે હાથ મિલાવતાં પણ ડરે છે. ગળે મળતાં પણ ગભરાય છે, ખુલ્લા મુખે સામે જોવામાં પણ તેણે વિચાર કરવો પડે છે. આમ તો હાલ કોરોના વાઈરસનો ભય ફેલાયો છે, કિંતુ આપણે કોરોનાની પાછળ રહેલા મૃત્યુના ભયની વાત કરવી-સમજવી છે, જે જીવનના મહત્ત્વને સમજવા માટે ઉપયોગી છે.
મોતનાં દર્દ અને લાગણી
આમ તો ‘મૃત્યુ’ એક શબ્દ તરીકે આપણા જીવનમાં સતત છવાયેલો રહે છે, આપણે મૃત્યુ વિશે રોજ અખબારોમાં એક યા બીજા પ્રસંગ-ઘટના વાંચતા-સાંભળતા હોઈએ છીએ. કંપારી છૂટી જાય એવા, તો ક્યારેક કરુણા વહાવી દે એવાં મોત જોવા-વાંચવા-સાંભળવા મળે ત્યારે થોડીવાર માટે તો આપણી ભીતર પણ એક કંપ થઈ જતો હોય છે. ક્યારેક આપણાં સગાં-સંબંધી, પાડોશી, મિત્રો અને સ્વજનો-પ્રિયજનોના મૃત્યુને આપણે સાવ જ નજીકથી જોઈએ છીએ, તેના આઘાત પણ અનુભવીએ છીએ. સામાન્ય રીતે આપણા માટે બીજાનું મોત ચર્ચાનો વિષય બનીને રહી જાય છે. થોડા દિવસ બાદ આપણે એ ભૂલી જઈએ છીએ, અથવા ભૂલી જવું પડે છે. આમ પણ મૃત્યુ સામે કોઈનું ચાલી પણ શું શકે? કોઈનું પણ મૃત્યુ હોય, આખરે ક્યાં સુધી કોઈ રડીને કે ઉદાસ થઈને જીવી શકે! કેટલું પણ સ્વજન કે પ્રિયજન હોય, તેને ગુમાવ્યા બાદ માણસે પોતાની રૂટિન લાઈફમાં પરત આવી જ જવું પડે છે. અલબત્ત, તેની ભીતર સર્જાયેલો ખાલીપો એ પોતે જ જાણતો હોય છે, દુનિયા તેને સમજી ન શકે. આ ખાલીપો દરેકનો જુદો હોઈ શકે. માતા-પિતાનો, ભાઈ-બહેનોનો, પત્નીનો, સંતાનોનો, મિત્રોનો, દરેકનો આગવો હોઈ શકે.
જીવન વિશે કહેવાય છે કે જીવન એ રહસ્ય છે અને સતત અનિશ્ચિતતાઓથી સભર હોય છે. જીવનમાં જો કોઈ નિશ્ચિત હોય તો એ છે મૃત્યુ. કોઈપણ માનવી જન્મે કે તરત જ તેની મૃત્યુ તરફની યાત્રા શરૂ થઈ જાય છે.
મોતને જીવનની જેમ સમજવું જોઈએ
તાજેતરમાં એક સમાચાર એવા વાંચ્યા હતા કે અમુક શહેરોમાં ‘મોત પે ચર્ચા‘ની બેઠકનું આયોજન થાય છે. અમુક લોકો સમયાંતરે એકઠા થઈ મોત અંગે ચર્ચા કરે છે. અહીં માત્ર ફિલોસોફીની વાતો નથી થતી, બલ્કે આ ચર્ચામાં ભાગ લેનારના જીવનમાં આસપાસ કે પ્રિયજન-સ્વજનના થયેલા મૃત્યુની અને તેના અનુભવની વાતો થાય છે. જિજ્ઞાસાપૂર્વક આ ચર્ચા કરતી વખતે તેમનો આશય મૃત્યુ વિશેના ભયને દૂર યા ઓછો કરવાનો, તેને સમજવાનો હોય છે.
આપણે જીવન વિશે કેટલી બધી વાતો અને ચર્ચા કરીએ છીએ, તો મોત અંગે શા માટે નહીં? વાત વિચારવા જેવી ખરી!
સ્મશાન–કબ્રસ્તાન કયાં હોવા જોઈએ?
એક સંત તેમના શિષ્યોને કાયમ કહેતા કે તમારે અમુક દિવસ તો સ્મશાન યા કબ્રસ્તાનમાં રહેવું જોઈએ, કારણ કે મોતનો ભય દૂર કરવા માટે આ અનુભવ આવશ્યક છે. માણસ આ ભયમાંથી મુક્તિ મેળવી લે એ પછી તે ખરા અર્થમાં સ્વતંત્ર અને હિંમતવાન બની શકે છે. ઓશો રજનીશ તો ત્યાં સુધી કહેતા કે સ્મશાન યા કબ્રસ્તાન લોકવસ્તીની વચ્ચે જ બંધાવું જોઈએ. લોકો ત્યાંથી રોજેરોજ પસાર થતા હોવા જોઈએ. હકીકતમાં આપણે સ્મશાન ઘરોથી દૂર-દૂર બાંધતા હોઈએ છીએ. એ તરફ જવાનું યા જોવાનું પણ બને ત્યાં સુધી ટાળીએ છીએ.
મોતનો હાઉ કેવો હોય છે?
