સીએએના મુદ્દે રાજકીય પક્ષો જે ભૂમિકા ભજવી રહ્યા છે તે સો ટકા પોતપોતાનાં હિતોના કારણસર કરી રહ્યા છે
- તરુ કજારિયા

દેશમાં હમણાં દેખાવો અને દેકારો ચરમસીમાએ છે. કેન્દ્ર સરકારના ‘સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ’ (સીએએ) અને ‘નૅશનલ સિટિઝન્સ રજિસ્ટર’ (એનસી.આર) સંબંધિત પગલાં સામે દેશના બૌદ્ધિકો અને કહેવાતા બૌદ્ધિકોએ મોરચો ખોલી દીધો છે. સ્વતંત્રતા અને લોકશાહીના મુક્ત માહોલના પુરસ્કર્તાઓને સરકારનાં પગલાંમાં આપખુદશાહી દેખાય છે અને તેઓ તેનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે, તો સરકારને આ લોકો રાષ્ટ્રવિરોધી લાગે છે. આખો દેશ બે ભાગમાં જાણે વહેંચાઈ ગયો છે.
સીએએ પાડોશી રાષ્ટ્રોની લઘુમતીઓને ભારતીય નાગરિકતા મેળવવામાં સરળતા ઊભી કરે છે. પરંતુ આ લઘુમતીમાં મુસ્લિમોનો સમાવેશ નથી કરાયો. આ જ કારણ છે કે ઉદારમતવાદીઓ, બૌદ્ધિકો અને દેશના મુસ્લિમો વિરોધ કરી રહ્યા છે. દુનિયાની લોકશાહીઓ પણ ભારત સરકારના આ પગલાને ધર્મને આધારે કરાતો ભેદભાવ ગણાવીને તેનો વિરોધ કરી રહી છે. દેશમાં જ્યાં ને ત્યાં વિરોધના ઝંડા લઈને સ્ત્રી-પુરુષો ઊમટી પડ્યાં છે. તેમાં નેચરલી મુસ્લિમોની હાજરી આંખે વળગે તેવી છે.
અહીં એક સવાલ થાય છે કે આ સુધારાથી દેશના મુસ્લિમ નાગરિકોને તો કોઇ અન્યાય થતો નથી. એમ તો આ સુધારાની કોઇ અસર દેશના અન્ય કોઇ પણ ધર્મના કે જાતિના નાગરિકોના સ્ટેટસ પર પડવાની નથી. તો પછી તેઓ આટલા ભારપૂર્વક આનો વિરોધ કેમ કરે છે?
સવાલ તો આપણા પાડોશી દેશોના એવા નાગરિકોનો છે જેઓ ભારતના નાગરિક બનવા ચાહે છે. ભારતના નાગરિકો છે, તે ચાહે કોઇ પણ જાતિ, ધર્મ કે વર્ગના હોય, તેમના નાગરિક તરીકેના સ્ટેટસને તો આ સુધારો હાથ લગાડતો જ નથી. તો પછી આટલા ઘવાઈ કેમ ગયા છે એ બધા? આવા સવાલો ઘણાના મનમાં ઊઠે છે અને તેના જવાબો શોધવા દૂર જવું નથી પડતું. આપણા રાજકારણીઓ બિચારા ક્યારેક ને ક્યારેક સાચું બોલી દે છે. હમણાં જ મહારાષ્ટ્રના એક સત્તાધીશ કૉંગ્રેસી રાજકારણીએ એક વિધાન કર્યું હતું કે મુસ્લિમો નહોતા ઈચ્છતા કે મહારાષ્ટ્રમાં ભાજપ પાછો સત્તા પર આવે, એટલે જ અમારા પક્ષે શિવસેનાની સાથે હાથ મેળવ્યા. ત્યારબાદ રાષ્ટ્રવાદી કૉંગેસના માંધાતા શરદ પવારે ખુદ કહ્યું કે મુસ્લિમો ધારે તેને સત્તા પર લાવી શકે છે અને સત્તા પરથી ખદેડી શકે છે! આમાં કશું નવું નથી. પરંતુ આ અગ્રણી નેતાઓના મોઢેથી જાહેરમાં આ કબૂલાત થઈ ગઈ એ થોડુંક નવું છે. બાકી ભારતમાં દરેક રાજકીય પક્ષ સત્તાના સિંહાસનને આંબવા માટે અને એક વાર આંબી લીધા પછી ત્યાં ચિટકી રહેવા માટે લઘુમતીની આળપંપાળ કરતો આવ્યો છે.
આ બન્ને નેતાઓનાં વિધાનોમાંથી જ આવો સુધારો લાવવા પાછળ સરકારની અતિઉત્સુકતા અને આ સુધારાનો વિરોધ ફેલાવવા પાછળ વિપક્ષનો ઝનૂની ઉત્સાહ અને આગ્રહ થોડે ઘણે અંશે સમજી શકાય એવા નથી લાગતા? દરેક પક્ષ જે ભૂમિકા ભજવી રહ્યો છે તે સો ટકા પોતપોતાનાં હિતોનાં કારણોસર કરી રહ્યો છે.
