
– જયેશ ચિતલિયા
ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં નંબર વન હોવું એ એક્સચેન્જ માટે ગૌરવની ઘટના, કિંતુ દેશ માટે?
શું દેશના સ્ટોક માર્કેટમાં ડેરિવેટિવ્ઝનું વોલ્યુમ સતત વધતું રહે એ આવકાર્ય ગણાય? શું સેબી જેવું નિયમન તંત્ર એનએસઈના કો-લોકેશન જેવા ગંભીર કેસને સાવ જ હળવાશથી ભુલાવી દે એ ન્યાયી અને વાજબી છે? સેબી અને નાણાં ખાતાએ આ વિષયમાં પુનઃ વિચારવાની જરૂર છે…
ભારતમાં ટર્નઓવર-વોલ્યુમની દૃષ્ટિએ નંબર વન ગણાતું નેશનલ સ્ટોક એક્સચેન્જ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના પ્રચારમાં જાહેરખબર મારફત કહી રહ્યું છે કે તે ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં વિશ્વમાં પણ અગ્રણી એક્સચેન્જ બની ગયું છે. આ જાહેરાત તે ગૌરવપૂર્વક કરી રહ્યું છે. પ્રથમ નજરે બધાંને લાગે કે આ ગૌરવની ઘટના છે, કિંતુ જરા ઊંડા ઊતરીને વિચારીએ તો સત્ય સમજાય છે કે ડેરિવેટિવ્ઝનું વોલ્યુમ-ટર્નઓવર વધવું એ ગૌરવની ઘટના કરતાં પુનઃ વિચારની ઘટના વધુ છે. ડેરિવેટિવ્ઝનું ઊંચું અને સતત વધતું જતું ટર્નઓવર ઊંચા સટ્ટાની સાક્ષી પૂરે છે. આનો સરળ અર્થ એ થાય કે આ એક્સચેન્જ પર સટ્ટાકીય વોલ્યુમ બહુ વધુ થાય છે, કારણ કે ડેરિવેટિવ્ઝ સાધનો સટ્ટાનાં સાધનો છે. ખરેખર તો એ હેજિંગનાં સાધનો છે અને મોટા રોકાણકારો-સંસ્થાકીય રોકાણકારો માટે તેનો ઉપયોગ જરૂરી પણ છે, કિંતુ આ સાથે થાય એવું છે કે નાના રોકાણકારો પણ ઝટપટ કમાણી કરવાની લાલસામાં તેમાં રમવા લાગે છે. આમ તો નિયમનકાર સેબીએ નાના રોકાણકારો તેનાથી દૂર રહે એ માટે મિનિમમ કોન્ટ્રેકટ સાઈઝ બે લાખ રૂપિયાની રાખી છે, છતાં નાના સટોડિયા-રોકાણકારો તેમાં માર્જિન ભરીને આ ખેલો કર્યા કરે છે.
શું પ્રથમ ક્રમાંકનું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ બની જવું એ ગૌરવ લેવા જેવી વાત છે? શું તેની સ્થાપના એક ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ બનવા માટે કરવામાં આવી હતી? પોતાના પ્રચારમાં ‘સોચ કર, સમઝ કર, ઇન્વેસ્ટ કર’ એવું કહીને ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણની વાત કરનારું એક્સચેન્જ આજે ડેરિવેટિવ્ઝ માટે જ જાણીતું અને માનીતું બની ગયું છે એ હકીકતને કોઈ નકારી શકે એમ નથી.
સિક્યૉરિટીઝ એક્સચેન્જમાં ફક્ત ડેરિવેટિવ્ઝ નહીં, ઈક્વિટી કેશ સેગમેન્ટ, બોન્ડ સેગમેન્ટ, સ્ટાર્ટ અપ સેગમેન્ટ અને એસએમઈ સેગમેન્ટ પણ હોય છે, પરંતુ એનએસઈ મોટાઉપાડે કહી રહ્યું છે કે એ પોતે દુનિયાનું પ્રથમ ક્રમાંકનું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ બની ગયું છે.
ભારતમાં બહુમતી લોકોને શેરબજાર પર વિશ્વાસ હજી આવ્યો નથી અને કંપનીઓને તેમના વિકાસ માટે પૂરતા પ્રમાણમાં સહેલાઈથી નાણાં મળી રહે એવું વાતાવરણ હજી રચાયું નથી. દેશનું અગ્રણી એક્સચેન્જ જ જો ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ બદલ ગૌરવ લઈ રહ્યું હોય તો એ દેશમાં આપણે કહી રહ્યા છીએ એમ લોકોને શેરબજાર એક સટ્ટાબજાર જ દેખાશે અને તેના પર ક્યારેય વિશ્વાસ નહીં આવે.
સેબી અને નાણાં ખાતું રાજી છે?
