
કૉ-લૉકેશન બદલ દેશભરમાં વગોવાયેલા એનએસઈ સામે સેબીએ શું ફક્ત તપાસનું નાટક કર્યું? એ શીર્ષક હેઠળ આપણે ગયા વખતના બ્લોગમાં વાત કરી. અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે વિચારક્રાંતિમાં ઊભા થતા પ્રશ્નોના જવાબ આપોઆપ મળવા લાગે છે અને અહીં લખેલી વાતો સાચી પણ પડવા લાગે છે અથવા તો તેને સમર્થન મળવા લાગે છે.
ભારતની સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબીને એક વ્હીસલબ્લોઅરે ઊંઘમાંથી જગાડીને કહ્યું કે ”કૉ-લૉકેશન કૌભાંડ થયું છે, તમે કંઈક કરો”. સેબી પરાણે જાગી તો ખરી, પરંતુ તેણે તપાસ અને કાર્યવાહીના નામે ફક્ત દેખાડો કર્યો હોય એવી જ છાપ સામાન્ય જનતામાં ફેલાઈ છે.
બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમની નાણાકીય નિયમનકાર સંસ્થા – ફાઇનાન્શિયલ કન્ડક્ટ ઑથોરિટીએ કરેલા અભ્યાસ મુજબ હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગ કરનારાઓને અન્યોના મુકાબલે પુષ્કળ મોટો ફાયદો થાય છે.
બીજા શબ્દોમાં કહીએ તો આ ટ્રેડરોએ કરેલી કમાણી સામાન્ય રોકાણકારને થયેલું નુકસાન હોય છે. આમ, ઉક્ત અભ્યાસ મુજબ દર વર્ષે આશરે 5 અબજ ડૉલર જેટલું રોકાણકારોને નુકસાન થાય છે.
ભારતનું કૉ-લૉકેશન કૌભાંડ 50,000 કરોડથી 60,000 કરોડ રૂપિયા મૂલ્યનું હોવાનો અંદાજ છે, પરંતુ સેબીની તપાસ પૂરી થઈ ગયા પછી ‘ખાધું પીધું ને રાજ કીધું’ જેવી સ્થિતિ છે; કૉ-લૉકેશન કૌભાંડ જેમણે કર્યું હશે તેઓ આબાદ છટકી ગયા, કારણ કે સેબીની નજરમાં અને તપાસમાં એવું બહાર આવ્યું છે કે કોઈ કૌભાંડ થયું જ નથી, જે થયું એ ફક્ત સિસ્ટમની ત્રુટિ હતી.
આપણે જેને કૉ-લૉકેશન કહીએ છીએ એ વાસ્તવમાં હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગ હોય છે, જેમાં અમુક લોકોને બીજાની સરખામણીએ જલદી ટ્રેડિંગ કરવા મળે છે અને તેઓ તેનો લાભ ખાટી જાય છે. યુનાઇટેડ કિંગડમના અહેવાલમાં તેના માટે ‘લેટેન્સી આર્બિટ્રેજ ‘શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેઓ આવું ઝડપી ટ્રેડિંગ કરતા હોય તેમને હાઇ ફ્રીકવન્સી ટ્રેડરો કહેવાય છે.
એનએસઈના કેસમાં તો અભ્યાસના નામે ડેટા આપવામાં આવ્યા અને અંદરોઅંદર ભળેલા અનેક લોકો તેમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ વ્હીસલબ્લોઅરે કર્યો હતો. છેલ્લે સેબીએ કૉ-લૉકેશન કૌભાંડને કામકાજની ત્રુટિ ગણાવીને જવાબદારોને મોટી સજા સંભળાવવાનું ટાળ્યું અને બધા આબાદ છટકી ગયા. જો કે, યુનાઇટેડ કિંગડમના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે લોકો લેટેન્સી આર્બિટ્રેજ કરે છે અને તેને કારણે સામાન્ય રોકાણકારને નુકસાન થાય છે.
હાઇ ફ્રીકવન્સી ટ્રેડરોને બીજાઓ કરતાં પહેલાં મળી જતી માહિતીમાં કૉર્પોરેટ ન્યૂઝથી માંડીને આર્થિક ડેટાનો સમાવેશ થાય છે.
એનએસઈને એક વરિષ્ઠ રાજકારણી સાથે સંબંધ હોવાનું ચર્ચાય છે તેથી સમજી શકાય છે કે એનએસઈમાં હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગ કરનારાઓને દેશના આર્થિક ડેટા સાર્વજનિક થવા પહેલાં જ મળી જતા હશે. એક વહાલો અને બીજા બધા દવલા જેવી સ્થિતિમાં વહાલો જ કમાય એ દેખીતી વાત છે. તેનું પરિણામ એ આવે છે કે સ્ટૉક એક્સચેન્જના મારફતે મૂડીસર્જન અને રોકાણની પ્રવૃત્તિ થવાને બદલે સટ્ટો જ ખેલાતો રહે છે અને કૉ-લૉકેશન કે લેટેન્સી આર્બિટ્રેજ જેવી સ્થિતિમાં અમુક જ વહાલાઓ કમાણી કરી જાય અને બીજા બધાને નુકસાન થાય. ભારતમાં પણ આવું જ થયું હોવાથી હજી દેશમાં ઈક્વિટી કલ્ટ નિર્માણ થયો નથી, અર્થાત્ ઈક્વિટીમાં વિશ્વાસપૂર્વક રોકાણ કરવાની પ્રવૃત્તિ વધી નથી.
