
દેશમાં આર્થિક ક્ષેત્રે અત્યારે નિરાશાનું વાતાવરણ છે અને તેમાં રોકાણકારોનો વિશ્વાસ દિવસે ન ઘટે એટલો રાત્રે અને રાત્રે ન ઘટે એટલો દિવસે ઘટી રહ્યો છે, છતાં નિયમનકારોને તેની કંઈ પડી ન હોય એવું દેખાઈ રહ્યું છે.
સિક્યૉરિટીઝ માર્કેટમાં, મુખ્યત્વે શેરબજારમાં મૂડીસર્જન કરતાં સટ્ટો વધારે ચાલી રહ્યો છે એવી સ્થિતિમાં તેની નિયમનકાર સંસ્થા સેબીએ સટ્ટાખોરોને ભાવતું મળી જાય એવું વલણ અપનાવ્યું લાગે છે. હાલમાં જ તેણે એનએસઈના કુખ્યાત કૉ-લૉકેશન કૌભાંડમાં એક્સચેન્જના નવ વર્તમાન અને ભૂતપૂર્વ અધિકારીઓને દોષમુક્ત જાહેર કર્યા તેના પરથી લોકો કહેવા લાગ્યા છે કે આ તો દમ વગરનો નિયમનકાર છે.
કૉ-લૉકેશન કૌભાંડ 50,000 કરોડથી 60,000 કરોડ રૂપિયાનું હોવાનો અંદાજ છે, પરંતુ આટલા મોટા ગંભીર વિષયમાં તેણે જાણે કંઈ બન્યું જ ન હોય એ રીતે ભીનું સંકેલી લીધું હોય એવું લાગે છે.
બીજી એક ગંભીર બાબત એ છે કે સેબી કૉર્પોરેટ વ્હીસલબ્લોઅર્સને ઓછા આંકી રહી છે અને તેમને ઓછું મહત્ત્વ આપી રહી છે. આ નિયમનકારી સંસ્થા વિશે આવું જણાવતો અહેવાલ ગયા મહિનાની 11મી તારીખે પ્રકાશિત થયો હતો. ત્યારે ઘણાએ એને કદાચ સાચો નહીં માન્યો હોય, પરંતુ આ મહિનાની 16મી તારીખે એ જ લોકોને ઉક્ત અહેવાલમાં રહેલું તથ્ય જણાઈ આવ્યું છે. કૉ-લૉકેશન પ્રકરણને કારણે ભારતભરમાં વગોવાયેલા એનએસઈ સામે જાણે તપાસનું ફક્ત નાટક કર્યું હોય એમ એ કેસના નવ અધિકારીઓને તેણે આ કેસમાં દોષમુક્ત જાહેર કર્યા છે.
ગણ્યાગાંઠ્યા બ્રોકરોને અન્યોની તુલનાએ સર્વરનો સંપર્ક જલદી આપવાની ગેરરીતિ બદલ આ નવ અધિકારીઓ સામે તપાસ ચાલી હતી. 50,000 કરોડથી 60,000 કરોડ રૂપિયાનું આ કૌભાંડ હોવા છતાં અત્યારે તો એવું જ ચિત્ર ઉપસી રહ્યું છે, જાણે એ કેસમાં કોઈ તથ્ય હતું જ નહીં. નોંધનીય છે કે કૉ-લૉકેશન કેસ પર એક વ્હીસલબ્લોઅરે જ પ્રકાશ પાડ્યો હતો, પરંતુ સેબીએ દેશમાં વ્હીસલબ્લોઅર નીતિ લાવવા પાછળની વિભાવનાનો જ વીંટો વાળી દીધો છે.
દેશ અને દુનિયા આખામાં વ્હીસલબ્લોઅર્સને ઘણું જ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે સેબી કોણ જાણે કેમ અનામી વ્હીસલબ્લોઅરની ફરિયાદો સાંભળવા તૈયાર નથી. 11 ડિસેમ્બર, 2019ના હિન્દુ બિઝનેસ લાઇન અખબારના અહેવાલ (https://www.thehindubusinessline.com/markets/stock-markets/is-sebi-discouraging-corporate-whistle-blowers/article30275554.ece#) અનુસાર સેબીએ પહેલેથી જ વ્હીસલબ્લોઅરના પત્ર તરફ દુર્લક્ષ કર્યું હતું. મુંબઈ વડી અદાલતે કૉ-લૉકેશન કેસમાં તપાસ કરવાનો આદેશ આપ્યા બાદ જ તેણે પરાણે પુણ્ય કરતી હોય એ રીતે કાર્યવાહી શરૂ કરી હતી.
