
”એનએસઈને એક વરિષ્ઠ રાજકારણી સાથે સંબંધ હોવાનું ચર્ચાય છે તેથી સમજી શકાય છે કે એનએસઈમાં હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગ કરનારાઓને દેશના આર્થિક ડેટા સાર્વજનિક થવા પહેલાં જ મળી જતા હશે. એક વહાલો અને બીજા બધા દવલા જેવી સ્થિતિમાં વહાલો જ કમાય એ દેખીતી વાત છે. તેનું પરિણામ એ આવે છે કે સ્ટૉક એક્સચેન્જના મારફતે મૂડીસર્જન અને રોકાણની પ્રવૃત્તિ થવાને બદલે સટ્ટો જ ખેલાતો રહે છે અને કૉ-લૉકેશન કે લેટેન્સી આર્બિટ્રેજ જેવી સ્થિતિમાં અમુક જ વહાલાઓ કમાણી કરી જાય અને બીજા બધાને નુકસાન થાય. ભારતમાં પણ આવું જ થયું હોવાથી હજી દેશમાં ઈક્વિટી કલ્ટ નિર્માણ થયો નથી, અર્થાત્ ઈક્વિટીમાં વિશ્વાસપૂર્વક રોકાણ કરવાની પ્રવૃત્તિ વધી નથી.”
ઉપર લખાયેલું વાક્ય તમે ગયા વખતના બ્લોગમાં વાંચ્યું હશે. હજી હમણાં જ આપણે કહ્યું હતું કે આ બ્લોગમાં એક વખત લખાઈ ગયેલી વાતોને પછીથી ક્યાંક ને ક્યાંકથી સમર્થન મળી જાય છે. ઉપર કહેલી આપણી વાતને ભારતના એક્સચેન્જ મૅન તરીકે ઓળખાતા જિજ્ઞેશ શાહ પાસેથી સમર્થન મળ્યું છે. તેમણે હાલમાં સન્ડે ગાર્ડિયન અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં (https://www.sundayguardianlive.com/business/indias-markets-can-become-world-beaters) કહેલી વાતો દેશની વર્તમાન સ્થિતિનો સ્પષ્ટ ચિતાર આપે છે. ચાલો, જોઈએ તેમના આ ઇન્ટરવ્યૂના અમુક અંશઃ
જિજ્ઞેશ શાહનું કહેવું છે કે ભારતમાં ટ્રેડિંગ માટેની ભરપૂર સંભાવનાઓ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ ક્ષમતાઓનો લાભ અપાવવા માટે સક્ષમ અને સાનુકૂળ વાતાવરણ રચવાની તકેદારી લેવી જોઈએ.
આજની તારીખે ભારતીય બજારોની સ્થિતિ જેવી મજબૂત હોવી જોઈએ એવી નથી. બજારો રોકાણનું સ્થળ બનવાને બદલે સટ્ટાનું સ્થળ બની ગયાં છે. આગામી દિવસોમાં એ મટકા માર્કેટ બની જવાનું જોખમ રહેલું છે. હાલ, ઇન્ડેક્સ વધે તેને બજારની સફળતાનો માપદંડ માની લેવાય છે અને બજારમાં ભ્રામક વોલ્યુમ ઊભાં કરવામાં આવી રહ્યાં છે. વોલ્યુમ ભ્રામક એટલા માટે કહેવાય કે નાણાકીય દૃષ્ટિએ પ્રીમિયમના મૂલ્યને ગણતરીમાં લેવાને બદલે સ્ટ્રાઇક પ્રાઇસના આધારે તેની ગણતરી કરવામાં આવે છે. ટર્નઓવર નક્કી કરવામાં આવી ગણતરીઓ સદંતર ભૂલભરેલી છે. બજારમાં ઊંડાણ કેટલું છે અને પ્રવાહિતા કેટલી છે તેનો વિચાર કરવાને બદલે માર્કેટના ટર્નઓવરના આધારે તેની મજબૂતી માપવામાં આવે છે એ ખોટું કહેવાય.
