રાજકારણીઓને કોઈ પહોંચી ન શકે. આઇએનએક્સ મીડિયા કેસમાં 100 દિવસ સુધી જેલમાં રહીને બહાર નીકળ્યા બાદ પી. ચિદમ્બરમ અદાલતમાં બીજાઓના કેસ લડવા પણ જવા લાગ્યા અને સત્તાધારી પક્ષ વિશે ટીકા-ટિપ્પણીઓ પણ કરવા લાગ્યા. પોતાની સામે બીજા કેસ પણ છે તેની પરવા કર્યા વગર જ તેમણે અગાઉ જાણે કંઈ બન્યું ન હોય એવું વર્તન શરૂ કરી દીધું. જો કે, કાયદો પોતાનું કામ કરતો જ હોય છે. આથી જ તેમણે ઍર ઇન્ડિયા કટકી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થવું પડ્યું. ગયા શુક્રવારે એટલે કે ત્રીજી જાન્યુઆરીએ ઈડીએ લગભગ છ કલાક સુધી તેમની ઉલટતપાસ કરી.
અનેક નાણાકીય કૌભાંડોની સાથે સંકળાયેલા હોવાના તથા દેશની સુરક્ષા સામે ખતરો ઊભો કરનારી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના આરોપ પી. ચિદમ્બરમ પર મુકાયેલા છે. તેમાંથી એક આરોપ ઍર ઇન્ડિયા માટે 111 વિમાનોની ખરીદીમાં 20 ટકા કટકી લીધાનો છે અને એ જ સંબંધે ઈડીએ શુક્રવારે તેમના પર સવાલોની ઝડી વરસાવી હતી.
નોંધનીય છે કે યુપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ની સરકારના કાળમાં થયેલા ઍર ઇન્ડિયા માટે વિમાનો ખરીદવાના સોદા સંબંધે તત્કાલીન નાગરી ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલની પૂછપરછ પણ થઈ ચૂકી છે. તેમના પર આરોપ છે કે તેમણે ઍરબસ અને બોઇંગ કંપની પાસેથી વિમાનો ખરીદી કરવાના કોન્ટ્રેક્ટ આપીને સામે કટકી મેળવી હતી અને એ નાણાંનું મની લૉન્ડરિંગ કર્યું હતું. આ કંપનીઓ પાસેથી ઍર ઇન્ડિયા માટે 111 વિમાનોની ખરીદી કુલ 70,000 કરોડ રૂપિયા કરતાં વધુ રકમે કરવામાં આવી હતી.
અન્વેષણાત્મક સમાચારો માટે જાણીતી વેબસાઇટ પીગુરુસ ડોટ કોમના અહેવાલ (https://www.pgurus.com/ed-grills-chidambaram-on-111-aircraft-purchase-at-a-high-rate-for-air-india-kickback-money-believed-to-be-20-in-rs-70000-crore-deal/#_ftn2) અનુસાર વિમાનોની ખરીદી બજારમાં પ્રવર્તમાન ભાવ કરતાં ઘણા ઉંચા દરે કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ ખરીદીના દર 20 ટકા વધારે હતા અને એ રકમ યુપીએ સરકારના સહયોગી પક્ષો – કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસે કટકી તરીકે વહેંચી લીધી હતી.
વર્ષ 2011માં દેશના કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલે 48 ઍરબસ અને 63 બોઈંગ વિમાનોની ખરીદીમાં આચરાયેલી ગેરરીતિ તરફ ધ્યાન ખેંચ્યું હતું. એમાંય નવાઈની વાત એ હતી કે નવાં ખરીદાયેલાં વિમાનોમાંથી અમુક વિમાન એતિહાદ કંપનીને ઘણા સસ્તામાં વેચી દેવાયાં હતાં. વિમાનોની ખરીદી અને વેચાણના સોદાઓને ચિદમ્બરમે મંજૂર કર્યા હતા.
વેપારી સોદાઓમાં લોબિંગ કરનાર વિવાદાસ્પદ દલાલ દીપક તલવારે ઉક્ત સોદામાં વચેટિયા તરીકે કામ કર્યું હતું. અહીં જણાવવું રહ્યું કે તલવારને ગયા વર્ષે દુબઈથી પકડીને ભારત લવાયા હતા. અત્યારે તેઓ તિહાર જેલમાં છે.
પી. ચિદમ્બરમે સોદામાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામી કરી ચૂક્યા છે. તેમણે તેની અનેક ફરિયાદો પણ કરી છે. તેમણે 2005ની પ્રધાનોના જૂથની મીટિંગની મિનટ્સ રજૂ કરીને કહ્યું હતું, ”ચિદમ્બરમે એ જૂથના વડા તરીકે વિમાનોની ખરીદી માટે મંજૂરી આપી હતી. એ મીટિંગમાં તેમણે કહ્યું હતું કે નાગરી ઉડ્ડયન મંત્રાલય બોઈંગ અને જનરલ ઈલેક્ટ્રિકને વિમાન માટેના ઓર્ડર આપવા માટે ઍર ઇન્ડિયાને આદેશ આપવાનો અધિકાર ધરાવે છે. તેને પગલે ઇન્ડિયન ઍરલાઇન્સને ઍરબસની ખરીદી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.”
ઉક્ત ખરીદીને પગલે મની લૉન્ડરિંગ થયું હોવા બાબતેની તપાસ યુપીએના કાર્યકાળમાં જ શરૂ થઈ હોવાનું અધિકારીઓનું કહેવું છે. ઈડીએ એ તપાસને જ આગળ વધારતાં હાલમાં ચિદમ્બરમની પૂછપરછ કરી હતી. એમ તો તેમને ગત 23મી ઑગસ્ટે જ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ એ વખતે તેઓ આઇએનએક્સ મીડિયા કેસમાં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સીબીઆઇની કસ્ટડીમાં હતા.
કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલે 2011માં વિમાનોની ખરીદીનો ઓર્ડર આપવાના સરકારના નિર્ણયની પાછળના તર્કની સામે સવાલ ઊભો કર્યો હતો. ચિદમ્બરમ પ્રધાનોના જૂથના વડા હોવાથી તેમની પૂછપરછ પણ આવશ્યક હતી.
————————————–