હાલમાં પ્રગટ થયેલા એક અહેવાલ મુજબ શેરબજારમાં થતા કૅશ ટ્રેડિંગમાં દેશનાં પાંચ ટોચનાં શહેરોમાંથી 80 ટકા વોલ્યુમ આવે છે. તેમાંથી એકલા મુંબઈનું વોલ્યુમ 64.6 ટકા છે. દિલ્હી દેશની રાજધાની હોવા છતાં તેનો હિસ્સો માત્ર 5.1 ટકા છે. ડેરિવેટિવ્ઝ માર્કેટમાં તો આનાથી પણ વધારે એકતરફી ચિત્ર હશે એવું કહી શકાય. આના પરથી પુરવાર થાય છે કે દેશમાં હજી એકલા મુંબઈમાં શેરબજારની પ્રવૃત્તિ ચાલે છે અને બાકીની જગ્યાએ ઈક્વિટીમાં લોકોનો વિશ્વાસ જ નથી.
હમણાં સેબીની જ ટેક્નિકલ એડવાઇઝરી કમિટીના ચૅરમૅન અશોક ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે કૉ-લૉકેશન અને હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગમાં ગેરરીતિઓ થવાનું જોખમ વધારે હોય છે. ટ્રેડરો બજારના પ્લેયર્સની સાથે મળીને આ ગેરરીતિઓ-ગોટાળા કરી શકે છે.
અશોક ઝુનઝુનવાલા આઇઆઇટી મદ્રાસના પ્રોફેસર પણ છે. તેમણે સેબી અને તેની સંસ્થા – નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ સિક્યૉરિટીઝ માર્કેટ્સના એક કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું હતું કે સ્ટૉક માર્કેટમાં પ્રાઇસ-ટાઇમ પ્રાયોરિટીનો કોન્સેપ્ટ હોય છે અર્થાત્ ખરીદી કે વેચાણ માટે તત્ક્ષણે ઉત્તમ ભાવ કયો છે તેના આધારે સોદાઓ આપોઆપ પાર પડે છે. જો કે, વર્તમાન સમયમાં આ કોન્સેપ્ટનો વાસ્તવિક અમલ ઘણો મુશ્કેલ બની ગયો છે. તેનું એક ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે આસામમાં કે દેશના કોઈ ખૂણે બેઠેલા માણસને તેનો ઓર્ડર અમલમાં મૂકવા માટે લાગતો સમય મુંબઈના ટ્રેડર કરતાં વધારે હોય છે. એક્સચેન્જના બિલ્ડિંગની અંદર જ જે કૉ-લૉકેશન કોમ્પ્યુટરો હોય એ સૌથી વધારે ઝડપી હોય છે. કૉ-લૉકેશન અને હાઇ સ્પીડ કોમ્પ્યુટર્સ 10 મિલિસેકન્ડના સમયમાં હજારો ઓર્ડર દાખલ કરી શકે છે. આથી જો કોઈ માણસ ચેન્નઈમાં હોય તેના કરતાં વધારે ઝડપથી કૉ-લૉકેશનવાળો માણસ હજારો ઓર્ડર દાખલ કરી શકે છે. ઝુનઝુનવાલાએ આ બાબતને અન્યાયી ગણાવી છે.
બીજા એક અંદાજ મુજબ ભારતમાં હાઇ ફ્રીકવન્સી ટ્રેડિંગનું પ્રમાણ બજારના કુલ વોલ્યુમના ત્રીજા ભાગનું છે. કૉ-લૉકેશનની સુવિધા પૂરી પાડીને એક્સચેન્જને વધુ નાણાં મળતાં હોવાથી એ તેનું સમર્થન કરે છે, પરંતુ અમુક લોકોના લાભ ખાતર ઘણા મોટા રોકાણકાર વર્ગને નુકસાન થાય છે.
નોંધનીય છે કે સેબીની આ જ ટેક્નિકલ એડવાઇઝરી કમિટીએ 2016માં તેના અહેવાલમાં તારણ તરીકે કહ્યું હતું કે એનએસઈમાં સિસ્ટેમેટિક ખામીઓ છે અને એક્સચેન્જમાં અલગ અલગ સ્તરે ચાલતી સાંઠગાંઠની તપાસ કરવાની જરૂર છે.
ટૂંકમાં, સેબીએ એનએસઈના કૉ-લૉકેશનની બાબતે જે કાચું કાપ્યું છે એનાથી સિક્યૉરિટીઝ માર્કેટની વિશ્વસનીયતાને ઘસારો લાગ્યો છે. તેનાં ઢીલાં પગલાં માટે કોણ જવાબદાર છે એ કદાચ સમય કહી બતાવશે, પરંતુ ત્યાર સુધીમાં સામાન્ય રોકાણકારને તથા દેશને ઘણું નુકસાન થઈ ગયું હશે. આપણે એમ પણ કહી શકીએ છીએ કે સેબીએ નિયમનકાર તરીકે પોતાની જવાબદારી બજાવવામાં કચાશ રાખી છે. તેથી જ સિક્યૉરિટીઝ માર્કેટનો જોઈએ એવો તંદુરસ્ત વિકાસ થયો નથી. દેશની જનતાને શેરબજારમાં વિશ્વાસ ન હોય એ બાબત નિયમનકારની નિષ્ફળતા કહેવાય.
———————————-