બાકી, એક કલ્પના કરો. તમારે ઘરે આવીને કોઇ વ્યક્તિને રહેવું છે. તો તમે પહેલાં તો એ વધારાની વ્યક્તિનો તમારા પરિવારમાં સમાવેશ કરવાની તમારી હેસિયત છે કે નહીં એ જોશો ને? કદાચ તમારી એવી કેપેસિટી છે તો પછી તમે એ વ્યક્તિનું બૅકગ્રાઉન્ડ ચેક કરશો કે આ મારા માટે કોઇ નવી ઉપાધિ નહીં ઊભી કરે ને! પછી તમે એ જોશો કે એ વ્યક્તિના આવવાથી તમારા ઘરના સભ્યોને કોઇ તકલીફ તો નહીં ભોગવવી પડે ને? પછી તમે તેને તમારા ઘરમાં પ્રવેશ આપશો કે નહીં કે નહીં આપો તેનો આધાર તમારી એ કવાયત પર છે. હવે જે વાત પરિવારને લાગુ પડે છે તે દેશને પણ લાગુ ન પડી શકે?
યુરોપના કેટલાય દેશોએ અન્ય દેશોના વિસ્થાપિતો માટે દેશના દરવાજા ખુલ્લા રાખેલા. પછી તેમણે ઘર આંગણે ભારે મૂંઝવણભરી સ્થિતિમાંથી પસાર થવું પડેલું. તેમના પોતાના નાગરિકો, પોતાના રિસોર્સીઝ અને પોતાના કલ્ચર પર એ નિર્ણયની અવળી અસરો પડી અને તેમણે પોતાના નિર્ણય અંગે ફેરવિચાર કરવો પડ્યો છે.
કોઇ પણ દેશના નેતાઓની પહેલી અને સૌથી મહત્ત્વની ફરજ પોતાના દેશવાસીઓ પ્રત્યે છે. ત્યાર બાદ એ અન્ય દેશોના નાગરિકોના પ્રશ્નો હાથ ધરે તો એ બરાબર છે. પરંતુ આવી વાત કે વિચારશૈલીને ‘માનવતાવિરોધી’ અને ‘વિશ્વનાગરિકતા વિરોધી’ ગણાવાય છે. પણ પ્રામાણિકપણે કહું તો રાજકીય નેતાઓએ પોતાના પરિવાર સંદર્ભે આ સ્થિતિને એપ્લાય કરી જોવી જોઈએ. હા, આપણા સંસ્કાર તો ‘આંગણે આવેલાને મીઠો આવકાર’ આપવાના છે. પરંતુ એવા મીઠા આવકારનાં કડવાં ફળો ભોગવ્યાં હોય તો પછી આપણા વ્યવહારમાં બદલાવ આવે કે નહીં?
અને રાજકારણીઓની વાત છે ત્યાં સુધી એક વાત તો દીવા જેવી સ્પષ્ટ છે કે આ બિરાદરી પોતાની ખુરશી અને સત્તા માટે કંઇ પણ અને કોઇ પણ સ્તરે જતાં અચકાય તેમ નથી. શાસક પક્ષ હોય કે વિરોધપક્ષ, એકને સત્તા પર ટકી રહેવા કંઇક પગલું ભરવું છે તો બીજાને સત્તા પર આવવા એ પગલાનો વિરોધ કરવો છે.
પણ આમાં આપણા જેવા સામાન્ય નાગરિકનું શું? તેણે પોતાની વિચારશક્તિ અને બુદ્ધિથી વિચારવાનું છે કે દેશનું હિત અને દેશના નાગરિકોનું હિત ક્યાં રહેલું છે. પરિવાર હોય કે કોઇ પણ સામાજિક એકમ હોય, શિસ્ત અને સુવ્યવસ્થા જળવાય તો જ બધાને માટે ઉપલબ્ધ અધિકારોનો લાભ સહુને પહોંચે. એ લાભ ભોગવવો હોય તો પાયાની શિસ્ત તો જાળવવી જ પડે. લોકશાહી એટલે હું મારા મનનું કરું અને તું તારી મરજી મુજબ વર્તે એવું હરગીઝ નહીં. તાજેતરમાં બોલીવૂડના એક પ્રતિભાશાળી કલાકારે બીજા એવા જ એક કલાકાર માટે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો ત્યારે થયું કે આવી પ્રતિભાઓને પણ આ સ્તરે ઢસડી જઈ શકે એ બેફામગીરી શું લોકશાહી છે?
(ગુજરાતી મિડ-ડેમાંથી સાભાર)
——————–