ગયા મહિનાની એક ઘટનાના સંદર્ભે બિઝનેસલાઇને જણાવ્યું હતું કે સેબીએ એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ)ના ડેટાની ચોરીના કેસમાં વ્હીસલબ્લોઅરની ફરિયાદને ફગાવી દીધી છે. તેણે ફરિયાદને નકારી દેતાં કહ્યું હતું કે વ્હીસલબ્લોઅર પોતાની ઓળખ જાહેર કરશે અને આક્ષેપને સંબંધિત પૂરક દસ્તાવેજો પૂરા પાડશે તો જ તેમની ફરિયાદ પર ધ્યાન આપવામાં આવશે. અહીં મુદ્દો એ છે કે જો વ્હીસલબ્લોઅરે પોતાની ઓળખ જાહેર કરવી જ હોય અને તેની પાસે પુરાવા હોય તો એ શું કામ સેબીને ફરિયાદ કરે, સીધેસીધો અદાલતમાં જઈને કેસ ન કરી નાખે? ભારતના સરકારી તંત્ર પાસેથી આશા રાખવાને બદલે એ શું કામ સીધેસીધો ન્યાયતંત્ર પાસે ન પહોંચી જાય? જો બધું સામાન્ય માણસે જ કરવાનું હોય તો પછી નિયમનકારની જરૂર જ શું છે?
દેશમાં વ્હીસલબ્લોઅર નીતિ લાવવા પાછળનું એક કારણ એ જ છે કે લોકો બિનધાસ્તપણે ફરિયાદ કરે. જો પોતાની ઓળખ જાહેર કરવી પડે તો ડરના માર્યા લોકો કોઈ ગેરરીતિ સામે અવાજ ઉઠાવે જ નહીં.
હિન્દુ બિઝનેસલાઇનના અહેવાલમાં ‘મનીલાઇફ’ સામયિકના મૅનેજિંગ તંત્રી અને હર્ષદ મહેતાના કૌભાંડને બહાર લાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવનાર સૂચેતા દલાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જો લિસ્ટેડ કંપની અને લોકો પાસે ડિપોઝિટ લેનારી એન્ટિટીઝે વ્હીસલબ્લોઅરની નનામી ફરિયાદો બાબતે ફરજિયાતપણે તપાસ કરવી પડે છે તો સેબી શું કામ પોતાને એમના કરતાં અલગ ગણવાની વાત કરે છે? આ એન્ટિટીઝ સેબીના નિયમન હેઠળ આવે છે અને નનામી ફરિયાદો બાબતે તપાસ કરવાની જવાબદારી ધરાવે છે તો સેબી શું કામ એ જ નિયમનું પાલન કરતી નથી?
એક નિયમનકાર તરીકે સેબીએ પોતાનો કડપ બેસાડવા માટે નનામી ફરિયાદો પર પણ ધ્યાન આપવું જોઈએ. સૂચેતા દલાલે એમ પણ જણાવ્યું છે કે સેબી પોતાની સેબી કમ્પ્લેઇન્ટ રિડ્રેસ સિસ્ટમ (સ્કોર્સ) પર નોંધાવાયેલી ફરિયાદોને બજારસંબંધી માહિતી કે વ્હીસલબ્લોઅરની માહિતી ગણાવીને કેસ બંધ કરી દે છે. તેના આવા વલણ પ્રત્યે સિક્યૉરિટીઝ ઍપલેટ ટ્રિબ્યુનલે તેને ઠપકો આપ્યો છે.
સીબીઆઇ અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (સીવીસી) પણ વ્હીસલબ્લોઅરોની નનામી ફરિયાદોમાં તથ્ય દેખાય તો તેના વિશે તપાસ કરે છે. આવી સ્થિતિમાં સેબી એવી ફરિયાદોને મહત્ત્વ આપતી નથી એ આઘાતજનક બાબત કહેવાય. એ ખરેખર ગુનેગારોને પકડવા માગે છે કે છાવરવા માગે છે એવો સવાલ ઊભો થાય છે. કૉ-લૉકેશન કૌભાંડ બાબતે વ્હીસલબ્લોઅરે પત્ર લખ્યો ત્યારે સેબીએ શરૂઆતમાં તેના તરફ દુર્લક્ષ જ કર્યું હતું. તેણે એ કેસમાં વડી અદાલતનો આદેશ આવ્યા બાદ જ તપાસ શરૂ કરી.
સૂચેતા દલાલે હિન્દુ બિઝનેસલાઇનને જણાવ્યા અનુસાર કૉ-લૉકેશન કેસમાં વ્હીસલબ્લોઅરે આપેલી એનએસઈની ગેરરીતિઓ વિશેની વિસ્તૃત માહિતીને અનેક સમિતિઓએ પણ સમર્થન આપ્યું હતું, જેમાં સેબીની ટેક્નિકલ એડવાઇઝરી કમિટી પણ સામેલ હતી.