શું સેબી અને નાણાં ખાતું આ પ્રત્યે રાજી છે? દેશમાં સટ્ટાકીય પ્રવૃત્તિ વધે એ જરૂરી છે કે પછી ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે? તો એનએસઈના આ ગૌરવ વિધાનથી કોઈની આંખ ઉઘડતી નથી? અનેક યુવાન રોકાણકારો તેમ જ નાસમજ-નાદાન-લાલચુ રોકાણકારો (?) આવાં સટ્ટાકીય સાધનોમાં નાણાં રોકી રાતોરાત લખપતિ બનવાની ઈચ્છા રાખતા હોય છે. અનેક ચોક્કસ બ્રોકરો પણ તેમને આમ કરવા માટે ઉત્તેજન આપતા રહે છે. બ્રોકરોને પોતાનું વોલ્યુમ વધારી કમાણી વધારવામાં રસ હોય છે. નવાઈની વાત એ છે કે આ જ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ બીએસઈ પર નહીંવત્ ચાલે છે. જ્યારે કે એનએસઈ પર ડેરિવેટીવ્ઝને લીધે કેશ માર્કેટને પણ ઉત્તેજન મળી જાય છે. સેબી કે નાણાં ખાતું આ મામલે તંદુરસ્ત હરીફાઈ થાય એવો કોઈ પ્રયાસ પણ કરતાં નથી. સરકારનું લક્ષ્ય એ છે કે દેશમાં સ્ટોક એક્સચેન્જ ઈક્વિટી કલ્ટનો પ્રચાર અને પ્રસાર કરે, પરંતુ અહીં થાય છે એવું કે એનએસઈમાં સૌથી વધુ ટ્રેડિંગ સટ્ટાકીય પ્રોડક્ટ્સ સમાન ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં જ થાય છે. રોજના અબજોના ખેલ થાય છે અને પછી તેનું ગૌરવ લેવાય છે.
ગંભીર કો–લોકેશન કેસ દબાઇ ગયો?
આ એક વાત થઈ. બીજી વાત એનએસઈના વિષયની જ છે, જેમાં હજી અમુક સમય પહેલાં ચોક્કસ વર્ગને વહેલું એક્સેસ આપીને સોદા કરવા દેવાની ઘટનાથી તેઓ 40થી 50 હજાર કરોડનો કથિત ગેરલાભ લઈ ગયા હોવાના આક્ષેપ થયા. તેને પગલે એનએસઈ સામે તપાસ ચાલી, તેના ચોક્કસ ઉચ્ચ અધિકારીઓ સામે એક્શન રૂપે તેમના પગારમાંથી ચોક્કસ રકમ કાપી લેવાની પણ વાત થઈ હતી. આ બધી વ્હીસલબ્લોઅરની ફરિયાદને આધારે લેવાયેલી સેબીની પોતાની એક્શન હતી, તેમ છતાં એ જ સેબીએ આ ગંભીર કથિત ગરબડને હવે ક્લિન ચિટ આપી દીધી હોવાનું બહાર આવ્યું છે. કહેવાય છે કે સેબીએ આ વિષયમાં પોતાનો ઓર્ડર જ નબળો તૈયાર કર્યો હતો અને એક્સચેન્જ આબાદ નીકળી જાય એવો તખ્તો ગોઠવ્યો હતો, અન્યથા સેટ આ ઓર્ડર સામે સ્ટે આપી શકત નહીં. આખરે, સેબીએ જ આ કેસમાં ખાસ દમ નથી એવું જણાવી જેમને અગાઉ પોતે જ આરોપી ગણ્યા હતા તેમને મુક્ત કરી દીધા હોવાનું બહાર આવ્યું છે. શું સેબીએ આ વિષયમાં લોકોને મૂર્ખ બનાવ્યા કહી શકાય? શું સેબીએ આ નિર્ણય ઉપરથી આવેલા કોઈ દબાણને લીધે લીધો હોવાનું માની શકાય? શું સેબી સિવાય ઘણી એજન્સીઓને આમાં શંકા-કુશંકા લાગી હોવા છતાં સેબીએ આ પ્રકરણ બંધ કરી દીધું એની પાછળ કોઈ સ્થાપિત હિતો-વગદાર હસ્તીઓ કામ કરી ગયા કહી શકાય? સવાલ એ થાય છે કે જો આવું જ કંઈક બીએસઈમાં બન્યું હોત તો સેબી આવું વલણ અપનાવત ખરાં? સેબીએ એનએસઈને પહેલેથી વિશેષ દરજ્જો આપ્યો હોવાની ફરિયાદ સતત થતી હોય છે, જેમાં બીએસઈને અન્યાય થતો હોવાની ફરિયાદ પણ હોય છે, પરિણામે, આજે એનએસઈ લગભગ મોનોપોલી જેવું એક્સચેન્જ બની ગયું છે. તેમ છતાં સેબીને બધું ચાલે છે. કો-લોકેશન જેવા મહાકૌભાંડને જતું કરનાર સેબીનો ન્યાય ક્યાં જાય છે? શા માટે જાય છે? નિયમન સંસ્થા તરીકે આ વિશે સેબી કેમ મૌન પાળીને બેઠી છે?