આપણે ઘણીવાર કોઈ મરણ આપણી નજર સામે ઘટે તોય ગભરાઈ જઈએ છીએ, કેમ કે બીજાના મોતને જોયા બાદ તરત આપણા મનમાં મોતની કલ્પના આવી જાય છે. તેથી જ ઘણા લોકો લાશ પાસે વધુ સમય બેસતાં કે તેની વધુ નજીક જતાં પણ ડરે છે. જે શરીરમાં હવે જીવ નથી એ શરીર ઘરમાંથી લઈ જવાની પણ ઉતાવળ થતી હોય છે. ઈન શોર્ટ, મોત એટલે એવો ભયાનક ડર કે જેના વિશે સાંભળીને યા વાંચીને પણ માણસો ચિંતામાં મુકાઈ જાય છે.
માણસની પોતાની વાત આવે છે ત્યારે…
કોરોના યા અન્ય કોઈપણ કારણસર મોતથી ડરતા લોકો જ્યારે બીજા માણસોને યા પ્રાણીઓને પોતે મારી નાખે છે ત્યારે તેમને કોઈ સંવેદના થતી નથી. પોતાનું મોત સામે દેખાય કે તેનો ભય પણ આવી જાય, તો તેમની હાલત કફોડી થઈ જાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ દરેકને પોતાના ભગવાન યાદ આવી જાય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે જગતના તમામ દેશો કેવા ગભરાયા છે. માણસોની હેરફેર અટકાવી દીધી, એકેક માણસની ચકાસણી થઈ રહી છે. સૂચના અને માહિતીના ભંડાર ફરવા લાગ્યા છે. આ જ માણસોને રોડ અકસ્માતમાં રોજના લાખો લોકો મરી જાય છે તેનો વિચાર નથી આવતો, કેન્સર, ટીબી, ડાયાબિટીઝ, હાર્ટ ઍટેક, કિડનીની સમસ્યા, એઈડ્સ, વગેરે રોગોથી મરી જનારા પણ રોજના લાખો છે. કોરોનામાં તો હજી સમગ્ર વિશ્વમાં અમુક લાખને અસર થઈ છે અને અમુક હજાર માણસો મરણને શરણ થયા છે ત્યાં તો આખા વિશ્વની જાણે બોલતી બંધ થઈ ગઈ છે. માથે મોત ભમતું દેખાય તો માનવ કેટલો વામણો થવા લાગે છે તેના અનેક પુરાવા હાલ નજર સામે જોવા-વાંચવા-સાંભળવા મળે છે.
બીજા જીવો પ્રત્યે ક્રૂરતા શા માટે?
અરે ભલા માણસ, બધાએ એક દિવસ જવાનું જ છે. કોઈને અહીં કાયમ રહેવા મળતું નથી. કોરોના નહીં લઈ જાય તો બીજું કોઈ લઈ જશે. એનો અર્થ એ નથી કે માણસે સામે ચાલીને કોરોનાને આમંત્રણ આપવું, પરંતુ માણસે આવા સમયે જીવન પ્રત્યે વધુ સંવેદનશીલ બનવું જોઈએ. બીજા તમામ જીવો પ્રત્યે ક્રૂર અને વિનાશક બનતાં પહેલાં વિચાર કરવો જોઈએ. કોરોનાની શરૂઆત જ્યાંથી થઈ તે ચીનના વુહાન શહેરમાં ત્યાંના લોકો જીવતાં ઉંદર, સાપ સહિતના વિવિધ જીવોને ભોજન તરીકે આરોગતા રહ્યા છે. હવે જ્યારે આ કારણસર તેમના અને અન્યનાં મોત સામે આવી ગયાં તો આ જ માણસો ગભરાઈ ગયા! જ્યારે આ વાઈરસનો વ્યાપ વિશ્વમાં ફેલાવા લાગ્યો ત્યારે વિશ્વ આખું ફફડવા લાગ્યું છે. આ ડર માત્ર મોતનો નથી, કિંતુ મોતના ફેલાતા હાથનો છે. લટકતી તલવારનો છે, મોતની અનિશ્ચિતતાનો છે. આજે એક જણ પાસે છે, કાલે મારી પાસે આવી જશે તો એ વિચારનો ભય મોત કરતાં પણ વધુ કામ કરી રહ્યો છે.
નકારાત્મકતાનો અતિરેક બંધ કરો
કોરોના વાઈરસ કરતા તેના ભયને ફેલાવવામાં સોશ્યલ મીડીયા વધુ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. તેના વિશે વધુ પડતો હાઉ ફેલાવવામાં આવી રહ્યો છે. અગમચેતીનાં પગલાં લેવાય એ યોગ્ય છે, કિંતુ તેના વિશે નકારાત્મક અતિરેકનો પ્રસાર-પ્રચાર બંધ કરવો જોઈએ. મૃત્યુ આપણને દરેકને આવવાનું છે, કયા દિવસે, કઈ રીતે, કઈ ઘડીએ આવશે એ આપણને ખબર નથી, ખબર પડશે પણ નહીં, તેમ છતાં જો આ મૃત્યુ મહાશય આવવાના નક્કી છે અને આપણો વારો કોઈપણ ક્ષણે આવી શકે છે એટલું સત્ય ખરા અર્થમાં સમજાઈ જાય તો જીવન બદલાઈ શકે છે.
કોરોનાને ભય તરીકે નહીં, માનવ જગત માટે એક સંદેશ સમાન જોવો જોઈએ. જો તમને તમારા મૃત્યુના વિચારનો પણ ભય લાગે છે, તો તમે બીજા જીવને હણતાં પહેલાં કેમ વિચાર કરતા નથી? બીજા જીવો પ્રત્યે કેમ ક્રૂર થઈ જાવ છો? કુદરત સાથે કેમ અન્યાય કે ચેડાં કરો છો? કુદરતની એક થપ્પડ પણ કેવી ભારે પડે છે એ સમજાઈ ગયું હોય તો જાગો, હવે તો જાગો…
——————————————————