પછીથી સેબીએ જાણે દબાણમાં આવીને કાર્યવાહી કરી હોય એવું જ લાગ્યું, કારણ કે તેણે કૉ-લૉકેશન કેસમાં કોઈની પણ જવાબદારી નિશ્ચિત કરવાને બદલે સંપૂર્ણ કૌભાંડને કામકાજની ક્ષતિ ગણાવી. તેણે એનએસઈને ગેરકાયદે થયેલા નાણાકીય લાભની 1,000 કરોડ રૂપિયાની રકમ પાછી ચૂકવવાનો આદેશ આપ્યો, પરંતુ તેનાં તમામ પગલાં સિક્યૉરિટીઝ ઍપલેટ ટ્રિબ્યુનલે રદબાતલ કર્યાં. સિક્યૉરિટીઝ બજારના જાણકારોનું તો એવું જ કહેવું છે કે સેબીએ જાણીજોઈને કેસ ઢીલો રાખ્યો, જેથી બધા જવાબદાર લોકો આબાદ છટકી જાય.
હવે 16મી જાન્યુઆરીના રોજની ઘટનાની વાત પર પાછા આવીએ. સેબીએ કૉ-લૉકેશન કેસમાં એનએસઈના વર્તમાન અને ભૂતપૂર્વ મળીને કુલ નવ અધિકારીઓને દોષમુક્ત જાહેર કર્યા છે. આ અધિકારીઓમાં એનએસઈના ભૂતપૂર્વ એમડી-સીઈઓ રવિ નારાયણ, ભૂતપૂર્વ સીનિયર વાઇસ પ્રેસિડન્ટ (ઓપરેશન્સ) આર. નંદકુમાર, ચીફ ઓપરેટિંગ ઑફિસર – ટ્રેડિંગ મયૂર સિંધવડ, ચીફ ટેક્નૉલૉજી ઑફિસર – પ્રૉજેક્ટ્સ સંકરસન બેનર્જી, ચીફ ઑપરેટિંગ ઑફિસર – ઓપરેશન્સ જી. શેણોય, વાઇસ પ્રેસિડન્ટ – રેગ્યુલેશન્સ સુપ્રભાત લાલા, ભૂતપૂર્વ ચીફ ટેક્નૉલૉજી ઑફિસર રવિ આપ્ટે, ભૂતપૂર્વ ચીફ ટેક્નૉલૉજી ઑફિસર એન. મુરલીધરન અને કૉ-લૉકેશનના ભૂતપૂર્વ હેડ જગદીશ જોશીનો સમાવેશ થાય છે.
આ કેસની એક ફરિયાદ મુજબ કેટલાક સ્ટૉક બ્રોકર્સને એક્સચેન્જની પૅનલ બહારના સર્વિસ પ્રોવાઇડર ‘સંપર્ક ઇન્ફોટેનમેન્ટ’ પાસેથી પોઇન્ટ ટુ પોઇન્ટ ડાર્ક ફાઇબર કનેક્ટિવિટી આપવામાં આવી હતી. તેને લીધે કેટલાક બ્રોકરોને બીજાઓની સરખામણીએ વધુ ઝડપથી સોદા કરવા મળ્યા, જેનો લાભ લઈને તેઓ એપ્રિલથી ઑગસ્ટ 2015ના ગાળામાં વધુ ટર્નઓવર કરી શક્યા હતા.
સેબીના હોલટાઇમ મેમ્બર એસ. કે. મોહન્તીએ આદેશમાં કહ્યું છે કે ઉક્ત અધિકારીઓએ સંપર્કને મદદ કરી હોય એવું પુરવાર કરનારો કોઈ પુરાવો નથી. અહીં સવાલ એ છે કે જો કોઈ અધિકારીએ સંપર્કને મદદ કરી ન હતી તો સેબીની ટીમે તેમની વિરુદ્ધ તપાસ કયા આધારે કરી અને કયા આધારે કાર્યવાહી કરી. જો અધિકારીઓ નિર્દોષ હોય તો તપાસ અને કાર્યવાહી કરનારી સેબીની આંતરિક ટીમે કયા આધારે એમ કર્યું? આ ટીમ સામે સેબીના ચૅરમૅને કાર્યવાહી કરવી જોઈએ એવું પણ કહી શકાય.
ટૂંકમાં, કૉ-લૉકેશન પ્રકરણમાં ભીનું સંકેલાયું હોવાની શંકા જગાવતો સેબીનો આ આદેશ છે. જો કે, તેને લીધે નિયમનકાર તરીકેની સેબીની છાપ દિવસે ને દિવસે વધુ ને વધુ બગડી રહી છે. જો નિયમનકાર જ આ રીતે ઢીલ કરે તો નિયમનકાર શેનો?
———————————