અન્ય એક સવાલના જવાબમાં તેમણે કહ્યું છે કે ભારતમાં ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીથી કોમોડિટી ટ્રેડિંગની પરંપરા છે. વિશ્વમાં ચીન અને ભારત જ ટ્રેડિંગ માટે પ્રખ્યાત છે. ચીનમાં ઉદારીકરણ બાદ ઘણી પ્રગતિ થઈ, પરંતુ ભારત પાછળ રહી ગયું. ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ચીન ભારત પછી આવ્યું, છતાં આજે તેનું ટ્રેડિંગ વોલ્યુમ ભારત કરતાં ઘણું વધારે છે.
જિજ્ઞેશ શાહે એમસીએક્સ, સિંગાપોર મર્કન્ટાઇલ એક્સચેન્જ, દુબઈ ગોલ્ડ ઍન્ડ કોમોડિટી એક્સચેન્જ, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ જેવાં વિવિધ ઍસેટ ક્લાસનાં એક્સચેન્જોની સ્થાપના કરી હતી. આજે એ એક્સચેન્જોના ખરીદદારોમાં ન્યૂ યોર્ક સ્ટૉક એક્સચેન્જ તથા સંયુક્ત આરબ અમીરાતની સરકારનો સમાવેશ થાય છે. તેમણે દેશ-વિદેશમાં એક્સચેન્જ મૅન તરીકે નામના મેળવી હતી. તેમણે વધુમાં કહ્યું છે કે આજે પણ ભારત એક્સચેન્જોના વિકાસની ઘણી બધી સંભાવનાઓ ધરાવે છે, પરંતુ અત્યારે સાંકડી માર્કેટમાં છીછરી પ્રૉડક્ટ્સ લાવીને માત્ર નફો રળવાની વૃત્તિ જોવા મળી રહી છે. ખરી રીતે તો બજારનું વિસ્તૃતીકરણ કરવાની જરૂર છે.
ભારતને મેટલ્સ અને એનર્જી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં વૈશ્વિક ખેલાડી બનાવવા માટે શેની જરૂર છે એમ પુછાતાં તેમણે કહ્યું હતું કે બજારના ખેલાડીઓને તમામ પ્રકારનો ટેકો આપવામાં આવવો જોઈએ તથા રોકાણકારોને ઉચિતપણે સહભાગી થવાનો મોકો મળવો જોઈએ.
પ્રથમ હરોળના આન્ત્રપ્રેન્યોર જિજ્ઞેશ શાહ એમ પણ કહે છે કે પ્રૉડક્ટ્સની વિશાળ શ્રેણી તૈયાર કરવા ઉપરાંત શેરધારકોને તેમના રોકાણનું મૂલ્ય અપાવે એવી મજબૂત આર્થિક સ્થિતિ તૈયાર કરવાનો કોઈ પણ વેપાર સાહસનો ઉદ્દેશ્ય હોય છે. આન્ત્રપ્રેન્યોરે ક્યારેય પોતાના વેપારના ઉદ્દેશ્ય તથા મજબૂત આર્થિક સ્થિતિ તરફ દુર્લક્ષ કરવું જોઈએ નહીં. આન્ત્રપ્રેન્યોરમાં એવી દૃષ્ટિ હોવી જોઈએ. લોકોને ફસાવવા માટે ફક્ત મોટી મોટી વાતો કરનારા લોકો લાંબા સમય સુધી ટકી શકતા નથી.
નાણાકીય બજારમાં આવી રહેલી નવી નવી ટેક્નૉલૉજીઓ વિશે તેઓ જણાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્રિપ્ટોકરન્સી એ બન્ને નવી ટેક્નૉલૉજીઓ નાણાકીય ઉદ્યોગમાં મોટા પાયે પ્રવેશ કરવા આવી રહી છે. તેનો ઉપયોગ અમુક ગણ્યાગાંઠ્યા લોકોની અનુચિતપણે તરફેણ કરવા માટે નહીં, પણ બજારના હિતમાં કરવામાં આવવો જોઈએ.
ભારતની ભાવિ સંભાવનાઓ વિશે જિજ્ઞેશ શાહ જણાવે છે કે ભારત ટોકિયો અને લંડનની વચ્ચેના આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર તરીકે ફરી એક વાર કાઠું કાઢી શકે છે. દેશનું અર્થતંત્ર ઘણું મોટું છે અને ગ્રાહકદીઠ વપરાશનું પ્રમાણ વધી શકે છે. આ રીતે વ્યક્તિદીઠ આવક વધીને 2,000 ડૉલરના વિકસિિત દેશોના સ્તર સુધી પહોંચી શકે છે.
——————————–