ઈક્વિટી કલ્ટ લાવવામાં નિષ્ફળ
એનએસઈની જ વાત કરીએ તો, તેની સ્થાપના પારદર્શકતા લાવવા માટે થઈ હતી, પરંતુ લોકોએ જોયું છે કે તેમાં કૉ-લૉકેશન જેવું કૌભાંડ થઈ ગયું અને તેમાં સેબીએ ભજવેલી ભૂમિકા પણ શંકા હેઠળ આવી છે.
આ એક્સચેન્જ બન્યાને 26 વર્ષ વીતવા છતાંય હજી દેશમાં શેરબજારમાં વ્યવહાર કરનારી પ્રજાનું પ્રમાણ કુલ વસતિના માત્ર 2.5 ટકા છે. જે દેશમાં એશિયાનું સૌથી જૂનું એક્સચેન્જ ગર્વભેર કાર્યરત હોય અને તેનો સેન્સેક્સ દેશના અર્થતંત્રની પારાશીશી ગણવામાં આવતો હોય ત્યાં જો ફક્ત 2.5 ટકા વસતિ શેરબજાર પર વિશ્વાસ રાખતી હોય તો સૌએ ભેગા મળીને વિચારવા જેવું છે. આવી સ્થિતિમાં દુનિયાના પ્રથમ ક્રમાંકિત ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ તરીકે ખાંડ ખાવામાં કોઈ શાણપણ નથી. ઉલટાનું, તેના પરથી પુરવાર થાય છે કે એક એક્સચેન્જ તરીકે એનએસઈ દેશમાં ઈક્વિટી કલ્ટ લાવવામાં નિષ્ફળ ગયું છે.
ભારત પાસે રહેલી સંભાવનાઓનો ઉપયોગ
બીજી એક નોંધપાત્ર બાબત એ છે કે ભારત વિકાસશીલ રાષ્ટ્ર છે અને એક બજાર તરીકે તેની પાસે ભરપૂર સંભાવનાઓ છે. આથી જ વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત અહીં રોકાણ વધારતાં જાય છે. જો કે, તેઓ રોકાણ કરતા હોવાથી ફાયદો પણ તેઓ જ લઈ જાય છે. ભારત પાસે રહેલી સંભાવનાઓનો ઉપયોગ ભારતની પ્રજા જ જો કરી શકતી ન હોય તો એ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. આ બાબતે નિયમનકાર તરીકે સેબીએ સક્રિય વિચારણા કરીને અસંતુલન દૂર કરવા માટે પ્રયાસ કરવા જોઈએ. તેને બદલે એવું થઈ રહ્યું છે કે કૉ-લૉકેશન માટે જવાબદાર એક્સચેન્જ આબાદ છટકી જઈ શકે એવાં નબળાં પગલાં ભરવામાં આવે છે. એનએસઈમાં એક રાજકીય વગદાર વ્યક્તિનો પરિવાર ઘણા મોટા પાયે ટ્રેડિંગ કરીને લખલૂટ કમાણી કરી રહ્યો છે એવી વાતો વર્ષોથી થતી આવી છે.
દેશમાં સ્થાનિક ચીજોને પ્રોત્સાહન આપવા માટે આયાતને ઘટાડવા તરફ લક્ષ આપવામાં આવી રહ્યું હોય તો સ્વાભાવિક રીતે સ્થાનિક રોકાણને પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેના માટે ઈક્વિટી બજારના તંદુરસ્ત વિકાસને પ્રાધાન્ય આપવું જોઈએ અને એ કામ ડેરિવેટિવ્ઝ નહીં, પરંતુ કોઈ પણ ગેરરીતિ વગરનું કૅશ ટ્રેડિંગ જ કરી શકે છે.
ટૂંકમાં, એટલું જ કહેવાનું કે ભારતની સંભાવનાઓનો ઉપયોગ ભારતીયોની જ સમૃદ્ધિ માટે કરવામાં આવવો જોઈએ અને સરકાર તથા નિયમનકારો અને સાથે સાથે સ્ટૉક એક્સચેન્જોએ પોતાની સમગ્ર શક્તિ એ દિશામાં કામે લગાડી દેવી જોઈએ.
(સૌજન્યઃ ગુજરાત ગાર્ડિયન અખબાર. https://www.gujaratguardian.in/E-Paper/02-17-2020Suppliment/pdf/02-17-2020gujaratguardiansuppliment.pdf)